Tuesday, May 8, 2012

ફૂલોં કે મેલે, હમ હૈ અકેલેઋતુઓના ગુણધર્મો વિષે આપણે પાઠ્યપુસ્તકોમાં ભલે ને ગમે તે ભણ્યા હોઇએ, પણ કેલેન્ડરોમાં મોટે ભાગે ફક્ત મહિનાઓનો જ ઉલ્લેખ હોય છે, ઋતુઓનો નહીં. એટલે ઋતુઓનું આગમન જાણવા માટે આપણે હજી આજેય અમુક પ્રાકૃતિક બાબતોનો આશરો લેવો પડે છે. 

મધમાખી, ભમરા, ભમરી જેવા વિવિધ કીટકો છોડ પર બેઠેલા ફૂલોની આસપાસ ચક્કર મારતા દેખાય એટલે સમજવું કે વસંત ઋતુનું આગમન થઇ ચૂક્યું છે. પણ ફૂલોને બદલે ફૂલના છોડની આસપાસ વિવિધ પ્રકારના મનુષ્યો ચક્કર મારતા દેખાય એટલે સમજવું કે વર્ષાઋતુનું આગમન થઇ ચૂક્યું છે. મોસમના પહેલા વરસાદ પછી જેમ પાંખવાળા જીવડાં ઉભરાઇ જાય છે અને જ્યાં ત્યાં ઉડતાં દેખાય છે, એમ ફૂલછોડના રોપા વેચતી નર્સરીઓમાં પહેલા વરસાદ પછી મનુષ્યો ઉભરાયેલા દેખાય છે. આ મનુષ્યોમાં ફૂલ-છોડની વિવિધ જાતિ-પ્રજાતિઓના પારખુઓથી માંડીને કેવળ તુલસી, ગુલાબ, મોગરા કે વડ, પીપળા પૂરતું વનસ્પતિનું જ્ઞાન ધરાવતા અલ્પજ્ઞાની ઉત્સાહીઓનો સમાવેશ થાય છે. નર્સરીમાં આવતા આ પ્રકારના લોકોનું ફૂલછોડનું જ્ઞાન સાચેસાચ નર્સરીમાં ભણતા બાળક જેવું હોય છે.
પહેલાંના જમાનામાં ફૂલછોડના કૂંડાઓને ઘરમાં રાખવા એ સ્ટેટસની નિશાની હતી. ધનવાન હોય એવા લોકો કૂંડાની સાથે સાથે માળી પણ રાખતા. અને વટભેર માળીના પગારનો આંકડો સૌને જણાવતા. જ્યારે ધનવાન ન હોય પણ એવા દેખાવા મથતા લોકો પ્લાસ્ટિકના બનેલા, પણ સાચા જેવા જ દેખાતા છોડ ગર્વભેર ઘરમાં રાખતા. એટલું જ નહીં, કોઇને ત્યાં સાચુકડાં કૂંડા જુએ એટલે તુચ્છકારપૂર્વક પૂછતા, આ સાચા છોડ છે? યજમાન ગૌરવપૂર્વક હા પાડે એટલે પેલો તરત મોં બગાડીને કહે, સાચા છોડ રાખવામાં જફા બહુ. એના કરતાં પ્લાસ્ટિકના સારાં. ગમે ત્યારે ધોઇએ એટલે ચોખ્ખા! અને ક્યારેય મરે તો નહીં. મરણશીલ એવા સાચા ફૂલછોડની સામે અમરપટો લખાવીને આવેલા બનાવટી ફૂલછોડનું આવું માહાત્મ્ય સાંભળીને સાચા છોડ રાખનારને કેવો આઘાત લાગે એ સમજી શકાય એમ છે.
