Monday, February 2, 2015

માલગુડી ડેઝ અને આર.કે.લક્ષ્મણ: કલમ અને પીંછીની જુગલબંદી


(૨૬ જાન્યુઆરી, ૨૦૧૫ના દિવસે ૯૪ વર્ષની પાકટ વયે આર.કે.લક્ષ્મણનું અવસાન થયું. અનેક પ્રિય કાર્ટૂનિસ્ટોમાંના તે એક ખરા, પણ તેમને વિશેષ શ્રધ્ધાંજલિ શી રીતે આપવી, એ મૂંઝવણ હતી. પછી યાદ આવ્યું કે કાર્ટૂનિસ્ટ મિત્ર અશોક અદેપાલે પોતાના અનોખા હાસ્યમાસિક 'વાહ, ભાઈ વાહ!'ના એક વિશેષાંક માટે 'માલગુડી ડેઝ અને આર.કે.લક્ષ્મણ' વિષે એક લેખ લખવાનું સૂચન કરેલું. લેખ તો લખાયો, પણ એ લખતાં જે મઝા પડી છે! કેટકેટલી વાતો તાજી થઈ આવી! આર.કે.નારાયણ ગયા, અને હવે આર.કે.લક્ષ્મણ પણ નથી, ત્યારે આ લેખ દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં કાઠું કાઢનાર, છતાં અવિભાજ્ય એવી આ બંધુબેલડીનું સ્મરણ તાજું કરાવી આપવાનો પ્રયાસ.) 


દક્ષિણ ભારતની સરયૂ નદીને કાંઠે આવેલું નાનકડું, નિરાંતવું નગર એટલે માલગુડી. સરયૂ નદી પરનો પુલ પસાર કર્યા પછી માલગુડી સ્ટેશન આવે. દિવસમાં ફક્ત બે ટ્રેન અહીં આવે છે.

સરયૂ નદી પરનો પુલ (*) 
બપોરે મદ્રાસ તરફથી આવતી, અને સાંજે ત્રિચી તરફથી આવતી. અહીં ટ્રેનો ફક્ત બે મિનીટ માટે થોભે છે. સ્ટેશન પર ઉતરો એટલે રેલ્વે રાજુ તરીકે ઓળખાતા રાજુની સોડા, ફળો વગેરે વેચતી નાનકડી હાટડી નજરે પડ્યા વિના રહે નહીં. આ અજાણ્યા સ્ટેશને ઉતરનારા પ્રવાસીઓ રાજુને પૂછપરછ કરતા, જેના મૌલિક જવાબ આપી આપીને એ અહીંનો પ્રખ્યાત ગાઈડ થઈ ગયેલો. (આગળ જતાં એ રોઝી નામની એક નર્તકીના પ્રેમમાં પડ્યો અને જેલમાં ગયેલો. જેવો અનાયાસે એ ગાઈડ બનેલો, એવો જ અનાયાસે એ પછી સાધુ બની ગયેલો.) આ સ્ટેશનના ઈતિહાસમાં બે મિનીટ કરતાં વધારે સમય માટે ટ્રેન ઉભી રહી હોય એવું એક જ વાર બનેલું, જ્યારે ૧૯૩૭માં ગાંધીજીએ આ નગરની મુલાકાત લીધેલી.
માલગુડી સ્ટેશન
સ્ટેશનની બહાર નીકળતાં નજરે પડે છે મિશન હાઈસ્કૂલ. સ્વામીનાથન નામનો એક છોકરો આ સ્કૂલમાંથી જ ભાગી ગયેલો. જો કે, પછી તેને બોર્ડ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી બીજી હાઈસ્કૂલમાં દાખલ કરી દેવાયેલો.
મિશન હાઈસ્કૂલ (*) 

આ એ જ મિશન હાઈસ્કૂલ છે કે જેના ઘંટનો અવાજ બહુ કર્કશ હોવાથી એ વિદ્યાર્થીઓના નાજુક કાનને ઈજા પહોંચાડે છે, એવી ફરિયાદ અદાલતમાં દાખલ કરવામાં આવેલી. અને એ ફરિયાદ નોંધાવનાર હતા વી. જહોન, જેમણે પોતાનું જીવન ફરિયાદો નોંધાવવામાં જ વ્યતિત કરેલું.

