Friday, March 2, 2012

એન્થની ગોન્સાલ્વીસ: પરદા પરનું નામ, પરદા પાછળનું કામ૧૯૨૭ થી ૧૯/૧/૨૦૧૨ 
એન્થની ગોન્સાલ્વીસને કોણ નહીં ઓળખતું હોય? મનમોહન દેસાઈની ફિલ્મ અમર અકબર એન્થનીમાં એન્થની ગોન્સાલ્વીસની ભૂમિકા કરનાર અમિતાભ બચ્ચને આ પાત્રને ઘેરઘેર જાણીતું કરી દીધું હતું. માય નેમ ઈઝ એન્થની ગોન્સાલ્વીસ ગીતની આ લીટી સાંભળીએ એટલે અનાયાસે જ તેના પછીની લીટી મૈં દુનિયામેં અકેલા હૂં હોઠ પર આવી જાય. જાણકાર હોય એ એમ પણ કહે કે આ એન્થની ગોન્સાલ્વીસ નામની એક વ્યક્તિ વાસ્તવમાં છે અને એ પણ ફિલ્મી દુનિયામાં.આટલું જણાવીને એ રહસ્ય ખોલતા હોય એમ જણાવે કે અસલી એન્થની ગોન્સાલ્વીસ એટલે સંગીતકાર પ્યારેલાલના ગુરુ. અને આ ગીત દ્વારા પ્યારેલાલે ખરેખર તો પોતાના આ ગુરુને અંજલિ આપી છે. વાત સાચી છે. ૨૦૧૨ના જાન્યુઆરીની ૧૯ મી તારીખે એન્થની 
ગોન્સાલ્વીસનું અવસાન થયું ત્યારે પણ ટી.વી.ચેનલ પર કે અખબારોમાં આટલી જ માહિતી આપવામાં આવી હતી. એ બહાનેય એન્થની ગોન્સાલ્વીસને યાદ કરાયા એ આનંદની વાત છે. પણ તેમની ઓળખ ફક્ત આટલી જ છે? ઓળખ સાચી ખરી, પણ અધૂરી કે એકાંગી કહી શકાય. અમિતાભ બચ્ચનની ઓળખ કેવળ  ઐશ્વર્યાના સસરા તરીકે  કે રાજ કપૂરનો પરિચય રણબીર કપૂરના દાદા તરીકે આપવા જેવી ચેષ્ટા કહેવાય.
વાસ્તવમાં એન્થની ગોન્સાલ્વીસનું કામ હિન્દી ફિલ્મસંગીતમાં એવું અને એટલું પ્રચંડ અને પાયાનું છે કે કોઈ એક ઓળખમાં તેમને કેદ કરવા મુશ્કેલ બને. સંગીતના વાતાવરણમાં જ જન્મેલા એન્થનીનો, તેમના પ્રદાનનો પરિચય મેળવવા જેવો છે.
૧૯૨૭માં ગોવામાં જન્મેલા એન્થનીના પિતા જોઝ ગોન્સાલ્વીસનું પોતાનું યુનિવર્સલ નામનું બેન્ડ હતું. ગોન્સાલ્વીસ કુટુંબમાં કોયર(ચર્ચમાં ગવાતાં સમૂહગાન) ની પરંપરા હતી. જોઝ પોતે સંગીતશાળા ચલાવતા. તેમની પાસેથી એન્થનીને વાયોલીન શીખવા મળ્યું. વાયોલીન પર તેનો હાથ એવો બેઠો કે માત્ર તેર વરસની ઉંમરે તો પોતાના પિતાને ત્યાં ભણવા આવતા અન્ય વિદ્યાર્થીઓને શીખવવા લાગ્યો, જે તેનાથી ઉંમરમાં ઘણા મોટા હતા.
