Saturday, November 5, 2011

ઘેઘૂર કંઠના સ્વામીની વિદાય


ભૂપેન હજારિકા

(૮-૯-૧૯૨૬ થી ૫-૧૧-૨૦૧૧)




ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ રંગાએ બનાવેલું કેરીકેચર 
કલા, કલાકાર કે કલાપ્રેમીઓને ભૌગોલિક સીમાડા નડતા નથીભલે ને એની ઓળખ કોઈ ચોક્કસ ભૌગોલિક સ્થાન થકી હોય. હજી આજે બપોરે જ ડૉ. ભૂપેન હજારિકાના અવસાનના સમાચાર જાણવા મળ્યા. એ સાંભળીને થયું કે એમની ઓળખને કેવળ આસામ, બંગાળ કે પૂર્વ ભારત પૂરતી શી રીતે મર્યાદિત કરી શકાય? ભૂપેન હજારિકાનું નામ લેતાં જ સૌથી પહેલાં તો એમનો ઘેઘૂર, પડછંદ સ્વર કાનમાં ગૂંજવા લાગે. ઊંચા શીખર પર ગરજતાં વાદળ કે સાગરના નિર્જન કિનારે સંભળાતા દરિયાઈ મોજાંના ઘૂઘવાટ સાથે એમના સ્વરની સરખામણી થઈ શકે. અત્યંત કેળવાયેલો, સૂરીલો કંઠ, છતાં એમાં સુંવાળપને બદલે લોકગાયકોમાં હોય છે એવું અલ્લડપણું જણાય. શૈલી કે સ્વરના સામ્યથી નહીં, પણ લોકગાયકના સ્વરની સરખામણીની દૃષ્ટિએ એમના કંઠને સચીન દેવ બર્મનના અવાજ સાથે સરખાવી શકાય.
એમના કંઠનો પહેલવહેલો પરિચય ૧૯૮૮માં દૂરદર્શન પર પ્રાઈમ ટાઈમમાં આવતી લોહીત કિનારેના શીર્ષક ગીત દ્વારા થયેલો. ભૂપેન હજારિકાની જ વાર્તાઓને ટી.વી. માટે કલ્પના લાજમીએ દિગ્દર્શીત કરેલી. ટાઈટલમાં દેખાડાતાં આસામનાં પ્રાકૃતિક દૃશ્યોની સમાંતરે ગૂંજતો ભૂપેન હજારિકાનો ઘેઘૂર સ્વર એવો હતો કે પહેલી વખત સાંભળતાં જ એના પ્રેમમાં પડી જવાય.
એ વખતે તો સાધનસ્રોત સાવ મર્યાદિત હોવાથી એમનાં વધુ ગીતો સાંભળવાની અપેક્ષા પૂરી કરવી મુશ્કેલ હતી. પણ ત્યાર પછી થોડા સમયમાં જ તેમણે ગાયેલાં હિન્દી ગીતોનું આલ્બમ મૈં ઔર મેરા સાયા બહાર પડેલું. મૂળ આસામી ગીતોનો ભાવાનુવાદ ગુલઝારે કરેલો. આ આલ્બમમાં ભૂપેન હજારિકા દ્વારા ગવાયેલાં એક કલી દો પત્તીયાં એ તો રીતસર ઘેલું લગાડેલું. આ કેસેટમાં ગુલઝારે પોતાના અવાજમાં કેફીયત પણ રજૂ કરી હતી, જે ગીતનો રસાસ્વાદ કરવામાં મદદરૂપ થતી હતી.
એ ગાળામાં દર વરસના આખરી દિવસે રજૂ કરાતા રંગારંગ કાર્યક્રમમાં ભૂપેન હજારિકા નિયમીતપણે જોવા મળતા. ૧૯૯૨માં આવેલી કલ્પના લાજમીની ફિલ્મ રૂદાલીમાં ભૂપેન હજારિકાના કંઠનો અને તેમના સંગીતનો આસ્વાદ બરાબર માણવા મળ્યો. દિલ હૂં હૂં કરે’, મૌલા હો મૌલા જેવાં ગીતોમાં એમનો સ્વર બરાબર ખીલેલો. ત્યાં સુધી કે લતા મંગેશકર દ્વારા પણ ગવાયેલું દિલ હૂં હૂં કરે ગીત ભૂપેનદાએ ગાયેલા એ જ ગીત આગળ ફીક્કું પડતું  લાગે.
જો કે, પછી ખબર પડી હતી કે ભલે આપણને એમનો પરિચય એંસીના દાયકાના અંત ભાગમાં થયો, પણ હિન્દી ફિલ્મો સાથે તો એ છેક ૧૯૭૪થી સંકળાયેલા હતા. ગાયક, સંગીતકાર, દિગ્દર્શક, લેખક, પત્રકાર, ફિલ્મનિર્માતા જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા ભૂપેન હજારિકા અંગેની વધુ વિગતો તેમની પોતાની વેબસાઈટ http://www.bhupenhazarika.com  પર આપેલી છે. અન્ય રસપ્રદ વિગતો માટે તેમના એક ચાહક દ્વારા સંચાલિત આ બ્લોગની મુલાકાત પણ લઈ શકાય. 

