 |
(ડાબેથી) અનિલ અને નિરંજન કોઠારી:
'લોઢિયો' અને 'પિત્તળીયો' |
અગાઉ જણાવ્યું એમ આશરે ૧૯૪૦માં ચીમનલાલ
કોઠારીના પરિવાર સાથે કનુકાકાનો સંબંધ બંધાયો. ચીમનલાલના આગ્રહથી તેમની ગેરહાજરીમાં તેમનાં પત્ની કપિલાબેન અને ચાર
સંતાનોના પરિવારનું ધ્યાન રાખવા માટે કનુકાકા રાત્રે સૂવા માટે તેમને ઘેર આવવા
લાગ્યા. ચીમનલાલ બહારગામથી પાછા આવી ગયા ત્યાર પછી પણ આ વ્યવસ્થા ચાલુ રહી.
કનુકાકાનું પોતાનું ઘર હતું. તેમના પિતાજી નટવરલાલ અને વિધવા બહેન પરસનબેન તેમાં
રહેતાં હતાં. એટલે દિવસે શાળાના સમય સિવાય કનુકાકા ઘેર હોય તો પોતાના ઘેર હોય.
સવારે જમતા પણ પોતાને ઘેર જ. ધીમે ધીમે તેમણે સાંજનું ભોજન કોઠારી પરિવારને ત્યાં
કરવાનું રાખ્યું. કોઠારી પરિવારનાં ચાર સંતાનોમાંથી નિરંજન અને અનિલને તે ભણાવતા
પણ ખરા. શિક્ષક તરીકે એ કોઈની શેહમાં ન રહે. અનિલ અને નિરંજન ધમાલિયા બહુ. સીધા
બેસી રહેતાં તેમને તકલીફ બહુ પડે. બેય ભાઈઓ એકબીજા સાથે ઝઘડવાનો મોકો શોધતા રહે.
અનિલની છાપ ધમાલિયા તરીકેની, તો નિરંજનની છાપ
પ્રમાણમાં શાંત છોકરા તરીકેની. આવી છાપને આધારે જ ચીમનલાલે અનિલનું નામ ‘લોઢીયો’ અને નિરંજનનું
નામ ‘પિત્તળીયો’ પાડેલું. પણ ‘પિત્તળીયા’ નિરંજને એક વાર પોતાની છાપથી તદ્દન વિપરીત
વર્તન કર્યું. કોઈક બાબતે ઝઘડો થતાં ગુસ્સે ભરાયેલા નિરંજને અનિલના બરડામાં ચાકુ
ખોસી દીધું. (આજે આટલા વરસે વિચાર કરતાં લાગે છે કે કદાચ શાક સમારવાનું ચપ્પુ
બરડામાં માર્યું હશે, જેનો ઘસરકો, અલબત્ત પડ્યો હશે, પણ ઉંડો ઘા પડ્યો નહીં હોય.) અનિલનાં તોફાનોય
ઓછાં નહોતાં. ચુસ્ત ધાર્મિકપણાના એ જમાનામાં સ્નાન કરીને મંદિરે દર્શન કરવા જતી
વૃદ્ધાઓ કોઈને અડકી ન જવાય તેની કાળજી રાખતી. અનિલનું લક્ષ્ય આવી વૃદ્ધાઓ રહેતી.
ઘર આગળથી તે પસાર થતી હોય અને તે થોડી આગળ જાય કે અનિલ દોડે અને જઈને પાછળથી તેમને
અડકી આવે. બસ, પછી જે
સ્વસ્તિવચનો બોલાય એ સાંભળવા ત્યાં ઉભા નહીં રહેવાનું. કપિલાબેનને કાને પણ તેમના
દીકરાનાં આવા પરાક્રમોની વાતો ફરિયાદરૂપે આવતી.
 |
સૌથી મોટા સુરેન્દ્ર કોઠારી |
આના પરથી અંદાજ આવશે કે કેવાં નંગો સાથે
કનુકાકાને કામ પાર પાડવાનું હતું. નિરંજન અને અનિલ બન્નેને કનુકાકા
ભણવા બેસાડતા. ત્યારે તો સૌ નીચે ભોંયતળિયે જ આસન પાથરીને ભીંતને કે બારણાને ટેકે
બેસતા. છોકરાંઓની ગરદન સ્વાભાવિકપણે જ સહેજ આગળ ઝૂકેલી હોય. તેમને કશું ન આવડે કે
તેઓ કશી આડીઅવળી વાત કરે એટલે કનુકાકા શું કરે? છોકરાંના માથાને
તે પાછલી તરફ ધક્કો મારે. તેથી છોકરાંઓનું માથું ભીંતમાં કે બારણે અફળાય. આવા
બારકસોને વશમાં રાખવાનો કદાચ આ જ સહેલો રસ્તો હતો. ‘લોઢિયો’ કે ‘પિત્તળિયો’ બરાબરના ગુસ્સે ભરાય. સામું ગમે તેમ બોલે. પણ
કનુકાકાએ પોતાનું કામ કરી લીધું હોય. આ બન્નેના પ્રમાણમાં સુરેન્દ્ર મોટો હોવાને
કારણે સમજદાર. તો સુલોચના અભ્યાસ સિવાયના સમયમાં મોટે ભાગે ઘરકામમાં મદદ કરતી. મહેમદાવાદના
જ એક સંગીતશિક્ષક રમણલાલ સી. દેસાઈ પાસે તે સંગીત પણ શીખતી.
