Thursday, August 3, 2017

'સળી'શતાબ્દિ નિમિત્તે.....


બરાબર બે વર્ષ પહેલાં, 'દિવ્ય ભાસ્કર'ના પૃષ્ઠ સંપાદક ઉર્વીશ કોઠારી અને તંત્રી રાજ ગોસ્વામીના નિમંત્રણથી 30-7-15ના દિવસે 'સળી નહીં, સાવરણી' કોલમનો આરંભ થયો હતો. તેને 'કોલમ' કહેવાય કે નહીં, એ હું હજી નક્કી કરી શક્યો નથી, કેમ કે, પહેલી આંગળી અને અંગૂઠો પહોળો કરીએ એટલી તેની લંબાઈ છે. 
30-7-2015ના રોજ પ્રકાશિત પહેલવહેલો લેખ

શરૂઆતમાં 400 શબ્દોની મર્યાદા આકરી લાગતી હતી, કેમ કે, સાદો, સામાન્ય લંબાઈનો હાસ્યલેખ 700-800 શબ્દોનો હોય એમ ગણીને ચાલીએ તો તેનો 'ટેક ઓફ' લેવામાં જ આટલા શબ્દો જોઈએ. ખુદ પૃષ્ઠ સંપાદક હાસ્યલેખક હોવાથી આ હકીકત તેમનાથી બહેતર કોણ સમજી શકે? પણ ત્રીસ-પાંત્રીસ લેખો લખાયા પછી સૂચના મળી કે આને હજી ઘટાડીને 350 શબ્દોમાં લખવું. 
ડાર્વિનનો સિદ્ધાંત ભણતી વખતે ગોખેલો, પણ હવે બરાબર સમજાયો. લોકો ગણે કે ન ગણે, કોલમીસ્ટ, અથવા આ કિસ્સામાં 'મીની કોલમીસ્ટ' પણ એક એવો સજીવ છે કે જે ટકી રહેવા માટે અનુકૂલન સાધવાના તમામ પ્રયત્નો કરે. આ જ દિવસે 'ગુજરાત મિત્ર'માં પ્રકાશિત થનારી કોલમ 'ફિર દેખો યારોં' આનાથી બમણા કદની હોવા છતાં આનાથી અડધા સમયમાં લખાઈ જતી. એ રીતે આઈન્‍સ્ટાઈનનો સાપેક્ષવાદ પણ સમજાયો.
અલબત્ત, આટલા મોટા તંત્રના નખની ટોચ જેટલું કોલમનું કદ હોવાને કારણે મનમાં એમ સતત રહેતું કે ગમે ત્યારે આ અટકી જશે. આ કારણે આ કોલમનો દરેક હપ્તો એવી માનસિકતાથી જ લખતો રહ્યો કે જાણે એ છેલ્લો હપ્તો જ હોય! આ માનસિકતા બહુ કામ આવી.
એક એક રનની કરેલી સફરનો આજે આ સોમો મુકામ છે. નિયમીતપણે ફેસબુુુક પર મૂકાતી આ કોલમ નીચે ઘણી વાર તો એનાથી વધુ લંબાઈ નીચે લખાતી કમેન્‍ટોની થઈ જતી. અને એ કમેન્‍ટો 'વાહ!' , 'ક્યા બાત!' ને બદલે રીતસરની પટાબાજી જ હતી, એટલે મૂળ લખાણથી વધુ હાસ્ય એ વાંચીને નીપજતું. એ પટાબાજીમાં ભાગ લેનારા સૌ મિત્રોનો દિલથી આભાર. એમને એટલું જ કહેવાનું કે કોલમ તો એક માધ્યમ છે. એ આજે છે, કાલે ન પણ હોય. પણ આપણી પટાબાજી કોઈ ને કોઈ રીતે ચાલુ જ રાખવાની છે.
આટલી નાની જગ્યામાં હાસ્ય રેલાવતા, સપ્તાહના અન્ય દિવસોએ લખતા સાથીદારો કિરણ જોશી, ચેતન પગી, આરંભે ઝમકદાર બેટીંગ કરી જનાર જ્વલંત નાયક તેમજ કાર્તિકેય ભટ્ટ, નવી ગોઠવણમાં જોડાનાર અમીત રાડીયા અને દિવ્યેેેશ વ્યાસ તેમજ ડૉ. અશ્વિનકુમારનાં લખાણો આ નવિન સ્વરૂપમાં લખાતાં થયાં એનો આનંદ એટલો જ છે.
આટલા પૂર્વકથન પછી પ્રસ્તુત છે આ કોલમનો સોમો લેખ. 
3-8-2017ના રોજ પ્રકાશિત સોમો લેખ 