૧૯૨૬ની આઠમી સપ્ટેમ્બરે આસામમાં જન્મેલા ભૂપેન હજારિકાએ માત્ર બાર વર્ષની ઉંમરે એક આસામી ફિલ્મમાં ગીત ગાયેલું. ૧૯૩૯માં બનેલી એ બીજી બોલતી આસામી ફિલ્મ હતી ઈન્દ્રમાલતી’. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ. અને એમ.એ. પાસ કર્યું. મુખ્ય વિષય હતો પોલિટીકલ સાયન્સ. અમેરિકાની કોલમ્બીયા યુનિવર્સિટીમાંથી તેમણે પી.એચ.ડી.ની ડીગ્રી મેળવી. આવી ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી છતાં તેમણે પહેલાં ગાયન અને પછી દિગ્દર્શનક્ષેત્રે ઝંપલાવ્યું. આસામી અને બંગાળી ફિલ્મો તો તેમણે ક્યારની શરૂ કરી દીધેલી.
૧૯૭૪માં આવેલી આત્મારામ નિર્દેશીત ફિલ્મ આરોપને તેમના સંગીત દિગ્દર્શનવાળી પહેલી હિન્દી ફિલ્મ કહી શકાય, જેનાં ગીતો લખેલાં માયા ગોવિન્દે. આ ફિલ્મનું નિર્માણ ગુરૂદત્ત ફિલ્મ્સ કમ્બાઇન્સ દ્બારા કરાયું હતું. તેમાં  વિનોદ ખન્ના, સાયરા બાનુ, વિનોદ મહેરા, રહેમાન, બિંદુ, ભારત ભૂષણ જેવા કલાકારો હતા. આ ફિલ્મનાં કુલ સાત ગીતોમાંથી ભૂપેન હજારિકાએ ફક્ત એક ગીતમાં કંઠ આપેલો. 
ભારત ભૂષણ પર ફિલ્માવાયેલું આ ગીત સાંભળીએ, જે ભૂપેન હજારિકા અને કે.એન. શર્માએ ગાયેલું છે. .


ત્યાર પછી અરુણાચલ પ્રદેશની સરકાર દ્વારા નિર્મીત મેરા ધરમ મેરી માં ફિલ્મમાં સંગીત ઉપરાંત દિગ્દર્શન પણ તેમણે સંભાળેલું. ૧૯૭૨માં અરુણાચલ પ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો પ્રાપ્ત થયો, ત્યારે આ પ્રદેશની આગવી ઓળખ ઉપસાવતી અરુણાચલ પ્રદેશની પહેલવહેલી ફિલ્મ હમારા અરુણાચલના નામે બનાવાઈ હતી, જેનું બીજું નામ હતું મેરા ધરમ મેરી માં’. આ ફિલ્મનું એક દુર્લભ ગીત સાંભળીએ, જેમાં કોરસ સ્વરમાં પણ ભૂપેનદાનો સ્વર ઓળખાઈ આવે છે.


