- દેવેન્દ્રસિંહ ગોહીલ
(ભરુચ રહેતા મારા મિત્રો દેવેન્દ્રસિંહ ગોહીલ અને સતીશચંદ્ર
પટેલથી આ બ્લોગના વાચકો પરિચીત છે. અગાઉ તેમણે અહીં બે હપ્તામાં વૅલી ઑફ ફ્લાવરનું તસવીરી વર્ણન બહુ રસપ્રદ રીતે કર્યું હતું. આ વખતે તેઓ ઘરઆંગણાના એક ઓછા ખેડાયેલા સ્થળનો પ્રવાસ કરીને
આવ્યા છે. પ્રવાસ, જો કે, ત્રણ-ચાર મહિના પહેલાં કરેલો છે, પણ આવા ‘રખડુ’ મિત્રો પાસેથી તેનું વર્ણન લખાવતાં, વિગતો મેળવતાં આટલો સમય જાય તો માફ છે. એમાંય એ વર્ણન આવું હોય ત્યારે તો
ખાસ.)
બંધારણમાં લખ્યું નથી તેથી શું થઈ ગયું? પહોંચતા -કારવતા ગુજરાતી ઘરોમાં દિવાળીનું ટૂંકું વેકેશન કે મે મહિનાના લાંબા વેકેશનના એક-બે મહિના પહેલાં રજાઓમાં શું કરીશું એવા પ્રશ્નાર્થથી વાતની માંડણી લગભગ એક નિયમ લેખે થતી હોય છે. છેવટે એકાદ ‘દિશા’ પર પસંદગી ઉતરે, જેને ‘કવર’ કરવાનું નક્કી કરવામાં આવે. રસ્તે આવતાં અનેક સ્થળે અને છેવટે મુખ્ય સ્થળે ‘થપ્પો’ મારીને પાછા આવી જવાનું આયોજન થાય. બે ત્રણ દિવસની રજાઓ આવતી હોય અને સાથે શનિ-રવિ ગોઠવાતા હોય એવા મીની વેકેશનમાં આવી ગોઠવણ નાને પાયે થાય. ‘પગે ભમરો’ હોય એવા અમારા જેવા લોકો આવી ગોઠવણ ઓફિસના સમય દરમ્યાન જ કરી લેતા હોય છે.
એવું જ કંઈક એક મીની વેકેશન માં ગોઠવાઈ ગયું. અમે ચાર મિત્રો સતિષ પટેલ , લલિત, ગૌરાંગ અને હું- એક બાબતે સહમત હતા કે મીની વેકેશનની ભીડ ઓછી થાય પછી જ રખડવા
નીકળીએ, અને તે પણ બાઈક પર! એ મુજબ સતિષને સ્થળ નક્કી કરવાનું હોમવર્ક સોંપી દેવામાં આવ્યું. સતીષ જેવા ‘આદિગૂગલ’ને (ગૂગલથીય
પહેલાના યુગના ગૂગલ)ને હોમવર્ક આપી દો એટલે પત્યું.
આખરે ગોઠવણ એવી થઈ કે નિનાઈ ધોધ તેમજ દહેલ ઘાટના ધોધની મુલાકાત લઈને વિસલખાડી - રાજ પીપળા થઈને પરત આવવું.
બાઈક પર જવાનું હતું એટલે લલિતે હવા ભરવાનો પંપ તેમજ બે ટ્યુબ એક્સ્ટ્રા લઈ લીધી. બીજી ખાસ વ્યવસ્થાની જરુર લાગી નહોતી. બધાએ પોતપોતાના ઘેરથી એક ટંક પુરતું જ જમવાનું / નાસ્તો લઈ લેવાનો હતો. બાકી જે મળે તેનાથી ચલાવવાનું હતું. સાગબારામાં અમારે રાત્રિરોકાણ કરવાનું હતું, જ્યાં અમારા યજમાન હતા સુપાભાઈ.
