Sunday, November 10, 2013

બાઈક પર બોધિવૃક્ષ

- ઈશાન ભાવસાર

(અમદાવાદ રહેતો મિત્ર ઈશાન ભાવસાર અગાઉ અહીં ભદ્રના કિલ્લાની મુલાકાતનો રસપ્રદ અહેવાલ લખી ચૂક્યો છે. આ વખતે તેણે એક અનુભવકથા આલેખી છે. આ કથા વિષે વધુ કંઈ કહેવાને બદલે તેને વાંચવાનો આરંભ જ કરી દો અને વાંચી લીધા પછી યાદ કરો કે તમારી સાથે આવું ક્યારે બન્યું હતું.) 

ગ્રહમાળામાં ગુરુનું જે સ્થાન હોય એ, પણ આપણી ભારતીય પરંપરામાં 'ગુરુ'નું સ્થાન કંઈક વધારે પડતું મહત્વનું છે. કમનસીબે આપણા લોકો 'શિક્ષક'ને 'ગુરુ' માની લેવાની ભૂલ કરતા હોય છે. દત્તાત્રેયે ચોવીસ ગુરુ કર્યા હોવાની વાત છે. પણ વર્તમાન જગતમાં ઘણા લોકો દત્તાત્રેયથી ચાર ડગલાં આગળ હોય છે. તેઓ સામેવાળા દરેકને 'ગુરુ'ના સંબોધનથી સંબોધે છે. અહા! જ્ઞાનપ્રાપ્તિની શી તત્પરતા! એક વ્યાખ્યા મુજબ 'ગુર' શીખવે એ 'ગુરુ'. વાત સાચી છે. ઘણા 'ગુરુ'ઓ પોતે 'ભગવાન' હોવાનો દાવો કરે છે. તો એથી વિરુદ્ધ ઘણા શિક્ષકો પોતે સદાય વિદ્યાર્થી હોવાનો દાવો કરે છે. દુન્યવી વ્યાખ્યા મુજબ આપનો વિશ્વાસુ પણ વ્યવસાયે 'શિક્ષક' એટલે કે 'પ્રાધ્યાપક' છે, છતાં વૃત્તિએ વિદ્યાર્થી છે. અલબત્ત, આ બાબતની વિદ્યાર્થીઓને ખબર નથી. આને કારણે 'ગુરુ'ની ભૂમિકાઓ ઘણી વાર બદલાઈ જાય છે. આપણે ગયા હોઈએ જ્ઞાન (ખરેખર તો માહિતી) આપવા, પણ સરવૈયું માંડીએ તો ખબર પડે કે આપણે જ્ઞાન મેળવીને સમૃદ્ધ થઈ રહ્યા છીએ. 
આવી અટપટી ભૂમિકા પછી જે જણાવવા માટે આ ભૂમિકા બાંધવાની ફરજ પડી એ બોધકથા. 
એક દિવસની વાત છે. ગાંધીનગરમાં હાલ જ્યાં અધ્યાપનકાર્ય માટે જાઉં છું એ કૉલેજનો સમય પૂરો થયો. સાંજે અમદાવાદ પાછા ફરવાનું હતું. મારી બાઈકને કીક મારવાની તૈયારી કરી રહ્યો હતો. અચાનક એક ગોળાકાર માનવાકૃતિ પ્રગટ થઈ. 
ગુણવંતરાય આચાર્યની દરિયાઈ કથાઓમાં આવે છે એમ એ માનવાકૃતિના કપાળે વહાણના લંગર આકારનો જૂનો ઘા હતો. શરીર બેઠી દડીનું. ચહેરો પરિચિત લાગ્યો. અરે હા! યાદ આવ્યું. આ તો પ્રથમ વર્ષનો મારો વિદ્યાર્થી! કંઈક અપેક્ષાએ એ મારી તરફ જોઈ રહ્યો હોય એમ લાગ્યું.પરીક્ષા હજી થઈ નહોતી, એટલે માર્ક્સ અંગે વાત નહીં હોય એમ ધારીને મેં સીધું જ પૂછ્યું,
શું હતું?”
સાહેબ, અમદાવાદ જાવ છો?” દડી બોલી.
હા.”
મને લેતા જશો? સિવિલ (હોસ્પીટલ) જવું છે. મારાં મમ્મીને ત્યાં દાખલ કરેલાં છે. દડીએ એક શ્વાસે વિનંતી, હેતુ અને માહિતીનું ફ્યુઝન કર્યું.
  કેમ નહિ? ચાલો. બેસી જાઓ. એક કરતાં બે ભલા એમ વિચારીને મેં વગર વિચાર્યે તેમની વિનંતી-કમ-અરજી સ્વીકારી લીધી.
પાછલી સીટ પર એ શરીર ગોઠવાયું. અમારી બાઈકસફરનો આરંભ થયો.