૧૯૭૯માં આવેલી અજિત લાહિરી દિગ્દર્શીત ફિલ્મ ચમેલી મેમસાબમાં પણ ભૂપેનદાનું સંગીત હતું. આ ફિલ્મનાં કુલ ચાર ગીતોમાંથી બેમાં તેમણે સ્વર પણ આપેલો. આ ફિલ્મનું એક ગીત સાંભળીએ, જે ભૂપેનદાની સાથે કમલ ગાંગુલીએ ગાયું છે. 


આ જ વરસે આવેલી છઠ મૈયા કી મહિમામાં પણ તેમનું સંગીત હતું. દિગ્દર્શક હતા તપેશ્વર સિંહા. નવાઈ લાગે એવી વાત છે કે આ ફિલ્મમાં દસ ગીતો હતાં, પણ એકેયમાં ભૂપેનદાનો સ્વર નહોતો. ૧૯૮૪ની જહાનુ બરુઆ નિર્મીત-દિગ્દર્શીત ફિલ્મ અપેક્ષામાં પણ તેમનું સંગીત હતું. 
૧૯૮૫માં કલ્પના લાજમીની ફિલ્મ એક પલમાં તેમણે ગુલઝારનાં ગીતોને સ્વરબદ્ધ કર્યાં. આ ફિલ્મમાં શબાના આઝમી, નસીરૂદ્દીન શાહ, ફારૂક શેખ, ડૉ. શ્રીરામ લાગૂ જેવા નીવડેલા કલાકારો હતા. ભૂપેન હજારિકા પોતે પણ આ ફિલ્મમાં પડદે દેખાયા. અગાઉ શ્યામ બેનેગલની ફિલ્મ ભૂમિકામાં સહાયક કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે અને બે એક દસ્તાવેજી ચિત્રોનાં દિગ્દર્શીકા તરીકે કામ કરી ચૂકેલાં કલ્પના લાજમીની આ પહેલી ફિલ્મ હતી. લતા મંગેશકર સાથે ભૂપેનદાનું આ ફિલ્મનું એક અદભૂત ગીત સાંભળીએ. 

 

ત્યાર પછીની તેમની ફિલ્મો રૂદાલી (૧૯૯૨), દરમિયાં (૧૯૯૭), દમન (૨૦૦૦), ક્યોં (૨૦૦૩)માં ભૂપેન હજારિકાનું જ સંગીત હતું. 
પહેલાં 'રૂદાલી'નું ગીત સાંભળીએ. રાજસ્થાનની પૃષ્ઠભૂમિ ધરાવતી આ કથામાં આસામની છાંટ ધરાવતું   આ ગીત અજબ વાતાવરણ ઉભું કરે છે! 



હવે સાંભળીએ ફિલ્મ દરમિયાં’નું ગીત. 

 

અને આ છે ફિલ્મ 'દમન' નું ગીત. 

 

૨૦૦૬માં આવેલી તેમની ફિલ્મ ચિનગારી ભૂપેન હજારિકાની નવલકથા પર આધારિત હતી. આ ફિલ્મ કલ્પના લાજમીની સાથે ભૂપેનદાએ લખી હતી, પણ તેમાં સંગીત આદેશ શ્રીવાસ્તવનું હતું.
કલ્પના લાજમીની આ ફિલ્મો ઉપરાંત સઈ પરાંજપે દિગ્દર્શીત પપીહા (૧૯૯૪) અને સાઝ (૧૯૯૬) માં પણ તેમનું  સંગીત હતું. તબલાંનવાઝ ઝાકીર હુસેનને શબાના આઝમી સાથે ચમકાવતી આ ફિલ્મમાં ભૂપેનદાએ જો કે, એક જ ગીત સ્વરબદ્ધ કરેલું. તેમના સિવાય ઝાકીર હુસેન, યશવંત દેવ અને રાજ કમલ- એમ કુલ ચાર સંગીતકારો આ ફિલ્મ સાથે સંકળાયેલા હતા. ૧૯૯૫માં બનેલી બિમલ દત્ત દિગ્દર્શીત ફિલ્મ પ્રતિમૂર્તિમાં ભૂપેનદાનું સંગીત હતું. ચિત્રકાર મકબૂલ ફિદા હુસેને દિગ્દર્શીત કરેલી મલ્ટી સ્ટારર ફિલ્મ ગજ ગામિનીમાં પણ તેમનું સંગીત હતું. આ ફિલ્મનું એક ગીત સાંભળીએ. 


