બીજા અનેક સજીવો સહિત માનવોની પણ ઉત્ક્રાંતિ
થઈ, પણ સંસ્કૃતિની
દૃષ્ટિએ વિકાસ માનવનો જ થયો. વક્રતા એ છે કે માનવનો આવો વિકાસ કોઈના ને કોઈના ભોગે થયો હોય છે. આ માટે માનવને અન્ય નબળાં, વગ વિનાનાં, સામાન્ય માણસોનો ભોગ લેવામાં સંકોચ થતો ન હોય તો માનવેતર સજીવોની તે ફિકર કરે
જ ક્યાંથી? અનેક પ્રાકૃતિક સંપદા અને સ્રોત પર માણસે કબજો જમાવ્યો છે. પણ એટલું કર્યા પછી એને જંપ નથી. વિકાસ રાજકારણનો મુદ્દો બનવાથી તેની દોટ હવે એટલી ગાંડી, આંધળી અને દિશાહીન બનતી રહી છે કે સમગ્ર સૃષ્ટિને તે
પોતાની માલિકીની સમજી રહ્યો છે. એ હકીકત જેટલી વહેલી સમજાય એટલું માનવના જ હિતમાં છે કે સૃષ્ટિના સ્રોતો પર
આપણો અધિકાર જેટલો વધુ, એટલી જ તેને સાચવવાની આપણી જવાબદારી વધુ. આ વાંચનારમાંથી મોટા ભાગના લોકોને
લાગશે કે વાત સાચી છે, પણ તે પોતાને નહીં, સત્તાવાળાઓને કે
મોટા ઉદ્યોગગૃહોને આ લાગુ પડે છે. આપણે એમાં શું કરી શકવાના?
આ કટારમાં મુખ્યત્વે એક યા બીજા સાંપ્રત મુદ્દાઓને લઈને ‘આપણે શું કરી શકીએ?’ તેની નક્કર, વાસ્તવિક અને વ્યવહારુ ચર્ચા થતી આવી
છે. આવો એક મહત્ત્વનો મુદ્દો છે આપણી આસપાસના જીવોનો. આ જીવોમાં આપણા રોજબરોજના
સંપર્કમાં આવતા શેરીનાં કૂતરાંઓ મુખ્ય છે. શેરીનાં કૂતરાંઓનો ઉલ્લેખ થતાં જ આપણા
મનમાં નકારાત્મક તરંગો પેદા થવા લાગે છે. મોડી રાત્રે ભસીને ઉંઘમાં ખલેલ પહોંચાડતાં
કૂતરાં, વાહનો પાછળ દોટ મૂકીને અકસ્માતની શક્યતા સર્જતાં
કૂતરાં, ક્યારેક કરડીને જાનનું જોખમ ઉભું કરતાં કૂતરાં. ટૂંકમાં અનેક રીતે કૂતરાં દૂષણરૂપ છે અને તેમનું કંઈક કરવું જોઈએ એમ સૌને
લાગે છે. મૂંગા જીવો પ્રત્યે જીવદયા દાખવવાનો અને એ રીતે ધર્મનું આચરણ કરવાનો દાવો
આપણે કરીએ છીએ, પણ એમ કરવા પાછળ પુણ્ય કમાવાનો આપણો સ્વાર્થ
હોય છે. તેથી પોતે હિંસા આચરવામાંથી છટકબારી શોધી લઈને અન્ય પાસે એ કામ કરાવી
લેવામાં આપણું પુણ્ય જળવાઈ રહે છે અને પેલું પ્રાણી પણ ઠેકાણે પડી જાય છે. ખરેખર આ
બાબતો વિષે ધર્મિષ્ઠ વ્યક્તિ તરીકે નહીં, એક નાગરિક તરીકે
વિચારવા જેવું છે.
અંદાજ અપના અપના |
આપણને જે પણ ચીજ નડતરરૂપ લાગતી હોય તેને નષ્ટ કરી દેવાના સ્વકેન્દ્રી સંસ્કાર
આપણે કેળવ્યા છે. આપણી આસપાસની સૃષ્ટિના અસ્તિત્ત્વનો સ્વીકાર કરીને તેની સાથે
સહજીવન કેળવવાનો પ્રયત્ન કરતાં આપણે શીખવાનું છે. જમીન કે મકાનની માલિકી આપણને સંપૂર્ણ સ્વકેન્દ્રી બનવાનો અધિકાર જરા પણ આપતી
નથી. આપણને કૂતરાં બાબતે જે સમસ્યા લાગે છે તે આપણી
દૃષ્ટિએ છે. કૂતરાં માનવ થકી થતી
સમસ્યાની યાદી બનાવે તો કદાચ એ વધુ લાંબી બને.
