Wednesday, August 15, 2012

ભારતમાં ગાંધીજીની પહેલવહેલી લડત વાયા વીરમગામ-     કેતન રૂપેરા

[ ઈતિહાસનાં પાનાં ફેરવતાં ભારતમાં ગાંધીજીના નામે પહેલો સત્યાગ્રહ બિહારના ગળીકામદારો માટેના ચંપારણ સત્યાગ્રહરૂપે મળી આવે. પણ ઈતિહાસ ઉલેચતાં ખ્યાલ આવે છે કે ગાંધીજીએ ભારતમાં સત્યાગ્રહના અને સ્વતંત્રતાનાં બીજ વીરમગામ ખાતે ઉઘરાવાતી જકાત સામે લડત આપીને રોપ્યાં હતાં. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મિત્ર કેતન રૂપેરાની વિશેષ અને રસપ્રદ સ્ટોરી.]


ભારતની સ્વાતંત્ર્ય ચળવળનો સરવાળો માંડવામાં આવે ત્યારે ૧૮૫૭ના વિપ્લવથી માંડીને આઝાદી પ્રાપ્ત થયા સુધી, અનેક ક્રાંતિકારીઓ અને નેતાઓએ ચલાવેલી નાની-મોટી લડતોનો ઉલ્લેખ થાય છે. માત્ર અહિંસક આંદોલનોની ગણતરી મંડાય ત્યારે પહેલા ગણાતા ચંપારણ સત્યાગ્રહથી માંડીને ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, દાંડીકૂચ, અસહકારની ચળવળ, અને હિંદ છોડો આંદોલન જેવી અનેક ચળવળોનાં નામ લેવામાં આવે છે. પણ યાદીમાં સ્થાનિક સ્તરે થયેલા ઘણા આંદોલનો કે સત્યાગ્રહો લાંબે ગાળે જનમાનસમાંથી વિસારે પડી જાય છે.


પીટર મારિત્ઝબર્ગ સ્ટેશને ગાંધીજીને ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી 
દેવામાં આવ્યા.  ઘટનાએ જીવનમાં પરિવર્તન આણ્યું.  

બદલાતા યુગ સાથે સો વરસથી પણ ઓછા જૂના શબ્દ સત્યાગ્રહની વ્યાખ્યા બદલાતી રહી છે. એ મુજબ ભાષણ કરો, ઉપવાસ કરો, જનમેદની જમા કરો, નારાબાજી કે સૂત્રોચ્ચાર કરો સત્યાગ્રહ એવું સમીકરણ બેસી ગયું છે. સવાલ એ થાય કે આમ કરતાં પહેલાં સામાન્યપણે કરાતી એવી કાગળ પરની પ્રક્રિયા એવી મજબૂત કેમ ન હોય કે કહેવાતો સત્યાગ્રહ કરવાની જરૂર પડે. બીજો સવાલ એ થાય કે આમ કરીને માગણી સંતોષાઈ જાય તો તેને સત્યાગ્રહ કહેવાય? માનો કે એને સત્યાગ્રહ કહેવાય તો પણ સામાન્યપણે માંગણી ન સ્વીકારાઈ હોય એવા સત્યાગ્રહનું જે મહત્વ અંકાય છે, તેના કરતાં રીતે મળેલી સફળતાનું મહત્વ ઘટી જાય? ઈતિહાસનાં પાનાં પર આવું ઓછું કે નહિંવત્ મહત્વ મળ્યું હોય અને છતાં સફળતા પૂરેપૂરી મળી હોય એવા સત્યાગ્રહોમાં વીરમગામનો જકાતનાકાનો સત્યાગ્રહ ચોક્કસપણે સ્થાન પામી શકે. જો કે,સત્યાગ્રહ ગાંધીજીએ કર્યો હતો ત્યારે તે ગાંધીજી નહોતા, બલ્કે ગાંધીભાઈ હતા