બાઈકરથ 
ત્યારે ક્યાં ખબર હતી કે અમારી વચ્ચે થનારા આ સંવાદ કેવળ ઔપચારિક વાતચીત ન બની રહેતાં જ્ઞાનબોધની ઉંચાઈને પામવાના છે! ચાલુ બાઈકે મેં જ વાતચીત આરંભી.
શું કરો છો?” આ દડીનો પરિચય જાણવા મેં પૂછ્યું.
“’ચીટાહીમાં ફ્લોર મેનેજર છું, સાહેબ. યુ.પી.એસ., એ.સી., અર્થીંગ એવું બધું સંભાળવાનું. જવાબ મળ્યો.
હા, હા, યાદ આવ્યું. તમે અગાઉ જણાવેલું. બરાબર.મને યાદ આવી ગયું. દડી તરફ વળી સવાલનો દડો ગબડાવતાં પૂછ્યું, તો તમે અહીં આર્ટસમાં કેમ કરતાં આવી ચડ્યા?”
જી.પી.એસ.સી.ની તૈયારી કરવાની છે, સાહેબ. દડીએ સવાલના દડાને સહેજ મોડ આપ્યો. 
અનાયાસે હું એ તરફ ફંટાયો અને પૂછ્યું,
 ક્યા વિષયમાં આપશો?”
 હીસ્ટ્રીમાં, સાહેબ. આ તો શું કે મામલતદાર-તલાટીની તૈયારી થાય ને! આર્ટસ લેવાનું કારણ તો અંગ્રેજી જરા એ બહાને પાકું થાય એ છે, સમજ્યા ને સાહેબ?”
હું ન સમજ્યો. મોંમાંથી હેં?” ઉદ્‍ગાર નીકળી ગયો. આગળ પૂછ્યું, “હં...તો કોઈ કોચિંગ ક્લાસમાં જાવ છો?”
અરે હા, હા, સાહેબ. પેલી જી.એલ.એફ. એકેડેમીમાં જાઉં છું. મારા પપ્પા વકીલ છે. એમને મોટા મીનીસ્ટરો જોડે ઊઠવા- બેસવાનું થાય છે.આમ કહીને એ અટક્યો. પછી ગુપ્ત માહિતી આપતો હોય એમ કહે, કોઈ મીનીસ્ટરના પી.એ. થવા માટેના પ્રયત્નો પણ ચાલુ જ છે, સાહેબ.
હેં?” આ ભાઈની મહત્વાકાંક્ષા સાંભળીને વધુ એક વાર મારાં મોમાંથી ઉદ્‍ગાર નીકળી ગયો. એની કળ વળે એ પહેલાં દડી બોલી,  સાહેબ...એક વાત કહું?”
 હં...