આમ, ભૂપેન હજારિકાના સંગીત દિગ્દર્શનવાળી હિન્દી ફિલ્મોનો આંકડો ચૌદેક જેટલો કહી શકાય.
દિગ્દર્શિકા કલ્પના લાજમી સાથે તે ચારેક દાયકાથી ગાઢ રીતે સંકળાયેલા રહ્યા હતા. અલબત્ત, બન્નેની ઉંમરમાં લગભગ અઠ્ઠાવીસ વરસનો તફાવત તેમજ બન્નેના સંબંધને લગ્ન જેવું કોઈ પરંપરાગત લેબલ ન હોવાથી ક્યારેક વિવાદનો સામનો પણ તેમણે કરવો પડ્યો. બે એક વરસ અગાઉ તેમને હૃદયની બાયપાસ સર્જરી કરાવી હતી. મુંબઈની કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પીટલમાં તેમણે આખરી શ્વાસ લીધો એ અગાઉ તે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યરનો ભોગ બન્યા હતા.
એ પણ નોંધવું રહ્યું કે અગાઉ ૧૯૬૭માં આસામની વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલા ભૂપેનદા ૨૦૦૪માં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી. બાકી ગીત, સંગીત, ફિલ્મ અને સાહિત્યના ક્ષેત્રમાં તેમણે તમામ સર્વોચ્ચ શીખરો સર કર્યાં છે.
બધું મળીને તેમણે એક હજારથી વધુ ગીતો લખ્યાં હોવાનો અંદાજ છે, તો નવલિકા, નવલકથા, પ્રવાસવર્ણન, નિબંધ જેવાં વિવિધ સ્વરૂપોનાં પંદરેક પુસ્તકો તેમના નામે બોલે છે. એક કલાકારને મળી શકે એ તમામ માનસન્માન તેમને દેશવિદેશમાં પ્રાપ્ત થયેલાં છે, જેમાં સાહિત્ય અને સંગીત એમ બન્ને ક્ષેત્રોનો સમાવેશ થાય છે. એની વિસ્તૃત યાદી તેમની વેબસાઈટ પર વાંચવા મળી શકે છે, અહીં કેવળ એક ઝલક લઈ લઈએ: તેમના દ્વારા દિગ્દર્શીત ત્રણ ફિલ્મોને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે. સિનેમા અને સંગીત દ્વારા લોકકલા અને લોકસંસ્કૃતિના વિકાસ માટે અરુણાચલ પ્રદેશ સરકારનો સુવર્ણચંદ્રક, એક ફિલ્મના સંગીત માટે રાષ્ટ્રીય પુરસ્કાર, જેમાં પદ્મભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડનો પણ સમાવેશ થાય છે. જીવતે જીવ પોતાના પૂતળાનું અનાવરણ કરવાનો લહાવો પણ તેમને મળ્યો છે. આસામમાં રાજ્યની માલિકીનો સુસજ્જ ફિલ્મ સ્ટુડિયો આરંભ કરવાનું શ્રેય પણ તેમને ખાતે છે.
વિવિધ ભાષાઓમાં ગીતો ગાનાર આ કલાકારે ગીતો કે લખાણો તો પોતાની માતૃભાષા આસામીમાં જ લખ્યાં છે. મહમદ રફી, મુકેશ, લતા મંગેશકર, ઉષા મંગેશકર, હેમંતકુમાર જેવાં ગાયકોએ આસામી ગીતો ભૂપેનદાના સંગીત નિર્દેશનમાં જ ગાયાં છે. અમર પ્રતિનિધિ તેમજ પ્રતિધ્વનિ જેવાં માસિકોમાં તેમનાં લખાણો નિયમીત રીતે પ્રકાશિત થતાં રહ્યાં છે. ખરા અર્થમાં વિશ્વપ્રવાસી અને વિશ્વભરમાં આસામના પ્રતિનિધી બની રહેલા ભૂપેન હજારિકા ૮૫ વર્ષની જૈફ વયે ભલે દેહાવસાન પામ્યા, તેમનો સ્વર આપણી વચ્ચે ગૂંજતો રહેવાનો. તેમનાં ગાયેલાં કેટલાક ગીતો સાંભળીને તેમને શ્રદ્ધાંજલિ આપીએ. 
આ આસામી ગીત છે ફિલ્મ 'એરા બતોર સૂર'નું છે. જેમાં સ્વર છે ભૂપેનદાની સાથે હેમન્તકુમારનો. 