કનુકાકાએ સૂવા આવવાનું શરૂ કર્યું એ પછી તેમનું
અસ્તિત્વ ઘરમાં એક પરિવારજનની જેમ સ્વીકારાઈ ગયું. બગીચામાં નવું ઘાસ ઉગે, પણ જોનારને તો આખો બગીચો એક જ લાગે એવી રીતે. ઘેર
અનેક સગાંવહાલાંની અવરજવર ચાલતી હોય, પણ કનુકાકા
તમામને ઓળખે, બોલાવે અને
તેમની સાથે વાત કરે. કોઈના મનમાં ‘આ કોણ?’, ‘આપણા ઘરમાં એ
શાથી?’ એવો સવાલ કદી ઉગ્યો
જાણ્યો નથી. ચીમનલાલનું ઘર પ્રમાણમાં ઘણું મોટું- કુલ ત્રણ માળ ધરાવતું- હતું, એટલે જગાની મોકળાશ ઘણી. આને લઈને એવું બનતું
કે ઉનાળાના વેકેશનમાં તમામ પિતરાઈઓ અહીં ભેગા થતા. ચીમનલાલના પક્ષના
સગાંવહાલાંઓમાં મુંબઈ રહેતા તેમના ભાઈ શાંતિલાલ કોઠારી (શારદાકાકી અને સંતાનો ચન્દ્રવદન, રમેશ, નિર્મળા) નો
પરિવાર, કપિલાબેનના પક્ષ
તરફથી મુંબઈ રહેતાં તેમનાં બહેન સરલાબેન (સંતાનો શૈલેષ અને ઉષા)નો પરિવાર, અમદાવાદ રહેતાં બીજાં બેન સૂર્યકાન્તાબેન (સંતાનો કિરીટ, દિનેશ, મીરા, જયશ્રી)નો પરિવાર, તેમજ કપિલાબેનના ભાઈ શાંતિલાલ દેસાઈ (સંતાનો
રજનીકાન્ત, ચૈતન્ય, યશોધરા) નો પરિવાર [બીજા ભાઈ રમણલાલ દેસાઈ (તારામામી
અને સંતાનો નરેન્દ્ર, શર્મિષ્ઠા) તો
મહેમદાવાદમાં જ હતાં] – આ તમામ પરિવારનાં વિવિધ સાઈઝનાં છોકરાં-છોકરીઓ મહેમદાવાદ
ખાતે ભેગા થતાં. ક્યારેક તેમના મિત્રોને પણ તેઓ લઈ આવતા. ત્રીજા માળે રાતના સળંગ
પંદર-વીસ પથારીઓ પડતી. સહેલાઈથી કલ્પી શકાશે કે ઘરમાં કેવી ધમાલ મચતી હશે. આ બધાં
બાળકો કનુકાકા સાથે હળેભળે. ક્યારેક કોઈક વેકેશન સિવાયના વચ્ચેના ગાળામાં આવ્યું
હોય તો કનુકાકાની શાળાના વર્ગમાં બેસવાનો પણ લાભ તેને મળતો.
 |
ચીમનલાલ કોઠારીનું મકાન, જ્યાં કનુકાકા સાડા છ દાયકા રહ્યા. |
વેકેશનમાં પણ સહુએ કનુકાકા પાસે ભણવાનું નક્કી
હતું. અને ભણવા માટે બધા કનુકાકાને ઘેર જતા. શાંત, મધ્યમ, તોફાની, અત્યંત તોફાની, કોઈકની સંગતે તોફાની- એમ બધી વિવિધતા ધરાવતી આ
વાનરસેના કનુકાકાને ત્યાં ભેગી થાય એટલે શું થતું હશે? એક જ પ્રસંગ પરથી આનો અંદાજ આવશે.
આ સૌ પિતરાઈઓનું ટોળું એક વાર કનુકાકાને ત્યાં
ભણવા બેઠું હતું. એમાંના એક દિનેશને કનુકાકાએ નીચલા માળે જઈને ઘડિયાળમાં કેટલા
વાગ્યા છે એ જોઈ આવવા કહ્યું. દિનેશ એટલે કપિલાબેન કોઠારીના અમદાવાદ રહેતાં બહેન
સૂર્યકાન્તાબેનનો નાનો દીકરો. મહાતોફાની. દિનેશ ધડબડ ધડબડ કરતોકને દાદરનાં
પગથિયાં ઉતર્યો. બસ, એ ઉતર્યો તે
ઉતર્યો. પાછો આવ્યો જ નહીં. ઘડિયાળમાં સમય જોઈને આવવામાં કેટલી વાર લાગે? ખાસ્સી વાર થઈ. એટલે કનુકાકાએ નરેન્દ્રને
નીચે જઈને દિનેશની તપાસ કરવા જણાવ્યું. નરેન્દ્ર એટલે મહેમદાવાદમાં જ રહેતા
કપિલાબેનના ભાઈ રમણલાલ દેસાઈનો દીકરો. નરેન્દ્ર નીચે ઉતર્યો. જે ભીંતે ઘડીયાળ
લટકતી હતી ત્યાં તે નહોતી. તો એ ક્યાં હતી? ઘડિયાળ પછડાઈને
ભોંય પર પડી હતી અને તેનો કાચ તૂટી ગયો હતો. એટલે તારણ એવું નીકળ્યું કે દિનેશ
ઘડિયાળમાં સમય જોવા ગયો અને તેનાથી ઘડિયાળ પડી ગઈ એટલે એ બારોબાર નીચેથી જ છૂમંતર
થઈ ગયો.
અમે નાના હતા ત્યારથી આ ઘટના અનેક વાર સાંભળતા
આવ્યા છીએ. હજી આજેય શૈલેષકાકા કે નરેન્દ્રકાકા મળે એટલે ‘દિનીયા’નું આ ‘પરાક્રમ’ અચૂક યાદ કરે. અમારા
માટે એ રહસ્ય વણઉકલ્યું જ રહ્યું છે કે દિનેશકાકાએ સમય જોવાની કઈ પદ્ધતિ અનુસરી
હશે કે જેથી ઘડિયાળ નીચે પડે અને તૂટી જાય? દિનેશકાકા
ઉંમરમાં સૌથી નાના, પણ ‘આવું છું’ કહીને છૂમંતર થઈ
જવાની તેમની આદત બાળપણથી હતી. સૌથી નાના હોવા છતાં તે સૌથી પહેલાં, અણધાર્યા જ આ પૃથ્વી પરથી પણ છૂમંતર થઈ ગયા-‘આવું છું’ કહેવા પણ ન
રહ્યા.
