Tuesday, July 9, 2013

મેરે પાસ 'મેઘદૂત' હૈ!


માલિકીભાવ બહુ બૂરી ચીજ છે. મેરે પાસ માઁ હૈની સંકુચિત ભાવના માને પોતાને નુકશાન કરે છે, સાથે એવી ભાવના ધરાવનાર સંતાનને પણ ઘણું નુકશાન કરે છે. માથી વંચિત રહેનારાઓનો વારો તો પછી આવે, કેમ કે એવા લોકોને મોટે ભાગે માના અસ્તિત્વ વિષે ખાસ ખ્યાલ જ હોતો નથી, અથવા તો માત્ર એટલો જ ખ્યાલ હોય છે.
માને સ્થાને ગુજરાતી સાહિત્યને મૂકો અને એ બોલનારના સ્થાને ગુજરાતીના અમુક પ્રાધ્યાપકો, અવગતે ગયેલા પ્રાધ્યાપકો તેમજ એ પ્રકારના અન્યોને મૂકો એટલે આખી વાત મનમાં સ્પષ્ટ થઈ જશે. અલબત્ત, સંજય ભાવે, ભરત મહેતા, હસિત મહેતા અને એ પ્રકારના પ્રાધ્યાપકો આમાં ન આવે. પણ આજે અષાઢના પ્રથમ દિવસે આવી વાત કરવાનું કારણ? સાહિત્યની ઘણી કૃતિઓને પ્રાધ્યાપકોએ મેરે પાસ માઁ હૈની ભાવનાથી પોતાની કરી દીધી છે અને એમાં પ્રાધ્યાપકસહજ દુર્બોધતા ઉમેરીને સામાન્ય લોકો તેનાથી બને એટલા દૂર રહે એવું વાતાવરણ ઉભું કરી દેવાયું છે. (બંધબેસતી પાઘડી માપની લાગે તો અવશ્ય પહેરવી.)
હજી તો આપણે આષાઢસ્ય પ્રથમ દિવસે બોલીએ ત્યાં જ મેરે પાસ માઁ હૈની માનસિકતાવાળો દીવાર ફિલ્મનો શશી કપૂર ત્રાટકશે અને સવાલોની ઝડી વરસાવશે: “એક મિનીટ! તમને ખબર છે આ કૃતિ કોણે અને ક્યારે રચી હતી? મેઘદૂતના ગુજરાતીમાં કેટલા અનુવાદ થયા એની તમને જાણ છે? એમાંથી સમશ્લોકી કેટલા અને એ સિવાયના કેટલા? સમશ્લોકી અનુવાદમાં જાણીતા કેટલા અને ભૂલાઈ જવા આવેલા કેટલા? એ અનુવાદની કેટલી આવૃત્તિઓ થઈ હતી એની કશી ખબર છે? એ આવૃત્તિમાં પૃષ્ઠસંખ્યા કેટલી એ જાણો છો? એ પૃષ્ઠો કેવાં રંગના હતાં? એનું કદ કેટલું હતું? કોણે એ પ્રકાશિત કર્યા? તેની કિંમત શી? એ કિંમતનું આજના હિસાબે મૂલ્ય કેટલું?
સવાલોની આ મશીનગન ધણધણાવવાનો તેમનો આશય એટલો જ હોય કે ભાઈ, આ અમારું ક્ષેત્ર છે. તમે એમાં ઘૂસણખોરી ન કરો. ઘૂસણખોરી કરવી છે? તો જાવ, અને કોઈક કૉલેજમાં પ્રાધ્યાપક બની જાવ. પછી આપોઆપ આ તમારો કેન્‍દ્રશાસિત વિસ્તાર થઈ જશે, હોં! ફિલ્મી જબાનમાં કહીએ તો- મેરે પાસ માઁ હૈ. (ઔર વો મેરે પાસ હી રહની ચાહિયે.)
કાચોપોચો હોય તો સાત જનમ સુધી આષાઢસ્ય પ્રથમ દિવસે બોલવાની ખો ભૂલી જાય. થોડો વ્યવહારુ માણસ હોય તો પેલા શશી કપૂરને જોઈને રસ્તો ચાતરી લે. આ બે સિવાય ત્રીજા પ્રકારના માણસ પણ હોય છે. એ કેવા? એ લોકો પેલા શશી કપૂરને અવગણે, તેની પાસે જે મા છે એ તેની એકલાની નહીં, પણ સહુ કોઈની છે એમ માને, અને પછી એ માની મમતાની લ્હાણ કરે.
આજે આષાઢસ્ય પ્રથમદિવસે વાત દીવારવાળા શશી કપૂરોની કરવાની છે, ત્રીજા પ્રકારના એક સજ્જનની કરવાની છે, અને અલબત્ત, મેઘદૂતની પણ કરવાની છે.


