(ખાંજર ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણથી આરંભ કર્યા પછી ગુજરાત વિદ્યાપીઠ ખાતે એમ.ફિલ.માં અભ્યાસ કરી રહેલી સુનિતા ગામીતે પોતાના લોકો અને પોતાના વિસ્તાર વિશે, તેમના સ્વચ્છતાના અભિગમ વિશે અહીં લખ્યું હતું. આ વખતે તેણે પોતાના વિસ્તારના એક અતિ ગંભીર પ્રશ્નની વાત કરી છે.)
- સુનિતા ગામીત
દેશી દારૂ બનાવવાની પરંપરાગત પ્રક્રિયામાં મહુડાનાંં ફુલની સાથે દેશી ગોળ ઉમેરવામાં આવતો. આ પ્રકારનો મહુડાનો દારૂ પીવાથી પીનારને નુકસાન થવાની સંભાવના ઓછી રહેતી. મહુડાનાંં ફુલના ગુણ ઘણા છે. આ ફુલને કાચા ખવાય, શેકીને ખવાય, મહુડાના ફુલનો લાડુ પણ બને. પરંતુ તેના ગુણોને બદલે મહુડાના 'પહેલી ધાર' ના દારૂનો આસ્વાદ લેવાનું ચલણ વધુ છે. હાલમાં દેશી દારૂની ભઠ્ઠીઓમાં મહુડાનાંં ફુલ તેમજ ગોળ ઉપરાંત પીનારને 'કીક' આવે તે માટે સલ્ફેટ ખાતર, ખેરની છાલ, સાદડાની છાલ, ખાખરાની છાલ, ચિલરની છાલ વગેરે ઉમેરવામાં આવે છે. જરૂર પડે તો નશીલા પાવડરનો પણ ઉપયોગ થાય છે. આ બધા કારણોસર પીનારમાં લીવરની બીમારીનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળે છે. અમારા વિસ્તારના નશો કરતા પુરૂષોને આંતરડામાં સોજા ચઢવાની બીમારી પણ ઘણી જોવા મળે છે.
મહુડાનાં ફળો (*) |
દારૂનું સેવન કરવાથી સોનગઢ વિસ્તારમાં ફક્ત ૪૦ વર્ષના ઘણા પુરૂષોની હાલત એવી ગંભીર બની ગઇ છે કે કોઇ પણ કાર્ય કરતાંં તેના હાથ ધ્રુજવા લાગે છે. તેઓ શરીરનું બેલેન્સ પણ જાળવી શકતા નથી. આદિવાસી વિસ્તારોમાં દારૂનું વ્યસન ગંભીર સમસ્યા બની ગઇ છે. ઘણા યુવાનો દારૂ પીને ડ્રાઇવિંગ કરતાં અકસ્માત કરીને મોતને ભેટ્યા છે, અપંગ બન્યા છે. ઘણાં કુટુંબોએ પિતા, પુત્ર, ભાઇ કે પતિ ગુમાવ્યો છે. ક્યારેક નશાની હાલતમાં સુરત, ઉધના જેવા શહેરમાં કામ પર જતી વખતે ચાલુ ટ્રેનમાં ચઢતાંં, ઉતરતાંં અથવા દરવાજા પર લટકીને જતી વખતે યોગ્ય બેલેન્સ ન જાળવી શકતાંં મોતને ભેટતા હોય છે. તો ક્યારેક ગંભીર શારીરિક ઇજા થતા સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મુકાય છે.
ઘરમાં પિતા વ્યસન કરીને ઘરમાં, પાડોશી સાથે કે અજાણી વ્યક્તિઓ સાથે ઝગડો કરે છે ત્યારે સૌથી વધુ શરમ તેમના બાળકો અનુભવે છે. દારૂડિયાઓનાંં બાળકોને શાળામાં તેમજ ગામમાં તેમના પિતાના વ્યસન અંગે વારેવારે અહેસાસ કરાવવામાં આવે છે જેને કારણે તે બાળકો એકલતા અનુભવે છે અને અંદરોઅંદર મુંઝાય છે. આ પરિસ્થિતિને કારણે આવા બાળકો પર લાંબા ગાળા સુધી માનસિક અસર રહે છે.