દક્ષિણ આફ્રિકાથી નવાસવા ભારતમાં આવેલા બેરીસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી/ Mohandas Karamchand Gandhi એટલે કે ગાંધીભાઈનો  સૌ પ્રથમ સત્યાગ્રહ હતોવીરમગામના  અગ્રણીઓ સાથે મળીને સ્વાતંત્ર્ય ચળવળમાં વીરમગામ પુસ્તક પ્રકાશિત કરે અને તેમાં વીરમગામના જકાતનાકાના  સત્યાગ્રહનો ઉલ્લેખસુદ્ધાં  હોય, તો પછી સત્યાગ્રહો વિશેનાં અન્ય સંશોધિત પુસ્તકો કે લખાણોમાં તેની અપેક્ષા રાખવી વધારે પડતી છેએમ માનવું રહ્યું. બહુ વિશિષ્ટ અને રસપ્રદ વિગતો છે આ સત્યાગ્રહની.
ગાંધીભાઈ ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકા/ South Africa થી ભારત પરત ફર્યા પછી પારિવારીક કારણોસર વતન કાઠિયાવાડ જવા માટે ટ્રેનમાં (ત્રીજા વર્ગના ડબ્બામાં તો વળી) મુસાફરી કરી રહ્યા હતા ત્યારની વાત છે. ત્યારે ગાંધીજીના શબ્દોમાં કહીએ તો વઢવાણનો સાધુચરિત પરગજુ દરજી નામે મોતીલાલ પોતાની નાની સરખી ટુકડી લઈને તેમને વઢવાણ સ્ટેશને મળવા આવ્યો. બેરીસ્ટર ગાંધીભાઈ સમક્ષ પોતાની વ્યથા ઠાલવતાં તેણે કહ્યું, " દુઃખનો ઈલાજ કરો. કાઠિયાવાડમાં જન્મ લીધો છે એને સાર્થક કરો."

ભારે કરી! એવું તે કેવું હતું દુઃખ કે વઢવાણના આ દરજીભાઈએ ગાંધીભાઈને એમના જન્મને સાર્થક કરવાને  કહેવું પડે? અંગ્રેજી શાસનના કાનૂન અનુસાર કોઈ પણ વ્યક્તિ વીરમગામ રેલવે જંક્શન/ Viramgam Railway Junction થઈને કોઈ પણ ગામ-નગર-શહેરમાં જાય તો જંક્શન પર તેણે જકાત ભરવી પડતી. વીરમગામને સૌરાષ્ટ્ર-કચ્છનું પ્રવેશદ્વાર કહી શકાય. ભારતના અન્ય વિસ્તારના લોકોએ સૌરાષ્ટ્ર-કચ્છ કે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોએ ભારતના અન્ય ભાગોમાં જવા માટે વીરમગામ થઈને જવું પડે, એવું તેનું ભોગોલિક સ્થાન. એટલે તો આ રૂટ વાયા વીરમગામકહેવાતો. અંગ્રેજો આવા મોકાના સ્થાનનો ફાયદો ઉઠાવે તો નવાઈ! જકાત માત્ર વેપારીઓએ ભરવાની હોય, એવી આપણી સમજણ હોય તો તે કંઈ અંગ્રેજોની મુનસફી સામે થોડી ચાલે? કસ્ટમ ડ્યૂટીની કાળી બાજુ હતી કે વેપારીઓ હોય તેવા સામાન્ય જનોએ પણ જકાત ભરવી પડતી. પુરુષો તો ઠીક, મહિલાઓ અને બાળકો માત્ર હોય તો તેમના માલસામાનની પણ ફરજિયાતપણે વીરમગામ જંક્શન પર કડક તપાસ થતી. અને અધિકારી ઠરાવે એ જકાત ભર્યા પછી તેઓ આગળ જઈ શકતા. જકાત અધિકારીના મનમાં ગણિતનો કોઈ પણ આંકડો ક્યારે વસી જાય એ નક્કી નહીં. જકાતદરનો નિયમ હશે, પણ લોકો આ કાયદાથી જ એવા ફફડે કે નિયમ પૂછવાનીય હિંમત ન ચાલે. લોકો પોતાના દેશમાં પોતાને પારકા અનુભવે એવા હાલ હતા, જે હકીકતમાં બેહાલ હતા. વીરમગામ કસ્ટમ કોર્ડનતરીકે લાગુ કરાયેલા કાયદાના કારણે આમજનતાને એટલી બધી હાડમારી ભોગવવી પડતી કે વખત જતાં વીરમગામની જકાતબારીનરકબારીતરીકે ઓળખાવા લાગી. અહીં આપેલા આંકડા પરથી આ હકીકતનો કંઈક અંદાજ આવી શકશે. આ આંકડાને સોએક વરસ પહેલાંના પરિપ્રેક્ષ્યમાં જોવા જરૂરી છે.  


