કોઈ પુસ્તકનું નામ 'શિક્ષણ થકી સશક્તીકરણ' જેવું હોય એટલે પહેલી છાપ એવી પડે કે આ કોઈ આંકડાકેન્દ્રી, અભ્યાસાત્મક પ્રકારનું નીરસ પુસ્તક હશે. તે શૈક્ષણિક સંસ્થાઓને માટે અમુક હેતુસર લખાયેલું હશે. માત્ર ૪૮ પાનાં અને ૫૦/- રૂ. જેવી, આજના જમાનાના હિસાબે નજીવી કિંમત ધરાવતા આ પુસ્તકમાં સામાન્ય વાચકને રસ પડે એવું શું હોવાનું? આવી આશંકાઓ જાગે. પણ એક વાર પુસ્તક હાથમાં લીધા પછી તમામ આશંકાઓ શમી જાય અને સહિયારા પુરુષાર્થની એવી એવી કથાઓ નજર સામે તરવરી ઉઠે કે બે ઘડી સ્તબ્ધ થઈ જવાય. એ સત્ય પણ સમજાય કે પુસ્તકનું નામ ચબરાકીયું હોય કે સીધુંસાદું, ખરું મહત્ત્વ તેની સામગ્રીની નક્કરતાનું છે. લેખનશૈલીની ફટકાબાજી કે અલંકારિક ભાષાનીય અહીં જરૂર નથી. આ પુસ્તક બહુ બહુ તો એક કલાકમાં, પ્રસ્તાવના સહિત પૂરું થઈ જાય, પણ દિવસો સુધી તેમાંની સામગ્રી મનમાં ઘૂમરાતી રહે અને પીછો ન છોડે.
આ પુસ્તકના લેખક તરીકે મારું નામ છે એને મને મળેલું બહુમાન ગણું છું. કોઈ પણ લેખકે તે આલેખ્યું હોત તો પણ ઉપરની વાતો એને લાગુ પડી શકત. કેમ કે, આ પુસ્તકની મૂળ વાત જ એટલી નક્કર અને વાસ્તવિક છે.
આ પુસ્તકના લેખક તરીકે મારું નામ છે એને મને મળેલું બહુમાન ગણું છું. કોઈ પણ લેખકે તે આલેખ્યું હોત તો પણ ઉપરની વાતો એને લાગુ પડી શકત. કેમ કે, આ પુસ્તકની મૂળ વાત જ એટલી નક્કર અને વાસ્તવિક છે.
શિક્ષણ થકી સશક્તીકરણ |
બિભત્સ સ્વપ્રચારના આ યુગમાં પોતાની કોઈ સુયોગ્ય વાત કહેતી વખતે ખચકાટ થાય અને વાંચનારાઓ આ લખાણને વાંચતા પહેલાં જ તેને લેખકની 'સિદ્ધિકથા' માની લે એવો ભય પણ અસ્થાને નથી. એ ભયને વહોરીને પણ આ પુસ્તકની આંતરકથા કહેવી જરૂરી બની રહે છે. કેમ કે, સૌએ એ જાણવી જરૂરી છે.
આ પુસ્તકનો પરિચય પ્રો. સંજય ભાવેએ 'વેબગુર્જરી' પર અહીં કરાવ્યો છે. અને આ પ્રવૃત્તિનો સંક્ષિપ્ત આલેખ મારા પોતાના લેખમાં પણ 'વેબગુર્જરી' પર અહીં વાંચવા મળી શકશે.
મારે અહીં વાત કરવી છે આ પુસ્તક શી રીતે લખાયું એ ઘટનાની. આ પુસ્તકમાં વર્ણવાયેલી પ્રવૃત્તિ, તેનાં પરિણામો વગેરે પાછળ વિચક્ષણ દૃષ્ટિ, નક્કર આયોજન અને તેને અમલમાં મૂકવા માટેનું લોખંડી મનોબળ જોઈએ. પોતાના સહકાર્યકરોની સહાય લઈને આચાર્ય પ્રો. ડૉ. હસિત મહેતાએ આ કામ પાર પાડ્યું અને હજી આગામી વરસોમાં પણ તે ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ પરિણામો મેળવી રહ્યા છે. કેવળ પ્રચારનાં ગતકડાંઓ થકી બોક્સ ઑફિસ છલકાવી દેતી કોઈ સામાન્ય ફિલ્મની 'સફળતા'ની ફોર્મ્યુલા પર મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા લાગી પડતા હોય, અને ઘરઆંગણે આવી અનોખી ઘટનાથી તેઓ અજાણ હોય એ કેવી વક્રતા!
