Saturday, December 10, 2022

ભૂતકાળ કે ભૂતાવળ?

ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેના મનમાં ટ્રેન, રેલવે સ્ટેશન તેમજ તેની ફરતેની ગતિવિધિઓ બાબતે કુતૂહલ ન હોય. આ કુતૂહલ ઘણી મોટી ઉંમરે પણ યથાવત રહેતું હોય છે. અનેક ગામ-નગરોમાં રેલવે સ્ટેશન એક માત્ર 'ફરવાનું' સ્થળ હતું. સાંજ પડ્યે ત્યાં લોકો ટહેલવા આવતા. અમારા મહેમદાવાદના રેલવે સ્ટેશનનો દરજ્જો પણ આવો જ હતો. અલબત્ત, એ અમદાવાદ-મુંબઈની મુખ્ય રેલવે લાઈન પર આવેલું હોવાને કારણે અહીં ટ્રેનોની અવરજવર સતત રહેતી. તેની સરખામણીએ 'નાનાં' સ્ટેશનો પર એ મર્યાદિત રહેતી. મારા મોસાળ સાંઢાસાલમાં નેરોગેજ રેલવે હતી. અહીં દિવસમાં ચાર વખત ટ્રેન આવતી. બે વખત જાય અને બે વખત પાછી આવે. ટ્રેનનો સમય થાય એટલે એ સુસ્ત દેખાતું સ્ટેશન આળસ મરડીને બેઠું થતું લાગે. અને ટ્રેનના ગયા પછી જાણે કે ફરી પાછું નિદ્રામાં સરી પડતું હોય એમ લાગે. સાંઢાસાલ સ્ટેશને વરાળ એન્જિન પાણી ભરવા માટે રોકાતું. આ સ્ટેશન પર પ્લેટફોર્મ તો હોય જ ક્યાંથી! પણ અહીં રેતીના ઢગ રહેતા. સંભવત: કશા કામ માટે એ રેતી લાવવામાં આવી હશે. સાંજ પડ્યે અમે સૌ સ્ટેશને જતા અને રેતીના ઢગ પર બેસતા. પછીનાં વરસોમાં, નેરોગેજ રેલવે બંધ થયા પછી સાંઢાસાલ જવાનું થયું ત્યારે અમે ખાસ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. જાણે કે ઈતિહાસનું કોઈ ફાટેલું પૃષ્ઠ ચોળાઈને રસ્તા પર પડ્યું હોય એવી એની દશા જોઈને ખિન્નતા અનુભવી હતી.
                હમણાં પીજ આગળથી પસાર થવાનું બન્યું ત્યારે તેના રેલવે સ્ટેશન તરફ નજર ગઈ એટલે અમે વાહન ઊભું રાખીને ઉતર્યા અને સ્ટેશને લટાર મારી. સવારનો સમય હતો અને તૂટેલા બાંકડા પર બે સજ્જનો બેઠા બેઠા વાત કરી રહ્યા હતા. તેઓ નજીકમાં રહેતા હતા અને 'સમય પસાર કરવા' અહીં આવીને બેસતા હતા. પણ રેલવે સ્ટેશનની દશા જોઈને મને સાંઢાસાલનું રેલવે સ્ટેશન યાદ આવી ગયું. રોડ વ્યવહાર નહોતો એવે સમયે ટ્રેન એક માત્ર સુલભ માધ્યમ હતું, જેના થકી લોકો અવરજવર કરતા. ભાડું સાવ સસ્તું. એક ટ્રેન સાથે અન્ય મોટા સ્ટેશનની બીજી કોઈ ટ્રેન સાથે યા બસ સાથે 'કનેક્શન' રહેતું. જેમ કે, અમે મહેમદાવાદથી 'ભોપાલ પેસેન્જર'માં બેસીને વડોદરા થઈ સમલાયા ઊતરીએ ત્યારે એ ટ્રેનના મુસાફરોની રાહ જોતી નાની ગાડી ઊભેલી હોય. ભોપાલ પેસેન્જરના મુસાફરોને લઈને એ ઊપડતી.
           વરાળના એન્જિનનો અમુક ગતિમાં આવતા લયબદ્ધ અવાજમાં લોકો પોતપોતાની સમજ મુજબ શબ્દો ગોઠવતા. મારાં મમ્મી કહેતાં કે એ લોકો 'છ છ પૈસે ડબલ ભાડું, ઉતર નહીં તો ધક્કો મારું' એમ બોલતાં.
            નેરોગેજ હવે તો નામશેષ થઈ ગઈ છે, અને આ પીજ સ્ટેશને તો એના પાટા પણ કાઢી લેવામાં આવ્યા છે, જે હજી અન્ય અમુક જગ્યાએ જોવા મળે છે. એક સમયે ગામથી દૂર ગણાતા સ્ટેશનની આસપાસ હવે 'વિકાસ' પહોંચી ગયો છે. આમ છતાં, આ પીજ સ્ટેશન એના પ્રવેશ તરફથી કેવું રળિયામણું લાગે છે! આવી લુપ્ત થયેલી સંસ્કૃતિને સૂઝપૂર્વક જાળવી રાખવામાં આવે, એને પ્રવાસીઓ માટેનું આકર્ષણ બનાવવામાં આવે તો ભૂતકાળના એ કાળખંડની ઝાંખી મળી રહે. જો કે, એ આશા રાખવી વ્યર્થ છે.
         અનેક અનેક લોકોના જીવન સાથે જોડાયેલી કેટલીય કથાઓ અહીં ધરબાયેલી પડી હશે, જે કદી બહાર આવશે કે કેમ એ સવાલ છે! આવાં નેરોગેજ સ્ટેશનો કેવળ ભૂતાવળ બનીને રહી ગયાં છે! 

(ભૂતાવળ= ભૂતોનું ટોળુંં )


પીજ સ્ટેશન તરફ જતાં

પ્રવેશતાં ડાબી તરફ ટિકીટબારી 

ટિકિટબારીએથી સ્ટેશન તરફ મૂકાયેલો બાંકડો 

સ્ટેશનની અંદરની તરફ મુસાફરોને ઉભા રહેવા માટેનો શેડ 

પાટા તરફથી દેખાતું સ્ટેશન 

ક્યારેક અહીં નેરોગેજના પાટા હતા 

ટિકિટબારીની સામેની બાજુએ આવેલો
બાંકડો અને પરબ 

ટિકિટબારી અને સ્ટેશન માસ્ટરની ઑફિસ 

ટિકિટબારી અને સ્ટેશન માસ્ટરની
ઑફિસનો અંદરનો ભાગ 
                                              
સ્ટેશનની ઓળખ સમી અણિયાળી રેલિંગ  

(તમામ તસવીરો: બીરેન કોઠારી) 

Wednesday, December 7, 2022

ગ્રાફિક નોવેલના અનુવાદની યાદગાર સફર

ઉંમરના એક તબક્કે અમર ચિત્રકથાઓ અને ઈન્દ્રજાલ કૉમિક્સ ભરપૂર વાંચવાને કારણે સંવાદની સાથોસાથ આનુષંગિક ચિત્રોના નિરીક્ષણની પણ આદત વિકસતી ગઈ. આથી 'બુકશેલ્ફ' દ્વારા ગ્રાફિક નોવેલના અનુવાદનો પ્રસ્તાવ મળ્યો ત્યારે જાણે કે એક ચક્ર પૂરું થઈ રહ્યું હોય એમ લાગેલું. સૌ પ્રથમ ડૉ. અબ્દુલ કલામ અને બાબાસાહેબ આંબેડકર વિશેની ગ્રાફિક નોવેલનો અનુવાદ કર્યો ત્યારે આ નવા માધ્યમનો વિશેષ પરિચય થયો. (આ બન્ને ગ્રાફિક નોવેલની અનુવાદપ્રક્રિયા વિશે અહીં વાંચી શકાશે.)

કૉમિક્સ અને ગ્રાફિક નોવેલના મૂળભૂત સ્વરૂપમાં ઘણું સામ્ય છે, પણ ગ્રાફિક નોવેલ સુદીર્ઘ હોય છે, જેનો ઉદ્દેશ્ય કેવળ બાળકો માટેના વાંચનનો જ નહીં, વયસ્કોના વાંચનનો પણ હોય છે. આ સ્વરૂપમાં હવે તો જબ્બર ખેડાણ થઈ રહ્યું છે, અને અનેક ગ્રાફિક નોવેલ બજારમાં ઉપલબ્ધ બની રહી છે. અલબત્ત, તે મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત થાય છે, અને એ પછી અન્ય ભાષાઓમાં અનુવાદિત થાય છે.
અહીં મૂકેલી ત્રણ ગ્રાફિક નોવેલમાંની એક They changed the world નામની શ્રેણી છે, જેની અંતર્ગત મહાન શોધકોના જીવન વિશે સચિત્ર અને સ-રસ વિગતો હોય છે. આ એક પુસ્તકમાં ત્રણ સમકાલીનો એડિસન, ટેસ્લા અને ગ્રેહામ બેલના જીવનની કથા દર્શાવવામાં આવી છે. બીજા પુસ્તકમાં વિમાનના સફળ શોધક રાઈટ બંધુઓની કથા છે, તો ત્રીજા પુસ્તકમાં સ્ટીવ જોબ્સની કથા છે.




ગ્રાફિક નોવેલ માટે ચીતરનારા ચિત્રકારો શી રીતે કામ કરે છે એ ખ્યાલ નથી, પણ તેઓ લેખક સાથે સંવાદ સાધીને ચીતરતા હશે એમ લાગે છે. આ પુસ્તકમાંનાં ચિત્રો જોતાં જ આપણને કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોવાનો અહેસાસ થાય. કેવળ 'આઈ લેવલ'થી સમાંતર ચિત્રો બનાવવાને બદલે તેઓ સિનેમાના કેમેરાના એન્ગલથી ચિત્રો બનાવતાં હોય એમ લાગે.
એમાંય સ્ટીવ જોબ્સના પુસ્તકનું લે-આઉટ ગજબ છે. પ્રથમ નજરે એ આઈ-પેડ જેવું જણાય અને અંદરનાં આરંભિક પૃષ્ઠો પર પણ એ જ લે-આઉટ! આ પુસ્તકમાં કથા કેટલી સચોટ રીતે કહેવાઈ હોય છે એનું એક જ ઉદાહરણ પૂરતું થઈ પડશે. સ્ટીવ જોબ્સની પારિવારિક પૃષ્ઠભૂમિ બહુ સંકુલ અને ઝટ ન સમજાય એવી છે. પણ આ પુસ્તકના અનુવાદ દરમિયાન બહુ સરળતાથી એનો ખ્યાલ આવી ગયો. યોગાનુયોગ એવો બન્યો કે પહેલાં મેં આ અનુવાદ કર્યો અને એ પછી સ્ટીવ જોબ્સ પર બનેલી ફિલ્મ જોવાનું બન્યું એટલે ફિલ્મને બરાબર માણી શકાઈ અને તેના નાનામાં નાના પ્રસંગો સમજી શકાયા.


હજી ગ્રાફિક નોવેલનો આ પ્રકાર ગુજરાતીમાં ધીમે ધીમે પ્રવેશી રહ્યો છે. તેની કિંમત કદાચ સહેજ વધુ જણાય, પણ તેની પૃષ્ઠસંખ્યા અને ઉત્કૃષ્ટ નિર્માણ એને વાજબી ઠેરવે છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે આ અતિ ઉપયોગી પુરવાર થઈ શકે એમ છે, કેમ કે, તેમાં વિગતવાર માહિતી આપવામાં આવે છે, અને ચિત્રો સાથે હોવાથી તે સહેલાઈથી યાદ રહી જતી હોય છે. તો વયસ્કો માટે આ ગ્રાફિક નોવેલ એક જુદા જ પ્રકારનો વાંચન અનુભવ પૂરો પાડે છે.
મારા દ્વારા આ ત્રણની સાથે કુલ પાંચ ગ્રાફિક નોવેલ અનુવાદિત થઈને પ્રકાશિત થઈ છે. છઠ્ઠીનો અનુવાદ થઈ ગયો છે, પણ એ હજી પ્રકાશિત થઈ નથી. મારા ઉપરાંત બીજા મિત્રો દ્વારા પણ એના અનુવાદ થઈ રહ્યા છે.
આશા રાખીએ કે સચિત્ર માહિતી આપતા આ માધ્યમનો આનંદ વધુ ને વધુ લોકો લઈ શકે.
આ ત્રણે પુસ્તકો બુકશેલ્ફ (અમદાવાદ) પર ઉપલબ્ધ છે અને ઑનલાઈન ઓર્ડર કરી શકાય છે.

