Friday, May 8, 2020

લૉકડાઉન કથાઓ

બૂમબરાડા 

બધા બેઠા હોય ત્યારે ગમે એટલા મોટા અવાજે હું મારી વાત કહેવા જાઉં, પણ કોઈ સાંભળતું નહોતું. ઉપરથી મને ધમકાવતા કે વાતેવાતે બરાડા ન પાડ. કોઈ તારું સાંભળવા નવરું નથી. હવે તો નાની શી છીંક આવે તોય બધા પૂછપૂછ કરે છે.

**** **** **** 

આભડછેટ

“મા, તું તો કહેતી હતી કે આપણા નસીબમાં જ છે આ બધું. આપણો જનમ જ એવો છે! આપણને અડતાંય એ લોકો અભડાઈ જાય. પણ જો! ભગવાને આપણી સામું જોયું ને! આપણને એમના જેવા ન બનાવ્યા, પણ એમને આપણા જેવા બનાવી દીધા ને!”

**** **** **** 

ડંડો અને દયા 

“એય! અહીં આવ! આમ, આ તરફ!”
“સાહેબ, મારશો નહીં. ફરવા નથી નીકળ્યો. આ તો ઘેર કશું છે નહીં...”
“લે, આ લઈ જા. ખાજો બધા.”
“સાહેબ! પણ પૈસા નથી મારી પાસે.”
“પૈસા કોણે માંગ્યા તારી પાસે? લઈ જા, જા. ખવડાવજે બધાને.”
“પણ સાહેબ! પછીયે નહીં અપાય મારાથી...”
“લઈ જા ને છાનીમાની! કે આપું પ્રસાદી?”

**** **** **** 

ઘરવાપસી 
“હેલો, બેટુ, ટી.વી.ના સમાચાર જોઈને તું અમારી ચિંતા ન કરતો. એ તો બધા સાલા અભણ, ગમાર નીકળી પડ્યા છે રસ્તે. ના, ના. આપણો એરિયા તો એમનાથી બહુ દૂર છે. પણ બેટા, અમને તારી ચિંતા રહે છે ત્યાંનું સાંભળીને.”
“ડૅડ, યુ નીડ નૉટ વરી એટ ઑલ. આયેમ સેફ હીયર.”
“તું ભલે કહે, બેટા! ગમે એટલું તોય માબાપ છીએ. એમ તારા કહેવાથી ચિંતા ઓછી થઈ જતી હોત તો જોઈતું’તું જ શું? એમ થાય છે કે તું અહીં આવી ગયો હોત તો કેવું સારું?”

**** **** **** 

ફીલિંગ
 “મમ્મા, આપણી પાસે પત્તાની બે કૅટ છે ને?”
“હા, ડિયર. બે નહીં, ત્રણ છે.”
“તો એમાંથી એક આપણી મેઈડને આપી દઉં?”
“આર યુ ક્રેઝી? વી આર ઓલરેડી પેઈંગ હર ઈવન ઈફ શી ડઝન્‍ટ કમ એન્‍ડ વર્ક.”
“મમ્મા, એનો ટાઈમ પાસ થાય ને! એવું હોય તો એટલી અમાઉન્ટ ડિડક્ટ કરી લેજે.”
“લવ યુ, માય બૉય! તને પૂઅર માટે કેટલી બધી ફીલિંગ છે! આયેમ પ્રાઉડ ઑફ યુ!” 