સોળ વર્ષની ઉંમરે તરુણ વયનો એન્થની સંગીતકાર તરીકે નસીબ અજમાવવા માટે મુંબઈ આવ્યો. મુંબઈમાં તેણે અથેલ અતાઈ/ Athel Atai પાસે સંગીતની તાલિમ લીધી. સમયે એન્થની વાયોલીન વગાડતો. ફિલ્મોના સંગીત માટે ત્યારે એવો રિવાજ પ્રચલિત હતો કે વાદકો સમૂહમાં વગાડતા અને સંગીતકાર એમાંથી નક્કી કરતા કે સોલો ટુકડા કોણ વગાડશે. એન્થનીને કારદાર પ્રોડક્શન્સની ફિલ્મ શારદા’ (૧૯૪૨) માં કામ મળ્યું, જેના સંગીતકાર હતા નૌશાદ/Naushad. નૌશાદની ઓરકેસ્ટ્રામાં જોડાયેલા એન્થનીએ પાર્શ્વસંગીતનું પાસું બખૂબી સંભાળી લીધું. નૌશાદ સાથે તેમને એવું ફાવી ગયું કે એ પછી નૌશાદ માટે તેણે અનેક ફિલ્મો કરી, જેમાં સ્ટેશન માસ્ટર/ Station Master (૧૯૪૨), સંજોગ/Sanjog (૧૯૪૩), ગીત/Geet (૧૯૪૪), રતન/Rattan (૧૯૪૪), અનમોલ ઘડી/Anmol Ghadi (૧૯૪૬), દુલારી/Dulari (૧૯૪૯), દાસ્તાન/Dastan (૧૯૫૦), જાદુ/Jadoo (૧૯૫૧), બૈજુ બાવરા/Baiju Bawra (૧૯૫૨), મધર ઈન્ડીયા/Mother India (૧૯૫૭) વગેરેનો સમાવેશ થાય છે. વાયોલિન વગાડવા ઉપરાંત એન્થનીનું મુખ્ય કામ હતું નોટેશન્સ બનાવવાનું, જેની પરથી અન્ય વાદકો પોતાને વગાડવાના વાદ્યસંગીતના ટુકડાનાં નોટેશન્સ ઉતારી લેતા. સમયે પશ્ચિમી નોટેશન્સની જાણકારી મોટે ભાગે ગોવાનીઝ વાદકોને રહેતી. ગોવાના અનેક વાદકો ત્યારે ફિલ્મસંગીતના ક્ષેત્રે નસીબ અજમાવવા માટે મુંબઈ આવી રહ્યા હતા.
ત્યારના જાણીતા વાયોલીનવાદક પીટર સેક્વેરા/Peter Sequeira સાથે એન્થનીનો પરિચય થયો અને તેમના થકી ઓળખાણ થઈ સંગીતકાર અનિલ બિશ્વાસ/Anil Biswasની. દેવિકા રાણી અને અનિલ બિશ્વાસ ત્યારે બોમ્બે ટૉકીઝ/Bombay Talkies માટે પ્રતિભાશાળી વાદકોની તલાશમાં હતા. બોમ્બે ટૉકીઝની ફિલ્મો બસન્ત/Basant (૧૯૪૨) અને કિસ્મત/Kismat (૧૯૪૩)નાં ગીતોએ ભારતભરમાં ધૂમ મચાવી હતી.
વાદકવૃંદ: (ડાબેથી) ડોરાડો, એન્થની, લ્યુસિલા (પિયાનો પર) ,
લૂઈ કોરિયા, નોરોન્હા, બોની ડિકોસ્ટા 
