Sunday, January 18, 2015

કુંદનલાલ સાયગલ: અબ ઉસકી યાદ સતાયે ક્યૂં


૧૯૩૧માં આવેલી પહેલવહેલી બોલતી હિન્દી ફિલ્મ આલમ આરાથી લઈને છેક અત્યાર સુધી ફિલ્મોમાં ગીતોની દીર્ઘ પરંપરા રહી છે. આરંભે અદાકારો પોતે જ ગીત ગાતા અને ત્યાર પછી પાર્શ્વગાયનનો યુગ શરૂ થયો એ સાથે જ અનેક પાર્શ્વગાયકોનો ઉદય થયો. પણ આ બન્ને યુગમાં સૌથી ટોચે કોઈ એક ગાયકનું નામ મૂકવાનું આવે તો એક જ નામ હોઠે આવે- કે.એલ.સાયગલ એટલે કે કુંદનલાલ સાયગલ.
અનન્ય સાયગલ કોશ 
આ નામ કાને પડતાં જ કાનમાં મધુર સૂરોનું ગુંજન થવા લાગે અને એક પછી એક કેટલાંય ગીતો યાદ આવવા લાગે. અહીં સાયગલની જીવનકથા, તેમની ફિલ્મોની વાતો કે તેમના વિષેની અનેક દંતકથાઓ વિગતે આપવાનો જરાય ઈરાદો નથી. વ્યક્તિ તરીકે એ કેવા ઉમદા ઈન્સાન હતા એની વાત પણ નથી કરવી. સાયગલ વિષે નાનાંમોટાં અનેક પુસ્તકો, પુસ્તિકાઓ, કૉફી ટેબલ બુક્સ થયાં છે. કોઈકમાં તેમના જીવનના છૂટાછવાયા વાર્તાઓ જેવા અર્ધસત્ય કિસ્સાઓ છે, તો કોઈકમાં ચમકીલા કાગળ પર વિશાળ કદની તસવીરોની વચ્ચે નામ પૂરતું લખાણ મૂકીને સાયગલના નામે રોકડી કરવાનો પ્રયાસ છે. આવા પુસ્તકોના અંબારમાં તેમના જીવન અને કવન અંગેનું એક પુસ્તક સૌથી અલગ તરી આવે છે. જબ દિલ હી તૂટ ગયા નામના આ પુસ્તકને સાયગલ કોશ કહી શકાય. સાયગલના જીવન વિષેની ઝીણી ઝીણી વિગતોથી લઈને તેમણે ગાયેલાં તમામ ગીતોનો આખો પાઠ તેમાં આપવામાં આવ્યો છે. આ કોશના સંપાદક છે હરમંદીરસીંઘ હમરાઝ અને હરીશ રઘુવંશી. આ બન્ને સન્નિષ્ઠ સંપાદકોની સૂઝ અને ખંતનું એક ઉદાહરણ જાણવું પૂરતું થઈ પડશે.
સાયગલની જન્મતારીખ વિષે મતાંતર છે. અમુક જગાએ તે ૪ એપ્રિલ, ૧૯૦૪ છે, તો અમુક જગાએ ૧૧ એપ્રિલનો ઉલ્લેખ છે. આમાં સાચું શું? સાયગલસાહેબનાં પરીવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો, પણ તેમની પાસે કશો લેખિત પુરાવો હતો નહીં. રાઘવ આર. મેનનના પુસ્તક ધ પિલ્ગ્રીમ ઑફ સ્વરમાં ત્રણ જ્યોતિષીઓ દ્વારા બનાવાયેલી કુંડળીના ઉલ્લેખ છે. પણ તેમાં ચોક્કસ તારીખ નથી. મેનન પાસે કદાચ અસલ કુંડળી હોત, પણ તેમનું અવસાન થઈ ગયું હોવાથી એ શક્યતા પર તાળું લાગી જતું હતું. આ બન્ને સંપાદકોએ મેનન દ્વારા અપાયેલી વિગતો પરથી આખી કુંડળી અને ફળાદેશ નવેસરથી કઢાવ્યા અને તેના આધારે પ્રસ્થાપિત કર્યું કે સાયગલસાહેબની સાચી જન્મતારીખ ૧૧ એપ્રિલ, ૧૯૦૪ છે. આ બન્ને કંઈ જ્યોતિષમાં આસ્થા રાખનારા નથી, પણ સંપાદનમાં વિગતો એકઠી કરવામાં કશાનો છોછ ન પાલવે, એમ દૃઢપણે માનનારા છે. (આ પુસ્તક મંગાવવા માટેની વિગતો 
