(મલેકસાહેબની વિદાયને આજે સાત વરસ પૂરાં થયાં. તેમના અવસાન ટાણે લખેલો આ લેખ શ્રી વિપુલ કલ્યાણીએ 'ઓપિનીયન'માં પ્રકાશિત કરેલો. આ બ્લૉગ પર લેખ પહેલી વાર મૂકાઈ રહ્યો છે.)
(૪/૭/૧૯૪૦ થી ૨૭/૭/૨૦૧૫)
‘સેક્યુલર’ શબ્દનો અર્થ તો ઠીક, એ સાંભળ્યો સુદ્ધાં ન હતો એ અરસામાં, અમારા મહેમદાવાદમાં ‘કોમી એખલાસ’, ‘ભાઈચારો’, ‘સહઅસ્તિત્વ’ જેવા શબ્દોનું પણ ચલણ ન હતું. આવા શબ્દોથી અજાણ હોવા છતાં બધા સહજપણે, કશી સભાનતા વગર આ શબ્દો જીવતા હતા. ગામના કેટલા ય હિંદુ-મુસ્લિમ પરિવારોને પારિવારિક સંબંધો હતા. આજે એ સાવ બંધ નથી થયું, પણ ધીમે ધીમે તેનું પ્રમાણ ઘટી રહ્યું છે, એ હકીકત છે.
‘સદરૂચાચા’ તરીકે ઓળખાતા સદરૂદ્દીન મલેક ગામના આદરણીય વડીલ હતા. મધ્યમ કદ, પહોળો લેંઘો, ઉપર ખમીસ અને કોટ, માથે કાળી ટોપી અને હાથમાં છત્રી. આ તેમનો કાયમી પોશાક. મારાં મમ્મી (સ્મિતા કોઠારી) મ્યુિનસિપાલિટીમાં ચૂંટાયાં અને સભ્ય બન્યાં એ અરસામાં સદરૂચાચા પણ ચૂંટાયેલા. તેથી મમ્મી દ્વારા જ મને તેમનો દૂરથી પરિચય થયેલો.
આ સદરૂચાચાના દીકરાનું નામ હાફીઝુદ્દીન મલેક એટલે કે ‘એચ.એસ. મલેક’ હતું, પણ તે ‘મલેકસાહેબ’ના નામે જ ઓળખાતા. સી.પી.એડ. થયા પછી વ્યાયામશિક્ષક તરીકે તે નજીકના કનીજ ગામની શાળામાં જોડાયેલા. પાંચેક વરસ ત્યાં કામ કર્યા પછી મહેમદાવાદની જ શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલમાં તે વ્યાયામશિક્ષક બન્યા. પડછંદ અને સુદૃઢ શરીર ધરાવતા મલેકસાહેબ બધી રીતે વ્યાયામશિક્ષક થવાની લાયકાત ધરાવતા હતા. તે પોતે કસરતના શોખીન હતા, અનેક રમતો તે રમી જાણતા, રેફરી તરીકે ઘણી શાળાકીય સ્પર્ધાઓમાં જતા. ઉનાળાના વેકેશનમાં ‘ગ્રીષ્મ વ્યાયામ વર્ગ’નું સંચાલન પણ કરતા. ગામમાં જ તે ઉછરેલા હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓથી તે પરિચીત હોય એ સ્વાભાવિક છે. તેથી હકપૂર્વક તે વિદ્યાર્થીને વઢતા પણ ખરા.
અમે પાંચમા ધોરણમાં સોનાવાલા હાઈસ્કૂલમાં દાખલ થયા ત્યારે મલેકસાહેબને દૂરથી જોવાનું બનતું. મોટે ભાગે છવ્વીસમી જાન્યુઆરી કે પંદરમી ઑગસ્ટના દિવસે સફેદ શર્ટ, સફેદ પેન્ટ અને સફેદ ગાંધીટોપી પહેરીને તે ધ્વજવંદન કરાવતા ત્યારે બહુ પ્રભાવશાળી જણાતા. તેમનો પડછંદ બાંધો, વ્યાયામશિક્ષક તરીકે કાયમ તેમની પાસે રહેતી સિસોટી અને આદેશાત્મક અવાજને કારણે તેમની કડકાઈની મનમાં એક ધાક રહેતી.