**** **** ****

બેન્‍ટોનાઈટ, બર્મા, પ્રાણીપ્રેમ, કિલાભાઈ ઘનશ્યામ અને મેઘદૂતમાં સામાન્ય શું છે? આનો જવાબ છે મુંબઈસ્થિત ૮૬ વર્ષીય ઉદ્યોગપતિ નવનીતલાલ આર. શાહ. આશાપુરા માઈનકેમવાળા આ ઉદ્યોગપતિ કચ્છમાં બેન્‍ટોનાઈટની ખાણો ધરાવે છે અને દુનિયાભરમાં તેનો પુરવઠો પૂરો પાડે છે. તેમનાં પત્ની ફીઝાબેન પ્રાણીઅનુકંપાના ક્ષેત્રનાં સમર્પિત અગ્રણી છે. નવનીતભાઈની તમામ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં તે બરાબર રસ લે છે, એટલું જ નહીં, તમામ રીતે તે નવનીતભાઈની સાથે હોય છે. બર્માના લોઈલમ ગામમાં જન્મેલા નવનીતલાલનું પ્રાથમિક શિક્ષણ બર્મીઝ ભાષામાં થયેલું. માતા પાસેથી વાર્તાઓ સાંભળીને તે ગુજરાતી શીખેલા. પણ ગુજરાતી ભાષા પ્રત્યેનો તેમનો પ્રેમ રસાતો રહ્યો, સીંચાતો રહ્યો, વિકસતો રહ્યો. સંસ્કૃતનું જ્ઞાન શાળામાં ભણાતા વિષય જેટલું.

નવનીતલાલ અને ફીઝાબેન શાહ 

મુંબઈ આવ્યા પછી તે અવનવી સાહિત્ય પ્રવૃત્તિઓ કરતા રહેતા. એક વખત કાલબાદેવી વિસ્તારમાં ફરતાં ફરતાં તેમના હાથમાં કિલાભાઈ ઘનશ્યામ રચિત મેઘદૂતની ગુજરાતી નકલ આવી ગઈ. બસ, ત્યારથી કિલાભાઈ ઘનશ્યામ દ્વારા અનુવાદિત આ મેઘદૂત તેમના હૈયે તેમજ હોઠે રહેલું છે. આજે પણ કિલાભાઈ રચિત અમુક પદો તે આખાં ને આખાં મોઢે બોલી શકે છે.
નવનીતલાલનો પરિચય એક વાચક લેખે અમદાવાદના રજનીકુમાર પંડ્યા સાથે થયો, જે બહુ ફળદાયી નીવડ્યો. નવનીતલાલ કે રજનીકુમાર કરતાંય વધુ ફળદાયી તો એ ખરેખરા વાંચનપ્રેમીઓ માટે નીવડ્યો. તેની વિગતો કોઈ વાર્તાથી ઓછી રસપ્રદ નથી. એ વાત ફરી ક્યારેક. આજે વાત મેઘદૂત પૂરતી.

કિલાભાઈ ઘનશ્યામ 

ચાર-સાડા ચાર દાયકાથી પોતાને જે કંઠસ્થ છે એવું કિલાભાઈ ઘનશ્યામ દ્વારા અનુવાદિત મેઘદૂતને સાંગિતીકરૂપે લોકો સમક્ષ મૂકીએ તો? આવો વિચાર નવનીતલાલને આવ્યો. તેમણે રજનીકુમારને આ વાત કરી. નવનીતલાલના આ વિચારને રજનીકુમારે હોંશભેર પોતાની પરિકલ્પનાથી સજાવ્યો અને શ્રેષ્ઠ રીતે શી રીતે રજૂ કરી શકાય તે માટેની ચર્ચાવિચારણાઓ શરૂ કરી. રજનીકુમારની ટીમના સભ્ય તરીકે આ લખનારે પણ તેમાં જોડાવાનું બન્યું.