માત્ર મેનેજમેન્ટ સંસ્થાઓની જ શા માટે વાત કરવી ? બાકીના નાગરિકો પણ આ પુરુષાર્થકથાઓ વિષે કેટલું જાણે છે?
પુસ્તકરૂપે આ કથાઓ શી રીતે આલેખાઈ તેની વાત અહીં લખવાનો ઉપક્રમ છે.
**** **** ****
“શું ચાલે છે હમણાં?”
તદ્દન ઔપચારિક, જવાબની અપેક્ષા
વિના પૂછાતો આ સર્વસામાન્ય સવાલ છે, જેના જવાબમાં
મોટે ભાગે ‘ખાસ કંઈ નહીં.’, ‘બીજું શું હોય?’, 'બસ, ચાલ્યા કરે છે!' વગેરે કહેવાતું હોય છે. પણ પ્રો. હસિત મહેતાને મળીએ
અને આ સવાલ પૂછીએ ત્યારે તેમાં ઔપચારિકતા નહીં, વિશુદ્ધ
જિજ્ઞાસા રહેલી હોય છે. એનું કારણ એ કે, હસિત મહેતા
સાહસિક પ્રકૃતિ ધરાવે છે, અને તેમનાં
સાહસોનું ક્ષેત્ર બહુ વિશાળ છે. કોઈ પણ બાબત માટે તેમના ફળદ્રુપ દિમાગમાં આગવી
કલ્પના હોય છે, અને એ કલ્પનાને
સાકાર કરવાનું લોખંડી મનોબળ. આ મનોબળ થકી પોતાની કલ્પનાને સાકાર કરવાની તેમની અનોખી
શૈલી છે. આ કારણે અમને મિત્રોનેય તે ઠીકઠીક વ્યસ્ત રાખે છે. આપવડાઈ વિના, જાતને કેન્દ્રમાં રાખ્યા વિના કેવળ
ઉદ્દેશ્યને કેન્દ્રમાં રાખીને તેમણે અનેકવિધ પ્રકારનાં પ્રકલ્પો સફળતાપૂર્વક પાર
પાડ્યાં છે. એ દરેક કથારૂપે અલગથી આલેખી શકાય એટલા દમદાર છે. તેથી જ અમારે મળવાનું બને ત્યારે તેમના નવા સાહસ અંગે જાણવાની ઈચ્છા
વ્યક્ત કરતો ઉપર મુજબનો સવાલ પૂછીએ. હસિતભાઈ જે તે
પ્રકલ્પની વાત વિગતે જણાવે, જે અમે રસપૂર્વક
સાંભળીએ, જરૂર પડ્યે
સવાલો પૂછીએ અને અમારી જિજ્ઞાસાનું શમન કરીએ. વડોદરાથી મહેમદાવાદ જતાં તેમની કૉલેજ
રસ્તામાં આવે એટલે ઘણી વાર છેલ્લી ઘડીએ ફોન કરીને મળવાનો અને ચાની ચુસકી લેતાં
લેતાં વાતોની લિજ્જત માણવાનો ટૂંકો કાર્યક્રમ પણ ગોઠવાઈ જાય.