સંજોગોમાં દરજી મોતીલાલ અને ગાંધીભાઈ વચ્ચે સંવાદ થયા, જે એક સે બઢકર એકજેવા છે. લોકોએ વેઠવી પડતી ભયાનક હાલાકીની વાત પૂરેપૂરી સાંભળી લીધા પછી ગાંધીજીએ મોતીલાલને પૂછ્યું, ‘તમે જેલમાં જવા તૈયાર છો?’ ‘અમે ફાંસીએ જવા તૈયાર છીએ.’ ગાંધીજીની અપેક્ષાથી વિપરીત મોતીલાલનો દૃઢતાપૂર્વકનો જવાબ હતો. ‘તમે તૈયાર હશો તો આપણે પહોંચી વળીશું.’ એવો વિશ્વાસ ગાંધીભાઈએ અપાવ્યો. આ મુલાકાત ત્યાં પૂરી થઈ. ગાંધીભાઈએ હૈયાધારણ આપી એ કંઈ આજે મત ઉઘરાવવા માટે નેતાઓ દ્વારા અપાતા વાયદા જેવી ઠાલી નહોતી. કાયદાના નિષ્ણાત મોહનદાસ ગાંધીને કદાચ તેમાં કાનૂની દૃષ્ટિએ અન્યાય દેખાયો હશે.

દક્ષિણ આફ્રિકામાં બોઅર યુદ્ધ/Boer War અને ઝૂલુ બળવા/Zulu Revolt માં બ્રિટિશ સામ્રાજ્યના પક્ષે રહેલા ગાંધીભાઈ ત્યારે માનતા હતા કે 'હિન્દુસ્તાનની સંપૂર્ણ ઉન્નતિ બ્રિટિશ સામ્રાજ્યમાં થઇ શકે.' ગાળામાં તે કાઠિયાવાડમાં જયાં ફર્યા ત્યાં બધે વીરમગામની જકાતના ત્રાસની અને તેનાથી પડતી હાડમારીની ફરિયાદો સાંભળવા મળી. પણ જેમ આફ્રિકામાં બ્રિટિશ રૈયત તરીકે હક માંગ્યો હતો તેમ અહીં પણ લોકોને પડતી આ આપદા અંગે યોગ્ય કાર્યવાહી કરવાનું નક્કી કર્યું. તેમણે આ બાબતે કાનૂની રાહ પસંદ કર્યો અને સરકાર સમક્ષ તેની લેખિત રજૂઆતોનો સિલસિલો આરંભ્યો. આ લેખિત રજૂઆત કોઈ જોશભર્યા આંદોલનકાર દ્વારા લખાયેલા ગાંડાઘેલા આવેદનપત્ર જેવી નહોતી, બલ્કે બેરિસ્ટર મો.ક.ગાંધી દ્વારા આ કાયદાનાં તમામ પાસાંને આવરી લઈને તેના થકી પેદા થતી મુશ્કેલીઓની મુદ્દાસર રજૂઆત હતી. પ્રચંડ જનસમર્થનનો કે અખબારી નિવેદનો યા નોંધોનો સહારો લેવાનો સવાલ હતો નહીં. પણ એક યોગ્ય પ્રશ્નનો યોગ્ય રીતે ઉકેલ આવે એ દિશામાં તેમનો એ પ્રયત્ન હતો. આનું પરિણામ બહુ ઝડપથી જોવા મળ્યું. ગાંધીજીની સતત લેખિત રજૂઆતને પગલે અંગ્રેજ સરકારે છેવટે આ કાયદો નાબૂદ કરવાનો નિર્ણય લીધો. ૧૯૦૩માં લાગુ થયેલો કાયદો ચૌદ વરસના ત્રાસદાયક અમલ પછી ગાંધીજીએ ૧૯૧૫થી એકલપંડે કરેલા પ્રયાસોથી ૧૯૧૭ના નવેમ્બર માસમાં રદ થયો. આજે આ સમગ્ર ઘટનાક્રમની રસપ્રદ બાજુ લાગે કે લોકનજરે સત્યાગ્રહના ચોકઠામાં આસાનીથી ફીટ બેસી જાય તેવા કોઈ પગલાં ભરવાની જરૂર પડી. કારણ હતું બારિસ્ટર એમ. કે. ગાંધીનું મુદ્દાસર અને અસરકારક ડ્રાફિંટગ. બ્રિટન જઈને બારિસ્ટર બની આવેલા એમ. કે. ગાંધીએ ભારતમાં સૌ પ્રથમ વખત બ્રિટિશ સામ્રાજય સામે જ પોતાની બારિસ્ટરની ડિગ્રીની યોગ્યતા પુરવાર કરી દીધી હતી.