તમે સંઘર્ષ બહુ કર્યો, હોં. એણે પ્રશંસાના સૂરે કહ્યું.
મને આનંદ તો થયો, પણ વિવેક કરતાં મેં કહ્યું, આભાર. પણ હજુ મારો સંઘર્ષ ચાલુ જ છે.
સાહેબ, હું તો ઝટપટ સફળતા મળે એમાં માનું છું. પેલી કહેવત તો તમે સાંભળી જ હશે. Justice delayed is justice denied.”  મારા આ વિદ્યાર્થીની વિચારવાનગી અને તેની ઉપર ભભરાવેલા અંગ્રેજી જુમલાથી હું ચીત થઈ ગયો. લાગ્યું કે આ કોઈ સાધારણ આત્મા નથી. એની પાસેથી વધુ ને વધુ જ્ઞાનનું દોહન કરી લેવું જોઈએ. કોને ખબર, ફરી એ મોકો ક્યારે મળે. થોડે આગળ જતાં રસ્તામાં મકાઈડોડાવાળા દેખાયા. ડોડા ખાવાને નિમિત્તે આ જ્ઞાની આત્મા સાથે એટલો વધુ સમય ગાળી શકાય એમ ધારીને મેં બાઈક ત્યાં ઉભું રાખ્યું. બે ડોડા લીધા. એક એ વિદ્યાર્થી-કમ-ગુરુ-જ્યાદાને આપ્યો. વિદ્યાર્થીની ગુરુવાણી આગળ ચાલી.
હા, સાહેબ...ને શું કહું છું, સાહેબ... મારુંય તમને એ જ કહેવું છે કે તમે બી ક્યાંક કાયમી નોકરી લઇ લો. ચાલો, તમને હિંમતનગર ટ્રાન્સફર કરાવી આપવાની જવાબદારી મારી...
તમે હિંમતનગરના લાગો છો. મેં હિંમતનગરનો ઉલ્લેખ સાંભળીને અટકળ લગાવી. 
પણ એ સવાલને અવગણીને તેણે કહ્યું,  હા. ને સુદર્શન સ્વદેશીજી ખરા ને? આપણા સબમરીન ખાતાના મંત્રીજી...!
 હં? હા,હા.
 એમનુંય કંઈ કામ હોય તો કહેજો.
મારાથી એવું કામ તો કહેવાય નહીં કે મારી પાકી નોકરીનું ગોઠવી આપો. એટલે પૂછ્યું, કેમ? તમારે કશી ઓળખાણ છે?”
મારા અજ્ઞાન પર હસતાં એ બોલ્યો,  અરે, ના ના, સાહેબ. પણ અમે બેય એક જ કાસ્ટના. વાત ત્યાં છે. સમજી ગયા ને?”
હંહં... ઘડીભર મને લાગ્યું કે આ મનખાદેહ મેં શા કારણે ધારણ કર્યો? એના કરતાં મકાઈડોડો બન્યો હોત તો? આગળ શું પૂછવું એ ન સૂઝતાં મેં મકાઈના ડોડાને બટકું ભર્યું અને પૂછ્યું: આખું નામ શું તમારું?”
દર્શન ભારતીય.
 હં, અચ્છા. હવે મારું ધ્યાન મોતી જેવા મકાઈદાણા ચણવામાં હતું.
દર્શનની વાણીસવારી આગળ ચાલી, શું કહું છું સાહેબ...હું પોલીટેકનીક કરતો હતો ને, ત્યાં એક સિવિલના સાહેબ હતા. બિલકુલ તમારા જેવા સીધા. લીટી જેવા અને સિદ્ધાંતવાદી. લેક્ચર લે અને ઘેર જાય. એમને મેં કીધું કે આ ભણાવવા બણાવવાને બદલે કોર્ટ-કચેરીમાં ફસાયેલો બાજુનો પ્લોટ તમે ખરીદી લો ને! સાહેબે કોઈકને એ વિષે પૂછ્યું હશે તો બધાએ કહ્યું કે આ તો ગાંડિયો છે એની વાત ના માનશો. પણ સાહેબને હું કહેતો રહ્યો કે આ પ્લોટ લગડી છે લગડી. જો જો તમે. સાહેબ છેવટે માન્યા. મારા પપ્પાએ મદદ કરી અને પ્લોટ સાહેબના હાથમાં ગયો. માનશો? સાહેબે પછી ત્યાં મોટું કોમ્પ્લેક્ષ બાંધ્યું. ને સાહેબ...એમણે ત્યાં એકેક દુકાન દીઠ બબ્બે લાખ રૂપિયા નફો ઉતારેલો. આપણને બી કડદાના સારા એવા પૈસા મળેલા. ખોટું નહીં કહું. હવે આજે એ સાહેબ લેવા ખાતર એકાદ બે લેક્ચર લે છે. બાકી એમનું બધું ધ્યાન મૂડીરોકાણોમાં જ છે. સમજ્યા ને સાહેબ?”