હસિત મહેતા: સ્વપ્નને વાસ્તવમાં ફેરવવાની દુર્લભ ક્ષમતા |
નડીયાદની ‘મહિલા આર્ટ્સ
કૉલેજ’નું આચાર્યપદ સંભાળ્યા
પછી તેમનાં આવાં સાહસોની સંખ્યામાં સતત ઉમેરો થતો રહ્યો છે. આવી રીતે વાતવાતમાં એક
વાર તેમની કૉલેજ વિષે વાત નીકળી. તેમની કૉલેજ ફક્ત આર્ટ્સ કૉલેજ છે, અને તેમાં કેવળ આર્ટ્સના વિષયો ભણાવાય છે. આર્ટ્સનો
આજકાલ કોઈ ભાવ પૂછતું નથી,એવી સામાન્ય અને સાચી છાપ. એમાંય આ તો ફક્ત
મહિલાઓ માટેની કૉલેજ. નડીયાદમાં અન્ય કૉલેજો ‘કૉલેજ રોડ’ તરીકે ઓળખાતા ભદ્ર વિસ્તારના માર્ગ પર આવેલી છે. એ તમામમાં
સહશિક્ષણ હોવાથી સ્વાભાવિકપણે એમાં સંખ્યા વધુ હોય. શહેરમાંથી ત્યાં જવા માટે
વાહનો પણ આસાનીથી મળી રહે. તેમની સરખામણીએ આ મહીલા કૉલેજ અન્ય કૉલેજોથી તદ્દન સામા છેડે, નડીયાદ-મહેમદાવાદ રોડ પર, પ્રમાણમાં પછાત કહેવાય એ પ્રકારના વિસ્તારમાં આવેલી છે. અહીં કોઈને
સરખું કામ ન કરવું હોય તો કશા બહાનાની સુધ્ધાં જરૂર ન પડે એટલી પ્રતિકૂળતાઓ છે.
અને ખરેખર કશું કરવું હોય તો ઝીલી શકાય એ તમામ પડકારો છે. આથી અહીં પૂરતી સંખ્યા
થઈ રહે છે કે કેમ, એમ પૂછતાં હસિત
મહેતાએ એટલું જ કહ્યું કે સંખ્યા દર વરસે ઉત્તરોત્તર વધતી જાય છે. આ સાંભળીને મારાથી
સહજપણે પૂછાઈ ગયું, “એ શી રીતે બને?”
ચાર શબ્દોના આ સવાલનો જવાબ છેવટે ચાલીસ-પચાસ પાનાંની આ પુસ્તિકા સુધી દોરી ગયો. હસિતભાઈએ પહેલી વાર જે વાત ટુકડે ટુકડે જણાવી એમાં મને એટલો રસ પડ્યો કે આનું કોઈક રીતે દસ્તાવેજીકરણ કરવાનો પ્રસ્તાવ મેં મૂક્યો. તેમની અવઢવ સમજી શકાય એવી હતી. જાતની કે સંસ્થાની પ્રશંસા યા પ્રસિદ્ધિ પોતાના મુખે ન થાય એવી તેમની સ્પષ્ટ સમજણ. છેવટે અમે એક વાત નક્કી કરી કે હું તેમની કૉલેજમાં કામના દિવસે આવું, હસિતભાઈ પોતાના મોંએ કશું કહે તેને બદલે તમામ પ્રાધ્યાપક-પ્રાધ્યાપિકાના ઈન્ટરવ્યૂ હું લઉં, સંબંધિત સામગ્રી મારી સાથે લઈ જાઉં અને એ પછી મને ઠીક લાગે એ સ્વરૂપે લખું.