એન્થનીએ સંગીતમાં અવનવા પ્રયોગો કરવાનો આરંભ કર્યો. શરૂઆતમાં તો ગીતમાં ઈન્ટરલ્યૂડ (બે અંતરાની વચ્ચેના ભાગના) સંગીતમાં વૈવિધ્ય ભાગ્યે જોવા (સાંભળવા) મળતું. મોટે ભાગે સીધાસાદા આરંભ પછી ગીતના શબ્દો આવે અને ગાયન દરમ્યાન તેમજ બે અંતરાઓની વચ્ચે ટ્રમ્પેટ કે અન્ય વાદ્યની એકધારી સંગત ચાલ્યા કરતી. એન્થનીએ ધીમે ધીમે પદ્ધતિમાં પરિવર્તનનો આરંભ કર્યો અને સૂરોની ગોઠવણીમાં ફેરફાર કરવા માંડ્યો. નૌશાદથી ઘણા સિનીયર, છતાં તેમના સહાયક સંગીતકાર ગુલામ મહમ્મદ/Ghulam Mohammed ને રીતમાં મઝા આવતી. એટલે તે કહેતા, બેસૂરા લગતા હૈ. જો કે, એન્થનીની આવી સ્વરબાંધણીઓ લોકપ્રિય થવા લાગી.
સચીન દેવ (એસ.ડી.) બર્મન/ S.D.Burman નો ફિલ્મસંગીત ક્ષેત્રે શિકારી/Shikariથી પ્રવેશ થયો ત્યારે તેમને પણ એન્થનીની જરૂર પડી. માસ્ટર ગુલામ હૈદર/ Master Ghulam Haider, ખેમચંદ પ્રકાશ/Khemchand Prakash, જ્ઞાન દત્ત/Gyan Dutt, હુસ્નલાલ-ભગતરામ/Husnalal Bhagatram, સી.રામચંદ્ર/C.Ramchandra જેવા લોકપ્રિય અને પ્રતિભાશાળી સંગીતકારો પણ એન્થનીની પ્રતિભાનો લાભ લેવા લાગ્યા. ચાલીસના દાયકામાં ઓરકેસ્ટ્રાથી સજાવેલાં ગીતોનું સંગીત રચવામાં એન્થની ગોન્સાલ્વીસનું પ્રદાન મહત્વનું બની રહ્યું. ગીતની મૂળભૂત મેલડી (માધુર્ય) ને જાળવી રાખીને એન્થની તેમાં ઓરકેસ્ટ્રાના સંગીતની એવી મેળવણી કરતા ગીતની અસર વધુ પ્રભાવક બની જતી. પશ્ચિમી સંગીતના તૈયાર ટુકડાઓને એમના એમ ગોઠવી દેવાને બદલે નવું પાશ્ચાત્ય સંગીત રચતા, જેમાં પૂરેપૂરી ભારતીયતા રહેતી.
હિંદી ફિલ્મોમાં મ્યુઝીકલ એરેન્જમેન્ટનો આરંભ તેમણે પોતે કર્યું હોવાનું એન્થનીએ કુશલ ગોપાલક સાથેના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. એન્થની પોતે ફ્રી-લાન્સર તરીકે કામ કરતા હોવાથી સમયના અનેક મહારથી સંગીતકારો સાથે કામ કરવાનો મોકો તેમને મળ્યો. શ્યામસુંદર/Shyam Sunder ની રચનાઓ અઘરી અને અટપટી, પણ અત્યંત મધુર રહેતી. એન્થનીને તે પૂરેપૂરી સ્વતંત્રતા આપતા. શ્યામસુંદરના અદભૂત સંગીતવાળી ફિલ્મ ઢોલક/Dholak (૧૯૫૧)નાં ગીતો, પાર્શ્વસંગીત તેમજ શીર્ષકસંગીતનું ઓરકેસ્ટ્રેશન એન્થનીએ કરેલુંઆ ફિલ્મનાં સુલોચના કદમે (ચવ્હાણ) ગાયેલાં ગીતો અવિસ્મરણીય છે. તેનાં ગીતોમાં ઢોલકના પંજાબી ઠેકાનો બખૂબી ઉપયોગ કરવામાં આવેલો.ઢોલકના આ પંજાબી ઠેકા સાથે એન્થનીએ પશ્ચિમી વાદ્યસંગીતનું કેવું અદભુત સંયોજન કર્યું છે!

