Sunday, September 25, 2011

તમે ઈશ્વરમાં માનો છો? એક અભૂતપૂર્વ સર્વેક્ષણ.


ઈશ્વર છે કે નહીં? ઈશ્વર હોય તો કેવો હશે? આ જગતનું સંચાલન કરનાર ઈશ્વર સાકાર છે કે નિરાકાર? કે ઈશ્વર નહીં, પણ કોઈ અગમ્ય શક્તિ જગત ચલાવી રહી છે? આવા સવાલો આપણામાંના ઘણાના મનમાં કેટલીય વાર થયા હશે, અને હજીય થયા કરતા હશે. ઈન્ટરનેટના ચર્ચાચોરે આ સવાલો રમતા મૂકીએ તો ઈશ્વર એને ઠેકાણે રહે અને ચર્ચાના સમરાંગણમાં દલીલોની સામસામી પટાબાજીમાં કેટલીય લાશો ઢળી જાય. તેથી ચર્ચાને બદલે સર્વેક્ષણ વધુ અહિંસક બની રહે.
એવું નથી કે કેવળ મનુષ્યોમાં જ ઈશ્વરના અસ્તિત્વ અંગે મતમતાંતર પ્રવર્તે છે, બલ્કે મનુષ્યેતર જીવોમાંય જાતજાતની માન્યતાઓ ચાલી રહી છે. એ કેવી હશે એ જાણવા માટે પૃથ્વીના તમામ ખંડમાં એક અભૂતપૂર્વ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. એ સર્વેક્ષણ કોણે, ક્યારે, શી રીતે, કોના કહેવાથી, કોને ખર્ચે, ક્યાં કર્યું એના સંશોધનમાં  સમય અને શક્તિ વેડફ્યા વિના એ સર્વેક્ષણમાં મળેલી વિગતો પર નજર કરો. અહીં ફક્ત જવાબ આપવામાં આવ્યા છે. સવાલ કલ્પી લેવા.
પોતાને બંધબેસતી પાઘડી પહેરવી હોય તો વાંધો નથી, પણ ખરેખરી મઝા લેવી હોય તો બીજાને કઈ પાઘડી બંધબેસે છે, એનો વિચાર કરી જુઓ. 
























Thursday, September 22, 2011

પ્રિય સર્જકને જ્ઞાનપીઠ સન્માન: અવસર, ઉમળકો અને આનંદ



શ્રીલાલ શુકલ / Shrilal Shukla
આપણી ભાષાના કોઈ સર્જકને જ્ઞાનપીઠ જેવો પ્રતિષ્ઠીત પુરસ્કાર ન મળે ત્યાં સુધી એ પુરસ્કાર પ્રત્યે આપણું ધ્યાન ખેંચાતું નથી. ઘણી વાર તો એમ પણ બને છે કે આવો કોઈ પ્રતિષ્ઠીત પુરસ્કાર મળે ત્યારે જ એ પ્રાપ્ત કરનાર સર્જકની મહાનતાની નોંધ સ્થાનિક સ્તરે લેવાય. રતિલાલ અનિલે એક મુલાકાત દરમ્યાન બહુ માર્મિક રીતે આ બાબતે ટીપ્પણી કરતાં કહેલું, પહેલાં મોટી લાઈટ થાય, ત્યાર પછી નાની લાઈટ થતી હોય છે. સોમવારે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર ત્રણ સર્જકોનાં નામ જાહેર થયા, જેમાં એક છે કન્નડ સાહિત્યકાર ચન્દ્રશેખર ક્મ્બર(૨૦૧૦) , અને બીજા છે હિંદીના સર્જક અમર કાન્ત તેમજ શ્રીલાલ શુકલ (૨૦૦૯). બાકીના બે સર્જકોના કામથી પરિચીત નથી, પણ શ્રીલાલ શુકલનું નામ વાંચતાં જ ખૂબ આનંદ થયો. તેમની ઘણી કૃતિઓ વાંચી છે, માણી છે, પણ તેમણે ફક્ત એક જ કૃતિ લખી હોત, તોય તેમનું અવતારકાર્ય સંપન્ન થયેલું ગણાત. એવી મજબૂત, સદાબહાર, હાસ્યવ્યંગની ગીતા જેવી એ નવલકથા એટલે રાગ દરબારી’.
**** **** ****