જો કે, તેમનો નજીકથી પરિચય થયો અમે માધ્યમિકમાં એટલે કે આઠમા ધોરણમાં આવ્યા ત્યારે (લગભગ ૧૯૭૭માં). એ વરસે કોઈ કારણસર તેમને હિન્દી વિષય સોંપવામાં આવેલો. તે અમને હિન્દી ભણાવવા આવતા. રમતના મેદાનમાં કલાકો સુધી થાક્યા વિના ઊભા રહી શકનાર મલેકસાહેબને ભણાવવા માટે પોણો કલાક પૂરતું ખુરશી પર બેસવું કદાચ ફાવતું નહીં હોય, કે પછી ચોક્કસ માપવાળી લાકડાની ખુરશીમાં તેમનું પડછંદ શરીર સમાઈ શકતું નહીં હોય, પણ તે ખુરશીમાં તદ્દન બેતકલ્લુફીથી બેસતા. મોટે ભાગે એક પગનું ચપ્પલ કાઢેલું હોય અને એ પગ સહેજ લંબાવેલો હોય.
તેમનો દેખાવ આમ કરડો, પણ તે હસે ત્યારે તેમના ઉપલા દાંત દેખાતા અને ગાલમાં ખંજન પણ પડતાં. આ કારણે તે હસે ત્યારે તેમની બીક જરા ય ન લાગતી અને કરડાપણું બતાવવા છતાં તેમનાથી સાચેસાચ હસી પડાતું. અમને તેમની આ પ્રકૃતિનો પરિચય થઈ ગયો એ પછી તેમના આ સ્વભાવનો લાભ લઈને અમે તેમના પીરિયડમાં ઠીક ઠીક મસ્તી પણ કરી લેતા. એ અમને કશું નહીં કહે, એમ માનીને. એક વાર હિન્દીના એક પાઠમાં ‘વન-ઉપવન’ શબ્દ આવ્યો. તેમણે એ શબ્દ સમજાવવાના આશયથી કહ્યું, ‘વન કા મતલબ ક્યા હોતા હૈ?’ તો હું અને પ્રદીપ પંડ્યા કોઈ કશું બોલે એ પહેલાં ઉતાવળે અને મોટા અવાજે બોલી પડ્યા, ‘એક!’ મલેકસાહેબ આ સાંભળીને તરત જ હસી પડ્યા. કદાચ અંદરથી ગુસ્સે થયા હશે, પણ સામાન્ય રીતે શાંત ગણાતા અમારા જેવા છોકરાઓની મસ્તી તેમણે ઉદારતાપૂર્વક ચલાવી લીધી. પ્રદીપ પંડ્યાના મામા ‘બાબુમામા’ મલેકસાહેબના પરમ મિત્ર હોવાથી પ્રદીપ અને તેનાં ભાઈબહેનો તેમને પણ ‘મામા’ જ કહેતા હતા.
દર શનિવારે સવારે ત્રીજો અને ચોથો પીરિયડ ‘એમ.ડી.’(માસ ડ્રીલ)નો રહેતો. મેદાન પર તમામ વર્ગોના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ આવવું ફરજિયાત હતું. પંદર-વીસ વર્ગનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ મેદાન પર કવાયત કરવા માટે હારબંધ ગોઠવાઈ જાય અને મલેકસાહેબ ખભે લટકાવેલા સ્પીકરનું માઈક હાથમાં લઈને ફરતા અને ‘એકસાથ સા...વધાન!’, ‘વિસ .... રામ’ (વિશ્રામ) જેવી સૂચનાઓ આપતા.