પહેલી ધારનો.... (**) |
આદિવાસી વિસ્તારોના ગામોમાં ચારથી પાંચ દારૂની ભઠ્ઠીઓ જોવા મળે છે. તે ઉપરાંત ત્રણથી ચાર સ્થળોએ વિદેશી દારૂનું વેચાણ થતું જોવા મળે છે. વિદેશી દારૂના ફેલાવાનું મોટું કારણ એ છે કે સોનગઢને અડીને જ મહારાષ્ટ્ર બોર્ડર આવેલી હોવાથી પરમીટવાળી દુકાનોમાંથી છાપેલા ભાવે આસાનીથી જોઇતી બ્રાન્ડ મળી રહે છે. કેટલાક કુટુંબોમાં તો સવારથી જ ચાને બદલે દારૂ પીવાનો શરૂ થઇ જાય છે. સવારથી જ નશો કરીને કેટલાક લોકો ખેતીકામ કરવાને બદલે ઘરની બહાર કે ખેતરે જઇને આરામ કરતા હોય કે રસ્તાની બાજુમાં ખુલ્લેઆમ પડી રહેતા હોય છે. આદિવાસી વિસ્તારોમાં દારૂની બદી એટલી બધી ફેલાઇ છે કે દારૂ ખરીદવા માટે જરૂર પડે તો ઘેરથી રુપિયા ચોરી કરે, રુપિયા માટે પત્ની સાથે ઝગડો કરીને તેને માનસિક-શારીરિક ત્રાસ આપે અથવા તો ઘરનાની જાણ બહાર પત્નીના ઘરેણાં પણ વેચી નાખે. ઉધારમાં સતત દારૂ પીવામાં દેવુ વધી જાય તો ઘરનાને જાણ કર્યા સિવાય પોતાની જમીન પણ વેચી નાખે. આ બધી વાતનો ફાયદો ગામમાં રહેલા શાહુકારો ઉઠાવે છે અને સાવ ઓછા ભાવે આદિવાસીની જમીનો પડાવી લે છે. મોટા ભાગના આદિવાસીઓ પાસે પોતાની જમીન હોવા છતાં તેમાં વૈજ્ઞાનિક ઢબે વધુ પાક લેવાના પ્રયત્નો કરવાને બદલે દારૂ પાછળ રુપિયા ખર્ચે છે.
એ જાણીને નવાઇ લાગશે કે ખેતરમાં કામ કરવા માટે મજૂરની જરૂરિયાત હોય તો દારૂની ભઠ્ઠીવાળાને કહેવડાવવું પડે છે કે ફલાણા ભાઇને ત્યાં ખેતમજૂરીનું કામ છે તે માટે આટલા-તેટલા મજૂરો જોઇએ છે. કહેવાનો મતલબ એ છે કે મજૂરભાઇઓને સવાર સવારમાં દારૂની ભઠ્ઠી પર શોધવા જાવ તો તેઓ ત્યાં જ મળી જાય, ઘેર નહીં.
આખા દિવસની તનતોડ મજૂરી કર્યા પછી ફક્ત રૂ.100 થી 120 મળે. તેમાંથી સવાર-સાંજના રૂ.20-20 દારૂની પોટલી પાછળ વેડફવામાં આવે એટલે તેઓ ક્યારેય બચત કરી શકે નહિ અને ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ક્યારેય બદલાય નહિ.
ઘેર ઘેર ફેલાયેલી દારૂની બદીથી કંટાળીને ગામની મહિલાઓએ દારૂના વ્યસન વિરોધી ઝુંબેશ ઉઠાવી હતી પરંતુ ગામના પુરૂષો તેમ જ શિક્ષિત યુવાનોએ તેમાં કોઇ જ સાથ ન આપ્યો એટલે કશો ફેર ન પડ્યો. મારા જાણવા મુજબ સતત દારૂ પીવાને કારણે દર વર્ષે ગામમાં 4 થી 6 પુરૂષો મૃત્યુ પામે છે. અમારા આદિવાસી સમાજમાં છૂટાછેડા, ત્યક્તા અને વિધવાઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે, કારણ કે આદિવાસી સમાજમાં વિધવાવિવાહ પહેલેથી જ માન્ય છે. તેથી સ્ત્રી પતિની હયાતીમાં કે મૃત્યુ પછી બીજા લગ્ન પોતાની મરજી મુજબ કરી શકે છે.