મિશન સ્કૂલથી થોડે આગળ છે કેશવન હોસ્પિટલ. ટી.કેશવન નામના ડૉક્ટરને વિદ્યાર્થીઓ શાપ આપતા, કેમ કે એ કદી કોઈને માંદગીનું ખોટું સર્ટિફિકેટ લખી આપતા નહીં. મિશન સ્કૂલની બાજુનો ખાલી પ્લોટ એમ.સી.સી.ની માલિકીનો છે. એમ.સી.સી. એટલે માલગુડી ક્રિકેટ ક્લબ.
એમ તો લૉલી એક્સટેન્શન નામે વિસ્તાર અહીંનો ધનિક અને પોશ વિસ્તાર છે, જે પ્રમાણમાં શાંત રહે છે, સિવાય કે એક વાર. ૧૯૪૭માં અહીં ઉભેલા સર ફ્રેડરીક લૉલીના બાવલાને તેમજ લૉલી એક્સટેન્શન શણગારવામાં આવેલાં.
સર ફ્રેડરીક લૉલીનું બાવલું 
એ વખતે રાષ્ટ્રભાવનાનો પ્રચંડ જુવાળ આવ્યો. કોઈકે શોધી કાઢ્યું કે એ તો જુલમી શાસક હતો. બસ, પછી તો પૂછવું જ શું? બાવલાને હટાવી દેવામાં આવ્યું. થોડા સમય પછી ખબર પડી કે લૉલી નામનો જુલમી શાસક તે આ નહીં, પણ વૉરન હેસ્ટિંગ્સના કાળમાં થઈ ગયેલો એ. આ તો બહુ સજ્જન હતો અને માલગુડી તેણે જ વસાવેલું. પાછો જુવાળ આવ્યો, પણ આ વખતે લૉલીની તરફેણમાં. તેના પૂતળાને એક ખૂણે પાછું ઉભું કરાયું. કબીર લેન તરીકે ઓળખાતો એ રોડ હવે પાછો લૉલી રોડ તરીકે ઓળખાવા લાગ્યો.
લૉલી રોડ (*) 
માલગુડીમાં હવે નવેસરથી નામકરણ કરવાનું ચલણ સામાન્ય બનવા લાગ્યું હતું. કોરોનેશન પાર્ક હવે હમારા હિન્દુસ્તાન પાર્ક તરીકે ઓળખાતો થયો. લૉલી એક્સટેન્શન બન્યું ગાંધીનગર. એકાદ બે નહીં, ચચ્ચાર રોડ મહાત્મા ગાંધી રોડના નામે ઓળખાવા લાગ્યા. જો કે, લોકો જૂનાં નામથી એવા ટેવાયેલા કે નવાં નામ તેમને હોઠે ચડતા જ નહીં. એ તો દરેક સ્થળોને એ જ જૂના નામે ઓળખતા. એટલે ધીમે ધીમે પાછાં જૂનાં નામ ચલણમાં આવી ગયાં.
એમ તો માલગુડીની એક વખતની અતિ પ્રસિદ્ધ એવી ઈન્ગ્લેડિયા ઈન્સ્યોરન્સ કંપની દ્બારા મહિલાઓને નોકરીએ રાખવાના ફળદ્રુપ વિચારને સારો એવો પ્રતિસાદ મળેલો. પણ પછી રૂપજીવિનીઓએ પણ અહીં અરજી કરતાં વાત પડતી મૂકાઈ.
આ કંપનીથી થોડે દૂર છે બોઈંગ સાડી સ્ટોર્સ’. સાડીને બોઈંગ લેવાદેવા હોય ખરી? આ કિસ્સામાં હતી. આ સ્ટોરના માલિકે એક વાર છાપામાં બોઈંગ નામ વાંચ્યું. બસ, એને ગમી ગયું એ નામ અને પોતાના સ્ટોર માટે એણે આ નામ પસંદ કરી લીધું.
આ છે માલગુડીની સૃષ્ટિ. છે કાલ્પનિક, પણ તદ્દન વાસ્તવિક લાગે એવી. માલગુડીની પૃષ્ઠભૂમિમાં અનેક કથાઓ લખનાર આર.કે.નારાયણ સહિત કુલ છ ભાઈઓ અને બે બહેનોમાં લક્ષ્મણ સૌથી નાના. નારાયણનો નંબર ત્રીજો હતો. પણ આર.કે.લક્ષ્મણ અને આર.કે.નારાયણ વચ્ચેય ખાસ્સો પંદર વરસનો તફાવત હતો. બહેનો તો પરણીને સાસરે વિદાય થઈ ગયેલી. ભાઈઓમાં સુમેળ ઘણો હતો. નાનકડા લક્ષ્મણને સૌ હાથમાં જ રાખતા. તેમના પિતાજી શાળાના આચાર્ય હતા. શાળા માટે ઘણાં સામયિકો ઘેર આવતાં અને એ શાળાએ જાય તે પહેલાં ભાઈઓ વાંચી લેતા. એ વખતે સ્ટ્રેન્ડ મેગેઝીનમાં પ્રકાશિત થયેલી શેરલોક હોમ્સની અંગ્રેજી વાર્તાઓ  લક્ષ્મણના મોટા ભાઈ તેને પોતાના ખોળામાં બેસાડીને વાંચી સંભળાવતા.