અહીં  ઉપલબ્ધ છે.) સાયગલસાહેબ પર હજી એક વ્યક્તિ પુસ્તક લખે એવી સ્વાભાવિક અપેક્ષા છે, પણ એ વાત પછી. બરાબર આજના દિવસે, એટલે કે ૧૮ જાન્યુઆરી, ૧૯૪૭ના દિવસે સાયગલસાહેબે આ પૃથ્વી પરથી સદેહે વિદાય લીધી હતી. પણ સ્વરદેહે તે સદાય અમર છે.
આજના દિવસે વાત કરવી છે તેમની ગાયકીના અન્ય ગાયકો પરના પ્રભાવની.
**** **** **** 
એ બહુ જાણીતી હકીકત છે કે સાયગલસાહેબે ગાયનની બાકાયદા તાલિમ ક્યાંય કોઈની પાસે લીધી ન હતી કે નહોતી તેમને શાસ્ત્રીય સંગીત અંગે ખાસ જાણકારી. અને છતાંય તેમના અવાજમાં, તેમની ગાયકીમાં એવું ગજબનું આકર્ષણ હતું કે રાયચંદ બોરાલ, પંકજ મલિક, તિમીર બરન, ખેમચંદ પ્રકાશ જેવા સંગીતકારોએ ખાસ સાયગલના કંઠને જ ધ્યાનમાં રાખીને ગીતોની ધૂન બનાવી.
સાયગલનાં ગીતોને બેસુમાર લોકપ્રિયતા મળી. આમ આદમીથી માંડીને સંગીતના, શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદોએ પણ તેમના કંઠને વખાણ્યો. એ સમયે નવા આવનાર અનેક ગાયકો માટે સાયગલનો કંઠ આદર્શસમાન હતો. તેમના જેવું જ ગાવાની અને તેમના જેવો જ અવાજ કાઢવાની કોશિશ નવા ગાયકો કરતા. જો કે, એ સમયના કાબેલ સંગીતકારોએ આ ગાયકોને સાયગલના સ્વરની અસરમાંથી બહાર કાઢ્યા અને તેમને સ્વતંત્ર ઓળખ બક્ષી. પરિણામે આ ગાયકોના કંઠની આગવી લોકપ્રિયતા ઉભી થઈ.
શરદબાબુની વિખ્યાત નવલકથા પરથી ન્યુ થિયેટર્સ દ્વારા નિર્મીત ફિલ્મ દેવદાસ (૧૯૩૫) ને ખૂબ જ પ્રસિદ્ધી મળી. તિમીર બરને સંગીતબદ્ધ કરેલાં અને સાયગલે ગાયેલાં ગીતો બહુ લોકપ્રિય થયાં. એમાંય કેદાર શર્માએ લખેલું બાલમ આયે બસો મોરે મન મેં ગીત તો ફિલ્મની ઓળખસમાન બની રહ્યું. લોકોને હોઠે રમવા માંડ્યું. આ ગીતની સફળતાથી અંજાઈને મુંબઈની સાગર મુવીટોને પોતાની ફિલ્મ ડેક્કન ક્વીનમાં આ જ ધૂન પર બિરહા કી આગ લગી મોરે મન મેં ગીત સુરેન્દ્ર પાસે ગવડાવ્યું. સુરેન્દ્રની આ પહેલી જ ફિલ્મ હતી. 