Monday, December 5, 2022

'સાગર મુવીટોન'ના એક પ્રકરણનું સમાપન

તેમની સીધેસીધી ઓળખ આપવી હોય તો એમ કહી શકાય કે 'સાગર મુવીટોન'ના ચીમનલાલ દેસાઈના પુત્ર સુરેન્દ્ર દેસાઈ (બુલબુલભાઈ)ના નાના પુત્ર. સુકેતુ દેસાઈને જોઈને પહેલી છાપ એમ જ પડે કે તે ફિલ્મના અભિનય સાથે સંકળાયેલા રહ્યા હશે. અસાધારણ લંબાઈ, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને શાલીન રીતભાત. આ કારણે જ તેમની ઈચ્છા જે તે સમયે ફિલ્મક્ષેત્રે જવાની હતી. એકાદ બે નિર્માતાઓ સાથે વાત પણ ચાલેલી. યોગાનુયોગ એવો થયો કે જે નિર્માતા સાથે વાત સહેજ આગળ વધે કે એ નિર્માતાનું અવસાન થઈ જાય. એ સમયે પડદા પર ખલનાયકી કરતા પ્રાણસાહેબે સુકેતુ દેસાઈને નાયકની નહીં, પણ ખલનાયક તરીકેની કારકિર્દી માટે સૂચન કરેલું, જેથી એ કારકિર્દી લાંબી ચાલી શકે. જો કે, એ કશું ન બની શક્યું. આખરે બાંદરામાં પોતાનાંં બે થિયેટર સંભાળવામાં તે પરોવાયેલા. સુકેતુ દેસાઈએ એ સમયે પડાવેલી તસવીર બતાવીને મને કહેલું, 'The coming Kumar તરીકે મારા નામની પબ્લિસિટી કરવાની હતી.' મેં તત્ક્ષણ જવાબ વાળતાં કહ્યું, 'The coming Kumar who never came.' આવી મજાકને તેમણે ખેલદિલીપૂર્વક સ્વીકારીને કહ્યું, 'ધેટ્સ ટ્રુ.'

સુકેતુ દેસાઈ: ધ કમિંગ કુમાર 

'સાગર મુવીટોન' પુસ્તકનું આલેખન નક્કી કર્યું એ પછી લગભગ એમ ગોઠવાતું કે દર અઠવાડિયે ઓછામાં ઓછું એક વાર મારે અમદાવાદ જવાનું થતું. મિત્ર ચંદ્રશેખર વૈદ્ય પણ લગભગ હોય જ. સુકેતુ-દક્ષા દેસાઈ અને મારી વચ્ચે આ પુસ્તક બાબતે ગોરકર્મ કરાવવામાં તેઓ નિમિત્ત બનેલા. એ મુલાકાતો ઉપરાંત બે-ત્રણ વાર મુંબઈ, સુરત-ભરૂચ પણ અમે સાથે ગયેલા. મુંબઈ જઈએ એટલે કાયમી તકલીફ તેમના 'માપ'ની ટેક્સી શોધવાની રહેતી. બાંદરા સ્ટેશનના પ્રિપેઈડ ટેક્સીસ્ટેન્ડ પર અમે ટિકીટ લઈને ઊભા રહીએ, અને મોટા ભાગના બધા મુસાફરોને ટેક્સી મળી જાય એ પછી અમારો વારો આવતો, કેમ કે, સુકેતુભાઈની લંબાઈ એટલી કે સાદી ફિયાટમાં તે સમાઈ ન શકે. આથી મોટે ભાગે મારુતિ વાનની રાહ જોઈને ઊભા રહેવું પડે. મુંબઈના રોકાણ દરમિયાન તે મોટે ભાગે નેપિયન સી રોડ પર ઊતરતા, અને હું પેડર રોડ પર. આથી મોટે ભાગે એવો ક્રમ રહેતો કે તે પોતાને ત્યાંથી નીકળીને રસ્તામાંથી મને ફોન કરે અને હું પેડર રોડ પરથી તેમની સાથે જોડાઈ જાઉં.
સુકેતુ દેસાઈ અને દક્ષા દેસાઈ, પુત્રી ઋતુજા સાથે 
સુકેતુ દેસાઈની બોલવાની શૈલી એવી કે તેમને ઓળખતા ન હોય એને એમ લાગે કે તે સામાવાળાને ધમકાવે છે યા અપમાનિત કરે છે. એ એમના અવાજની લાક્ષણિકતા હતી એટલું જ.
'સાગર મુવીટોન'ના કામ વખતે અસંખ્ય વખત એવું બન્યું કે મારે તેમના દ્વારા રજૂ કરાતી હકીકતોને પડકારવાની આવી હોય. વરસોથી કુટુંબમાં ચાલી આવતી વાતોને મારા જેવો, તેમના પરિવાર માટે નવોસવો માણસ પડકારે એટલે સુકેતુ દેસાઈ પહેલાં તો વિરોધ કરે. પછી હું કહું, 'પુરાવો બતાવું તો તમે માનશો?' એટલે હસીને કહે, 'માનવું જ પડશે ને! છૂટકો છે?' અને ખરેખર, એ પછી નિખાલસતાથી એ સચ્ચાઈ સ્વીકારે. પુસ્તકના આલેખન વખતે પણ તેમણે કહેલું, 'તને જે સાચું લાગે એ જ લખજે.' આ સ્વીકાર બહુ અઘરો હોય છે.
'સાગર મુવીટોન' પુસ્તકના વિમોચન વખતે
જૂના પાડોશી આમીર ખાન સાથે
સંજોગોની થપાટ તેમના પરિવારે બહુ ખાવી પડેલી. 1991માં તેઓ સપરિવાર અમેરિકા જઈ વસ્યાં, અને અઢારેક વરસ પછી પાછા ભારત આવીને સ્થાયી થયા. એ પછી દક્ષાબહેને પુસ્તકનું કામ કરાવવાનો વિચાર કરેલો.
સ્વાસ્થ્યને લઈને તેમને અનેક સમસ્યાઓ રહેતી. પુસ્તકનું કામ પૂરું થયા પછી સંપર્ક ઓછો થાય એ સ્વાભાવિક છે, પણ તે વડોદરા આવે ત્યારે અચૂક ફોન કરતા. યા વચ્ચે કોઈ વાર મન થાય તો પણ ફોન કરતા. આ એપ્રિલમાં દક્ષાબેનનું અવસાન થયું એ પછી તેમની સાથે થયેલી ફોન પરની વાતચીત છેલ્લી બની રહી.
સુકેતુભાઈ પથારીવશ રહેતા હતા. દક્ષાબેનની વિદાય પછી આઠેક મહિનામાં તેમણે પણ વિદાય લીધી. 4 ડિસેમ્બર, 2020ની સાંજે તેમણે શ્વાસ મૂક્યો હોવાના સમાચાર ચંદ્રશેખરભાઈ વૈદ્ય દ્વારા મળ્યા. તેઓ 80 વર્ષના હતા.

'સાગર મુવીટોન' અને 'સાગર' પરિવારના એક પ્રકરણનું આમ સમાપન થયું. અમેરિકાનિવાસ પછી તેઓ ભારતમાં ગમે એ કારણોસર સ્થાયી થવા આવ્યા હોય, 'સાગર મુવીટોન' પુસ્તકનું અવતરણ તેમનું અવતારકાર્ય બની રહ્યું. સિનેમા અને ઈતિહાસના પ્રેમીઓ તેમની આ ચેષ્ટા બદલ તેમના ઋણી રહેશે.

Sunday, December 4, 2022

પ્રોફેસર આત્મારામ અને સેલ્ફ ડિપેન્‍ડન્‍સ સર્વિસ


કેટલીક વ્યક્તિઓ અને તેમને જીવનમાં સતાવ્યા કરતી કેટલીક સમસ્યાઓ:

- પોતાની કુંડળીના ગ્રહો વાંકા છે, અને જ્યોતિષીઓએ જે ભાખ્યું એનાથી સાવ ઊલટું જ થયું. આથી લગ્ગુ શેઠ કોઈકની કુંડળી 'વેચાતી' લઈને પોતાના નામે કરાવવા નીકળ્યા છે.
- સુખદેવ કાટપીટીયાની ઘરરખ્ખુ પત્ની મધુ સામે એક જ ફરિયાદ છે કે એ પોતાના પૂર્વ પ્રેમી લાખેન્દ્ર જીનગરને ભૂલી શકતી નથી.
- ટાન્ઝાનિયાથી આવેલો એક અતિ ધનવાન નબીરો પોતે ઉતરેલો એ હોટેલની રિસેપ્શનિસ્ટ કોમલ મીઠાણીની 'સેવા' માંગે છે, પણ એ ન મળતાં એ બરાબર ધૂંધવાય છે.
- એક કૉલ સેન્ટરમાં કામ કરતા કલ્યાણસિંહ શાર્દૂલસિંહ શેખાવત નોકરીના ભાગરૂપે પોતાને સાંભળવા મળતી ગાળોથી પરેશાન થઈ ગયા છે.
- આર્થિક ગોટાળો કરેલા એક માણસની કપિલ સૂબા હત્યા કરવા ઈચ્છે છે.
- બીજા તબક્કાના બ્રેસ્ટ કેન્સરના નિદાનવાળી એક સ્ત્રી જીવનથી હારી ગઈ છે.
આવા બીજા પણ અનેક લોકો છે અને તેમની પોતીકી, તીવ્ર સમસ્યાઓ છે. આ સૌને પોતાની સમસ્યાનો ઊકેલ એક જ વ્યક્તિમાં દેખાય છે. એ છે 'સેલ્ફ ડિપેન્ડન્સ સર્વિસ'વાળા પ્રોફેસર આત્મારામ.
પ્રોફેસર આત્મારામ છે કોણ? મોટીવેશનલ થીન્કર કે સ્પીકર? લાઈફ કન્સલ્ટન્ટ? ચિંતક? આમાંનું કશું જ નહીં. આમ તો એ સામાન્ય, અને અમુક વાર તો અતિ સામાન્ય જણ લાગે, પણ એ મનોવિજ્ઞાનના ઊંડા અભ્યાસી છે. મનુષ્યના મનના પેટાળમાં કયા પ્રવાહો ચાલી રહ્યા છે એનો તાગ તેઓ લઈ શકે છે, પોતે કોઈ જાણકાર હોવાની ભૂમિકા રચ્યા વિના!
સમસ્યા લઈને આવનાર વ્યક્તિને પૂરેપૂરા જોશથી, તેની 'હા'માં 'હા' મિલાવીને તેઓ તેને સમર્થન આપે છે, અને ધીમે ધીમે એ રીતે તેના વિચારને પલટાવીને તેની સમસ્યાને ઊકેલી આપે છે કે એ વ્યક્તિને એમ જ થાય કે સમસ્યા પણ પોતે જ ઊકેલી છે, પ્રોફેસરે નહીં!
પ્રોફેસરની કન્સલ્ટિંગ ફી કશી નથી. ક્યારેક તો એ પોતાના ખર્ચે ચા પીવડાવે છે. એમનો રસ છે માણસમાં. માણસના મનમાં.
પ્રોફેસર આત્મારામનું આ પાત્ર વાસ્તવમાં રજનીકુમાર પંડ્યાએ સર્જેલું છે. જીવનલક્ષી હોવા છતાં એ કેવળ કિસ્સા કે બોધદાયક લખાણ બની રહેવાને બદલે નકરી વાર્તા છે. એમાં રમૂજનો આંતરપ્રવાહ છે, રસપ્રદ સંવાદો છે, ચિત્રાત્મક વર્ણન છે, અને આ બધા ઉપરાંત એ પૂરેપૂરી વાર્તા છે. રજનીકુમાર જેમને પોતાના (વાર્તાલેખનના) ગુરુ માનતા એવા (હવે સ્વ.) મહમ્મદ માંકડે રજનીકુમારને લખેલું, 'તમે તમારાં પાત્રોને ઊભાં ને ઊભાં ચીરી નાંખો છો!' પોતાનાં પાત્રોનાં મનના અતળ ઊંડાણને તાગીને વાચકો સમક્ષ મૂકવું રજનીકુમાર માટે સહજ છે.
પ્રોફેસર આત્મારામવાળી વાર્તાઓ લખાતી હતી ત્યારે જ એવી ઈચ્છા હતી કે એનો અલગ સંગ્રહ થવો જોઈએ. આનંદની વાત છે કે તાજેતરમાં 'ઝેન ઓપસ' દ્વારા પ્રકાશિત, રજનીકુમારની હાસ્યવાર્તાઓના સંગ્રહ 'તીરછી નજર'માં 19 હાસ્યવાર્તાઓની સાથોસાથ, 'આત્મારામની અદાલતમાં' નામના અલગ વિભાગ હેઠળ આવી 14 વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 'આત્માની અદાલત' રજનીકુમારના એક વાર્તાસંગ્રહનું નામ છે. (જે પણ શીઘ્રપ્રકાશ્ય છે.)
પ્રોફેસર આત્મારામની વાર્તાઓ વાંચતાં વાંચતાં પહેલો ભાવ રમૂજનો આવે, ધીમે ધીમે તેની ગંભીરતા મનમાં બેસે, અને એની સાથે તેમાંથી ઉપસતા મનોભાવ તેમજ વાર્તાતત્ત્વ એ રીતે ઉઘડે કે અજવાળું અજવાળું થઈ જાય! એવો પણ સવાલ થાય કે પ્રોફેસર આત્મારામ એના સર્જક રજનીકુમારની પ્રતિચ્છાયા તો નહીં હોય ને!