શ્યામસુંદરના અચાનક અવસાનથી અધૂરી રહી ગયેલી તેમની ફિલ્મ અલિફ લૈલા/Alif Lailaનું સંગીત પણ અધૂરું રહી ગયું હતું. સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે ફિલ્મનાં બાકી રહી ગયેલાં બે ગીત એન.દત્તા/N.Dutta અને એન્થની પૂરાં કરે. એન્થનીની પ્રતિભાની સ્વીકૃતિ હતી.
હંસરાજ બહલ/Hansraj Behl, પં.ગોવિંદરામ/Pt.Govindram, મોહમ્મદ શફી/Mohammed Shafi, ખુરશીદ અનવર/Khurshid Anwar, જેવા પ્રતિભાશાળી સંગીતકારો માટે પણ એન્થનીએ કામ કર્યું. જો કે, .આર.કુરેશી (તબલાંનવાઝ ઉસ્તાદ અલ્લારખાં)/ A.R.Qureshiવસંત દેસાઈ/Vasant Desai,  શંકર જયકિશન/Shanker Jaikishan અને .પી.નય્યર/O.P.Nayyar માટે ઓરકેસ્ટ્રેશન કરવાનો મોકો એન્થનીને મળ્યો નહીં, પણ તેમના સંગીત નિર્દેશનમાં વાયોલીન વગાડવાનો મોકો અવશ્ય મળ્યો. સંગીતકાર ખૈયામ/Khayyam નાં શરૂઆતનાં ગીતો, એસ.મોહીન્દર/S.Mohinder, મદન મોહન/Madan Mohan અને રોશન/Roshanનાં અમુક ગીતોનું ઓરકેસ્ટ્રેશન પણ એન્થનીએ કરેલું. અનિલ બિશ્વાસ પણ એન્થની પાસેથી પશ્ચિમી સંગીતની ખૂબીઓ  શીખવાનો પ્રયત્ન કરતા. અનિલ બિશ્વાસના સંગીતવાળી બોમ્બે ટૉકીઝની ફિલ્મો જ્વારભાટા/Jwar Bhata (૧૯૪૪), દિલીપકુમારની પહેલી ફિલ્મ), પહલી નઝર/Pehli Nazar (૧૯૪૫) અને મિલન/Milan’ (૧૯૪૬) નાં ગીતોનું સંગીતમય આયોજન એન્થનીએ કરેલું.
કેવી હતી એન્થનીની કામ કરવાની પદ્ધતિ? સાવ સીધીસાદી જણાતી ધૂન પર એન્થનીનો હાથ ફરતો. કોઈ સાધન પરથી ફૂંક મારીને રજોટી ઉડાડતા હોય એમ એન્થની અમુક સૂરોને ઉઘાડી આપતા. ગીતના શબ્દો હિંદી, ગીતની મૂળભૂત ધૂન પણ ભારતીય, છતાં પશ્ચિમી સંગીતના એવા ટુકડાઓ ઓરકેસ્ટ્રાના સ્વરૂપે એમાં ઉમેરાય કે ગીતનું સૌંદર્ય નીખરી આવે.
નૌશાદના સંગીત નિર્દેશનવાળી ફિલ્મ 'રતન'ના આ ગીતમાં એન્થનીની ઓરકેસ્ટ્રેશનની કમાલ માણી શકાશે. આ સંગીત સાંભળતી વખતે એ યાદ રાખવું જરૂરી છે કે આ ફિલ્મ ૧૯૪૪ ની છે. 