પેલા સીવીલના સાહેબ પ્રત્યે દયા અને ઈર્ષ્યાની મિશ્ર લાગણી મને થઈ આવી. પણ લાગ્યું કે આ બાબલાને મારે યાદ કરાવવું રહ્યું કે ભઈ, ગમે એટલું તોય તું વિદ્યાર્થી છું. એટલે મેં કહ્યું, એક વાત કહું?”
અરે, બે કહો ને, મારા સાહેબ. બાબલો ઉત્સાહમાં આવી ગયો હતો. 
તમને નથી લાગતું કે તમારે પી.એ. થવા કરતાં સીધા મંત્રી બનાવા માટેના જ પ્રયત્નો કરવા જોઈએ?”
અણધાર્યો બાઉન્‍સર આવ્યો હોય એમ એ ચોંક્યો, હેં?”
જુઓ. માનનીય સુદર્શનજી દીર્ઘાયુષ પામે એમ આપણે ઈચ્છીએ. પણ એ કંઈ અમરપટ્ટો તો લખાવીને આવ્યા નથી. એટલે તમારા કોન્ટેક્ટ્સ હજીય વધારતા રહો ને મંત્રી બનવાનું જ લક્ષ બનાવો. મનેય કોઈક દિવસ કામમાં આવશો.
મકાઈડોડો ખવાઈ રહ્યો હતો. હવે વારો હતો એ માટેનાં નાણાં ચૂકવવાનો. સ્વાભાવિકપણે મેં જ પાકીટ કાઢ્યું. એ ખોલીને તેમાંથી વીસ વીસની બે નોટ કાઢતો હતો એ સમગ્ર પ્રક્રિયા કૂતુહલવશ પેલા વિદ્યાર્થીગુરુ નિહાળતા રહ્યા અને પાકીટમાંથી મોટો ખજાનો નીકળવાનો હોય એમ ડોકીયું કરતા રહ્યા. ચાલીસ રૂપિયા ચૂકવીને અમે પાછા બાઈકરથ પર સવાર થયા. કૃષ્ણના સ્થાને એ હતા, છતાં તે પીલીયન રાઈડર બન્યા, જ્યારે અર્જુનના સ્થાને હોવા છતાં મારે સારથિ બનવાનું હતું. 
 જે સંદર્ભમાં તમે પેલી અંગ્રેજી કહેવત ટાંકી એ પરથી લાગે છે કે તમને વાંચવાનો શોખ હોવો જોઈએ. મેં વાતનો દોર સાંધતા કહ્યું.
હા સાહેબ...વાંચી લઈએ હવે...આપણી લાયબ્રેરીમાં ને બીજે બધે. નિ:સ્પૃહતાથી તેણે જવાબ આપ્યો. 
આપણી લાયબ્રેરી બહુ સમૃદ્ધ છે, નહિ?” મેં પૂછવા ખાતર પૂછ્યું.
એ તો હશે, સાહેબ. (સહેજ અટકીને) મેં પ્રિન્સીપાલને અને આપણા પ્રોફેસર્સને એક ઑફર કરેલી.
શું?”
કે અમારા જેવા ૫-૬ વિદ્યાર્થીઓના હાથમાં સત્તા આપો તો કોલેજમાં શિસ્ત ને બધું જળવાયેલું રાખીએ.
 તમે બહુ સારું કર્યું. પછી?”
 એ લોકો મારી વાત સમજ્યા તો ખરા, પણ કોઈ નિર્ણય પર ન આવી શક્યા.
 એટલે જ તો અમે પ્રોફેસર મૂઆ છીએ. મનમાં ને મનમાં હું બોલી ઉઠ્યો.
અરે,સાહેબ! આ તો કંઈ નથી. એક વાર મેં  ક્વિઝમાં ભાગ લીધેલો ત્યારે નીરમા યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલરને સુણાવી દીધેલું કે  તમે જેને શિક્ષણ કહો છો એ ખરેખર શિક્ષણ છે?
આ દડી હવે બ્રહ્મજ્ઞાનનો દડો બની રહી હોવાનો અહેસાસ મને થવા લાગ્યો. ઉત્સુકતાથી મેં પૂછ્યું, પછી?”
 પછી શું? મેં કહી દીધું કે આ બી.એસ.સી. ફી.એસ.સી. ને એવી ડીગ્રીઓ કંઈ શિક્ષણ નથી.