કોઈ લીલી ઝંડી ફરકાવ્યા વિના સવારના સાડા છએ અમારો બાઈકસંઘ ઉપડ્યો. માલસામોટના રસ્તે આવેલા નિનાઈ જવું હોય તો ભરુચથી અંકલેશ્વર-વાલિયા- દેડિયાપાડાવાળો રુટ સહેલો પડે. તે થોડો લાંબો, પણ સરળ અને સગવડભર્યો છે. પણ અમે થોડો ટૂંકો અને ગામડાઓમાંથી પસાર થતો રુટ પસંદ કર્યો. હજી થોડા વર્ષો પહેલાં આ વિસ્તાર ‘ગુજરાતના ચંબલ’ તરીકે ઓળખાતો હતો. (જાણકારો કહે છે કે હવે એ બિરુદ ગાંધીનગરને મળ્યું છે.) હવે, જો કે, હવે પ્રમાણમાં શાંતિ છે, છતાંય સાંજ પછી આ વિસ્તારમાંથી પસાર થવું સલાહભર્યું નથી.
નેત્રંગ છોડ્યા પછી સમતલ જમીને ધીરે ધીરે ઉંચાઈ પકડવાની શરૂ કરી. અહીં નેત્રંગ અને ડેડિયાપાડાને છૂટા પાડતી ટેકરીઓની વચ્ચે રસ્તો કોતરીને સરસ ઘાટ બનાવ્યો છે. અહીં સુધી પહોંચતાં અમારી આંખો હરિયાળા ખેતરોથી ટેવાઈ ગઈ હતી. પણ ખરું જંગલ હવે શરૂ થઈ રહ્યું હતું અને તેનો અંદાજ ઘાટ પૂરો થતાં જ આવી જાય. સાગના વૃક્ષોની હારમાળા રોડની આજુબાજુ શરૂ થઈ જાય, સાથે મહુડો, કરંજ, તાડ જેવાં બીજાં ઘણાં વૃક્ષો પણ દેખાવા
માંડે.
|
નેત્રંગ ઘાટ |
સવારનો સમય અને વાદળછાયું વાતાવરણ, આખાય રોડ પર વાહનોની અવરજવર ન હોય એટલે બાઈકને જેમ રમાડવી હોય એમ રમાડો, કશો જ વાંધો નહિં. ધીરે ધીરે બાઈકીંગનો નશો મન પર સવાર થઈ રહ્યો હતો. ખરચી, બોરિદ્રા- ધારોલી , માલજીપુરા, હરીપુરા, નેત્રંગ થઈને દેડીયાપાડા પહોંચ્યા. નોન-સ્ટોપ ૮૫ કિ.મી.ના બાઈકીંગ પછી અમારો પહેલો મુકામ હતો દેડિયાપાડાનું "ગુજરાત ભજીયા હાઉસ". દેડિયાપાડા તાલુકાનું સ્થળ હોવાથી તેનો વિકાસ થઈ ગયેલો જોઈ શકાય. અહીં મોટરસાયકલ ચલાવતી યુવતીઓ પણ નજરે પડે. ‘શું ખાવું છે ?’ એમ પૂછતાં સતીષે જણાવ્યું, ‘બધું જ’. એ પવિત્ર આત્માને મન કશા ભેદભાવ ન હતા. એટલે અહીં જે ત્રણ-ચાર જાતનાં ભજીયા, પાતરાં, સમોસા- જે મળ્યું તે બધાને અમે સમભાવે આરોગ્યાં. ખાતાં ખાતાં જાણવા
મળ્યું કે આ સ્થળ અહીં ખૂબ પ્રચલીત છે. એટલે ડર પણ લાગ્યો કે ક્યાંક આ ભાઈ કોઈકની
સાથે એમ.ઓ.યુ. કરી દેશે તો પછી આ ભજીયાં આપણી પહોંચમાં રહેશે નહીં. એટલે એ ડરના માર્યા
વધુ ભજીયાં ઝાપટી લીધા. કલ હો ન હો!