મુકેશ પણ સાયગલના જબરદસ્ત પ્રભાવ તળે હતા. નિર્દોષ દ્વારા તેમણે પાર્શ્વગાયનનો આરંભ કર્યો, એ પછી પહલી નજરમાં ગાયેલું આ ગીત સાયગલની પ્રચંડ અસર તળે હતું.


આગળ જતાં જેમની ઓળખ ઉછલમ કૂદમ તરીકે બની, એવા કિશોરકુમાર સાયગલસાહેબના જબ્બર ચાહક હતા. જિદ્દીમાં ખેમચંદ પ્રકાશના સંગીત નિર્દેશનમાં ગાયેલા તેમના આ ગીતમાં સાયગલસાહેબનો કેવો પ્રભાવ જણાય છે!


આ ગાયકો, જો કે, એટલા નસીબદાર કે, કાબેલ સંગીતકારોએ તેમને સાયગલના પ્રભાવમાંથી બહાર કાઢીને આગવી ઓળખ બક્ષી અને આગળ જતાં તેમણે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. પણ આત્મા હશમતરાય ચૈનાની ઉર્ફે ચૈનાની આત્મા હશમતરાય એટલે કે સી.એચ.આત્મા એટલા નસીબદાર ન હતા. સાયગલના અવાજના પ્રભાવમાંથી તે આજીવન મુક્ત ન થઈ શક્યા, અને તેથી જ, અત્યંત પ્રતિભાશાળી હોવા છતાં, તેમના અવાજની સ્વતંત્ર ઓળખ ભાગ્યે જ બની. તેમનું ગાયેલું નગીનાનું આ યાદગાર ગીત.


આ સૌ ભારતના ગાયકો હતા. અફઘાન ગાયક નશેનસ (સાદીક ફિતરત હબીબી) પશ્તો તેમજ ઉર્દૂ ગીતો ગાય છે. તેમને પણ અફઘાન સાયગલ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ગાયેલું સાયગલસાહેબનું આ ગીત. 


ઘણી વાર એ દલીલ કરવામાં આવે છે કે સાયગલનો અવાજ કે તેમનાં ગીતોનો જમાનો વીતી ગયો. હવે એવાં ગીતો ન ચાલે. દલીલની સામે પ્રતિદલીલ અને પ્રતિ-પ્રતિદલીલ ચાલ્યા જ કરે. આના જવાબમાં આ ગીત સાંભળો, જે ડૉ. સંગીતા નેરૂરકરે ગાયું છે. ડૉ. સંગીતા નેરૂરકર સાયગલનાં ગીતો સ્ટેજ પરથી રજૂ કરે છે. 


આ તમામ ગાયકોને સાંભળ્યા પછી કુંદનલાલ સાયગલનો અસલી અવાજ. સ્ટ્રીટ સીંગરનું આ ગીત બાબુલ મોરા.. સાયગલનું અત્યંત પ્રસિદ્ધ ગીત છે. વાજીદ અલી શાહની આ રચના અતિ જાણીતી અને અનેક ગાયકો દ્વારા ગવાયેલી છે, પણ સાયગલની વાત જ ન્યારી છે. ફિલ્મમાં આ ગીત તે હાથમાં હારમોનિયમ સાથે રસ્તે ચાલતા ચાલતા ગાતા બતાવાયા છે. પડદા પર બતાવાયું છે એ રીતે શૂટીંગ વખતે ચાલતાં ચાલતાં જ આ ગીત ગાવાનો આગ્રહ રાખ્યો હતો, છતાં જે અસર તેમના અવાજમાં પેદા થઈ છે, તેની તોલે બીજા કોઈનું ગાયેલું આ ગીત ન આવે. (આ અંગત મંતવ્ય છે.)



સાયગલસાહેબનાં અન્ય ગીતોની અને તેમના પર લખાનારા પુસ્તકની વધુ વાતો સમય આવ્યે... 

8 comments:

  1. nice article on kundan lal SAIGAL ,IT IS SAID HE INSISTED TO RECORD babul mora mayhar chhooto jaye,to be recorded while he is singing on streets with harmonium,and that was done,the recording machine side by side,and that is why original record has crow sounding in back ground. SO UNIQUE?

    ReplyDelete
  2. Tyarna gayako to nasibdar kahevay sathe aapne pan khara. Sangeetkarone pan salaam.