Sunday, November 27, 2022

આત્મીયતાનો રુટ: અમદાવાદ-નડિયાદ-ભરૂચ વાયા મહેમદાવાદ

 "આ બેન્જો તેં કેટલામાં ખરીદેલો?"

"આઠ-સાડા આઠ હજાર હશે."
"પૈસા તેં એકલાએ કાઢ્યા?"
(ચહેરા પર મૂંઝવણના ભાવ)
આ સવાલ પૂછનાર હું એટલે કે બીરેન, અને સવાલ જેને ઉદ્દેશીને પૂછાયેલો એ હતો 'વીકી' ઉર્ફે યજુવેન્દ્રસિંહ ગોહિલ નામનો જુવાનિયો.
'આવો તે કંઈ સવાલ હોતો હશે?' એમ બિચારા વીકીને થયું હશે, કેમ કે, વાદ્ય પોતે ખરીદેલું હોય તો એના પૈસા પોતે જ કાઢ્યા હોય ને!
એની મૂંઝવણ જોઈને મને મજા આવી. એ પછી મેં એને કહ્યું, 'તારા બાપાએ અને મેં 1982-83માં એક બેન્જો ખરીદેલો. એની કિંમત હતી 45/- રૂપિયા. અને અમે બેય જણે એ 'ભાગ'માં ખરીદેલો. તારા બાપાએ 25/ રૂ. કાઢેલા, અને મેં 20/. એ શરત કરેલી કે એ પછી જે એ બેન્જો રાખશે એણે પોતાના ભાગના પૈસા ચૂકવી દેવાના. એ બેન્જો હાલ મારી પાસે છે, અમે એ વગાડીએ છીએ, પણ ચાલીસ વરસ થયા છતાં હજી મેં તારા બાપાને મારા ભાગના 20/ રૂ. ચૂકવ્યા નથી. હવે તેં સીધો આઠ-નવ હજારનો બેન્જો ખરીદ્યો એટલે મારે પૂછવું તો પડે ને!'
વીકીના મનમાં આખું ગણિત ધીમે ધીમે ગોઠવાયું, અને અજવાળું થતું ગયું. એને કદાચ નવાઈ પણ લાગી હશે કે પોતાના બાપા વળી કોઈની સાથે આવી તુચ્છ ચીજ બાબતે ભાગીદારી કરે?
વીકીના એ બાપા એટલે મારો કૉલેજકાળનો મિત્ર દેવેનદ્રસિંહ ગોહિલ, જેનો 26 નવેમ્બરના રોજ જન્મદિવસ છે.
દેવેન્દ્ર સાથેની મૈત્રી આજકાલ કરતાં ચાર દાયકાને આંબી ગઈ છે. નડિયાદ ડી.ડી.આઈ.ટી.માં અમે ડિપ્લોમા ઈન કેમિકલ એન્જિ.માં પહેલા વરસથી સાથે હતા, અને છેક ત્રીજા વરસ સુધી સાથે રહ્યા. એ અમદાવાદથી ટ્રેનમાં અપ-ડાઉન કરતો અને હું મહેમદાવાદથી, એટલે લગભગ શરૂઆતથી જ પરિચય થઈ ગયેલો, જે ઉત્તરોત્તર ગાઢ બનતો ગયો. અમારા ક્લાસમાં અમે બે જ જણ અપડાઉન કરતા હોવાથી અમારા સહાધ્યાયીઓ અમને 'અપડાઉનીયા' તરીકે ઓળખતા. ક્યારેક અમે બન્ને વર્ગમાં કશીક ગુસપુસ કરતા હોઈએ તો બોરીકરસાહેબ અટકીને પૂછતા, 'ક્યા કુછ ટ્રેન કા ટાઈમ હૈ?'
દેવેન્દ્ર એકદમ આખાબોલો, અને અમારા વર્ગમાં બારમા ધોરણ પછી ડિપ્લોમામાં આવેલા કુલ ચાર જણા. બાકીના દસમા પછી આવેલા. એટલે સીધી જ 'જનરેશન ગૅપ' જણાય. દેવેન્દ્ર પોતાના આખાબોલાપણાથી આ ગેપને વધુ પહોળી કરી આપતો. ઔષ્ઠ્ય અને તાલવ્ય વ્યંજનોથી શરૂ થતા ચુનંદા શબ્દોનો તે 'નવી' જનરેશન આગળ છૂટથી ઉપયોગ કરતો.

એમ કરતાં પરીક્ષા આવી. સમય સવારનો. દેવેન્દ્ર બાપુનગર રહેતો. ત્યાંથી એ સાયકલ લઈને કાલુપુર સ્ટેશને આવે અને પછી ટ્રેન પકડે. અમદાવાદથી સવારના પાંચ-સવા પાંચે ઊપડતી ભોપાલ પેસેન્જર પકડવા માટે એણે પોણો કલાક-કલાક વહેલા નીકળવું પડે અને એથી વહેલા જાગી જવું પડે. આથી મેં એને મહેમદાવાદ આવી જવા કહ્યું. કેમ કે, એ ટ્રેન મહેમદાવાદ સવા છએ આવતી. દેવેન્દ્ર પરીક્ષા દરમિયાન મહેમદાવાદ રહેવા આવ્યો, અને ધીમે ધીમે દર પરીક્ષા વખતે એ ક્રમ બની ગયો. પછી તો એવું બનતું કે પરીક્ષા હોવાની જાણ થાય એટલે મારા ઘરનાં જ પૂછવા લાગે કે દેવેન્દ્ર ક્યારે આવવાનો છે! આ રીતે સતત મહેમદાવાદ રહેવાને કારણે મહેમદાવાદના અમારા વર્તુળથી પણ તે પરિચીત થયો. આવા જ એક રોકાણ દરમિયાન અમે બેન્જો ખરીદવાનું વિચાર્યું અને એ વિચારને અમલમાં મૂક્યો.
કૉલેજકાળની અને તેના મહેમદાવાદનિવાસની અનેક સુખદ સ્મૃતિઓ મનમાં સંઘરાયેલી છે. એ વખતે ઉર્વીશ નવમા ધોરણમાં હતો. દેવેન્દ્રે અને મેં નક્કી કરેલું કે ગમે એ થાય, ફાઈનલ વર્ષમાં ફર્સ્ટ ક્લાસ લાવવો જ. કેમ કે, અમારી નોકરી એના પર આધારિત હતી. આથી અમે બન્નેએ રીતસર ગોખણપટ્ટી ચાલુ કરેલી. અમે લાંબા લાંબા સવાલ લખી લખીને મોઢે કરીએ અને પછી ઉર્વીશને કહીએ કે એ સવાલ પૂછે અને અમે એનો જવાબ મોઢે બોલીએ. અમારા બોલવામાં એકાદ શબ્દની ભૂલ આવે એટલે ઉર્વીશ અટકાવીને કહે કે આ ખોટું છે. અમે કહીએ કે એકાદ શબ્દ આગળપાછળ ચાલે. આમ, ઉર્વીશની પ્રમાણમાં કુમળી વયે અમે એને કેમિકલ એન્જિનિયરીંગના અઘરા અઘરા જવાબોનું શ્રવણ કરાવ્યું છે.
કૉલેજકાળમાં અમે સાથે જ ટ્રેનમાં અપડાઉન કર્યું અને અમુક ફિલ્મો પણ સાથે જોઈ. એ પછી નોકરીની વાત આવી. તેણે ભરૂચ ખાતે જી.એન.એફ.સી.માં નોકરી સ્વીકારી, અને મેં વડોદરાના આઈ.પી.સી.એલ.માં. આમ, અમે વિખૂટા પડ્યા પણ અમારો સંપર્ક ચાલુ રહ્યો. અમારો પત્રવ્યવહાર નિયમીતપણે ચાલતો.
કૉલેજમાંથી સીધા જ એક વિશાળ સંકુલમાં આવી જવાથી જે અસુખ અનુભવાય એ અમને બન્નેને એ અરસામાં અનુભવાતું, જેનો ઉલ્લેખ પત્રોમાં થતો. તે જી.એન.એફ.સી.ની ટાઉનશીપના ક્વાર્ટરમાં રહેતો ત્યારે ઘણી વાર હું એને ત્યાં એકાદ બે દિવસ રહેવા જતો. તેના પપ્પા ખુમાણસિંહકાકા અને મમ્મી બહુ પ્રેમથી મારી સાથે વાતો કરતાં.
એ પછી તેનું લગ્ન અમદાવાદસ્થિત કાનન વાઘેલા સાથે થયું. એ લગ્નમાં પણ બે દિવસ મેં હાજરી આપીને અમુક હદનો કાર્યભાર સંભાળેલો. બહુ વખત પછી જાણ થઈ કે વાઘેલા પરિવાર એટલે પ્રકાશ ન. શાહનો પાડોશી. યોગાનુયોગ એવો કે વાઘેલા પરિવારે અન્યત્ર સ્થળાંતર કર્યું, અને હવે પ્રકાશભાઈએ પણ.
કાનનના આવ્યા પછી પણ અમારા પત્રવ્યવહારમાં ઓટ ન આવી. દેવેન્દ્રના પત્રમાં હવે કાનન પણ અલગથી લખતી થઈ. કાનનના આવ્યા પછી મારું ભરુચ રહેવા જવાનું ચાલુ રહ્યું અને એ પણ જૂની પરિચીત હોય એમ લાગતું.
સમયાંતરે વડીલો વિદાય લેતા ગયા અને પરિવારમાં નવા સભ્યોનો ઉમેરો થતો ગયો. પત્રવ્યવહાર ક્ષીણ થતો ગયો, અને છેવટે સદંતર બંધ થયો, પણ આત્મીયતામાં કશો ફેર ન પડ્યો.
દેવેન્દ્રને ત્યાં પહેલાં હું એકલો જતો, પછી કામિની સાથે જતો, અને શચિને લઈને પણ જતો થયો, એમ તેને ત્યાં પણ પહેલાં યજુવેન્દ્ર અને પછી ભૃગુરાજનું આગમન થયું. પણ અમને એ અમારું જ ઘર હોય એમ લાગે છે.
એક વિશેષ પ્રસંગે દેવેન્દ્રની હાજરી હજી યાદ રહી ગઈ છે. ઉર્વીશનું લગ્ન હતું, અને પરિવારના (ઉર્વીશ સહિત) સાત જણ જ 'જાન' લઈને ઉપડવાના હતા. લગ્નની જાણ કરતું પોસ્ટકાર્ડ અમે સૌને મોકલેલું. એમાં દેવેન્દ્રને એ સહેજ વહેલું મળી ગયું. એ સીધો બેઠો ગુજરાત ક્વીનમાં અને સવારના સાડા નવે અમારે ઘેર મહેમદાવાદ. આવીને કહે, 'અલ્યા, મારે તો આવવું જ પડે.' અમેય અપવાદ કરીને એને સામેલ કર્યો અને આમ, ઉર્વીશના લગ્નનો એક માત્ર 'બહારનો સાક્ષી' દેવેન્દ્ર બની રહ્યો.
એ જ રીતે દેવેન્દ્રને ત્યાં ગમે એ પ્રસંગ હોય, મારી ઉપસ્થિતિ મોટે ભાગે હોય જ. ભરૂચમાં તેનું આગવું મિત્રવર્તુળ છે, જેની સાથે મળીને એ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, અને હિમાલયના પ્રવાસે પણ ઉપડે છે. મને એમ ધારવું ગમે છે કે એના બધા જ મિત્રો મને નામથી ઓળખે છે. કલ્પના તો ત્યાં સુધી પહોંચે છે કે એમાંના કેટલાક તો મારું નામ સાંભળતાં મુઠ્ઠીઓ વાળતા હશે, અને મનમાં કહેતા હશે, 'આ બાપુએ પાછું બીરેનપુરાણ શરૂ કરી દીધું.'
હવે ફોન પર સંપર્ક થાય છે, પણ ફોનમાં પત્ર જેવી મજા ક્યાં? આમ છતાં, વચ્ચે ગમે એટલો અંતરાલ પડે, જ્યારે મળીએ ત્યારે અમારી મૈત્રીની ઉષ્મા એવી ને એવી જ હોવાનું અનુભવાય છે. અને એ માત્ર દેવેન્દ્ર અને મારી વચ્ચે જ નહીં, સમગ્ર પરિવારને!
હવે તો મારા 'આદિકાળના' કહી શકાય એવા આ મિત્રને જન્મદિવસની શુભેચ્છાઓ.

