Sunday, October 30, 2022

લપડાકનો બદલો આવો?

 આપણા જીવનની સફરમાં કેટકેટલા સહપ્રવાસીઓ આપણને મળતા રહે છે. કોઈ ટૂંકા સમય માટે કે કોઈ લાંબા સમય માટે અમુક પંથ સાથે કાપે અને પછી કાળના પ્રવાહમાં સહજપણે વિખૂટા પડે છે. વરસો પછી તેમના વિશે કશુંક જાણીએ, સાંભળીએ કે તેમને મળવાનું બને ત્યારે મીઠો રોમાંચ થતો હોય છે. ક્યારેક એમ ન પણ બને.

અમારા છઠ્ઠા ધોરણના વર્ગમાં એક છોકરો નવો આવેલો. બહુ નહીં, પણ સહેજ માંજરી આંખો, લંબચોરસ ચહેરાની સરખામણીએ એના હોઠ સહેજ જાડા અને પક્ષીની ચાંચની જેમ આગળ ઊપસેલા. નવા વિદ્યાર્થીનાં લક્ષણ પણ આવતાંવેંત પરખાઈ જાય, એમ બહુ ઝડપથી એની દોસ્તી અમુક તોફાની વિદ્યાર્થી સાથે થઈ ગઈ. થોડા પરિચયે ખબર પડી કે અમારી સોનાવાલા હાઈસ્કૂલથી સાવ નજીક, પાંચેક મિનીટના પગપાળા અંતરે, બગીચાની સામે આવેલી 'ગાર્ડની ચાલી'માં તે રહેતો હતો, જે 'ગ્યાડની ચાલી'ના નામે ઓળખાતી હતી. તેના પપ્પા રેલ્વેમાં નોકરી કરતા હતા. તેનાથી મોટા બે-એક ભાઈઓ હતા, અને એ ભાઈઓએ પણ આ જ શાળામાં પ્રવેશ લીધો હતો. એનું નામ હતું દીપક ભગવતપ્રસાદ દવે. જો કે, આવાં અઘરાં નામ બોલવાં કોઈને ફાવે નહીં, એટલે બહુ ઝડપથી એ 'દીપ્કા' તરીકે ઓળખાવા લાગ્યો. પણ નામમાં હજી કંઈક ખૂટતું હોય એમ સૌને લાગતું હતું. તેની પૂર્તિ થોડા સમયમાં થઈ ગઈ. પી.ટી.ના પિરીયડમાં અમે સૌ લંગડી રમતા ત્યારે દીપ્કાની દોડવાની સ્ટાઈલ બધાથી અલગ પડતી. અમસ્તો પણ એ તોફાની ગણાતો, એટલે એનું નામ પડી ગયું 'દીપ્કો બંદર'. આઠમા ધોરણમાં અમે આવ્યા ત્યારે અમારા પ્રિય શિક્ષક એવા મગનભાઈ પટેલે વળી એક નવું નામ એને આપ્યું. મગનભાઈને અમુક હોંશિયાર વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ લગાવ હતો, તેમ અમુક તોફાની વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ભાવ હતો. જેમ કે, અમારા મુકલા (મુકેશ પટેલ) માટે તેમને એ હદે ભાવ કે એમના વર્ગમાં મુકલો રીતસર ઊંઘે તો પણ મગનભાઈ સાહેબ એને કંઈ ન કહે અને ઊપરથી કહે, 'જુઓ ને, મારો બેટો મઠિયો (મુકાનું એમણે આપેલું નામ) કેવો ઊંઘે છે!' મગનભાઈ સાહેબ એમની કડકાઈ માટે જાણીતા. ગણિત અને રસાયણવિજ્ઞાન તેઓ ભણાવતા. કોઈને કંઈ ન આવડે એટલે મગનભાઈ સાહેબ રીતસર તેના પર તૂટી પડતા. આમ છતાં, તેઓ આવા વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી પણ રાખતા. તેમણે 'દીપ્કા'નું નામકરણ કર્યું 'મિસ્ટર જમ્બુ'.

એ સમયે 'મોનીટર'ની પ્રથા ચલણી હતી. ઘણી વાર તો જે તે તાસ માટે હંગામી ધોરણે મોનીટર નીમવામાં આવતો. એ રીતે એક વાર મને મોનીટર નીમવામાં આવ્યો, સાથે સત્તા પણ આપવામાં આવી કે જે કોઈ 'અવાજ કરે' એને એક લગાવી દેવી. બીજી ચિંતા કરવી નહીં. કયા શિક્ષકે મને નીમેલો એ અત્યારે યાદ આવતું નથી, પણ મારા હવાલે વર્ગને મૂકવામાં આવ્યો. મેં જોયું કે દીપ્કો અને એના મિત્રો પાછલી બેન્ચ પર બેઠા બેઠા અકારણ હસ્યા કરતા હતા. મેં એમને અવાજ કરવાની ના પાડી. પણ પ્રતિબંધ મૂકાતાં તેમનું હાસ્ય ઓર વિફર્યું. તેઓ હોઠ દાબીને હસવા જાય અને એ રીતે અવાજ આવે. મને મળેલી સત્તાનો મેં ઊપયોગ કરવા ધાર્યો, અને ત્યાં જઈને દીપ્કાને ગાલે ટપલી લગાવવાની ચેષ્ટા કરી. પણ સત્તાના આવેશમાં એ ટપલી તમાચો બનીને દીપ્કાને ગાલે પહોંચી. ગાલ પર હથેળી પડ્યાનો અવાજ આવ્યો, અને સહુ ચોંકી ઊઠ્યા. દીપ્કો હસવાનું ભૂલીને હવે રડવા લાગ્યો. તેને કેમ છાનો રાખવો એ મારી સત્તામાં આવતું ન હોવાથી મને આવડતું ન હતું. પણ પછી વર્ગમાં શાંતિ છવાઈ ગઈ.