દેડિયાપાડાથી ઉત્તરે છ કિ.મી.ના અંતરે બોગજ નામનું ગામ આવેલું છે. બોગજ પાસેથી પસાર થતી તેરાવ નદીમાં મળતા નાના ઝરણાં પર આવેલો ધોધ અમારો બીજો મુકામ હતો.
|
તેરાવ નદીને મળતું ઝરણું |
|
બોગજ પાસેની તેરાવ નદી |
આ સ્થળે પહોંચવા માટે હવે તો પાકો રસ્તો છે. ગામ પાસે નદી પર પુલ પણ છે. આ બ્રિજ પર ઉભા રહીને કઈ તરફ જવું એ વિચારતા હતા, ત્યાં એક યુવાન અમારી મદદે આવ્યો. જીતેન્દ્ર નામનો એ યુવાન અમારી સાથે ધોધ સુધી આવવા તૈયાર થઈ ગયો. એના કહેવાથી જ અમે બાઈકને નીચે ઉતારી. લગભગ ૩૦-૪૦ ફીટ નીચે નદી વહેતી હતી. તેના પટમાં બાઇક મૂકી અને અમે પગપાળા યાત્રા શરૂ કરી.
નદીનો પટ ઘણો વિશાળ છે અને ઉપર ડુંગરોમાં ભારે વરસાદ થાય ત્યારે નદી બન્ને કાંઠે વહેવા લાગે છે. લગભગ એકાદ કિ.મી. નદીના પટમાં ચાલ્યા હોઇશું અને પાણીના પછડાટનો જોરદાર અવાજ સંભળાયો. અહીં એક નાના ઝરણાનું પાણી લગભગ ૨૫-૩૦ ફુટ ઉપરથી વેગપૂર્વક નીચે પડે છે.
ધોધ અને તેની આસપાસ ગીચ ઝાડી આવેલી છે, એટલે નજીક જઇએ ત્યારેજ ધોધના દર્શનની અસલી મઝા માણી શકાય. અહીં પથ્થરો પણ એ રીતે ગોઠવાયેલા છે કે છેક ધોધના પાણી સુધી પહોંચી શકાય. ધોધની બીલકુલ બાજુમાંજ પીપળાનું ઝાડ છે અને તેના થડ પાસે જમીનમાંથી પાણીનું નાનું ઝરણું ફુટે છે. આ
પાણી એકદમ ચોખ્ખું(નિતર્યું )અને મીઠું છે. ગામલોકોએ ત્યાં પાઇપની વ્યવસ્થા એ રીતે ગોઠવી છે કે એનો ઉપયોગ થઈ શકે. આ નાનકડા ધોધનો આનંદ માણીને અમે પાછા આવ્યા અને બાઈક પર આરૂઢ થયા.
|
જોશભેર પછડાતાં પાણી |
બોગજથી આગળ અમારે હવે દેડિયાપાડા થઈને નિનાઈ ધોધ જવાનું હતું. આ સ્થળ હવે ગુજરાતભરમાં વિખ્યાત થઈ ગયું છે. સુરતીઓમાં તે ખૂબ લોકપ્રિય છે. અહીં
સુધીનો રસ્તો પણ સરસ થઈ ગયો છે. આજુબાજુ ગાઢ જંગલ વિસ્તાર છે અને પર્યાવરણની જાગરૂકતા દર્શાવતા જાતજાતના પોસ્ટરો પણ લાગી ગયા છે. નિનાઈ ધોધ આમ તો માલસામોટના ડુંગરોમાંથી નીકળતી એક નાની નદી પર આવેલો છે. તપાસ કર્યા પછી પણ નદીનું નામ જાણી શકાયુ નહીં, પણ એટલી ખબર પડી કે આ નદી છેવટે કરજણ નદીને મળે છે. નદીનું અને સ્વીસ બૅન્કમાં જમા થયેલા રૂપિયાનું મૂળ પૂછાય
નહીં. અહીં અમને વગર પૂછ્યે નદીના મૂળની ખબર પડી, પણ નામ જાણવા ન મળ્યું. મુખ્ય રોડથી ધોધ સુધી જવા માટે બેથી અઢી કિ.મી.નો કાચો રોડ છે, પણ મોટાં વાહનો સરળતાથી જઈ શકે છે. ધોધના ઉપરવાસ પાસે પણ જઈ શકાય છે.