ખેમચંદ પ્રકાશના સંગીત નિર્દેશનવાળી ફિલ્મ 'મહલ' (૧૯૪૯) ના અમર અને અવિનાશી ગીતમાં પણ ઓરકેસ્ટ્રેશનનો જાદુ એન્થનીનો છે.  આ ખ્યાતનામ ગીતનો ફક્ત આરંભિક હિસ્સો સાંભળીએ. સચીન દેવ બર્મનના સંગીતવાળી બહાર/Bahar (૧૯૫૧) ફિલ્મનાં ગીતો સુપરહીટ થયાં તેમાં પશ્ચિમી ઓરકેસ્ટ્રાનો ઉપયોગ છૂટથી કરવામાં આવેલો. ગીત તો અત્યંત જાણીતું છે, પણ અહીં એનું શરૂઆતનું સંગીત એન્થની ગોન્સાલ્વીસે તૈયાર કરેલી ઓરકેસ્ટ્રાના સંદર્ભે સાંભળવા જેવું છે. એમાં આવતો વાયોલિનનો અદભૂત  ટુકડો એન્થનીએ પોતે વગાડ્યો છે.

રાજ કપૂરની આવારા/Awara (૧૯૫૧) ફિલ્મનું સંગીત તૈયાર કરતી વખતનો એક પ્રસંગ બહુ જાણીતો છે. તેરે બિના આગ યે ચાંદની ગીતના આરંભે આવતા વાયોલિનના પીસની પ્રેકટીસ એન્થની અને તેમના સાથીદાર ડોરાડો કરી રહ્યા હતા. ટુકડા બહુ અટપટા હતા. અરસામાં રાજ કપૂર ત્યાં આવી ચડ્યા. ફિલ્મમાં વિલંબ થયો હોય કે બીજું કોઈ કારણ હોય, રાજ કપૂર આ દૃશ્ય જોઈને નારાજ  થઈ ગયા. તેમણે બન્નેને ફિલ્મના સંગીતમાં દખલ કરવાની તાકીદ કરી દીધી. બન્ને જણા પોતાનો સામાન બાંધીને ચૂપચાપ નીકળી ગયા. એ પછી ગીતનું રેકોર્ડિંગ ગોઠવાયું ત્યારે એક પણ વાયોલિનીસ્ટ અટપટા ટુકડા વગાડી શક્યો નહીં. છેવટે રાજ કપૂરે એન્થનીને વિનંતી કરી અને તેમને માનભેર બોલાવ્યા. એન્થની વિનંતી સ્વિકારીને આવ્યા. એ વખતે સામાન્ય રીતે વાદકોના સમૂહ વચ્ચે એક કે બે માઈક મૂકવામાં આવતાં, એને બદલે ખાસ બન્ને વાયોલિનીસ્ટ વચ્ચે માઈક મૂકવામાં આવ્યું. ગીત રેકોર્ડ થયું.   અદભૂત સંગીતનો ટુકડો.

બી.આર.ચોપરા જેવા મોટા ગજાના નિર્માતા-નિર્દેશકને એન્થની પર હદે ભરોસો હતો કે એન્થની ગોન્સાલ્વીસ કહે પછી કામને પૂરું થયેલું ગણતા.
એન્થનીએ તૈયાર કરેલાં નોટેશન્સમાં ભાગ્યે કશો ફેરફાર કરવાનો રહેતો. નોટેશન્સ લખવાની તેમની પદ્ધતિ પણ અત્યંત સ્પષ્ટ અને આગવી હતી. કોઈ વાદ્ય કેટલું લાઉડ વગાડવાનું છે એનો નિર્દેશ એક  P, બે P કે ત્રણ P લખીને કરતા.  તેમણે તૈયાર કરેલા પાર્શ્વસંગીતના અનેક ટુકડા પરથી અન્ય સંગીતકારોએ ગીતો તૈયાર કર્યાં છે.
આગળ જતાં એક અમેરિકન ફિલ્મના સંગીત માટે તેમણે નોટેશન્સની સાથે સાથે આવી સૂચનાઓ પણ લખી એને કારણે અમેરિકન રેકોર્ડિસ્ટને એટલી બધી સુવિધા થઈ ગયેલી કે તેણે લખેલી સૂચના મુજબ નોબ ફેરવવાના રહેતા. એન્થની કહેતા કે ભારતીય સંગીતકારો સાઉન્ડ રેકોર્ડિસ્ટને દોષ દે છે, પણ તેને મ્યુઝીકલ સ્કોરની નકલ આપતા નથી.