આ માઈક ન હોય ત્યારે તેમના હાથમાં સોટી રહેતી. પણ તેનો ઉપયોગ તે મારવા માટે ભાગ્યે જ કરતા. વ્યાયામશિક્ષકના અભિન્ન અંગ જેવી વાયરવાળી સિસોટી તેમના ગળે લટકાવેલી જ રહેતી. શબ્દોની સાથે સાથે તે સિસોટીથી પણ સૂચના આપતા જતા. માસ ડ્રીલમાં બે પ્રકારના દાવ રહેતા. ઊભા દાવ અને બેઠકના દાવ. બેઠકનો ચોથો દાવ બહુ વિશિષ્ટ હતો. પલાંઠી વાળીને સૌ બેઠા હોય, બન્ને હથેળી માથે અડાડીને પછી માથું ઘૂંટણ સુધી લઈ જવાનું આવતું. એ વખતે તમામ લોકો જોશથી ‘ઉં ... ઉં ... ઉં’ અવાજ કાઢતા. મલેકસાહેબ આ સાંભળીને બહુ ગુસ્સે થતા, પણ બધા અવાજ કાઢે એટલે રોકે કોને? આથી તેઓ પાનો ચડાવતા, “હજી મોટેથી કાઢો. હજી મોટેથી. બધાં શિયાળવાં ભેગાં થયાં છો, સાલાઓ. કોઈ સિંહ નથી.’ આમ ને આમ, એ દાવ પણ પૂરો થતો. ઘણી વાર એમ.ડી.ના પીરિયડમાં તે સૌ વિદ્યાર્થીઓ પાસે મેદાનમાં ઊગી નીકળેલાં ગોખરું પણ વીણાવતાં, જેથી તે કોઈના પગમાં વાગે નહીં.
સોનાવાલા હાઈસ્કૂલનો વિદ્યાર્થી રહી ચૂક્યો હોય તેને ‘રાઉન્ડ મારવા’નો અર્થ સમજાવવો ન પડે. અમારી શાળાના ખાસ્સા મોટા મેદાન ફરતે દોડીને ચક્કર મારવાની ક્રિયા ‘રાઉન્ડ મારવા’ તરીકે ઓળખાતી. મોટે ભાગે કોઈ ને કોઈ સજારૂપે આ લાભ ઘણાને મળતો. અને આ સજાનો અમલ કરાવવાનું કામ મલેકસાહેબનું રહેતું.
એક વખત એમ.ડી.ના પીરિયડમાં કોઈક કારણસર મલેકસાહેબ અકળાયા. તેમણે બધા વિદ્યાર્થીઓને ત્રણ-ચાર રાઉન્ડ મારવાનો આદેશ આપ્યો. આટલા બધા વિદ્યાર્થીઓ રાઉન્ડમાં દોડે ત્યારે એમાં સજા કરતાં મજા વધુ હોય. એ મુજબ સૌ દોડતાં દોડતાં વાતો કરતા હતા. મલેકસાહેબ બધાની પાછળ સોટી લઈને દોડતા હતા અને સૌને દોડાવતા હતા. તેમણે પોતે પણ વિદ્યાર્થીઓ જેટલા જ રાઉન્ડ માર્યા હશે.
તેમનો અવાજ વ્યાયામશિક્ષકને છાજે એવો હતો. એમાં આરોહઅવરોહ નહીં, પણ આદેશાત્મકતા વધુ હોય. ખ્યાલ છે ત્યાં સુધી પાઉલભાઈ સાહેબના નિવૃત્તિ સમારંભમાં સંચાલન મલેકસાહેબે કર્યું હતું. હું વડોદરા હોવાથી આ કાર્યક્રમમાં હાજર રહી શક્યો ન હતો, પણ ઉર્વીશે તેમાં હાજરી આપી હતી, અને તેણે બોલવાનું પણ હતું. એ વખતે પી.ટી.ના પીરિયડમાં સૂચના આપતા હોય એવી શૈલીથી મલેકસાહેબે કરેલા સંચાલનના નમૂના ઉર્વીશે મને કહી સંભળાવ્યા હતા, જે હું આસાનીથી કલ્પી શકતો હતો. (‘હવે ..... શ્રી ઉર્વીશભાઈ કોઠારી બોલસે. એમને વિનંતી કે એ મંચ પર આવી જાય.’)
મલેકસાહેબ હોમગાર્ડમાં પણ સેવા આપતા. હોમગાર્ડના ખાખી ગણવેશમાં તે બહુ પ્રભાવશાળી લાગતા. મહેમદાવાદમાં બહુ ઓછા જોવા મળ્યા છે એવા તોફાનોમાં એક વાર પથ્થરમારો થયેલો. કદાચ અનામત આંદોલન વખતે હતો. એ વખતે ગામના હોમગાર્ડ્સ ફરજ બજાવવા નીકળી પડેલા. એમાંના મોટા ભાગના તો ગામના જ હોય એટલે જાણીતા ચહેરા હતા. મલેકસાહેબ પણ ખાખી ગણવેશમાં અમારા ફળિયામાં આવ્યા હતા અને મારા ઘર સામે ઊભા રહી બીજા જવાનો સાથે વાતો કરતા હતા. અમે બહાર છજામાં ઊભેલા. મારી અને તેમની નજર એક થઈ. એટલે મેં હસવાનો પ્રયત્ન કર્યો. હું ઊભો હતો એ તરફ ઈશારો કરીને તેમણે એક હોમગાર્ડને છાજે એમ ગમ્મતમાં, પણ જરાય હસ્યા વિના કહ્યું, ‘બધા પથરા અહીં ઉપરથી આવતા લાગે છે.’