|
નિનાઈ ધોધ |
|
નિનાઈ ધોધની ઉપરથી દેખાતું દૃશ્ય |
|
નિનાઈ ધોધ: પાણીનું અધ:પતન |
અમે ત્યાં જ બેસીને અમારું બપોરનું ભોજન પતાવ્યું . ધોધના હેઠવાસ પાસે જવા માટે પગથીયાંની સરસ વ્યવસ્થા છે. અહીં આપણી સાથે એક દસ- બાર વરસનો છોકરો ચાલવા લાગશે, આપણને એની જરૂર હોય કે ન હોય. એ આપણો બની બેઠેલો ગાઈડ છે, એવી જાણ થતાં એને કંઈક પૂછીએ તો જવાબ આપે અને તે પણ ટૂંકાક્ષરી. એની માંગણી પણ બહુ નથી હોતી. ૧૦-૨૦ રૂ.ની ટીપ આપો તો આપણું અને એનું કામ ચાલી જાય છે. અહીં એક અણગમતું દૃશ્ય એ જોવા મળ્યું કે પ્લાસ્ટીકના પેકિંગમાં ખાવાની ચીજવસ્તુઓ મળવા માંડી છે. એ જોઈને ડર લાગે કે બહુ ઝડપથી આ સ્થળનું સૌંદર્ય નષ્ટ થઈ જશે.
અમારું હવે પછીનું ડેસ્ટીનેશન હતું- ‘દહેલઘાટના ધોધ’. નિનાઈ ધોધથી ઉપર જઈએ તો માલ-સામોટ તરફ જવાય પણ પાછા ડેડિયાપાડા તરફ વળીએ તો દોઢ-બે કિ.મી અંતરે કોકટી ગામ પાસે એક નાનો ફાંટો પડે છે. અહીં મુખ્ય રસ્તો છોડીને કાચા-ધુળિયા રસ્તા પર બાઇક ચલાવવી પડે. વરસાદની ઋતુ હોવાથી ઠેર-ઠેર ખાબોચિયા તો હોય જ. પણ અધીરાઈનો પાંચ-દસ મિનીટમાં જ અંત આવી જાય છે. આ ગામ સુધી જવા માટે પાકો રસ્તો ગુજરાત સરકારે બનાવ્યો નથી, પરંતુ ગામના બીજા છેડાથી મહારાષ્ટ્રમાં પ્રવેશતાં જ સાંકડો, છતાં સરસ મઝાનો પાકો રસ્તો શરૂ થઈ જાય છે. આ વિસ્તાર મહારાષ્ટ્ર રાજ્યના નંદરબાર જીલ્લાના અક્કલકુવા તાલુકાની હદમાં આવે છે. અહીં એક ખાસ બાબત તરત ધ્યાનમાં આવે અને તે છે - અહીંના બધા ડુંગરાઓ પર ખેતી કરવામાં આવે છે. ગુજરાત તરફના ડુંગરો જંગલ-ઝાડીથી ભરપૂર છે, પણ આ તરફ ખાસ જંગલ નથી અથવા તો યેનકેન પ્રકારે એનું નિકંદન કાઢવામાં આવ્યું છે. ગમે તેમ પણ અહીંના પહાડોમાં સરસ રસ્તાઓને કારણે બાઈક ચલાવવાની મઝા જ આવે છે. નિનાઈ ધોધ સમુદ્રતળથી આશરે ૧૫૦૦ ફૂટ જેટલી ઊંચાઈ પર છે, જ્યારે આ વિસ્તાર એનાથીય વધુ ઊંચાઈ પર આવેલો છે. આખો વિસ્તાર ખાસ વસ્તી વિનાનો અને તેને કારણે વાહનોની અવરજવર વિનાનો છે. વાહનચાલકોની કસોટી થઈ જાય તેવા સીધા અને ઉંચા ઢાળવાળા રસ્તાઓ છે. સૌથી ઊંચી સાબર ટેકરી આશરે ૨૫૦૦ ફૂટ ઊંચાઈએ આવેલી છે અને
તેના છેક ઉપરના ભાગમાંથી રસ્તો પસાર થાય છે.