(ડાબેથી) જોસેફ માસ્કી, લતા, એન્થની 
સાવ સાદા ગણાતા ગીતનો મ્યુઝીકલ સ્કોર લખવામાં ક્યારેક ચચ્ચાર કલાક નીકળી જાય છે, એમ એન્થનીએ જણાવેલું. એન્થનીએ એમ પણ કહેલું કે લતા મંગેશકર એવી ગાયિકા હતી કે જે બીજો ટેક લેવા માટે કદી ઈન્કાર નહોતી કરતી. અન્ય સાજિંદાઓ થાકીને કંટાળી ગયા હોય તો પણ લતા તેને પોતાને સંતોષ થાય ત્યાં સુધી ટેકનો આગ્રહ રાખે છે.
પ્યારેલાલને તેમના પિતા રામપ્રસાદ શર્મા/ Ramprasad Sharma એન્થની પાસે તાલિમ લેવા મોકલેલા અને પ્યારેલાલે તેમની પાસે તાલિમ લઈને આગળ જતાં સ્વતંત્ર (જોડીમાં) સંગીતકાર તરીકે પોતાની પ્રતિભા પુરવાર કરી હતી.  એ ઘટનાના દાયકાઓ પછી અમર અકબર એન્થની ફિલ્મ બનવાની હતી અને તેનાં ગીતો લખાયાં પછી રેકોર્ડિંગની તૈયારી ચાલતી હતી. આ ફિલ્મમાં હિંદુ, મુસ્લિમ અને ગોવાનીઝ ખ્રિસ્તીના ત્રણ મુખ્ય પાત્ર પૈકી ખ્રિસ્તી પાત્રનું નામ એન્થની ફર્નાન્ડીસ રાખવામાં આવેલું. અને તેને માટે માય નેમ ઈઝ એન્થની ફર્નાન્ડીસ ગીત પણ આનંદ બક્ષીએ લખેલું. પણ રેકોર્ડિંગ સમયે ગીતકાર અને સંગીતકારને લાગ્યું કે આ પહેલી લીટી બરાબર જામતી નથી. એ વખતે ફિલ્મની સંગીતકાર જોડી લક્ષ્મીકાન્ત પ્યારેલાલ પૈકીના પ્યારેલાલને પોતાના ગુરુનું નામ યાદ આવ્યું. આ નામ રાખીને તેમણે તર્જ બેસાડી જોઈ તો વાત જામી ગઈ. બસ, પછી તો પૂછવું જ શું? અસલી એન્થની ગોન્સાલ્વીસને કોઈ ઓળખે કે ન ઓળખે, તેમનું નામ લોકોના હોઠો પર ગૂંજતું થઈ ગયું. ભલે ને લોકો એન્થની ગોન્સાલ્વીસ તરીકે પરદા પરના અમિતાભને ઓળખતા હોય! એ પછી તો માય નેમ ઈઝ એન્થની ગોન્સાલ્વીસ’/ My name is Anthony Gonsalves નામની ફિલ્મ પણ આવી ગઈ. તેને પણ આ ગીતની જેમ જ અસલી ગોન્સાલ્વીસ સાથે કશી લેવાદેવા નહોતી.