**** **** **** 

સફાઈ
“બેટા, તું શું કરે છે બે કલાકથી ઉપર બેઠો બેઠો? આજે તને મેં સાફસૂફી કરવાનું કહેલું...”
“એ જ કરું છું, મૉમ!”
“સહેજે અવાજ પણ નથી આવતો! ડ્રોઅરની સાફસૂફી કરે છે કે કબાટની?”
“ઓહ મૉમ! મારા ફ્રેન્ડ લીસ્ટની!”
**** **** ****
પસંદ
(બપોરે)
“તને કેટલું કામ પહોંચે છે, નહીં? જા, થોડી વાર વૉટ્સેપમાં નજર કરી લે. હું ટી.વી. જોઉં છું.”
“પહેલાં વૉટ્સેપ જોતી ત્યારે તમે જ કહેતા કે આખો દિવસ શું એમાં મોં ખોસીને બેસી રહે છે!”
“તારી ચૉઈસ જાણું ને, ડિયર!”
(સાંજે)
“કહું છું. કંટાળ્યા હશો. સહેજ બહાર આંટો મારતા આવો. ફ્રેશ થઈ જવાશે.અત્યારે પોલિસ નહીં હોય.”
“લે, પહેલાં ઘરની બહાર જ રહેતો ત્યારે તું જ કહેતી હતી કે તમારો ટાંટિયો ઘરમાં ટકતો જ નથી. અને હવે તું જ સામે ચાલીને….”
“હું જાણું ને તમને શું ગમે છે!”
**** **** ****
સહાય
“સાહેબ! તમને તો ભગવાને જ મોકલ્યા. બે દિવસથી ઘરમાં કશું નથી. બહાર નીકળતાં બીક લાગે છે. એક વાર ગયેલો ત્યારે પડેલી એનો સોજો હજી ઉતર્યો નથી.”
“કાકા, મૂકી દેવાની ઉતાવળ ન કરો. પૅકેટને હાથમાં સહેજ વાર પકડી રાખો. અને તમારું મોં મારી બાજુ નહીં, પેલા ભાઈ બાજુ રાખો. અને હસતા નહીં. સહેજ દયામણું મોં રાખજો.”
**** **** ****
બે ટીપાં સ્વચ્છતાનાં
“લે આ. આનાથી હાથ સાફ કરી લે.”
“ઓહોહો! આવું વળી શું લઈ આવ્યા?”
“અરે, આમાં પાણીની જરૂર જ ના પડે. બે-ચાર ટીપાં હાથમાં મૂકીએ ને હાથ સાફ.”
“કે’વું પડે! આ ક્યાંથી લઈ આવ્યા?”
“લાવ્યો નથી. બહાર પેલા લોકો વહેંચવા નીકળેલા. એમણે આપ્યું. આનાથી પાણી બચે.”
“પણ પાણી બચાવીને કરીશું શું?”
“કેમ? તું તો કે’તી’તી કે દાળ ને ચોખા ખલાસ થઈ ગયા છે! તો પેટમાં ઓરવા કશુંક તો જોઈએ કે નહીં!”
**** **** ****
અપીલ
“આ તમે ભીંત સામું જોઈને કોને હાથ જોડો છો અને માથું નમાવો છો? ભગવાનનો ફોટો તો સામેની દિવાલે છે.”
“છટ્! વચ્ચે ન બોલ. રેકોર્ડિંગ ચાલે છે અપીલનું.”
“અપીલ? અત્યારે? કોને? શેની?”
“તું સવાલો બહુ કરે છે. આ લૉકડાઉનમાં લોકો ઘરની બહાર ન નીકળે એ સમજાવવા એમને અપીલ ન કરવી પડે?”
“પણ આપણા એરિયામાં તો બહાર ચકલુંય ફરકતું નથી.”
“તું નહીં સમજે. આ સુરત, મુંબઈ, દિલ્હી ને કોણ જાણે ક્યાં ક્યાં લોકો ટોળે વળી જાય છે. તો આપણી બી કંઈક ફરજ બને ને સરકારને સપોર્ટ કરવાની.”
“હા હોં! એ ખરું. ચાલો, હુંય સરકારને સપોર્ટ કરતી આવું. પેલી એ.પી.એલ. કીટ વહેંચવા આવ્યા લાગે છે, તો લેતી આવું.”

**** **** ****

પોઝીટીવ સ્ટોરી
હજી સમજાતું નહોતું કે બૉસે કેમ તગેડી મૂક્યો! તેમને મળવા ગયો ત્યારે મેં માસ્ક પહેરેલો હતો. સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમ મુજબ સાડા ત્રણ ફીટ છેટે ઊભો રહેલો. અને સ્ટોરી માટે મને મળેલી બ્રીફને બરાબર ફોલો કરી હતી. બૉસે પોતે જ કહેલું કે, હવે પછી નો નેગેટીવ સ્ટોરી. હવેથી ઓન્લી પોઝીટીવ સ્ટોરી જ લાવવાની છે.’ અને મેં એક સાથે દસ પોઝીટીવ દરદીઓના ઈન્ટરવ્યૂ લઈ લીધા હતા. ખરા હોય છે બૉસ લોકો! રાજા, વાજાં ને વાંદરા ભેગા ચોથા એમને ય ગણી લેવા જોઈએ.
**** **** ****
ચર્ચા
લૉકડાઉન ખૂલશે કે લંબાશે એની દવાખાનામાં ચર્ચા ચાલી રહી હતી. એકે કહ્યું: ‘હજી લંબાવવું જોઈએ.’ બીજાએ મત આપ્યો : ‘પાર્શિયલ રાખે તો વાંધો ન આવે.’ ત્રીજો બોલ્યો: ‘એમ નેગેટીવ રીતે ન વિચારો. હું માનું છું કે એ પૂરેપૂરું ખોલી નાખવું જોઈએ. તમે શું કહો છો, ડૉક્ટર?’
‘યપ્પ! આયેમ પોઝીટીવ!’ એ સાથે જ બાકીના ત્રણ જણા દોડતા બહાર નીકળી ગયા. ચોથા ડોક્ટરને ચૌદ દિવસ માટે ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા.
**** **** ****
સાવચેતી
તમામ સાવચેતી લેવામાં આવી હતી. સૌના મોં પર માસ્ક હતા. વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ સૌએ ચડાવેલાં હતાં. સેનિટાઈઝરની નાની શીશીઓ પણ ગાડીમાં મૂકાયેલી હતી. સુરક્ષિત અંતર રાખીને સૌ એમ્બ્યુલન્સમાં ગોઠવાયા. સાયરન વગાડતી એમ્બ્યુલન્સ નીકળી. નિર્ધારીત સ્થાને સૌ પહોંચ્યાં. હજી એમ્બ્યુલન્સ માંડ ઊભી રહે એ સાથે જ અચાનક ક્યાંકથી એક પથ્થર આવ્યો. ડ્રાઈવર સાઈડની બારીનો કાચ તોડીને ડ્રાઈવરના ચહેરા પર ઝીંકાયો. લેવાયેલી તમામ સાવચેતી નકામી ગઈ.
**** **** ****
સ્થિતપ્રજ્ઞ
સ્થિતપ્રજ્ઞયોગ શિખવાનો આનાથી ઉત્તમ મોકો ક્યારે મળવાનો? રોજ ભાણામાં હું બબ્બે શાક લેનારો! દસ દસ દિવસથી અમારા વિસ્તારમાં શાકભાજીની લારીવાળા ચક્કર મારતા રહે છે. બહુ મન થઈ જાય કે એમાંના એકને ઊભો રાખીને શાક લઈ લઉં. એ જ વખતે આ સ્થિતપ્રજ્ઞતા કામ લાગે છે. મારા મન પર લગામ રાખીને હું જાતને કહું છું: ‘શાક વિના જીવી લઈશ, પણ આમના હાથનું શાક તો નહીં જ લઉં.’
**** **** ****
જાદુ
ચૌદમા દિવસે એને સમજાયું કે એ તો છીંકનો જાદુ હતો. પહેલેથી આવી ખબર હોત તો પોતાની ઘરવાળી અને નાની છોકરી પાસેય છીંક ખવડાવી દેત ને! પણ હવે શું? હવે તો ભૂખના માર્યા એમને છીંક ખાવાનાય હોશ નહીં રહ્યા હોય!

**** **** **** 
ભૂલી પડેલી ટ્રેન 

"અરે, અહીં ક્યાંથી? અને એય આવા વાતાવરણમાં? કોઈ એક્સક્લુસિવ સ્ટોરી?"

"ના, દોસ્ત. એક્સક્લુસિવ જેવું તો હવે કશું રહ્યું નથી. પેલી ભૂલી પડેલી ટ્રેનોમાંથી એકાદનો ઈન્ટરવ્યૂ લેવો છે."
"પણ અહીં એરપોર્ટ પર?"
**** **** **** 
એક આઈડિયા... 

