Monday, March 25, 2013

પાઉલભાઈ: હવે માત્ર સ્મરણ?કનુકાકા અંગેના ત્રણ હપ્તાઓ પછી ચોથા હપ્તાનું લેખન ચાલી રહ્યું હતું, ત્યાં જ સમાચાર મળ્યા કે પાઉલભાઈનું આજે સવારે ૨૫ માર્ચ, ૨૦૧૩ના રોજ અવસાન થયું. પાઉલભાઈ એટલે કનુકાકાના હાથ નીચે તૈયાર થયેલા શિક્ષક. સૌજન્ય, વિનમ્રતા અને શિષ્ટતાના સાકાર સ્વરૂપ જેવા પાઉલભાઈ અને તેમના પરિવાર સાથે જે સંબંધ બંધાયો અને છેક ત્રીજી પેઢી સુધી તે લંબાયો એ અલાયદા આલેખનનો વિષય છે. (ઉર્વીશ દ્વારા લખાયેલા એ લેખની લીન્‍ક: http://urvishkothari-gujarati.blogspot.in/2013/03/blog-post_25.html ) 


પાઉલભાઈની અનેક સ્મૃતિઓ મનમાં ઉમટી આવે છે. પણ આજે તાત્કાલિક તો તેમના વ્યક્તિત્વનો, અમારી સાથેના તેમના વિશિષ્ટ સંબંધોના પરિમાણનો અંદાજ આવી શકે એ હેતુથી બે પત્રો જ અહીં જેમના તેમ મૂકું છું.

પાઉલભાઈ સાથેની અમારી  એક વિશિષ્ટ તસવીર:
(ડાબેથી): બીરેન, પાઉલભાઈ અને ઉર્વીશ. 

આ પત્રો ટાઈપ કરતી વખતે કેટલીય વખત આંગળાં અટકી ગયાં. એકે એક વાક્યનો સંદર્ભ યાદ આવે અને ફિલ્મોમાં પત્ર વંચાતો દેખાય ત્યારે એ લખનારનો ચહેરો દેખાડાય છે એ રીતે પાઉલભાઈ જાણે કે એ વાક્ય કહી રહ્યા હોય એવી અનુભૂતિ થતી રહી. પત્રનું ટાઈપીંગ પહેલાં પૂરું કરવું કે પછી મનના ભાવોને આંખો વાટે પહેલાં વહી જવા દેવા એ નક્કી જ ન થઈ શક્યું. બન્ને સમાંતરે થતું રહ્યું.

ખેર! પત્ર લખાયાનો સંદર્ભ એટલો જ છે કે શિક્ષક તરીકે પાઉલભાઈ નિવૃત્ત થયા ત્યારે મેં તેમને એ પ્રસંગે પત્ર લખ્યો હતો. (એની ઝેરોક્સ સાચવી રાખી હતી, જે આ સાથે મૂકી છે.) પત્રમાં આવતા અન્ય સંદર્ભો સમજાઈ જાય એવા છે. મારો લખેલો એ પત્ર પાઉલભાઈનો કંઈક અંશે પરિચય આપે છે. આ પત્રનો પાઉલભાઈએ પાઠવેલો જવાબ પણ પછી મૂક્યો છે, જેમાં પાઉલભાઈના વ્યક્તિત્વનો અને તેમના શીલનો સુપેરે પરિચય મળે છે.

**** **** **** 

(પાઉલભાઈની નિવૃત્તિવેળાએ તેમને લખાયેલો મારો પત્ર) 

૨૫/૧૦/૯૭
બીરેન કોઠારી.
બી-૭૧૨, સેક્ટર-૧,
પો.ઓ.પેટ્રોકેમિકલ્સ ટાઉનશીપ,
વડોદરા-૩૯૧ ૩૪૨.