**** **** ****
કોઠારી પરિવારનાં સંતાનો મોટાં થતાં ગયાં.
તેમને પરણાવવાનો વખત આવ્યો. બીજી તરફ ચીમનલાલ કોઠારી વિવિધ વ્યવસાયમાં નસીબ અજમાવતા
રહેતા હતા, પણ ક્યાંય
ઠેકાણું પડતું નહોતું. પહેલાં તેમણે ભાગીદારીમાં પેટ્રોલ પંપ કર્યો તેમાં ખોટ ગઈ. એ પછી તે ઈન્ડીપેનનો વ્યવસાય, કપડાંનો ધંધો, કેસરનો વેપાર વગેરે
અનેક લાઈન બદલતા રહ્યા. પણ ક્યાંય સરખી સફળતા મળતી ન હતી. ચીમનલાલમાં એક
ધંધાદારી માણસને છાજે એવી શઠતા નહોતી. બહુ ઝડપથી તે કોઈની પર વિશ્વાસ મૂકી દેતા. એટલે
વિશ્વાસઘાત થવાના સંજોગો ઉજળા બની રહેતા. તેમને છેતરવામાં આસાની થઈ પડતી.
ચીમનલાલનાં પત્ની કપિલાબેન પણ પોતાની રીતે
પ્રવૃત્ત રહેતાં. ઘરમાં કોઈ પણ સમયે ચાર-પાંચ વૃદ્ધાઓ હાજર હોય જ. રુખીબેન, માણેકકાકી, મા’કોરકાકી વગેરે ખરેખર તો વૃદ્ધા નહોતાં, બલ્કે વિધવાઓ હતાં. અકાળે તે વૃદ્ધ થઈ ગયેલાં.
આ કારણે તેમને બેસવાઉઠવાનાં ઠેકાણાં તદ્દન મર્યાદિત, એટલે તે
કપિલાબેનને ત્યાં આવતાં. આ ઘરને પોતાનું જ ઘર માનીને સહુ બેસતાં, વાતોના તડાકા મારતાં, શાકભાજી ફોલવા જેવાં નાનાંનાનાં કામમાં મદદ
કરતાં અને સાંજ પડે પોતાને ઘેર ચાલી જતાં. સ્વાભાવિક છે કે બપોરના ચા-પાણી અહીંયાં
જ થતાં હોય. પણ આમાં કોઈ પક્ષે એકબીજાનો ઉપયોગ કરી લેવાની ભાવના નહીં. કોઈ વૃક્ષ
પર આવીને પક્ષીઓ બેસે અને નિયત સમયે ઉડી જાય એમ બધું એકદમ સહજ ક્રમમાં ચાલે. કપિલાબેન
સવારસાંજ નિયમીત મંદિર જતાં. મંદિરમાં પણ કોઈ ને કોઈ મદદવાંચ્છું આવેલું હોય. તેના
માટે કશું કરવાનું હોય તો એ પણ તે કરી છૂટતાં. આ ઉપરાંત ગામમાં રહેતા પરિવારોને
ત્યાં પણ આવનજાવન રહેતી.
આટલું વાંચ્યા પછી કોઈને થાય કે કનુકાકાની વાત
કરતાં કરતાં વચ્ચે કોઠારીકુટુંબનો ઈતિહાસ ક્યાંથી શરૂ થઈ ગયો? અને અહીં તે જરૂરી છે? હકીકત એ છે કે એકની વાત કરીએ એટલે બીજાની વાત
અનાયાસે આવી જાય એ હદે સંબંધોના તાણાવાણા ગૂંથાયેલા છે. કોઠારી પરિવારની આટલી
પૃષ્ઠભૂમિ આપ્યા પછી હવે કનુકાકાની વાત પર આવીએ.
 |
સૌથી પહેલાં લગ્ન લેવાયાં સુલોચનાનાં |
કોઠારી પરિવારમાં પહેલવહેલો લગ્નપ્રસંગ ૧૯૫૨માં
આવ્યો. બીજા નંબરની દીકરી સુલોચનાનાં લગ્ન લેવાયાં. ચીમનલાલની જેમ જ અમદાવાદના
વેરાઈપાડામાં રહેતા વિઠ્ઠલદાસ મોહનલાલ દેસાઈ અને સવિતાબેન વિઠ્ઠલદાસ દેસાઈનાં કુલ
ચાર સંતાનોમાં પણ ત્રણ દીકરાઓ અને એક દીકરી હતાં. આમાં સૌથી મોટા હતા ઈન્દ્રવદન, જે બી.એસ.સી.(કેમીસ્ટ્રી) થયા પછી ‘ગુડ યર’ ટાયર કંપનીમાં નોકરી કરતા હતા. ૧૨મી મે, ૧૯૫૨નો દિવસ લગ્ન માટે નક્કી થયો. અમદાવાદથી
જાન આવવાની હતી અને બે દિવસ રોકાવાની હતી. લગ્નનો સમય મધરાતનો હતો.