મોટા ભાઈ આર.કે.નારાયણને ધ મેરી મેગેઝીનમાં પ્રકાશિત થયેલી એક વાર્તા માટે ઈનામ મળ્યું, ત્યારે લક્ષ્મણને બહુ જ આનંદ થયેલો. ડોડુ, ધ મનીમેકર નામની એ વાર્તામાં લક્ષ્મણ નામના એક નાનકડા છોકરાની વાત હતી, જે શીંગ અને કેન્ડી જેવી પોતાની તાત્કાલિક જરૂરતો પૂરી કરવા માટેના પૈસા માટે ફાંફા મારે છે. બિલકુલ અસલ લક્ષ્મણના જેવું જ પાત્ર હતું એ.
મોટા ભાઈને અત્યાર સુધી માત્ર લેખક ગણતા લક્ષ્મણને હવે તેમની પ્રવૃત્તિઓમાં રસ પડવા લાગ્યો. ત્યારે નારાયણ એક ટાઈપ રાઈટર પર પોતાની પહેલવહેલી નવલકથા સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ ટાઈપ કરી રહ્યા હતા. માલગુડી નામનું કાલ્પનિક, પણ દંતકથારૂપ બની રહેનારું ગામ લેખકના મનમાંથી હવે કાગળ પર આકાર લઈ રહ્યું હતું.
દસેક વરસની ઉંમરે લક્ષ્મણે કલાકાર બનવાનું નક્કી કરી લીધું. તેમનાં દોરેલાં કાર્ટૂન સ્થાનિક અખબારોમાં છપાતાં. તેને લઈને લક્ષ્મણને કમાણી પણ થતી. મોટાભાઈની વાર્તામાં આવતા ડોડુ જેવા લક્ષ્મણને  પોતાનો મારગ મળી ગયો હતો. કિશોર વયના આ ચિત્રકારની ખ્યાતિ ઠીક ઠીક પ્રસરી.
ત્યાર પછી મદ્રાસના ખ્યાતનામ અખબાર ધ હિન્દુમાં આર.કે.નારાયણની વાર્તાઓ પ્રકાશિત થવાનું શરૂ થયું, એટલે નારાયણે પોતાની વાર્તાઓ માટે ચિત્રો બનાવવાનું લક્ષ્મણને કહ્યું. માલગુડીની વાર્તાઓના પહેલવહેલા શ્રોતા પણ લક્ષ્મણ જ હતા. વાર્તા સંભળાવ્યા પછી આર.કે.નારાયણ તેમનો અભિપ્રાય પણ પૂછતા. આને લઈને લક્ષ્મણ સારી પેઠે જાણતા હતા કે ભાઈની જરૂરત શી છે, તેમનાં પાત્રો કેવાં છે અને અમુક પાત્ર દર્શાવતી વખતે તેમના મનમાં કઈ વ્યક્તિ છે, તેમની વાર્તામાં આવતાં સ્થળો કેવાં છે. બન્ને જણા સાથે જ કેટકેટલી જગાએ રખડવા જતા. આને લઈને બહુ આસાનીથી તે ચિત્રો બનાવી શકતા.
જો કે, તોફાની લક્ષ્મણને સારી રીતભાત શીખવવા માટે નારાયણ આગ્રહ રાખતા. પણ એમનું માને એ બીજા!
ક્રિકેટપ્રેમ 
તેમના મકાનના બગીચામાં લક્ષ્મણને ક્રિકેટ રમવા માટે નારાયણે પ્રતિબંધ ફરમાવી દીધો, ત્યારે હતાશ થયેલા લક્ષ્મણે બેટ અને સ્ટમ્પ સાથે દોસ્તારોને લઈને નવા મેદાનની શોધ આરંભી. આ જોઈને પણ નારાયણ પીગળ્યા નહીં. જો કે, લક્ષ્મણના મનની વેદનાને તેમણે પોતાની એક વાર્તા ધ રીગલ ક્રિકેટ ક્લબમાં વાચા આપી. વાર્તામાં તેમની સહાનુભૂતિ લક્ષ્મણ પ્રત્યે હતી, પણ વાસ્તવિક જીવનના એ પ્રસંગ પૂરતી નહીં.
આમ, જોઈ શકાય છે કે લક્ષ્મણ અને નારાયણ બન્ને ભાઈઓની અનુભૂતિ ઘણીખરી બાબતોમાં સમાન હતી. નારાયણે પોતાના મનોજગતને અક્ષરો દ્વારા સાકાર કર્યું, તો લક્ષ્મણે તેને સાકાર કરી આપ્યું ચિત્રો દ્વારા. દૂરદર્શન પર આવતી માલગુડી ડેઝ શ્રેણીના શીર્ષકમાં દેખાડાતાં તમામ ચિત્રો આર.કે.લક્ષ્મણે જ દોરેલાં હતાં,જે માલગુડીના માહોલની સાથે સાથે મૂળ કથાને પણ સુસંગત હતાં.