'ધ  બનયાન ડીયર' નું સ્ટોરીબોર્ડ 
વોલ્ટ ડિઝની/Walt Disney ના એક દિગ્દર્શક મિ. ક્લેર વીક્સ/Clair Weeks ભારત સરકારની ફિલ્મ્સ ડીવીઝન ઑફ ઈન્ડીયા/ Film Division Of India ના નિમંત્રણથી ભારતીયોને કાર્ટૂન ફિલ્મ બનાવવાનું શીખવવા ભારત આવેલા. એન્થનીની પ્રતિભા જોઈને તેમણે પોતાની આગામી ફિલ્મ બનયાન ડીયર/ The Banyan Deer ના સંગીતનો સ્કોર લખવા માટે વિનંતી કરી હતી, જે એન્થનીએ  સ્વીકારી હતી.  આ ફિલ્મ સાથે સંકળાયેલો કિસ્સો પણ જાણવા જેવો છે. ક્લેર વીક્સને એન્થની પાસે મોકલવાનું સૂચવનાર હતા તત્કાલીન માહિતી અને પ્રસારણ મંત્રી બી.વી.કેસકર/ B.V.Keskar. એન્થની પ્રતિભાથી પ્રભાવિત થયેલા ક્લેરે કેસકરને સૂચવ્યું કે એન્થની જેવા પ્રતિભાશાળી સંગીતજ્ઞની પ્રતિભાનો લાભ મળે એ હેતુથી તેના કોન્સર્ટ યોજવા જોઈએ. કેસકરે આ સાંભળીને કહી દીધું, એ ખ્રિસ્તી છે અને ખ્રિસ્તીઓ ભારતીય સંગીત ન આપી શકે. કેસકરનો ભારતીય સંગીત પ્રત્યેનો પ્રેમ (?) જાણીતો છે. રેડિયો સિલોનને લોકપ્રિયતા અપાવવામાં આ મહાશયનો પરોક્ષ ફાળો હતો. પણ એ વાત ફરી ક્યારેક.
એન્થનીની કાર્યશૈલી એવી હતી કે વિખ્યાત રેકોર્ડીસ્ટ કૌશિક તેમને પરફેક્શનિસ્ટ કહેતા. તેમણે લખેલી એકે એક નોટનું સંગીતમાં આગવું સ્થાન અને મહત્વ હતું.
લતા- મન્નાડેને નિર્દેશન આપતા એન્થની: વાયોલિન પર  પ્યારેલાલ
તેમજ બેઠેલામાં મેન્ડોલીન પર લક્ષ્મીકાંત જોઈ શકાય છે. 
૧૯૬૫માં આવેલી ફિલ્મ તુ હી મેરી જિંદગી એન્થની ગોન્સાલ્વિસે તૈયાર કરેલી છેલ્લી હિન્દી ફિલ્મ બની રહી. અરસામાં અમેરિકાથી આવેલા સાયરાક્યુઝની યુનિવર્સિટી ઑફ મ્યુઝીકના ડીન મિ.બોટરાઈટ / Mr. Boatwright પત્ની સાથે ભારતીય સંગીતનો અભ્યાસ કરવા ભારત આવેલા. એન્થની સાથે તેમનો પરિચય થયો અને તેમનાથી ઘણા પ્રભાવિત થયા. અમેરિકા પાછા જઈને તેમણે સાયરાક્યુઝ યુનિવર્સિટી/Syracuse University માં ભારતીય સંગીત શીખવવા માટે એન્થનીને નિમંત્ર્યા. એન્થનીએ આમંત્રણ સ્વીકાર્યું અને હિન્દી ફિલ્મોને અલવિદા કરીને ઉપડ્યા અમેરિકા. બેએક વરસ કામ કર્યા પછી તે હોલીવુડ ગયા. અહીં તેમણે શૈક્ષણિક ફિલ્મો માટે સિમ્ફનીઓ તૈયાર કરી. રીતે ૧૯૮૩ સુધી અમેરિકામાં તેમની આવનજાવન ચાલુ રહી. પાશ્ચાત્ય સંગીતના સ્પર્શવાળી ભારતીય સંગીતની તેમની શૈલી સહુને બહુ પસંદ આવતી.  તેમણે તૈયાર કરેલા પૂર્વ-પશ્ચિમના સમન્વય જેવા સંગીતના શોનું સંચાલન પણ એન્થની કરતા.યહૂદી મેન્યુહીન/ Yahudi Menuhin અને (ઝુબિન મહેતાના પિતા) મેહલી મહેતા/ Mehli Mehta જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના સંગીતકારો સાથે પણ એન્થનીએ સંગીત આપેલું. મુંબઈમાં તેમણે લતા, મન્નાડે, સુમન કલ્યાણપુર જેવા કલાકારો સાથે સ્ટેજ કાર્યક્રમો યોજ્યા હતા.
પત્ની સાથે એન્થની 
૧૯૮૩માં તે કાયમ માટે ભારતમાં સ્થાયી થયા. એ સમયે હિંદી ફિલ્મસંગીતના પ્રવાહોમાં ધરમૂળથી પરિવર્તન આવી ગયું હતું. માધુર્યનો લોપ થઈ રહ્યો હતો. બપ્પી લાહિરીએ એન્થની ગોન્સાલ્વીસને કામ કરવા માટે કહેણ મોકલ્યું, પણ હવે તેમના માટે આવા વાતાવરણમાં કામ કરવું અસંભવ જેવું હતું.
પોતાના વતન માજોર્દામાં રહીને તે છેવટ સુધી સંગીતસાધના કરતા રહ્યા. તેમનાં પત્ની મેલીટા ચિત્રકાર છે, દીકરો કીરણ પીયાનીસ્ટ છે અને ફિલ્મો સાથે સંકળાયેલો છે, જ્યારે દીકરી લક્ષ્મી પણ ચિત્રકાર છે અને તેના ગામની સરપંચ રહી ચૂકી છે.
૮૫ વરસનું દીર્ઘ આયુષ્ય ભોગવનાર સંગીતના આ ઉસ્તાદે જાણીબૂઝીને પાછલાં વરસોમાં ફિલ્મક્ષેત્રથી છેટું રાખ્યું હતું. છતાંય પ્રતાપ અમિતાભે ભજવેલા ફિલ્મના પાત્રનો કે તેમના અવસાનના સમાચાર પ્રસારમાધ્યમોમાં ચમક્યા.બાકી તો ફિલ્મસંગીતના પાયાના પથ્થર સમા આવા કેટલાય કલાકારો નિવૃત્તિ પછી ગુમનામ અવસ્થામાં જીવ્યા છે અને મૃત્યુ પામ્યા છે. બાકી તો સ્થિતિ એવી છે કે ફિલ્મના ક્રેડીટ ટાઈટલ્સમાં સ્પોટ બૉયનું નામ જોવા મળશે, પણ વાદકોનાં નામ ભાગ્યે જ જોવા મળશે.  