એ રીતે એક દિવસ ફોનથી નક્કી કરીને હું નડીયાદ પહોંચી ગયો. સૌ પ્રાધ્યાપક-પ્રાધ્યાપિકાઓ પોતાના કામનો અહેવાલ લઈને આવેલાં હતાં. લગભગ ત્રણ-ચાર કલાક સુધી સાત-આઠ
પ્રાધ્યાપક-પ્રાધ્યાપિકાઓ સાથે બેસીને અમે ઘણી વાતો કરી, અનેક સવાલોના
જવાબ મેળવ્યા. આ વાતચીત દરમ્યાન મને એટલો અંદાજ આવી ગયો કે આ આખી કથા સહિયારા
પુરુષાર્થની છે, અને તેમાં
જબરદસ્ત ક્ષમતા રહેલી છે. દરેક પ્રાધ્યાપકોએ પોતે લખેલા અહેવાલો ઉપરાંત તેમણે
મેળવેલી અને તૈયાર કરેલી અનેક વિગતોની ફાઈલના થોકડા લઈને હું પાછો આવ્યો. ત્યાં
સુધીમાં મનમાં એક સ્પષ્ટ ચિત્ર ઉપસી ચૂક્યું હતું. ઘેર આવ્યા પછી ફાઈલોના થોકડા
ખોલ્યા અને જોવાનું શરૂ કર્યું. હતી તો એમાં ફોર્મના સ્વરૂપે ભરાયેલી વિગતો, પણ એક એક ફોર્મ આગવી સંઘર્ષકથા સમાન હતું, જેમાંથી વર્તમાન સમાજનો એક વિશિષ્ટ ચહેરો
ઉપસતો હતો. તેમાં દલિત, વંચિત, ઉપેક્ષિત કે ઉજળીયાત ગણાતાં તમામ વર્ગોના અનેક
કુટુંબોની વિગત સમાયેલી હતી, જેમાં સામાન્ય બાબત કેવળ એક જ હતી. એ હતી શિક્ષણના અભાવની, અને તેના મૂળમાં રહેલાં અનેક કારણોમાંનું
મુખ્ય હતું નબળી આર્થિક સ્થિતિ.
તમામ સામગ્રીના અભ્યાસ પછી કરેલી અનેક નોંધો
તેમજ ઈન્ટરવ્યૂમાં મળેલી માહિતીના આધારે લખાણ શરૂ કર્યું. લખાણમાં અમુક બાબતો ન જ લેવી અને અમુક જ બાબતો લેવી એવી સ્પષ્ટ સમજણ અને ચર્ચા હસિતભાઈ સાથે અગાઉ થઈ ગઈ હતી. ભરપૂર વાર્તાત્મકતા ધરાવતી કથાઓમાં મારે કશા રંગ ઉમેરવાના ન હતા. પણ તેને સંક્ષિપ્ત કરીને બને એટલી ટૂંકમાં એ રીતે આલેખવાની હતી કે એમાં આર્થિક, સામાજિક, મનોવૈજ્ઞાનિક વગેરે પાસાંઓ સુપેરે ઉપસી આવે. સાદી ભાષામાં કહીએ તો લખાણમાં જરાય મેદ ન હોવો જોઈએ, તેમ એ સાવ 'દૂબળું' પણ ન હોવું જોઈએ. સીધીસાદી સપાટ વાતમાં ઘણા લોકો જાતજાતના રંગ પૂરવાનો દુરાગ્રહ રાખતા જોયા છે, તેની સામે હસિત મહેતાની 'બ્રીફ' સાવ વિપરીત હતી. તેમનું સ્પષ્ટપણે માનવું હતું કે આ કથાઓ જેવી છે એ જ સ્વરૂપે, ફક્ત યોગ્ય રીતે ગોઠવીને જ આલેખાય તો પણ વાંચનારના મનને વીંધવા માટે સક્ષમ છે.
મારે ઢગલાબંધ કિસ્સાઓમાંથી વિવિધ પરિસ્થિતિના પ્રતિનિધિરૂપ કિસ્સાઓ વીણવાના હતા અને તેને નવેસરથી, તોડમરોડ વિના સચોટપણે આલેખવાના હતા. બીજી એક બાબત એ પણ સ્પષ્ટ હતી કે આ કૉલેજની શિક્ષણપદ્ધતિ તેમજ અન્ય સફળતાની વાતને આમાં સમાવવાની ન હતી. એ બધી વાતો, અલબત્ત, જરૂરી હતી, પણ એ વિગતો ઉમેરવાથી કન્યાઓને કૉલેજ સુધી લાવવાના પ્રચંડ પુરુષાર્થની જે કથાઓ છે એની પરથી ધ્યાન હટી જાય એમ હતું. બાકી આવો મોકો કોઈ છોડે? પણ હસિત મહેતા અહીં જ બીજાઓથી નોખા તરી આવે છે. તેમનું ધ્યાન પક્ષીની આંખ તરફ જ હોય છે.
