Tuesday, October 25, 2022

જો ભી કહના હૈ ગાકે કહીએ

 'સુલોચનાબહેન, તમારી દીકરીઓને કહી દો કે મને ચીડવે નહીં.'

સુલોચનાબહેન એટલે મારાં ફોઈ, જેમને અમદાવાદ પરણાવેલાં. શાહપુર મિલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્યારે તે રહેતાં. મહેશભાઈના ત્યારે સંઘર્ષના દિવસો. તે મોટે ભાગે ગરબાના કાર્યક્રમો કરતા. વિસ્તારની રીતે ફોઈના પાડોશી ગણાય. ફોઈની દીકરીઓ તેમને ચીડવતી હોવાથી તે મારાં ફોઈને આવી ફરિયાદ કરતા એવી વાત જાણેલી.

ફોઈને ત્યાં સમૃદ્ધિ હતી. તેમને ત્યાં એ સમયે કાર અને ડ્રાઈવર હતા. એમાં એક ડ્રાઈવર નામે મહંમદ હતો, જે હબસી હતો અને ગુજરાતી બોલતો. તેના વિશિષ્ટ દેખાવને કારણે સગાંવહાલાંઓમાં પણ તે જાણીતો બની ગયેલો. એ પણ ફોઈના ત્યાં વારેવારે આવતા સગાંને નામથી ઓળખતો. ઠીક ઠીક સમય રહ્યા પછી મહંમદ દેખાતો બંધ થયો. આથી સગાં પૂછતાં, 'મહંમદને બદલી કાઢ્યો કે શું?' ફોઈને ત્યાંથી જવાબ મળતો, 'હા. એ હવે મહેશકુમારને ત્યાં કામે લાગ્યો છે.'

એ અરસામાં મહેશ-નરેશ એન્ડ પાર્ટીનું નામ ઘણું જાણીતું બનવા લાગેલું. અખબારોમાં તેની જાહેરખબર આવતી. 'સાથે જૉની જુનિયર' લખેલું રહેતું. જો કે, અમારા માટે એ પાર્ટી જોવા જવું મુશ્કેલ હતું. મોટે ભાગે અમદાવાદમાં રાતનો શો હોય એટલે રાત્રે મોડા પાછા આવવા કોઈ ટ્રેન ન મળે. કોઈ સગાને ત્યાં રાત રોકાવું પડે. આ ઉપરાંત તેની મોંઘી ટિકિટ પણ મુખ્ય કારણ. તેને કારણે એ જોવાનું શક્ય ન બન્યું.

અલબત્ત, જોઈ ન શકાયેલી 'મહેશકુમાર એન્ડ પાર્ટી'નું અનેકગણું સાટું પછી વળી ગયું. મારા મિત્ર મયુર પટેલના લંડનસ્થિત મામા 'જે.સી.મામા' મયુરને ત્યાં એક કેસેટ મૂકી ગયેલા. આ કેસેટમાં 'મહેશકુમાર એન્ડ પાર્ટી'નો આખો પ્રોગ્રામ રેકર્ડ કરેલો હતો. અમે મિત્રો ભેગા મળીને એ સાંભળતા. વારેવારે સાંભળતા. એ કેસેટ એમાંના ગીતોના ક્રમ, ડાયલોગ અને મીમીક્રીની આઈટમો સહિત અમને સૌને મોઢે થઈ ગયેલી એમ કહું તો ખોટું નહીં. એમાંની સૌથી પ્રિય હતી બાંકેલાલની આઈટમ- 'જો ભી કહના હો, ગા કે કહીએ.'

એ અરસામાં મારા મામા અરવિંદમામા અને ગીતામામી સાથે નડિયાદના વૈશાલી સિનેમામાં 'વણઝારી વાવ' જોવા જવાનું બન્યું. તેના ટાઈટલ થકી એ ખ્યાલ આવ્યો કે મહેશ-નરેશની જોડી ફિલ્મમાં સંગીત પણ પીરસે છે, અને ફિલ્મનું નિર્માણ પણ કરે છે.

આમ છતાં, મહેશકુમારને મળવાનું બને એવી કશી શક્યતા નહોતી.


**** **** ****

ઉપેન્દ્ર ત્રિવેદીની જીવનકથાનું કામ ઘણુંખરું પૂરું થઈ ગયું હતું, પણ તેનું નિર્માણ થયું ન હતું એ અરસામાં એક સાંજે રજનીકુમાર પંડ્યાનો ફોન આવ્યો. મહેશભાઈ અને નરેશભાઈ કનોડિયા બન્ને તેમને ત્યાં મળવા આવેલા હતા. તેઓ પોતાની જીવનકથાનું આલેખન કરાવવા ઈચ્છતા હતા. એ કાર્યમાં પોતાના સહયોગી લેખે રજનીકુમારે ફોન પર નરેશભાઈ સાથે વાત કરાવીને મારો પરિચય કરાવ્યો હતો. આ બન્ને ભાઈઓની જીવનકથા આલેખવા જેવી હતી, ખાસ કરીને સંઘર્ષકથા, પણ પછી સમજાયું કે તેમના મનમાં પુસ્તક અંગે જુદો ખ્યાલ હતો. આથી એ કામ પછી આગળ ન વધ્યું. અલબત્ત, બીજા એક સજ્જને એ પુસ્તક કર્યું ખરું.
મહેશકુમારનું આ હતું મારું 'દૂરદર્શન'.
ઘણા ખરા કલાકારો સાથે એવી અંગતતા સાધવી અઘરી હોય છે, છતાં દૂર રહ્યે રહ્યે એક જાતનો પરિચયભાવ, આત્મીયભાવ અનુભવાતો હોય છે. મહેશ-નરેશની ફિલ્મો ગમે કે ન ગમે, તેમનો પરિચય જાણે કે તેમના સંઘર્ષકાળથી હોય એવું મને લાગતું રહ્યું છે.
મહેશકુમાર તો ગયા, તેમની સંઘર્ષકથાનો હજી ઈંતેજાર છે.

(મહેશ કનોડિયાનું 25 ઑક્ટોબર, 2020ના રોજ અવસાન થયું. એ પછી બે જ દિવસમાં, 27 ઑક્ટોબર, 2020ના દિવસે તેમના ભાઈ નરેશ કનોડિયાનું અવસાન થયું.)

No comments:

Post a Comment