**** **** ****

'મેઘદૂત'ના રેકોર્ડિંગ વખતે: (ડાબેથી) સાઉન્‍ડ રેકોર્ડિસ્ટ,
આશિત દેસાઈ, રજનીકુમાર અને તરુબેન 
મેઘદૂતને નરમ, પોચટીયા અવાજમાં, સુગમ સંગીતના ટાઢાબોળ તાલમાં તો કોઈ પણ હિસાબે ન ગવડાવવું એ બાબતે લગભગ સૌ એકમત હતા. કેમ કે, એમ કરવાથી પેલી માઁ એક બેટા પાસેથી એવા જ ગુણો ધરાવતા બીજા બેટા પાસે ચાલી જાય. તો પછી આનો વિકલ્પ? એ રજનીકુમારે સૂચવ્યો. તેમણે લોકગાયકની છબિ ધરાવતા પ્રફુલ્લ દવેના કંઠ માટે આગ્રહ રાખ્યો. પ્રફુલ્લભાઈ જેવા ગાયકનો બુલંદ અવાજ આ માટે તદ્દન યોગ્ય રહે. પ્રફુલ્લભાઈ પોતે મેઘદૂતના આશક, એટલે તેમને ભાગ્યે જ કશું કહેવું પડે! સંગીતપક્ષ મુંબઈના ખ્યાતનામ સંગીતકાર આશિત દેસાઈએ સંભાળ્યો. ગાયન-સંગીતના આ ઉસ્તાદો વચ્ચે રજનીકુમારની ભૂમિકા પણ જાણવા જેવી છે. જૂના ફિલ્મસંગીતના આકંઠ પ્રેમી અને ખરા અર્થમાં કાનસેન રજનીકુમારની જૂના ફિલ્મસંગીતનું પાન કરીને ઘડાયેલી શ્રવણેન્‍દ્રીય બરાબર કામમાં આવી. રેકોર્ડીંગ વેળાએ સ્ટુડિયોમાં સતત ઉપસ્થિત રહીને ગીતમાં અમુક શબ્દો પર ભાર મૂકવો, શબ્દોનું આવર્તન કરવું, અમુક જગાએ ચોક્કસ પ્રકારનું વાદ્યસંગીત મૂકવું વગેરે જેવાં તેમણે કરેલાં સૂચનો બહુમૂલ્ય બની રહ્યાં. રજનીકુમારની સાથે તેમનાં પત્ની તરુબેન પણ ઉપસ્થિત રહ્યાં અને તેમણેય અમુક બહુમૂલ્ય સૂચનો આપ્યાં. પ્રફુલ્લ દવે અને આશિતભાઈએ પોતાનો અહમ વચ્ચે લાવ્યા વિના રજનીકુમારના આ સંગીતપ્રેમને બરાબર માન આપ્યું. 


'મેઘદૂત'ના ગુજરાતી અનુવાદનું ગાન
પ્રફુલ્લ  દવે દ્વારા. 

પ્રફુલ્લભાઈએ ખેલદિલીપૂર્વક એક તબક્કે એવી તૈયારી દેખાડી કે રજનીકુમાર 'ટેક' મંજૂર ન કરે ત્યાં સુધી પોતે પોતાના ગાયનને મંજૂર નહીં  રાખે. ગાયક, સંગીતકાર અને પરિકલ્પનાકાર વચ્ચે કેવું સંકલન હતું એનો આ ઉત્તમ નમૂનો છે. 
શ્લોકોનું રેકોર્ડીંગ આ રીતે કરવામાં આવ્યું.
આ શ્લોકોની સાથેસાથે તેનું સરળ ગુજરાતીમાં વિવરણ પણ હોવું જોઈએ. ડૉ. ગૌતમ પટેલ પાસે એ લખાવવામાં આવ્યું, જેનું ધ્વનિમુદ્રણ વિદ્યુલ્લતા ભટ્ટના સ્વરમાં કરવામાં આવ્યું. આમ, બહુ ઝડપથી પૂર્વમેઘ અને ઉત્તરમેઘની બે સી.ડી. તૈયાર થઈ ગઈ. 

