Tuesday, May 14, 2019

'સોનાવાલા'ના સહાધ્યાયીઓનું મિલન: પૂર્ણ ભૂતકાળ બન્યો ચાલુ ભૂતકાળ


રવિવાર 12મે, 2019 ની સાંજ. મળનારા સહાધ્યાયીઓના શરીર પર ચચ્ચાર સમયગાળાનાં પડ ચડ્યા હતા, પણ એ મિલન દરમિયાન સતત સ્મૃતિઓનાં પડ ઉખેડાતાં રહ્યાં.
શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ, મહેમદાવાદમાં 1975 થી 1979-1981 દરમિયાન એક ધોરણમાં ભણેલા સહાધ્યાયીઓ મળી રહ્યા હતા. અમુક એક જ વર્ગમાં હતા, તો અમુકના વર્ગ અલગ, પણ ધોરણ સરખાં હતાં. ઝાઝી સંખ્યા નહોતી, અથવા તો થવા નહોતી દીધી, કેમ કે, સહાધ્યાયીઓનાં રિયુનિયન બાબતે કેટલાંક ભયસ્થાન મનમાં પહેલેથી હોય છે, જે મોટે ભાગે સાચાં પડતાં હોય છે. આથી એક બાબત એ નક્કી રાખેલી કે બને ત્યાં સુધી સૌએ એકલા જ, જીવનસાથી વિના આવવું. 1979માં એસ.એસ.સી. અથવા 1981માં બારમું પાસ કર્યા પછી અત્યાર સુધી શું કર્યું તેનો બાયોડેટાના સ્વરૂપે પરિચય આપવો. ત્યાર પછી જે વાતો કરવામાં આવે એ પોતાની, પોતાની પત્ની/પતિ કે સંતાનોની સિદ્ધિઓની નહીં, પણ માત્ર ને માત્ર 1975થી 1981 વચ્ચેના એ સમયગાળાની જ કરવામાં આવે.
આ ઉપક્રમની ચિનગારી ક્યાંથી પ્રગટી? થયેલું એવું કે મૂળ મહેમદાવાદનો, પણ હવે વડોદરામાં સ્થાયી થયેલો મિત્ર મિનેશ પરીખ ગઈ દિવાળી પછી મારે ત્યાં મળવા આવ્યો. અલકમલકની વાતો નીકળી. મિનેશની બહેન કાજલ અમારી સાથે ભણતી હતી. આથી મેં સહજ તેના વિશે પૂછ્યું. મિનેશે માહિતી આપી. ત્યાર પછી મેં મિનેશને અમારો શાળાકાળનો ફોટો મોકલ્યો, જે તેણે મારા ફોન નંબર સાથે કાજલને મોકલ્યો હશે. એક સાંજે મારા પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો: ‘હું કાજલ......’ શાળાના પાંચ વરસ દરમિયાન ભાગ્યે એક બે શબ્દોની આપ-લે કરી હોય તો કરી હોય, પણ ચાલીસ વરસ પછી ફોન પર અમે ઘણી વાતો કરી. એ સાંજે તેની સાથે બીજી પણ બે સખીઓ હતી. એ સૌને પેલા ફોટામાંના ઘણાની ઓળખાણ પડી ન હતી. એ સૌની ઓળખાણ અમે ફોન પર તાજી કરી. ત્યાર પછી સમયાંતરે ફોન પર થતા સંપર્કમાં મળવાનું ગોઠવવાની વાત દોહરાતી રહી. આખરે 12 મેની સાંજે અમદાવાદ મળવાનું ગોઠવાયું.


(1975નો ધો.5 અ નો વર્ગ, શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ, મહેમદાવાદ) 