કનુકાકાએ આ પ્રસંગે રસોડાનો તમામ કારોબાર પોતાને
હસ્તક લઈ લીધો. એ વખતે ‘કેટરીંગ’ શબ્દ ચલણમાં પણ નહીં હોય. રસોઈયાને સીધુંસામાન આપવામાં આવતું અને રસોઈયો
તેમાંથી રસોઈ બનાવતો. આવું જથ્થાબંધ કામ હોય એટલે રસોઈયાની સહજ મનોવૃત્તિ
થોડુંઘણું સીધુંસામાન બચાવીને પોતાને ઘેર લઈ જવાની હોય અને તે આવી ફિરાકમાં રહે. કનુકાકા
રસોઈયાઓની આ મનોવૃત્તિથી પરિચીત. તે ચકોર નજરે બધું ધ્યાન રાખતા હતા. રસોઈયાએ લાગ
મળ્યે થેલી ભરીને લાલ મરચું સેરવી લીધું અને થેલીને ખીંટીએ લટકાવી દીધી. કનુકાકાના
ધ્યાનમાં આ આવ્યા વિના રહે? પણ તે કશુંય
બોલ્યા નહીં. રસોઈયો આઘોપાછો થયો એટલે તેમણે થેલીમાંથી મરચું પાછું ઠાલવી દીધું
અને થેલીમાં ધૂળ ભરીને તેને પાછી લટકાવી દીધી. રસોઈયાએ ઘેર જઈને થેલી ઉંધી પાડી
ત્યારે શું થયું હશે તેની કલ્પના જ કરવાની!
આગળ જતાં સુલોચના- ઈન્દ્રવદન પરિવારની આર્થિક
ઉન્નતિ થતી ગઈ. તેમણે શાહપુર મિલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ‘વિઠ્ઠલ નિવાસ’ નામનું પોતાનું
મોટું મકાન બનાવ્યું. અહીં પણ સારો એવો સમય ગાળ્યા પછી પાલડી વિસ્તારમાં તેમણે
આલીશાન બંગલો બનાવ્યો. ઈન્દ્રવદને પણ ‘ગુડ યર’ની નોકરી છોડીને પોતાના એક મિત્ર વિનોદભાઈ સાથે
‘અમદાવાદ સાયકલ સ્ટોર્સ’ની શરૂઆત કરી. એ પછી અમદાવાદના રિલીફ રોડ પર ‘ઓટો ટાયર્સ’ નામે ટાયરની સ્વતંત્ર દુકાન કરી, જે પછી તો વડોદરા અને સુરતમાં પણ વિસ્તારી.
આ ગાળામાં તેમને એક પછી એક કુલ ચાર દીકરીઓ થઈ.
કુટુંબની આ ચારેય બહેનો –રન્ના, ઉષ્મા, પારૂલ, બેલા- કનુકાકાને
‘મામા’ કહીને સંબોધતી. તેમના મોસાળમાં કુલ ત્રણ નહીં, ચાર મામા હતા. ચોથા તે કનુમામા. એ રીતે કદાચ
કોઠારી પરિવારમાં કનુકાકાને પહેલી વાર કોઈક સગપણનું ‘લેબલ’ મળ્યું. પરણ્યા
પછી સુલોચના રક્ષાબંધન પર મહેમદાવાદ આવતી ત્યારે ‘કનુભાઈ’ને પણ
રક્ષા બાંધતી. સુલોચનાની દીકરીઓ મોટી થઈ, ભણીગણી અને એક પછી એક પરણતી ગઈ. એ સમયે તો ‘બુફે’નો જમાનો આવી ગયેલો. આમ છતાંય લગ્નના બે-ત્રણ દિવસ અગાઉ
કનુકાકા પહોંચી જાય અને રસોડું સંભાળી લે. ભલે બધું રસોઈયાને બનાવવા આપી દીધું હોય, રસોઈયાએ જ બધી સામગ્રી લાવવાની હોય અને કોઈએ
કશું ધ્યાન ન રાખવાનું હોય, છતાં કનુકાકાની હાજરી અનિવાર્ય
બની રહે. આ બહેનોનાં લગ્ન વખતે તો કનુકાકા નિવૃત્ત થઈ ગયા હતા, પણ તે પોતાની સાથે એકાદ-બે શિક્ષકમિત્રોને કે કોઈક સાધારણ સ્થિતિના
છોકરાને લેતા આવે. આ રીતે આવવામાં મોટે ભાગે રમેશભાઈ મહીડા અને પાઉલભાઈ પરમાર જેવા
શિક્ષકોનો નંબર લાગતો. તેમણે આવીને કશું કરવાનું નહીં. ઉલટાની તેમની સંભાળ કનુકાકા
રાખતા. રસોઈયો અને તેના માણસોની જરૂરિયાતનું પણ કનુકાકા ધ્યાન રાખે. તેમને સમયસર ચા-પાણી કરાવડાવે, અને તેઓ કામ કરતાં હોય
ત્યારે તેમની પાસે બેસી રહીને કેટરીંગના ધંધાની આંટીઘૂંટીઓથી લઈને તેમનાં
છોકરાંનાં ભણતર સુધીની વાતો કરે. મોટે ભાગે એમ બને કે રસોઈયાને અને તેની આખી ટીમને
આ ‘કાકા’ પોતાના લાગે. જતી વખતે સૌ
કનુકાકાને ખાસ મળવા આવે. અમે ક્યાંક આસપાસમાં હોઈએ તો અમને બોલાવીને કનુકાકા અમારો
પરિચય પણ મહારાજ અને તેમની ટીમ સાથે કરાવે. બધું એકદમ સ્વાભાવિક ક્રમમાં થાય.