પૂર્વમેઘ 

ઉત્તરમેઘ 

હવે શું કરવાનું? લોકોને એ પ્લાસ્ટિકના કવરમાં વહેંચવાની અને કહેવાનું કે મેઘદૂત સાંભળો? અને પછી આપણે ગૌરવ લેવાનું કે જુઓ, અમે મેઘદૂતને સાંગિતીક સ્વરૂપ આપીને તેનો ઉદ્ધાર કર્યો? મેરે પાસ માઁ હૈની ભાવનાવાળા કોઈ બેટાએ આ કામ કર્યું હોત તો કદાચ આમ જ થાત!

**** **** ****

આખી વાતને એક ભાવકની દૃષ્ટિએ વિચારવામાં આવી. સંગીતના, સાહિત્યના એક પ્રેમી તરીકે આપણી શી અપેક્ષા હોય? પહેલી જ વાર સાંભળી રહેલા આ અદ્‍ભુત શ્લોકોનો મુદ્રિત પાઠ હાથવગો હોય તો અતિ ઉત્તમ. વચ્ચે આવતું વિવરણ પણ તેમાં ઉમેરાય તો ઘણું સારું. આરંભે મૂળ સંસ્કૃત શ્લોકનો ફીલ મળે એટલા પૂરતા એકાદ બે મૂળ સંસ્કૃત શ્લોક કેવળ ચખણીરૂપે. બસ, આટલું જ? એમ જ હોય તો આ પુસ્તિકાનું મૂલ્ય સિનેમાની ઓપેરા બુક જેટલું જ ગણાય. આમાં હજી કંઈક વધુ હોવું જોઈએ. એવી સામગ્રી, જે અધ્યાપકીય નહીં, પણ તમામને રસ પડે એ પ્રકારની હોય. સામગ્રી તો જહેમતથી એકઠી કરીએ, પણ એને યોગ્ય રીતે, મેઘદૂતના દરજ્જા મુજબ ગોઠવવી પણ પડે ને! આ બધું ખર્ચાળ કામ છે. ખર્ચ નવનીતલાલ શાહનું હીરાલક્ષ્મી ફાઉન્‍ડેશન આપવાનું હોય તેથી શું? તેમની મંજૂરી તો લેવી પડે ને! દાનેશ્વરીઓમાં ઘણા એવા હોય છે કે પોતે થ્રી-પીસ સૂટ પહેર્યો હોય, પણ કોઈ જરૂરતમંદને રૂમાલનું દાન આપવાનું હોય તો બને તેટલી ઓછી કિંમતનો આપે. આપતી વખતે સામેવાળાને ટપારેય ખરા, “સાચવીને વાપરજો, હોં! આ કંઈ સસ્તું નથી આવતું.” બીજી રીતે કહીએ તો તેઓ પોતાના નહીં, પણ સામેવાળાના મોભા(?)ને અનુરૂપ દાન આપે.
આખા પ્રોજેક્ટના ખર્ચની મંજૂરી અંગે મુંબઈ પૂછાવતાં ભળતો જ જવાબ આવ્યો. હા કે ના ને બદલે જવાબ હતો, “શ્રેષ્ઠ બનાવો.”
એ રીતે કિલાભાઈ ઘનશ્યામના મૂળ શ્લોકો અને વિવરણ ઉપરાંત વિવિધ સામગ્રી આ મેઘદૂતમાં સામેલ કરવામાં આવી.
આ સામગ્રીની યાદીની એક ઝલક લેવાથી તેના વૈવિધ્યનો અને તેની પાછળની દૃષ્ટિનો ખ્યાલ આવશે.     
  • મેઘદૂત(૧૯૪૫) ફિલ્મના જગમોહન સૂરસાગરે ગાયેલા ગીત ઓ વર્ષા કે પહલે બાદલના અમે સૌ કાયલ છીએ. કવિ ફૈયાઝ હાશમીએ મેઘદૂતનો આખો અર્ક આ ગીતમાં મૂકી દીધો છે અને સંગીતકાર કમલ દાસગુપ્તાએ તેની સ્વર્ગીય ધૂન બનાવી છે. એટલે આ ગીતનો પાઠ મૂકવાનું નક્કી હતું.
  • રવીન્‍દ્રનાથ ટાગોરના મેઘદૂત વિષેના ઉદ્‍ગાર.
  • ભારતીય ટપાલવિભાગ દ્વારા પ્રકાશિત મેઘદૂત અંગેની ટપાલટિકીટ અને તેને સંલગ્ન લખાણ.
  •  મેઘદૂતના રચનાસ્થળ ગણાતા રામટેકનો અહેવાલ.
  •   ઉજ્જૈનની કાલિદાસ સંસ્કૃત અકાદમીનો સંક્ષિપ્ત પરિચય.
  •   મેઘદૂતના ગુજરાતી અનુવાદમાંથી કેટલાકનાં નામ.
  •   મેઘદૂતના રચયિતા કવિ કાલીદાસ અંગેની કથનીઓ અને કિંવદંતીઓ.
  • કિલાભાઈ ઘનશ્યામનો પરિચય.
  • ભોળાભાઈ પટેલના ઉદ્‍ગાર’.
  • મેઘદૂતમાં ઉલ્લેખાયેલાં સ્થાનો, વનસ્પતિઓ, પશુપક્ષીઓની યાદી.
  •  રામગિરિથી અલકા સુધીની મેઘની મુસાફરીનો વચ્ચે આવતાં સ્થાનોના ઉલ્લેખ સાથેનો મેઘમાર્ગ.
  •  વિવિધ ચિત્રકારોનાં મેઘદૂત વિષેનાં સોળ જેટલાં ચિત્રો.