રાગ દરબારીની વિવિધ
આવૃત્તિનાં મુખપૃષ્ઠ
ઈન્ટ્રાવેનસ કે ઈન્ટ્રામસ્ક્યુલર શબ્દ ભલે દવાઓ (ઈન્જેક્શન દ્વારા) શરીરમાં દાખલ કરવાનો પ્રકાર હોય, દવાઓ સિવાયની ઘણી વસ્તુઓ પણ શરીરમાં આ રીતે દાખલ થઈ શકે છે અને રગરગમાં ભળી જઈ શકે છે, તેની ધાર ઈન્જેક્શનની ધાર જેવી તીવ્ર હોય તો! અને વ્યંગની ધાર ઈન્જેક્શનની અણી કરતાંય કંઈક ગણી તીવ્ર હોય છે. 
ચોક્કસ વરસ યાદ નથી, પણ ૯૧ કે ૯૨નું વરસ હશે. આઈ.પી.સી.એલ. ક્લબની લાયબ્રેરીમાં રાગ દરબારી નવલકથા છે કે નહીં એ શોધી રહ્યો હતો. સહેલાઈથી એ મળી ગઈ. મળ્યા પછી ઘેર લાવીને વાંચવાની શરૂ કરી દીધી. વાંચતાં વાંચતાં એને કેમે કરીને મૂકવાનું મન થાય નહીં. કેટલીય બાબતો કે ઉલ્લેખો વાંચીને એમ થાય કે કોની સાથે વહેંચીએ! બહુ ઝડપથી એ નવલકથા પૂરી કરી. એ પછી તરત ઉર્વીશને એ વાંચવા આપી. પણ સાથે ટીપ આપતાં કહ્યું, શરૂ શરૂમાં કદાચ ન જામે તો પણ મૂકતો નહીં. વાંચવાનું ચાલુ રાખજે. પછી જોજે એની મઝા! ઉર્વીશે પણ એ વાંચી. એનેય મારા જેટલો જ જલસો પડ્યો. એ પછી તો દિવસો સુધી અમે એ નવલકથા, એનાં પાત્રો, એમની લાક્ષણિકતાઓ, કથાના વ્યંગ વિશે વાતો કરતા રહ્યા.
એ હતો રાગ દરબારીને પહેલી વાર વાંચ્યા પછી થયેલો અનુભવ. ત્યારથી લઈને આજ સુધી તો એ કેટલી વાર વંચાઈ હશે, એની ગણતરી હવે મૂકી દીધી છે. ટેબલ પર એની એક નકલ મૂકેલી જ રાખીએ છીએ. ઈચ્છા  થાય ત્યારે, ઈચ્છા થાય એ પાનાથી જેટલું વંચાય એટલું વાંચી લેવાનો ક્રમ અમે બન્નેએ જાળવી રાખ્યો છે.
રાગ દરબારીનું પાન આંખોથી કે મનથી નહીં, ઈન્ટ્રાવેનસ પદ્ધતિએ અમારામાં થઈ ગયું છે.
પણ આ અદભૂત નવલકથા સુધી પહોંચ્યા શી રીતે? કોણે એ સૂચવી?
દૂરદર્શન પર સિરીયલનો સુવર્ણયુગ ચાલતો હતો ત્યારે દર શુક્રવારે આ નામની એક સિરીયલ શરૂ થયેલી. ઓમપુરી, રાજેશ પુરી, મનોહર સીંઘ, આલોક નાથ જેવા ધુરંધર અભિનેતાઓ આમાં કામ કરતા હતા. આ સિરીયલનું શીર્ષક ગીત પં.ભીમસેન જોશીએ ગાયું હતું. સૌથી પહેલા હપ્તામાં આ નવલકથાના લેખક શ્રીલાલ શુક્લ દેખાયા હતા. તેમનો ચહેરો કે એ જે બોલ્યા હતા એમાંનું કશું યાદ રહ્યું નહોતું, પણ એટલું યાદ રહી ગયેલું કે આ નામની એક નવલકથા છે. આ ટી.વી.સિરીયલના હપ્તા છૂટાછવાયા જોવાનું બન્યું, એમાં એટલો ખ્યાલ આવ્યો કે ચોટદાર અને જબરદસ્ત વ્યંગ છે આમાં, પણ સિરીયલની માવજત નબળી છે.
સિરીયલ આખી ચાલી કે વચ્ચે અટકી ગઈ એનો ખ્યાલ નથી, પણ લાગ્યું કે હવે મૂળ નવલકથા વાંચવી પડશે. તક મળતાં જ તેની શોધ શરૂ થઈ. પ્રમાણમાં સહેલાઈથી એ તરત પણ ગઈ. અને એ વાંચી લીધા પછી એના લેખક શ્રીલાલ શુક્લ કોણ હશે? ક્યાંના હશે? ક્યાં રહેતા હશે? એવી જિજ્ઞાસાઓ મનમાં થવા લાગી, જેના જવાબ પણ સમયાંતરે મળતા ગયા.
એવું  વાંચવા મળ્યું કે શુક્લજી આઈ.એ.એસ. અધિકારી હતા. અને આ નવલકથા એમણે પોતાના કાર્યકાળ દરમ્યાન જ લખેલી. પ્રકાશન વર્ષ હતું ૧૯૬૮નું. એ પછીના વરસનું સાહિત્ય અકાદમીનું પ્રતિષ્ઠીત સન્માન રાગ દરબારીને મળેલું. એ પછી તો એની અનેક આવૃત્તિઓ થઈ છે, થતી રહી છે. પણ એક વાતનો ખ્યાલ આવ્યો કે આ નવલકથાની અસલી મઝા એને વાંચવાની છે, અન્ય કોઈ પણ માધ્યમમાં એ ન જામે. એની શૈલી જ એવી છે. પંદરેક વરસ અગાઉ વિવિધભારતી પરના હવામહલ કાર્યક્રમમાં પણ રાગ દરબારી રોજેરોજ પ્રસારિત થતી હતી. પણ એમાંય ખાસ મઝા નહોતી આવતી.
અમને થયું કે શ્રીલાલજીનો સંપર્ક કરવો જોઈએ પત્રથી. પણ સરનામું ક્યાંથી મેળવવું? એ વખતે ગૂગલ ક્યાં હતું? અરે, મોબાઈલ ફોન પણ નહોતા. અમારી પાસે રાગ દરબારીના પ્રકાશક દિલ્હીના રાજકમલ પ્રકાશનનું સરનામું હતું. એમની પાસેથી શ્રીલાલ શુક્લનું સરનામું મંગાવવાનો વિચાર કર્યો. પ્રકાશક એ મોકલશે કે નહીં એની ખબર નહોતી. પણ અમે પોસ્ટકાર્ડ લખ્યું અને પૂછાવ્યું. ધાર્યા કરતાં વધુ ઝડપે અને ચીવટપૂર્વક રાજકમલ પ્રકાશને અમને સરનામું મોકલી આપ્યું. અને એ પણ અંતર્દેશીય પત્ર દ્વારા. એમની આ ચેષ્ટા અત્યંત સૌજન્યપૂર્ણ હતી. એ સૌજન્યશીલ પત્ર પણ વાંચવા જેવો છે. 


અમારો ઉત્સાહ બેવડાયો. જાણ થઈ કે લેખક લખનૌમાં રહે છે. શ્રીલાલ શુકલને અમે લખનૌના સરનામે હિંદીમાં પત્ર લખ્યો, જેમાં અલબત્ત, રાગ દરબારી વિષેની જ વાતો હતી. પત્ર લખતાં જે મઝા આવતી એની શી વાત કરવી! એમ થાય કે સામી વ્યક્તિ સુધી એ પત્ર પહોંચે અને એ વાંચે તોય બસ. જવાબ આપે કે ન આપે, વાંધો નહીં. પણ અમારા આશ્ચર્ય વચ્ચે બીજા અઠવાડિયે અમારા સરનામે હિંદી અક્ષરોવાળું એક પોસ્ટકાર્ડ આવ્યું. એ લખ્યું હતું શ્રીલાલ શુકલે. એમણે આભાર માનતાં જણાવ્યું હતું કે 'રાગ દરબારી'નો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે, જેમાં ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. (ગુજરાતી અનુવાદ હરિન્દ્ર દવેએ કર્યો છે.) અમારા માટે તો આ આવ અણધાર્યું હતું. એ દિવસે જે રોમાંચ થયો હતો, એ આજેય અનુભવી શકાય એવો અકબંધ છે. એ પછી તો અમારી અને એમની વચ્ચે પત્રવ્યવહાર સ્થપાઈ ગયો. દિવાળી યા અન્ય શુભ અવસરે એમને પત્ર લખીએ કે એમનો જવાબ આવ્યો જ હોય.
અંગ્રેજી અનુવાદ
આ ગાળામાં મિત્રોમાં રાગ દરબારીનો પ્રસાર ચાલુ જ હતો. જો કે, મોટા ભાગના મિત્રોને હિંદી વાંચવાની આદત ઓછી હોવાથી તેઓ આખી વાંચી શક્યા નહીં.
દરમ્યાન રાગ દરબારીની પહેલી નકલ પણ અમે વસાવી, જે પેપરબેક હતી.
બિનીત મોદી સાથે આ ગાળામાં ઓળખાણ થયેલી. તેને એવી નોકરી હતી કે સતત બહાર ફરવાનું થતું, મોટે ભાગે ઉત્તરના રાજ્યોમાં. કોઈ પણ દેશમાં જવું હોય તો સૌથી પહેલાં પોતાના ગામ કે શહેરના બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશને જવું પડે. એમ બિનીત ક્યાંય પણ જાય ત્યારે અમદાવાદ પછીનું તરતનું સ્ટેશન મહેમદાવાદ હોય અને જઈને પાછો આવે ત્યારે અમદાવાદ કરતાં પહેલું સ્ટેશન મહેમદાવાદ હોય. આવા એક પ્રવાસ દરમ્યાન એ અમારા માટે રાગ દરબારીની પાકા પૂંઠાવાળી નકલ લેતો આવ્યો અને અમને ભેટ આપી. એને રાગ દરબારી પ્રત્યેના અમારા રાગની બરાબર ખબર હતી.
૧૯૯૭માં મારે વડોદરા સ્થાયી થવા માટે આવવાનું બન્યું, ત્યાર પછી બીજાં બધાં પુસ્તકો મહેમદાવાદના મુખ્ય ઘરે જ રહ્યાં, પણ રાગ દરબારીની અલાયદી નકલ મેં વસાવી લીધી. ઓક્સિજનની ટ્યૂબ સહિયારી ન ચાલે, એ તો આગવી જ હોવી જોઈએ, તો જ બન્નેને એનો લાભ મળી શકે.
**** **** ****
આ મારી નકલ. 
૧૯૯૭માં ઉર્વીશ સંદેશમાં કામ કરતો હતો. એ વરસના ઓગસ્ટમાં આપણા દેશની આઝાદીના પચાસ વરસ પૂરા થતા હતા. એ નિમિત્તે એણે કેપ્ટન લક્ષ્મી સહગલને મળવાનું ગોઠવ્યું, જે કાનપુર રહેતાં હતાં. મેં પણ મારી નોકરીમાંથી રજા લીધી અને આ લ્હાવો લેવા માટે તેની સાથે જોડાવાનું નક્કી કર્યું. નિયત દિવસે અમે ઉપડ્યા કાનપુર તરફ. ટ્રેનમાં ઉર્વીશે બેગ ખોલીને એક વસ્તુ દેખાડી. એ હતી રાગ દરબારીની બિનીતે આપેલી નકલ. એ કેમ લીધી?’ ના જવાબમાં એણે કહ્યું, કાનપુરથી લખનૌ સીત્તેર-પંચોતેર કિલોમીટર છે. કોને ખબર આપણને ચાન્સ મળી જાય તો.... આગળની વાત હું સમજી ગયો કે ‘…..તો શ્રીલાલ શુક્લને મળી શકાય.
અમારે મન કાનપુરની ઓળખ એટલે હરમંદિરસીંઘ હમરાઝ’. કાનપુર ગયા અને એમને પણ મળ્યા. કેપ્ટન લક્ષ્મી સહગલનો સતત ચાર દિવસ સુધી રોજેરોજ ઈન્ટરવ્યૂ લીધો. આખરે અમારે પાછા ફરવાનો દિવસ આવી ગયો. કાનપુરમાં અમારા ચાર દિવસ એટલા વ્યસ્ત ગયા હતા કે લખનૌનો વિચાર સુદ્ધાં આવ્યો નહોતો. જવાના દિવસે સવારે અમે સામાન પેક કરી દીધો. ટ્રેનનો ચોક્કસ ટાઈમ જોવા માટે ટિકીટ કાઢી. અમને એવો જ ખ્યાલ હતો કે સવારના અગિયારેક વાગ્યાની ટ્રેન છે. પણ ટિકીટ પર વાંચ્યું તો ખબર પડી કે ટ્રેનનો સમય રાતના અગિયારનો છે. મતલબ કે અમારી પાસે આખો દિવસ હતો, કેમ કે બાકીનાં મુખ્ય કામ તો પતી ગયાં હતાં. છતાંય અમે રેલ્વે સ્ટેશને જઈને સમયની ખાતરી કરી લીધી. હવે શું કરવું એ નક્કી જ હતું. સાથે રાખેલી રાગ દરબારી ફળી હતી.
મરાઠી અનુવાદ 
સ્ટેશનેથી લખનૌ જતી બસ પકડી લીધી. શ્રીલાલ શુકલનું બી-૨૨૫૧, ઈન્દીરાનગરનું સરનામું તો અમને મોઢે જ હતું. પણ એમનો સંપર્ક શી રીતે કરવો એ સવાલ હતો. લખનૌનો દોઢ- બે કલાકનો રસ્તો અમે રાગ દરબારીના સંવાદો અને સિચ્યુએશન્સની વાતો કરતાં કરતાં ગાળ્યો, જેને લઈને શુકલજીને મળવા માટેનું વોર્મિંગ અપ થઈ જાય.
બસે અમને લખનૌના રેલ્વે સ્ટેશન નજીક ઉતાર્યા. ઉતરીને કઈ દિશામાં જવું એની ક્યાં ખબર હતી? એટલે પહેલાં નજીકના એક એસ.ટી.ડી. બૂથમાં ગયા અને સ્થાનિક ટેલીફોન ડિરેક્ટરી માંગી. એમાંથી શ્રીલાલ શુકલનું નામ શોધી કાઢ્યું, સરનામાની ખાતરી કરી અને જોડ્યો ફોન. સામે છેડે ફોન ઉપાડનાર શ્રીલાલ શુક્લ પોતે હતા એ જાણીને કેવો રોમાંચ થઈ આવે! ઉર્વીશે વાત કરી તો એમણે તરત તૈયારી બતાવી અને અમને પોતાને ત્યાં શી રીતે આવવું એનું માર્ગદર્શન આપ્યું. અમદાવાદના અંતરની સરખામણી કરીએ તો મણિનગરથી બોપલ જેટલું લાંબું અંતર હતું એ, અને ત્યાં પહોંચવા માટે અમારે બે સ્થળે રીક્ષા બદલવાની હતી. શુકલજીએ અમને બરાબર સમજાવેલું એટલે અડધોએક કલાકમાં તો અમે એમને ઘેર પહોંચી ગયા. એમના નામની તકતી વાંચીને ઘડીભર તો માનવામાં ન આવ્યું કે રાગ દરબારીના સર્જકને ઘેર અમે પહોંચ્યા છીએ. ડોરબેલ વગાડ્યો.
શ્રીલાલ શુકલ અમારી રાહ જ જોતા હતા. એમણે પોતે જ દરવાજો ખોલ્યો અને પૂછ્યું, મિ.કોઠારી?” શી રીતે એમનું અભિવાદન કરવું એ જ સમજ ન પડે. એમણે તો હાથ જ લંબાવ્યો, પણ અમે ચરણસ્પર્શ જેવી ચેષ્ટા કરી, તેમના પ્રત્યે આદર દર્શાવવા!
એ પછીનો અડધો-પોણો કલાક જિંદગી આખીનું મહામૂલું સંભારણું બની રહ્યો છે. 

 પ્રિય લેખક સાથે મુલાકાત: શ્રીલાલ શુકલ  સાથે ગોષ્ઠી / Shrilal
Shukla in conversation with Biren Kothari, August, '97 


આ મુલાકાત દરમ્યાન થયેલી વાતોમાંની રાગ દરબારી વિષેની વાતો ઉર્વીશે તેના બ્લોગ પર મૂકી છે. અહીં ક્લીક કરવાથી તેના બ્લોગ પર જઈને એ વાંચી શકાશે.
http://urvishkothari-gujarati.blogspot.com/2011/09/blog-post_22.html
 **** **** ****

વરસો વીત્યાં, સમજ પણ વિકસતી ગઈ, પણ રાગ દરબારીનું આકર્ષણ ઓસરવાને બદલે સતત વધતું રહ્યું છે. એમાં દર્શાવેલા કિસ્સાનો સંદર્ભ તો કેટલીય વાર અમે સામાન્ય વાતચીતમાં કરીએ, એટલે બીજી વાત આપોઆપ સમજી જવાય. જેમ કે, એક વાર ટ્રેનમાં બનેલા એક કિસ્સા અંગે ઉર્વીશ મને વાત કરતો હતો. થોડું આરંભિક વર્ણન કરીને એણે મને કહ્યું, પછી તો દૂરબીનચાચાવાળી થઈ ગઈ. એમ હું પણ કોઈક કિસ્સો એને કહેતો હોઉં તો માત્ર પૂર્વભૂમિકા આપીને કહી દઉં, પછી પિકાસોવાળી થઈ ગઈ. આગળ કશુંય સમજાવવાની જરૂર નહીં. રાગ દરબારીના કેટલાય જુમલાઓ અમે અવારનવાર અડધાપડધા, કહેવતની જેમ વાપરીએ. જેમ કે, બડે અચ્છે આદમી થે....ગુજર ગયે’, યે ગંજહોં કે ચોંચલે હૈ... લીખે દેખ અંગરેજી અચ્છર... ભાગે મલેરિયા કે મચ્છર’, પાંય લાગી પંડિત..’, સમઝદાર કી મૌત હૈ’, છછૂંદર જૈસે આયે થે, ગૈંડા બનકર જાયેંગે’, વીરગતિ કો પ્રાપ્ત હુએ યાની ટેં હો ગયે અને આવા તો કેટલાય. અરે, ગાંધીગીરી શબ્દ પણ પહેલવહેલો આ નવલકથામાં વાંચવા મળેલો, જે લખાઈ હતી ૧૯૬૮માં.
૧૯૯૯ની આસપાસ હિંદી ઈન્ડીયા ટુડેમાં વાચકો માટે સદી કી સર્વશ્રેષ્ઠ કૃતિ: પાઠકોં કા ચયન નામે એક વિભાગ ચાલુ કરવામાં આવેલો. વાચક પોતાને ગમતી કોઈ કૃતિ વિષે આશરે પાંચસો શબ્દોમાં લખી મોકલે. લખાણ પસંદ થાય તો ઈન્ડીયા ટુડેમાં નામ સાથે પ્રકાશિત થાય અને પાંચસો રૂપિયાનો પુરસ્કાર પણ મળે. આ વિભાગમાં રાગ દરબારી વિષે મેં મોકલેલું લખાણ ૧ સપ્ટેમ્બર, ૧૯૯૯ના અંકમાં પ્રકાશિત થયું. પાંચસોના પુરસ્કાર કરતાંય રાગ દરબારી વિષે ઈન્ડીયા ટુડેમાં છપાયું એનો આનંદ વધુ થયેલો. આ લખાણ અહીં મૂક્યું છે.


રાગ દરબારી પ્રત્યેનો અમારો ઋણભાવ એટલો પ્રબળ છે કે બે વરસ પહેલાં ઉર્વીશના હાસ્યલેખોનો સૌ પ્રથમ સંગ્રહ બત્રીસ કોઠે હાસ્ય પ્રકાશિત થયો ત્યારે આ પુસ્તક તેણે કોઈ વ્યક્તિવિશેષને અર્પણ કરવાને બદલે રાગ દરબારી અને વિનોદની નજરે એમ બે પુસ્તકવિશેષને અર્પણ કરેલું.
ડીસેમ્બર ૩૧, ૧૯૨૫ના રોજ જન્મેલા શ્રીલાલ શુક્લ હવે તો ૮૬ના થયા. ૨૦૦૮માં એ પદ્મભૂષણથી સન્માનિત પણ કરાયા હતા. અને હવે સાહિત્યના સર્વોચ્ચ ગણાતા જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.
એમને ભલે જ્ઞાનપીઠ પુરસ્કાર છેક હમણાં મળે, એમણે તો આપણને રાગ દરબારીની ભેટ ધરીને આપણો જ્ઞાનપીઠ ક્યારનોય આપી દીધો છે.
આ શુભ અવસર નિમિત્તે શ્રીલાલ શુક્લને સ્વસ્થ જીવનની અનેકાનેક શુભકામનાઓ. 


(નોંધ: પત્ર, ઇન્ડિયા ટુડેનું પાનું તેમજ 'રાગ દરબારી'ના એક કવર સિવાયની તમામ તસવીરો નેટ પરથી લીધી છે.) 

Sunday, September 18, 2011

કથાબીજ એક, ફિલ્મફળ અનેક


( આ પોસ્ટમાં ઘણી વિડિયો ક્લીપ્સ મૂકેલી છે. એ દરેકેદરેક જોશો તો જ મઝા આવશે અને કથાની સામ્યતા પામી શકાશે. કન્નડ તેમજ તેલુગુ ફિલ્મની ક્લીપ્સ પણ ખાસ જોવી. )


કોઈ પણ ફિલ્મ શાથી હીટ જાય છે? આ પ્રશ્નનો કોઈ એક જવાબ કે ફોર્મ્યૂલા મેળવવાં અઘરાં છે. એવું અવારનવાર જોવા મળે છે કે કોઈક ફિલ્મ હીટ જાય એટલે એના એવી જ કથાવસ્તુ ધરાવતી કે અન્ય બાબતોની સામ્યતા ધરાવતી ઉપરાઉપરી ફિલ્મો આવી જાય. પણ એકેય ન ચાલે. ઘણી વાર હીટ ગયેલી ફિલ્મની ટીમ બીજી ફિલ્મ બનાવે તો એ પણ ન ચાલે એમ બને છે. શોલેનો દાખલો બહુ જાણીતો છે. એની એ જ ટીમ શોલે જેટલી સફળતા શાનમાં દોહરાવી તો ન શકી, ઊલટાની શાન બૂરી રીતે પિટાઈ ગઈ. હોલીવૂડમાં તો સિક્વલનો રિવાજ બહુ પ્રચલિત છે. અને ઘણી વાર એમ પણ જોવા મળ્યું છે કે પહેલી ફિલ્મ કરતાં તેની સિક્વલમાં વધુ મઝા આવે. હિંદી ફિલ્મોમાં સિક્વલ બહુ જૂજ ફિલ્મોની બની છે, અને સફળ તો એનાથીય ઓછી થઈ છે.

તો હિટ થયેલી કોઈ ફિલ્મની રીમેક ચાલે? આનુંય કોઈ ચોક્કસ ગણિત નથી. કેમ કે, એક વાર ફિલ્મ હિટ જાય અને વરસો પછી એની રીમેક બને એ સમયગાળો અલગ હોય છે, પ્રેક્ષકોની રુચિ બદલાઈ ગઈ હોય છે. માનો કે એની એ જ કથાનું પુનરાવર્તન થાય તો પણ કેટલી વાર એમ થઈ શકે? 'કિસ્મત' કે 'શોલે' જેવી બોક્સ ઓફીસ પર ઇતિહાસ સર્જનારી ફિલ્મની રીમેક પણ બની નથી. ('શોલે'ની રીમેક બની હતી, પણ એ એવી અસહ્ય હતી કે એ નથી એમ જ ગણીએ તો સારું પડે.) 
આમ છતાં, અહીં એક એવા કથાવસ્તુની વાત કરવી છે, જેની પરથી અનેક ફિલ્મ બની હોય. 'અનેક' શબ્દ જાણીને વાપર્યો છે. લેખના અંતે સરવાળો માંડીશું એટલે ચોક્કસ આંકડો ખબર પડશે. હજીય ઝડપથી કદાચ આવી કોઈ કથા યાદ ન આવે એમ બને. 
આ કથા છે તો આમ સાદી, પારિવારિક કથા. એનો આ રીતે અભ્યાસ થયો છે કે નહી, એ પણ ખબર નથી. આપણે આ કથાવાળી એકાદ બે ફિલ્મો જોઈ પણ હશે. છતાં આ કથાવસ્તુ એટલું સાદગીસભર છે કે ઝટ ધ્યાનમાં ન આવે કે એના પરથી આટલી બધી ફિલ્મો બની છે, અને એ પણ જુદા જુદા સમયે, જુદા જુદા સ્થળે, જુદી જુદી ભાષાઓમાં. 
નથી એ કથામાં કોઈ ખૂંખાર વિલન યા વેમ્પ કે નથી એમાં હીરો- હીરોઈનનાં પ્રણય દૃશ્યો. સંવાદોની રમઝટ કે ગીત-સંગીતની બહુલતાનીય એમાં જરૂર નથી. અરે, એમાં કથાના કેન્દ્રસ્થાને તરવરીયા, નવજુવાન અભિનેતા-અભિનેત્રી નથી, બલ્કે વૃદ્ધ પુરુષ અને એમની પત્ની છે. અને છતાંય આ કથાવસ્તુ કેવું સદાકાળ છે!
***** ***** *****
બહુ મોટું નહીં એવું એક કુટુંબ. ત્રણ-ચાર સંતાનો, ઘરરખ્ખુ મા અને સામાન્ય નોકરી કરતા પિતા. કુટુંબની આર્થિક સ્થિતિ સાધારણ, છતાં એકંદરે સુખી. સંતાનો દિવસે દિવસે મોટાં થતાં જાય એટલે એમનો ખર્ચ વધતો જાય. સાધારણ નોકરી કરતા પિતા જેમ તેમ કરીને પૈસાનો જોગ કરે. મા પોતાની જરૂરતો પર કાપ મૂકીને સંતાનોની જરૂરતો પૂરી કરે અને સંતાનોને ઓછું ન આવે એનું ધ્યાન રાખે. કરુણા અને સ્નેહ મા-બાપના સ્વભાવની ખાસિયત. સંતાનો ઉપરાંત કોઈ પણ જરૂરતમંદને પોતાની જરૂરતોના ભોગેય સહાય કરતા રહે. માત્ર આર્થિક સહાય નહીં, હૂંફ અને પ્રેમ પણ આપતા રહે. અને આવા તો અનેક લોકો.
 
એક પછી એક સંતાનો પરણે છે. પોતાનું આગવું ઘર માંડે છે અને જીવન સામેના જંગમાં ઝઝૂમે છે. વૃધ્ધ માતાપિતા એકલાં આનંદમાં સમય પસાર કરે છે અને દૂર રહેતા સંતાનોના સુખે સુખી છે. ગામના લોકો એમના પ્રત્યે સ્નેહ દાખવે છે, એમની ઈજ્જત કરે છે.
સમય પલટાય છે. માતાપિતા જે મકાનમાં રહેતા હોય છે એ મકાન ખાલી કરવું પડે એવા સંજોગો ઉભા થાય છે. શહેરમાં રહેતાં સંતાનોને માતાપિતા જાણ કરે છે. પોતે ગામ છોડીને શહેરમાં એમની સાથે રહેવા આવવું પડશે એમ જણાવે છે. આ સમાચાર જાણીને સંતાનોના પેટમાં ફાળ પડે છે. માબાપ તેમને વણનોંતરી ઉપાધિ સમા લાગે છે. સૌ સંતાનો ભેગા મળીને વિચારવિમર્શ કરે છે કે માબાપને રાખે કોણ? છેવટે સૌ એ નિર્ણય પર આવે છે કે મા અને બાપ બન્ને અલગ અલગ સંતાનોના ઘેર થોડા થોડા સમય માટે રહે. મતલબ કે માબાપની વહેંચણી. ગરીબી અને સંઘર્ષના કપરા દિવસોમાં એકમેકની હૂંફને સહારે સ્વમાનભેર જીવેલાં વૃદ્ધ માવતરને ખરેખર એકબીજાની જરૂર છે ત્યારે જુદા પડવાનું આવે છે. માબાપની નાનકડી ખોલીમાં ચાર સંતાનો સમાઈ જાય, પણ ચાર સંતાનોના મહેલમાં માબાપ ન સમાઈ શકે, એવો ઘાટ થાય છે.  મા એક સંતાનને ત્યાં રહે છે અને બાપ બીજા સંતાનને ત્યાં. જિંદગી આખી સ્વમાન સાથે જીવેલાં પતિપત્ની સાથે પોતાનાં જ સંતાનો દ્વારા વણનોંતર્યા મહેમાન જેવો વ્યવહાર થાય છે. ક્યાંક દીકરાની કપરી આર્થિક સ્થિતિ નડે છે, તો ક્યાંક દીકરો કે તેની વહુનો રૂક્ષ વ્યવહાર. પૌત્ર કે પૌત્રી સાથે દાદા-દાદીને ફાવે છે, પણ પૌત્રની માને એ બધું પસંદ નથી. સ્વમાનભેર જીવવાનું તો ઠીક, સ્વમાન જાળવવાના ફાંફા બન્નેને થઈ જાય છે.
વૃદ્ધ દંપતિ માટે એકમેકને મળવુંય દોહ્યલું થઈ જાય છે. શી રીતે મળવું? પત્ર લખવો? ફોન કરવો? છાનેછપને એમને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત પણ કાને પડી જાય છે. દરમ્યાન શહેરમાં વૃદ્ધ પિતાનો ભેટો અનાયાસે અને સાવ આકસ્મિક સંજોગોમાં એક અફસર સાથે થઈ જાય છે. આ અફસર એટલે એક સમયનો પેલો અનાથ છોકરો, જે આ દંપતિએ આપેલી હૂંફ થકી જીવનમાં આગળ આવ્યો હોય છે અને હવે મોટો માણસ બની ગયો હોય છે. સતત આ દંપતિ તેના હૈયે હોય છે. આગ્રહપૂર્વક તે આ દંપતિને પોતાને ઘેર લઈ આવે છે અને પોતાના પરિવાર સાથે જ રહેવા આગ્રહ કરે છે. ક્યાં લોહીની સગાઈ ધરાવતાં પોતાનાં સંતાનો અને ક્યાં સગા પુત્ર કરતાંય વધુ સ્નેહ આપતો આ એક સમયનો અનાથ છોકરો!
પિતાને બચતના પૈસા આવે છે ત્યારે બધાં સંતાનો પ્રેમ જતાવવા આવે છે. સંતાનોના દુર્વ્યવહારને લઈને પિતાના હૃદય પર કેવા જખમો પડ્યા હોય છે! સંતાનો પ્રત્યેનો તિરસ્કાર કેટલો ઊંડો હોય છે કે એ સુણાવી દે છે કે તમે મારા દીકરાઓ નહીં, અને હું તમારો બાપ નહીં.
એક સમયનો અનાથ બાળક, જે હવે અફસર બની ગયો હોય છે, તેના કુટુંબમાં આ વૃદ્ધ દંપતિ માવતરનું સ્થાન પ્રેમપૂર્વક મેળવે છે અને એ કુટુંબ સાથે જ શેષ જીવન વીતાવે છે.
***** ***** *****

 અહીં સાવ ટૂંકમાં વાર્તાઓના મુદ્દાની જેમ કથા લખી છે. અવનવાં રસાયણો ભેળવીને વધુ ને વધુ લાગણીસભર બનાવી શકાય એવી ક્ષમતા છે આ કથાની. હવે જોઈએ આ કથાનું ઉદગમસ્થાન અને એના અવનવા મુકામો. એક મૂળ અને એક બીજમાંથી કેવી કેવી ફિલ્મોનાં ફળ ક્યાં ક્યાં બેઠાં?
આવી લાગણીસભર અને કૌટુંબિક કથા તો ભારતની જ હોઈ શકે એમ લાગે, પણ જાણીને નવાઈ લાગે કે આ કથાનાં મૂળ અમેરિકામાં છે. આ કથા પરથી સૌથી પહેલી ફિલ્મ અંગ્રેજીમાં બની હતી, જેનું નામ હતું મેઈક વે ફોર ટુમોરો’/ Make way for tomorrow.  ૧૯૩૭માં આવેલી આ ફિલ્મના દિગ્દર્શક હતા લીઓ મેકરી/Leo McCarey.  વયસ્ક દમ્પતિ બાર્કલે કૂપર અને લ્યુસી કૂપરની ભૂમિકા અનુક્રમે વિકટર મૂર/ Victor Moore અને બેલુઆ બોન્ડી/ Beluah Bondi એ ભજવી હતી. આ ફિલ્મ, જો કે, નાટક પરથી બની હતી, અને નાટક લખાયું હતું જોસેફીન લોરેન્સ/ Josephine Lawrence દ્વારા લખાયેલી એક નવલકથા 'ધ યર્સ આર સો લોન્ગ'/ The years are so long પરથી. ફિલ્મ અતિશય સફળ રહી હતી અને દિગ્દર્શકે તેને પોતાની શ્રેષ્ઠ ફિલ્મ ગણાવેલી. ઓરસન વેલેસ જેવા ખ્યાતનામ અભિનેતા-દિગ્દર્શકે આં ફિલ્મ વિષે કહ્યું હોવાનું નોધાયું છે કે: 'પથ્થરનેય રડાવી દે એવી ફિલ્મ છે આ.' કથામાં દંપતિને પાંચ સંતાનો બતાવાયા હતા. અલબત્ત, આ કથામાં ક્યાંય પેલા અનાથ છોકરાનું પાત્ર નહોતું. તેને બદલે વિવિધ લોકો વૃદ્ધ દંપતિ પ્રત્યે સદવ્યવહાર કરે છે એમ દેખાડેલું.

જુઓ Make way for tomorrow ફિલ્મની એક ઝલક.




ત્યાર પછી આ કથાવસ્તુ ભારતમાં આવ્યું. ૧૯૫૪માં મરાઠીમાં ફિલ્મ આવી ઉન પાઉસ (=તડકો અને વરસાદ), જેનું દિગ્દર્શન કર્યું હતું રાજા પરાંજપેએ. અસલમાં આ ફિલ્મનું દિગ્દર્શન માડગુળકર કરવાના હતા, અને રાજા ફક્ત ભૂમિકા જ કરવાના હતા. પણ રાજા આ ફિલ્મમાંની બાપુ માસ્ટરની ભૂમિકા પોતાની રીતે ભજવવા માંગતા હતા, એટલે તેમણે દિગ્દર્શન પણ પોતે જ કરવાનો આગ્રહ રાખ્યો, જે સૌએ મંજૂર રાખ્યો. 
રાજા પરાંજપે બાપુ માસ્ટરની ભૂમિકામાં
મુખ્ય ભૂમિકા તેમની પોતાની અને સુમતિ ગુપ્તેની હતી. અને પટકથા લખેલી વિખ્યાત કવિ ગ.દિ.માડગુળકરે. આ ફિલ્મમાં પિતાજીને નિવૃત્ત શિક્ષક બતાવાયા હતા. અને તેમને બે દીકરાઓ હતા. બંને દીકરાઓને ત્યાં જવા માટે પતિ પત્ની વિખૂટા પડતાં હોય છે, ત્યારે બાપુ વેદનાથી ચીત્કારી ઉઠે છે, "કાશી...'. આ એક જ શબ્દમાં પત્ની પ્રત્યેની તમામ લાગણી એ નીચોવી દે છે. આ દ્રશ્ય એટલું અસરકારક રીતે ભજવાયું હતું કે શૂટીંગ કરનાર ટેકનીશ્યનોની આંખમાં પાણી આવી ગયેલાં.
 કાશીનું પાત્ર ભજવનાર સુમતિ ગુપ્તે ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડેલાં. થોડી વાર માટે શૂટીંગ અટકાવી દેવું પડેલું. ફિલ્મમાં રાજા પરાંજપેનો અભિનય ખૂબ વખણાયો. રાજાએ એક લેખમાં લખેલું એમ: ફિલ્મ ખૂબ વખણાઈ, પણ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ. 
બી.આર. પંથલૂ

મરાઠીમાંથી આ કથા ગઈ દક્ષિણ ભારત તરફ. ૧૯૫૮માં વિખ્યાત કન્નડ ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા અને પદ્મિની પિક્ચર્સના સ્થાપક બી.આર.પંથલૂએ આ કથા આધારિત ફિલ્મનું ત્રણ ભાષાઓમાં નિર્માણ કર્યું.
કન્નડ 'સ્કૂલ માસ્ટર' 
કન્નડમાં સ્કૂલ માસ્ટર’, તમિળમાં એંગલ કુડુમ્બમ પેરીસુ (= અમારો વિશાળ પરીવાર) અને તેલુગુમાં બડી પંતુલૂ’. (=સ્કૂલ માસ્ટર) આ ત્રણેય આવૃત્તિમાં શિક્ષકની મુખ્ય ભૂમિકા પંથલૂએ પોતે જ ભજવી હતી. દક્ષિણ ભારતની એકેય ભાષા ભલે ને આવડતી ન હોય, પણ મૂળ કથાવસ્તુ એટલું અસરકારક છે કે દૃશ્ય જોઈને ખ્યાલ આવી જાય કે શું કહેવાઈ રહ્યું છે.
પહેલાં કન્નડ ફિલ્મ સ્કૂલ માસ્ટરની ઝલક જોઈએ.




ત્યાર પછી તરત જ ૧૯૫૯માં હિંદીમાં આ જ કથાવસ્તુ પરથી સ્કૂલ માસ્ટર ફિલ્મનું નિર્માણ પદ્મિની પિક્ચર્સદ્વારા જ થયું, જેમાં મુખ્ય ભૂમિકા બી.આર.પંથલૂ અને એમ. વી. રાજમ્માની જ હતી. આ ફિલ્મમાં શિવાજી ગણેશન મહેમાન ભૂમિકામાં હતા.કરણ દિવાન અને બી.સરોજાદેવી ઉપરાંત શકીલા, લલીતા પવાર, ડેવિડ, ઉલ્હાસ, જવાહર કૌલ જેવા જાણીતા કલાકારો પણ આ ફિલ્મમાં હતા. તેનું દિગ્દર્શન બી.આર.પંથલૂએ જ કર્યું હતું. વસંત દેસાઈના સંગીત નિર્દેશનવાળી આ ફિલ્મનું ઓ દિલદાર, બોલો એક બાર, ક્યા મેરા પ્યાર પસંદ હૈ તુમ્હેં (તલત, લતા) ખાસ્સું લોકપ્રિય થયું હતું. બધું મળીને કુલ નવ ગીતો આ ફિલ્મમાં હતા, જે કવિ પ્રદીપે લખ્યા હતા. 

જોઈએ હિંદી ફિલ્મ સ્કૂલ માસ્ટરનું એક દૃશ્ય.

 



૧૯૬૪માં બી.આર.પંથલૂએ જ મલયાલમમાં સ્કૂલ માસ્ટર ફિલ્મ બનાવી, જેમાં શિક્ષકની મુખ્ય ભૂમિકા ટી.એસ.નાયરે ભજવી હતી. 
મલયાલમ 'સ્કૂલ માસ્ટર'

મલયાલમ ફિલ્મનું એક દૃશ્ય
આ ફિલ્મમાં પ્રેમ નઝીર જેવા લોકપ્રિય અભિનેતા હતા, ઉપરાંત તમિલ ફિલ્મોના શિવાજી ગણેશન, બાલાજી, એસ.જાનકી જેવાં તમિલ ફિલ્મોના કલાકારોએ પણ પહેલવહેલી વાર મલયાલમ ફિલ્મમાં કામ કરેલું.
૧૯૭૨માં તેલુગુમાં એન.ટી.રામારાવ અને અંજલિ દેવીની મુખ્ય ભૂમિકામાં ફરી એક વાર બડી પંતુલૂના નામે ફિલ્મ આવી, જેને દિગ્દર્શીત કરી હતી પી.ચંદ્રશેખર રેડ્ડીએ. આ ફિલ્મમાં શ્રીદેવીની બાળ કલાકાર તરીકેની ભૂમિકા હતી.
તેલુગુ ફિલ્મની ઝલક જોઈએ.



૧૯૭૩માં તમિલમાં આ ફિલ્મનું પુનર્નિર્માણ થયું, સ્કૂલ માસ્ટરના નામથી, જેના દિગ્દર્શક પણ પંથલૂ જ હતા. એવું ચોક્કસ કહી શકાય કે બી.આર.પંથલૂએ આ કથાવસ્તુનો ઘણો કસ કાઢ્યો અને તેમને એ ફળ્યું પણ ખરું.
મૂળ અંગ્રેજી નવલકથાના કથાવસ્તુ પર આધારિત નાટક વિસામો હરીન મહેતાએ લખ્યું, જેનું નિર્માણ કર્યું લાલુભાઈ શાહે. મુખ્ય ભૂમિકા હતી વિષ્ણુકુમાર વ્યાસ અને ચંદ્રિકા શાહની. આજે પણ આ નાટક પ્રતાપ સચદેવ અને સચિ જોશીની મુખ્ય ભૂમિકામાં ભજવાઈ રહ્યું છે, જેનું દિગ્દર્શન કર્યું છે મિલન અજમેરાએ.
જોઈએ 'વિસામો' નાટકની એક ઝલક.



'વિસામો' નાટક
 નિર્માતા કે.જી.ભટ્ટે આ નાટકના હક્ક ખરીદ્યા અને એ જ નામે વિસામો ફિલ્મ ગુજરાતીમાં બનાવવાનું નક્કી કર્યું, જેનું દિગ્દર્શન તેમણે સોંપ્યું અભિનેતા- દિગ્દર્શક કે.કે. (કૃષ્ણકાન્ત)ને. આ વાત યાદ કરતાં કે.કે. જણાવે છે, હરીનભાઈએ નાટક લખ્યું અને એ વખણાયું એટલે નિર્માતા એન.એન. સિપ્પીએ હરીનભાઈનો સંપર્ક કર્યો અને આ કથા પરથી ફિલ્મ બનાવવા માટેના હકની માંગણી કરી. પણ આ કથાના હક ગુજરાતી ફિલ્મ માટે અપાઈ ગયા હતા.
'વિસામો' ફિલ્મ
ગુજરાતી ફિલ્મ વિસામોમાં મુખ્ય ભૂમિકા કે.કે. અને ઉર્મિલા ભટ્ટની હતી. ૧૯૭૮માં આવેલી આ ફિલ્મ ખૂબ વખણાઈ. એ દાયકામાં આવેલી અનેક ગુજરાતી ફિલ્મોમાં કથાવસ્તુ અને માવજતને લઈને એ અલગ તરી આવી. તેનું રાષ્ટ્રીય પુરસ્કાર માટે પણ નામાંકન થયું. સિપ્પી આ કથાવસ્તુ સીધું જ વાપરી શકે એમ ન હતા, તેથી તેમણે કથામાં થોડા ફેરફાર કરીને ફિલ્મ બનાવી. ૧૯૭૬માં આવેલી એ હિંદી ફિલ્મ એટલે જિંદગી’, જેનું દિગ્દર્શન કરેલું રવિ ટંડને. આ ફિલ્મમાં દંપતિને (સંજીવકુમાર અને માલા સિંહા) સંતાનમાં બે પુત્રો (અનિલ ધવન અને રાકેશ ટંડન) અને એક કુંવારી દીકરી (મૌસમી ચેટરજી) બતાવવામાં આવ્યાં હતાં. આ ફિલ્મની કથાના કેન્દ્રમાં પણ માબાપને અલગ અલગ સંતાનો સાથે રહેવાનો અને સંતાનોના તેમની સાથેના દુર્વ્યવહારનો મુદ્દો જ કેન્દ્રસ્થાને હતો.
૧૯૭૬માં આ જ કથાબીજ પરથી એક ફિલ્મ આવી ઈન્સાનિયત’,
જેનું નિર્માણ એમ. અહમદ શમ્સીએ કરેલું અને દિગ્દર્શન કર્યું હતું એસ. સુલેમાને. કલાકારો હતા રાહત કાઝમી, બાબરા શરીફ, કવિ ખાન, મસૂદ અખ્તર વગેરે.. સંગીતકાર હતા નાશાદ.આ નામો અજાણ્યા લાગ્યાં?  
સ્વાભાવિક છે, કેમ કે આ ફિલ્મ બની હતી પાકિસ્તાનમાં. અને એ જબરદસ્ત હીટ થઈ હતી.માનવીય સંવેદનાઓને સરહદો ઓછી નડે છે? 