Sunday, October 30, 2022

લપડાકનો બદલો આવો?

 આપણા જીવનની સફરમાં કેટકેટલા સહપ્રવાસીઓ આપણને મળતા રહે છે. કોઈ ટૂંકા સમય માટે કે કોઈ લાંબા સમય માટે અમુક પંથ સાથે કાપે અને પછી કાળના પ્રવાહમાં સહજપણે વિખૂટા પડે છે. વરસો પછી તેમના વિશે કશુંક જાણીએ, સાંભળીએ કે તેમને મળવાનું બને ત્યારે મીઠો રોમાંચ થતો હોય છે. ક્યારેક એમ ન પણ બને.

અમારા છઠ્ઠા ધોરણના વર્ગમાં એક છોકરો નવો આવેલો. બહુ નહીં, પણ સહેજ માંજરી આંખો, લંબચોરસ ચહેરાની સરખામણીએ એના હોઠ સહેજ જાડા અને પક્ષીની ચાંચની જેમ આગળ ઊપસેલા. નવા વિદ્યાર્થીનાં લક્ષણ પણ આવતાંવેંત પરખાઈ જાય, એમ બહુ ઝડપથી એની દોસ્તી અમુક તોફાની વિદ્યાર્થી સાથે થઈ ગઈ. થોડા પરિચયે ખબર પડી કે અમારી સોનાવાલા હાઈસ્કૂલથી સાવ નજીક, પાંચેક મિનીટના પગપાળા અંતરે, બગીચાની સામે આવેલી 'ગાર્ડની ચાલી'માં તે રહેતો હતો, જે 'ગ્યાડની ચાલી'ના નામે ઓળખાતી હતી. તેના પપ્પા રેલ્વેમાં નોકરી કરતા હતા. તેનાથી મોટા બે-એક ભાઈઓ હતા, અને એ ભાઈઓએ પણ આ જ શાળામાં પ્રવેશ લીધો હતો. એનું નામ હતું દીપક ભગવતપ્રસાદ દવે. જો કે, આવાં અઘરાં નામ બોલવાં કોઈને ફાવે નહીં, એટલે બહુ ઝડપથી એ 'દીપ્કા' તરીકે ઓળખાવા લાગ્યો. પણ નામમાં હજી કંઈક ખૂટતું હોય એમ સૌને લાગતું હતું. તેની પૂર્તિ થોડા સમયમાં થઈ ગઈ. પી.ટી.ના પિરીયડમાં અમે સૌ લંગડી રમતા ત્યારે દીપ્કાની દોડવાની સ્ટાઈલ બધાથી અલગ પડતી. અમસ્તો પણ એ તોફાની ગણાતો, એટલે એનું નામ પડી ગયું 'દીપ્કો બંદર'. આઠમા ધોરણમાં અમે આવ્યા ત્યારે અમારા પ્રિય શિક્ષક એવા મગનભાઈ પટેલે વળી એક નવું નામ એને આપ્યું. મગનભાઈને અમુક હોંશિયાર વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ લગાવ હતો, તેમ અમુક તોફાની વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ભાવ હતો. જેમ કે, અમારા મુકલા (મુકેશ પટેલ) માટે તેમને એ હદે ભાવ કે એમના વર્ગમાં મુકલો રીતસર ઊંઘે તો પણ મગનભાઈ સાહેબ એને કંઈ ન કહે અને ઊપરથી કહે, 'જુઓ ને, મારો બેટો મઠિયો (મુકાનું એમણે આપેલું નામ) કેવો ઊંઘે છે!' મગનભાઈ સાહેબ એમની કડકાઈ માટે જાણીતા. ગણિત અને રસાયણવિજ્ઞાન તેઓ ભણાવતા. કોઈને કંઈ ન આવડે એટલે મગનભાઈ સાહેબ રીતસર તેના પર તૂટી પડતા. આમ છતાં, તેઓ આવા વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી પણ રાખતા. તેમણે 'દીપ્કા'નું નામકરણ કર્યું 'મિસ્ટર જમ્બુ'.

એ સમયે 'મોનીટર'ની પ્રથા ચલણી હતી. ઘણી વાર તો જે તે તાસ માટે હંગામી ધોરણે મોનીટર નીમવામાં આવતો. એ રીતે એક વાર મને મોનીટર નીમવામાં આવ્યો, સાથે સત્તા પણ આપવામાં આવી કે જે કોઈ 'અવાજ કરે' એને એક લગાવી દેવી. બીજી ચિંતા કરવી નહીં. કયા શિક્ષકે મને નીમેલો એ અત્યારે યાદ આવતું નથી, પણ મારા હવાલે વર્ગને મૂકવામાં આવ્યો. મેં જોયું કે દીપ્કો અને એના મિત્રો પાછલી બેન્ચ પર બેઠા બેઠા અકારણ હસ્યા કરતા હતા. મેં એમને અવાજ કરવાની ના પાડી. પણ પ્રતિબંધ મૂકાતાં તેમનું હાસ્ય ઓર વિફર્યું. તેઓ હોઠ દાબીને હસવા જાય અને એ રીતે અવાજ આવે. મને મળેલી સત્તાનો મેં ઊપયોગ કરવા ધાર્યો, અને ત્યાં જઈને દીપ્કાને ગાલે ટપલી લગાવવાની ચેષ્ટા કરી. પણ સત્તાના આવેશમાં એ ટપલી તમાચો બનીને દીપ્કાને ગાલે પહોંચી. ગાલ પર હથેળી પડ્યાનો અવાજ આવ્યો, અને સહુ ચોંકી ઊઠ્યા. દીપ્કો હસવાનું ભૂલીને હવે રડવા લાગ્યો. તેને કેમ છાનો રાખવો એ મારી સત્તામાં આવતું ન હોવાથી મને આવડતું ન હતું. પણ પછી વર્ગમાં શાંતિ છવાઈ ગઈ.

પછી રિસેસમાં દીપ્કાને મળીને મેં સમજાવવા પ્રયત્ન કર્યો હશે. મને હવે બીક એ પેસી ગઈ કે દીપ્કાના બન્ને મોટા ભાઈઓ આ જ શાળામાં ભણે છે. દીપ્કો એમને વાત કરે અને એ બન્ને આવે તો? એકાદ વાર રિસેસમાં દીપ્કાને મેં એના મોટાભાઈ સાથે વાત કરતો જોયો. હું વર્ગમાં જ હતો. બન્ને ભાઈઓ ચાલતા ચાલતા અમારા વર્ગ તરફ આવતા હતા. મને થયું કે હવે મારું આવી બનવાનું! પણ પછી તેનો ભાઈ બીજી તરફ ફંટાઈ ગયો અને મને હાશ થઈ. એ સાથે જ ખાત્રી પણ થઈ કે દીપ્કાએ એના ભાઈને પેલી વાત કરી નથી.

વિજ્ઞાનપ્રવાહના વિષયોને કારણે અમે ઘણા સહાધ્યાયીઓ ચાર-પાંચ વરસ સાથે રહ્યા પછી વિખૂટા પડ્યા. એ પછી ઘણા વખત સુધી ગામમાં ને ગામમાં જ રહેવાનું થયું હોવાથી મોટા ભાગનાઓને મળવાનું પણ બનતું રહેતું. વચગાળાનો દોઢ-બે દાયકો એવી વીત્યો કે જેમાં સંસારજીવન અને કારકિર્દીમાં વ્યસ્ત થઈ જવાયું. એવે સમયે બહુ જ નજીકના મિત્રો હતા એમની સાથે જ સંપર્ક ચાલુ રહ્યો. આ નજીકના મિત્રોમાંના અમે મોટા ભાગના બીજા કે ત્રીજા ધોરણથી સાથે છીએ. હવે અમારી મૈત્રી વ્યક્તિગત મટીને પારિવારિક બની ગઈ છે, અને હવે અમે ઈચ્છીએ તો પણ એને તોડી શકીએ એમ નથી. આવો જ એક મિત્ર અજય પરીખ છે, જેનો મહેમદાવાદ સાથેનો જીવંત વ્યવહાર છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ મારી સવાર એના ફોનથી પડે એમ બનતું હોય છે. કોઈ પણ જૂની ઘટનામાં આનુષંગિક સંદર્ભ માટેનો મારો સૌથી હાથવગો સ્રોત એ છે. તેનો વ્યવસાય મહેમદાવાદમાં જ હોવાથી તે અમારા ઘણા સહાધ્યાયીઓના સંપર્કમાં છે, અથવા તો તેમના વિશે જાણકારી ધરાવે છે, તેમજ અવારનવાર અપડેટ પણ આપતો રહે છે.

30 ઑક્ટોબર, 2018ની સવારે જ તેનો ફોન આવ્યો, અને કહે, 'દીપક દવેને ઓળખું ને?' મેં કહ્યું, 'દીપક ભગવતપ્રસાદ દવે? શું છે એનું? તને હમણાં મળ્યો કે શું?' અજયે કહ્યું: 'એ ગુજરી ગયો. આજે પાંચ-છ દિવસ થયા. તે મુંબઈ રહેતો હતો.'

વચ્ચેના દોઢ-બે દાયકા હું દીપ્કાને સાવ વીસરી ગયેલો. તે ક્યાં છે, શું કરે છે એ જાણવાની તસ્દી લીધી નહોતી. મારા મનમાં હજી એ જ આઠમા-નવમામાં અમારી સાથે ભણતા દીપ્કાની છબિ સચવાયેલી છે. બીજો પણ એક દીપ્કો આ સાથે યાદ આવે છે, જેને 'દીપ્કો માંજરો' કહેતા. આ દીપ્કાઓ જંપીને બેસતા નથી, અને એક વાર યાદ આવે એટલે આપણને જંપવા દેતા નથી.

Saturday, October 29, 2022

દર્શનથી અર્પણ સુધી

 હજી ગયા સપ્તાહે જ, ઝેન ઓપસ દ્વારા પ્રકાશિત, રજનીકુમાર પંડ્યાએ લખેલું પુસ્તક 'ફિલ્માકાશ' પ્રકાશિત થયું. ઘણાં વરસોથી પ્રતિક્ષીત એવું આ પુસ્તક દોઢેક દાયકા પછી પ્રકાશિત થયું એ ઘણા આનંદની વાત છે, પણ એ પુસ્તક ઉઘાડતાં જ મને એક હળવો રોમાંચ થઈ આવ્યો. એ રોમાંચનું કારણ જાણવા માટે ત્રણ- સવા ત્રણ દાયકા પાછા જવું પડે એમ છે.

