દિવાલ દિવાલમાં ફરક હોય છે, ભઈલા!
અજાયબી ગણાય, જો બને આક્રમણને ખાળવા,
વિકાસ ગણાય, જો ચણાય ગરીબોને ટાળવા,
દિવાલ ભલે બનાવાય પાકી,
ઈરાદાઓને કદી ન શકાય ઢાંકી,
નજરે પડવાં ન જોઈએ આ ઝૂંપડાં એટલે કે કાચાં મકાનો,
પામવાનો બુદ્ધત્વ નક્કી ભત્રીજો સામકાકાનો,
એને બદલે કરીએ એમ, બોલાવીએ સરકસના તંબૂવાળાને,
શહેર આખાને ઢાંકે તંબૂથી,
આગળથી, પાછળથી, નીચેથી, ઉપરથી
ઝગમગાવે રોશનીથી,
અંદર પાડીશું પછી ખેલ જાતજાતના,
મોતના ગોળામાં દેખાડીશું ગાંધી આશ્રમ,
ઝૂલાના ખેલ રિવર તણા ફ્રન્ટ પર,
દોરડા પર વાંસડા સાથે ચાલતો નટ એ નાગરિક,
ને એક પૈડાવાળી સાયકલ ચલાવતો જોકર એ....
જવા દો! શું કામ પાડવું નામ કોઈનું?
શું કામ બગાડવું કામ કોઈનું?
મહેમાન મોંઘેરા અમ આંગણે ક્યાંથી?
'કેમ છો?' પૂછીને ધરીશું છાશ,
નજરમાં રાખીને કશીક આશ,
શેની આશ? એ વિષય રાખીએ શ્રદ્ધાનો.
પુરાવાની તો વાત જ કરતા નહીં.
(લખ્યા તારીખ: 14-2-2020, સંદર્ભ: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત)
No comments:
Post a Comment