પણ હવે જમાનો બદલાયો છે. (જમાનો આદિકાળથી બદલાતો આવ્યો છે). આજકાલ સાચુકલા ફૂલછોડનો શોખ સમાજના તમામ વર્ગોમાં વ્યાપી ગયો છે (એક આધારરહિત, બિનઅધિકૃત અહેવાલ મુજબ). ઘરમાં ફૂલછોડ રાખવા એ સ્ટેટસ નહીં, પણ પ્રકૃતિપ્રેમ ગણાય છે. પ્રકૃતિપ્રેમી હોવું કે ન હોવું મહત્વનું નથી. પણ પ્રકૃતિપ્રેમી દેખાવા માટે ઘરઆંગણે છોડવાળા કૂંડાઓની હાજરી અનિવાર્ય છે.
નવાઇ લાગે એવી વાત છે કે રોપાઓ ખરીદવા માટે નર્સરીમાં જવું એ ક્યારેય આપણી પ્રાચીન પરંપરા રહી નથી. નહીંતર એવી કોઇ બાબત બાકી નથી, જેની પરંપરાનો રેલો ભારતમાંથી ન નીકળ્યો હોય. રામ અને સીતા વચ્ચે ફૂલ કેરે દડૂલિયે મારામારી થતી એવો એક કવિતામાં ઉલ્લેખ છે. પણ એ ફૂલ નર્સરીમાંથી લાવેલા રોપાનું હતું કે ઘરઆંગણે આપમેળે ઉગી ગયેલું જંગલી ફૂલ હતું એ જાણવા મળ્યું નથી. આમ છતાં, થેન્ક યુ, હોં અને સોરી હોંની જેમ ફૂલછોડના કૂંડા રાખવાની પરંપરાનું પણ આપણે સંપૂર્ણ ભારતીયકરણ કરી નાંખ્યું છે.
પોતાનો પ્રકૃતિપ્રેમ ઉતરતો નથી, એમ દર્શાવવા ઇચ્છતા, પણ પૈસા ખર્ચવા ન ઇચ્છતા લોકો નર્સરીમાં જતા નથી. પાડોશીને ત્યાં કૂંડામાંના મુખ્ય છોડની બાજુમાં ફૂટી નીકળેલા ટચૂકડા રોપાને આવા લોકો બેધડક માંગી લે છે. અને પોતાને ઘેર કૂંડામાં તેને રોપી દીધા પછી પાડોશીને ત્યાં ઉગેલા મૂળ છોડ કરતાંય પોતાના છોડનો વિકાસ વધુ સારો થઇ રહ્યો છે, એવા અહેવાલો પ્રસારિત કરતા રહે છે.
જો કે, નર્સરીમાં રોપા ખરીદવા જવું એ પણ એક રસપ્રદ પ્રક્રિયા છે. મોટા ભાગની નર્સરીઓમાં ગ્રાહકે પોતાનું વાહન બહાર મૂકીને જવાનું હોય છે. પરિણામે નર્સરીનો માલિક પોતાના ગ્રાહકને સમદૃષ્ટિથી જોઇ શકે છે. (લીલા છોડવા વચ્ચે રહેતા લાલ વિચારવાળા લોકો.) નર્સરીમાં પ્રવેશતાંની સાથે જ ગ્રાહકને સૌ પ્રથમ પ્લાસ્ટિકની કાળી કોથળીઓમાં ઉગાડવામાં આવેલા અસંખ્ય રોપાઓ હારબંધ ઉભેલા દેખાય છે, જેને જોયા પછી તેની મનોદશા સ્વયંવરમાં ઉભેલી રાજકુંવરી જેવી થાય છે. રોપાની પસંદગીની પ્રક્રિયા પણ રાજકુમારની પસંદગીની પ્રક્રિયાની જેમ ધારીએ છીએ એટલી સહેલી નથી. કેવળ ભવસાગર પાર કરવા માટે જ કોઇ માર્ગદર્શકની જરૂર હોય છે, એવું નથી. ભવસાગરમાં ભ્રમણ (કે તરણ?) દરમ્યાન પણ વિવિધ તબક્કે માર્ગદર્શકની જરૂર પડતી હોય છે. ક્યારેક યોગ્ય માર્ગદર્શકની તલાશમાં જ ઘણાનો ભવ પૂરો થઇ જાય છે, પણ નર્સરીમાં એમ થતું નથી. નર્સરીમાં સમસ્યા જરા જુદી હોય છે. અહીં માર્ગદર્શન માટે પગારદાર માણસોની નિમણૂંક કરવામાં આવેલી હોય છે,પણ તેમને ઓળખવા શી રીતે એ કોયડો હોય છે. કેમ કે રોપાઓના ઝૂંડની વચ્ચે ઉભેલા નર્સરીના માણસો ગ્રાહક જેવા લાગે છે અને ગ્રાહકો નર્સરીના સ્ટાફના માણસ જેવા જણાય છે. પોતાનાં સગાંઓમાંથી પોતાના હિતશત્રુઓને ઓળખવા જેવું અઘરું આ કામ છે. પણ વ્યવહારકુશળ લોકો આનો ઉકેલ મેળવી લે છે. આવા લોકો એક સ્થાને એવા નિર્લેપભાવે ઉભા રહી જાય છે કે જાણે તેમને કશું જ ખરીદવાનું ન હોય. આ નુસખો અસરકારક નીવડે છે. થોડી વારમાં જ રોપાઓના ઝુંડ વચ્ચેથી એકાદો માણસ ફૂટી નીકળે છે અને ગ્રાહક પાસે આવીને પૂછે છે, બોલો,સાહેબ! શું જોઇએ?   આમ, માર્ગદર્શક પોતે જ માર્ગ કરતો આવે છે અને તેને ઓળખવાની મૂંઝવણ આપમેળે ટળે છે. આ પ્રથમ તબક્કો પૂરો થાય એટલે તમામ મૂંઝવણોનો અંત આવતો લાગે, પણ હકીકતે મૂંઝવણોની આ શરૂઆત હોય છે.
લગ્ન કરાવનાર ગોર મહારાજ જેમ માત્ર પોતે જ સમજી શકે એ રીતે મંત્રોચ્ચાર કરે છે, એમ આ માર્ગદર્શકભાઇ કે બહેન એક પછી એક છોડના નામ ફટાફટ બોલવા માંડે છે. વિજ્ઞાનપ્રવાહનો વિદ્યાર્થી પાણીને એચ ટુ ઓ કે મીઠાને સોડિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાવીને પોતાનું જ્ઞાન છાંટે એમ નર્સરીવાળો ગલગોટાના ફૂલને મેરીગોલ્ડ’, જૂઇને જાસ્મીન જેવાં નામોથી ઓળખાવે છે અને સાથે ઓડોનિયમ’, એરિલીયમ’, લેજિસ્ટીમિયા જેવાં બે-ચાર અઘરાં નામો પણ બોલતો રહે છે. જે છોડનું નામ તેને ખબર ન હોય તેને તે શો પ્લાન્ટ તરીકે ઓળખાવે છે. મૂંઝાયેલો ગ્રાહક આકર્ષક દેખાતા એકાદ છોડ પાસે ઉભો રહીને તેનું નામ પૂછે ત્યારે ભજીયા સાથે ચટણી પીરસતો હોય એમ નર્સરીવાળો નામની સાથે તે છોડની કિંમત પણ કહે છે. અડધું પાટલૂન ચડાવેલા, માટીથી રગદોળાયેલા અને મોટે ભાગે ખુલ્લાપગે ફરતા આ ભાઇના મોંએથી અઘરાં નામ સાંભળીને કે પછી છોડની કિંમત સાંભળીને ગ્રાહકને વધુ આઘાત લાગે છે એ નક્કી કરવું અઘરું છે. કિંમત સાંભળતાં જ ગ્રાહકને પોતાના ઘરની મર્યાદાઓ તેમજ નકામા પાડોશીઓના નકારાત્મક વલણનો જ્ઞાનબોધ થવા લાગે છે. નર્સરીનો (કદમાં) તુચ્છ જણાતો રોપો તેના માટે કામચલાઉ બોધિવૃક્ષ બની જાય છે. તેને અચાનક ખ્યાલ આવવા લાગે છે કે- ઘરમાં તોફાની છોકરાંઓ આને ઉખેડી નાંખશે તો? આપણાથી એને રેગ્યુલર પાણી નહીં અપાય તો? બાજુવાળાની બિલાડી જતાં-આવતાં આની પર કૂદે તો? આપણે બહાર જઈએ ત્યારે સામેવાળો ઝાંપો કૂદીને અંદર આવીને રોપાને ઉખેડી નાંખે તો?
આવા ચિંતારૂપ ચિંતનના ફળસ્વરૂપ તે એવા નિષ્કર્ષ પર પહોંચે છે કે આટલો મોંઘો છોડ નર્સરીમાં જ શોભે, ઘરમાં નહીં. આવું જ્ઞાન લાધ્યા પછીય તેની જિજ્ઞાસા યથાવત રહે છે, પણ જુદા માર્ગે ફંટાય છે. હવે તે છોડનાં નામ નહીં,પણ તેની કિંમત પૂછવા લાગે છે. આ શું છે?’ ને બદલે તે આ કેટલાનો છે?’ એમ પૂછવાનું શરૂ કરી દે છે.
પણ બધા ગ્રાહકો આ પ્રકારના હોતા નથી. એક વર્ગ એવો હોય છે કે જે છોડનો દેખાવ જોઇને જ તેને ખરીદી લે છે. સમજુ નર્સરીવાળા આવા ગ્રાહકોને છોડ ઉપરાંત ખાતર, જંતુનાશક દવાઓ, બાગકામનાં ઓજારો, વિવિધ ડિઝાઇનનાં કૂંડાં વગેરે બતાવે છે અને તે ખરીદવા પર ભાર મૂકે છે. આવા ગ્રાહકો પોતાને શોખ હોય કે ન હોય, પોતાના સામાજિક મોભા ખાતર, પોતે ક્યાંક ગરીબ ન દેખાઇ જાય એમ માનીને રોપા સિવાયની ચીજો ખરીદી લે છે.
અમુક સ્વાવલંબીઓ પુસ્તકો વાંચીને ફૂલછોડનો ઉછેર શીખવાનો પ્રયત્ન કરે છે. ફૂલછોડને લગતાં મોટા ભાગનાં પુસ્તકો અંગ્રેજીમાં હોય છે. ગુજરાતીઓનો અંગ્રેજીપ્રેમ વિશ્વવિખ્યાત છે. તેઓ ગુજરાતી ભાષાના એસ.એમ.એસ. અંગ્રેજી લિપિમાં આસાનીથી કરે છે, તો આખાં ને આખાં અંગ્રેજી વાક્યો એ ગુજરાતી લિપિમાં લખવા-વાંચવાની કોશિશ કરે છે. એટલે એક તરફ ચોપડી ખુલ્લી રાખીને, બીજી તરફ ડીક્શનેરી હાથવગી રાખીને ત્રીજી તરફ માટી, કૂંડું, રોપો, ઓજારો વગેરે ગોઠવીને કાર્યક્રમનો આરંભ થાય છે. પણ છોડના વિકાસની પ્રક્રિયા કંઈ કોઈ વાનગી બનાવવા જેવી ઝડપી ઓછી છે કે તરત પરિણામ મળે? આમાં તો રાહ જોવી પડે. નવી ફૂટ થાય ત્યાં સુધી ચોપડી વચ્ચે અટવાયા કરે એના કરતાં ચોપડીને યોગ્ય 'ઠેકાણે' મૂકી દેવામાં આવે છે, જેથી 'યોગ્ય' સમયે તે હાથમાં આવી શકે. પણ 'યોગ્ય' સમય આવતાં અણીને સમયે વિસ્મૃતિનો શાપ ધરાવતા કર્ણ જેવી હાલત થાય છે અને ચોપડી