બહુ ઝડપથી સમગ્ર લખાણ તૈયાર થઈ ગયું. એ થયા પછી હસિતભાઈને તે જોવા માટે મોકલ્યું. મારી ઈચ્છા બને તેટલી ઝડપથી આ લખાણને મારા બ્લોગ પર મૂકવાની અને એ પછી અન્યત્ર પ્રકાશિત કરવાની હતી. પણ હસિતભાઈએ મને ‘રુક જાવ’નો આદેશ આપી દીધો. કેમ? મને આ કામ સોંપ્યું, એ મેં આગળ વધાર્યું અને હવે એને પૂરું કર્યું, છતાં તેમને હજીય લાગતું હતું કે આ રીતે પોતાની સિદ્ધિની વાત જાતે કરવી ઠીક ન કહેવાય. તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ વાત લોકો સુધી પહોંચવી જ જોઈએ. પણ તેમના મનનું સમાધાન ન થયું.
દરમિયાન હું પણ બીજા કામમાં વ્યસ્ત થઈ ગયો. આમ ને આમ, દોઢ બે વરસનો ગાળો વીતી ગયો. આખરે ૨૦૧૪ના ઑગસ્ટમાં અમે બે દિવસનો એક પ્રવાસ કર્યો એમાં ફરી પાછી આ વાત ઉખળી. કમ સે કમ, બ્લોગ પર આ વાત મારી રીતે લખવા દેવાની વિનંતી મેં કરી. વચ્ચે વીતેલાં બે વરસની પણ વિગત એમાં ઉમેરી દેવાની વાત કરી. આવી કથાનું પ્રકાશન પણ થવું જોઈએ, એવો ફરી તેમને આગ્રહ કર્યો. તે સહેજ નરમ બન્યા હોય એમ મને લાગ્યું.
મારે ઢગલાબંધ કિસ્સાઓમાંથી વિવિધ પરિસ્થિતિના પ્રતિનિધિરૂપ કિસ્સાઓ વીણવાના હતા અને તેને નવેસરથી, તોડમરોડ વિના સચોટપણે આલેખવાના હતા. બીજી એક બાબત એ પણ સ્પષ્ટ હતી કે આ કૉલેજની શિક્ષણપદ્ધતિ તેમજ અન્ય સફળતાની વાતને આમાં સમાવવાની ન હતી. એ બધી વાતો, અલબત્ત, જરૂરી હતી, પણ એ વિગતો ઉમેરવાથી કન્યાઓને કૉલેજ સુધી લાવવાના પ્રચંડ પુરુષાર્થની જે કથાઓ છે એની પરથી ધ્યાન હટી જાય એમ હતું. બાકી આવો મોકો કોઈ છોડે? પણ હસિત મહેતા અહીં જ બીજાઓથી નોખા તરી આવે છે. તેમનું ધ્યાન પક્ષીની આંખ તરફ જ હોય છે.
બહુ ઝડપથી સમગ્ર લખાણ તૈયાર થઈ ગયું. એ થયા પછી હસિતભાઈને તે જોવા માટે મોકલ્યું. મારી ઈચ્છા બને તેટલી ઝડપથી આ લખાણને મારા બ્લોગ પર મૂકવાની અને એ પછી અન્યત્ર પ્રકાશિત કરવાની હતી. પણ હસિતભાઈએ મને ‘રુક જાવ’નો આદેશ આપી દીધો. કેમ? મને આ કામ સોંપ્યું, એ મેં આગળ વધાર્યું અને હવે એને પૂરું કર્યું, છતાં તેમને હજીય લાગતું હતું કે આ રીતે પોતાની સિદ્ધિની વાત જાતે કરવી ઠીક ન કહેવાય. તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ વાત લોકો સુધી પહોંચવી જ જોઈએ. પણ તેમના મનનું સમાધાન ન થયું.
