Saturday, April 21, 2012

…તો સૂર બને હમારા


- ઉત્પલ ભટ્ટ 


(અમદાવાદના ઉત્પલ ભટ્ટ દ્વારા યુનિફોર્મ પ્રોજેક્ટની પ્રગતિનો હૃદયસ્પર્શી અહેવાલ) 


પ્રિય મિત્રો,
ત્રણેક મહિના પછી ફરી પાછો પત્ર આપ સૌને લખી રહ્યો છું.

આ અગાઉ શરૂપુર ટીંબી ગામની શાળાના વિદ્યાર્થીઓની સ્થિતિ તેમજ એ જોઈને અનુભવેલી લાગણી આપ સૌને આ બ્લોગના માધ્યમ દ્વારા જણાવી હતી. 
(એ પોસ્ટ અહીં http://birenkothari.blogspot.in/2012/01/blog-post_26.html  પર ક્લીક કરવાથી વાંચી શકાશે.) આ પ્રથમ પ્રયાસનાં પરિણામો બહુ પ્રોત્સાહક મળ્યાં હતાં. ઘણા સહૃદયી મિત્રોએ રૂબરૂ, ફોન દ્વારા, ઈમેલ દ્વારા, બ્લોગ પર કમેન્ટ દ્વારા અભિનંદન આપ્યાં હતાં તેમજ યથાયોગ્ય આર્થિક સહાય તથા વચન પણ આપ્યાં હતાં. આ બધાને કારણે આ પ્રોજેક્ટને આગળ વધારતા રહેવાનું બળ મળતું રહ્યું છે.

આ પ્રોજેક્ટ નિમિત્તે આર્થિક સહાય મોકલનાર સૌ મિત્રોને જે તે પ્રોજેક્ટનો હિસાબ પોસ્ટ કે ઈમેલ દ્વારા વેળાસર મોકલી આપ્યો છે.

પણ અગાઉ જણાવેલી વાત ફરી જણાવું કે આ અમારો પ્રથમ પ્રોજેક્ટ હતો, આખરી નથી. હા, અમારા મનમાં એવો જરાય વહેમ નથી કે ગુજરાત આખાની પછાત વિસ્તારની શાળાઓમાં પહોંચી જઈને ત્યાંના વંચિત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ગણવેશની જોડ વહેંચતા ફોટા પડાવીને વાહવાહ ઉઘરાવી લઈએ. આ વાત અહીં દોહરાવવાનો આશય એટલો જ છે કે અન્ય કોઈ પણ વ્યક્તિ એકલપંડે યા પોતાના મિત્રવર્તુળ દ્વારા કોઈ પણ વિસ્તારની શાળાના બાળકો માટે પોતાના સ્તરે કંઈક કરી શકે છે. અમારી મદદ કે માર્ગદર્શનની જરૂર હોય ત્યાં એ અવશ્ય મળશે, બાકી એ વિના પણ કામ થઈ જ શકે છે. મૂળ હેતુ તો વિકાસની દોટમાં પાછળ રહી ગયેલા આપણા ભાંડુઓનાં બાળકોને બે જોડી નવાં કપડાં આપવાનો કે અન્ય કોઈ રીતે સહાયરૂપ થવાનો જ છે. એ સિદ્ધ થાય એટલે બસ. આપણે કંઈ એમની પર કશો ઉપકાર નથી કરતા.

અહીં એ વાતની નોંધ લેવી પણ જરૂરી સમજું છું કે પૂના રહેતી મારી મિત્ર નંદિની કેકરેએ અગાઉ આ પ્રોજેક્ટમાં આર્થિક સહાય કરી હતી. અને બે એક દિવસ પહેલા આવેલા મેલમાં તેણે જણાવ્યું છે કે તેના મિત્રમંડળે પણ નાની નાની શાળાઓમાં આ પ્રકારના પ્રોજેક્ટ શરૂ કર્યા છે અને વિવિધ સામગ્રી પૂરી પાડવાનું શરૂ કર્યું છે. એક સે એક મિલે તો રાઈ બન સકતી હૈ પર્બતએ આનું નામ.