સાંભળતાં જ ડોલી જવાય એવું આસામી ગીત 'ડોલા હે ડોલા'. 


ખ્યાતનામ અમેરિકન ગાયક અને કોલમ્બિયામાં ભૂપેનદાના સહાધ્યાયી રહી ચૂકેલા પોલ રોબ્સને લખેલું અંગ્રેજી ગીત 'વી આર ઇન ધ સેમ  બોટ, બ્રધર/ we are in the same boat, brother' પણ ભૂપેનદાએ એટલી જ સહજતાથી ગાયું છે. 


આ છે. તેમનું અત્યંત પ્રસિદ્ધ ગીત 'ઓ ગંગા, બહતી હો કયું'.  


આ બંગાળી ગીત 'આમિ એક જાજાબોર'માં ખરા અર્થમાં વિશ્વનાગરિકનો મિજાજ પ્રગટ થાય છે. દરેક સ્થળનો અને છતાં ક્યાંયનો નહીં. (ગુલઝારે હીન્દી અનુવાદમાં આમ સમજાવ્યું છે.) બંગાલી ફિલ્મ 'દીપાર પ્રેમ' માં ભૂપેન હજારિકા પોતે આ ગીત રજૂ કરતાં જોઈ શકાય છે. 


સ્વર અને શબ્દો થકી આપણા હ્રદયમાં સદાય જીવંત રહેનાર આ કલાકારને હ્રદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. 

(પૂરક માહિતી: હરીશ રઘુવંશી, સુરત) 

(નોંઘ: તમામ તસવીરો પર ક્લિક કરવાથી તેની યૂ આર એલ પર જઈ શકાશે. વિડિયો ક્લીપ્સ યૂ ટ્યૂબના સૌજન્યથી મૂકી છે.)  

16 comments:

  1. It has been most sad time for me...first Jagjit singh and now Bhupenji, both RIP....

    ReplyDelete
  2. માનનીય બિરેનભાઇ,
    તમે કેટલું સુંદર કાર્ય કેટલી ઝડપથી કર્યું છે! હરીશભાઈની પણ તેમાં સહાય છે.અભિનંદન અને આભાર.

    ReplyDelete
  3. Thanks so much for this very informative article. Bhupenji was an asset of India and a very accomplished MD with versatile phases of talents.

    ReplyDelete
  4. Its indeed a great loss...We will certainly miss him.May his soul rest in eternal peace !

    ReplyDelete
  5. dearest Birenbhai gr8 and Hats-off simply....My congrates to harishbhai too....Can i have this in my Inbox msg as to preserve...
    God bless you
    Jay shree krishna
    Sanatbhai.....(perth australia)

    ReplyDelete
  6. You both do excellent work by supplying such a rare information on the persons and events for whom we can be proud of...
    hearty thanks...

    ReplyDelete
  7. Adbhoot lekhan Biren. What a loving tribute. That a man who was born in Assam, sung mostly in North Eastern languages gets such an evocative tribute in Gujarati speaks to the internationalism of this creative father figure. Great recollection for which I cannot thank you enough.