માત્ર ડ્રાફિંટગ અને કેટલીક મુલાકાતોથી જેનું અપેક્ષિત પરિણામ આવી ગયું એ રજૂઆત કેવી રહી હશે એ જાણવાનું કૂતુહલ થાય એ સ્વાભાવિક છે. આ રહી તેની ઝલક...

" હિંદુસ્તાનમાં સત્યાગ્રહનું વિશાળ ક્ષેત્ર છે
વીરમગામમાં જકાતની નાનીસરખી લડતથી 
તેનો અનિવાર્ય ક્રમ શરૂ થયો છે." 
ગાળામાં કાઠિયાવાડી પોશાકમાં સજજ રહેતા ગાંધીજીએ પહેલાં તો રાજકોટ જઈને અગ્રણી વેપારી છોટાલાલ તેજપાલ પાસેથી જકાતની ફાઇલો મેળવી તેનો બરાબર અભ્યાસ કર્યો. અભ્યાસનો આધાર લઈને ત્યાર પછીની સૌરાષ્ટ્રની મુલાકાત વખતે તે મોટી સંખ્યામાં વેપારીઓ અને મુસાફરોને મળ્યા. સૌની સાથે તેમણે વીરમગામની જકાતના મુદ્દે વિગતે ચર્ચા કરી. તે ગાળામાં (હાલ અમરેલી જિલ્લાના) બગસરા અને અન્ય ગામોમાં આપેલાં ભાષણોમાં વીરમગામની જકાતના મુદ્દે સત્યાગ્રહ કરવો પડે તો તેની પણ તૈયારી રાખવા માટે તેમણે લોકોને જણાવ્યું. તે મુંબઈ જઈને ત્યાંના ગવર્નર લોર્ડ વિલિંગ્ડન/ Lord Willingdon ને મળ્યા અને આ મુદ્દાની ચર્ચા કરી. દક્ષિણ આફ્રિકાની ગાંધીજીની લડતથી માહિતગાર એવા લોર્ડ વિલિંગ્ડને ગાંધીભાઈ તરફ પૂરી સહાનુભૂતિ દાખવી. પણ પોતાની મજબૂરી વ્યક્ત કરતાં કહ્યું, ‘મારા હાથમાં હોત તો મેં ક્યારનોય કાયદો રદ કરી દીધો હોત. આમાં હું કશું કરી શકું તેમ નથી. તમે ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયાનો સંપર્ક કરો.’ થોડા સમયગાળા પછી ગાંધીજી જકાતનાં કાગળિયાંની ફાઇલ સાથે ઇન્ડિયાના નવા બનેલા ગવર્નર જનરલ લોર્ડ ચૅમ્સફોર્ડ/ Lord Chelmsford ને મળ્યા. ત્યારે ચૅમ્સફોર્ડે સાવ નિર્દોષતાથી જણાવ્યું, ઓહો, આમ વાત છે?  હું આમાં કશું જાણતો નથી. પણ તમને હું વચન આપું છું કે વીરમગામમાં લેવાતી જકાત બંધ થાય માટે હું ઉપરના ધોરણે પ્રયત્ન કરીશ.’ પણ પ્રયત્નોમાં તે તત્કાળ સફળ ન થયા. જો કે, દક્ષિણ આફ્રિકામાં સફળ સત્યાગ્રહ કરીને આવેલા ગાંધીભાઈ માટે નિરાશ કે નાસીપાસ થવાનો કોઈ પ્રશ્ન ન હતો. તેમણે મુંબઈ ઇલાકાના કોંગ્રેસી નેતાઓની બનેલી બોમ્બે પ્રોવિન્શિયલ કોન્ફરન્સ’/ Bombay Provincial Conference માં કાઠિયાવાડના લોકોની હાલાકી જણાવતી વાત મુકી: કાઠિયાવાડના લોકો એક નહિ, પણ બબ્બે સરકારના કાયદા તળે જીવે છે. ખરેખર તો તેઓ સૌ પહેલાં ભારતીય રજવાડાંને જવાબદાર છે, અને પછી બ્રિટિશ ગવર્નમેન્ટને. બીજું કે, અંગ્રેજ સરકારે જે જકાત નાખી છે તેનો મૂળ ઉદ્દેશ તો દરિયાકાંઠે થતી દાણચોરી અટકાવવાનો છે. એટલે જકાત માત્ર દરિયાકિનારે વેપાર કરતા વેપારીઓ પાસે વસૂલાવી જોઈએ. એવા વેપારીઓના ભોગે સામાન્ય લોકો શા માટે જકાત ભરે અને માલસામાનની તપાસ કરાવડાવીને ત્રાસ પણ વેઠે? આપણે બ્રિટિશ ગવર્નમેન્ટને લખી મોકલવું પડશે કે અમે કાયદાના કારણે છેલ્લાં તેર વર્ષથી તકલીફ વેઠી રહ્યા છીએ. અને હવે કાયદો રદ થવો જોઈએ." ગાંધીજીની આ રજૂઆતને પગલે બોમ્બે પ્રોવિન્શિયલ કોન્ફરન્સે વીરમગામ રેલવે જંક્શન પર લેવાતી પ્રકારની જકાતને વખોડતો પત્ર બ્રિટિશ સરકારને મોકલી આપ્યો.