શરૂપુર ટીંબી ગામની શાળાનો પહેલો પ્રોજેક્ટ કર્યા પછી બીજો પ્રોજેક્ટ હતો મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકાના ગામ મેઘાઅલિયાસણાની પ્રાથમિક શાળાનો. અહીં ફક્ત ૨૧ વિદ્યાર્થીઓ વચ્ચે ૪૨ જોડી યુનિફોર્મ તૈયાર કરાવવાનો હતો. આટલી ઓછી સંખ્યા હોવાથી પ્રમાણમાં આ કામ ઝડપથી પૂરું થયું હતું. ખરેખર તો, મેઘાઅલિયાસણા પ્રાથમિક શાળામાં કુલ ૨૪૦ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ છે. પણ ગામ પ્રમાણમાં ખાધેપીધે સુખી છે એટલે બાકીનાં વિદ્યાર્થીઓને એવી કોઈ જરૂર હતી નહીં. અમારું લક્ષ્ય ખરેખર તો જરૂરિયાતવાળી આખેઆખી શાળાના તમામ વિદ્યાર્થીઓને ગણવેશ પૂરા પાડવાનું  છે. મેઘાઅલિયાસણા ગામના સરપંચને, આચાર્યને તેમજ શાળાના  શિક્ષકોને અમે ભારપૂર્વક અનુરોધ કર્યો કે આ એકવીસ બાળકોના ગણવેશની જવાબદારી ગામના લોકો જ ઉપાડી લે એ યોગ્ય છે. અમારી વાતની તેમના પર અસર થઈ હોય એવું ત્યારે તો લાગ્યું હતું. એમ પણ બને કે તેમને આવું કંઈક કરવાનું મનમાં ઉગ્યું જ ન હોય. અને આટલે દૂરથી અમને આવા કામ માટે આવેલા જોઈને તેની અસર થઈ હોય.અહીં એક આડવાત પણ કરી લઉં, જે આ શાળા સાથે જ સંકળાયેલી છે. અહીં અમે આપેલા ગણવેશના કાપડની ગુણવત્તા જોઈને આચાર્ય અને શિક્ષકો બહુ રાજી થઈ ગયા હતા. આવું કાપડ ક્યાંથી અને શી કિંમતે મળી શકે એ અંગે તેમણે વિગતે પૂછપરછ કરી હતી અને આગામી વરસે વિદ્યાર્થીઓ માટે આવું જ કાપડ ખરીદવાનું તેમણે વિચાર્યું હતું. સૌની સહાયથી ખરીદેલા કાપડની ગુણવત્તાનું આનાથી વધુ સારું પ્રમાણપત્ર કયું હોઈ શકે!

દરમ્યાન અન્ય શાળા અંગેની અમારી તપાસ ચાલુ જ હતી. શરૂપુર ટીંબી ગામની શાળાનાં શિક્ષિકા તારાબહેન અગાઉ કવાંટ તાલુકાના મોગરા ગામની શાળામાં નીમાયેલાં હતાં. અમારી આ પ્રવૃત્તિ જોઈને તેમણે અમને મોગરા ગામની શાળાના કો-ઓર્ડીનેટર શનિયાભાઈ રાઠવાનો સંપર્ક નંબર આપ્યો. શનિયાભાઈ સાથે મેં ફોન પર વાત કરી. પૂછપરછ કરીને પરિસ્થિતિ જાણી. એ પછી દરજીકામનો વ્યવસાય કરતા મિત્ર જયેશ પરમારને તમામ વિદ્યાર્થીઓનાં માપ લેવા માટે મોગરા મોકલ્યો. અમદાવાદથી વડોદરા, વડોદરાથી ડભોઈ, ડભોઈથી કવાંટ અને કવાંટ થઈને જયેશ મોગરા પહોંચ્યો. એ દિવસે શાળાનાં તમામ બાળકો હાજર હતાં. કુલ ત્રેસઠ બાળકોનાં માપ જયેશે લીધાં. આ ઉપરાંત મોટી ચીખલી નામનું ગામ પણ રસ્તામાં આવતું હતું. શનિયાભાઈ સાથે થયેલી વાત મુજબ અહીં કુલ ૧૯૯ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ હતા, તેમનાં માપ પણ લઈ લેવાનાં હતાં. એક જ વખતના ભાડામાં આ કામ થઈ જાય તો જે એકાદ જોડીના પૈસા નીકળ્યા એ. જયેશે તેના આટલા વરસના વ્યવસાયમાં એક જ દિવસમાં આટલા બધા લોકોનું માપ લીધું હોય એવું કદાચ પહેલી વાર બન્યું હશે. નફાનું તદ્દન સામાન્ય માર્જિન રાખીને હોંશે હોંશે નિર્ધારીત સમયગાળામાં ગણવેશ સિવવાનું કામ કરીને જયેશે કશાય હોબાળા વિના આ કાર્ય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પુરવાર કરી આપી છે.

જો કે, અમારી પાસે ત્યારે તો માત્ર મોગરા ગામના ૬૩ વિદ્યાર્થીઓનો ગણવેશ સિવાય એટલું જ ફંડ હતું. રાતપાળીમાં વધારાના કારીગરો રોકીને પણ નિયત સમયમર્યાદામાં આ કામ સારી રીતે પૂર્ણ થયું. માથાદીઠ બે એમ કુલ ૧૨૬ જોડ ગણવેશ સિવાઈને તૈયાર થઈ ગયો. એક નિયત દિવસે અમે મોગરા જવાનું નક્કી કર્યું. એ દિવસ હતો છઠ્ઠી એપ્રિલ, શુક્રવારનો.