સમશ્લોકી અનુવાદના દરેક પાને જે તે શ્લોકને અનુરૂપ રંગીન રેખાચિત્રો, જે સ્વ. વાસુદેવ સ્માર્તે શ્વેતશ્યામમાં દોરેલાં હતાં. અમારી ટીમના અવિભાજ્ય અંગ જેવા કલાકાર ફરીદ શેખે તેમાં સૂઝપૂર્વક અને ખૂબીપૂર્વક રંગ ભર્યો. સાથે સાથે સમગ્ર પુસ્તકની ડિઝાઈન અને લે આઉટની જવાબદારી પણ તેમણે સંભાળી. 


'મેઘદૂત'ના ગુજરાતી અનુવાદનું એક પૃષ્ઠ 
આખો મામલો છેવટે તો મેરે પાસ માઁ હૈના લક્ષણમાંથી મુક્ત કરવાનો હતો એટલે આ પ્રકલ્પના સૂત્ર તરીકે મુખપૃષ્ઠ પર જ લખવામાં આવ્યું: પંડિતોની પોથીમાંથી બહાર કાઢીને લોકહૃદય સુધી પહોંચાડવાનો એક પ્રયાસ.


કિલાભાઈ ઘનશ્યામના ગુજરાતી અનુવાદનું મુખપૃષ્ઠ 

કુલ ૨૦૦૦ નકલ મુદ્રિત કરવામાં આવી, જેમાં અમુક સી.ડી.સાથેની અને અમુક સી.ડી. વિના રાખવામાં આવી. સ્વતંત્રપણે પણ મેઘદૂતનો અંદાજ આવી શકે એ બરનું આ પુસ્તક થયું હતું એમ સૌને લાગ્યું હતું. કિંમતી આર્ટપેપર પર બહુરંગી છપાઈ ધરાવતું આ પુસ્તકની કિંમત માત્ર ૫૯૫/- રૂ. રાખવામાં આવી, જે પડતર નહીં, પણ રાહતકિંમત જ છે અને પુસ્તક જોનાર કોઈને પણ એ સમજાવવાની જરૂર નથી.
માર્ચ,૨૦૧૦માં આ પુસ્તક પ્રકાશિત થયું એ સાથે જ અનેક અનેક લોકોએ તે વસાવવા માંડ્યું. કેટલાક પ્રેમીઓ તો એવા હતા કે જેમણે પોતે તો વસાવ્યું, પણ એક સાથે જથ્થાબંધ નકલો ખરીદીને કેટલાય મિત્રોને ભેટરૂપે પહોંચાડ્યું. એવા સન્મિત્રોનાં નામ લખવા બેસું તો આખી અલગ પોસ્ટ લખવી પડે.