"સાહેબ, એક આઈડિયા છે."
"જલ્દી બોલો. અત્યારે એની જ જરૂર છે. હવે ખૂટવા આવ્યા છે."
"સાહેબ, પેલી 'થ્રી ઈડિયટ્સ' ફિલ્મ આવેલી ને..."
"આમીર ખાનવાળી? એના સિવાય બીજો આઈડિયા હોય તો કહો."
"સર, સાંભળો તો ખરા! એમાં એક મસ્ત મંત્ર છે. 'ઑલ ઈઝ વેલ'. ગમે એવી ખરાબ પરિસ્થિતિમાં એ મંત્ર બોલવાથી બધું સરખું થઈ જાય એવું એમાં બતાવ્યું છે."
"તમને શું લાગે છે? અમે અહીં ઘાસ કાપીએ છીએ? સૌથી પહેલાં એ મંત્રને
સ્લોગન બનાવવાનું મેં જ કહેલું."
"અચ્છા? પણ કેમ ન બનાવ્યો?"
"તમારા જેવા એક દોઢ ચતુરે ડિક્શનેરીમાં 'વેલ'ના અર્થ જોયા. એમાં એક અર્થ 'કૂવો' પણ હતો."
"સાહેબ, એક વાત કહું? મેં એ અર્થમાં જ કહેલું."
**** **** **** 
ઓર એક આઈડિયા 


"સાહેબ, એક જબ્બર આઈડિયા છે."
"હંં.... "
"આ આફત છે, પણ એને આપણે અવસરમાં ફેરવી શકીએ એમ છીએ."
"આપણે અંદરોઅંદર જુમલા ફટકારવા પડે એ હદે સ્થિતિ કથળી ગઈ છે?"
"ના, સાહેબ. સોરી. મને થયું કે આપણે આ કોરોનાને લગતા ખાસ સિક્કા બહાર પડાવીએ તો કેવું? એમાં એક બાજુ વાયરસનું ચિત્ર હોય અને બીજી બાજુ..."
"બ્રીલીયન્ટ! ભઈ, શું નામ તારું? આ આઈડિયા આખો તારે નામે હું આગળ રેકમેન્ડ કરું છું. પણ એક વાતની નવાઈ લાગે છે કે આ મને કેમ ન સૂઝ્યું?"
"સાહેબ, મને પહેલેથી હીસ્ટ્રીમાં બહુ રસ. તો પેલા એક બાદશાહે કંઈક આવું જ કરેલું. રાજધાની બદલેલી ને સિક્કાય પડાવેલા. તો મે'કુ આપણાથી કેમ ન થાય?"
**** **** **** 
વધુ એક આઈડિયા 

"સાહેબ, હજી એક આઇડિયા છે."
"યાર, તમે શું ખાઈને આવ્યા છો આજે? હાઈડ્રોપાવર...આઈ મીન, ક્લોરોફોર્મક્વીન... સોરી...પેલું શું નામ છે, યાર..એ?"
"હાઈડ્રોક્સિક્લોરોક્વિન! ના, સાહેબ! એ કંઈ ટોનિક નથી. મારો આઈડિયા સાંભળો. એ આજકાલ ભૂલી પડતી ટ્રેન બાબતે છે."
"ઝટ ભસ."
"સાહેબ, યુપી જવા નીકળેલી ટ્રેન કર્ણાટક જાય, ને કોક ટ્રેન ઓડિસા પહોંચી જાય, એનાથી મૂંઝાવાની જરૂર જ નથી."
"લ્યા, તે આપણે કયે દા'ડે મૂંઝાયા?"
"એમ નહીં, સર! આપણે કહેવાનું કે આ મજૂરો બિચારા આખું વરસ મજૂરીમાંથી ઉંચા આવતા નથી. એ કયે દા'ડે દેશના બીજા ભાગમાં ફરવાના? એટલે એમને 'ભારતદર્શન' કરાવવા માટે આ અમારું આયોજન હતું."
"ના. આ ગળે નથી ઉતરતું."
"સાહેબ, આપણે એ ચિંતા અત્યાર સુધી ક્યારે કરી, એમ કહેશો?"
**** **** **** 
તમામ આઈડિયાનો બાપ  

"સાહેબ, વધુ એક આઇડિયા..."
"ભઈ, આઈડિયા જ આપ્યા કરશો કે હવે કામે લાગશો?"
"સર, ગુસ્તાખી માફ, પણ આ જ તો મારું કામ છે."
"ઠીક છે. બોલો."
"સાહેબ, આપણે એક જબ્બર ફેસ્ટીવલ યોજીએ. એનું નામ જ 'કોરોના પરાજય ઉજવણી મહોત્સવ' રાખવાનું. દેશની બધી ભાષાઓમાં એનાં બેનર ચીતરાવવાનાં."
"હં...પછી?"
"સાહેબ, તમેય શું મશ્કરી કરો છો! પછીનુંં તો બધું લોકો જ ઉપાડી લે ને! આટલા અનુભવે એટલુંય ન શીખ્યા?"