કૂતરાં બાબતે સૌથી મોટી અને ગંભીર ફરિયાદ
તેના કરડવા વિષેની હોય છે. આ ફરિયાદ સંપૂર્ણ સાચી હોવા છતાં આવી દુર્ઘટનાઓનું પ્રમાણ કેટલું? વક્રતા એ છે કે આનાથી અનેકગણી ગંભીર એવા માર્ગ
અકસ્માતોની ભયાનક વાસ્તવિકતાને આપણે સહજપણે અને આસાનીથી પચાવી જઈએ છીએ. ખરેખર જોઈએ તો માનવ-પ્રાણીની અથડામણ અપવાદરૂપે
હોય છે.
અન્ય પાલતૂ પશુઓની સરખામણીએ કૂતરું
સહેજ અલગ પડે છે. કૂતરું કદાચ એકલું
એવું પ્રાણી છે જેની પ્રકૃતિ માણસવલું થવાની છે અને એમ કરવા જતાં તે માણસે સર્જેલા
વાતાવરણનો મહત્તમ ભોગ બને છે. તે લાતો ખાય છે, હડધૂત થાય છે, બાળકોના પથ્થર ખમે છે, દોડવા જતાં આપણા ટ્રાફિકનું ભાન ભૂલે છે અને પરિણામે ભારે ઈજા પામે છે કાં મરે
છે. તે ગંદકી કરે છે, સાથે સાથે આપણી ઘણી ગંદકી સાફ પણ કરે છે, આપણી ગંદકીના કારણે તે ભારે માંદગીમાં પણ પટકાય છે. શહેરમાં જુવાનિયાઓ બાઈક ચલાવતાં પોતાનો પગ રોડ પર ઘસડીને થતા અવાજ વડે કૂતરાને
દોડાવવાનો ક્રૂર આનંદ માણે છે. બિલાડી પણ રખડતું પ્રાણી છે, પણ તે માણસવલું ન હોવાથી પોતાની સલામતી જાળવી રાખવામાં સફળ થાય છે.
ખરું જોતાં કૂતરાં આપણી આસપાસના
પર્યાવરણનો જ હિસ્સો છે. રખડતાં-ગલીનાં કૂતરાંની સમસ્યા બાબતે નગરપાલિકા કે મહાનગરપાલિકાની ભૂમિકા શી હોવી
જોઈએ એ પણ જાણવા જેવું છે. સામાન્ય રીતે સત્તાવાળાઓ રખડતા કૂતરાંઓને પકડીને લઈ જાય છે અને તેમનું ખસીકરણ
કરીને તેમને પાછા છોડી દે છે. કૂતરું પોતે એક ક્ષેત્રીય (ટેરિટરીયલ) પ્રાણી હોવાથી તે
પોતાના વિસ્તારનું રક્ષણ કરે છે અને તેમાં બીજાં કૂતરાંઓને પ્રવેશતાં અટકાવે છે. આથી ખરેખર તો કૂતરાંઓને જે વિસ્તારમાંથી પકડી જવામાં આવ્યાં હોય એ જ
વિસ્તારમાં પાછાં મૂકી જવાં જોઈએ. સર્વોચ્ચ અદાલતે પૂરતા અભ્યાસ પછી આ બાબતે સ્પષ્ટ માર્ગદર્શિકા આપેલી છે કે
કૂતરાંને જ્યાં જન્મ્યાં હોય ત્યાં જીવવાનો અધિકાર છે. માનવીય રાહે તેમની વસતિને કાબૂમાં રાખવા માટે તંત્ર તેમનું ખસીકરણ ભલે કરે, પણ ખસીકરણ બાદ તેમને પાછા તેમના મૂળ વિસ્તારમાં જ
છોડવા રહે છે. આનો અર્થ એ થયો કે
કુદરતના કાનૂન અનુસાર આપણે કૂતરાંને મારી હટાવી શકીએ તેમ નથી જ, સાથે સાથે આપણે પોતે ઘડેલા કાનૂન અનુસાર પણ તેમ કરી શકાય નહીં અને એમ થાય તો
ગુનો બને છે. માણસ સિવાયના અન્ય
જીવમાત્રથી નિઃસ્પૃહ હોય તેવી કોઈ વ્યક્તિને લાગે કે કૂતરાં માટે આટઆટલી માથાકૂટ
કેમ? એ એટલા માટે કે
તેનામાં જીવ છે અને આપણી જેમ તે પણ આ ધરતીના નિવાસી છે.