દરમ્યાન બગસરામાં ગાંધીજી કરેલા જકાતવિરોધી ભાષણની વિગતો છૂપી પોલીસ દ્વારા સરકારી દફતરે પહોંચી ગઈ હતી. સરકારને તેમાં ધમકીનો સૂર લાગ્યો. મુંબઈ સરકારના સેક્રેટરી અને ગાંધીજી વચ્ચે આ મુદ્દે ચકમક પણ ઝરી ગઈ. મુંબઈ સરકારના સેક્રેટરીએ તોરમાં પૂછ્યું, શક્તિમાન સરકાર ધમકીને ગાંઠે?’ ગાંધીજીએ જવાબમાં નમ્રપણે કહ્યું, અંગ્રેજ સરકાર શક્તિમાન છે વિશે મને શંકા નથી. પણ સત્યાગ્રહ સર્વોપરી શસ્ત્ર છે વિશેય મને શંકા નથી.’

બંને ઘટનાની ધારી અસર નીપજી. આખરે બ્રિટિશ સરકારે નવેમ્બર, ૧૯૧૭માં વીરમગામ કસ્ટમ કોર્ડન સંપૂર્ણપણે દૂર કર્યો. મોહનદાસ કરમચંદ ગાંધીને ભારતમાં મળેલી એ પહેલી સફળતા કહી શકાય. ઈતિહાસમાં યા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે વીરમગામના જકાતનાકાના સત્યાગ્રહની સફળતાનું પૂરતું મહત્વ અંકાયું હોય, પણ ગુજરાતમાં રહી સ્તરનું સંશોધન કરનાર ઇતિહાસકાર મકરંદ મહેતાનું સ્પષ્ટપણે માનવું છે કે, ગાંધીજીના પ્રારંભિક અરસામાં વીરમગામના જકાતનાકાના મુદ્દે મળેલી સફળતાએ દેશવાસીઓને સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાવા માટેની પ્રેરણા આપી હતી


ભારતમાં આવ્યા પછી ગાંધીજી માટે સત્યાગ્રહના બીજ પણ રેલવે 
જંક્શન પરની  લડતથી વવાયાંજેણે ભારત દેશના ઇતિહાસમાં 
પરિવર્તન આણ્યું.