પ્રિય પાઉલભાઈ,
કુશળ?
૨૨/૧૦/૯૭એ સાંજે અમે મહેમદાવાદ આવ્યા ત્યારે જાણ થઈ કે તે જ સવારે શાળામાં તમારો નિવૃત્તિ સમારંભ હતો. પહેલો વિચાર એ આવ્યો કે પાઉલભાઈ એટલી વારમાં નિવૃત્ત પણ થઈ ગયા? હજી તેઓની સાથેનાં સંભારણાં અકબંધ છે, હજીય મળે ત્યારે પહેલાંની જેમ જ, તેમની સ્થગિત થઈ ગયેલી ઉંમર જોઈને, હું પણ તેઓ ભણાવતા હતા તે વખતનો વિદ્યાર્થી બની જાઉં છું. અને તેમનો નિવૃત્તિકાળ આવી ગયો?
પણ વાસ્તવિકતાથી પ્રેરાયેલો બીજો વિચાર આવી જ જાય કે- સમય સમયનું કામ કરતો રહેવાનો. આશ્વાસન એ વાતનું કે- તમે શાળાકીય જીવનમાંથી નિવૃત્તિ લીધી છે. આપણા સંબંધમાં તેથી શું ફરક પડે? બહુ બહુ તો શાળામાં આવો અને સમય મળ્યે આપણે મળતાં, તે કદાચ થોડું ઓછું થશે, કદાચ!
ઘણી વાતો યાદ આવે છે: સંગત-અસંગત, હાસ્યમિશ્રિત અને બહુધા સુખદ્‍! આજે ઉંમરલાયક છોકરાંઓને શાહમૃગ, ગેંડો વિ. પશુપંખીઓનાં અંગ્રેજી શબ્દો બાબતે મૂંઝાતા જોઉ છું, ત્યારે મનમાં થાય છે કે આટલું સરળ આમને કેમ નહીં આવડતું હોય!
પણ પછી તરત થાય કે – તેમને ક્યાં બાળપણમાં પાઉલભાઈ મળ્યા હતા? પાઉલભાઈએ અંગ્રેજીનો પાયો નાંખી આપ્યો. જેથી અંગ્રેજી પ્રત્યેનો હાઉ તો કદી લાગ્યો જ નથી. પણ એ જ પાઉલભાઈ (મને) દસમા ધોરણનું અંગ્રેજી ભણાવતી વખતે મારા જેટલી જ અજ્ઞાનતાથી ડીક્શનેરીમાં શબ્દોના અર્થ શોધવા લાગે અને કોઈને કહે કે-  અમે બંને સાથે જ શીખીએ છીએ’, ત્યારે તેમની નિખાલસતા બેજોડ લાગે.
સંગીત, સાહિત્ય, ફિલ્મ પ્રત્યે અમારી જે રુચિ ઘડાઈ એમાં સીધો યા આડકતરો ફાળો તમારો જ. છતાં અત્યારે સાથે મળીને આપણે રેકોર્ડ પર દિલીપકુમારના કોઈક ગીતનો આસ્વાદ લેતાં હોઈએ ત્યારે પાઉલભાઈ કહે, “ફિલ્મસંગીત બાબતમાં મને તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું.” આ જ તો ખૂબી છે. પોતાના શિષ્ય પાસે જરૂર પડ્યે તેઓ (પોતે) પણ શિષ્યપણું દાખવી દે.
નિર્દોષ હસીમજાક, વિશેષ તો નિર્દંશ, એ વિશિષ્ટતા. જો કે, છેલ્લા થોડા વરસોમાં, નડીયાદના તેમના મકાન (કે સોસાયટી)ના કોઈક કેસ બાબતે થોડા કડવા બનતા જોયા છે અને ત્યારે સામેવાળા પર તિરસ્કાર જાગ્યો છે કે- પાઉલભાઈ જેવાને પણ જે કડવા બનાવી દે, તેને શું કહેવું? દુષ્ટ કહીંનો.”