મારા બન્ને હાથે બાઈકનું સ્ટીયરીંગ પકડેલું હતું, નહીંતર તેમના આ અવતરણ પર સાક્ષાત તેમના ચરણોમાં લેટી જાત. 
તેણે વાત આગળ વધારી. કહ્યું કે સાંભળજો સાહેબ. education is what brings change, progress and character. હા. અને સાહેબે મારી દલીલ તરત સ્વીકારી લીધી.
એટલે એમણે તરત નીરમા યુનિવર્સીટી બંધ કરી દીધી?” મોંએ આવેલો પ્રશ્ન મેં મહાપ્રયત્ને ખાળી રાખ્યો.
દડીએ આગળ ચલાવ્યું,  સાહેબ...આજનો સમાજ કેવો છે, કહું?”
કેવો છે?” મેં અબુધની જેમ પૂછ્યું.
 પેલું ગધેડું દોડે ને કુતરું એની પાછળ દોડે. લોકો કુતરાને કહે કે હટ્ટ હટ્ટ. કુતરું આગળ દોડવા જાય તો ગધેડાની પૂંછડી ચાવી ખાય, કાં તો ગધેડાની લાતથી કુતરાનું મોં ભાંગે. પણ લોકોને તો બેય પરિસ્થિતિમાં મજા જ મળવાની છે. સમજ્યા ને સાહેબ?”
હેં....?” ‘ગુરુ ની અસીમ શક્તિના ચમકારા જોઈને હું ડઘાતો ચાલ્યો. પ્રતિભાવ આપવાના પણ હોશકોશ મારામાં રહ્યા નહીં.
'યુનિવર્સિટી ઓન વ્હીલ્સ'ની સાથે વાતોમાં આર.ટી.ઓ આવી ગયું એની ખબર જ ન પડી. બી.આર.ટી.એસના બસ સ્ટેન્ડ પાસે મેં બાઈક ઉભી રાખી અને ગુરુને ઉતરવા માટે અનૂકુળતા કરી આપી. ગુરુ ઉતર્યા તો ખરા, પણ ઉતરીને સીધા બાઈકની આગળ આવી ગયા અને મને આંતર્યો. સિવિલ સુધી તેમને જવું હતું. એ હેતુથી તેમણે મારી પાસે ફક્ત રૂપિયા વીસની માંગણી કરી. વરસાદી ઋતુ હોવાથી ગુરુ પાકીટ લીધા વગર નીકળ્યા હતા. મને થયું કે કાશ! હું ટાટા હોતે તો મીઠાપુરનો આખો પ્લાન્‍‍ટ એમના નામે કરી દેત. વીસ રૂપિયા તો શી ચીજ છે! બહુ દિલગીરી સાથે મેં કહ્યું, અરેરે! પૈસા તો બધા ડોડામાં જ પતી ગયા. રહો, હું ઉપરનું ગજવું જરા જોઈ લઉં.”  ઉપરના ગજવામાં ૫૦/- ની એક નોટ કેટલાય દિવસોથી આરામ ફરમાવતી હતી. એ જોઈને જ ગુરુની આંખમાં ચમક આવી ગઈ. છુટ્ટા કરાવવા પડશે. હજી તો મારું આ વાક્ય પૂરું થાય ન થાય ત્યાં જ ગુરુ દોડી ગયા અને સીધા પહોંચી ગયા નજીકના બસસ્ટેન્ડમાં બેઠેલા કન્ટ્રોલર પર પોતાના કામણ પાથરવા. પેસેન્જરો સાથે છુટ્ટા પૈસા બાબતે હંમેશા તકરાર કરતા રહેતા કન્ટ્રોલર પણ કદાચ ગુરુની દેહભાષાથી પ્રભાવિત થઈ ગયો હશે એટલે તેણે હોંશે હોંશે ૧૦-૧૦ની પાંચ નોટો ગણી આપી. મને ઉછીના આપતા હોય એવા વટથી ગુરુએ મારા હાથમાં ઝટપટ ત્રીસ રૂપિયા પકડાવી દીધા અને ઝડપી ડગલાં ભરતા ભીડમાં સમરસ થઇ ગયા. માત્ર વીસ રૂપિયા જેટલી તુચ્છ રકમમાં મને કેવું અમૂલ્ય જ્ઞાન બાઈકબેઠે પ્રાપ્ત થયું હતું. આ બાઈક જ મારું બોધિવૃક્ષ બની ગયું હતું. હું રાજકુમાર સિદ્ધાર્થ હોત તો ચોક્કસપણે આ સફરના અંતે બુદ્ધ બની ગયો હોત.મારા આ સદ્‍ભાગ્યનો વિચાર કરતાં જ ઘર સુધી ભૂખ્યા પેટે પહોંચવાનું બળ મળી રહેતું હતું. 

(નોંધ: ચિત્ર પ્રતિકાત્મક છે અને નેટ પરથી લીધું છે.
ફક્ત પાત્રોનાં નામ બદલ્યાં છે.) 

8 comments:

  1. હેડિંગ ફૂલવંત આહના કોઈ લેખનું હોય એવુ લાગે છે. પણ સરવાળે લેખનુ વિષયવસ્તુ અને તેમાં રજુ થયેલુ વર્ણન જોતાં હેડિંગ ગૌણ બની બાઈકની પાછલી સીટ શોભાવતો દડી મુખ્ય પાત્ર તરીકે ઉપસી આવે છે. સમગ્ર વાત લેખકે હાસ્યમિશ્રિત શૈલીમા વર્ણવી છે, પણ એટલા માત્રથી લેખક હાસ્યાસ્પદ બની જતાં નથી.
    'લિફ્ટ આપી લૂંટી લીધા' પ્રકારની છપાળવી ઘટનાથી લેખક સમગ્ર વર્ણવમાં દૂર રહી શક્યા છે એનાથી એવી ધારણા બાંધી શકાય કે લખનાર કામથી કામ રાખવામાં માને છે. નવોદિત લેખક 'સફારી'ના વાચક હોવાની જાણ શરૃઆતી લીટીઓમાં પ્રયોજેલા અસલી ગુરુ અને નકલી ગુરુના રૃપકમાંથી જ થઈ આવે છે.
    શરૃઆતમાં કોઈને એમ લાગી શકે છે કે જો પ્રાધ્યાકિય ગુરુ વિશે આ નિબંધાત્મક લખાણ હોય તો પછી એ શા માટે વાંચવુ? પરંતુ લેખકે ગુરુથી શરૃઆત કરી હોવા છતાં વાચક લધુ ન થઈ જાય તેનો ખાસ ખ્યાલ રાખ્યો છે.
    ગાંધીનગરથી (કોઈપણ દિશામાં) પરત ફરતી વખતે ભલભલાના જ્ઞાનમાં વૃદ્ધિ થતી હોય છે, એટલે લેખકશ્રીને જ્ઞાનામૃત મળ્યુ એ ઘટના ચરતી ગાય પાસે પંખીઓ કલશોર કરતા હોય એટલી જ સહજ છે.
    દડીને હિસ્ટ્રીમાં રસ છે એ એમની દુરંદેશી બતાવે છે કેમ કે નહેરુ સરદારની અંતિમક્રિયામાં નહોતા ગયા એવુ સાબિત કરવા ઈતિહાસનો અભ્યાસ કરવાની જરૃર રહેતી નથી. દડીમાં વકતૃત્વ અને નેતૃત્વના ગુણો પણ દેખાઈ આવે છે...
    'સાહેબ તમે બહુ સંઘર્ષ કર્યો..' એમ પુછી જો દડી માત્ર ગાડીચાલક પુરતો સવાલ કેન્દ્રિત રાખતો હોય તો વ્યાજબી ઠરે છે, પણ ભણાવનારા બધા સંઘર્ષ કરતા હોય એવુ માનવુ હાલના તબક્કે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા જેવુ ઉતાવળિયુ ગણાશે.
    ગાડીચાલક જ્યારે મંત્રી બનાવાની સલાહ આપે છે, ત્યારે જાણે દડીની વર્ષોની મહેનતની કદર થઈ હોય એવુ પ્રતિત થાય છે. ગાડી ચાલક શિક્ષકને વધુને વધુ જ્ઞાનવૃદ્ધિ માટે દડી અને ક્યારેક દડાઓ પણ મળતાં રહે એવી નવા વર્ષે શુભેચ્છા આપતા આ તકે હું મારી જાતને રોકી શકતો નથી!
    અસ્તુ.
    જયહિન્દ!

