નિબંધલેખનની કાર્યશાળા જેવો શબ્દ કાને પડતાં કે આંખે ચડતાં જ એ.સી.હૉલમાં મૂકાયેલી ખુરશીઓ અને સામેથી ફેંકાતા વક્તવ્યનું દૃશ્ય નજર સમક્ષ ઊપસી આવે. એન્જિનિયરીંગના મારા જેવા વિદ્યાર્થીને સુથારીકામ, લુહારીકામ વગેરેનાં સાધનો ધરાવતી કૉલેજની વર્કશોપ યાદ આવી જાય. પણ કલોલની હોલી ચાઈલ્ડ સ્કૂલનાં આચાર્યા હેતલબહેન સાથે વાત થઈ ત્યારે પ્રાથમિક રીતે પરસ્પર એ નક્કી કરી લીધેલું કે આપણે આ આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે કરીએ છીએ, અને એનો મુખ્ય આશય પરીક્ષામાં પૂછાતા નિબંધના સવાલમાં વધુ ગુણ મેળવવાનો નથી. આટલું નક્કી થયું એટલે અન્ય બાબતો ગોઠવાતી ગઈ. જેમ કે, બાળકો શા માટે આમાં હાજરી આપે? એમને શો રસ પડે? આ ઉંમરે પરીક્ષા સિવાયની બીજી કોઈ બાબત શીખવામાં તેમનું વલણ ખાસ ન હોય, તો આપણે ખરેખર શીખવવું શું? આવા અનેક સવાલના જવાબ જાતે ને જાતે મેળવવાના હતા. પણ શું ન કરવું એ નક્કી હતું એટલે એ જવાબ મેળવાતા ગયા. એ વિશે ફોનથી સતત ચર્ચા પણ થતી રહી. એટલું નક્કી થયું કે આઠમા ધોરણના વર્ગનાં તમામ બાળકોને આમાં સામેલ કરવા. પણ એક સમૂહમાં ત્રીસ કે વધુમાં વધુ પાંત્રીસ. એથી વધુ નહીં. આને પરિણામે સવારે ઊપરાઊપરી બે બેઠક કરવાની થાય. દોઢેક કલાકની એક. એ જ રીતે અંગ્રેજી માધ્યમનાં બાળકો માટે બપોરની બેઠક.
| એક સમૂહપ્રવૃત્તિ વિશે વાતચીત |
બસ, આ જ બાબત આખી કાર્યશાળામાં કેન્દ્રસ્થાને હતી અને રહી. પોતાની આસપાસ, પોતાની જાણમાં હોવાં છતાં જે લખવા વિશે વિચાર નથી આવતો એવા અનેક મુદ્દા નીકળ્યા. એક જ ઉદાહરણ. ઘણા બધા વિદ્યાર્થીઓએ કહ્યું, 'શિયાળાની સવારે વહેલા જાગવાનો કંટાળો આવે છે.' આથી તેમના કરતાં વહેલાં કોણ કોણ જાગે છે અને પોતાની ફરજ બજાવે છે એ વિશે તેમને પૂછ્યું. સૌથી પહેલાં તેમણે મમ્મી, પપ્પાનું નામ દીધું, પછી શાળાના શિક્ષકોનું, અને એ પછી અખબાર આપનાર, દૂધ આપનાર, શાકભાજી લાવનાર કે સફાઈકામ કરનારનાં નામ દીધાં. તેમને એ સમજાયું કે એ લોકો વહેલા જાગી જાય છે, પોતાનું કામ પતાવે છે, પણ આપણે એમના વિશે કદી વિચારતા નથી. બસ, આ રીતે બીજા અનેક પાસાં વિશે વાત થઈ. એ રીતે નિબંધમાં કેવા કેવા મુદ્દાઓ સમાવી શકાય એ તેમને સ્પષ્ટ થયું હોય એમ જણાયું. પોતાની આસપાસ રહેતા અન્ય લોકો વિશે તેઓ વિચારતા થાય, સંવેદનાથી વિચારે અને તેમની નોંધ લે એ આશય અમુક રીતે સધાયો હોય એમ લાગ્યું. તેમને એવી સ્પષ્ટતા પણ કરી કે પરીક્ષામાં નિબંધ લખતાં તમને આવડે જ છે. પણ આ રીતે તમે વિચારતા થાવ એ આશય આ કાર્યશાળાનો છે.