આજે સોનગઢ વિસ્તારના મોટાભાગના યુવાનો આ વ્યસનને રવાડે ચઢી ગયા છે. શિક્ષણ લેવાની ઉંમરે વ્યસન કરતા થઇ ગયા છે. ધાર્મિક તહેવારો ઉપરાંત લગ્નપ્રસંગે પણ આજના યુવાનો દારૂને 'ફેશન' તરીકે અનિવાર્ય ગણે છે. લગ્ન પ્રસંગોમાં તો દારૂની રેલમછેલ હોય છે. વર્ષગાંઠ જેવી પાર્ટીઓમાં પણ દારૂ પીવાનું મહત્વ ખૂબ વધી ગયું છે. ઘરમાં કે કુટુંબમાં કોઇ કારણે બોલાચાલી થાય તો યુવાનો એ ઘટનાને ભૂલવા માટે દારૂનો સહારો લેતા થઈ જાય છે, જે બહુ ઝડપથી વ્યસનમાં પરિણમે છે. દારૂની સાથે સાથે જ સિગરેટ અને ગુટખાએ પણ યુવાનો પર કબજો કર્યો છે. ચૂંટણી વખતે તો દરેક ગામોમાં દારૂની રેલમછેલ જોવા મળે છે જેને કોઇ જ અટકાવી શકતું નથી.
આદિવાસી વિસ્તારોમાં જે લોકો શિક્ષિત બન્યા છે તેમનામાં સામાન્યપણે દારૂ પીવાની બદી જોવા મળતી નથી. પરંતુ હજુ એવા ઘણા આદિવાસી વિસ્તારો છે કે જ્યાં બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં નથી આવતા. તેઓ મુશ્કેલીથી પ્રાથમિક શિક્ષણ પુરૂં કરી શકે છે. ત્યારબાદ આ બાળકોને મા-બાપ સાથે મજૂરીકામમાં જોડવામાં આવે છે. ઘરમાં મા-બાપ દ્વારા જ દારૂ, સિગરેટ, બીડી, ગુટખા, તમાકુનું સેવન થતું જોઇને બાળકો પણ ચોરીછુપીથી એના રવાડે ચઢે છે અને ધીમે ધીમે તેની આદત પડી જાય છે.
આદિવાસી સમાજમાં વધતા જતા વ્યસનના પ્રમાણમાં ઘટાડો થવો જરૂરી છે. કારણ કે યુવાપેઢી જો આવા ખોટા રવાડે ચઢી જશે તો કુટુંબ, સમાજ કે ગામની પરિસ્થિતિમાં પરિવર્તન લાવી શકાય નહિ. તંદુરસ્ત આદિવાસી કુટુંબ કે સમાજનું સપનું સાકાર કરી શકાય નહિ. દારૂના વ્યસનને કારણે આદિવાસી સમાજમાં બે પ્રકારની અસરો જોવા મળે છે.
લાંબા ગાળાની અસરોની વાત કરીએ તો વારંવાર દારૂનું સેવન કરવાથી લીવરની બીમારી શરૂ થાય છે. રોગપ્રતિકારક શક્તિ ઘટતી જાય છે એટલે અન્ય રોગના આક્રમણની શક્યતા વધતી જાય છે. ગુટખા, બીડી, સિગરેટના સેવનથી કેન્સર તથા હૃદયરોગની બીમારીઓ જોવા મળે છે. ઉપરાંત ક્ષયરોગ પણ જોવા મળે છે જેનો ચેપ ઘરના બીજા સભ્યોને લાગે છે. દારૂને કારણે પીનારના આરોગ્ય પર ગંભીર અસરો પડે છે જેને કારણે આયુષ્ય ટૂંકાય છે.