|
સાબર ટેકરી |
આખોય વિસ્તાર ખૂબ રળિયામણો લાગે છે.
પહાડો પરથી ઉંચાનીચા રસ્તાઓ પસાર કરીને આશરે ૩૦કિ.મી.ના અંતરે આવેલા ધોધ પાસે અમે પહોંચ્યા. અહીંના રહીશો મિલનસાર લાગ્યા. દહેલઘાટમાં ત્રણ જગ્યાએ ધોધ પડે છે. અહીં જે નદી વહે છે તેનું નામ ‘દેવગંગા’ હોવાનું જાણવા મળ્યું. આ આખોય વિસ્તાર પહાડી, છતાં સમતલ છે અને આશરે ૨૦૦૦-૨૨૦૦ ફુટની ઉંચાઈએ છે. અમે અહીં પહોંચ્યા ત્યારે નમતી બપોરના ૪:૩૦/૫:૦૦નો સમય થયો હતો, હવામાં ઠંડક અને ભેજ બન્ને કંઈક જુદી જ અનુભૂતિ કરાવતા હતા. અમે જેને અહીંનો મુખ્ય ધોધ માનતા હતા તે ત્રણ સ્ટેપમાં છે. અને ધોધને બરાબર નિહાળવા માટે નદી ઓળંગીને બીજી બાજુ જવું પડે છે, કારણ આ તરફ ખૂબજ ઊંચી ભેખડો છે, બીજી બાજુ પણ થોડે દૂર જઈને અનુકૂળ જગ્યા પસંદ કરીને થોડું નીચે ઉતરવાથી આખોય નઝારો વ્યવસ્થિત માણી શકાય છે.
|
દહેલઘાટના ઉપરના ભાગમાં આવેલી નદી |
|
દહેલઘાટના મુખ્ય ધોધની પડખે આવેલો ધોધ |
|
ત્રણ તબક્કે પડતો દહેલઘાટનો ધોધ |
આગળ જણાવ્યું તેમ રાત્રિરોકાણ સાગબારા ખાતે ઠરાવેલું હતું તેથી હવે પાછા ફરવું જરૂરી હતું, હવે બાઈક ચલાવવાનો વારો સતિષનો હતો. એના હાથમાં બાઈક આવે એટલે બાઈકને પાંખો ફૂટી જાણવી. દહેલઘાટથી કણબીપીઠા- દેવમોગરા થઈને સાગબારા ફકત એક કલાકમાં જ તેણે પહોંચાડી દીધા. રહી વાત પાછળ બેસનારની.... એણે કશું કરવાનું જ ન હોય, જે થાય તે ચૂપચાપ જોયા કરવાનું.