શાસ્ત્રો/સંતોએ સદ્‍ગુરુનો મહિમા ગાયો છે. સદ્‍નસીબે અમને સદ્‍ગુરુઓ મળ્યા છે, મળી રહ્યા છે. પાઉલભાઈ, કનુકાકા, રજનીકુમાર પંડ્યા, નલિન શાહ (ખાસ વાત એ કે તેઓએ પણ અમને શિષ્યરૂપે સ્વીકાર્યા છે.)
બીજા ધોરણના વિદ્યાર્થીઓને જે સહજતાથી ભણાવાય, તે જ સહજતાથી બારમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા એ અઘરું કહેવાય. પણ નિષ્ઠાવાન અભિગમથી આમ થઈ શકે તે પાઉલભાઈએ સહજતાથી કર્યું. ફિલ્મવિષયક ઘણાં નિરીક્ષણો તેમણે અમને કહેલાં, જેમાંના બે-એક નમૂના...[શબ્દશ: નહીં, પણ ભાવશ:]  
·         જે જે હીરોએ ફિલ્મમાં તલવાર પકડી એ બધાની કારકિર્દી તે પછી આથમવા માંડી. (દા.ત.સૂરજમાં રાજેન્‍દ્રકુમાર..)
·         કપૂર ખાનદાનમાં બધા કપૂરોએ (પડદે) ચોળી પહેરી છે. [પછી બધાંનાં ઉદાહરણ, જેમ કે, રફુચક્કરમાં રીશી કપૂર]
ફિલ્મો પ્રત્યેની અગાધ રુચિ આમાં દેખાય છે.
અન્ય એક વાત યાદ આવે છે. એક શિક્ષકના નિવૃત્તિ સમારંભમાં (મોટે ભાગે વાઈસ પ્રિન્‍સીપાલ આર.આર.મહેતાના) પાઉલભાઈએ સ્વરચિત ગીત પ્યારાં પ્યારાં મહેમાનો પ્યારાં, દિલડાં અમારાં લુભાવે ગવડાવ્યું હતું. (નોંધ: 'પૂનમ' ફિલ્મના લતાએ ગાયેલા અદ્‍ભુત ગીત 'આઈ આઈ રાત સુહાની, સૂન લે તૂ દિલ કી કહાની'ની ધૂન પર આ ગીત હતું.) સર્જનશક્તિ હતી, પણ જાતે કરીને જ મર્યાદિત રાખી.બાકી જ્યારે અન્ય શિક્ષકો તરફથી હેરાનગતિ થતી હતી ત્યારે ગાલોં પર લગાયા જાતા હૂં, (ફિર ભી) પાઉડર નહીં હૂં જેવું કંઈક લખેલું, જે મને સાંભળવા મળેલું.
પ્રિય પાઉલભાઈ (સાહેબ (((માફ કરજો, પૂજ્ય લખવાનું નહીં ફાવે) આવી ઘણી વાતો, સ્મૃતિઓ અકબંધ છે. આ તબક્કે વાગોળવી ગમે પણ છે. આ તો આપની ઔપચારિક નિવૃત્તિ નિમિત્તે મને થયું, થોડુંક યાદ કરી લઈએ, તો અનાયાસે યાદ આવી ગયું. સ્થળસંકોચ (જો કે, પહેલેથી લાંબો કાગળ લઈને લખી શકાયું હોત)ને કારણે અહીં અટકું. નિવૃત્તિ એટલે વધુ પ્રવૃત્તિ, તેવું કનુકાકાએ સાબિત કરી આપ્યું છે. અમે આપને માટે કંઈ કરી શકીએ એમ હોય તો જરૂરથી જણાવશો. બાકી તો આપણે મળતાં રહીશું, પહેલાંની જેમ જ! (અને હવે ગાડીના સમય સિવાય બીજો કોઈ સમય સાચવવાનો નહીં રહે.) ચાની ચુસ્કીઓ, આગનું કાહે કોયલ શોર મચાયે રે.. ગીત સાથે નિરાંતે બેસી શકાશે.