દરમિયાન હું પણ બીજા કામમાં વ્યસ્ત થઈ ગયો. આમ ને આમ, દોઢ બે વરસનો ગાળો વીતી ગયો. આખરે ૨૦૧૪ના ઑગસ્ટમાં અમે બે દિવસનો એક પ્રવાસ કર્યો એમાં ફરી પાછી આ વાત ઉખળી. કમ સે કમ, બ્લોગ પર આ વાત મારી રીતે લખવા દેવાની વિનંતી મેં કરી. વચ્ચે વીતેલાં બે વરસની પણ વિગત એમાં ઉમેરી દેવાની વાત કરી. આવી કથાનું પ્રકાશન પણ થવું જોઈએ, એવો ફરી તેમને આગ્રહ કર્યો. તે સહેજ નરમ બન્યા હોય એમ મને લાગ્યું.
પ્રવાસેથી પાછા ફરીને તેમણે મને વચ્ચેનાં વરસોની વિગત મોકલી આપી, જેનો મેં પુસ્તિકામાં યોગ્ય ઠેકાણે સમાવેશ કરી દીધો. આ અરસામાં જ સુરતના દૈનિક ‘ગુજરાતમિત્ર’માં મારી સાપ્તાહિક કટાર 'ફિર દેખો યારોં' પણ ચાલુ થઈ. તેમાં પહેલવહેલી વાર આ પુરુષાર્થકથાનું આલેખન કર્યું. અલબત્ત, તેમાં જગા સાવ મર્યાદિત હતી, પણ આ કથા જ એવી પ્રબળ હતી કે તેણે ઘણાનું ધ્યાન ખેંચ્યું. દરમિયાન હસિત મહેતા આ પુસ્તિકા પોતાની રીતે પ્રકાશિત કરવાની તૈયારી કરી રહ્યા હતા અને એ તૈયારીઓ અંતિમ તબક્કામાં હતી.
દરમિયાન પ્રકાશિત થયેલો આ લેખ ઉર્વીશે આ લેખ વાંચ્યો એટલે તેણે મને વિસ્તારપૂર્વક પૂછપરછ કરી. પૂછપરછથી તેની જિજ્ઞાસા સંતોષાવાને બદલે બેવડાઈ અને તેણે મારી લખેલી પુસ્તિકા વાંચવાની માંગણી કરી. એટલું જ નહીં, તેનું પ્રકાશન ‘સાર્થક પ્રકાશન’ દ્વારા થવું જોઈએ, એવો પ્રસ્તાવ-કમ-નિર્ણય પણ જણાવી દીધો. હજી હસિત મહેતાને આ વાતની જાણ થઈ ન હતી. તેથી ઉર્વીશના આ નિર્ણયની તેમને જાણ કરીને તેમને 'આગળ વધતા' ટકાવ્યા.
‘સાર્થક પ્રકાશન’ આમ મિત્રોનું જ કહેવાય, પણ તેનાં ગુણવત્તાનાં ધોરણોમાં કશી ભાઈબંધી ચાલતી નથી. પોતે પુસ્તિકા વાંચ્યા પછી પ્રથા મુજબ ‘સાર્થક’ના બીજા મિત્રોને પણ તેણે પુસ્તિકા વાંચવા માટે મોકલી આપી. વાંચ્યા પછી સૌએ એક અવાજે પોતાનો નિર્ણય જણાવ્યો અને એમ ‘સાર્થક પ્રકાશન’ દ્વારા આ પુસ્તક પ્રકાશિત થાય એમ ઠરાવાયું.
ઘણી વાર એમ લાગે છે કે કોઈ કાર્યમાં થતા
વિલંબથી આપણે નકામા નિરાશ થઈ જઈએ છીએ. ક્યારેક તે લાભદાયી નીવડે છે. અગાઉ
કે.કે.સાહેબનાં સંભારણાં ‘ગુઝરા હુઆ ઝમાના’ના પ્રકાશન વખતે પણ આવો અનુભવ થયો હતો, જે અહીં પુનરાવર્તિત થયો. આ પુસ્તિકા લખાઈ ત્યારે 'સાર્થક પ્રકાશન'નું વિચારબીજ પણ નહોતું જન્મ્યું, પણ તેના પ્રકાશનનો યશ 'સાર્થક પ્રકાશન' ખાતે લખાયો હશે, એમ માનવાનું મન થાય એ સ્વાભાવિક છે.
