Saturday, October 29, 2022

દર્શનથી અર્પણ સુધી

 હજી ગયા સપ્તાહે જ, ઝેન ઓપસ દ્વારા પ્રકાશિત, રજનીકુમાર પંડ્યાએ લખેલું પુસ્તક 'ફિલ્માકાશ' પ્રકાશિત થયું. ઘણાં વરસોથી પ્રતિક્ષીત એવું આ પુસ્તક દોઢેક દાયકા પછી પ્રકાશિત થયું એ ઘણા આનંદની વાત છે, પણ એ પુસ્તક ઉઘાડતાં જ મને એક હળવો રોમાંચ થઈ આવ્યો. એ રોમાંચનું કારણ જાણવા માટે ત્રણ- સવા ત્રણ દાયકા પાછા જવું પડે એમ છે.

1988-89 ના અરસામાં, એટલે કે મારી 23-24ની અને ઉર્વીશની 16-17ની વયે એક નવા શોખનો આરંભ થયેલો. વાંચન તરફ બે-ત્રણ વરસથી આકર્ષાયેલા, પણ હવે અમને થયું કે આટલું પૂરતું નથી. ગમતા કે ન ગમતા લેખકોને પત્ર લખીને આપણી લાગણી એમને પહોંચાડવી જોઈએ. એ ક્રમમાં પહેલવહેલો પત્ર પ્રિયકાન્ત પરીખને લખેલો, અને એમના પછીનો પત્ર રજનીકુમાર પંડ્યાને લખ્યો.

મહેમદાવાદ જેવા નાનકડા નગરના બે સાવ અજાણ્યા, લબરમૂછિયા વાચકોને રજનીકુમારે અતિશય સૌજ્ન્ય તેમજ પ્રેમપૂર્વક પ્રતિભાવ પાઠ્વ્યો. એ પછી તેમના અમને ગમેલા લેખો વિશે પત્રો લખવાનો સીલસીલો ચાલ્યો. આ જ અરસામાં અમને જૂનાં હિન્દી ફિલ્મસંગીત પ્રત્યે આકર્ષણ થતું ચાલેલું. એ વખતે એસ.ડી.બર્મન અને ઓ.પી.નય્યરે સંગીતબદ્ધ કરેલાં ગીતો એની શૈલી પરથી ઓળખી શકાય એ રીતે કર્ણેન્દ્રીય વિકસી રહી હતી. આથી અમે એસ.ડી. બર્મન દ્વારા સંગીતબદ્ધ ફિલ્મોની યાદી બનાવવાનું શરૂ કર્યું. યાદી કેમ? ભવિષ્યમાં અમે એ ફિલ્મોનાંં તમામે તમામ ગીતો વસાવી શકીએ એટલા માટે. આ યાદી 52 ફિલ્મોએ પહોંચેલી. એ અરસામાં ગુજરાતી 'ટાઈમ્સ ઑફ ઈન્ડીયા'માં રજનીકુમારની 'ગુંજન' નામની કટાર આવતી હતી, જેમાં તેઓ કોઈ એક ગીતનો આસ્વાદ કરાવતા અને તેની વિગતો આપતા. આ કટારમાં તેમણે એક વાર 'બંદિની'ના ગીત 'ઓ રે માઝી' વિશે લખ્યું, જેમાં તેના સંગીતકાર એસ.ડી.બર્મને કુલ 89 ફિલ્મોમાં સંગીત પીરસ્યું હોવાનું જણાવેલું. અમે તેમને પોસ્ટકાર્ડ દ્વારા પૂછાવ્યું કે અમે 52 ફિલ્મોની યાદી બનાવી શક્યા છીએ. બાકીની ફિલ્મોનાં નામ મળે? તેમનો જવાબ ન આવ્યો, પણ થોડા જ દિવસમાં અમારા સરનામે એક દળદાર એન્વેલપ આવ્યું. ખોલીને જોયું તો એમાં વિશ્વનાથ ચેટર્જીએ તૈયાર કરેલી બર્મનદાદાની તમામ ફિલ્મોગ્રાફી હતી. અમે રોમાંચિત થઈ ગયા, કેમ કે, જગતમાં આ રીતે (ફિલ્મોગ્રાફી બનાવવી અને પોતાન ખર્ચે એ મોકલવી) પણ કામ થઈ શકે છે એ અમારા માટે કલ્પનાતીત હતું.

ઉર્વીશને અને મને જૂના ફિલ્મસંગીતના મહાસાગરના કિનારેથી પહેલો ધક્કો આ રીતે રજનીકુમારે માર્યો. આગળ જતાં નલિન શાહ જેવા ગુરુ મળ્યા. આ બન્ને ગુરુઓનું રસક્ષેત્ર જૂના ફિલ્મસંગીતનું ખરું, પણ સમયગાળો અલગ અલગ. નલિન શાહ મુખ્યત્વે ત્રીસી અને ચાળીસીના દાયકાના જાણકાર, રજનીકુમારની વિશેષ રુચિ પચાસના દાયકાની. સદ્ભાગ્યે અમને બન્નેનો લાભ મળતો ગયો.