1988-89 ના અરસામાં, એટલે કે મારી 23-24ની અને ઉર્વીશની 16-17ની વયે એક નવા શોખનો આરંભ થયેલો. વાંચન તરફ બે-ત્રણ વરસથી આકર્ષાયેલા, પણ હવે અમને થયું કે આટલું પૂરતું નથી. ગમતા કે ન ગમતા લેખકોને પત્ર લખીને આપણી લાગણી એમને પહોંચાડવી જોઈએ. એ ક્રમમાં પહેલવહેલો પત્ર પ્રિયકાન્ત પરીખને લખેલો, અને એમના પછીનો પત્ર રજનીકુમાર પંડ્યાને લખ્યો.

મહેમદાવાદ જેવા નાનકડા નગરના બે સાવ અજાણ્યા, લબરમૂછિયા વાચકોને રજનીકુમારે અતિશય સૌજ્ન્ય તેમજ પ્રેમપૂર્વક પ્રતિભાવ પાઠ્વ્યો. એ પછી તેમના અમને ગમેલા લેખો વિશે પત્રો લખવાનો સીલસીલો ચાલ્યો. આ જ અરસામાં અમને જૂનાં હિન્દી ફિલ્મસંગીત પ્રત્યે આકર્ષણ થતું ચાલેલું. એ વખતે એસ.ડી.બર્મન અને ઓ.પી.નય્યરે સંગીતબદ્ધ કરેલાં ગીતો એની શૈલી પરથી ઓળખી શકાય એ રીતે કર્ણેન્દ્રીય વિકસી રહી હતી. આથી અમે એસ.ડી. બર્મન દ્વારા સંગીતબદ્ધ ફિલ્મોની યાદી બનાવવાનું શરૂ કર્યું. યાદી કેમ? ભવિષ્યમાં અમે એ ફિલ્મોનાંં તમામે તમામ ગીતો વસાવી શકીએ એટલા માટે. આ યાદી 52 ફિલ્મોએ પહોંચેલી. એ અરસામાં ગુજરાતી 'ટાઈમ્સ ઑફ ઈન્ડીયા'માં રજનીકુમારની 'ગુંજન' નામની કટાર આવતી હતી, જેમાં તેઓ કોઈ એક ગીતનો આસ્વાદ કરાવતા અને તેની વિગતો આપતા. આ કટારમાં તેમણે એક વાર 'બંદિની'ના ગીત 'ઓ રે માઝી' વિશે લખ્યું, જેમાં તેના સંગીતકાર એસ.ડી.બર્મને કુલ 89 ફિલ્મોમાં સંગીત પીરસ્યું હોવાનું જણાવેલું. અમે તેમને પોસ્ટકાર્ડ દ્વારા પૂછાવ્યું કે અમે 52 ફિલ્મોની યાદી બનાવી શક્યા છીએ. બાકીની ફિલ્મોનાં નામ મળે? તેમનો જવાબ ન આવ્યો, પણ થોડા જ દિવસમાં અમારા સરનામે એક દળદાર એન્વેલપ આવ્યું. ખોલીને જોયું તો એમાં વિશ્વનાથ ચેટર્જીએ તૈયાર કરેલી બર્મનદાદાની તમામ ફિલ્મોગ્રાફી હતી. અમે રોમાંચિત થઈ ગયા, કેમ કે, જગતમાં આ રીતે (ફિલ્મોગ્રાફી બનાવવી અને પોતાન ખર્ચે એ મોકલવી) પણ કામ થઈ શકે છે એ અમારા માટે કલ્પનાતીત હતું.

ઉર્વીશને અને મને જૂના ફિલ્મસંગીતના મહાસાગરના કિનારેથી પહેલો ધક્કો આ રીતે રજનીકુમારે માર્યો. આગળ જતાં નલિન શાહ જેવા ગુરુ મળ્યા. આ બન્ને ગુરુઓનું રસક્ષેત્ર જૂના ફિલ્મસંગીતનું ખરું, પણ સમયગાળો અલગ અલગ. નલિન શાહ મુખ્યત્વે ત્રીસી અને ચાળીસીના દાયકાના જાણકાર, રજનીકુમારની વિશેષ રુચિ પચાસના દાયકાની. સદ્ભાગ્યે અમને બન્નેનો લાભ મળતો ગયો.


અમારા જેવા કેટલાય વાચકોના પત્રો
તેમણે આ રીતે સાચવેલા હશે.

આગળ જતાં ઉર્વીશ અને હું બન્ને લેખનના ક્ષેત્રે પ્રવેશ્યા ત્યારે સૌથી વધુ આનંદ બન્ને ગુરુઓને થયો હોય એ સ્વાભાવિક છે.

દરમિયાન રજનીકુમારનું ફિલ્મવિષયક લેખન ચાલતું રહ્યું હતું. તેમનું પુસ્તક 'આપ કી પરછાંઈયાં' આજે પણ એટલું જ પ્રિય છે, જેટલું એ પહેલી વાર વાંચેલું. તેની પ્રસ્તાવના તો એમણે હસ્તપ્રતમાંથી અમને વાંચી સંભળાવી હતી, જેનો રોમાંચ હજી અકબંધ છે.

જાન્યુઆરી, 2001 થી રજનીકુમારની 'ફિલ્માકાશ' શ્રેણીનો આરંભ 'કુમાર'માં થયો. તેનો મૂળ ઉદ્દેશ્ય 1931થી 1941ના- એટલે કે હિન્દી બોલપટના સૌ પ્રથમ દાયકાના ઈતિહાસને સળંગસૂત્રે મૂકી આપવાનો હતો. આ શ્રેણી જુલાઈ, 2007 સુધી એટલે કે સાડા છ વરસ ચાલી. એ દરમિયાન આવતા તેના અનેક પ્રતિભાવો, પૂરક વિગતો અને વાચકો તેમાં જીવંત રસ લેતા એનો હું અમુક હદે સાક્ષી રહ્યો છું. આ શ્રેણીનું સમાપન થયું એ સાથે જ તેને પુસ્તકાકારે પ્રકાશિત કરવાની માંગ ઉઠી અને આયોજન પણ એવું જ હતું. આમ છતાં, એક યા બીજા કારણોસર એ ઠેલાતું જ રહ્યું. મુંબઈના એક વાચક પ્રદ્યુમ્ન કાપડીયા કાયમ તેના વિશે પૂછપરછ કરતા. રજનીકુમારે 'વચગાળાની રાહત' તરીકે તેમને 'આપ કી પરછાંઈયાં' મોકલી આપેલું, પણ છેવટે જૂન, 2020માં તેમના પુત્ર ઉન્મેષનો સંદેશો મળ્યો કે પ્રદ્યુમ્નભાઈનું અવસાન થયું છે. તેમણે રજનીકુમારને લખેલું, 'તમારા આવનાર પુસ્તકની પપ્પા અવારનવાર પુછપરછ કરતા હતા તે છપાઈને બહાર પડે તો એનું નામ જણાવવા વિનંતી એમની યાદ માટે પણ હું એ પુસ્તક ખરીદીશ ને એમના પુસ્તકસંગ્રહમાં રાખીશ.'
આવા તો અનેક વાચકો આ પુસ્તક માટે પ્રતીક્ષામાં હતા અને હજી હશે. આખરે અમદાવાદના 'ઝેન ઓપસ' દ્વારા તેનું પ્રકાશન હાથ ધરાયું, જે હવે સૌ કોઈ માટે ઉપલબ્ધ છે.

પુસ્તક વિશેની વિગતો

આ પુસ્તકના પ્રકાશનનો રોમાંચ તો ખરો જ, પણ એમાં 'સરપ્રાઈઝ' તત્ત્વ એ છે કે આ પુસ્તક ઉર્વીશને અને મને અર્પણ કરવામાં આવ્યું છે. આમ, જે વ્યક્તિ થકી અમને જૂના ફિલ્મસંગીતના આ બ્રહ્માંડનું 'વિરાટદર્શન' પ્રાપ્ત થયું, તેમણે એ પુસ્તક અમને અર્પણ કર્યું ત્યારે જાણે કે એક આખા વર્તુળનું સમાપન થયું હોવાનો અહેસાસ થાય છે.

અર્પણપૃષ્ઠ

{પુસ્તકની વિગતો: ફિલ્માકાશ (બોલતી ફિલ્મોના આરંભ 1931થી 1941 સુધીનાં અગિયાર વર્ષની હિંદી સિનેમાની વર્ષવાર યાત્રા) લેખક: રજનીકુમાર પંડ્યા, પૃષ્ઠસંખ્યા: 356, પ્રકાશક: ઝેન ઓપસ, અમદાવાદ, કિંમત: 600/રૂ.}

Thursday, October 27, 2022

અનેકોને લખતા કરનારની વિદાય

'નેટવર્ક' ('ગુજરાત સમાચાર) થી જાણીતા થયેલા ગુણવંત છો. શાહ (અમદાવાદ)નું 27 ઑક્ટોબર, 2016ના રોજ અવસાન થયું. તેમનું ઓછું જાણીતું પ્રદાન એ કે વિનોદ ભટ્ટ અને તેમના જેવા અનેક ખ્યાતનામ લેખકોને ગુણવંતભાઈએ સાવ આરંભે બ્રેક આપીને લખતા કર્યા હતા. પોતાને બ્રેક આપવામાં ગુ.છો.શાહ કારણભૂત હોવાનો વિનોદ ભટ્ટ જાહેરમાં સ્વીકાર કરે છે. પોતાના પુસ્તકમાં પણ તેમણે આ વાત લખી છે. નહીંતર ઘણા એવા લેખકો છે, જેમને પ્લેટફોર્મ આપવામાં ગુ.છો. નિમિત્ત બન્યા હોય, તેનો એમને પોતાને ભાર ન હોય, અને છતાં આગળ જતાં આ પ્લેટફોર્મના આધારે પોતાની ખ્યાતિ થઈ જાય પછી આ લેખકો કદી ગુ.છો.નો ઉલ્લેખ સુદ્ધાં ન કરે.
વરસોથી એક જ સ્થાને તેઓ એકધાર્યું, આખું પાનું ભરીને લખતા રહ્યા. જૂના ફિલ્મસંગીતના અઠંગ ચાહક ગુ.છો.શાહની કોલમ 'નેટવર્ક' વાંચનારા કાં તેમના પ્રશંસક બની જાય, કાં આકરા ટીકાકાર. મનોરંજનની અવેજીમાં પણ ઘણા તે વાંચતા. વિવિધ આંકડાઓની પાછળ મીંડા મૂકવાની તેમની શૈલી ઉપરાંત 'કોના બાપની દીવાળી', 'ડીંડક', 'એક અફવા, કદાચ સાચી પણ હોય' જેવા પેટાવિભાગોમાં સાવ બોલચાલની શૈલીએ તેઓ લખતા.
તેમના પરિચયમાં વિનોદભાઈએ એક પુસ્તકમાં લખ્યું છે: 'જેને અંગ્રેજી વાંચતા, હિન્દી બોલતાં અને ગુજરાતી લખતાં નથી આવડતું, છતાં અત્યંત લોકપ્રિય એવા ગુણવંત છો. શાહ."
આ વાંચીને ગુ.છો.શાહે તેમની લાક્ષણિક અદામાં કહેલું, 'લ્લે!' પોતાને ખબર ન હોય એવી વાત જાણવા મળે ત્યારે 'લ્લે....!' બોલવાનો તેમનો આગવો લહેકો હતો.
તેમના વીઝીટીંગ કાર્ડમાં અંગ્રેજીમાં લખાયેલું તેમનું નામ ધ્યાનાકર્ષક છે. વડોદરાના લેખક ગુણવંત શાહના નામ સાથે તેમના નામની ભેળસેળ અને ગેરસમજ મોટા ભાગે થતી અને એમ બનતું કે તેઓ મુખ્ય મહેમાન હોય એવા સમારંભોમાં તેમના પરિચયમાં આયોજકો વડોદરાના ગુણવંત શાહના લેખોના અવતરણો ઠઠાડતા. જો કે, ગુણવંતભાઈ નિર્લેપભાવે તે માણતા.
સદ્ગતને શ્રદ્ધાંજલિ.