પછી રિસેસમાં દીપ્કાને મળીને મેં સમજાવવા પ્રયત્ન કર્યો હશે. મને હવે બીક એ પેસી ગઈ કે દીપ્કાના બન્ને મોટા ભાઈઓ આ જ શાળામાં ભણે છે. દીપ્કો એમને વાત કરે અને એ બન્ને આવે તો? એકાદ વાર રિસેસમાં દીપ્કાને મેં એના મોટાભાઈ સાથે વાત કરતો જોયો. હું વર્ગમાં જ હતો. બન્ને ભાઈઓ ચાલતા ચાલતા અમારા વર્ગ તરફ આવતા હતા. મને થયું કે હવે મારું આવી બનવાનું! પણ પછી તેનો ભાઈ બીજી તરફ ફંટાઈ ગયો અને મને હાશ થઈ. એ સાથે જ ખાત્રી પણ થઈ કે દીપ્કાએ એના ભાઈને પેલી વાત કરી નથી.

વિજ્ઞાનપ્રવાહના વિષયોને કારણે અમે ઘણા સહાધ્યાયીઓ ચાર-પાંચ વરસ સાથે રહ્યા પછી વિખૂટા પડ્યા. એ પછી ઘણા વખત સુધી ગામમાં ને ગામમાં જ રહેવાનું થયું હોવાથી મોટા ભાગનાઓને મળવાનું પણ બનતું રહેતું. વચગાળાનો દોઢ-બે દાયકો એવી વીત્યો કે જેમાં સંસારજીવન અને કારકિર્દીમાં વ્યસ્ત થઈ જવાયું. એવે સમયે બહુ જ નજીકના મિત્રો હતા એમની સાથે જ સંપર્ક ચાલુ રહ્યો. આ નજીકના મિત્રોમાંના અમે મોટા ભાગના બીજા કે ત્રીજા ધોરણથી સાથે છીએ. હવે અમારી મૈત્રી વ્યક્તિગત મટીને પારિવારિક બની ગઈ છે, અને હવે અમે ઈચ્છીએ તો પણ એને તોડી શકીએ એમ નથી. આવો જ એક મિત્ર અજય પરીખ છે, જેનો મહેમદાવાદ સાથેનો જીવંત વ્યવહાર છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ મારી સવાર એના ફોનથી પડે એમ બનતું હોય છે. કોઈ પણ જૂની ઘટનામાં આનુષંગિક સંદર્ભ માટેનો મારો સૌથી હાથવગો સ્રોત એ છે. તેનો વ્યવસાય મહેમદાવાદમાં જ હોવાથી તે અમારા ઘણા સહાધ્યાયીઓના સંપર્કમાં છે, અથવા તો તેમના વિશે જાણકારી ધરાવે છે, તેમજ અવારનવાર અપડેટ પણ આપતો રહે છે.

30 ઑક્ટોબર, 2018ની સવારે જ તેનો ફોન આવ્યો, અને કહે, 'દીપક દવેને ઓળખું ને?' મેં કહ્યું, 'દીપક ભગવતપ્રસાદ દવે? શું છે એનું? તને હમણાં મળ્યો કે શું?' અજયે કહ્યું: 'એ ગુજરી ગયો. આજે પાંચ-છ દિવસ થયા. તે મુંબઈ રહેતો હતો.'

વચ્ચેના દોઢ-બે દાયકા હું દીપ્કાને સાવ વીસરી ગયેલો. તે ક્યાં છે, શું કરે છે એ જાણવાની તસ્દી લીધી નહોતી. મારા મનમાં હજી એ જ આઠમા-નવમામાં અમારી સાથે ભણતા દીપ્કાની છબિ સચવાયેલી છે. બીજો પણ એક દીપ્કો આ સાથે યાદ આવે છે, જેને 'દીપ્કો માંજરો' કહેતા. આ દીપ્કાઓ જંપીને બેસતા નથી, અને એક વાર યાદ આવે એટલે આપણને જંપવા દેતા નથી.

1 comment:

  1. wah Birenbhai,
    such a nostalgic and emotional narration. Your classmates are really fortunate that you cherish their interactions with accuracy and affection.

    ReplyDelete