દેવમોગરામાં ‘પાંડૂરી માતા’નું મોટું સ્થાનક છે. અહીં શિવરાત્રિએ મેળો ભરાય છે અને ગુજરાત, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યોના આદિવાસીઓ મોટી સંખ્યામાં ભેગા થાય છે. ગુજરાતમાં હોવા છતાં અહીં ‘દારૂ અને મરઘી’નો ભોગ માતાજીને ધરાવાય છે. અમે અહીં પહોંચ્યા ત્યારે રાત્રિના ૭-૩૦ જેટલો સમય થઈ ગયો હતો. મંદિર બંધ હતું, પણ મંદિરના પ્રાંગણમાં આવેલા વૃક્ષો પર આગિયાની રોશની જોવાની મઝા પડી ગઈ. છેક સાગબારા સુધી આમ રહ્યું. અહીંના જંગલોમાં આગિયા મોટા પ્રમાણમાં હોય એમ લાગ્યું. દેવમોગરાથી સાગબારા સુધીનો રસ્તો પ્રમાણમાં વધારે ખરાબ છે. સાગબારામાં સૂપાભાઈને ઘેર રાત્રીરોકાણ હતું, જે ત્યાંના જ રહીશ હતા. એમણે ભાવપૂર્વક જુવારના રોટલા, ચોખાના લોટના "માંડા"એટલે કે બાફેલો રોટલો અને મીક્ષ વેજીટેબલ સબ્જી જમાડી.
"સાગબારાથી દેડિયાપાડા અને ત્યાંથી રાજપીપલા " આ રૂટ વિશે ખાસ વાત કરવી છે.- સાગબારા ગામની બહાર નીકળતાં જ ગાઢ જંગલ અને ખેતરો શરૂ થઈ જાય છે. વનવિભાગની મહેનત દેખાઈ આવે છે. સાથે સાથે ગ્રામજનોની સભાનતા પણ ખરી. હવે આ વિસ્તાર શૂલપાણેશ્વર અભયારણ્યમાં છે. જંગલમાથી પસાર થતા રસ્તાઓ અને કેડીઓ પારખી શકાય છે. આ આખોય વિસ્તાર આમ તો પહાડી છે પરંતુ ઊંચાઈમા વધઘટ ખૂબ ઓછી છે- લગભગ સમતલ કહી શકાય . અહીં મકાઈ , જુવાર અને ડાંગરની ખેતી મોટા પ્રમાણમા થાય છે. સાગબારાથી દેડિયાપાડાનો રોડ ખરેખર સારો છે અને વાહન ચલાવતી વખતે આજુબાજુ ધ્યાન જાય તો પણ વાંધો આવે એવું નથી, દૂર રહેલા પહાડો ધીરે ધીરે નજીક આવે એમ તેની વૄક્ષો અને વનરાજીના રંગો પણ ઉઘડવા માંડે.
અમે હવે દેડિયાપાડાથી રાજપીપલાનો રૂટ લીધો. લીમડા ચોક (ડેડિયાપાડા)થી થોડેક આગળ જતાં રાજપીપલા જતો મુખ્ય રસ્તો શરૂ થાય છે. અહીં મોટા હોર્ડિંગ પર સ્થળના અંતર દર્શાવતા આંકડાઓ દૂરથી જ દેખાય છે.
અમારી બીજા દિવસની વળતી સફર શરૂ થઈ. એમ તો સવારે સાગબારાથી નીકળ્યા ત્યારથી જ ગણાય પણ, અહીં જરાક વિશેષ વાત છે. રાજપીપલા તરફ જતો રસ્તો L & T એ બાંધ્યો છે અને એ ખૂબ વિશાળ છે. ગામથી થોડે દૂર સુધી ખેતરો રહે છે અને પછી જંગલો શરૂ થાય છે. એની સાથે સાથે પહાડી ઢોળાવો પણ શરૂ થઈ જાય છે. ઘણા પહાડી રસ્તાઓ જોયા છે, પણ આટલા વ્યવસ્થિત, અને વેલ પ્લાન્ડ રસ્તાઓ નથી જોયા. રસ્તાની એક તરફ (ડુંગર બાજુ) પહાડોમાંથી વહેતા ઝરણાના પાણીને રોડ પર આવતું અટકાવવા વાસ્તે રસ્તાની બાજુમાં ટ્રેન્ચ ઠેર ઠેર બનાવવામાં આવી છે. આ આખોય વિસ્તાર એટલો રળિયામણો, ગીચ વૃક્ષોથી કે લીલાંછમ ખેતરોથી ભરેલો છે અને પહાડોમાં આ વિસ્તારના બીનઅનુભવી વાહનચાલક હોવા છતાં આખોય નઝારો માણતા, માણતા આગળ વધી શકાય છે.