**** **** ****
સુલોચનાનાં લગ્ન
પછી ઘરમાં બીજો પ્રસંગ આવ્યો મોટા દીકરા સુરેન્દ્રનાં લગ્નનો. સુરેન્દ્ર થોડા
સમય પહેલાં મુંબઈ ગયો હતો. કુટુંબના એક સગા વૃંદાવનલાલ નંદલાલ મહેતા(વી.એન.મહેતા)એ
તેને પોતાને ત્યાં કામ કરવા માટે બોલાવી લીધેલો. મહેતાકાકાને ત્યાં ઘણો સમય કામ
કર્યા પછી તેણે બીજી જગાએ કામ મેળવ્યું. પણ એક વાત નક્કી થઈ ગઈ કે સુરેન્દ્ર હવે
મુંબઈ જ રહેશે. અત્યંત લાગણીશીલ સ્વભાવના આ સૌથી મોટા છોકરા પ્રત્યે કનુકાકાને
વિશેષ લગાવ હતો. સુરેન્દ્રનું ઘરનું નામ હતું ‘બાબુ’. પણ કનુકાકા જ્યારે પણ તેનો ઉલ્લેખ
કરે ત્યારે ‘મારો બાબુ’ કહીને જ વાત
કરે. સહેજ ઉંમરલાયક થતાં જ ઘરથી દૂર મુંબઈ ગયેલા ‘બાબુ’ માટે કનુકાકાને વિશેષ સહાનુભૂતિ. સુરેન્દ્રનાં લગ્ન નડિયાદના ચીમનલાલ પરીખની
દીકરી પુષ્પા સાથે ગોઠવાયાં. તો ચીમનલાલનો બીજા નંબરનો દીકરો નિરંજન બી.એસ.સી.સુધી
ભણ્યો હતો. તેને વિદેશ જઈને આગળ ભણવાની ઈચ્છા હતી. ચીમનલાલના એક ખાસ મિત્ર હતા
નર્મદાશંકર મહેતા ઉર્ફે નાનુકાકા.(સંબંધોનો છેડો ક્યાંથી ક્યાં લંબાય છે! વરસો પછી
આ જ નાનુકાકાનો દોહિત્ર અનાયાસે અમારો ખાસ મિત્ર બન્યો. એ મિત્ર એટલે ‘દાઢી’ ઉર્ફે પ્રણવ અધ્યારુ.) નર્મદાશંકરના એક મિત્ર (મૂળ
રુદણ ગામના) અંબાલાલ લલ્લુભાઈ શાહ યુગાન્ડામાં હતા. અંબાલાલને બે સંતાનો હતાં- દીકરી કુમુદ અને દીકરો કિરીટ. કુમુદ લગ્ન માટે ભારત આવવાની હતી.
નર્મદાશંકરે વચ્ચે રહીને પોતાના એક મિત્રનો દીકરો અને બીજા મિત્રની દીકરીનો મેળાપ
કરાવ્યો. બન્નેએ એકબીજાને પસંદ કર્યાં. અને લગ્ન પણ નક્કી થઈ ગયાં. એ રીતે સુરેન્દ્ર
અને નિરંજનનો લગ્નપ્રસંગ સાથેસાથે જ આવ્યો. ૧૯૫૫ની આ વાત. બન્ને પ્રસંગો રંગેચંગે
પાર પડ્યા.
 |
નિરંજનનાં લગ્ન યુગાન્ડાનિવાસી કુમુદ સાથે થયાં |
આ જ વરસે કનુકાકાના
પિતાજી નટવરલાલ પંડ્યાનું અવસાન થયું. ગુજરી ગયા ત્યારે
નટવરદાદાની ઉંમર હતી આશરે ૧૧૦ વરસની. છેક સુધી તે સ્વસ્થ રહેલા. તેમને મોતિયો છેક
૯૦ વરસની ઉંમરે આવેલો. કનુકાકાની સ્થાયી નોકરી થઈ ગઈ હતી છતાં નટવરદાદા ‘ટહેલ’ પર જતા. સાથે એક
માણસ રાખતા. હકીકતમાં નટવરદાદાએ મહેમદાવાદના શરાફ જગમોહનદાસ પરસોત્તમદાસ પરીખ (પહેલાં
વડીલમિત્ર અને હવે અમારા પાડોશી બનેલા બિપીનભાઈ શ્રોફના પિતાજી) પાસેથી અઢીસો
રૂપિયા વ્યાજે લીધેલા. વરસે પંદર રૂપિયા વ્યાજ ચૂકવવાનું થતું. આ કારણ હોય કે
બીજું, પણ એ છેક સુધી ટહેલ માટે
જતા. નટવરદાદાને આગલે દિવસે સાધારણ તાવ જણાયો અને બીજે દિવસે તે સ્વર્ગવાસી થયા.
એકસો દસ વરસની ઉંમરે તેમના જવાનો કંઈ શોક ન હોય, પણ ત્રણ જણના
કુટુંબમાંથી એક વ્યક્તિનો ઘટાડો થયો હતો એ નક્કી હતું. હવે કનુકાકાના ઘરમાં તેમનાં
બાળવિધવા બહેન પરસનબેન જ રહ્યાં.
 |
કનુકાકાના પિતાજી નટવરલાલ પંડ્યાની
રેલ્વે સીઝન ટિકીટ (૧૯૩૮) |
લગ્ન થયા પછી સુરેન્દ્રનો સંસાર મુંબઈમાં શરૂ
થયો, તો થોડા સમય પછી નિરંજન
યુગાન્ડા જવા રવાના થયો. હવે ચીમનલાલ, કપિલાબેન અને
તેમનો સૌથી નાનો દીકરો અનિલ રહ્યા. અનિલનું પણ ભણવાનું ઠેકાણું પડ્યું નહીં, અને મેટ્રીકનો અભ્યાસ છોડીને તે નોકરીએ
લાગ્યો. ચીમનલાલ વિવિધ વેપારમાં નિષ્ફળતા પછી અમદાવાદની ‘ન્યુ કમર્શિયલ મિલ્સ’ સાથે વેપારની રીતે સંકળાયા હતા. આ મિલના માલિક
કાંતિલાલ નાથાલાલ શેઠ સાથે તેમને પરિચય હતો એટલે અનિલને પણ તેમણે આજ મિલમાં
લગાડ્યો. આમ, પિતાપુત્ર બન્ને
ટ્રેનમાં અપડાઉન કરતા. એક તરફ ઉપરાછાપરી બે લગ્નપ્રસંગો અને બીજી તરફ વેપારમાં સતત
નિષ્ફળતા. આને લઈને આર્થિક ઘસારો ઘણો લાગેલો. દરમ્યાન મુંબઈમાં સુરેન્દ્ર પોતાના
જોગું મકાન જોતો રહેતો હતો. સાન્તાક્રુઝ (પૂર્વ)ના ચંદન મહાલમાં બે રૂમનું એક ‘ઘર’ તેના ધ્યાનમાં
આવ્યું. આ ઘર ખરીદવું હોય તો ‘પાઘડી’ના દસ હજાર ચૂકવવા પડે. આ રકમ ત્યારે મોટી હતી.