**** **** ****

ચારેક મોટાં બોક્સમાં યુનિફોર્મ લઈ જવા માટે કોઈ મોટું વાહન હોય તો અનૂકુળ રહે. અને તેની વ્યવસ્થા ભાડાના વાહનને બદલે મોટે ભાગે કોઈ ને કોઈ મિત્ર થકી જ કરવી એવું અમે નક્કી રાખ્યું છે. ઈંધણનો જે ખર્ચ થાય એ આવનાર સૌ સરખે ભાગે વહેંચી લે. એ મુજબ 'સિનરોઝા મોડ્યુલર કીચન'વાળા અમદાવાદના મારા મિત્ર મલ્કેશ ગજ્જરે પોતાનું વાહન ઓફર કર્યું. એટલું જ નહીં, પોતેય સાથે આવવાનો આગ્રહ રાખ્યો. તેમની સાથે વત્સલ ગજ્જર, મારા સહકાર્યકર અને હિસાબનીશ ગિરિરાજભાઈ (જેમણે આ પ્રોજેક્ટમાં હિસાબ તૈયાર કરવાની સ્વૈચ્છિક કામગીરી સંભાળી લીધી છે) તેમજ વડોદરાથી બીરેન કોઠારી પણ જોડાયા.

ડભોઈ, બોડેલી વટાવીને સવારે દસેક વાગે તો અમે કવાંટ પહોંચી ગયા, જ્યાં શનિયાભાઈ રાઠવા અમારી રાહ જોતા હતા અને અમારી સાથે મોગરા આવવાના હતા. વડોદરાની પૂર્વપટ્ટી તરીકે ઓળખાતા આ વિસ્તારમાં પ્રવેશતાં જ જાણે કે કોઈક બીજા પ્રદેશમાં આવી ગયા હોવાની અનુભૂતિ થાય. આપણે જેને  વિકાસનો પર્યાય ગણીએ છીએ એવા રોડ તો અહીં છેક સુધી બની ગયા છે. પણ ડુંગરાઓની વચ્ચે વસેલાં નાનાં નાનાં ગામડાં, તેમાં નજરે પડતાં ઝૂંપડાં, ક્યાંક એકાદું છૂટુંછવાયું પાકું મકાન, રસ્તે સાવ પાંખી અવરજવર.. આ બધું જોઈને માન્યામાં ન આવે કે આપણે એકવીસમી સદીના ગુજરાતના કોઈક પ્રદેશમાં ઘૂમી રહ્યા છીએ.
કવાંટના મુખ્ય રસ્તે અમારી રાહ જોતા ઊભેલા શનિયાભાઈ અમને આગ્રહપૂર્વક પોતાને ઘેર લઈ ગયા. ઉતાવળે તેમની મહેમાનગતિ માણીને અમે તેમને લઈને મોગરા જવા ઉપડ્યા, જે કવાંટથી બારેક કિલોમીટર દૂર હતું. કવાંટ છોડ્યા પછી સાવ ડુંગરાળ રસ્તા શરૂ થયા, ઉપર નીચે સરકતા ઢાળ, ચારે બાજુ ભૂખરા રંગના પર્વતો, પાન ખરી ગયેલાં મહુડાનાં વૃક્ષો, ઢોળાવ પરની નાનકડી જગાને સપાટ બનાવીને તેની પર થતી ખેતી અને ભરતાપમાં ઉઘાડે માથે ખેતી કરતા ખેડૂતો કે ખેતમજૂરો.. આ બધું રસ્તામાં નજરે પડતું હતું. અમારા રસ્તાથી થોડા ફંટાઈને અમે મોટી ચીખલીની શાળામાં પણ આંટો મારી આવ્યા. અહીંની પરિસ્થિતિને નજરે નિહાળી અને આગળ વધ્યા.

                મહુડાનાં તાજાં ફૂલો
અત્યારે આ વિસ્તારમાં પાનખર ચાલે છે. તેને કારણે ઘેઘૂર હોય એવાં મહુડાનાં તોતિંગ વૃક્ષો સાવ ઠૂંઠા જેવા જણાય છે. ડુંગરાઓ પણ સાવ ભૂખરા રંગના. વચ્ચે વચ્ચે ઉગેલી અમુક લીલી વનસ્પતિ ન હોય તો આખો લેન્ડસ્કેપ સેપિયા રંગનો હોય એવો એકરંગી જ જણાય. આ મોસમ છે મહુડાંના ફૂલ વીણવાની, જેને સૂકવવામાં આવે છે. મહુડાના વૃક્ષને આ વિસ્તારનું, આ પ્રજાનું કલ્પવૃક્ષ ગણી શકાય. ભરતાપમાં મહુડાં વીણતાં સ્ત્રી-પુરુષોનાં દૃશ્યો આ મોસમમાં સામાન્ય છે. મહુડામાંથી બનતા અન્ય જાણીતા પીણા વિષે કોઈ ગુજરાતીને ખબર ન હોય એવું ભાગ્યે જ બને. ભલે ને એ પીણાનો તેણે આસ્વાદ લીધો હોય કે ન લીધો હોય. આ પીણું જેમાંથી તૈયાર કરવામાં આવે છે એવા મહુડાનાં તાજાં તોડેલાં ફૂલ અમે જીવનમાં પહેલવહેલી વાર જોયાં અને ચાખ્યાં. તદ્દન મીઠો, મધુર અને નિર્દોષસ્વાદ! આ ફૂલોને સૂકવીને તેને વેચવામાં આવે છે.