    ReplyDelete
  8. I would like to share this on my fb wall Biren.

    ReplyDelete
  9. ભૂપેન હઝારિકા નું નામ પડતા જ "હીયા(કે હૈયા) કી રામરામ..." ગીત યાદ આવે. મારા 'દુરદર્શન' કરવાના એ શરુ ના દિવસો; અને એ માં 'લોહિત કિનારે' જેવી સિરિયલ; એટલે પહેલા તો એ જ યાદ આવે. ગુજરાતી કલાકારો ને બાદ કરતાં કોઈ પ્રાદેશિક કલાકાર આમ અને આટલી બધી રીતે રષ્ટ્રિય કક્ષાએ ઉભરે;એ પણ પહેલું વહેલું જોયું. ટુંકા સમય માં ખુબ બધી અને ઉત્તમ માહિતી...સ-રસ...અને આભાર...

    ReplyDelete
  10. Vistaar hai apaar...Prajaa dono paar... Kare haahaakaar nishabda sadaa...O Ganga ki Dhaar... !!!Ganga Behtee ho kyon ??? Bisterno varorey, afankhya janore, hahakar sunio nisabdth nirovey, Bhural hui tumhi, bhural hui bura ki aur.......... Vistar hai apar, praza dono par, kare hahakar ni sabdth sada, Oh ganga tum, oh ganga behti ho kyun?................. Vistar hai apar, praza dono par, kare hahakar ni sabdth sada, Oh ganga tum, ganga behti ho kyun?................. Naitikta nashth hui, manavta bharashth hui, nirlagg bhav se behti ho kyun?........ Itihas ki pukar, kare hunkar, oh ganga ki dhar, nirbal jan ko, sabalsangrami, samagrogrami, banati nahi ho kyun?................ Vistar hai apar, praza dono par, kare hahakar ni sabdth sada, Oh ganga tum, oh ganga behti ho kyun?................. Anparjan, aksharheen, anginjan, khadyoviheen, neatravhiheen, dikshmon ho kyun?....... Itihas ki pukar, kare hunkar, oh ganga ki dhar, nirbal jan ko, sabalsangrami, samagrogrami, banati nahi ho kyun?................ Vistar hai apar, praza dono par, kare hahakar ni sabdth sada, Oh ganga tum, ganga behti ho kyun?................. vayakti rahey, vayakshti nirvighn, sakalsamaj, vayakshtitva rahit, nishpran samaj, upbhoktina kyun?........... Itihas ki pukar, kare hunkar, oh ganga ki dhar, nirbal jan ko, sabalsangrami, samagrogrami, banati nahi ho kyun?................ Vistar hai apar, praza dono par, kare hahakar ni sabdth sada, Oh ganga tum, ganga behti ho kyun?................. Tejasvini, kyun na rahin, tum nishchay, chintan nahin, prano mey prerna deti na kyun?............... Tum madhyavami, kurushetra grami, gangey janani, navbharat mey, bhismarupi sutsamrajey, janati nahi ho kyun?............. Vistar hai apar, praza dono par, kare hahakar ni sabdth sada, Oh ganga tum, ganga behti ho kyun?................. Vistar hai apar, praza dono par, kare hahakar ni sabdth sada, Oh ganga tum, ganga behti ho kyun?................. Vistar hai apar, praza dono par, kare hahakar ni sabdth sada, Oh ganga tum, ganga tum, ganga tum, oh ganga tum, ganga tum, ganga behti ho kyun?................. Ganga behti ho kyun?....................................