ક્યાં મૂકી છે એ કોઈને યાદ આવતું નથી. ચોપડી ન જડે ત્યારે સત્તાવાળાને દોષ દઈને છૂટી પડાતું નથી. અને સત્તાવાળાઓ ભલે વાંચવાના ગમે એવા કાર્યક્રમો યોજે, પણ કોઈને ફરજિયાત વંચાવી શકાતું નથી. છેવટે દિવાળી ટાણે સાફસૂફી હાથ ધરાય ત્યારે આ પુસ્તક હાથે ચડે છે અને હવે તેનો કશો ખપ નથી, એમ ઠરાવીને તે પસ્તીવાળાને હવાલે કરવામાં આવે છે. 
નર્સરીવાળા જેટલો ઉત્સાહ રોપાઓની કિંમતની જાણકારી આપવામાં બતાવે છે, એનાથી અડધો ઉત્સાહ રોપાઓની જાળવણી અંગે દેખાડતા નથી. આને કારણે ગ્રાહક ઘેર જાય અને રોપાઓને કૂંડામાં રોપે ત્યાર પછી અમુક રોપા વધુ પડતા પાણીથી કે વધુ પડતી માવજતથી મરણને શરણ થાય છે. અને છતાંય ગ્રાહકને તેમાં પોતાની અણઆવડત અને નિષ્કાળજી દેખાય છે. અને પછીના ચોમાસે તે નવેસરથી નવા રોપાઓ લેવા માટે નર્સરીમાં હાજર થઇ જાય છે. સરકારના વૃક્ષારોપણ કાર્યક્રમની જેમ આમાં પણ ઉદઘાટનવિધિનું જ વિશેષ મહત્વ હોય છે. અને તેથી જ તો દર વરસે બે-ત્રણ વખત આ કાર્યક્રમ યોજી શકાય છે. મહામહેનતે પસંદગી કરીને રોપાઓને ઘેર લાવ્યા પછી તેને કૂંડાઓમાં રોપવાનો કાર્યક્રમ શરૂ થાય છે, પણ જેમ નર્સરીના અભ્યાસક્રમને ત્યાર પછી શાળામાં ભણાવાતા વિષયો સાથે ભાગ્યે જ કશો સંબંધ હોય છે. એમ નર્સરીમાંથી રોપા ખરીદવાને પણ ત્યાર પછી તેને ઘેર લાવીને કૂંડાઓમાં રોપવા તેમજ વર્ષ દરમ્યાન ઉછેરવાના કાર્યક્રમ સાથે ભાગ્યે જ કશો સંબંધ હોય છે. મતલબ કે બન્ને અલગ અલગ પ્રક્રિયાઓ છે.
જો કે, ફૂલછોડની નર્સરીમાં કુમળા રોપાઓ પર તેમની કારકિર્દી ઉજ્જ્વળ બનાવવા માટે જુલમ થતો હોવાનું જાણ્યું નથી.


(તસવીરો: બીરેન કોઠારી) 

4 comments:

 1. Adbhoot Nursary Darshan,
  What I think,Only one thing remained ,, A couple goes to purchase and their sweet green dialog over there !!

  ReplyDelete
 2. મસ્ત મજાનું થયું.

  ReplyDelete
 3. બીરેનભાઇ,
  એક સિધ્ધહસ્ત કટાક્ષકાર [satirist]ની શૈલિમાં લેખ થયો છે.
  અભિનંદન.

  ReplyDelete
 4. એટલે હવે આપશ્રીની અદ્ર્શ્ય આંખો અને કાનના ભયે અમારે આવતા ચોમાસાથી નર્સરીમાં જવાનું બંધ કરવું પડશે!!

  ReplyDelete