ડુંગરની પેલે પારથી ભણવા આવવાનું. 
મોગરા ગામ નાનકડા ડુંગરોની ગોદમાં વસેલું રળિયામણું ગામ છે. અહીંનાં ફળિયાં પણ કેવા? સાવ છૂટા છૂટા મકાનો. શહેરમાં રહીને સ્ક્વેર ફીટના માપથી ટેવાયેલાને તો આ ફાર્મહાઉસથી કમ ન લાગે. પણ ફરક એટલો કે શહેરની ભાગોળે મોટી જગામાં બનાવાયેલાં ફાર્મહાઉસ વૈભવનાં પ્રતિક છે, જ્યારે અહીં એ જીવનશૈલી છે, અને ગરીબીનાં પ્રતીક છે. ખેર, વાંકાચૂકા રસ્તે અમે મોગરા ગામની ભાગોળે પહોંચ્યા અને ત્યાં પહોંચતાં શું જોયું? આશરે પચાસેક માણસો દૂર ઉભેલા જણાયા, જેમાં બાળકો, યુવાનો તેમજ આધેડ સ્ત્રી-પુરુષો પણ હતાં. કોઈક શુભ પ્રસંગ હોય તેમ અમુક જણાએ લાલ રંગના સાફા માથે બાંધ્યા હતા. ત્રણ-ચાર અલગ અલગ સાઈઝના ઢોલ-નગારાં લઈને અમુક ઉભેલા. એકાદ જણ શરણાઈ જેવું વાદ્ય લઈને ઉભેલો. અમને થયું કે અમે આ ખોટા ટાઈમે આવ્યા. કોઈક નેતાબેતા આવવાના લાગે છે, અને તેના સામૈયા માટે ગામ ભેગું થયું છે.

પણ જેવા અમે વાહનમાંથી નીચે ઉતર્યા એ સાથે જ સ્થિર ઉભેલા એ ટોળામાં જાણે કે જીવનનો સંચાર થયો હોય એવું લાગ્યું. શરણાઈના સૂરે તાલબદ્ધ ઢોલ-નગારાં વાગવા લાગ્યાં. આઠ-દસ જણ નાનકડું વર્તુળ બનાવીને ઉત્સાહથી ઠેકડા મારી મારીને જોશભેર નાચવા લાગ્યા. મગરનું મહોરું પહેરેલો એક છોકરો પણ આવીને મનોરંજન કરાવતો હતો. ઢોલના તાલની વચ્ચે વચ્ચે મોંએથી ફુર્રર્રર્રર્ર..અવાજ કરતા જાય. મૂંઝાઈને અમે શનિયાભાઈને પૂછ્યું, “ આ...?’ શનિયાભાઈએ કહ્યું, “સાહેબ, તમે બધા આવવાના છો એટલે બધા રાજીરાજી થઈ ગયા છે. તમારું સામૈયું કરે છે.” ‘સામૈયુંશબ્દ મોટેભાગે વૈભવી બાવાઓ સાથે જ જોડાયેલો સાંભળ્યો હતો. મારા કે બીરેનભાઈના લગ્નનો સુદ્ધાં વરઘોડો નહોતો નીકળ્યો કે જેમાં ઓળખીતા-પાળખીતાઓને રોડ વચ્ચે બે હાથ ઊંચા કરીને છાકટા થઈને નાચવાનો મોકો મળે. અને આ સાવ અજાણ્યા પ્રદેશમાં, અમને પહેલી વાર જોઈ કે મળી રહ્યા હોય એવા લોકો અમારા આગમનની ખુશીમાં કૂદીનાચી રહ્યા હતા!અમને ક્ષણિક શરમ થઈ આવી. ખરું જોતાં આપણે કર્યું છે શું? કોઈકે આપણને પૈસા આપ્યા છે, અને આપણે એનો ઉપયોગ કરીને બબ્બે જોડી કપડાં સિવડાવીને આ લોકોનાં સંતાનોને પહોંચાડવા આવ્યા છીએ. શું આટલા બધા સન્માનને લાયક અમે છીએ ખરા? કેવળ ગોરકર્મકરનારનું આવું સામૈયું! પણ આવું અમે વિચારતા હતા, એ લોકો નહીં.