ચોમાસામાં હવાયેલાં બારીબારણાં જોઈને

ઘણાં મકાનોનાં બારીબારણાં લાકડાનાં અને તેનાં હેન્ડલ તથા મકાનમાલિક પિત્તળનાં હોય છે. મકાનમાલિક મકાનના વાસ્તુ વેળાએ અને લાકડાનાં બારીબારણાં ચોમાસા વખતે બરાબર ફૂલે છે. ફૂલેલાં બારીબારણાંને સંસ્કૃત સુભાષિતમાં જણાવાયેલા વિદ્યારૂપી ધન સાથે સરખાવી શકાય. મકાનમાલિક તેને ઉઘાડબંધ કરી શકતો નથી, ચોર તેને તોડી શકતો નથી, સુથાર તેને છોલી શકતો નથી કે બિલ્ડર તેને બદલી શકતો નથી. સાદી ભાષામાં તેને જામ થઈ ગયેલાં કહેવાય.
‘નેતા એક, કૌભાંડ અનેક’ની જેમ ‘જામ’ માટે પણ ‘શબ્દ એક, અર્થ અનેક’ની સ્થિતિ છે. ગુલામ માનસિકતા ધરાવતો વર્ગ ‘જામ’ શબ્દ સાંભળતાં અદબભેર ઝૂકી જાય છે. ‘જામનામ સત્ય હૈ’ને ધ્રુવમંત્ર ગણતા ‘બિમાર’ પરવાનાધારકોની નજર સમક્ષ સોડા, પાણી કે અન્ય સંગાથી પીણાં તરવરે છે. સમયના પાબંદ એવા કામચોર કર્મચારીઓને ચોમાસા દરમ્યાન ઓફિસે જતાં-આવતાં ‘જામ’ થઈ જતા ટ્રાફિકની ફિકર હોય છે. બાળકોને તંદુરસ્ત નહીં, પણ જાડીયાપાડીયા બનાવવા માંગતી માતાઓ બ્રેડ પર ચીઝ કે બટર સાથે કયો ‘જામ’ ચોપડવો એની ફિરાકમાં હોય છે, જ્યારે વિશુદ્ધ ગૃહિણી માટે ‘જામ’નો અર્થ છે ફૂલી ગયેલાં બારીબારણાં.
કહેવાય છે કે કાષ્ઠયુગમાં મકાનોનાં બારીબારણાં લાકડાનાં રહેતાં. ચોમાસામાં તે ફૂલી જતાં અને અંદરથી તેની સ્ટોપર વાસી શકાતી નહીં. આથી બાથરૂમમાં જનારે છેક બહાર સંભળાય એટલા ઉંચા અવાજે સતત ગાતા કે ગણગણતા રહેવું પડતું કે જેથી કોઈ ભૂલમાં બારણું ખોલી ન દે. પરિણામે એ યુગમાં બુલંદ સ્વર ધરાવતા અનેક ગાયકો, ઉદ્ઘોષકો તેમજ સંચાલકો પેદા થયા. ફિલ્મી ગીત કે સુગમ સંગીત જેવા ગાયનપ્રકારો આ યુગની દેન હોવાનું મનાય છે. પણ સતત નવો ત્રાસ ઝંખતી નવી પેઢી માટે આ શૈલી અસહ્ય બનવા લાગી. તેને નાબૂદ કરવા માટે તે ટેકનોલોજીને શરણે ગઈ. તેમણે એવી કૃત્રિમ સામગ્રીનાં બારીબારણાં વિકસાવ્યાં કે જે ગમે એવા ભેજવાળા વાતાવરણમાં કદી ફૂલે નહીં અને અંદરથી તેને વાસી શકાય.
એક જમાનામાં લોકો સાંજથી ઘરના બારણાને પણ અંદરથી વાસી દેતા, કેમ કે ડાકુ-લૂંટારાઓ ગામ ભાંગવા ચડી આવતા. રાતવરત બંદૂકના ભડાકાઓ સંભળાતા. આ વર્ગનો વિકાસ થતાં તે દેશ ભાંગવા નીકળ્યો અને હવે લોકપ્રતિનિધિ તરીકે ઓળખાય છે. આથી હવે રાત્રે ઓચિંતો બંદૂકના ભડાકા જેવો અવાજ સંભળાય તો માનવું કે કોઈકને જામ થયેલું બારણું ખોલવા કે બંધ કરવામાં સફળતા મળી છે. જો કે, બુદ્ધિનું બારણું કદી જામ થતું નથી. કેમ કે તે ખૂલતું નથી અને બંધ પણ થતું નથી.

4 comments:

  1. ૧૦૦મી સળી માટે અભિનંદન. હવે તો એ બધી ભેગી થાય તો સાવરણી જ બની ગઈ કહેવાય!

    એક વિચાર આવે છે. આટલી સળીઓ નહીં પણ સાળીઓ હોત તો તમે શું કરત?

    ReplyDelete
  2. સો સળીઓનાં સીમાચિહ્નનું મહત્ત્વ એ દરેક ૩૫૦ શબ્દોમાં કહેવાયા છતાં (અને કદાચ એટલે જ ) સળીની જેમ ચુભવામાં સફળ રહ્યા. જો કે અહીં તો દરેક લેખ વાંચતાં મોઢાં પર હાસ્ય રમી જવાની મીઠાશ હતી.
    ૧૦૦ પછી હવે હજાર અને તે પછી દસ હજાર સળીઓની ચુભન પણ અમને ગમશે તેનો હવે અમને ભરોસો છે.

    ReplyDelete
  3. વાહ. અભિનંદન બિરેન ભાઈ.. સો સળી મળીને સાવરણી બની.. તેની સર્જનકથા પણ રસપ્રદ બની. સળીનો સો મો લેખ 'માય રેડીઓ' પર રજૂ કરું છું. ફરીથી, અભિનંદન.. લખતા રહો આમજ..!

    ReplyDelete
  4. હજુ કેટલો મોડિવિરોધ કરશો?

    ReplyDelete