Sunday, January 11, 2015

કહાં મિલેગી ઈતની શિક્ષા કિસી ભી કિતાબ મેં, કુછ દિન તો ગુજારો..

 -ઉત્પલ ભટ્ટ 

(યુનિફોર્મ પ્રોજેક્ટ નામના અનોખા પ્રોજેક્ટ વિષે અમદાવાદના મિત્ર ઉત્પલ ભટ્ટે પહેલવહેલી વાર ૨૬ જાન્યુઆરી, ૨૦૧૨ના રોજ અહીં લખ્યું હતું. આ પ્રવૃત્તિ સતત ચાલતી રહી છે, અને તેમાં નવીન બાબતો ઉમેરાતી રહી છે. કોઈ સંસ્થા કે ટ્રસ્ટના નેજા વિના થોડા સહૃદયી મિત્રોના સહયોગથી ચાલી રહેલી આ અથવા આવી પ્રવૃત્તિ ઉદાહરણરૂપ બની રહી છે. વર્ષારંભે આવી એક મુલાકાતનો અહેવાલ.) 

નાતાલની રજાઓ, નવા વર્ષની ઉજવણી, પ્રવાસી ભારતીય દિવસ, વાઈબ્રન્‍ટ ગુજરાત, પતંગોત્સવ, આ બધાંની વચ્ચે આવતાં નાનામોટાં ગેધરીંગ, સરપ્રાઈઝ પાર્ટીઓ, સાદી પાર્ટીઓ, લગ્નપ્રસંગો, રીસેપ્શન... ઉજવણીઓ ચાલુ જ રહે છે અને રહેવાની છે. હવે તો આ ઉજવણીમાં સરકાર પણ સામેલ થઈ હોવાથી તેમાં અર્થકારણ પણ ભળ્યું છે અને તેનો સ્કેલ જ સાવ બદલાઈ ગયો છે. રાજ્યે કે પ્રજાએ વિકાસ કર્યો છે કે નહીં એ તો સંશોધનનો વિષય છે, પણ અમુક કેટરર્સ, ફરાસખાનાવાળા કે ઈવેન્‍ટ મેનેજમેન્‍ટ કંપનીઓએ જબ્બર વિકાસ કર્યો છે. આ લોકો પણ હશે તો ગુજરાતના જ, એટલે તેમના વિકાસને રાજ્યનો વિકાસ ગણવામાં કંઈ ખોટું ન કહેવાય.
છોટી સી આશા..  
એમ જ હોય તો એ સવાલ પણ થાય કે ઘણા બધા લોકોના આર્થિક પછાતપણાને રાજ્યનું આર્થિક પછાતપણું કહેવાય કે નહીં? આ ચર્ચા અનંત છે, અને આમ જુઓ તો ઘડીમાં પતી જાય એવી છે, કેમ કે, બન્ને પક્ષો પોતપોતાના તારણને અંતિમ માનનારા છે. ખેર! અહીં એવી કોઈ ચર્ચા કરવાનો ઉપક્રમ નથી. પણ પ્રોજેક્ટ યુનિફોર્મ અંતર્ગત જે કામ શરૂ કર્યું છે અને ચાલી રહ્યું છે, તેમાં દર વખતે અસલી ભારત કે ગુજરાતનાં દર્શન થતાં રહે છે.
આ બ્લોગના વાચકો પ્રોજેક્ટ યુનિફોર્મથી હવે અજાણ નથી, બલકે અહીં કમેન્‍ટમાં પણ કદી હાજરી ન પૂરાવતા અમુક વાચકો આ પ્રોજેક્ટ અંગેની પોસ્ટ નિયમિત વાંચે છે, અને યથાયોગ્ય સહાય કરતા રહે છે, એવા એકથી વધુ જાતઅનુભવ થયેલા છે. ('પ્રોજેક્ટ યુનિફોર્મ'ને લગતી તમામ પોસ્ટ્સ અહીં વાંચી શકાશે. 
અભાવ વચ્ચે જળવાઈ રહેલું હાસ્ય પણ વિકાસની નિશાની ગણાય. 
આ વખતે ડિસેમ્બરમાં બારડોલી પાસેના ઉતારા ગામની પ્રાથમિક શાળા અને પીંપરીની સરકારી આશ્રમ શાળાના બાળકોને યુનિફોર્મ આપવા જવાનું નક્કી થયું હતું. ઉતારાની શાળાના ૩૫ બાળકો અને પીંપરીના ૧૧૯ બાળકોના યુનિફોર્મ સિવાઇને તૈયાર થઈ ગયા હતા. પરંતુ એક યા બીજા કારણોસર તેને પહોંચાડવાનું ઠેલાતું હતું.