જાન્યુઆરી, ૧૯૧૫માં ગાંધીજીને પહેલી વખતવીરમગામ કસ્ટમ કોર્ડન’/ Viramgam Custom Cordon વિશે મળેલી જાણકારી અને તેની નાબૂદી વચ્ચે ખાસ્સો ૨૨ માસનો સમય વીતી ગયો હતો. લડત સફળ થતાં જાહેરમાં તેનો આનંદ પણ ગાંધીજી દ્વારા વ્યક્ત કરાયો. દક્ષિણ આફ્રિકામાં જનરલ સ્મટ્સને જાતે પગરખાં સીવીને ભેટ ધરનાર ગાંધી અહીં પણ સદ્‍ભાવ દર્શાવવાનું ચુક્યા નહોતા. ગોધરામાં યોજાયેલી રાજકીય પરિષદમાં તેમણે જકાતનાબૂદી માટે પ્રયત્ન કરનાર લોર્ડ ચેમ્સફોર્ડનો આભાર માન્યો હતો. અને સાથોસાથ કાયદો દૂર કરવામાં થયેલી ઢીલ બદલ એમ પણ ઉમેર્યું હતું કે, ‘બ્રિટિશ સરકારે પગલું પહેલાં ભરવું જોઈતું હતું.’ જો કે, આ આનંદ ઝાઝો ન ટક્યો. જકાત મુદ્દે થયેલી શાંતિનો દાયકો પણ પૂરો થયો થયો ત્યાં ૧૯૨૭માં ફરીથી એ જકાત લાગુ કરાઈ. છેક સ્વતંત્રતા મળી ત્યારે એ રદ થઈ. નોંધવા જેવી હકીકત એ છે કે પોતે જે લડતથી સત્યાગ્રહનાં બીજ રોપ્યાં હતાં તે બીજ આ દસ વર્ષમાં વધીને વૃક્ષ બની ગયું હતું. પણ ગાંધીજી ફરીથી મુદ્દે સક્રિય થયા નહોતા. ત્યારે કદાચ તેઓકાઠિયાવાડીમટી આખા દેશના થઈ ગયા હતા! તેમજ અન્ય કોઈ પણ આ બાબતે સક્રિય થયું હોવાની જાણ નથી.
ખેર,ગાંધીજીએ લડત ઉપાડી તે પહેલાં વીર વિઠ્ઠલભાઈ પટેલ, રાજકોટના અગ્રણી વેપારી મનમોહનદાસ રામજી, જાણીતા શ્રેષ્ઠી લલ્લુભાઈ શામળદાસ વગેરે ઉપરાંત અનેક અગ્રણીઓએ જકાત નાબૂદી માટે પ્રયત્નો કર્યા હતા. કાઠિયાવાડ ટાઇમ્સ (રાજકોટ), સયાજી વિજય (બરોડા), ગુજરાતમિત્ર (સુરત), અને પ્રજાબંધુ (અમદાવાદ) જેવાં અખબારોએ પણ જકાતનો કાયદો દૂર કરાવવા પ્રશંસનીય પત્રકારત્વ કર્યું હતું, પણ કોઈનેય સફળતા હાથ લાધી હતી. તો બીજી બાજુ ગુજરાત કે સૌરાષ્ટ્ર બહારના ભારતનું ચિત્ર વિપરીત આશ્વર્ય પ્રેરે એવું હતું. દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પછી તરતના ગાળામાં ગાંધીજીની ગોપાલકૃષ્ણ ગોખલે સહિતના અનેક અગ્રણીઓ સાથે ભારતીય પ્રજાને કનડતા મુદ્દાની ચર્ચા થઈ હતી, પણ તેમાં વીરમગામ કસ્ટમ કોર્ડન જેવા વિચિત્ર કાયદાનો ઉલ્લેખ થયાનું ધ્યાનમાં નથી. તો બીજી બાજુ ૧૯૨૭માં જકાત ફરી લાગુ થઇ એ પછી છેક આઝાદી મળી ત્યાં સુધી એટલે કે ૨૦ વર્ષ સુધી લોકોએ હાલાકી ભોગવી. શું દેશના અગ્રણી નેતાઓ કે વખતના અખબારોને મન જાણતાઅજાણતા  મુદ્દે સેવાયેલા દુર્લક્ષને લઈને આમ બન્યું હશે? કોને ખબર!! 

(વીરમગામની તસવીર: ધવલ રૂપેરા, અન્ય તસવીરો: નેટ પરથી)  

6 comments:

 1. ઇતિહાસના અતીતની એક નવી વાત જાણવા મળી. વિરમગામની આ વાત ક્યારેય સાંભળેલી ન હતી અને ગાંધીભાઈ વિષે પણ આ એક નવું પ્રકરણ રહ્યું મારે માટે. ઘણો જ આભાર એક નવા ઇતિહાસની પગદંડી તરફ લઈ જવા માટે.