Tuesday, October 25, 2022

જો ભી કહના હૈ ગાકે કહીએ

 'સુલોચનાબહેન, તમારી દીકરીઓને કહી દો કે મને ચીડવે નહીં.'

સુલોચનાબહેન એટલે મારાં ફોઈ, જેમને અમદાવાદ પરણાવેલાં. શાહપુર મિલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્યારે તે રહેતાં. મહેશભાઈના ત્યારે સંઘર્ષના દિવસો. તે મોટે ભાગે ગરબાના કાર્યક્રમો કરતા. વિસ્તારની રીતે ફોઈના પાડોશી ગણાય. ફોઈની દીકરીઓ તેમને ચીડવતી હોવાથી તે મારાં ફોઈને આવી ફરિયાદ કરતા એવી વાત જાણેલી.

ફોઈને ત્યાં સમૃદ્ધિ હતી. તેમને ત્યાં એ સમયે કાર અને ડ્રાઈવર હતા. એમાં એક ડ્રાઈવર નામે મહંમદ હતો, જે હબસી હતો અને ગુજરાતી બોલતો. તેના વિશિષ્ટ દેખાવને કારણે સગાંવહાલાંઓમાં પણ તે જાણીતો બની ગયેલો. એ પણ ફોઈના ત્યાં વારેવારે આવતા સગાંને નામથી ઓળખતો. ઠીક ઠીક સમય રહ્યા પછી મહંમદ દેખાતો બંધ થયો. આથી સગાં પૂછતાં, 'મહંમદને બદલી કાઢ્યો કે શું?' ફોઈને ત્યાંથી જવાબ મળતો, 'હા. એ હવે મહેશકુમારને ત્યાં કામે લાગ્યો છે.'

એ અરસામાં મહેશ-નરેશ એન્ડ પાર્ટીનું નામ ઘણું જાણીતું બનવા લાગેલું. અખબારોમાં તેની જાહેરખબર આવતી. 'સાથે જૉની જુનિયર' લખેલું રહેતું. જો કે, અમારા માટે એ પાર્ટી જોવા જવું મુશ્કેલ હતું. મોટે ભાગે અમદાવાદમાં રાતનો શો હોય એટલે રાત્રે મોડા પાછા આવવા કોઈ ટ્રેન ન મળે. કોઈ સગાને ત્યાં રાત રોકાવું પડે. આ ઉપરાંત તેની મોંઘી ટિકિટ પણ મુખ્ય કારણ. તેને કારણે એ જોવાનું શક્ય ન બન્યું.

અલબત્ત, જોઈ ન શકાયેલી 'મહેશકુમાર એન્ડ પાર્ટી'નું અનેકગણું સાટું પછી વળી ગયું. મારા મિત્ર મયુર પટેલના લંડનસ્થિત મામા 'જે.સી.મામા' મયુરને ત્યાં એક કેસેટ મૂકી ગયેલા. આ કેસેટમાં 'મહેશકુમાર એન્ડ પાર્ટી'નો આખો પ્રોગ્રામ રેકર્ડ કરેલો હતો. અમે મિત્રો ભેગા મળીને એ સાંભળતા. વારેવારે સાંભળતા. એ કેસેટ એમાંના ગીતોના ક્રમ, ડાયલોગ અને મીમીક્રીની આઈટમો સહિત અમને સૌને મોઢે થઈ ગયેલી એમ કહું તો ખોટું નહીં. એમાંની સૌથી પ્રિય હતી બાંકેલાલની આઈટમ- 'જો ભી કહના હો, ગા કે કહીએ.'

એ અરસામાં મારા મામા અરવિંદમામા અને ગીતામામી સાથે નડિયાદના વૈશાલી સિનેમામાં 'વણઝારી વાવ' જોવા જવાનું બન્યું. તેના ટાઈટલ થકી એ ખ્યાલ આવ્યો કે મહેશ-નરેશની જોડી ફિલ્મમાં સંગીત પણ પીરસે છે, અને ફિલ્મનું નિર્માણ પણ કરે છે.

આમ છતાં, મહેશકુમારને મળવાનું બને એવી કશી શક્યતા નહોતી.


**** **** ****

ઉપેન્દ્ર ત્રિવેદીની જીવનકથાનું કામ ઘણુંખરું પૂરું થઈ ગયું હતું, પણ તેનું નિર્માણ થયું ન હતું એ અરસામાં એક સાંજે રજનીકુમાર પંડ્યાનો ફોન આવ્યો. મહેશભાઈ અને નરેશભાઈ કનોડિયા બન્ને તેમને ત્યાં મળવા આવેલા હતા. તેઓ પોતાની જીવનકથાનું આલેખન કરાવવા ઈચ્છતા હતા. એ કાર્યમાં પોતાના સહયોગી લેખે રજનીકુમારે ફોન પર નરેશભાઈ સાથે વાત કરાવીને મારો પરિચય કરાવ્યો હતો. આ બન્ને ભાઈઓની જીવનકથા આલેખવા જેવી હતી, ખાસ કરીને સંઘર્ષકથા, પણ પછી સમજાયું કે તેમના મનમાં પુસ્તક અંગે જુદો ખ્યાલ હતો. આથી એ કામ પછી આગળ ન વધ્યું. અલબત્ત, બીજા એક સજ્જને એ પુસ્તક કર્યું ખરું.
મહેશકુમારનું આ હતું મારું 'દૂરદર્શન'.
ઘણા ખરા કલાકારો સાથે એવી અંગતતા સાધવી અઘરી હોય છે, છતાં દૂર રહ્યે રહ્યે એક જાતનો પરિચયભાવ, આત્મીયભાવ અનુભવાતો હોય છે. મહેશ-નરેશની ફિલ્મો ગમે કે ન ગમે, તેમનો પરિચય જાણે કે તેમના સંઘર્ષકાળથી હોય એવું મને લાગતું રહ્યું છે.
મહેશકુમાર તો ગયા, તેમની સંઘર્ષકથાનો હજી ઈંતેજાર છે.

(મહેશ કનોડિયાનું 25 ઑક્ટોબર, 2020ના રોજ અવસાન થયું. એ પછી બે જ દિવસમાં, 27 ઑક્ટોબર, 2020ના દિવસે તેમના ભાઈ નરેશ કનોડિયાનું અવસાન થયું.)

Monday, September 5, 2022

વાચક તરીકે મળ્યાં, વિશેષ બની રહ્યાં

(આલેખન: બીરેન કોઠારી) 

આજે રંજનબહેન શાહનો જન્મદિવસ છે. 

તેમની સાથેનો પરિચય પ્રમાણમાં ઘણો નવો- સાત-આઠ વરસ જેટલો, પણ એવો સઘન છે કે તેઓ મને બાળપણથી ઓળખતાં હોય એમ લાગે. અલબત્ત, એમ લાગવાનું ચોક્કસ કારણ છે, જેની વાત આગળ ઉપર. એ પરિચય શી રીતે થયો અને પછી કેટલી ઝડપથી આત્મીયતામાં પરિણમ્યો એ યાદ કરવાનો અમને બન્નેને હજી રોમાંચ થાય છે. 

રંજનમાસી 

આઠેક વરસ અગાઉ મારા પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે પોતાની ઓળખ 'રંજનબહેન શાહ' તરીકે આપી. તેમણે મારા પુસ્તક 'સાગર મુવીટોન' વિશે પૂછપરછ કરી અને એ મંગાવવાની ઈચ્છા વ્યક્ત કરી. રજનીકુમાર પંડ્યાએ 'જન્મભૂમિ- પ્રવાસી'ની તેમની કટાર 'શબ્દવેધ'માં અને એ પછી 'ચિત્રલેખા'માં આ પુસ્તક વિશે લખ્યું હતું, જેમાં ચીમનલાલ દેસાઈ વિશેની જરૂર પૂરતી માહિતી પણ હતી. ચીમનલાલ દેસાઈ આમોદના હતા એમ તેમાં જણાવાયું હતું. લેખના અંતે પોતાની શૈલી મુજબ રજનીભાઈએ પ્રકાશકનો અને લેખક તરીકે મારો સંપર્ક નમ્બર લખ્યો હતો. ઘરેડ વાંચનપ્રેમી રંજનબહેન નવાં નવાં પુસ્તકો ખરીદવાની તક શોધતાં જ હોય એટલે એમના ધ્યાનમાં આ પુસ્તક વિશેના બબ્બે લેખ આવ્યા. પછી એ બેઠા રહે? એમણે તરત જ મને ફોન લગાવ્યો. મેં પુસ્તક મંગાવવા વિશેની જરૂરી વિગતો આપી અને તેમનો વધુ પરિચય પૂછ્યો. એટલી ખબર પડી કે તેઓ પણ વડોદરામાં જ રહે છે, અને મારા ઘરથી નજીકમાં જ છે. એ અગાઉ તેઓ મુમ્બઈ હતાં અને ઘણા વખતથી વડોદરામાં સ્થાયી છે. 'ક્યારેક મળીએ' કહીને અમે વાત પૂરી કરી. 

એ પછી તેમણે પુસ્તક મંગાવ્યું હશે અને આવી ગયું હશે એટલે એની જાણ કરવા મને ફોન કર્યો ત્યારે પણ 'ક્યારેક મળીએ'ની વાત દોહરાવાઈ. એ પછી પણ તેમનો ફોન ક્યારેક આવતો, અને અમે વાત કરતાં, પણ મળવાનો યોગ ગોઠવાતો નહોતો. 

એક વખત અમે મહેમદાવાદથી વડોદરા આવી રહ્યા હતા. રસ્તામાં હતાં અને તેમનો ફોન આવ્યો. આ વખતે તેમણે સીધું જ પૂછ્યું, 'ક્યારે મળવું છે?' મેં તરત જ કહી દીધું, 'આજે સાંજે. હું આવું છું તમારે ઘેર.' આમ, ખાસ કશા આયોજન વિના એ સાંજે એમને ઘેર જવાનું ગોઠવાઈ ગયું. 

એમને ઘેર હું અને કામિની પહોંચ્યાં. પંચોતેર-એંસીની આસપાસનાં રંજનબહેન અને તેમના પતિ ઘેર હતા. નાનકડા ફ્લેટના દીવાનખાનામાં પુસ્તકનાં ત્રણેક કબાટ અને તેમાં સુઘડ રીતે ગોઠવાયેલાં ગમતાં પુસ્તકો તેમના વાંચનપ્રેમની સાખ પૂરતા હતા. થોડી આડીઅવળી વાત થયા પછી અચાનક મેં પૂછ્યું, 'મુમ્બઈથી તમે આવ્યાં એ તો બરાબર, પણ એ પહેલાં ક્યાં હતાં? એટલે કે તમે મૂળ ક્યાંના?' એમના વતનનું નામ કદાચ મને ખબર ન પણ હોય એમ ધારીને તેમણે હળવેકથી કહ્યું, 'ડેરોલ.' મેં આગળ પૂછતાં કહ્યું, 'સ્ટેશન કે ગામ?' જાણનારા જાણતા હશે કે ડેરોલ ગામ અને સ્ટેશન વચ્ચે ખાસ્સું અંતર છે અને એ બન્ને વિસ્તાર અલગ અલગ છે. આથી તેમને લાગ્યું કે મને ડેરોલ વિશે ખબર છે. તેમણે કહ્યું, 'ડેરોલ સ્ટેશન.' સામાન્ય રીતે મને સગાંવહાલાંની વગર કામની ઓળખાણ કાઢવી ગમે નહીં, પણ આટલી પરિચીતતા જાણ્યા પછી મેં કહ્યું, 'તમે ફલાણાને ઓળખો?' બસ! એ સંવાદ પછી અમારો સંબંધ વાચક-લેખકનો મટી ગયો અને અંતરંગ સ્નેહીનો થઈ ગયો. કારણ મારા કિસ્સામાં બંધ ન બેસે એવું છે. મારું મોસાળ સાંઢાસાલ, અને મારા નાના ચંદુલાલ કેશવલાલ દેસાઈ તેમજ તેમના ભાઈઓનો  એક સમયે સાંઢાસાલમાં જ કાપડનો વ્યાપાર હતો. ડેરોલ સાથે પણ રોજિંદો કહી શકાય એવો વ્યવહાર, અને એ વ્યવહારે નાનપણમાં- કિશોરાવસ્થામાં હું પણ કદીક ડેરોલ ગયેલો. રંજનબહેન મારાં માતૃપક્ષનાં લગભગ તમામ વડીલોને ઓળખતાં હતાં. અમારી એ મુલાકાત આમ તો પહેલી હતી, છતાં અમે જાણે કે વરસોથી એકમેકના પરિચયમાં હોઈએ એમ લાગ્યું. એ પછી સંપર્કમાં રહેવાનું જણાવી અમે વિદાય લીધી. 