અમારા જેવા કેટલાય વાચકોના પત્રો
તેમણે આ રીતે સાચવેલા હશે.

આગળ જતાં ઉર્વીશ અને હું બન્ને લેખનના ક્ષેત્રે પ્રવેશ્યા ત્યારે સૌથી વધુ આનંદ બન્ને ગુરુઓને થયો હોય એ સ્વાભાવિક છે.

દરમિયાન રજનીકુમારનું ફિલ્મવિષયક લેખન ચાલતું રહ્યું હતું. તેમનું પુસ્તક 'આપ કી પરછાંઈયાં' આજે પણ એટલું જ પ્રિય છે, જેટલું એ પહેલી વાર વાંચેલું. તેની પ્રસ્તાવના તો એમણે હસ્તપ્રતમાંથી અમને વાંચી સંભળાવી હતી, જેનો રોમાંચ હજી અકબંધ છે.

જાન્યુઆરી, 2001 થી રજનીકુમારની 'ફિલ્માકાશ' શ્રેણીનો આરંભ 'કુમાર'માં થયો. તેનો મૂળ ઉદ્દેશ્ય 1931થી 1941ના- એટલે કે હિન્દી બોલપટના સૌ પ્રથમ દાયકાના ઈતિહાસને સળંગસૂત્રે મૂકી આપવાનો હતો. આ શ્રેણી જુલાઈ, 2007 સુધી એટલે કે સાડા છ વરસ ચાલી. એ દરમિયાન આવતા તેના અનેક પ્રતિભાવો, પૂરક વિગતો અને વાચકો તેમાં જીવંત રસ લેતા એનો હું અમુક હદે સાક્ષી રહ્યો છું. આ શ્રેણીનું સમાપન થયું એ સાથે જ તેને પુસ્તકાકારે પ્રકાશિત કરવાની માંગ ઉઠી અને આયોજન પણ એવું જ હતું. આમ છતાં, એક યા બીજા કારણોસર એ ઠેલાતું જ રહ્યું. મુંબઈના એક વાચક પ્રદ્યુમ્ન કાપડીયા કાયમ તેના વિશે પૂછપરછ કરતા. રજનીકુમારે 'વચગાળાની રાહત' તરીકે તેમને 'આપ કી પરછાંઈયાં' મોકલી આપેલું, પણ છેવટે જૂન, 2020માં તેમના પુત્ર ઉન્મેષનો સંદેશો મળ્યો કે પ્રદ્યુમ્નભાઈનું અવસાન થયું છે. તેમણે રજનીકુમારને લખેલું, 'તમારા આવનાર પુસ્તકની પપ્પા અવારનવાર પુછપરછ કરતા હતા તે છપાઈને બહાર પડે તો એનું નામ જણાવવા વિનંતી એમની યાદ માટે પણ હું એ પુસ્તક ખરીદીશ ને એમના પુસ્તકસંગ્રહમાં રાખીશ.'
આવા તો અનેક વાચકો આ પુસ્તક માટે પ્રતીક્ષામાં હતા અને હજી હશે. આખરે અમદાવાદના 'ઝેન ઓપસ' દ્વારા તેનું પ્રકાશન હાથ ધરાયું, જે હવે સૌ કોઈ માટે ઉપલબ્ધ છે.

પુસ્તક વિશેની વિગતો

આ પુસ્તકના પ્રકાશનનો રોમાંચ તો ખરો જ, પણ એમાં 'સરપ્રાઈઝ' તત્ત્વ એ છે કે આ પુસ્તક ઉર્વીશને અને મને અર્પણ કરવામાં આવ્યું છે. આમ, જે વ્યક્તિ થકી અમને જૂના ફિલ્મસંગીતના આ બ્રહ્માંડનું 'વિરાટદર્શન' પ્રાપ્ત થયું, તેમણે એ પુસ્તક અમને અર્પણ કર્યું ત્યારે જાણે કે એક આખા વર્તુળનું સમાપન થયું હોવાનો અહેસાસ થાય છે.

અર્પણપૃષ્ઠ

{પુસ્તકની વિગતો: ફિલ્માકાશ (બોલતી ફિલ્મોના આરંભ 1931થી 1941 સુધીનાં અગિયાર વર્ષની હિંદી સિનેમાની વર્ષવાર યાત્રા) લેખક: રજનીકુમાર પંડ્યા, પૃષ્ઠસંખ્યા: 356, પ્રકાશક: ઝેન ઓપસ, અમદાવાદ, કિંમત: 600/રૂ.}

1 comment: