- અભિષેક શાહ
(મિત્ર અભિષેક વ્યવસાયે આકાશવાણી, વડોદરાનો ઉદઘોષક છે. પણ એ તો તેની
વીઝીટીંગ કાર્ડની ઓળખ થઈ. ખરેખર તો એ હાડોહાડ નાટ્યપ્રેમી છે. સંગીત, સાહિત્ય, સિનેમા અને નાટકોમાં જીવંત રસ અને
ઊંડી સૂઝ ધરાવતા અભિષેકે દોઢેક મહિના અગાઉ એક રાષ્ટ્રીય મહાઉત્સવમાં હાજરી આપી. તેણે
લખી મોકલેલા આ અહેવાલ દ્વારા આપણે પણ આ મહોત્સવમાં તેની આંગળીએ ફરતા હોઈએ એમ લાગે
તો નવાઈ નહીં.)
દરેક વ્યક્તિની
અંદર એક જન્મજાત ચુંબક હોય છે. એ ચુંબકને લઈને સાવ સહજપણે જ વ્યક્તિ અમુક ચીજો તરફ
આકર્ષાય. કોઈકની અંદરનું આવું ચુંબક તેને ફિલ્મો તરફ આકર્ષે, તો કોઈકનું સંગીત તરફ, કોઈનું હાસ્ય તરફ, તો કોઈકનું સામાજિકતા તરફ વગેરે.. મારામાં રહેલું ચુંબક મને નાટકો માટે
પ્રબળ આકર્ષણ જન્માવે છે. જો કે, એ ચુંબક મને મારા સ્વર્ગીય પપ્પા
જયંતિભાઈ તરફથી વારસામાં મળ્યું છે. પણ અહીં મારે મારા નાટકપ્રેમની, મેં ભજવેલા નાટકોની કે મારા ત્રણ નાટ્યગુરુઓ સૌમ્ય જોશી/Saumya
Joshi, રાજુ બારોટ યા શ્રીકાન્ત બીલ્ગી/ Shrikant Bilgi ની વાત નથી કરવાની. એ વાત ફરી ક્યારેક કરીશું. મારે એક એવી અદભૂત
નાટ્યઅનુભૂતિની વાત વહેંચવાની છે, જેમાંથી હું પસાર થયો છું.
અભિનેતા, દિગ્દર્શક અને ખુદ અચ્છા ગાયક એવા રાજુ
બારોટ/ Rajoo Barot સાથે આજે ભલે મારા સંબંધો મિત્રતાના છે, પણ એનો આરંભ થયેલો તેમની પ્રત્યેના
આદરભાવથી, જે
હજી આજેય મારા મનમાં બરકરાર છે. રૂબરૂ મળવાનું ઓછું બને તો પણ ફોનથી અમે નિયમીત
સંપર્કમાં હોઈએ જ. આવી જ એક ટેલિફોનિક વાતચીતમાં એમણે સમાચાર આપ્યા, “નવું
નાટક કરીએ છીએ.” એ લાંબી વાત ટૂંકમાં
પતાવું તો સાર એટલો કે દિનકર જોશી/Dinkar Joshi ની
ખ્યાતનામ કૃતિ ‘ચક્રથી ચરખા સુધી’ને
તેમણે મંચન માટે પસંદ કરી હતી. કૃષ્ણ અને ગાંધીના વિચારો આ કૃતિમાં કેન્દ્રસ્થાને
હતા. મને આ સાંભળીને નવાઈ લાગી કે આ કૃતિનું સ્વરૂપ કંઈ મંચનને અનુરૂપ નહોતું. તો
પછી એની પસંદગી શી રીતે કરી હશે? હું વડોદરા
રહું અને રાજુભાઈ અમદાવાદ,
એટલે આ નવા નાટકમાં જોડાવાનું મારા માટે શક્ય નહોતું. રીહર્સલ થયા પછી નાટકનો
પહેલો શો અમદાવાદમાં યોજવામાં આવ્યો. નાટકનું નામ પણ કૃતિના નામે જ રાખવામાં
આવ્યું હતું – ‘ચક્રથી ચરખા સુધી’.
આ પ્રથમ શોમાં મેં
પ્રેક્ષક તરીકે હાજરી આપી. રાજુભાઈએ જે ફોર્મેટમાં આકૃતિ ઢાળી હતી એ પદ્ધતિ મને ગમી
ગઈ. મરાઠી પરંપરામાં નાટકના આ પ્રકારના પ્રયોગો થયા છે. જે ‘અભિવાચન’ તરીકે ઓળખાય છે. આ પ્રકારમાં નાટકનાં
કેટલાક અંશોનું મંચ પર પઠન કરવામાં આવે છે અને કેટલાક અંશોને ભજવવામાં આવે છે. રાજુભાઇએ પઠન માટે તો મૂળ કૃતિના જ અંશોને પસંદ કર્યા હતા. પણ ભજવણી માટે તેમણે
બહાર નજર દોડાવી. આ જ વિષયને અનુરૂપ વિખ્યાત હિંદી લેખક અસગર વજાહત/ Asgar Vajahat ની
એક કૃતિના અંશને તેમજ ઊર્વીશ કોઠારી/ Urvish Kothari ના બે હાસ્યલેખો પર તેમણે ભજવણી માટે
પસંદગી ઉતારી. મંચ પર બેઠેલા કલાકારો જ અલગ-અલગ ચિત્ર-વિચિત્ર વસ્તુઓથી સંગીત
વગાડતા જાય. સાથે-સાથે રાજૂ બારોટની અદભૂત ગાયકી તો ખરી જ. ટૂંકમાં, વાત બનતી હતી. એ શો પૂરો થયો કે મેં
રાજૂભાઇને હકથી કહી દીધું,
“હવે
પછીના શોમાં હું પણ આ નાટકમાં હોઈશ.” રાજૂભાઇએ
એમની લાક્ષણિક અદામાં ચહેરા પર સ્મિત વેર્યું. હું સમજી ગયો કે એ સંમતિનું સ્મિત
હતું. મારા માટે વડોદરાથી અમદાવાદ આવીને રીહર્સલમાં હાજરી આપવાનું અને પછી શો પણ
કરવાનો અઘરું તો હતું જ. પણ પેલું અંદર પડેલું ચુંબક જંપવા દે!
|
ચક્રથી ચરખા સુધી |
એ પછીના અઠવાડિયે જ
રાજૂભાઈનો ફોન આવ્યો.
“વિશ્વકોષના
નાટ્યગૃહમાં આપણા નાટકનો શો છે. અને તું પણ છે એમાં.”
આવા મસ્ત નાટકમાં કામ કરવા મળે એટલે બીજાં
એડજસ્ટમેન્ટ તો કરી લેવાય. અને એ મેં કરી લીધા. અમદાવાદ જઈને બે દિવસ રિહર્સલમાં
હાજરી આપી. અને એક શો ત્યાં કર્યો. એ પછી બીજો શો વલ્લભ વિદ્યાનગમાં પણ કર્યો.જલસો પડી ગયો. આનાથી વધારે બીજું શું જોઈએ આપણને? ધીમે ધીમે એ વાત પણ વિસરાતી ગઈ.
પણ એક દિવસ રાજૂભાઇએ અચાનક
ફોનથી સમાચાર આપ્યા,
“
આપણું
નાટક ‘ભારત રંગ મહોત્સવ’ માટે પસંદ થયું છે અને આપણે બધાએ ત્યાં
એને લઈને જવાનું છે.”
આ સાંભળીને મને જે રોમાંચ થઈ આવ્યો એને હું હજી આજેય એમનો એમ અનુભવી શકું છું.
|
(ડાબે) રાજૂ બારોટ સાથે અભિષેક એન.એસ. ડી.ના પ્રાંગણમાં |
‘ભારત રંગ મહોત્સવ’ એટલે નાટકોનો મહાકુંભ કહી શકાય.દિલ્હીસ્થિત રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય ઊર્ફે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા/ National School Of Drama ઊર્ફે
એન.એસ.ડી./ N.S.D.
દ્વારા દર વરસે યોજાતો દેશભરનાં અને વિદેશી વિવિધભાષી નાટકોનો મહોત્સવ. આ
સંસ્થાનું નામ પડે એ સાથે જ મનોહર સીંઘ/ Manohar Singh, નાદીરા બબ્બર/ Nadira Babbar
(બન્ને ૧૯૭૧ની બેચના),
રાજેન્દ્ર ગુપ્તા / Rajendra
Gupta (૧૯૭૨), ઓમ પુરી/ Om puri, નસીરુદ્દીન શાહ/ Naseeruddin Shah
(બન્ને ૧૯૭૩),
જયદેવ હટ્ટંગડી/ Jaydev Hattagandi,
રોહિણી હટ્ટંગડી/ Rohini
Hattagandi, રાજેશ વિવેક/ Rajesh Vivek (તમામ ૧૯૭૪),
રાજ બબ્બર/Raj Babbar
(૧૯૭૫), કે.કે.રૈના/ K.K.Raina, પંકજ કપૂર/Pankaj Kapoor,
વિજય કશ્યપ/Vijay Kashyap (ત્રણેય ૧૯૭૬),
રઘુવીર યાદવ/ Raghuvir Yadav (૧૯૭૭), અનુપમ ખેર/Anupam Kher,
અનિતા કંવર/Anita Kanwar,
કવિતા ચૌધરી/Kavita Chaudhari
(તમામ ૧૯૭૮),
નીના ગુપ્તા/Neena Gupta,
આલોક નાથ/Alok Nath (બન્ને ૧૯૮૦), દીપા સાહી/Deepa Sahi, રવિ ઝંકાલ/Ravi Jhankal
(બન્ને ૧૯૮૧) જેવાં નામો કશાય પ્રયત્ન વિના જ મનમાં ઉભરી આવે. રાજૂ બારોટ પણ
રઘુવીર યાદવની બેચના વિદ્યાર્થી. આ એ નામો છે, જેમણે હિંદી ફિલ્મો, ટેલીસિરીયલોમાં અભિનયની આગવી વ્યાખ્યા
કરીને એક નવું પરિમાણ બક્ષ્યું. શ્યામ બેનેગલ/Shyam Benegal નિર્દેશીત ‘ભારત એક ખોજ’/Bharat ek khoj
સિરીયલમાં આમાંના કેટલા બધા કલાકારો હતા! અને આ કલાકારો પોતે એન.એસ.ડી.ના
વિદ્યાર્થી હોવાનું ગૌરવ અનુભવે. જે મંચ પર ક્યારેક આ ધુરંધરોએ અભિનય કરી બતાવ્યો
હશે એ જ સ્થળે અમને પણ આવી તક મળે એ કેટલું રોમાંચક લાગે!
|
'તુઘલક'માં મનોહર સીંઘ |
એન.એસ.ડી. સાથે મારું
અંગત પણ એક જોડાણ છે- અને એ છે જોડાણ નહીં થઈ શકવાનું જોડાણ. નવેક વરસ પહેલાં મને થયું
કે ચાલો ને આપણે પણ આ મહાન સંસ્થામાં પ્રવેશ માટે પ્રયત્ન તો કરી જોઈએ. એવું
નહોતું કે અહીં કોઈ પણ ભોગે ભણવાની મને ધખના હતી. પણ પ્રયત્ન તો કરવો જોઈએ એમ
લાગતું હતું. ૨૦૦૩માં મેં પ્રવેશપત્ર ભરી મોકલ્યું. નિયત સમયે તેની પ્રિલિમીનરી
પરીક્ષા પણ મુંબઇ જઈને આપી. એમાં હું પાસ પણ થયો. એ પછી અંતિમ પરીક્ષા માટે ચાર
દિવસની વર્કશોપના આધારે મૂલ્યાંકન થવાનું હતું. દેશ આખામાંથી આવેલા એંસી
વિદ્યાર્થીઓમાંથી ફક્ત વીસ જણને પ્રવેશ મળવાનો હતો. આમાં મારી પસંદગી થઈ શકી નહીં
અને જોડાણ શક્ય ન બન્યું. આ પરિણામ મેં હસતે મોંએ સ્વીકાર્યું અને એ પછી
આકાશવાણીની સરકારી નોકરી સ્વીકારી. પણ એને કારણે એન.એસ.ડી. પ્રત્યેના મારા લગાવમાં કશો ફરક ન પડ્યો. એનું કારણ પેલું ‘બીલ્ટ-ઈન ચુંબક’.
‘ભારત
રંગ મહોત્સવ’
સાથે પણ એવી જ અંગત યાદો જોડાયેલી છે. આ જ મહાઉત્સવમાં અગાઉ સૌમ્ય જોષીનું અત્યંત
સંવેદનશીલ નાટક ‘દોસ્ત!ચોક્કસ
અહીં નગર વસતું હતું’
અને અભિજાત જોષી લિખિત – સૌમ્ય જોષી દિગ્દર્શીત નાટક ‘આઠમા તારાનું આકાશ’ની ટીમમાં આવવાનું બનેલું અને આ
મહોત્સવને મન ભરીને માણેલો. નસીરુદ્દિન શાહ, રોહિણી હટંગડી, રતન થિયામ/Ratan Thiyam
અને રામગોપાલ બજાજ/Ramgopal
Bajaj જેવા ધુરંધરો જે મહોત્સવમાં નાટક ભજવતા હોય એ જ મહોત્સવમાં
નાટયકર્મી તરીકે કામ કરવાનો કેફ કેવો હોય!
|
'અંધા યુગ' નું એક દૃશ્ય |
‘ભારત રંગ મહોત્સવ’ને ટૂંકમાં ‘ભારંગમ’ તરીકે ઓળખવામાં આવે છે. નિ:શંકપણે તે એશિયાનો
સૌથી મોટો નાટ્ય મહોત્સવ છે,
જેનો આરંભ ૧૯૯૯ માં થયેલો. ત્યારથી લઈને આજ સુધી તે દર વર્ષે જાન્યુઆરીના પ્રથમ
સપ્તાહમાં શરુ થાય છે અને પંદરેક દિવસ સુધી નાટ્યપ્રેમીઓને તરબોળ કરે છે. આ
મહોત્સવમાં ભાગ લેવાની પ્રક્રિયા પણ જાણવા જેવી છે. આપણે ભજવવા ઈચ્છતા હોઈએ એ નાટક
અંગેની સંપૂર્ણ માહિતી તેમજ નાટ્ય ભજવણીની સી.ડી. અગાઉથી મોકલવાની હોય છે. ‘ભારંગમ’ માટે બનેલી કમિટિ દેશ-વિદેશમાંથી આવેલા
નાટકોને આના આધારે મહોત્સવ માટે પસંદ કરે છે. પસંદ થયેલા નાટકના કલાકારોની ટીમને
પોતાના શહેરથી દિલ્હી સુધી જવા માટે થર્ડ એ.સી.નું આવવા-જવાનું ટ્રેનભાડું તથા
દિલ્હીમાં રોકાવાની વ્યવસ્થાની સાથે-સાથે નાટકનો નિર્માણ ખર્ચ (એક શો માટેનો) પણ
આપવામાં આવે છે.
આ વખતે ૨૦૧૨માં ૮
જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી આ મહોત્સવ યોજાયો હતો, જેમાં કુલ ૯૭ નાટકોનું મંચન થવાનું
હતું. અલગ-અલગ આઠ નાટ્યગૃહોમાં તે ભજવાવાના હતા. અમારા નાટકની ભજવણી ૧૭
જાન્યુઆરીના દિવસે યોજાઈ હતી અને અમારે બે શો કરવાના હતા.
૧૫ મી જાન્યુઆરી એટલે
કે વાસી ઉત્તરાયણની સાંજે અમારી કુલ ૨૭ સભ્યોની બનેલી ટીમ અમદાવાદ સ્ટેશને નિયત
સમયે ભેગી થઈ. સૌના મનમાં એક જ સૂત્ર રમતું હતું: ‘ચલો દિલ્હી’. નાટકોની અને બીજી અલકમલકની વાતોમાં અને
હસીમજાકમાં રસ્તો બહુ ટૂંકો હોય અને બહુ ઝડપથી દિલ્હી આવી ગયું હોય એમ લાગ્યું.સવારે આંખ ખૂલી ત્યારે દિલ્હીનો વિસ્તાર શરૂ થઈ ગયેલો. સૌ નિયત સ્ટેશને ઊતર્યા અને
એક ઠેકાણે ઉભા રહ્યા. અમને આવકારવા માટે એન.એસ.ડી.ના પ્રતિનિધિ વિપિન શર્મા આવેલા
હતા. તેમની સાથે મુલાકાત તરત થઈ ગઈ. બહાર ઉભી રાખેલી મીની બસમાં સૌ તેમની સાથે
ગોઠવાયા અને ઊપડ્યા અમારા ઉતારે.
અમારો ઉતારો હતો ‘બ્રોડ-વે’ નામની ત્રણ તારક હોટલમાં. હોટેલમાં બહુ
ઝડપથી સૌ પરવારી ગયાં. હવે એ જ મીની બસમાં અમારે પહોંચવાનું હતું એન.એસ.ડી. ત્યાં
કેવું વાતાવરણ હતું?
****
**** ****
એન.એસ.ડી.ના
કેમ્પસમાં પ્રવેશતાંની સાથે જ જાણે કે કોઈ બીજી જ દુનિયામાં આવી ગયા હોઈએ એવી
અનુભૂતિ થવા લાગી. ઠેર ઠેર મોટા બેનર, નાટકોના રંગબેરંગી પોસ્ટર્સ અને એ
બધાંની વચ્ચે ફરતાં દેશ-વિદેશમાંથી આવેલા નાટ્યકર્મીઓના ટોળેટોળાં. સૌ એક જ રંગમાં
રંગાયેલા- નાટકના. સૌની એક જ ભાષા, એક જ ન્યાત અને એક જ વર્ણ- નાટકનો.એન.એસ.ડી.ની મુખ્ય ઈમારતમાં પ્રવેશતાંની સાથે જ આવો માહોલ જોઈને સૌના મોંમાંથી
અનાયાસે જ ‘ક્યા બાત હૈ!’, ‘Vow!’, ‘unbelievable’, ‘અદભુત’ જેવા ઉદગારો નીકળવા લાગ્યા. પણ આ તો હજી
આરંભ હતો. હજી અંદર પ્રવેશ કરીએ ત્યાં જ ‘તુઘલક’ (ગિરીશ કર્નાડ લિખીત), ‘અંધા યુગ’ (ધર્મવીર ભારતી લિખીત), ‘આષાઢ કા એક દિન’ (મોહન રાકેશ લિખીત) જેવાં ખ્યાતનામ
નાટકોની એન.એસ.ડી. દ્વારા કરવામાં આવેલી ભજવણીની લાઈફ સાઈઝ તસવીરો મૂકાયેલી જોવા
મળે.
આ તસવીરોમાં સુરેખા સીક્રી/Surekha
Sikri, ઓમ શીવપુરી/Om
Shivpuri, સુધા શીવપુરી/ Sudha Shivpuri,
ઉત્તરા બાવકર/Uttara Baokar
અને પંકજ કપુર જેવા કલાકારો જોવા મળે. તમે નાટકવાળા ન હો તો પણ આવા ઉદગારો નીકળી
જાય! એન.એસ.ડી. દ્વારા ભજવાયેલા અત્યાર સુધીના યાદગાર નાટકોની આવી અને આટલી તસવીરો
એક સાથે જોવા મળે એમાં જ ચાર ધામની જાતરાનું પુણ્ય
મળી ગયું હોવાનું મારા જેવાને તો લાગે. પણ આ તો ચાર ધામની જાતરા કરતાં પહેલાં
કરવામાં આવતી ડાકોરની જાતરા હતી. ખરાં દર્શન તો બાકી હતાં.
|
બંગાળી લોકનાટ્ય 'પટુયા સંગીત' |
અગાઉ જણાવ્યું એમ
તમામ નાટકો કુલ આઠ નાટ્યગૃહોમાં વહેંચાયેલાં હતાં. આમાંના ચાર નાટ્યગૃહ હતાં અભિમંચ, સમ્મુખ, બહુમુખ અને અભિકલ્પ. આ ચારેય નાટ્યગૃહો
એન.એસ.ડી.ના સંકુલમાં આવેલાં છે. બાકીનાં ચાર નાટ્યગૃહો હતાં શ્રીરામ સેન્ટર, મેઘદૂત, કમાની તેમજ એલ.ટી.જી, જે એન.એસ.ડી.થી પગપાળા જઈ શકાય એટલાં
નજીક હતાં.
એન.એસ.ડી. દ્વારા આખા
કાર્યક્રમનું આયોજન અદભુત રીતે કરવામાં આવેલું. આ માટે તેમણે ગોઠવેલો કાર્યક્રમ
કાબિલ-એ-દાદ હતો. દર્શકો નાટક જોવાનાં ચૂકી ન જાય એ માટે એક જ નાટકના અલગ અલગ સમયે બે શો રાખવામાં
આવ્યા હતા. એ મુજબ અમારે પણ ૧૭ મી જાન્યુઆરીએ દિવસે મેઘદૂત ઓડીટોરીયમમાં સાંજના ૫
વાગ્યે અને રાત્રે ૮ વાગ્યે એમ બે શો કરવાના હતા.
મહોત્સવમાં હિન્દી, મરાઠી, બંગાળી અને મણિપુરી જેવી ભારતીય ભાષાઓનાં
નાટકોની સાથે સાથે પોલેન્ડ,
શ્રીલંકા, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, ઈન્ગ્લેન્ડ, ચીન, જાપાન, ઈટાલી, તુર્કી, પાકિસ્તાન, નેપાળ, ઈઝરાયેલ, અફઘાનિસ્તાન વગેરે દેશોમાંથી પણ ટીમ
પોતાનાં નાટકો લઈને આવેલી. એ રીતે જોઈએ તો કેવળ દિલ્હીના
જ નહીં, ભારતભરના નાટ્ય-જગત માટે આ મહોત્સવ
એટલે દિવાળી,
ઈદ, નાતાલ, પતેતી
કે જે ગણો એ. એન.એસ.ડી.ના વિદ્યાર્થીઓ માટે તો આ ઘરઆંગણાનો પ્રસંગ. અહીંના કેટલાય
જાણીતા અજાણ્યા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પ્રાંગણમાં ફરતા જોવા મળી જાય, કેમ કે, તેમના માટે જૂના મિત્રોને-સહાધ્યાયીઓને મળવાનો આ સુંદર મોકો હોય છે. આ ઉપરાંત એન.એસ.ડી. જેવી માતૃસંસ્થાનું
જબરદસ્ત ખેંચાણ અને તેની સાથેનું આજીવન જોડાણ તો હોય જ! ફિલ્મો, ટેલીવિઝન અને નાટકના કેટલાય જાણીતા
કલાકારો અહીં નાટક ભજવવા આવ્યા હોય, કાં નાટકો જોવા આવ્યા હોય. આવા સમૂહમાં
અમદાવાદના ભૌમિક ત્રિવેદી અને વડોદરાના પ્રમોદ ચવ્હાણ જેવા નાટ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓ
પણ સામેલ હોય,
જેઓ દર વર્ષે માત્ર ને માત્ર ‘ભારત રંગ મહોત્સવ’ માટે જ દિલ્હી આવતા હોય અને આખા
મહોત્સવ દરમિયાન શરૂઆતથી સમાપન સુધી રહીને મોટા ભાગનાં નાટકો મન ભરીને માણતા હોય. અહીં
જે જોવા-શીખવા મળે એ નાટ્યશાસ્ત્રના કોઈ પણ પુસ્તક કરતાં વધુ સચોટ હોય.
|
'લેટ્સ અનપેક' નું એક દૃશ્ય |
અગાઉ જણાવ્યું એમ અમે
૧૬ મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચ્યા. અમારું નાટક ૧૭મી એ સાંજે હતું. મતલબ કે ૧૬
મીનો આખો દિવસ અનેક નાટકો માણી શકાશે, એ ખ્યાલથી જ હું રોમાંચિત હતો. એટલે
એન.એસ.ડી.માં પ્રવેશતાંવેંત હું નાટક જોવાની ફિરાકમાં જ હતો. અહીંયાં પહેલા વર્ષમાં ભણતી મિત્ર નિયતિ રાઠોડ દ્વારા
જાણવા મળ્યું કે સાંજે ભજવાનાર નાટક ‘Let’s Unpack! ’ નો એક શો બપોરે બે વાગે પણ છે. આ નાટક મુંબઈની ‘સારંગ’ સંસ્થાનું નિર્માણ છે. અમે
સમયસર પહોંચી ગયા ‘સમ્મુખ’માં.
આ નાટકનું નિર્દેશન મિનલ
કપુરે કરેલું. તેમના ઉપરાંત આશિષ શુક્લ અને વિનોદ રોય સહિત બીજા ઘણા કલાકારો
એન.એસ.ડી.ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા. નાટક શરૂ થતાં અગાઉ મિનલ કપુરે મંચ પર
આવીને નાટક વિષે જણાવતાં કહ્યું,
“This
is a Script less Performance. (આ ભજવણી કશી સ્ક્રીપ્ટ વિના કરાયેલી-સહજ છે.)” આ સાંભળીને નવાઈ ન લાગે તો જ નવાઈ! એક કલાક અને પચાસ મિનીટના, પ્રમાણમાં લાંબા કહી શકાય એવા નાટકમાં
કશી સ્ક્રિપ્ટ જ નહીં?
પણ નાટક શરૂ થયું અને શરૂઆતથી જ તેણે પકડ જમાવી દીધી. કુલ છ કલાકારો મંચ પર હતા. આ
બધાનાં પાત્રો નક્કી,
પણ સંવાદો લખાયેલા નહીં.
વિષયવસ્તુ એવી કે એક બંધ ઘરમાં જુદી જુદી પશ્ચાદભૂ તેમજ વિપરિત સ્વભાવ ધરાવતી છ
વ્યક્તિઓને નાટકની કાર્યશાળામાં બોલાવવામાં આવે છે અને પંદર દિવસ સુધી તેમણે સાથે
રહેવાનું છે. બહારની દુનિયા સાથે તેમનો કોઈ જ સંપર્ક નથી. બસ, ચાર દિવાલોની વચ્ચે એક છત નીચે તેમણે
રહેવાનું. આ પરિસ્થિતિમાં આ છ કલાકારો આશરે પોણા બે કલાક સુધી જે ભજવે એ જ આ નાટક.
નાટકનું શિર્ષક ‘Let’s Unpack’ પણ બહુ સૂચક. નાટકમાં રહેલા પાત્રો
પોતાની જાતને Unpack
કરે છે. પણ એમાં કોઈ બેગ-બિસ્તરા Unpack કરવાની વાત નથી, પણ આપણામાં રહેલી લાગણીઓને Unpack કરવાની છે. આ આખી પ્રક્રિયામાં એક
તબક્કે પાત્ર અને કલાકાર વચ્ચેનો ભેદ પણ લુપ્ત થઈ જતો લાગે. છએ છ કલાકારો ઘટનાઓને
અનુરૂપ મૌલિક સંવાદો તત્ક્ષણ જ બોલે, અને છતાંય એ સંવાદો એટલા સહજ કે ક્યાંય
લાગે નહીં કે આ સ્ક્રીપ્ટ વિનાના સંવાદો છે. નાટક અંત સુધી પહોંચે ત્યાં સુધીમાં
પ્રેક્ષકો પણ પોતાનામાં કશુંક Unpack
થયાની અનુભુતિ કરે. આ નાટકનો કન્સેપ્ટ ખાસ્સો અઘરો અને પ્રયોગાત્મક, પણ તેનો ભાર નાટક પર ક્યાંય વરતાય
નહીં. નાટક ક્યાંય અઘરું ન લાગે અને જરાય નબળું
ન પડે. આવા અદભૂત કન્સેપ્ટ,
તેનું નાટ્યસ્વરૂપમાં રૂપાંતર અને એટલી જ અદભૂત ભજવણી જોયા પછી આખી ટીમને સલામ
કરવાનું મન થઈ આવે. આજીવન યાદગાર બની રહેનારાં થોડાં નાટકોમાંનું એક આને ગણાવી
શકાય.
|
ઉતારે શરૂ થયો ગીતોનો દોર: ઘેઘૂર કંઠ અને .. |
વિચાર તો સાંજે રોકાઈને
વધુ નાટકો જોવાનો હતો. પણ આગલા દિવસની મુસાફરીનો થાક, ત્યાર પછીની દોડાદોડી અને દિલ્હીની 5-6 ડિગ્રી જેટલી ભયાનક ઠંડી- આ બધાની સામટી અસર વરતાવા લાગી હતી. અમારી ટીમના લોકો એક-એક
કરીને હોટલભેગા થવાની તૈયારી કરવા લાગ્યા. જો કે, હોટેલભેગા થવા માટે બીજું પણ એક
મહત્વનું પરિબળ જવાબદાર હતું. એ પરિબળ એટલે ખુદ રાજૂ બારોટ. રાજૂભાઇ સાથે ક્યાંય
પણ બહાર ગયા હોઇએ એટલે મનમાં મહેફિલનો માહોલ જ હોય. અને સાંજના સમયે તો ઉતારે
બાકાયદા મહેફિલ ભરાય જ. અલગ અલગ રૂમમાં ઉતરેલા ટીમના સભ્યો જમ્યા પછી ધીમે ધીમે એક
રૂમમાં એકઠા થવા લાગે.
|
.. ઢોલકની સંગત |
વાતોનો દૌર શરૂ થાય. અને થોડા જ સમયમાં વાતોનો એ દૌર ક્યારે
સંગીતના દૌરમાં ફેરવાઈ જાય એની સરત જ ન રહે. સંગીતના આ દૌરમાં કેન્દ્રસ્થાને મોટે
ભાગે રાજૂ બારોટ જ હોય. એમને ગાતા સાંભળીને વિચાર આવે કે આ માણસ સૂફી સંગીત, સુગમ સંગીત, લોકસંગીત અને નાટ્ય સંગીત શી રીતે આટલી
સરસ અને સહજ રીતે ગાઇ જાણે છે! દરેક મહેફિલમાં અમારી ફરમાઈશ પણ લગભગ નક્કી જ હોય. પહેલાં
રાજૂભાઈ અલગ અલગ ગીતો ગાઈને ગળું ગરમ કરે અને એ પછી રમેશ પારેખ/Ramesh Parekh
લિખીત
‘આ
મનપાંચમના મેળામાં..’, રાજેન્દ્ર શુક્લ/Rajendra Shukla
લિખીત ‘સાવ
અમારી જાત અલગ છે..’,
જાણીતું સૂફી ગીત ‘મન
કો કર દે મુસલમાન..’ની
ફરમાઈશ આવે જ. અને સૌથી છેલ્લે ગવાય સૌમ્ય જોષી લિખિત ‘ દિકરી વ્હાલનો દરિયો...’. અનેરું વાતાવરણ જામ્યું હોય, કોઈક કશા વાદ્યથી સંગત કરતું હોય, કોઈના હાથમાં પીણાના પ્યાલા પણ હોય, જે આખા માહોલને વધુ ઘેરો રંગ આપે, બાકીના મંત્રમુગ્ધ બનીને સાંભળતા હોય.અને રાજૂ બારોટનો કંઠ રેલાતો હોય. એ વખતે તો એમ જ લાગે કે ‘ઔર જિને કો ક્યા ચાહિયે?’
****
**** ****
|
અમારી ટીમ 'એન.એસ.ડી.'માં |
૧૭
મીએ સવારે અમે સૌ ‘મેઘદૂત’માં પહોંચી ગયા, જ્યાં અમારા નાટકના બે શો સાંજે કરવાના
હતા. એટલે એની તૈયારી કરવાની હતી. સાંજના પાંચ વાગ્યે પહેલો શો હતો. એટલે
અમારે ચાર વાગ્યે તૈયાર રહેવાનું હતું. લાઇટ્સ અને સાઉન્ડની ગોઠવણી કરવાની અને પછી
એક ટેકનીકલ રિહર્સલ પણ.
આમાં સમય નીકળી ગયો. આ નાટક અભિવાંચન હોવાને લીધે
નાટકના મોટા ભાગના અંશો સ્ટેજ પરથી જ વંચાવાના હતા. ગુજરાતી સમજવામાં અન્ય
બિન-ગુજરાતી દર્શકોને તકલીફ પડે એ સ્વભાવિક છે. પણ એન.એસ.ડી.એ આ માટે ખાસ વ્યવસ્થા
કરેલી હોય છે. અમારા દ્વારા અગાઉથી મોકલવામાં આવેલા નાટકના અંગ્રેજી અનુવાદને
સબ-ટાઇટલ સ્વરૂપે સ્ટેજની બાજુમાં રાખેલા મોટા સ્ક્રિન પર સમાંતરે જ ડિસ્પ્લે કરવામાં
આવે છે, જેને લઈને અન્યભાષી દર્શકો પણ એ માણી
શકે. અમારા નાટકના પ્રેક્ષક તરીકે દિલ્હી દૂરદર્શનમાં કામ કરતાં મિત્ર રૂપા મહેતા તેમજ
એન.એસ.ડી.માં અભ્યાસ કરતા ત્રણેક વિદ્યાર્થીઓ અને બીજા એકાદ-બે જણ સિવાય બીજું કોઈ
જ ગુજરાતી નહોતું. છતાંય આ નાટક એના પ્રકાર, વચ્ચે-વચ્ચે ભજવાતા નાટ્યાંશો અને
ગીત-સંગીતના લીધે દર્શકો સુધી યોગ્ય રીતે પહોંચી શક્યું એમ અમને કલાકારોને લાગ્યું
હતું.
|
મીટ ધ ડાયરેક્ટરની ઓપન ફોરમ |
મહોત્સવ દરમિયાન
નાટ્ય ભજવણીના બીજે દિવસે સવારે નાટકના દિગ્દર્શક અને ટીમ સાથે દર્શકોની
પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ‘MEET THE
DIRECTOR’ યોજવામાં આવે છે. આ મંચ પર ભજવાયેલા
નાટકની મુક્તમને ચર્ચા થાય છે.
કોઈ પણ દર્શક દિગ્દર્શકને પ્રશ્ન પૂછી શકે છે. આના થકી કેવળ ‘વાહ,ક્યા બાત હૈ!’ જેવા
અતિશયોક્તિભર્યા અને ઠાલા અભિપ્રાયને બદલે દર્શકોનો
નિષ્પક્ષ તેમજ નિખાલસ અભિપ્રાય જાણી શકાય છે, જે નાટકને બહેતર બનાવવામાં મદદરૂપ થઈ
શકે છે. દિગ્દર્શક પોતે પણ આ કાર્યક્રમને ગંભીરતપૂર્વક લે છે, એનું આ જ કારણ.
શો પછીની સવારે આ
કાર્યક્રમમાં હાજરી આપી એ પછી અમારી પાસે સમય જ સમય હતો. કેમ કે, અમદાવાદ પાછા ફરવાની અમારી ટિકીટ ૧૮
મીની સાંજની હતી. અમારી ટીમના ઘણાખરા સભ્યોએ દિલ્હીની બજાર ખૂંદવાનું નક્કી કર્યું. મારા જેવા બે-ચાર રસિયાઓએ એ દિવસે કયા
નાટકમાં હાજરી આપી શકાય એ જોવા માટે નજર દોડાવી. નક્કી કર્યું કે પહેલું નાટક જે
પણ શરૂ થતું હોય એમાં બેસી જવું.
જોયું તો બપોરે બે વાગે ‘સ્ટાર્ટીંગ
ઓવર’/ STARTING OVER નામનું નાટક હતું, જેના
દિગ્દર્શક
હતા મશા નેમિરોવસ્કી/Masha
Nemirovsky. આ નાટકનું નિર્માણ ઈઝરાયલ/ Israel ના તેલ અવીવ/ Tel
Aviv ના ઈશ થિયેટર/ ISH Theater
દ્વારા કરવામાં આવ્યું હતું. ઈઝરાયલનું નાટક ઘરઆંગણે જોવા મળતું હોય એનાથી રૂડો
મોકો શો હોઈ શકે! આ વિગતો વાંચીને દિલ પર કાબુ રાખવો મુશ્કેલ
હતો. પણ એથીય પહેલાં જરૂરી હતું નાટ્યગૃહમાં વેળાસર પહોંચીને બેઠક લઈ લેવાનું. એટલે પહેલાં યોગ્ય બેઠક લેવી અને ત્યાર પછી દિલ પર કાબુ મેળવવો એમ નક્કી કર્યું.