**** **** ****

આજે ત્રણ વર્ષ પછી શી સ્થિતિ છે? બે હજાર નકલોમાંથી પાંત્રીસ- ચાલીસ નકલ માંડ બચી છે. એક સમાચાર મુજબ આજે એટલે કે અષાઢના પ્રથમ દિવસે માણાવદરની આર્ટ્સ એન્‍ડ કોમર્સ કૉલેજમાં જાહેરમાં આ પુસ્તકના પૂજન અને અર્ચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 
ખબર પડે એમ હજીય તેના ઓર્ડર આવતા જાય છે.
આ પુસ્તકમાં જેમના એક ચિત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ વડોદરાના ચિત્રકાર પરમેન્‍દ્ર ગજ્જરે મેઘદૂતના શ્લોક મુજબ સળંગ ૧૪૫ ફીટની પટ્ટીમાં બનાવીને પ્રદર્શિત કર્યાં.

**** **** ****

ખરી મઝા આ પુસ્તકના અવલોકનમાં આવી. પુસ્તક પ્રકાશિત થયા પછી લોકો સમક્ષ મૂકવામાં આવે એટલે તેની સમીક્ષા માટે પણ તૈયારી રાખવી પડે. યોગ્ય અને વાજબી ટીકા માથે પણ ચડાવવી પડે. આ પુસ્તક ખૂબ વખણાયું. ઠેરઠેર તેનાં અવલોકનો લખાયાં. પણ અમુક અવલોકનકારોએ જે સમીક્ષા કરી, તેમાં તેમની વિદ્વત્તા કરતાં તેમનું અધકચરાપણું વધુ પ્રદર્શિત થયું.


અહીં જે લખ્યું હોય એ, તમે મૂળ સંસ્કૃત પાઠ કેમ ન આપ્યો? 

આ પુસ્તકનો ઉપક્રમ જ મૂળ મેઘદૂતના ગુજરાતી અનુવાદનો પાઠ આપવાનો છે. એ વાત દીવા જેવી (કે સોડીયમ લેમ્પ જેવી) સાફ અને સ્પષ્ટ હોવા છતાં અમુકે લખ્યું કે આ પુસ્તકમાં મૂળ સંસ્કૃત પાઠ આપવામાં આવ્યો નથી. આને શું કહેવું? અજ્ઞાન કે અનાડીપણું? કે સળીવૃત્તિ? કોઈ પુસ્તકનો અનુવાદ તમે વાંચો ત્યારે તેમાં મૂળ લખાણ કદી હોય છે ખરું? આટલી સીધીસાદી સમજણ ધરાવવાને બદલે જાણે કે સંપાદકોની આ મોટી ભૂલ હોય એ રીતે આ વાત તેમના દ્વારા દોહરાવવામાં આવી. આ જ પુસ્તકનું અવલોકન લખનાર એક અવલોકનકાર હમણાં ત્રણ વરસ પછી લખે છે: કિલાભાઈનો અનુવાદ આજે ભૂલાઈ જવા આવ્યો છે. અલબત્ત, કર્મણિ પ્રયોગ ધરાવતા આ વાક્યમાં કર્તા અધ્યાહાર છે એટલે આ તેમની વ્યક્તિગત વાત હશે એમ માની લઈએ.

**** **** ****

હવે છેલ્લી વાત એક ઘોષણારૂપે. હીરાલક્ષ્મી ફાઉન્‍ડેશન દ્વારા કાલિદાસના શાકુંતલનો આવો જ પ્રકલ્પ અંતિમ ચરણમાં છે. તે સંપન્ન થયે અહીં જ તેની જાણ કરાશે. 


તા.ક.

માણાવદર કેળવણી મંડળ સંચાલિત 'આર્ટ્સ એન્‍ડ કોમર્સ કોલેજ' માં યોજાયેલા 'મેઘદૂત'ના પૂજનની તસવીરો આચાર્ય ડૉ. મહેશભાઈ મેતરાના સૌજન્યથી પ્રાપ્ત થઈ છે, જે અહીં મૂકી છે.

'મેઘદૂત'નું રીતસર પૂજન

'મેઘદૂત'ના મહિમાની વાત 

એકકાન થઈને સાંભળતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