    ReplyDelete
  11. ચંદ્રશેખર વૈદ્યNovember 7, 2011 at 2:51 PM

    ભાઈ બીરેન,
    ભગવાન તમારું ભલું કરે.-) આ પોસ્ટમાં મન મૂકીને તમે વરસ્યા છો. કેટલા બધા ગીતો આપ્યા! તે બધા જ ઘૂંટડે ઘૂંટડે પીધાં (સાંભળ્યાં). ઓ ગંગા, ડોલા હે ડોલા, દમન, એક પલ, એર બતોર સૂર, અને ચિત્તમાંથી ખસતું નથી તે 'દરમિયાં'નું 'દુનિયા પરાઈ'.
    એક ફાયદો પણ થયો છે. 'મેં ઔર મેરા સાયા' નથી સાંભળી, જે શોધીશ અને સાંભળીશ.
    બસ, પેટ ભરીને (કાન ભરીને) ગીતો સાંભળ્યા ને આજે રીપ્લાય કરું છું. એટલે પ્રતિભાવ આપવામાં મોડો છું.
    તમારાથી રાજી થયો. બાકી તો ભૂપેનજીના ચાલ્યા જવાનું દુ:ખ કોને ન હોય?
    જીવતા રહો.

    ReplyDelete
  12. There cannot be a tribute to Bhupenda than what you have done. It is beautiful, artistic and so touching! In fact, before I read your blog, I was going to write a short appreciation in my own blog www.captnarendra.blogspot.com However, after reading your art canvas, I could not dare to. All I can do is to cite your website in my blog and ask my friends to read your original. It is so well written.

    ReplyDelete
  13. બીરેન કોઠારીNovember 8, 2011 at 12:04 PM

    પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો આભાર.આવો ઉમળકો ભૂપેનદા પ્રત્યેનો આપણા સૌનો લગાવ સૂચવે છે. આટલી ઝડપથી આ પોસ્ટ તૈયાર થઇ શકી એમાં હરિશભાઈની સહાય ખૂબ મહત્વની બની રહી છે.ભૂપેનદાનાં અન્ય ગીતો વિષે પણ ભવિષ્યમાં વાત કરીશું.
    @સનતભાઈ: તમારા ઈનબોક્સમાં આ સાચવી રાખો એમાં કશો વાંધો નથી. પણ એમાં ગીતો સાંભળી શકશે? આ ગીતો ડાઉનલોડ થઇ જ શકે છે.
    @વિસ્પી & કેપ્ટન નરેન્દ્ર: અનુક્રમે તમારી વોલ પર અને બ્લોગ પર આ લેખની લિંક મૂકવા માટે આભાર.
    @હિતેશ પુરોહિત: ગીતની આખી ટેક્સ્ટ બદલ ધન્યવાદ. હીન્દી યા ગુજરાતી લીપીમાં આ થઇ શકે તો જલસો પડી જાય. અને સાંભળતાં સાંભળતાં વાંચી શકાય.

    ReplyDelete
  14. પ્રિય બિરેનભાઈ,ભૂપેન હઝારિકા વિશે ઘણી બધી અજાણી માહિતી જાણવા મળી.તેમની સાથેનો પરિચય 'રૂદાલી' થી થયો હતો.'દિલ હૂમ હૂમ કરે'માં એમના ઘેઘૂર અવાજ આગળ લતાનો અવાજ મોળો પડી ગયેલો,એ વાત સમજવા માટે તો એ અવાજ સાંભળવો જ જોઈએ.એ ગીત માટે ભૂપેનદાને સલામ.બહુમુખી પ્રતિભાના માલિક ભૂપેનદાને શ્રધ્ધાંજલિ આપતો લેખ સ્પર્શી ગયો.બિરેનભાઈને આ સરસ લખાણ માટે ને હરિશભાઈને એમની હંમેશની મદદ માટે થેંક યુ.

    ReplyDelete
  15. માવજીભાઈ મુંબઈવાળાNovember 10, 2011 at 7:10 PM

    ભૂપેન હઝારિકા વિશે સુંદર, માહિતીસભર અને દુર્લભ ચિત્રોવાળો લેખ વાંચી ઘણો જ આનંદ થયો. સરસ લખાણ બદલ અભિનંદન.

    ReplyDelete
  16. બીરેન કોઠારીNovember 10, 2011 at 7:14 PM

    સલીલભાઈએ તેમની વોલ પર આ પોસ્ટની લીન્ક શેર કરી હતી. તેમનો
    આભાર.

    ReplyDelete