  ReplyDelete
 2. ભરતકુમાર ઝાલાAugust 15, 2012 at 12:13 PM

  ધન્યવાદ કેતનભાઈ, સત્યાગ્રહ અંગે સાવ અપ્રકટ માહિતી વહેંચવા માટે. ગાંધીજીના જમાનામાં સત્યનો પોતાનો એક પ્રભાવ હતો. એ વખતનો ઈતિહાસ સાક્ષી છે કે સત્યાગ્રહ કદી જનસમર્થન માટે ટળવળતું નહોતું. અત્યારે તો સત્ય રીતસર લોકોના ટેકા પર જ ઉભું રહે છે. ને જેને બહોળું સમર્થન ન મળે, એ હકીકત સત્યનો દરજ્જો ગુમાવી દે છે. આઝાદીના 65 વર્ષના ઈતિહાસમાં સત્યાગ્રહના વિકલ્પમાં લોકમતનો ઉપયોગ કરવાનું શીખી ગયા છીએ.

  ReplyDelete
 3. રજનીકુમાર પંડ્યાAugust 15, 2012 at 2:31 PM

  અતિશય રસપ્રદ શૈલીમાં અતિ રસપ્રદ અને વિરલ જાણકારી. ભાઇ કેતનને અને તને અભિનંદન-આવી વાનગીઓ આપતા રહો. 'વાયા વીરમગામ' શબ્દ બહુ તુચ્છતા બતાવવા વપરાતો. હું અમદાવાદ 1957 થી 1959 ભણતો ત્યારે સોરાષ્ટ્રમાંથી આવતા એવા સૌ વિદ્યાર્થીઓ માટે "વાયા વીરમગામ" શબ્દ ઉપહાસરૂપે વપરાતો. આના ગેરફાયદા અનેક, પણ ફાયદો એક કે અમે સૌરાષ્ટ્રના સૌ સંગઠ્ઠિત રહેતા અને અમારા હકો મેળવતા.

  ReplyDelete
 4. સારો લેખ છે. જો કે આત્મકથામાં "ફાંસીએ ચડવા તૈયાર છીએ" એવો જવાબ નથી. આજે ફરી આત્મકથાનો આ ભાગ વાંચ્યો. ગાંધીજી એટલા સાદા શબ્દોમાં લખે છે કે એમ લાગે નહીં કે આ લખનાર ગાંધીજી છે અને મુંબઈના ગવર્નર કે ભારતના વાઇસરૉયને મળવું એ એમના માટે બહુ નાની વાત હતી. ગાંધીજી આ પ્રસંગમાં સત્યાગ્રહનાં બીજ જૂએ છે.

  ભાઇશ્રી કેતનભાઇ આ વાત બહુ સારી રીતે રજુ કરી શક્યા છે. આ પણ સત્યાગ્રહ હતો . ઍક્શનવાળા સત્યાગ્રહની જરૂર તો બધા રસ્તા બંધ થઇ જાય તે પછી જ ઊભી થાય. સત્યાગ્રહ માણસોની ભીડ એકઠી કરવા માટે નથી. વળી કેતનભાઇએ સફળ અને નિષ્ફળ સત્યાગ્રહનું વિવેચન પણ સારૂં કર્યું છે.આવું આપતા રહો.

  ReplyDelete
 5. સરસ છે. મઝા આવી. પ્રજાકીય આંદોલન અને પ્રજાની સામેલગીરી ન થઇ એને કારણે આ સત્યાગ્રહ ઇતિહાસ લખનારાની અને લોકોની સ્મૃતિમાંથી ભૂંસાઇ ગયો હોય અથવા એને બહુ મહત્ત્વ મળતું ન હોય તે (ઇચ્છનીય નહીં તો પણ) બનવાજોગ છે.

  ReplyDelete
 6. વિરમગામ તો વિરમગામ , વિરમગામ કસ્ટમ કોર્ટન નો આવો ઇતિહાસ જાણીને ,એ પણ ગાંધીજી નો પ્રથમ સત્યાગ્રહ અહીં થી શરૂ થયો તે અજોડ ઇતિહાસનું પાનું બની ગયું તે જાણીને આનંદ થયો

  ReplyDelete