એક તોલા સોનાનો ભાવ ત્યારે એંસી રૂપિયાની આસપાસ હતો. એ પરથી આ રકમના મૂલ્યનો અંદાજ
આવી શકશે. સુરેન્દ્ર પાસે એટલા બધા રૂપિયા ક્યાંથી હોય? એટલે તેણે મદદ માટે ઘેર પૂછાવ્યું.
ચીમનલાલ માટે ધર્મસંકટ ઉભું થયું હશે. દીકરા
માટે મુંબઈમાં મકાન લઈ લેવાય તો તેને કાયમની શાંતિ થઈ જાય, કેમ કે મુંબઈમાં ‘ઓટલો’ મળવો ત્યારેય મુશ્કેલ
હતો. બીજી તરફ પોતાની પાસેની મૂડી ધીમે ધીમે કરીને ઘસાઈ ગઈ હતી. દસ હજાર જેટલી
રકમની વ્યવસ્થા પોતે ક્યાંથી કરી શકે એ મૂંઝવણ હતી. ઘરમાં તેમનો અને અનિલનો પગાર
આવતો, પણ એનાથી તો ખર્ચ નીકળી
રહેતો. એમ તો ગામમાં તેમની શાખ હતી, સંબંધોય હતા, પણ એ સૌની સામે હાથ લાંબો કરવો એટલે બાંધી
મુઠ્ઠીને ભરબજારે ખોલી નાંખવી. પોતે વ્યવસ્થા ન કરી શકે તો તેનો અપરાધભાવ પણ
જીવનભર રહી જાય. હવે કરવું શું?
કનુકાકાને આ વાતની ખબર પડી. કનુકાકાનો માસિક
પગાર ત્યારે વધીને મહિને સાઠ રૂપિયાનો થયેલો. પણ બચતનો તેમનો સ્વભાવ. ઓછામાં ઓછા
ખર્ચમાં તે રહેતા. ક્ષણનોય વિચાર કર્યા વિના તેમણે કહી દીધું, “ચિંતા ન કરો, ચીમનભાઈ. બાબુને
કહો કે રૂમ રાખી લે. બધા પૈસા હું આપીશ.” પ્રાથમિક શાળાના આ શિક્ષક પાસે એ ગાળામાં
દસ હજાર રૂપિયા હોય એ વાત જ કલ્પના બહારની હતી. ખરા અર્થમાં ‘ટીપે ટીપે’ કનુકાકાએ આટલી
મૂડી જમાવી હશે. પણ કોઈની ખરેખરી જરૂરિયાત કરતાં આ સંઘરેલી મૂડીનું મૂલ્ય તેમને મન
વધુ નહોતું. કનુકાકા પૈસા આપતા હોય તો મામલો ઘરમેળે જ પતી જાય અને વાત પણ બહાર જાય
નહીં. પોતે સમયસર પૈસા પાછા વાળી દેશે એમ કહીને ચીમનલાલે પૈસા સ્વીકાર્યા અને
મુંબઈ સુરેન્દ્રને તે મોકલવાની વ્યવસ્થા કરી.
સમયસર નાણાં મળી જવાથી સુરેન્દ્રે સાન્તાક્રુઝના
ચંદન મહાલમાં બાવીસ નંબરનું મકાન ખરીદ્યું. મકાન શું હતું! એક મોટા બિલ્ડીંગમાં
માળાની જેમ બાંધેલો બબ્બે રૂમનો સેટ હતો. આગળ બેઠકખંડ, અંદરના ભાગે રસોડું અને સૌથી છેલ્લે સ્વતંત્ર
બાથરૂમ-સંડાસ. અને આવી તમામ રૂમોની બહાર એક કૉમન લૉબી. જે હોય તે, મુંબઈમાં આટલું ઠેકાણુંય મળે એ ઓછું હતું? આ ‘ઘર’માં જ સુરેન્દ્ર–પુષ્પાનો સંસાર પાંગર્યો.
પહેલાં કિશન, પછી મયુર અને
સૌથી છેલ્લે દીકરી સુજાતાનો જન્મ તથા ઉછેર આ જ સ્થળે થયો.
**** **** ****
અનિલની ઉંમર પણ લગ્નલાયક
થઈ ગઈ હતી. બલ્કે એ સમય મુજબ વધારે થઈ ગઈ હતી એમ કહી શકાય. તેનું સગપણ વડોદરા
જિલ્લાના સાવલી તાલુકાના ગામ સાંઢાસાલના અગ્રણી વેપારી ચંદુલાલ કેશવલાલ દેસાઈની
એકમાત્ર દીકરી સવિતા સાથે થયું હતું. ચંદુલાલની પોતાના ભાઈઓ સાથે સહિયારી કાપડની
પેઢી હતી, જેનું નામ હતું ‘કેશવલાલ કીલાભાઈ દેસાઈની કું.’ લગ્નપ્રસંગ ધામધૂમથી ઉજવાવાનો હતો.
