સૌ પ્રથમ હિન્દી બોલપટ 'આલમઆરા'ની રજૂઆત 14 માર્ચ, 1931ના રોજ થયેલી. આ દિનવિશેષની સ્મૃતિમાં ગયે વર્ષે અમદાવાદના સ્ક્રેપયાર્ડ થિયેટર ખાતે હિન્દી સિનેમાના ટાઈટલ મ્યુઝિક પર આધારિત કાર્યક્રમ 'નમ્બરિયા'નું આયોજન કરાયેલું. એ પછી આ કાર્યક્રમનો બીજો ભાગ પણ યોજાયો, અને હજી ત્રીજો આયોજન હેઠળ છે. આ વર્ષે આ દિનવિશેષે અમે 'સાગર મુવીટોન' વિશે કાર્યક્રમ વિચાર્યો. જો કે, એ જ દિવસે ધુળેટી હોવાથી એની રજૂઆત પછીના સપ્તાહ પર ઠેલી, અને એ મુજબ 22 માર્ચ, 2025ની સાંજે સાડા સાત વાગ્યે 'SAGAR MOVIETON: Foremost, yet forgotten chapter of Indian Cinema' યોજાઈ ગયો.
'સાગર મુવીટોન' વિશે મારું પુસ્તક 2014માં પ્રકાશિત થયું હતું. એ પુસ્તકના આલેખનની સફર રોમાંચક રહી હતી, પણ અહીં મારે એ પુસ્તક વિશે ઓછી, અને આ ફિલ્મનિર્માણ કંપની વિશે વધુ વાત કરવાની હતી.
આમ તો 1929થી 1948 સુધીના સમયગાળા દરમિયાન કાર્યરત રહેલી આ કંપની, પણ તેનું માતબર પ્રદાન એવું અને એટલું હતું કે બે પૂંઠા વચ્ચે એ આવ્યું ત્યારે જ એનો ખ્યાલ આવી શક્યો. સિનેમાના આરંભિક કાળની આ કંપની હોવાથી એ સમયગાળો અનેક રીતે મહત્ત્વનો હતો. 'ફિલ્મ ઉદ્યોગની નર્સરી' કહેવાતી આ સંસ્થામાં અનેક કલાકારો તૈયાર થતા, અને નીકળતા. એક સવા કલાકની ગાગરમાં આ 'સાગર'ને શી રીતે સમાવવું એની મીઠી મૂંઝવણ પણ ખરી.
સામે બેઠેલા દર્શકવર્ગમાં જૂની ફિલ્મોના જાણકાર અનેક વડીલમિત્રો હતા, તો અનેક યુવાઓ પણ ઊપસ્થિત રહેલા એ જોઈને વધુ આનંદ થયો. તેઓ છેક સુધી બેઠા, એટલું જ નહીં કાર્યક્રમ પછીની પ્રશ્નોત્તરીમાં સક્રિયપણે ભાગ લીધો.
'સાગર'ની તેમજ એ સમયગાળાની બીજી અનેક વાતો આવી પ્રશ્નોત્તરીમાં બહાર આવતી રહે એની એક જુદી જ મજા હોય છે.
પુસ્તકના પ્રેરક એવાં ચીમનલાલ દેસાઈના પૌત્ર સુકેતુ દેસાઈ અને પૌત્રવધૂ દક્ષા દેસાઈનું સ્મરણ (બન્ને હવે દિવંગત છે) |
આ કંપનીની એક પણ ફિલ્મની ક્લીપ ઉપલબ્ધ ન હોવાથી તેની બુકલેટોના દર્શનથી સંતોષ માનવો પડ્યો, સાથોસાથ તેનાં કેટલાંક યાદગાર ગીતોનું શ્રવણ અને તેના વિશે વાત થઈ. 'ઔરત' (નેશનલ સ્ટુડિયો' નિર્મિત) અને 'મધર ઈન્ડિયા' તેમજ એના અંત વિશે છણાવટ થઈ.
સ્ક્રેપયાર્ડનું વાતાવરણ અને અહીં આવતા સજ્જ દર્શકવર્ગને લઈને મનમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો સ્ફૂરી રહ્યા છે. 'નમ્બરિયા', 'હોમાય વ્યારાવાલા' પછી આ એવો જ એક કાર્યક્રમ હતો. હજી બીજા અનેક મનમાં છે.
(ડાબેથી) દક્ષાબહેનના ભાઈ અશોકભાઈ પટેલ, કામિની કોઠારી, બીરેન, પન્નાબહેન પટેલ અને દક્ષાબહેન સાથે મને જોડી આપનાર સંગીતપ્રેમી સ્નેહીમિત્ર ચંદ્રશેખર વૈદ્ય |
આવતા સપ્તાહે, 29મી માર્ચથી 'કહત કાર્ટૂન'ની બીજી સીઝન પણ ચાલુ થઈ રહી છે.
સરવાળે એક મસ્તમજાના કાર્યક્રમની સ્મૃતિને મમળાવતાં અમે વિદાય લીધી.
(તસવીર સૌજન્ય: પરેશ પ્રજાપતિ અને સુહાસ ઠક્કર)
No comments:
Post a Comment