આપણી આસપાસના પર્યાવરણને સ્વીકારીને જીવવું જરૂરી છે. કબૂતર, કાગડા, કીડી કે
કૂતરા જેવા જીવો પણ તેનો જ હિસ્સો છે. કૂતરા માટે બહુ પ્રેમ ન ઉભરાઈ જાય તો કંઈ
નહીં, તેનામાં જીવ છે
અને તેને વગર કારણે હેરાન કરવાનો આપણને કશો અધિકાર નથી એ સમજવું રહ્યું. પશુપ્રેમી
નહીં, પણ એક સંવેદનશીલ નાગરિક તરીકે આપણે કેટલીક બાબતોનો અમલ
કરવો જોઈએ, જે નાગરિકધર્મનો જ ભાગ છે.
આપણા વિસ્તારમાં કોઈ કૂતરું વધુ પડતું આક્રમક જણાતું હોય તો તંત્રને જાણ કરવી. તંત્ર દ્વારા કરવામાં આવતા ખસીકરણથી તેની આક્રમકતા આપોઆપ ઘટી જાય છે. એ પણ જરૂરી છે કે માબાપ તેમજ શિક્ષકો પોતાના બાળકને એટલી શિસ્ત શીખવે કે
કૂતરાને કનડવાને બદલે તેમના પ્રત્યે સંવેદનશીલતા કેળવાય. કૂતરાનો ડર રાખતાં કે તેના પર દાદાગીરી કરતાં શીખવવાને બદલે વડીલો બાળકોને
કૂતરાનું અસ્તિત્વ સ્વીકારતાં
શીખવે. તેની સાથે દોસ્તી નહીં, તો કમ સે કમ સહજતા શીખવે. કૂતરાને વહાલભર્યો પુચકારો, એકાદ બિસ્કીટ કે સૂકી રોટલીથી આ કામ
આસાનીથી થઈ શકે. વધેલું ખાવાનું
ફ્રીજમાં ધરબી રાખવાને બદલે, તે બગડી જાય તે પહેલાં નિયત ખૂણે ઠાલવી આવવાથી કૂતરાં સાથે સહજતા કેળવાશે. એ રીતે પોતાના વિસ્તારના કૂતરાઓનો ડર ઓછો થશે. ડર કે દાદાગીરી કરતાં દોસ્તી હંમેશાં બહેતર વિકલ્પ છે. કૂતરું તમારા વાહન પાછળ દોડતું હોય તો ધીમે રહીને થોભી જાવ. કૂતરું કરડશે નહીં, પણ આપોઆપ જતું રહેશે. આસપાસમાં ઈજા પામેલું કે રોગગ્રસ્ત કૂતરું દેખાય, તો પોતાના મૂલ્યવાન સમયમાંથી થોડી મિનીટ કાઢીને કૂતરા માટે કામ કરતાં સંગઠનને ફોન
કરો, જેથી તેઓ તેનો ઈલાજ
કરી શકે. આવું કરવાથી તમને ઊંડે
ઊંડે સંતોષ થશે. પરપીડન વૃત્તિ ધરાવતા, પણ બહારથી સામાન્ય જણાતા માણસોની પાશવી વૃત્તિનો ભોગ
મોટે ભાગે શેરીના કૂતરાંઓ બને છે. કોઈ વ્યક્તિ કૂતરા કે અન્ય પ્રાણી પ્રત્યે આવું પાશવીપણું દાખવતી દેખાય, તો તેને સમજાવીને અટકાવી શકાય. ન માને તો તેનો વિડીયો ઉતારીને પ્રાણી-સંગઠનને કે કોર્પોરેશનને જાણ કરવી. આમ કરવું પેલા પ્રાણીના તો ઠીક, આપણા ભલામાં છે.
વર્તમાન સમયમાં સંયુક્ત કુટુંબોને બદલે વિભક્ત કુટુંબોની સંખ્યા વધી રહી છે. આ સ્થિતિમાં પોતાની એકલતા ટાળવા માટે હવે કૂતરાંઓને પાળવાની પ્રથા ચલણી બની છે. પણ માણસ જેનું નામ! સ્વાર્થવશ તે પોતાનાં
સ્વજનોને છેહ દઈ શકતો હોય તો પાલતૂ કૂતરું શી ચીજ છે! પાલતૂ કૂતરાં, તેમના પ્રત્યે આપણું સ્વાર્થી વલણ અને તે માટે જરૂરી નાગરિકધર્મની વાત હવે પછી!
(વિશેષ આભાર: ક્ષમા કટારીયા)
(તસવીર: નેટ પરથી, ચિત્રાંકન: બીરેન કોઠારી)
('ગુજરાતમિત્ર'ની મારી કોલમ 'ફિર દેખો યારોં' માં ૩૧/૩/૨૦૧૬ ના રોજ પ્રકાશિત)
No comments:
Post a Comment