એ પહેલી મુલાકાત પછી અમારો મળવાનો સિલસિલો એવો આરંભાયો કે હવે તેની ગણતરી જ છોડી દીધી છે. સામાન્ય રીતે વડીલમિત્રોને નામથી જ બોલાવવાનું મને ગમે, પણ સહજપણે જ રંજનબહેનમાંથી હું ક્યારે એમને 'રંજનમાસી' તરીકે સંબોધતો થઈ ગયો એ સરત જ ન રહી. રંજનમાસીનો પરિચય વધતો ગયો એમ તેમની પ્રકૃતિની પિછાણ પણ થતી ગઈ. 

વાંચનમાં તેઓ જેટલાં ખૂંપેલાં, એટલાં જ સર્જનાત્મક પણ ખરાં. સિવણ અને ભરતગૂંથણમાં તેઓ નિષ્ણાત. બહુ પ્રેમપૂર્વક તેમણે મારી દીકરી શચિ, દીકરા ઈશાન અને પત્ની કામિની માટે સ્વેટર, થર્મલ વગેરે ગૂંથીને ભેટ આપ્યાં. આ ભેટ એકદમ વ્યક્તિગત અને ખાસ એ વ્યક્તિ માટે જ તૈયાર કરાયેલી હોવાથી તેનું મૂલ્ય અનોખું છે. તેઓ ગૂંથવાનું શરૂ કરતાં પહેલાં જણાવે કે હવે પોતે કોના માટે સ્વેટર શરૂ કરી રહ્યાં છે. તેમના ગૂંથણમાં રંગ અને ફેશનનો સમન્‍વય જોવા મળે અને માપમાં પણ ચોકસાઈ. આથી એ વારેવારે પહેરવું ગમે. અમારા પરિવારનાં ત્રણ લોકો માટે કંઈક ને કંઈક ગૂંથીને ભેટ આપ્યા પછી તેમણે મને કહ્યું, 'બધાને હું આપું અને મારા દીકરાને (મને) કશું ન આપું એ કેમ ચાલે?' તેમણે કાપડના વિવિધ રંગના ટુકડાને સુંદર રીતે જોડીને રજાઈનું કવર તૈયાર કર્યું અને ખાસ મને ભેટ આપ્યું. ખરેખરી ઠંડીમાં એ રજાઈ ઘરનું કોઈ સભ્ય ઓઢે તો હું એ વ્યક્તિને જણાવું છું કે ભલે, તમે એનો ઉપયોગ કરો, પણ આ રજાઈ 'મારી' છે. 

મારા ઘરની એક મુલાકાત દરમિયાન કામિની સાથે 
મારાં મમ્મી સાથે એમની મુલાકાત થઈ અને એમના પરિચયનું પણ અનુસંધાન નીકળ્યું. આમ, અનાયાસે અમને વાચકમાંથી એક આત્મીય જનની પ્રાપ્તિ થઈ. રંજનમાસીનો મિજાજ કામની બાબતે એવો કે કામમાં ઢીલાશ ચલાવી ન લે, અને જે હાથમાં લે એને યોગ્ય રીતે જ પૂરું કરે. નાની નાની ચીજવસ્તુઓનો સુંદર રીતે ઉપયોગ શી રીતે કરવો એ તેઓ બરાબર જાણે. વયને કારણે હરવાફરવા પર મર્યાદા આવે, તો પણ આનુષંગિક વ્યવસ્થા તેમણે યોગ્ય રીતે રાખેલી હોય. તેમના પતિ કેસરીકાકા એટલા જ પ્રેમાળ, પણ તેમની પ્રકૃતિ સાવ વિપરીત. તેઓ સહેલાઈથી કોઈ પર ભરોસો મૂકી દે, જ્યારે રંજનમાસીમાં સહજપણે જ સારુંનરસું પામી લેવાની વૃત્તિ. 

મારી દીકરી શચિ અને કામિની સાથે રંજનમાસી 
થોડો સમય થાય એટલે તેઓ એવી અનુકૂળતા ગોઠવીને આવે કે મારે ત્યાં ત્રણ-ચાર કલાક રોકાઈ શકાય. સામાન્ય રીતે તેઓ બપોરે આવે ત્યારે હું સૂઈ ગયો હોઉં કે સૂવાનો હોઉં એટલે તેઓ કામિની સાથે વિવિધ કામ વિશે વાતો કરે અને બે-ચાર વસ્તુ શીખવે પણ ખરાં. હું જાગું એટલે અમે વાતો કરીએ. વાતોમાં હસીમજાક તો ખરી જ, અને એ ઉપરાંત પણ નવાં પુસ્તકોની કે કોઈક વાંચનને લગતી વાત હોય. 'સાર્થક જલસો'ના તેઓ નિયમીત વાચક અને એ વાંચી લીધા પછી તેના લેખો વિશે ચર્ચા પણ કરે. 

એ જ મુલાકાત દરમિયાન મારી અને કામિની સાથે 
ઉપરાંત પંદરવીસ દિવસે રંજનમાસીનો ફોન હોય જ. ફોનમાં પણ વિવિધ વાતો થતી રહે, જેમાં વાંચનની વાત અવશ્ય હોય. હજી પણ તેઓ પુસ્તક ખરીદતાં રહે, અમદાવાદના વિક્રેતાઓ પાસેથી ફોન દ્વારા એ મંગાવતાં રહે. આ વાંચનપ્રેમ તેમને પોતાના પિતાજી (હીરાકાકા) પાસેથી મળ્યો. હીરાકાકા કેરોસીનના દીવાને અજવાળે વાંચતા. ઘરમાં પુસ્તકો ખરીદાતા અને બાળકોને એ વાંચવા માટે પ્રોત્સાહિત કરાતા. વિવિધ સામયિકો પણ આવતાં. આ રીતે સહજપણે વિકસતો રહેલો વાંચનરસ કોઈ વ્યક્તિના જીવનને કેટલું સભર કરી શકે છે એ રંજનમાસીને મળીને અનુભવાય. તેમણે જીવનમાં અનેક સંઘર્ષ વેઠ્યા છે, કેટલીક વિપરીતતાઓનો સામનો હજી કરી રહ્યાં છે, છતાં તેમનો લડાયક મિજાજ અને એ બધા વચ્ચે રહેલી જીવંતતા તેમને બીજા અનેકથી અલગ શ્રેણીમાં મૂકે છે. જીવનના આઠમા દાયકામાં આવું રહી શકવું એ કોઈ સિદ્ધિથી કમ નથી. 

તેમના ઘેર ઉર્વીશ સાથે લીધેલી મુલાકાત 
તેમને મળીને છૂટા પડતાં જાણે કે પોતાના કોઈ મોસાળિયાને મળ્યા હોઈએ એવો આત્મીયભાવ અનુભવાય. વડોદરા રહેતાં તેમનાં દીકરી ભાવનાબહેન જેલવાલા પણ અમારાં મિલનથી વાકેફ હોય. તેમને મળવાનું ઓછું બને, છતાં ફોન કે વૉટ્સેપ દ્વારા સતત સંપર્ક હોવાને કારણે આત્મીયતા અનુભવાય. તેઓ પણ પુસ્તકાલયનું સંચાલન કરી રહ્યાં છે. 

પુસ્તકોને ખરીદીને વાંચનાર પ્રજાતિ આમેય જોખમગ્રસ્ત હતી, પણ હવે તો વાંચનાર પ્રજાતિ જ સમૂળગી લુપ્ત થવાને આરે છે. આવા સમયમાં રંજનમાસી નિ:શંકપણે મિસાલરૂપ કહી શકાય. તેઓ મળ્યા વાચક તરીકે, પણ હવે તો અમારા સૌનાં પ્રિય સ્નેહીજન બની રહ્યાં છે. મને ઘણી વાર થાય છે કે લેખનના ક્ષેત્રમાં ન આવ્યો હોત તો આવા પરિચય કદી થાત ખરા? સાચેસાચા વાંચનપ્રેમી અને અમારા સૌના સ્નેહીજન એવાં રંજનમાસીને જન્મદિવસની અનેકાનેક શુભેચ્છાઓ. 

Monday, August 29, 2022

દોસ્તીનું ખાતર, પ્રેમ અને નિસ્બતનું બિયારણ

 આજે મિત્ર પૈલેશ શાહનો જન્મદિવસ છે. તેના વિશે વાત કરતાં છગનનું સ્મરણ થયા વિના રહે નહીં. 

વિનોદ ભટ્ટના પુસ્તક વિનોદની નજરેમાં શેખાદમ આબુવાલાના પરિચયલેખના આરંભે છગનનું કાલ્પનિક પાત્ર આલેખવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીથી લઈને વિવિધ દેશના વડાપ્રધાન છગનને ઓળખે અને બહુ દિવસે દેખાયા કહીને ખબરઅંતર પૂછે છે. છેક છેલ્લે વેટિકન સીટીમાં પોપ છગનના ખભે હાથ મૂકીને જાહેરમાં દર્શનાર્થે આવે છે ત્યારે નીચે ઉભેલા હજારો લોકો પૈકી એક જણ પૂછે છે, આ છગનને ખભે કોણે હાથ મૂક્યો છે?’ વિનોદભાઈએ છગનનું પાત્ર શેખાદમમાં સાકાર થતું અનુભવ્યું હોવાનું જણાવ્યું છે. મારા જેવા અનેક માટે છગનનો પર્યાય એટલે પૈલેશ. તેના પરિચય ક્યાંથી ક્યાં વિસ્તરેલા નીકળે એ કહેવાય નહીં, અને માનો કે પરિચય ન હોય તો કેળવી દેતાં એને વાર નહીં. એનો અર્થ એવો નહીં કે પૈલેશ બોલકો, મળતાવડો અને હસમુખો છે. એ મોટે ભાગે બોલવાનું ઓછું રાખે છે, તેથી તેના દેખાવ પરથી એ કડક હોવાની છાપ ઉપસે. ભલું હોય તો પૈલેશ એને સાચી પણ ઠેરવી બતાવે. હવે તો તેણે વધારેલી દાઢી પણ કડકાઈમાં ઊમેરો કરતી હોય એમ લાગે. એ મળતાવડો પણ ખાસ નહીં, એટલે કે નવા લોકોને મળવું એને ગમે, પણ ગમે એની સાથે પરિચય કેળવવા ન માંડે, અને હસમુખો? અગાઉ જણાવ્યું એમ એ કડક હોવાની પ્રાથમિક છાપ ઉપસે.

પૈલેશ શાહ 

હવે તો તે નડિયાદ રહે છે, પણ તેનો ઉછેર ખેડામાં થયેલો, અને ખેડામાં તેનો વ્યવસાય હજી ચાલે છે એટલે એ નડિયાદથી ખેડા આવ-જા કરે છે. અમારી મિત્રમંડળી આઈ.વાય.સી. (ઈન્‍ટેલિજન્‍ટ યુથ ક્લબ)માં તેનો પ્રવેશ પ્રમાણમાં મોડો થયેલો, કેમ કે, અસલમાં તેના પપ્પા સુમનકાકા અને વિપુલ રાવલના પપ્પા હર્ષદકાકા મિત્રો હતા. આથી તેનો પહેલો પરિચય વિપુલ સાથે થયેલો. પણ તેની પ્રકૃતિને કારણે એ ધીમે ધીમે સૌનો મિત્ર બની ગયો. તેની પ્રકૃતિ ખરા અર્થમાં વડનાં વાંદરા પાડે એવી હતી. અહેતુક તોફાન, અવળચંડાઈ, અલ્લડપણું તેની ઓળખ હતી. અમુક અંશે માથાભારેપણુંય ખરું. સાથોસાથ તે કોઈને મદદ કરવા પણ એટલો જ તત્પર રહેતો. ખેડામાં દર વરસે દિવાળી ટાણે યોજાતી દારૂખાના વડે થતી સામસામી લડાઈમાં તે સ્વયંસેવક તરીકે સેવા આપતો. ધીમે ધીમે તે જવાબદારી લઈને બીજાં અનેક સામાજિક કામો સાથે સંકળાતો ગયો, પણ તેનું તોફાનીપણું એમનું એમ રહ્યું.