    ReplyDelete
  3. સાયગલના અવાજના પ્રભાવનાં આ ગીતોનું સંકલન જેટલું રસપ્રદ છે તેને વધારે રસપ્રદ સાથેની માહિતી તેમ જ લેખની શૈલી થયાં છે.

    કે એલ સાયગલની તિથિને બહુ જ આગવી રીતે યાદ કરીને તેમના સમયની પેઢી(ઓ)ને તેમની સાથે સાંકળી લેવામાં પણ આ લેખ જરૂર મદદરૂપ થશે.

    ReplyDelete
  4. બિરેનભાઈ,સાઇગલ પ્રેમ કેવી રીતે ઉભરાયો એ વાત. તેમનું નામ સાંભળેલું પણ ગીતો નહિ.મ.મે.ની વાચનયાત્રામાં" નૈહર છૂટ્યો જાય..." વિષે લાંબો રસાળ લેખ વાંચ્યો એ પછી આ ગીત સાંભળ્યું ત્યારે બંધ બારણા ખુલી ગયા. આથી ઊંધું,અ.જો. ની "મારી કોઈ ડાળખીમાં.." વાંચેલી ત્યારે કશો કરંટ અનુભવાયો નહોતો પણ પશાભાઈના અવાજે આ ગીતને રાજ સીહાસને બેસાડી દીધું,અને એ ગીત ખરેખરું સમજાયું. એક અબુધ ભાવકની આટલી કેફિયત.

    ReplyDelete
  5. બિરેનભાઈ
    કેવો યોગનુયોગ?!
    આજે રજાના દિવસે સવારે જ રજનીકુમાર પંડયાની 'આપકી પરછાઈયાં' માં
    ('હમ હાલે દિલ સુનાયેંગે.....) રજનીભાઈના આમુખ માં તમારો ઉર્વિશ કોઠારી અને અન્યનો
    ઉલ્લેખ વાંચ્યો અને અત્યારે રાત્રે તમારા આ બ્લોગમાં મહાન ગાયક કુન્દનલાલ સાયગલ
    અને અન્ય ગાયકો (મુકેશ, કિશોર કુમાર, વ.) વિષે અને ખાસ તો મુકેશ, કિશોર કુમાર, વ. ના
    શરુઆતના સાયગલ સ્ટાઈલમાં ગવાયેલા ગીત સાંભળી-માણીને આનંદ થયો.
    આભાર અને અભિનંદન!

    દિનેશ પંડ્યા

    ReplyDelete
  6. આજનો રજાનો દિવસ મજાનો થઈ ગયો. સાયગલજીનો અવાજ હ્રદયને સ્પર્શ્યા વગર ન રહે....

    ReplyDelete
  7. Very different kind of Article.It is always interesting to have comparative study -Congratulations

    ReplyDelete
  8. વળી પાછું દોઢ દાયકો પાછળ જવાનું મન રોકાતું નથી.સુરત, ગાંધીસ્મૃતિ ઓડીટોરીયમ, વિસરાતા સૂર કાર્યક્રમ.સપ્તક પરિવાર, ભાવનગર.
    ભાર્ગવભાઈ દ્વારા સાઈગલ સાહેબના ખાસા એવાં ગીતો અગાઉ મંચ પર રજુ થઇ ગયેલાં. દ્વિધા એ હતી કે આ વખતે કયું ગીત રજુ કરવું! મને અનાયાસ જ 'બાલમ આયે બસો મોરે મનમેં' યાદ આવ્યું અને ભાર્ગવભાઈને મેં યાદ કરાવ્યું. બસ, કાર્યક્રમમાં રજુ થયું અને બીજા અંતરામાં તાર સપ્તકમાં જતી લાઈન 'એક નયા સંસાર બસા હૈ .. ગવાઈ અને કે.કે.સાહેબ જેઓ પ્રથમ હરોળમાં બેસી મંત્રમુગ્ધ થઇ ગીત માણી રહેલાં, અચાનક જ ઉભા થઇ વાહ ભાર્ગવભાઈ ! બોલી ઉઠ્યા હતા.

    ReplyDelete