દિલથી થયેલું સામૈયું 

અડધો એક કલાક સુધી આ નાચગાન ચાલ્યું અને એ પછી અમે શાળાના પ્રાંગણમાં પ્રવેશ કર્યો. સાવ નાનકડા કહી શકાય એવા પ્રાંગણની ફરતે ઓરડા હતા. જમીન પર પાથરણાં પાથરવામાં આવ્યાં હતાં અને તાપ ન આવે એટલે ઉપર તાડપત્રી બાંધવામાં આવી હતી. એક તરફ ટેબલ સજાવવામાં આવ્યાં હતાં, જેની પછવાડે ખુરશીઓ મૂકાયેલી હતી. અમને થયું કે ઓહો! અહીં તો અચ્છોખાસો ફંક્શનનો માહોલ છે. હજીય અમને સંકોચ થતો હતો. જાણે કે કોઈક બીજા માટે યોજેલા કાર્યક્રમમાં ભૂલથી વહેલા આવી ગયા હોઈએ અને મૂળ આમંત્રિતને મળતું સન્માન અમને મળતું હોય એવું લાગતું હતું.
અમને સૌને માનભેર ખુરશી પર બેસાડવામાં આવ્યા. લગભગ આખું ગામ એ દિવસે પ્રાંગણમાં હાજર હતું. ખરા અર્થમાં આબાલવૃદ્ધ સૌ.

                   આબાલ.. 

....વૃદ્ધ સહુ ઉમટેલાં. 
શાળાનાં આચાર્યા ધર્મિષ્ઠાબહેન પટેલ અને સુનિતાબહેન ગામીતની દેખરેખ હેઠળ સૌએ પોતાનું સ્થાન લીધું.
દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો આરંભ કર્યા પછી છોકરાંઓએ પ્રાર્થના અને ગીત ગાયાં.એ પછી શનિયાભાઈએ વક્તવ્યની શરૂઆત કરી. અહીં અગાઉ નોકરી કરતાં શિક્ષિકા તારાબેન પટેલને યાદ કરીને તેમણે આભાર વ્યક્ત કર્યો કે જેમના થકી અમને આ શાળા અંગે જાણ થઈ હતી.

ત્યાર પછી વારો હતો ફુગરિયાભાઈ ભીલનો. આ એ જ મહાનુભાવહતા જે પેલા નાચવાવાળાઓના ટોળામાં અગ્રેસર બનીને નાચી રહ્યા હતા અને હરખના માર્યા ફુર્રર્રર્રઅવાજ મોંએથી બોલાવી રહ્યા હતા. એવો તો શો હરખ હશે એમને?

શાળા બનાવવા માટે પોતાની જમીન આપી દેનાર દાનવીર
ફુગરિયાભાઈ  'બે શબ્દો' કહે છે. 
 અમને જણાવવામાં આવ્યું કે આ શાળા બને એ માટે આ સજ્જને પોતાની જમીન દાનમાં આપી દીધી હતી. પોતે સાવ અભણ, ખેતી આધારિત જ આજીવિકા અને પોતાનો ખુદનો આઠ જણનો પરિવાર. છતાં આવનારી પેઢી અક્ષરજ્ઞાન પામી શકે એટલા જ ઉમદા હેતુસર તેમણે આ શુભ કાર્ય કોઈની પ્રેરણા વિના આપસૂઝથી કર્યું હતું. આ જમાનામાં કોઈ વ્યક્તિ પોતાની જમીન દાનમાં આપે એ જ ઘટના કહેવાય,એ તો શહેરમાં રહેનાર સૌ કોઈ આસાનીથી સમજી શકશે. ફુગરિયાભાઈ પોતાની ભાંગીતૂટી જબાનમાં પાંચ-છ વાક્યો જ બોલ્યા. પણ એ સાંભળીને અમારા સૌનાં હૈયાં ભરાઈ આવ્યાં. એમણે ટૂંકમાં કહ્યું, “ ભગવાન રામની રાહ બહુ બધા લોકો જોતા હતા. પણ શબરી (જેવી ગરીબ ભીલડી) ના ઘેર જ ભગવાન રામ ગયા. એમ આ સાહેબો આપણે આંગણે પધાર્યા છે.આટલે ઊંચે દરજ્જે મૂકાતા જોઈને અમને લાગ્યું કે આ મહાશય જરા વધારે પડતું કહી રહ્યા છે અને અમને રાજી કરવા બોલી રહ્યા છે. પણ પછી શનિયાભાઈએ જણાવ્યું, “આ વિસ્તારમાં લગભગ દસેક વરસથી બહારની કોઈ વ્યક્તિ આવી જ નથી. તમે પહેલવહેલા છો, જે આવા કોઈ કામ માટે આવ્યા છો.આ સાંભળીને અમને બહુ નવાઈ લાગી. મત માંગવા પૂરતાય નેતાઓ અહીં આવતા નહીં હોય ત્યારે અમારા જેવા પામર જીવોને આ લોકો આટલા ઉંચા આસને બેસાડે ને! 