ટી.વી.શ્રેણીના ટાઈટલમાં 

એ જ રીતે માલગુડી ડેઝ પુસ્તકનાં કવર પર પણ મોટે ભાગે લક્ષ્મણે દોરેલાં ચિત્રો મૂકાતાં રહ્યાં છે. 
પુસ્તકના કવર પર 
આ લેખના આરંભે જણાવ્યા છે એમાંના મોટા ભાગનાં સ્થળો અને પાત્રો આ ચિત્રોમાં જોઈ શકાશે
બન્ને ભાઈઓ પોતપોતાના કામમાં મશગૂલ 
આર.કે.નારાયણની ટપાલ ટિકીટ બહાર પડી ત્યારે એ ટિકીટ પર નારાયણની તસવીરની પછવાડે લક્ષ્મણે બનાવેલું ચિત્ર જ મૂકવામાં આવ્યું હતું. માલગુડી ડેઝ ભલે આર.કે.નારાયણનું સર્જન હોય, પણ લક્ષ્મણે પોતાની પીંછી થકી આ વાર્તાઓ માટે બનાવેલાં ચિત્રો એવા અસરકારક છે કે માલગુડી ડેઝ માટે આર.કે.નારાયણે સર્જેલાં પાત્રો કે ઘટનાઓ યાદ આવે એ સાથે જ લક્ષ્મણે બનાવેલાં ચિત્રો પણ અનાયાસે યાદ આવી જાય છે.  
ચહેરો આર.કે.નારાયણનો, ચિત્ર આર.કે.લક્ષ્મણનું 
'માલગુડી ડેઝ'ની આટલી બધી વાત કરીએ અને  તેના પરથી બનેલી અદ્‍ભુત ટી.વી.ધારાવાહિકનું એટલું જ અદ્‍ભુત ટાઈટલ ગીત સાંભળ્યા વિના શી રીતે આ પોસ્ટ પૂરી થઈ ગણાય?'માલગુડી ડેઝ' ટી.વી.ધારાવાહિકના પ્રેમીઓ જાણતા જ હશે કે આ શ્રેણીનો આખો સેટ હવે ડી.વી.ડી. પર ઉપલબ્ધ છે.   ઉપરાંત મૂળ અંગ્રેજીમાં લખાયેલી વાર્તાઓ પુસ્તકરૂપે હિન્‍દીમાં પણ ઉપલબ્ધ છે. આર.કે.લક્ષ્મણનાં કાર્ટૂન ઉપરાંત તેમનાં લખેલાં પુસ્તકો પણ આસાનીથી ઉપલબ્ધ છે અને ઓનલાઈન મંગાવી શકાય છે. 

નોંધ: - તમામ તસવીરો નેટ પરથી લીધેલી છે. 
- (*) નિશાનીવાળાં ચિત્રો જયચંદ્રનનાં બનાવેલાં છે, જે તેમણે માલગુડીના એક લેખ માટે બનાવ્યાં હતાં. એ સિવાયનાં ચિત્રો લક્ષ્મણનાં દોરેલાં છે.

4 comments:

 1. માલગુડી આપણા દેશનું એક ઐતિહાસીક સ્થળ બની ગયું. આ દેશ કલાકારોની જે કદર કરે છે તે મસ્તક નમાવી દેનારી બાબત છે.....બે ભાઈઓની આ વાતો આપણાં સૌ માટે મનમાં તીર્થત્વ ઉભી કરી દેનારી લાગી છે. નાનપણથી આ કાર્ટુનો માણતો આવ્યો છું. સીરીયલની ઝીંગલટ્યુન કાનમાં એક જગ્યા બનાવી ગઈ હતી ! આ સૌ કલાકારોને તમે સૌ આમ યાદ કરાવી કરાવીને મનને એક પ્રકારનો અજંપો આપી દીયો છો ! ફીલ્મોની વાતો પછી આજે આ બે ભાઈઓની વાતોએ મનને ઘેરી લીધું..........ખુબ આભાર સાથે – જુ.

  ReplyDelete
 2. એક યુગપુરૂષની કોઇ પણ વિષયને 'પીંછીને એક જ લસરકે' જીવંત કરી શકવાની આગવી લાક્ષણિકતાની બહુ જ સ-રસ રજૂઆત.

  ReplyDelete
 3. taa na naa ta naa naa na

  ReplyDelete
 4. કેટલાં બધાં પાત્રોની એક સાથે યાદ આવી ગઈ. ધારાવાહિકના દિવસો પણ અદ્ભૂત હતા. પરિવારોને જોડવાની તાકાત આ શ્રેણીઓમાં હતી. સરસ લેખ.

  ReplyDelete