ટૂંકા ગાળાની અસરોની વાત કરીએ તો દારૂ પીનાર વ્યક્તિ સભાનતા ગુમાવે છે. ખાસ કરીને તેના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળે છે. રોજના નિયત સમયે દારૂ ન મળે તો તેના શરીરમાં નબળાઇ આવી જાય છે. દારૂ ન મળે ત્યારે વ્યક્તિને કામમાં રૂચિ ન લાગે, તેનું શરીર દુઃખે, માથું દુઃખે તેવી ફરિયાદો કરે છે.
મહેનતની કમાણી, દારૂમાં સમાણી (***) |
વિધિની વક્રતા એ છે કે દર વર્ષે ફેબ્રુઆરીથી શરૂ કરીને વરસાદ ન આવે ત્યાં સુધી પાણીની ભયંકર તંગી સર્જાય છે. પરંતુ દારૂની નદીઓ બારે માસ વહે છે!
મારા મતે દારૂની બદી દૂર કરવાની નૈતિક જવાબદારી ગામલોકોની જ છે. હાલમાં ફેલાયેલી દારૂની બદી દૂર કરવા માટે સહુએ સાથે મળીને લાંબા ગાળાની વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવવી પડે. આ માટે તમામ સંગઠનોએ એક બનીને ગામડાઓમાં આવીને વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવવી અનિવાર્ય છે.
શહેરી અને ગ્રામીણ વચ્ચેનો ભેદ દારૂ પીવાની બાબતે પણ જોવા મળે છે. શહેરી સમાજના સુધરેલા લોકો વિદેશી દારૂ પીવે તેને 'ડ્રિંક્સ લીધું' એમ કહીને ફેશનમાં ખપાવાય, જ્યારે ગામડાના લોકો કઠોર પરિશ્રમ પછી ગરીબીનો કાયમી થાક ભૂલવા દેશી દારૂ પીવે તો 'પોટલી પીધી' કે 'દારૂડિયા' કહીને તેઓને ઉતારી પાડવામાં આવે. દારૂ પીનાર દરેક વ્યક્તિ -- ભલે ને પછી તે શહેરી હોય કે ગ્રામીણ -- દારૂડિયો જ છે. નવો તંદુરસ્ત સમાજ રચવા દારૂની બદીમાંથી કોઇ પણ હિસાબે બહાર નીકળવું જ પડે. વ્યસનમુક્તિની ઝુંબેશ સામુહિક રીતે શરૂ કરવી પડે અને અટક્યા વિના લાંબા સમય સુધી ચલાવવી પડે.
આ લેખ લખતી વખતે એવો પણ પ્રશ્ન થાય છે કે આ બદી દૂર કરવાનો ઉકેલ શો? એક સમાજશાસ્ત્રી તરીકે મને લાગે છે કે દારુના દૂષણમાંથી સમાજને બહાર કાઢવો હોય તો ગામડાઓની મહિલાઓએ સાથે મળીને પહેલ કરવી પડે. સૌએ પહેલ પોતાના ઘેરથી જ કરવી પડે. તેમાં એકલદોકલ પહોંચી ન વળાય એવી શક્યતા ખરી. એ સંજોગોમાં સંગઠન મદદરૂપ થઈ શકે. હિંમતભેર પુરુષોની સામે પડીને ઝુંબેશ ચલાવવી પડે અને તેમને સમજાવવું પડે કે આ તેમના જ હિતમાં છે. આ માટે ગામેગામ ફેલાયેલાં સખીમંડળોની બહેનો પોતાના સંગઠનનો સુપેરે ઉપયોગ કરી શકે, ગામની અને આસપાસનાંં ગામોની બીજી મહિલાઓને સમજાવી શકે, જાગૃતિ ફેલાવી શકે. હું પોતે આદિવાસી હોવાના નાતે મહિલા સંગઠનોમાં દારુના વ્યસનને દૂર કરવા અંગે જાગરૂકતા ફેલાવવાની કોશિશ કરતી રહું છું અને આદિવાસી વિસ્તારોમાંથી આ દૂષણને દૂર કરવા સૌનો સાથ લેવા માટે કટિબધ્ધ છું.
(તસવીર: * સુનિતા ગામીત । **ઈશાન કોઠારી । *** નેટ પરથી)