અમારો પરિચય થયો એ વખતે અમારા સૌ પર તેની આવી જ છાપ પડેલી, જે ઘણી હદે સાચી હતી. થોડો સમય તે આણંદ નોકરી કરતો અને ટ્રેનમાં અપડાઉન કરતો. એ જ અરસામાં તેનો પરિચય વિપુલ સાથે થયો. અગાઉ જણાવ્યું એમ તેમના પિતા મિત્રો હતા, પણ સંતાનોનો પરિચય નવેસરથી થયો. પૈલેશની પ્રકૃતિમાં એ પછી જે પરિવર્તન આવતું ગયું એ સમયાંતરે તેની તમામ ખાસિયતોને યોગ્ય દિશામાં ચેનલાઈઝ કરનારું બની રહ્યું. એમાં વિપુલનો યશ દિશાસૂચન પૂરતો ખરો, પણ પૈલેશની ગુણગ્રાહિતા પૂરેપૂરી.

પૈલેશે ધીમે ધીમે, પણ એકનિષ્ઠા વડે વ્યાવસાયિક આવડત વિકસાવી. તેનો વ્યવસાય ખાતર અને જંતુનાશક દવાઓનો, એટલે ખેતીને લગતો અનુભવ તેણે પ્રત્યક્ષ, ખેતરોમાં જઈ જઈને પ્રાપ્ત કરવા માંડ્યો. કાદવવાળી માટી ખૂંદતાં ખૂંદતાં તે જે શીખતો ગયો એની સુયોગ્ય નોંધ કરતા જઈને તેનો અભ્યાસ કરતો ગયો. સમય વીતતાં આ ક્ષેત્રમાં તેણે એવો અનુભવ અને તેને લઈને તેના ગ્રાહકોનો જે વિશ્વાસ પ્રાપ્ત કર્યો એ તેની અસલી મૂડી બની રહ્યો. હવે તો ખેડાની આસપાસના ગામના ખેડૂતો તેમના પૈલેશભાઈને વૉટ્સેપ પર જ પોતાના પાકનો ફોટો મોકલે એટલે પૈલેશભાઈ તેની બિમારીનું નિદાન કરી દે અને તેને અનુરૂપ દવા સૂચવે. ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં પણ તેની શાખ ઘણી છે, અને ક્ષેત્રીય મુલાકાત માટે તેને બોલાવવાનો આગ્રહ ઘણા લોકો રાખતા હોય છે. જો કે, આ બધી વાતો પૈલેશે કદી અમને જણાવી નથી, પણ વાતવાતમાં અમને જાણવા મળતી રહી છે. ભણતર છોડ્યા પછી, ક્ષેત્રીય અનુભવ પણ પ્રાપ્ત કર્યા પછી વ્યાવસાયિક જરૂર ઊભી થતાં તેણે ઘણા વરસોના ખાડા પછી કૃષિની કૉલેજમાં અભ્યાસ કર્યો. તેણે પોતાનું મહોરું તો એ જ, તોફાનીવાળું રાખ્યું છે. કારણ કે, મૈત્રીમાં આવી બાહ્ય સિદ્ધિઓનું ખાસ વજૂદ નથી હોતું. આને કારણે અમારા મિત્રવર્તુળમાં પૈલેશની સામાન્ય છબિ એવી કે એ ફોનમાં આવું છું કહે, પણ વાસ્તવમાં આવે ત્યારે સાચો. જો કે, એના કારણમાં જવાનો કોઈ ખાસ પ્રયત્ન ન કરે, અને પૂછ્યા વિના પૈલેશ જણાવે પણ નહીં. બાકી એવી પૂરેપૂરી શક્યતા કે એ કોઈક ગંભીર વ્યાવસાયિક કામમાં રોકાયેલો હોય. એ પછી તે આવે ત્યારેય જણાવે નહીં કે તેને મોડું કયા કારણે થયું. આને કારણે તેની અન્ય વાતને ગંભીરતાથી લેનારા ઓછા. એ ઘણી વાર કરે પણ એવું કે ક્યારેક કોઈ એક મુદ્દે કશી ગંભીર વાત ચાલી રહી હોય તો એને આસાનીથી એ બીજા પાટે ચડાવી દે. આને કારણે ઘડીભર અકળામણ થાય. એ જ પૈલેશનું તોફાનીપણું જીવંત રહ્યું હોવાનો પુરાવો. અલબત્ત, બધા એ બાબતે એકમત કે પૈલેશને ગમે એ કામ સોંપો તો એ થયે જ પાર હોય. કામનો પ્રકાર ભલે ને ગમે એવો હોય! પૈલેશના પોતાના સંપર્કો એટલા, એથીય આગળ કામ કરવાની તેની સજ્જતા એટલી કે તેને સામેની વ્યક્તિ અનુસાર સામ,દામ કે દંડ અજમાવતાં આવડે. 

મારા પપ્પાની છેલ્લી બિમારી વખતે તેમને નડિયાદ હોસ્પિટલમાં દાખલ કરેલા અને તેમને ચોક્કસ પ્રકારના ડાયપરની જરૂર પડતી. આ ડાયપર બૉક્સમાં ખરીદીએ તો એ મોંઘા પડતા. પૈલેશ ખેડાથી આવીને રોજ સાંજે હોસ્પિટલની મુલાકાતે આવતો. તેના ધ્યાનમાં આ બાબત આવી એટલે એ વગર કહ્યે એ પ્રકારનું મટીરીયલ લઈને આવ્યો કે જેના ટુકડા કરીને વાપરી શકાય. પોતાનાઓનું કામ કરવા માટે કદી તે સૂચનાની રાહ ન જુએ. મારી દીકરી શચિના લગ્ન વખતે આયોજનના પહેલવહેલા ચરણનો અમલ પૈલેશની સાથે બેસીને કરેલી ચર્ચાથી જ શરૂ થયેલો. તેને કશું કામ સોંપ્યું એટલે એ થાય જ. એમાં ગમે એવી અડચણ આવે તો પૈલેશ એનો ઊકેલ લાવી દે, અને કામ સોંપનારને એની ગંધ સુદ્ધાં ન આવવા દે. કોઈ પણ પ્રસંગે પૈલેશ હાજર હોય એટલે એની નજરબહાર કશું જ ન હોય, અને એ પ્રસંગ દરમિયાન કશું કાબૂ બહારનું બને તો કોઈને કહ્યા વિના પૈલેશ પરિસ્થિતિને પોતાના હાથમાં લઈ લે અને તેનો યોગ્ય નિકાલ લાવી દે. ઘણાખરા કિસ્સામાં યજમાનને એની જાણ પણ ન થાય, અથવા તો પ્રસંગ પૂરો થયા પછી થાય. 

પોતાની આવી પ્રકૃતિને કારણે સામાજિક સેવાનાં વિવિધ કાર્યો સાથે સંકળાયેલો હોવાને લઈને તેના સંપર્કો એટલા વિકસ્યા કે એક તબક્કે રાજકારણમાં પ્રવેશવાનું તેણે લગભગ નક્કી કરી લીધેલું. પણ એક હિતેચ્છુએ તેને આ ક્ષેત્રની વરવી વાસ્તવિકતા સાફ શબ્દોમાં જણાવી. રાજકારણમાં પ્રવેશ કર્યો ન હોવાને કારણે પૈલેશમાં સંવેદનશીલતા પૂરેપૂરી હતી. તેણે રાજકારણમાં પ્રવેશવાનું માંડી વાળ્યું, નહીંતર તે એક સફળ રાજકારણી હોત એની અમને ખાત્રી છે. અલબત્ત, પોતાનામાં રહેલી સેવાભાવના અને સહાયરૂપ થવાની વૃત્તિને તેણે બરકરાર રાખી. એ જ રીતે તેણે ધાર્યું હોત તો કોઈક સંપ્રદાયમાં જોડાઈ ગયો હોત, કેમ કે, તેના અંગત કહી શકાય એવા મિત્રો વિવિધ સંપ્રદાયમાં સારી એવી વગ ધરાવે છે. પણ પૈલેશે પોતાની સમજણ સ્પષ્ટ અને સ્વસ્થ રાખી. સંપ્રદાયના બાહ્યાચારમાં તેને રસ ન હતો. દોસ્તીદાવે યા અન્ય કોઈ એવા સંબંધે કોઈ સંપ્રદાય સાથે સંકળાવું જ પડે એમ હોય તો એ સમાજસેવાના કોઈ કાર્ય માટે થઈને, એટલા પૂરતો જ સંકળાયો અને હજી સંકળાય છે. 

પૈલેશની પત્ની ફાલ્ગુની પણ એવી જ પ્રેમાળ. તેનાં સંતાનો આકાશ અને કવન અમારી નજર સામે જ ઉછર્યાં છે એમ કહી શકાય. આકાશે પણ પિતાનું ક્ષેત્ર પસંદ કરીને એમાં આગવી રીતે કામ શરૂ કર્યું છે અને એમાં તે ઘણો સફળ છે. આકાશ અને કવન પણ ખૂબ જ સ્નેહાળ. અમારાં સૌ મિત્રોનાં સંતાનોની આપમેળે, અનાયાસે વિસ્તરેલી મૈત્રી અને આત્મીયતા આંખ ઠારે એવી છે. આકાશ અને કવન એમાં એટલા જ સક્રિય. એ બન્ને અલબત્ત, પૈલેશની સરખામણીએ ઘણા ડાહ્યા છે, અને ખાસ કરીને કવન ઘણી વાર તેના પપ્પાના પરાક્રમ વિશે જાણવાની જિજ્ઞાસા અમારા થકી સંતોષવાનો પ્રયત્ન કરતો રહે છે.

પરિવારજનો સાથે (ડાબેથી): કવન, પૈલેશ, ફાલ્ગુની અને આકાશ 

દોસ્તીનાં સમીકરણોમાં કશા નિયમ લાગુ નથી પડતા એનું ઉદાહરણ એટલે પૈલેશ સાથેની અમારા સૌની દોસ્તી. એ ખેડાનો વતની, અમારી સાથે તે ભણ્યો નથી, અને તેનો અમને પરિચય પણ વિપુલ થકી થયો. છતાં એ દોસ્તી પર સાડા ત્રણ દાયકાનો માંજો ચડતો રહ્યો છે, અને અમે જાણે કે બાળગોઠિયા હોઈએ એમ જ લાગે છે. તેની ખાસિયત એ છે કે તેની સાથે સંપર્ક ધરાવતા સહુ કોઈને એ એટલો જ આત્મીય જણાય છે. જેમ કે, હું તો પૈલેશ સાથે ફોનથી સીધી વાત કરું એ સ્વાભાવિક છે, પણ કામિની કે ઈશાન યા શચિ સીધો જ તેને ફોન કરી શકે અને તેમને એકસરખો જ પ્રતિભાવ મળે. આવું જ બીજા મિત્રોને પણ એની બાબતે! મને ઘણી વાર થાય કે તેના મહિમાનું અમારી મંડળીમાં પૂરતું સ્થાપન થયું નથી. પૈલેશને એની જરાય અપેક્ષા નથી, કે નથી એણે કદી એવી ખેવના રાખી. મૈત્રીની મઝા જ એ હોય છે!

એક સમયે વડના વાંદરા પાડતા પૈલેશની તોફાની વૃત્તિ એવી જ રહી છે, પણ હવે એમાં વયસહજ સમજણ અને અનુભવ ભળતાં એ ધારે તો પોતે પાડેલાં વડના વાંદરાને પાછા વડ પર ગોઠવી દે એ માર્ગે વળી છે. એણે ધારવાની વાર છે, બાકી એ આ કરી શકે એ બાબતે અમને સૌને ખાત્રી જ છે. તેના જન્મદિવસે તેને સ્વસ્થ જીવનની દિલી શુભેચ્છાઓ.