મહેમદાવાદથી જાન સાંઢાસાલ જવાની હતી. ત્રણ દિવસ સુધી જાનનો મુકામ સાંઢાસાલ ખાતે રહેવાનો હતો. એક રીતે ચીમનલાલ પરિવારનાં સંતાનોમાં આ છેલ્લો લગ્નપ્રસંગ હતો. એ પછી
પંદર- વીસ વરસનો અંતરાલ પડી જવાનો હતો. આ
કારણે પણ સહુ પિતરાઈઓ લગ્નમાં મહાલવા માટે થનગની રહ્યા હતા.
 |
અનિલ અને સ્મિતા લગ્નગ્રંથિથી જોડાયાં (૨/૨/૧૯૬૦) |
લગ્ન માટેનો સૌનો ઉત્સાહ
હોય એ સ્વાભાવિક છે, પણ ઘરની કથળેલી
આર્થિક સ્થિતિમાં ખાસ ફેરફાર થયો નહોતો. હા, ત્રણ માળનું
મકાન હતું, તેને લઈને
બહારથી કોઈને કશો અંદાજ ન આવે, પણ અંદર શું
હતું એ તો ઘરના જ જાણતા હતા. ફરી એક વાર કનુકાકા વહારે આવ્યા. અગાઉ તેમણે આપેલા દસ
હજાર રૂપિયા પાછા વાળવાનો હજી જોગ થયો નહોતો. પણ ઘરની સ્થિતિથી તે વાકેફ હતા.
તેમણે ચીમનલાલને આશ્વાસન આપ્યું અને સામે ચાલીને પાંચેક હજારની મદદ કરી. કનુકાકાએ
કશી મદદ ન કરી હોત તો પણ ચાલત. તેમણે ધાર્યું હોત તો લગ્ન સાદાઈથી કરવાની શિખામણ
પણ આપી શક્યા હોત. અરે, અગાઉ ઉછીના
આપેલા દસ હજારની ઉઘરાણી પણ આ ટાણે કરી શક્યા હોત. પણ આમાંનું કશું તેમણે કર્યું
નહીં. તેમની સ્પષ્ટ અને સાદી સમજણ હતી કે આપણે ઉછીના પૈસા આપેલી વ્યક્તિ ભીડમાં
હોય તો તેની પાસેથી આપણા નાણાંની ઉઘરાણી ન કરાય. કનુકાકાએ ઉઘરાણી
તો ન કરી, પણ સામે ચાલીને
વધારાના નાણાં આપ્યાં. અને આ વાત ત્રણ જ જણ જાણતાં- ચીમનલાલ, કપિલાબેન અને ત્રીજા કનુકાકા.
 |
અનિલના લગ્નની જાનમાં સફેદ સૂટ પહેરેલા અનિલની પાછળ ઉભેલા ટોપી પહેરેલા
કનુકાકા, સૌથી ડાબે બ્લેઝર અને ચશ્મા પહેરેલા ઈન્દ્રવદન દેસાઈ અને તેમની બાજુમાં
હાથમાં નાણાંકોથળી પકડીને ઉભેલા સુરેન્દ્ર કોઠારી |
૨ ફેબ્રુઆરી, ૧૯૬૦ના દિવસે અનિલનાં લગ્ન લેવાયાં ત્યારે
તેની ઉંમર ૨૮ વરસની હતી. પરણીને આવેલી નવી વહુ સવિતાનું નામ હવે ‘સ્મિતા’ રાખવામાં
આવ્યું. તેની ઉંમર હતી ૨૨ વરસની. કુટુંબમાં કનુકાકાનું સ્થાન એ હદે કાયમી થઈ ગયું
હતું કે લગ્નના થોડા સમય પછી પિયરે ગયેલી સ્મિતાને તેડવા માટે સાસરી પક્ષના
પ્રતિનિધિ તરીકે કનુકાકા અને સુલોચના ગયાં હતાં. મહેમદાવાદથી સાંઢાસાલ જવું એટલે એ
સમયે અડધા દિવસની મુસાફરી. મહેમદાવાદથી વહેલી સવારે છ વાગે ટ્રેનમાં નીકળીને
વડોદરા થઈને સમલાયા જવાનું. સમલાયાથી નેરોગેજ ટ્રેન પકડીને સાંઢાસાલ પહોંચે ત્યારે
બપોરના અઢી-ત્રણ વાગ્યા હોય. પાછા આવવા માટે પણ આવી જ કવાયત કરવાની.
અનિલ-સ્મિતાનો સંસાર શરૂ
થયો. ચારેક વરસ પછી પહેલી પ્રસૂતિ માટે સ્મિતા પોતાના ભાઈઓને ત્યાં અમદાવાદ ગઈ
હતી. અહીં તેણે દીકરાને જન્મ આપ્યો, જેનું
જન્મતાંવેંત અવસાન થયું. ચીમનલાલના માથે ત્યારે થોડું દેવુંય થઈ ગયેલું. ચીમનલાલની
તબિયત પર પણ આ બાબતની વિપરીત અસર થવા લાગી હતી.
વરસેક પછી ફરી એક વાર સ્મિતાને
સારા દિવસ રહ્યા. આ વખતે મહેમદાવાદના નગર પંચાયતના દવાખાનામાં જ બાળકને જન્મ
આપવાનું નક્કી થયેલું. તેને આઠમો મહિનો ચાલતો હતો એ ગાળામાં જ એક દુર્ઘટના બની.
દિવસ હતો સાતમી માર્ચ, ૧૯૬૫ને
રવિવારનો.
એ દિવસે રજા હતી. મુંબઈથી ચીમનલાલના મોટા ભાઈ શાંતિલાલ પણ આવેલા હતા. હળવા
વાતાવરણમાં દાળભાત,
શાક, લાડુ અને વાલનું ભોજન સહુ જમ્યા. ભોજન પછી પુરુષવર્ગ
બહારના રૂમમાં જઈને બેઠો. સ્ત્રીવર્ગ અંદર પરવારી રહ્યો હતો. ચીમનલાલ તેમની કાયમી
આરામખુરશીમાં બેઠા હતા. તેમના હાથમાં વીક્સની શીશી હતી. વાતવાતમાં એ નીચે ગબડી ગઈ.