આ શાળાનાં આચાર્યા ધર્મિષ્ઠાબહેને પણ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો.
ત્યાર પછી મને અને બીરેનભાઈને બે શબ્દોબોલવા માટે તેમણે બહુ આગ્રહ કર્યો. અમે કંઈ બોલી શકીએ એવી સ્થિતિમાં નહોતા. છતાં તેમના આગ્રહને માન આપીને અમે વારાફરતી બોલ્યા. એમને અમારે શો સંદેશોઆપવો? એ જ કે બરાબર ભણીગણીને, સારી નોકરી મેળવીને, પ્રકૃતિની આ રળિયામણી ગોદમાંથી આઘે ફેંકાઈને કોંક્રીટના જંગલમાં તમારી ઓળખ ગુમાવીને સાવ અજાણ્યા બનીને વસજો અને એને વિકાસ સમજજો? અત્યારે જેવા નિર્દોષ છો એવા ન રહેશો અને અમારા જેવા કોઈ પણ અજાણ્યા આવે તો આનંદપૂર્વક નાચવાકૂદવા ના માંડશો? એકાદ ઈંચ જેટલી જમીન પણ દબાવવા મળતી હોય તો લોકો છોડતા નથી, તો તમે એવા કયા મોટા જમીનદાર છો કે આટલો ટુકડો એમ ને એમ જ આપી દીધો? તેમને એમ કહીએ કે શાળા બનાવવા જેવા જાહેર કામ માટે જમીન દાનમાં દઈ દેવાની મૂર્ખામી ન કરશો?
હૃદયમાં આવું ઘમસાણ ચાલતું હતું એની પર માંડ કાબૂ રાખીને સહુ બરાબર ભણજોએ મતલબનું કંઈક અમે માંડ બોલી શક્યા.

ત્યાર પછી વારો હતો મુખ્ય કાર્યક્રમનો એટલે કે ગણવેશના વિતરણનો. નામની તૈયાર યાદી મુજબ એક પછી એક નામ બોલાતા ગયા અને દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થીની આવતાં ગયાં. જાણે કે કોઈ મોટું ઈનામ અપાતું હોય એમ હાજર રહેલા સહુ દર વખતે તાળીઓ પાડતા હતા. કોઈ કોઈને તો તેમનાં મા-બાપ લઈને આવતાં હતાં અને યુનિફોર્મ મેળવીને પોતાની જાતને ધન્ય સમજતા હતા. એકે એક જણ છેક છેલ્લા વિદ્યાર્થીને યુનિફોર્મ અપાઈ ગયો ત્યાં સુધી હાજર રહ્યું.


આ કાર્યક્રમ પૂરો થયો પછી ભોજનનો કાર્યક્રમ હતો. અમે મધ્યાહ્ન ભોજન જમવાનો જ દુરાગ્રહ રાખેલો. છતાંય મહેમાનોની સરભરાકરવી જોઈએ એવા યજમાનધર્મ મુજબ મધ્યાહ્ન ભોજનના મેનુની સાથે મકાઈના રોટલા પણ બનાવવામાં આવેલા. એક એક રોટલાની સાઈઝ મોટી થાળી જેવડી. આવી મીઠાશ ગમે એટલા મોંઘા ભોજનમાં મળે ખરી?

**** **** ****

ભોજન પછી અમારે પાછા વળવાનું હતું, પણ એ ગામના કાનજીભાઈ અમને આગ્રહપૂર્વક પોતાને ત્યાં લઈ ગયા. તેમનાં પોતાનાં બે સંતાનો પણ આ શાળામાં ભણતાં હતાં. તેમના અતિ આગ્રહને વશ થઈને અમે તેમને ઘેર ગયા. તેમના ઘરમાં પ્રવેશતાં જ સાદગીનો વૈભવ જોઈને અમે આભા બની ગયા. સાંઠીઓ પર લીંપણ કરીને બનાવેલી દિવાલો, ભોંયતળિયા પર પણ લીંપણ. અંદર જ ભાગ પાડીને રસોડું અને મુખ્ય ખંડ બનાવાયેલો. અહીં પંખો તો હોય જ ક્યાંથી? છતાંય ભરબપોરના ધોમધખતા તાપમાં જે ઠંડક અનુભવાતી હતી એમાં કદાચ તેમના આતિથ્યની ભીનાશ પણ ભળી હશે. મારો મિત્ર મલ્કેશ કહે, “ અમદાવાદ જેવા શહેરમાં બિલકુલ આવા જ ઈન્ટીરીયરવાળી હાઉસીંગ સ્કીમ મૂકી હોય તો લોકો કરોડો આપતાંય ખચકાય નહીં.કેવો વિરોધાભાસ કહેવાય! સીમેન્ટ-કોંક્રીટની દિવાલોવાળાં મકાનોમાં રહેનારાં ફોર અ ચેન્જઝૂંપડામાં આવવા ઈચ્છતા હોય છે અને ખરેખર ઝૂંપડામાં રહેતાં લોકોની ઈચ્છા હોય છે (કે હોતી હશે) પાકાં મકાનોમાં રહેવાની.