(માહિતી સ્રોત: ધ અનસન્ગ હીરોઝ અને બીહાઈન્ડ ધ કર્ટન્સ પુસ્તકો અને હરીશ રઘુવંશી)
(નોંધ: - તમામ તસવીરો નેટ પરથી લીધી છે અને વિડીયો યૂ ટ્યૂબ પરથી લીધી છે, જેને જરૂરત મુજબ ટૂંકાવી  છે.
- વિદેશી નામોના પ્રચલિત ઉચ્ચાર લખ્યા છે. ભૂલ હોય તો કોઈ ધ્યાન દોરી શકે છે.) 

4 comments:

 1. This is absolutely great to go back into the history of Indian Cinema and feel nostalgic !

  ReplyDelete
 2. shishir krishna sharmaMarch 4, 2012 at 8:49 AM

  dhanyawaad, it's a nice write up..

  ReplyDelete
 3. I am so happy to remember him.

  ReplyDelete
 4. આવા ગુમનામ પાયાના પથ્થરોને જવલ્લે જ પ્રસિધ્ધિ મળતી હોય છે. જો કે જેઓ પાયાનું કામ કરવા માંગતા હોય, તેઓ કદાચ પ્રસિધ્ધિની તમા પણ નથી કરતા!
  તેમને 'અ.અ.એ.'માં અમર કરી નાખવાનો વિચાર સહુથી પહેલો કોને આવ્યો હશે તે જાણવું પણ એટલું જ રસપ્રદ ગણાય, કારણ કે ખરૂ પ્રશંસનીય પાયાનું પ્રદાન તો એ વ્યક્તિનું જ ગણાય.
  બીરેનભાઇએ બહુ જ રસાળ શૈલિમાં પરિચય રજૂ કર્યો છે, તો સાથેના દ્રષ્ય-શ્રાવ્ય ટુકડાઓની મજેની ચીવટભરી પસંદગી લેખને વધારે માણવા લાયક કરે છે.

  ReplyDelete