આ કથા કોઈ એક વ્યક્તિની સફળતાની કથા નથી, પણ સહિયારા પુરુષાર્થની પાછળ સ્પષ્ટ દૃષ્ટિ
અને દૃઢ મનોબળ હોય તો કેવું પરિણામ મળી શકે તેનું જીવંત ઉદાહરણ છે. કૉલેજની
શૈક્ષણિક તેમજ વિદ્યાર્થીઘડતરની અન્ય પ્રવૃત્તિઓ અને તેની ઝળહળતી કથાઓ હજી
આલેખવાની બાકી રહે છે. એ આલેખવા બેસીએ
તો તેની આડમાં આ પાયાની કથાને અન્યાય થાય એવો પૂરો સંભવ હોવાથી તેને હમણાં બાકી
રાખી છે. ભવિષ્યમાં યોગ્ય સમયે તેનું આલેખન કરવાનો મોકો મળશે તો આનંદ થશે. હજી તો દર વખતે આ કથાઓમાં જ અવનવી કથાઓ ઉમેરાતી જાય છે. તેને પણ નવી આવૃત્તિ થાય તો તેમાં સમાવવાની લાલચ રહે છે.
દરેક કૉલેજ કે શૈક્ષણિક સંસ્થાઓ તો ઠીક, નક્કર કામ કરવાનું વલણ ધરાવનાર દરેક જણ આ
પુસ્તિકા વાંચે તો એને ખ્યાલ આવે કે સ્પષ્ટ દર્શન, દૃઢ મનોબળ અને
હકારાત્મક અભિગમ હોય તો ભલભલું અશક્ય જણાતું કામ પણ સંભવ બની શકે છે.
સફળતાની એક વિશિષ્ટ કથાનું આલેખન કરવાની તક
આપવા બદલ પ્રો. હસિત મહેતાનો આભાર માનું, પુસ્તિકાની સાદગીને સૌંદર્યનો ઓપ આપનાર અપૂર્વ આશરને શાબાશી આપું કે ‘સાર્થક પ્રકાશન’ને તેના પ્રકાશન
બદલ ધન્યવાદ દઉં તો મારો પોતાનો જ આભાર માનતો હોઉં એમ લાગે. આ પુસ્તકના આલેખનમાં
સહયોગ આપનાર મહિલા આર્ટ્સ કૉલેજના તમામ પ્રાધ્યાપકો-પ્રાધ્યાપિકાઓનો અંત:કરણપૂર્વક
આભાર અને સૌને હૃદયપૂર્વકનાં અભિનંદન. તેમણે પ્રગટાવેલી આ શિક્ષણજ્યોત નક્કર કાર્ય
કરવામાં માનનારા અનેકો માટે પથદર્શક મશાલ બની રહે એ જ ભાવના અને શુભેચ્છા.
શિક્ષણજગત સાથે સંકળાયેલા તેમજ ન સંકળાયેલા હોય
એવા સૌ કોઈને આ પુસ્તકમાં રસ પડશે, એની મને ખાતરી
છે. હસિત મહેતાનો સંપર્ક ફોન નં. +91 98257 80889 પર કે ઈ-મેલ દ્વારા hasitlimisha@gmail.com પર કરી શકાશે.
'ટાઈમ્સ ઑફ ઈન્ડીયા'માં સઈદ ખાને આ કથાની નોંધ લીધી, તો ઉર્વીશે 'ગુજરાત સમાચાર'માં તેના વિષે લેખ લખ્યો, જે અહીં વાંચી શકાશે . આ સિવાય જેમને પુસ્તકો મોકલવામાં આવ્યા એમાંના ઘણાના પ્રતિભાવ આચાર્ય પર તેમજ મારા પર આવ્યા.
Translated Book |
આ પુસ્તકનો સુંદર અંગ્રેજી અનુવાદ ઈશાન ભાવસાર અને નિશા પરીખે કર્યો છે, જે પણ 'સાર્થક પ્રકાશન' દ્વારા જ 'Empowerment through Education' ના નામે પ્રકાશિત થયો છે.