આરામખુરશીમાં બેઠેબેઠે જ ચીમનલાલ શીશી લેવા નીચા નમ્યા. તેમણે સંતુલન ખોયું, અને ખુરશી પરથી નીચે ગબડ્યા. લોહી નીકળવા માંડ્યું. તે બેશુદ્ધ થઈ ગયા. અનિલે
આ જોઈને દોટ મૂકી સીધી સરકારી દવાખાના તરફ. શાંતિલાલે અંદર જઈને સ્ત્રીવર્ગને જાણ
કરી. સૌ બહાર ધસી આવ્યા. મામલો ગંભીર હતો એ વગર કહ્યે સમજાઈ જાય એમ હતું. ચીમનલાલ
ફરી શુદ્ધિમાં ન આવ્યા. તેમનું બ્લડપ્રેશર વધી ગયું હતું,
જેને લઈને તરત જ ‘બ્રેઈન હેમરેજ’ થઈ
ગયું. થોડી વારમાં ડૉ. ઘનશ્યામભાઈ શાહ (દાદા) આવ્યા. તેમણે
ચીમનલાલને તપાસ્યા. અમદાવાદના કોઈ ડૉક્ટરને બોલાવવાનું તેમણે સૂચવ્યું એ પરથી સૌને
ખ્યાલ આવી ગયો કે સ્થિતિ ગંભીર છે. અમદાવાદથી ડૉ. સુમન શાહને બોલાવવાની વ્યવસ્થા
કરવામાં આવી. ચારસો રૂપિયા તો તેમની વિઝીટ ફી હતી, પણ એ સમયે
કશાનો વિચાર કરવાનો નહોતો. જો કે, ડૉ. સુમન શાહે પણ તપાસીને
કહી દીધું કે હવે રાહ જોયા વિના કંઈ થઈ શકે એમ નહોતું. રવિવારની રાત તો વીતી.
ત્યાં સુધીમાં સગાંવહાલાંને સમાચાર પહોંચાડી દેવામાં આવ્યા. બીજે દિવસે એટલે કે ૮
માર્ચ, ૧૯૬૫ના દિવસે સોમવારે સવારના દસેકની આસપાસ ચીમનલાલે
શ્વાસ મૂક્યો. તેમની ઉંમર સાઠેકની હોવી જોઈએ.
 |
ચીમનલાલ અને કપિલાબેન કોઠારી |
આમ, એક તરફ
પરિવારે મોભી ગુમાવ્યો હતો, તો બીજી તરફ એક નવા જીવના આગમનની
તૈયારી પણ થઈ ગઈ હતી. લગભગ એક મહિના પછી મંગળવાર, છઠ્ઠી
એપ્રિલ, ૧૯૬૫ના દિવસે સ્મિતાએ પુત્રને જન્મ આપ્યો. આગલા વરસની
પ્રસૂતિ વખતની દુર્ઘટના, મહિના પહેલાંનો આઘાત અને એ પછી આ
નવા જીવના આગમને પરિવારમાં આનંદની લાગણી પ્રસરાવી. તેનો ચહેરો જોઈને સૌ કહેતાં, “આ તો ચીમનલાલ જ પાછા આવ્યા છે.” આ બાળકે પોતાના દાદાનું મોં સુદ્ધાં
જોયું નહોતું. તેના નાના ચંદુલાલ દેસાઈ પણ બેએક વરસ અગાઉ ૧૯૬૩માં દેવલોક પામ્યા
હતા. પણ તેને ક્યાં અણસાર હતો કે દાદા અને નાનાની ખોટ સરભર થઈ જાય એવી કાળજી તેને
મળતી રહેવાની છે! આ સંતાનનું નામ રાખવામાં આવ્યું ‘બીરેન’. (જેને ૪૭ વરસ
પછી આ પોસ્ટ લખવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થવાનું હતું.)
અલબત્ત, આ બાળકના જન્મ થકી પેદા થયેલો ખુશીનો માહોલ
ચોમાસામાં થોડી વાર નીકળતા ઉઘાડ જેવો હતો. આર્થિક સંકટનાં વાદળો હજી ઘેરાયેલાં જ
હતાં. આ વાદળોની રૂપેરી કોર પણ જણાતી નહોતી. આવા માહોલમાં કનુકાકાએ પરિવારના
મોભીની ભૂમિકા સાવ સહજપણે, કશી અપેક્ષા
વિના કે કશા ઢંઢેરા વિના, એક કર્તવ્યનિષ્ઠ
વડીલની જેમ અદા કરી.
છએક વરસ પછી સ્મિતાને ફરી
સારા દિવસો રહ્યા. આ વખતે પણ મહેમદાવાદની નગર પંચાયત હોસ્પિટલમાં જ દાખલ થવાનું
હતું. ૪ ફેબ્રુઆરી, ૧૯૭૧ને
ગુરુવારના દિવસે બીજા દીકરાનો જન્મ થયો, જેનું નામ ‘ઉર્વીશ’ પાડવામાં
આવ્યું. અનિલ-સ્મિતાના આ બન્ને દીકરાઓને કનુકાકાની છત્રછાયામાં ઉછરવાનું, તેમની હૂંફ મેળવવાનું અને સાડા ત્રણ દાયકા
સુધી તેમની સાથે રહેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. આ ગાળામાં કોઠારી પરિવારે અનેક
તડકીછાંયડી જોઈ. પણ એ તમામ સંજોગોમાં કનુકાકા પરિવારની પડખે અડીખમ ઉભા રહ્યા.
કનુકાકાના વ્યક્તિત્વની
વધુ રસપ્રદ વાતો આગામી કડીઓમાં.
(ક્રમશ:)