-     બીરેન કોઠારી

ઘરનાં સર્વે- પૂ. સુમનભાઈ, શાન્‍તાબેન, ભાઈ જશુ, સ્મિતાભાભી, બીરેન, બીમલ, ચિ.નિધિ.. દરેકને યથાયોગ્ય.(આ પત્રનો પાઉલભાઈએ પાઠવેલો જવાબ) નડિયાદ.
તા. ૨૯/૧૦/૯૭.
ચિ. પ્રિય બિરેન, ચિ.અ.સૌ. કામિનીદેવી, ચિ.શચિ,
આપનો સુખદ સંસ્મરણોસભર પત્ર મળ્યો. ખૂબ આનંદ થયો. અત્રે સર્વે કુશળ હોતાં આપ સૌની કુશળતા માટે પ્રાર્થું છું. પ્રભુપિતા પરિપૂર્ણ કરો. અત્યારે દિવાળી વેકેશન હોઈ રસોડામાં બેસીને પત્ર પાઠવી રહ્યો છું ત્યારે તમારી બે વરસની ઉંમરની મુખાકૃતિ અને સાયકલ પર નિર્ભયપણે તમારું બેસવું (મારી સાથે)યાદ આવે છે ત્યારે હું ધ્રુજી જાઉં છું. કદાચ અકસ્માત થાય (થાત) તો શું બને? તમોને કંઈ થઈ ગયું તો મારા જીવનમાં મને કેટલો રસ રહેત? આ એટલા માટે કહું છું કે મારી સરોજને સાયકલ પર બેસાડી બજારમાંથી પસાર થતો હતો ત્યારે એક સંન્યાસી (ફાધર) એ મને ઉભો રાખી કહ્યું હતું કે મારી દીકરી હોત તો હું આવી જોખમી મુસાફરી (સાયકલ પર) ન કરત. ઈશ્વરે આપણને સૌને બચાવ્યા છે.
મારો નિવૃત્તિસમારંભ ઘણો સારો રહ્યો. મુ. કનુકાકા અને ઉર્વિશે સારી રીતે પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા. મારા મિત્ર શ્રી ગઢવીસાહેબનું પ્રવચન પણ મનનીય રહ્યું. મારા બાપુજીએ ભાઈશ્રી મલેકની આંખો ભીંજવી નાંખી. (તેમના) પિતા યાદ અપાવી દીધા. એમણે (મારા બાપુજીએ) કહ્યું હતું, “આજથી આડત્રીસ વરસ પહેલાં હું મારા પાઉલને મહેમદાવાદ બસ સ્ટેશને મૂકવા આવ્યો હતો. આજે હું મારા પાઉલને ઘેર લઈ જવા આવ્યો છું. મુ. સદરૂચાચા હોત તો ભાઈ મલેકને પણ લેવા આવ્યા હોત.”