‘સમ્મુખ’માં આ ભજવણી હતી. આખો હૉલ ખીચોખીચ ભરાઈ
ગયેલો. સ્ટેજ પર જુઓ તો સેટના નામે કંઇ નહીં. અને કલાકારો પણ માત્ર ત્રણ, જેમાં બે પુરુષો અને એક સ્ત્રી. થોડી
વારમાં ત્રણેય કલાકારોએ બહારથી પોતાની ટ્રાવેલીંગ બેગ્સ સાથે પ્રવેશ કર્યો. એરપોર્ટ
પર થતું સામાનનું ચેકીંગ અને એ સ્થિતિમાંથી સર્જાતા હાસ્ય વડે તેમણે જોતજોતામાં દર્શકો
સાથે તાદાત્મ્ય કેળવી લીધું. અને પછી નાટક શરૂ થયું. કથા કંઈક આવી હતી.
એક યુગલ લગ્ન કરી
રહ્યું છે,
લગ્નની વિધિ ચાલી રહી છે. ઈઝરાયલના રિવાજ મુજબ જેના લગ્ન હોય એ પુરુષ દ્વારા પગથી
કાચનો પ્યાલો ફોડવામાં આવે છે. (જે રીતે આપણે ત્યાં કોડિયું તોડવાનો રિવાજ છે.) નાયક
એ પ્યાલા પર પગ મૂકવા જાય છે કે તરત જ પ્રચંડ વિસ્ફોટ થાય છે. એ છે પૃથ્વીનો પ્રલય. આ પ્રલયમાં લગ્ન કરી રહેલા આ યુગલ
સિવાય સમગ્ર માનવજાતનું નામોનિશાન મટી જાય છે. હવે પૃથ્વી પર માનવજાતના સર્જનનો આધાર
છે કેવળ આ યુગલ. પણ પ્રલય પછી આ યુગલ પ્રેમ, નફરત, સુખ, દુ:ખ જેવી સામાન્ય લાગણીઓ સહિત પોતાનો
ભૂતકાળ વીસરી જાય છે અને બન્ને જાણે અજાણ્યા હોય એમ વરતે છે. એ બન્ને વચ્ચે ફરીથી
પ્રેમ પાંગરે અને એ રીતે માનવજાતનું સર્જન થાય અને તેનું અસ્તિત્વ ટકી રહે એ માટે યોગ્ય
પ્રયત્નો કરવા માટે સ્વર્ગમાંથી એક દેવદૂત ઊતરી આવે છે. અને તેના દ્વારા શરૂ થાય
છે, પુરુષ-સ્ત્રી બન્નેને એકબીજાની નજીક
લાવવા માટેના જાત-જાતના પેંતરા. આ આખીય પ્રક્રિયા દરમિયાન નાની નાની અને સાવ
સામાન્ય લાગતી ઘટનાઓમાંથી સર્જાતું હાસ્ય અને વચ્ચે આવતું અદભુત સંગીત નાટકને
વધારે ચોટદાર બનાવતા હતા. છેવટે દેવદૂત એના પ્રયત્નોમાં સફળ થાય છે.
ત્રણેય એક્ટર્સનું
ગજબનું ટાઈમીંગ અને એવું જ ચુસ્ત દિગ્દર્શન નાટકને સતત ધબકતુ રાખે છે. આવા
કાબિલ-એ-દાદ નાટકને સટેન્ડિંગ અવેશન ન મળે તો જ આશ્ચર્ય! ઇઝરાયલથી આવેલું એક નાટક
અહીંયા ભારતમાં આવીને બેઠેલા એકેએક દર્શકને ‘ઉભા
કરી દે’ એ જ તાકાત છે નાટક નામની આ જીવંત કળાની, આ માધ્યમની.
જો કે, હવે વધુ નાટક જોઈ શકાય એમ ન હતાં, કેમ કે સાંજે
અમારે અમદાવાદ પાછા આવવા નીકળવાનું હતું. આમ,આનંદની સાથેસાથે
સમયના અભાવના અફસોસની લાગણી પણ સમાંતરે
થતી હતી. થોડા દિવસ વધુ રોકાવાનો વિચાર પણ કરી જોયો, પણ ‘દો ટકીયા કી નૌકરી મેં લાખોં કા સાવન
જાયે’ જેવી હાલત હતી. ખેર, જે મળ્યું, જેટલું મળ્યું એનો આનંદ પણ ઓછો નહોતો.બધું અનૂકુળ હશે તો આવતે વરસે ‘પુનરપિ
‘મંચમ’, પુનરપિ ‘ભારંગમ’. ભજ નાટકમ, ભજ નાટકમ’.
(નોંધ:'તુઘલક' અને 'અંધા યુગ' ની તસવીરો નેટ પરથી લીધી છે. બાકીની તમામ તસવીરોનું સૌજન્ય: અભિષેક)