'સાર્થક પ્રકાશન'ની વેબસાઈટ પરથી ગુજરાતી પુસ્તક કે અંગ્રેજી પુસ્તક ઘેરબેઠાં માત્ર પચાસ રૂપિયામાં ભારતભરમાં ગમે ત્યાં મંગાવી શકાય છે કે spguj2013@gmail.com પર ઈ-મેલ કરીને પણ કહી શકાય છે. કાર્તિક શાહને 98252 90796 પર સીધો ફોન કરીને કે વોટ્સેપ દ્વારા પણ પોતાની વિગતો મોકલીને જાણ કરી શકાય. 'સાર્થક પ્રકાશન, ૩, રામવન એપાર્ટમેન્ટ્સ, નિર્માણ હાઈસ્કૂલ પાસે, દિલીપ ધોળકીયા માર્ગ, ૬૭, નહેરુ પાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ-380 015 પર સીધો મનીઓર્ડર પણ કરી શકાય કે આ જ સરનામે 'SAARTHAK PRAKASHAN' ના નામનો ચેક મોકલી શકાય. સીધા બેન્ક ખાતામાં જમા કરાવવા હોય તો ખાતાની વિગતો આ સંપર્ક પર પૂછાવી શકાય. અને આટલી તસ્દી પણ ન લેવી હોય તો......! પ્રયત્નો અને પુરુષાર્થની અનોખી કથા વિષે આટલું જાણ્યા પછી વાંચવા માટે આટલી તસ્દી પણ લેવા માંગતા ન હો તો કોઈ હોટેલમાં જઈને પચાસ રૂપિયામાં જેટલું મળે એટલું ખાઈ લેશો તો પણ ચાલશે. મૂળ વાત એ છે કે ક્યાંક આવું સારું કામ થયું હોય તો એનો આનંદ વ્યક્ત કરવા માટે પચાસ રૂપિયા ક્યાંક ખર્ચાવા જોઈએ.
તમે પોતે વાંચો, કોઈકને વંચાવો, શાળાઓમાં ભેટ આપો, કૉલેજોમાં વહેંચો, કે ફોન પર બોલીને જણાવો, પણ વધુ ને વધુ લોકો સુધી આ વાત પહોંચે એ જરૂરી છે. આ પુસ્તકનું આલેખન બીજા કોઈએ કર્યું હોત કે પ્રકાશન અન્ય કોઈએ કર્યું હોત તો પણ મારે એટલું જ કહેવાનું હોત કે સાંપ્રત સમયની આ અદ્ભુત ઘટના વિષે આટલું જાણ્યા પછી પણ તમે અજાણ રહેવા માંગતા હો તો પછી શિક્ષણના કથળેલા સ્તર વિષે કે ઓસરતાં જતાં સામાજિક મૂલ્યો વિષે અભિપ્રાય આપવાનો અધિકાર તમે ગુમાવી દો છો.
અગાઉ ઉલ્લેખ કર્યો એવા, મને પ્રતિભાવ પાઠવનારા પેલા મહાનુભાવોની હરોળમાં તમે કશા પ્રયત્ન વિના આવવા માંગો છો? તો તમારે માત્ર એક જ સવાલ પૂછવાનો રહે છે કે: 'મારે આ પુસ્તક શી રીતે મંગાવવું?'
**** **** ****
(પ્રાધ્યાપકો-પ્રાધ્યાપિકાઓ જે સ્થળોએ ગયાં અને જે લોકોની મુલાકાત લીધી તેની આ ચૂંટેલી બોલતી તસવીરો છે. આ તસવીરોમાં દેખાતાં પાત્રો અને બૅકગ્રાઉન્ડ આખી કથા કહી દે છે.)
'તમે એક વાર દીકરીને મોકલી દો, પછી જવાબદારી અમારી'. |
'જુઓ દાદા, દીકરી કૉલેજ આવશે તો કંઈક શીખશે.' |
'બેટા, આટલી વિગત લખાવ ને !' |
'તે મેડમ, અમારાથી હૌ અવાય કૉલેજ?' |
'હાશ! છેવટે તારું ઘર જડ્યું ખરું!' |
'અંઅં...હા! આગળ ભણવાની ઈચ્છા ખરી!' |
'લખો, સાયેબ! આગળ નહીં ભણવાનું કારણ છે...' |