બિરેન, આડત્રીસ વર્ષ અને ૧ માસની મારી શિક્ષણયાત્રામાં મેં જે કંઈ ભૂમિકા ભજવી છે તેનાથી મને સંતોષ છે. મને નિવૃત્ત થતાં દુ:ખ નહોતું થતું, પણ બાળકો તરફથી મને જે પ્રેમ મળ્યો છે, તેનું દર્દ જરૂર થયું છે. હવે પછી આ હસતા ચહેરા, પ્રેમસભર નજરોથી દૂર થવાનું છે. કદી નિવૃત્ત ન થવાનું હોત તો આ બધાંની વચ્ચે રહેવાનું સદ્‍ભાગ્ય મળત. મને ગ્રામ્યવિસ્તારનાં અબુધ બાળકોએ પણ ભરપૂર પ્રેમ આપ્યો છે અને શહેરનાં શરારતી,ચપળ, હોંશિયાર બાળકો (યુવાનો)નો પ્રેમ પણ મળ્યો છે અને તે મારી મૂડી છે. મને મારા શિક્ષકમિત્રો કહેતા કે Be Jesus but don’t be Jesus Christ. રાજકપૂરની માફક મૂર્ખામીની હદ સુધી હું મારા વલણમાં મક્કમ રહ્યો છું.
આપના કુટુંબનો હું ઋણી છું. પૂ. કપિલાબેને મને પોતાનો ચોથો દીકરો ગણી અભ્યાસની સુવિધાઓ આપી. કોઠારી બિલ્ડીંગના ત્રીજા માળે ભૂખ્યો પાડો રજકો ચરે તેટલી ભૂખે ને ઝડપે મેં અભ્યાસ કર્યો છે. જીવનનાં ૧૨ વર્ષ-૧૯૬૪થી ૭૬ સુધીમાં ઘણી બધી ઉપાધિઓ વચ્ચે મેં શિક્ષણની સ્નાતક-અનુસ્નાતકની ઉપાધિઓ મેળવી છે, જેનું મને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિતનું વળતર મળી ગયું. (બાળકોનો પ્રેમ). શિક્ષકગણે પણ મને ભરપૂર પ્રેમ આપ્યો છે. પણ મારે મન તમારા જેવા બાળકોનો પ્રેમ સવિશેષ આનંદ આપે છે. મુ. કનુકાકાએ મારું જીવનઘડતર કર્યું. તમારાં મમ્મીપપ્પાએ મારી જરૂરિયાતો સંતોષી છે, જે ઉપકાર હું ભૂલી શકું તેમ નથી. ચિ. ઉર્વિશે જ્યારે પ્રવચન આપ્યું ત્યારે તેના અક્ષરેઅક્ષરને હું પી રહ્યો હતો. મને તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે. અને પરિવાર તરફથી પણ અમોને સંસ્કારભાથું મળ્યું છે. આ બધું વાગોળવાનો હવે મારી પાસે ભરપૂર સમય છે. પણ ઈશ્વરપિતાએ મારા માટે શું આયોજન કર્યું છે તેની મને ખબર નથી. હવે પછીનું મારું જીવન ઈશ્વરપિતાની નિગેહબાનીમાં દોરાશે. મારા પરિવારમાં પણ મને ભરપૂર પ્રેમ મળ્યો છે અને મારું દાંપત્યજીવન પણ એટલું જ મધુર રહ્યું છે. હવે પુત્રો જાન્યુઆરીમાં પરણી ઉઠશે પછી સાંસારિક જવાબદારીઓ પણ નહીંવત રહેશે. હજી (મહેમદાવાદની) સોનાવાલા હાઈસ્કૂલ મને બોલાવે છે. કદાચ બે-ત્રણ માસ માનદ્‍સેવા આપીશ.
મને યાદ કરી, પત્ર પાઠવી, મારા આનંદને વધારવા બદલ આપનો આભાર માનું છું. ઈશ્વરપિતાને પ્રાર્થના કરું છું કે પ્રભુ આપનું પારિવારિક જીવન ખૂબ સુખસભર, શાંતિસભર અને સમૃદ્ધિસભર બનાવે તેમજ દાંપત્યજીવનની મધુરતાની ચરમસીમાને આંબી જાવ એવી અંતરની શુભકામનાઓ.

-     પાઉલભાઈ અને પરિવારનાં સ્નેહવંદન


**** **** **** 

આવતી કાલે ૨૬ માર્ચ, ૨૦૧૩, મંગળવારની સવારે ૧૦.૦૦ વાગ્યે નડીયાદ ખાતે પાઉલભાઈના નશ્વરદેહની અંતિમવિધિ થવાની છે. દિલમાં સદાય જીવંત રહેનારા પાઉલભાઈ માટે શ્રદ્ધાંજલિ શબ્દ વાપરવાનું મન થતું નથી. 

2 comments:

  1. વાગોળવા લાયક સ્મૃતિ. અભિનંદન - આવા પાવક સંબંધ મેળવવા બદલ.

    ReplyDelete
  2. આંખો ભીની થઇ ગઇ. RIP પાઉલભાઇ. આવા શિક્ષકો મને પણ મળ્યા છે, સૌને મળજો.

    ReplyDelete