    ReplyDelete
    Replies
    1. aa tame shubhechcha api ke shrap !?!??! :D :D

      Delete
  2. જુદી જ ભાતના આ વ્યંગમાં શ્રી. ભાવસારે સુંદર શૈલીમાં હાસ્યરસમાં દિવાળી-ભેટ આપી છે. તેમની વાત share કરવા માટે આભાર, બીરેનભાઇ.

    ReplyDelete
  3. Getting such a great knowledge in Rupees forty is not bad.. Sundar ,ati sundar Ishanji.. Tame favi gaya ane ame rahi gaya !!!!!

    ReplyDelete
  4. ભાઇશ્રી ઇશાન ભાવસારે ફૅન્ટ્સીની શૈલીમાં મણ મણનાં વજનનાં કાટલાં થેલામાં ભરીને ફટકાર્યાં છે. મજા આવી, અમજા વી એમ મટ્ર બોલતા જવાનું અને બંને હાથોથી ચારે બાજુ પડેલા સૉલને પંઅપાળતા જવનું કામ કેટલું કાઠું હોય, તે સમજવા માટે આ લેખ જરૂર વાંચવો.

    ReplyDelete
  5. મજા પડી વાંચીને. કુતરા અને ગધેડા નું દ્રષ્ટાંત વાંચીને તો ખડખડાટ હસી પડયું.....ઓફિસમાં બધા જોવા માંડ્યા. :)

    careerzcentral.wordpress.com/

    ReplyDelete
  6. really interesting. but i am surprised how come Ishan was so late in getting his Bodhivriksh when they are aplenty ! i think i have more than enough experience and can write a whole ' how to handle such loafers' book on this parasite specie.

    ReplyDelete