**** **** **** 

સેવાની સાઈડઈફેક્ટ્સ
“પણ તમે તો ઘરની બહાર નીકળ્યા નથી. અને પોલિસ પણ કંઈ હાથ પર ન ફટકારે. તો પછી મને એ સમજાતું નથી કે તમારા હાથ કેમના દુખે છે!”
“જવા દે. તને નહીં સમજાય. કોઈની સેવાની તેં કદી કદર કરી છે ખરી?”
“હું તમારા બધાનું કરવામાંથી ઊંચી આવું તો બીજું કશું કરું ને! સારું, ચાલો હવે કહો કે શું થયું છે!”
“આ બધા કામ કરનારાને સો સો સેલ્યુટ કરી કરીને આ બાવડાં દુખવા લાગ્યાં છે.”
“અરે ભગવાન! તમેય ખરા છો. બહુ ભોળા!”
**** **** ****
દંડસંહિતા
“લ્યો, ઘડીક આને તમારા હાથમાં ઊંચકીને ફરો તો એ સૂઈ જાય. ત્યાં સુધીમાં હું કૂકર મૂકી દઉં.”
“એને નાખ ઘોડિયામાં. મારાથી મારા હાથ જરાય ઊંચા થતા નથી, ત્યાં આને શું ઉંચકવાનો?”
“ઓહ! સોરી! હું આજનો સ્કોર પૂછવાનું ભૂલી ગઈ. કેટલાને ફટકાર્યા આજે?”
**** **** ****
બધું ખૂલ્યા પછી...
“જે ભાવે એ ખાઈ લો. બે દિવસે આજે માંડ કોક આટલું આપી ગયું છે.”
“તું ખાઈ લે. મારાથી તો કોળિયો પણ ભરાય એમ નથી.”
“એવું તે શું કામ કર્યું છે તમે?”
“કામ? અરે, બે દિવસથી પેલા લોકો શીશીઓ પકડાવી જાય છે અને કહે છે કે હાથ ધોતા રહેજો. એક તો એમાંથી દારૂ જેવી ગંધ આવે અને પાછા એનાથી હાથ ધોતા રહેવાનું. આ જો ને! ચામડી છોલાઈ ગઈ.”
“એમ? લ્યો, ચાલો હું તમને કોળિયા ભરાવું. આ બધું ખૂલે પછી સૌથી પહેલી આપણે એક ચમચી વસાવી લઈશું.”
**** **** ****
યે હાથ નહીં....
“આજે મને તારા હાથે ખવડાવીશ?”
“તમનેય હવે આ ઉંમરે પ્રેમલા-પ્રેમલીની રમતો સૂઝે છે? છોકરાં હવે મોટા થઈ ગયાં અને અત્યારે તો બધા ઘરમાં જ છે!”
“તારાથી ન થાય એમ હોય તો ના કહી દે. હું છોકરાંમાંથી કોકને કહું. આખો દિવસ સ્ટ્રેચર ઊંચકી ઊંચકીને બાવડાં એવા ઝલાઈ ગયા છે કે.....”
**** **** ****
બ્રેક
“બસ યાર! આજે આટલું જ.”
“કેમ ભાઈ? તારો ચીપવાનો વારો આવ્યો એટલે બસ કરી દેવાનું?”
“અરે! એવું નથી, દોસ્ત! પણ અઠવાડિયાથી રોજ પત્તાં ચીપી ચીપીને હાથ એવા દુખવા લાગ્યા છે કે એમ થાય છે હવે બ્રેક લઈએ.”
“રાઈટ યુ આર. આપણને બધાને બ્રેકની જરૂર છે. ચા પી લઈએ. પછી કેરમ શરૂ કરીએ.”

No comments:

Post a Comment