કાનજીભાઈ-વાગલીબહેન: નાનું કુટુંબ, સુખી કુટુંબ 

એ નાનકડા, પણ સુંદર અને સુખી કુટુંબના અમે ફોટા પાડ્યા- અમારી યાદગીરી માટે. આખરે બપોરે ત્રણેક વાગે અમે ત્યાંથી પાછા આવવા નીકળ્યા. અમને વળાવવા ફરી પાછું આખું ગામ ઉમટ્યું હતું. આજે આ કામ માટે ભલે આવ્યા, પણ ફરી એમ જ ફરવા આવો અમારે ત્યાં.આવું લગભગ દરેક જણ કહેતું હતું. અમે હસતે મોંએ ચોક્કસ આવીશુંકહેતા હતા. આ સ્થળનું કુદરતી સૌંદર્ય જોઈને થતું હતું કે ચોમાસા પછી અહીં અવશ્ય ફરવા આવી શકાય. અહીંથી હાફેશ્વર નામનું જાણીતું સ્થળ બહુ નજીક છે. ત્યાંનો કાર્યક્રમ પણ બનાવી શકાય.

વિદાયવેળાએ ફરી એકવાર નાચગાન 

પણ અમારા મનમાં કંઈક જુદી જ ગણતરી ચાલતી હતી. કેવી ગણતરી? વ્યક્તિગત પૂછપરછ અને અમે મેળવેલા આંકડા થકી જાણવા મળ્યું કે આ ગામમાં સંપૂર્ણપણે ભીલોની વસ્તી છે. અહીં વસતા દરેક કુટુંબની આવક આઠથી દસ હજાર રૂપિયા છે. અને કુટુંબના સભ્યોની સંખ્યા ચારથી લઈને આઠ-દસ સુધીની છે. આટલું વાંચીને કોઈને થાય કે આટલી આવકમાં, આવા નાના ગામડામાં પૂરું થઈ રહે, વાંધો ન આવે. સ્પષ્ટતા એટલી જ કરવાની કે આવકનો આ આંકડો વાર્ષિક છે. એનો મતલબ એ થયો કે એમ જઆપણે એમને ત્યાં જઈએ તો એમના ભાગનો રોટલો છીનવવા જેવું જ થાય. આપણે ભણેલા અને સુધરેલા ખરા ને, એટલે આવી બધી ગણતરી આપણને કરતાં આવડે, જ્યારે એ લોકોને ગણતરી કરતાં ફાવતી નહીં હોય એટલે જ ખરા દિલથી આવું નિમંત્રણ આપતા હશે!

ખેર, અમે પાછા વળ્યા ત્યારે આખે રસ્તે સૌની સ્થિતિ એકસરખી જ હતી. આંખો અને હૈયાં ભરાઈ ગયાં હતાં અને એક શબ્દ પણ કોઈ બોલી શકે એમ ન હતું.

**** **** ****

હવે પછી આ જ વિસ્તારના મોટી ચીખલી ગામની શાળા અમારા લીસ્ટમાં છે. અગાઉ જણાવ્યું એમ અહીંના કુલ ૧૯૯ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનાં માપ લેવાઈ ગયાં છે. આનંદની વાત એ છે કે અમદાવાદના એક હિતેચ્છુએ એકલપંડે આ ખર્ચ આપવાની તૈયારી દેખાડી છે અને એ મુજબ કાપડ ખરીદાઈને યુનિફોર્મ તૈયાર થવાને આરે છે.

હવે મોટી ચીખલીની આ શાળા અમારી યાદીમાં છે. 


સાબરકાંઠા જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોદરા ગામની પ્રાથમિક શાળા નં.૧ હજી અમારી યાદીમાં છે, જેના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૯૦ છે. તો દ્વારકા તરફની એક શાળા વિષે પણ અમને જાણકારી મળી છે.
સહાય કરવા ઈચ્છતા મિત્રો, શુભેચ્છકો માટે ફરી એક વાર ખર્ચ અંગેની વિગત જણાવી દઉં.

કોઈ મિત્ર યા શુભેચ્છક (દાતા નહીં) આખેઆખી શાળાને જ સ્પોન્સર કરે એ ઈચ્છનીય છે, જેથી કામ સરળ અને ઝડપી બની રહે. (રૂ.૩૫૦/- X વિદ્યાર્થીઓની સંખ્યા). અલબત્ત, આ સૂચન માત્ર છે, ફરજિયાત નથી. ચોક્કસ સંખ્યામાં વિદ્યાર્થીઓને ગણવેશ આપવા કોઈ ઈચ્છે તો એ વિકલ્પ પણ છે જ. અરે, એક વિદ્યાર્થીને કોઈ સ્પોન્સર કરવા ઈચ્છે તો પણ આવકાર્ય છે.
આ પ્રક્રિયામાં નાણાંકીય લેવદદેવડનો ભાગ અત્યંત પારદર્શક છે. સમગ્ર પ્રોજેક્ટ સ્પોન્સર કરનાર મિત્ર કે શુભેચ્છકે ફક્ત બે ચેક આપવાના રહેશે. એક દરજીના નામનો અને બીજો વેપારીના નામનો. આ સિવાય એક, બે, પાંચ કે દસ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ સ્પોન્સર કરનાર મિત્ર પણ આમ કરી શકે યા મનીઓર્ડર/બેન્ક ટ્રાન્સફર/રોકડા/રૂબરૂ/આંગડિયા દ્વારા પણ મોકલી શકે. અમારું કામ એક હાથમાંથી લઈને બીજા હાથમાં પહોંચાડવા પૂરતું જ છે.