દરમિયાન બારડોલી પાસેના મોતા ગામે જવાનું બન્યું. ઉતારા ત્યાંથી સાવ નજીક છે, એટલે તેની ભેગા જ ઉતારા પ્રાથમિક શાળાના યુનિફોર્મ આપવાનું નક્કી કર્યું. પ્રમાણે ૨૦ ડિસેમ્બરે ઉતારા પહોંચી ગયો. દિવસે પીંપરીથી આશ્રમ શાળાના આચાર્ય બાબરભાઇનો ફોન આવ્યો. અગાઉ બાબરભાઈ માલેગામની આશ્રમશાળામાં હતા અને અમારો પહેલવહેલો સંપર્ક ત્યાં થયો હતો. (માલેગામની શાળાનો અહેવાલ અહીં  ક્લીક કરવાથી વાંચી શકાશે.) અત્યંત નિષ્ઠાવાન શિક્ષક એવા બાબરભાઈએ ફોનમાં જણાવ્યું કે સાહેબ, યુનિફોર્મ તૈયાર હોય તો તાત્કાલિક એને મોકલવાની વ્યવસ્થા કરો. કારણ કે કડકડતી ઠંડી છે અને શાળાનાં બાળકો પાસે પહેરવા માટે પૂરતાં કપડાં નથી. સાંભળીને મારાથી રહેવાયું નહિ. ઉતારાથી પીંપરી સો-સવાસો કિલોમીટર થાય. તે વઘઈ પાસે આવેલું છે. રાતે જ પીંપરી પહોંચી જવાનું નક્કી કરી લીધું. એ મુજબ ૨૦ ડિસેમ્બરની રાતે પીંપરી પહોંચ્યા. કડકડતી ઠંડી હતી. મેં જાડું જેકેટ, મફલર, ગરમ ટોપી ચડાવ્યાં હતાં. પણ જઈને જોયું તો બાળકો નામ પૂરતા કપડામાં જ હતા. મેં આટલાં ગરમ કપડાં પહેર્યા હોવા છતાં આ દૃશ્ય જોઇને હું ઊભો ઊભો થીજી ગયો.
હમ હોંગે કામયાબ... 
કળ વળી એટલે શાળાનું નિરિક્ષણ શરૂ કર્યું. પીંપરી આશ્રમશાળા સાપુતારાના પહાડોની વચ્ચે આવેલી છે. વઘઇથી ૧૩ કિ.મી. દૂર આહવા તરફ જતાં રસ્તાની ડાબી બાજુએ શાળા દેખાય. વિશાળ મેદાન અને મોટી શાળા. ધોરણ થી ના બાળકો અહીં રહીને ભણે છે. અગાઉ સાપુતારા પાસે આવેલી માલેગામ આશ્રમ શાળામાં કાર્યરત નિષ્ઠાવાન શિક્ષકદંપતી બાબરભાઇ-રેખાબેન હવે અહીં છે.  ગીચ શહેરી વિસ્તારમાં પણ થીજી જવાય એવી ઠંડી લાગતી હોય તો આવા ખુલ્લા વિસ્તારમાં તેનું પ્રમાણ કેટલું વધી જાય? આવી કડકડતી ઠંડીમાં બાળકોના શરીર પર સ્વેટરનું નામોનિશાન નહોતું.કેમ નહોતું પૂછવા જેટલી હિંમત મારામાં નહોતી. જો કે, બાળકો 'આનંદી કાગડા'ની જેમ આનંદ-કિલ્લોલ કરતાં જોવા મળ્યાં.
બાબરભાઇએ જણાવ્યું કે અહીં દાખલ થયેલા બાળકોના મા-બાપ આજુબાજુના ૫૦-૬૦ કિ.મી.ના વિસ્તારમાં રહે છે, પરંતુ એ સૌની આર્થિક હાલત એવી છે કે વેકેશન પડે ત્યારે પણ પોતાના બાળકને લેવા માટે માંડ આવી શકે. બે-ત્રણ મહિને એકાદ આંટો મારી શકે એવા વાલીઓની સંખ્યા ત્રણ-ચાર જ છે. આની સામે સંતાનને ઘરમાં મૂકીને થોડા કલાક માટે બહાર નીકળતાં માતાપિતાઓ જે રીતે પોતાના બાળકોને ફોન પર ફોન કર્યે રાખીને તેમની કાળજી લે છે, એ યાદ ન આવે તો જ નવાઈ! બ્રશ બરાબર કરજે હોં!’, દૂધ ઢાંકેલું જ છે, અને બટર લગાવેલા બ્રેડ પણ પ્લેટફોર્મ પર ઢાંકીને મૂક્યા છે’, વાસણ ચોકડીમાં નહીં મૂકું તો ચાલશે જેવી મિનીટે મિનીટની સૂચનાઓ તે ફોન પર બાળકને આપતાં રહે છે.
મુઠ્ઠી મેં હૈ તકદીર હમારી? 
બાબરભાઈએ જણાવેલી વિગતની પુષ્ટિ પણ તરત થઈ ગઈ. એક દંપતી પોતાના બાળકને આશ્રમશાળામાં મળવા આવેલું હતું. એ મને કંઇક કહેવા માંગતાં હોય એમ લાગતું હતું, પણ કહેતાં ખચકાતું હતું. સામે ચાલીને તેમની સાથે વાત કરી, પણ એ કંઇ બોલ્યા નહિ. છેવટે બાબરભાઇને પૂછ્યું કે આ લોકો કશું કહેવા માંગતા હોય એમ લાગે છે, પણ સંકોચાતાં હોય તેમ જણાય છે. તમે એમને તમારી રીતે પૂછી જુઓ. બાબરભાઈએ તેમને બાજુ પર લઈ જઈને પૂછ્યું એટલે જાણવા મળ્યું કે પોતાને ગામ પાછા જવાના પૂરતા રૂપિયા તેમની પાસે નહોતા. એટલે હું થોડે સુધી ઉતારી દઉં તો લોકોને એટલું ઓછું ચાલવાનું થાય અને પોતાના ઘેર સહેજ વહેલા પહોંચી શકે. નહિતર છેક સુધી તેમણે ચંપલાટવું પડે. આવી ખબર પડી એટલે અમે આગ્રહ કરીને દંપતીને ગાડીમાં બેસાડી દીધું, કેમ કે, અમે નીકળવાની તૈયારીમાં હતા. એમને અમે વઘઇ પાસે ઉતાર્યાં. વધુ કંઇ બોલાય કે વિચારાય એવી મનોસ્થિતિ રહી નહોતી.
**** **** ****
અમદાવાદ આવ્યા પછી કે.બી.પી. ફાઉન્ડેશનના ટ્રસ્ટી નિર્મલ પટેલને આ વાત જણાવી. નિર્મલભાઈ ઘણા સમયથી પ્રોજેક્ટ યુનિફોર્મના સક્રિય ટેકેદાર બની રહ્યા છે અને કે.બી.પી. ફાઉન્ડેશન 'પ્રોજેક્ટ યુનિફોર્મ' માટે અવારનવાર ઓક્સિજનસમું પુરવાર થયું છે. તેમણે તરત આ બાળકોને સ્વેટર/જેકેટ આપવાની તૈયારી દર્શાવી. એ પછી અમે હોલસેલ બજારમાં તપાસ કરી. રૂ. ૧૫૦/- માં સરસ મઝાના સ્વેટર અહીંથી મળી ગયા છે, જે ઝડપથી તેમને પહોંચાડી દેવામાં આવશે.
આમ, વિદ્યાર્થી કે વિદ્યાર્થીની માટે યુનિફોર્મની એક જોડના ૩૫૦/- રૂ. થાય. આવી બે જોડ વરસ માટે પૂરતી થઈ રહે. એટલે વરસના સાતસો રૂપિયામાં એક વિદ્યાર્થી કે વિદ્યાર્થીની કપડાં પહેરી શકે. તેમાં સ્વેટરના ૧૫૦/- ઉમેરીએ, તો એ સરવાળો ૮૫૦/- રૂ.એ પહોંચે.
બીજી ઘણી બાબતો પણ યુનિફોર્મની સાથે સાથે ધ્યાનમાં આવે છે અને આવતી રહી છે. તેના વિષે પણ અહીં બહુ ઝડપથી જણાવવાનો વિચાર છે જ. દરમિયાન પ્રોજેક્ટ યુનિફોર્મ અંગે મારો સંપર્ક મોબાઈલ +91 97129 07779 પર અને ઈ-મેલ bhatt.utpal@gmail.com દ્વારા કરી શકાશે. મળતા રહીશું અવારનવાર.

No comments:

Post a Comment