આ સાંભળીને ગમ્મત બહુ પડી, પણ એનો જવાબ શો આપવાનો હોય? રાત્રે મારા પપ્પા (અનિલ કોઠારી) ઘેર આવ્યા અને તેમને મેં આ ‘કમેન્ટ‘ (આ શબ્દ પણ ત્યારે હજી આવડતો ન હતો) કહી સંભળાવી. આ સાંભળીને પપ્પાને ય ગમ્મત પડી. તે બહુ હસ્યા. પપ્પા હંમેશાં તેમનો ઉલ્લેખ ‘સદરૂચાચાનો છોકરો’ તરીકે જ કરતા. ઘણા સમય સુધી પપ્પા મને યાદ કરાવીને પૂછતા, ‘તે દિવસે સદરૂચાચાના છોકરાએ શું કહેલું?’
**** **** ****
સોનાવાલા હાઈસ્કૂલમાં એકધારી ત્રીસ વર્ષની નોકરી પછી તે નિવૃત્ત થયા. તે ગામમાં જ રહેતા હોવા છતાં તેમને મળવાનો મોકો બહુ ઓછો મળ્યો. મિત્ર અજય પરીખે જણાવ્યું કે મલેકસાહેબ હજ પઢવા જવાના હતા ત્યારે એ તેમને મળવા ગયેલો. ‘હાજી’ થયા પછી તેમણે દાઢી રાખવાનું ચાલુ કર્યું હતું, એમ મેં સાંભળેલું, પણ તેમને એ રૂપે જોવાનું બન્યું ન હતું. પણ તેમની તસવીર જોતાં તેમની આંખોમાં કંઈ અજબ કરુણા છલકતી જણાઈ. ‘હાજીપણું’ તેમણે બરાબર આત્મસાત્ કર્યું હતું.
સદરૂચાચાનો આ છોકરો, ઉર્ફે એચ.એસ. મલેક એટલે કે મલેકસાહેબ ચીર નિદ્રામાં પોઢી ગયાના સમાચાર અજય પરીખે ફોન દ્વારા આપ્યા એ સાથે જ મારા શાળાજીવનનો આ આખો હિસ્સો સ્મૃિતનાં તમામ આવરણોને ભેદીને બહાર નીકળી આવ્યો. અજય સાથે ફોનમાં આ સંભારણાં યાદ કર્યાં, પણ એટલાથી સંતોષ ન થયો. આ અનોખા ગુરુનું નિ:સ્વાર્થભાવે જે કંઈ પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રદાન અમારા ઘડતરમાં રહેલું છે, એનું મૂલ્ય કેમનું આંકવું? આવા અનેક ગુરુઓનું ઋણ ચૂકવવાનો વ્યર્થ પ્રયત્ન કરવાને બદલે એ ઋણને ગૌરવપૂર્વક માથે રાખીને જીવવાનો જ આનંદ છે.
મલેકસાહેબને આદેશ આપવાનું અમે વિદ્યાર્થીઓ કદી સપનામાં ય ન વિચારી શકીએ, પણ મલેકસાહેબની ચીરવિદાયના સમાચાર જાણીને અમને એમની ચીરપરિચીત સિસોટીનો સૂર સંભળાય છે. ત્યાર પછી મલેકસાહેબ બોલતા સંભળાય છે: ‘હંમેશાં કે લિએ વિસ ...... રામ!’
સદાય માટે ‘વિશ્રામ’ ફરમાવનારા પોતાના આ નેક બંદાની રૂહને અલ્લાહ જન્નત બક્ષે એવી અમારી, તેમના વિદ્યાર્થીઓની દુઆ.