એક વાતનું પુનરાવર્તન જરૂરી સમજું છું. મને લાગે છે કે પહેરવા માટે પૂરતાં કપડાં હોવાં એ દરેકનો મૂળભૂત અધિકાર છે અને આપણા જેવા સુધરેલા ગણાતા લોકોની આ ફરજ પણ છે. કોઈ આ કામ કરે એવી રાહ જોઈને બેસી રહેવાને બદલે કે તંત્રને ગાળો ભાંડવાને બદલે આપણે આટલું કરીએ તોય ઘણું. આમ કરવા પાછળ સેવા કરવાનો કોઈ ભાર મનમાં નથી. બલ્કે ફરજપાલનની જ મુખ્ય લાગણી આ પ્રોજેક્ટ પાછળનું ચાલકબળ છે. અમે કોઈ સ્થાયી ફંડ એકઠું કરવા માંગતા નથી કે એન.જી.ઓ. શરૂ કરીને કાગળના એવરેસ્ટ ખડકીને ફંડીંગ મેળવવાનોય કશો ઈરાદો નથી. મારા તમારા જેવા સંવેદનશીલ મિત્રો હાથમાં હાથ રાખીને કામ કરે અને મિલે સૂર મેરા તુમ્હારાના ન્યાયે સાવ સહજભાવે કામ થાય એવી અને એટલી જ અપેક્ષા છે, જેથી કહી શકાય તો સૂર બને હમારા.
સૌ પ્રથમ અમે શાળા શોધીએ, તેની વિદ્યાર્થીસંખ્યાને આધારે કિંમતનો અંદાજ માંડીએ અને એ પ્રોજેક્ટ પૂરતા કેટલા નાણાં જોઈશે એ જણાવીશું અને ફક્ત એ પ્રોજેક્ટ પૂરતી રકમ જ એકઠી કરીશું. આને લઈને નાણાંકીય વહીવટનો હિસ્સો સરળ રહેશે. કેમ કે આ આખા કાર્યક્રમમાં મૂળભૂત હેતુ નાણાંકીય વહીવટનો નથી, બલ્કે વસ્ત્રો જેવી મૂળભૂત જરૂ રિયાત પૂરી પાડવાનો છે.
આપના તરફથી મળતાં અભિનંદન, શુભેચ્છાઓ અને સારા શબ્દો અમારા માટે પ્રેરક બળ પૂરું પાડે છે, પણ નક્કર સહાય અમને ચાલક બળ પૂરું પાડશે. જરૂર બન્નેની છે. કોઈને અવગણી શકાય એમ નથી.
વધુ વિગતો માટે આપ મારો સંપર્ક + 91 97129  07779 (cell) પર કરી શકશો યા bhatt.utpal@gmail.com પર ઈમેલ કરી શકશો.
આપના તરફથી  સહકારની અપેક્ષા સાથે એટલું જ કહીશ કે એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના’.

આપનો
ઉત્પલ ભટ્ટ


(તસવીરો: ઉત્પલ ભટ્ટ, બીરેન કોઠારી) 

3 comments:

 1. Sumant Vashi ChicagoApril 22, 2012 at 1:01 AM

  I did not realised that aricle has come to the end. Still I wanted to read more and more. No more , but I will forward this article to all of my efriends with a request to do needfull , if, atleast they think, this is a work of HEART THROBBING... and easy to comply..

  ReplyDelete
 2. રજનીકુમાર પંડ્યાApril 22, 2012 at 10:10 AM

  મોટી સંસ્થા સ્થાપ્યા વગર, પોતે એક યુનિટ દ્વારા આ કામ નમ્રપણે કરી બતાવીને બીજાઓને પણ આમ નાના જુથ દ્વારા આ કામ કરવાની પ્રેરણા આપવાનો આઇડીયા મૌલિક છે. મને થોડી વધુ ડેટા મળે તો હું પણ આના વિષે લખવા માગું છું.

  ReplyDelete
 3. અન્ય કોઈ પણ વ્યક્તિ એકલપંડે યા પોતાના મિત્રવર્તુળ દ્વારા કોઈ પણ વિસ્તારની શાળાના બાળકો માટે પોતાના સ્તરે કંઈક કરી શકે છે.
  --------------------
  મારી નજરે, સૌથી અગત્યનું ઓપરીટિવ વાક્ય. કોમેન્ટો આપવા કરતાં એ વધારે પોઝિટિવ રહેશે.

  ReplyDelete