|
થોભો... |
|
માણો.... |
|
....અને નિરાંતે આગળ વધો |
વચ્ચે વચ્ચે આવતા ધોધ અને ઝરણાના પાણીના નિકાસની સુંદર વ્યવસ્થા છે. પહાડો ભલે ઊંચાઈમાં નાના છે, પણ સૌંદર્ય ખચોખચ ભરેલું છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય, આછું આછું અજવાળું હોય, ગરમીનું પ્રમાણ ઓછું હોય, અને આખાય પહાડી રસ્તા પર તમે એકલા વાહન ચલાવતા હો, - આ વાત જ કંઈક નોખી છે. અહીં વળાંકો, ચઢાવ-ઉતારથી તથા વૃક્ષ વનરાજીથી શોભતા આખાય રસ્તા પરનું ડ્રાઈવીંગ પ્લેઝર એક વાર અવશ્ય માણવા જેવું છે. અહીંના વાતાવરણ-સ્થળ-કાળમાં એટલી તાકાત છે કે તમને ઘડીભર કાશ્મીરની ઘાટીને ભુલાવી દેવા એ સમર્થ છે.
આમ પ્રવાસ કરતાં " વિસલ ખાડી " વિસ્તારમાં અમે પહોંચ્યા. લગભગ આખી બપોર અમે અહીં જ ગાળી. "વિસલ ખાડી " હવે તો ખૂબ જાણીતું સ્થળ છે. એટલે કંઈ વિશેષ કહેવા પણું નથી પણ અહીં "વિસલખાડી વન પરિસરિય કેન્દ્ર" (Visalkhadi eco-camp site) ખાતે ડુંગરોની ગોદમાં ઘેરાયેલા પાણીના સરોવર નજીક બોટિંગ, ટ્રેકિંગ, આરામગૃહ, કેન્ટિન વગેરેની સુંદર વ્યવસ્થા છે.
|
વિસલખાડીને રસ્તે |
સાંજના સમયે અમે વિસલખાડીથી વિદાય લઈ માંડણ ગામ, બોરીદ્રાના ઊંચાઈ વાળા ભાગ પરથી કરજણ ડેમના બૅક વોટરનાં સુંદર દૃશ્યો માણ્યાં. પછી ઘાટના રસ્તામાં એક સુંદર ધોધ પણ જોયો અને રાજપીપળા થઈ ઘરે પરત આવી ગયા.
|
માંડણ ગામ પાસેનો નાનકડો ધોધ |
|
ઉંચાઈ પરથી દેખાતું બૅક વૉટરનું દૃશ્ય |
|
માંડણ ગામ |
આ આખું વર્ણન વિગતે કરવા પાછળનો આશય એટલો જ કે, આપણા રાજ્યમાં, આપણાથી નજીકમાં જ રહેલા આવા
અદ્ભુત વિસ્તારથી પ્રકૃતિપ્રેમીઓ પરિચીત થાય. રજાઓમાં કેવળ ઘરની બહાર જવાની
વૃત્તિને લઈને કોઈ જાણીતા સ્થળની ભીડભાડમાં ખોવાવું કે નિસર્ગની ગોદમાં આવેલા, આવા એકાંત સ્થળની એકલતામાં ખોવાવું એ પોતાની પસંદગી છે.
(તસવીરો: દેવેન્દ્રસિંહ ગોહીલ અને સતીષચંદ્ર પટેલ)