**** **** **** 
સાંજના સાડા પાંચની આસપાસ સહુ એકઠા થવા લાગ્યાં, અને છ-સવા છ સુધી આવનારાં સહુ આવી ગયાં. ‘બોલ, આ કોણ છે?’, ‘તું ફલાણો કે ફલાણી?’, ‘ના હોં! મને ખ્યાલ ન આવ્યો!’ જેવા ઉદ્‍ગારોથી પરિચયવિધિની શરૂઆત અનાયાસે થઈ ગઈ. સાથે ભણતા હતા ત્યારે જેની સાથે વાત કરવાનો તો ઠીક, આંખ ઉંચી કરીને જોવાનો પણ વિચાર ન આવે એવા એ વખતના છોકરા-છોકરીઓએ એ સમયને બહુ આનંદપૂર્વક યાદ કર્યો. શિક્ષકો, તેમની ભણાવવાની પદ્ધતિ, તેમની ખાસિયતો, તેમના હાથનો પડેલો માર, આચાર્ય દેસાઈસાહેબ, દરેક ક્લાસના અવળચંડા નમૂનાઓ, વચગાળામાં સદ્‍ગત થયેલા શિક્ષકો અને અમારા સહાધ્યાયીઓ- આ બધું જ યાદ કર્યું.
મઝા આવે એવી વાત એ હતી કે જેમ અમે દસેક મિત્રો શાળાકાળથી છેક હજી સુધી સંપર્કમાં છીએ, એમ છોકરીઓનું એક જૂથ પણ પરસ્પર સંપર્કમાં હતું. તેને કારણે ઘણાનો સંપર્ક થઈ શક્યો.


(ચાલીસ વરસ પછી...) 

વર્તમાનકાળમાં કોણ કયા હોદ્દે છે, અને શું કરે છે એનું કશું મહત્ત્વ નહોતું, કેમ કે, ત્યારે સૌ ચાલીસ વરસ પહેલાંના એ સહાધ્યાયીને મળી રહ્યા હતા, જેની ત્યારની ઓળખ માત્ર ‘સહાધ્યાયી’ તરીકેની જ હતી. આથી પરસ્પર ‘તું’નું સંબોધન સ્વાભાવિક બની રહ્યું. વચ્ચે વચ્ચે સ્ટાર્ટર, સૂપ વગેરે પીરસીને હોટેલવાળા સહુને વર્તમાનકાળમાં પાછા લાવવાનો પ્રયત્ન કરતા હતા, પણ બસનો ફસાયેલો ગિયર આપોઆપ પાછો ન્યૂટ્રલમાં આવી જાય એમ સહુ પાછા ભૂતકાળમાં આવી જતા. અમારી શાળાકાળની એક માત્ર સ્મૃતિ જેવો એક ગૃપફોટો, જે પાંચમા ધોરણમાં હતા ત્યારે લેવાયો હતો, તેના સંદર્ભે પણ સહુની ઓળખ થતી રહી. આપણા સામાજિક પરિવેશ મુજબ, છોકરીઓની પાછળનું નામ, અટક અને અમુક કિસ્સામાં તો છોકરીનું નામ પણ પરણ્યા પછી બદલાઈ જતું હોય છે. પણ એ સાંજે સહુની ઓળખ જૂના નામ થકી જ હતી. કાજલ પરીખ (બટેરીવાલા), કાશ્મીરા ઠક્કર(પૂજારા), નીતા માણેક (વૈદ્ય), શોભના શાહ, નયના ત્રિવેદી (મહેતા), હીના શાહ (પરીખ)-  આમાંથી પહેલાં બે એક જ વર્ગમાં હતાં, જ્યારે બાકીનાંનું ધોરણ એક, પણ વર્ગ અલગ હતાં. એ રીતે નીલેશ રાવલ, અજય પરીખ, વિપુલ રાવલ, મનીષ શાહ (મંટુ) અને બીરેન કોઠારી – સહુ એક જ વર્ગમાં હતા. આમાંના છેલ્લા ચાર પરસ્પર નિયમીત સંપર્કમાં છીએ.
સંપર્કોની આપ-લે થયા પછી હાજર રહેલા સૌની તીવ્ર લાગણી હવે પછી અમારી શાળાની મુલાકાતની હતી. આ ઉપરાંત અમુક શિક્ષકોને મળવાની પણ હતી. જોઈએ, એ ક્યારે શક્ય બને છે.

2 comments:

  1. great work biren...i missed that....may be next time in future.

    Mayur

    ReplyDelete
  2. આજકાલ ઘણા લોકોને આવો લ્હાવો મળવા લાગ્યો છે, એના અહેવાલો પણ સાંભળવા/વાંચવા મળે છે. અહીં તફાવત અંદાઝ- એ - બયાં નો છે. મજેદાર. અને હા, શિક્ષિકાઓની ફોટો પડાવવાની અદા માટે કોઈ સરકારી માર્ગદર્શિકા હતી કે શું! અમારી ભાવનગરની બહેનો પણ એ સમયની તસ્વીરોમાં આવી જ મુદ્રામાં બતાય છે.

    ReplyDelete