પાકિસ્તાની ફિલ્મની ઝલક પણ જોઈએ.



૧૯૮૩માં નિર્માતા દિગ્દર્શક મોહનકુમારે રાજેશ ખન્ના અને શબાના આઝમીને લઈને અવતાર બનાવી. આ ફિલ્મમાં રાજેશ ખન્નાને મિકેનીક બતાવાયા હતા.  
અહીં સંતાનોને લઈને વૃદ્ધ પતિ પત્નીના અલગ થવાની વાત કેન્દ્રમાં નહોતી.
તેને બદલે લોહીની સગાઈ ધરાવતાં સ્વાર્થી સંતાનો માવતરને કેવાં તરછોડે છે અને ઘરનો છોકરડો નોકર આ વૃદ્ધ દંપતિની સગાં માબાપની જેમ સારસંભાળ લે છે અને તેમની પડખે ઉભો રહે છે એ વાત કેન્દ્રમાં હતી. બે દીકરાઓની ભૂમિકામાં ગુલશન ગ્રોવર અને શશી પુરી હતા, જ્યારે વફાદાર સેવકની ભૂમિકા સચીનના ભાગે આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હીટ ગઈ, એટલું જ નહીંફિલ્મફેર પુરસ્કાર માટે અનેક શ્રેણીમાં તેનું નામાંકન થયું. રાજેશ ખન્નાની એક તબક્કે ડામાડોળ થઈ ગયેલી કારકિર્દી ફરીથી ઊંચકાય એવા સંજોગો આ ફિલ્મ થકી દેખાયા.
આ ફિલ્મની એક ઝલક જોઈએ.




ત્યાર પછી ૨૦૦૧માં એક ફિલ્મ આવી ઘરાના’, જેનું નિર્દેશન કરેલું સંગીતાએ અને કલાકારો હતા મીરા, સૂદ, રેશમ, બાબર અલી વગેરે.. આ ફિલ્મ પાકિસ્તાનમાં બનેલી. જો કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સફળ થઈ નહોતી.
૨૦૦૩માં બી.આર.ફિલ્મ્સ દ્વારા બાગબાન ફિલ્મનું નિર્માણ થયું, જેનું દિગ્દર્શન કરેલું રવિ ચોપરાએ. આ ફિલ્મમાં કથાને જમાના પ્રમાણે નવા અને આધુનિક વાઘા પહેરાવવામાં આવ્યા. આ વખતે વૃદ્ધ દંપતિની મુખ્ય ભૂમિકામાં અમિતાભ બચ્ચન અને હેમા માલિની જેવા મોટા સ્ટાર્સ હતા. રાજ મલ્હોત્રા (અમિતાભ બચ્ચન) આ ફિલ્મમાં બેન્ક કર્મચારી બતાવાયા હતા, જેમને ચાર દીકરાઓ હોય છે. ચાર દીકરાઓની ભૂમિકા અમન વર્મા, સમીર સોની, સાહિલ ચડ્ડા અને નાસીર ખાને કરેલી. એક અનાથ બાળકને મલ્હોત્રા દંપતિ હૂંફ આપીને ઉછેરે છે. મોટા થયેલા આ બાળકની ભૂમિકા સલમાન ખાને કરી હતી, જેમને ત્યાં છેલ્લે આ દંપતિ આશરો પામે છે. આ ફિલ્મની માવજત અને અમિતાભ તેમજ હેમા માલિનીના અભિનયે ફિલ્મને હિટ બનાવી દીધી. કથાવસ્તુ તો જાનદાર હતું જ. 
જોઈએ આ ફિલ્મની એક ઝલક.





ઈન્ટરનેટ પર પાકિસ્તાનની ફિલ્મોની ઘણી સાઈટ્સ પર એવું વાંચવા મળે છે કે બાગબાન ફિલ્મ અસલમાં પાકિસ્તાની ફિલ્મ ઈન્સાનિયતની નકલ હતી. પણ અહીં ખ્યાલ આવે છે કે બધી કથાઓનું કુળ અને મૂળ એક જ છે.
આ એવી ફિલ્મોની વાત છે કે જેના પાયામાં એક જ કથાવસ્તુ રહેલું છે. આમાંના કોઈક કથાતત્ત્વનો અંશ લઈને બની હોય એવી તો ઘણી ફિલ્મો હશે.
૧૯૯૦માં આવેલી રાજેશ ખન્નાની મુખ્ય ભૂમિકાવાળી ડેવિડ ધવન દિગ્દર્શીત ફિલ્મ સ્વર્ગમાં પણ આ કથાનો અર્ક લઈને જુદી પૃષ્ઠભૂમિમાં રજૂ કરાયો હતો. સગા ભાઈઓ પોતાના મોટા ભાઈ (સાહબજીની ભૂમિકામાં રાજેશ ખન્ના)ને તેમની વિપરીત સ્થિતિમાં તરછોડે છે, ત્યારે ઘરનો નોકર (ગોવિંદા) તેમની સંભાળ લે છે, એમ દેખાડાયું હતું.
એક વાત આ તમામ ફિલ્મોમાં સામાન્ય છે. આ ફિલ્મ જોનાર દરેક જણ કોઈ ને કોઈ પાત્ર સાથે પોતાનું યા પોતાના કોઈક સ્વજનનું અનુસંધાન સાધે છે. આને લઈને દરેકને આ ફિલ્મ, કાલ્પનિક કથા નહીં, તદ્દન વાસ્તવિક રીતે જીવાતી હોય એમ લાગે છે. અહીં જે ફિલ્મોની ઝલક મૂકી છે એ તેની સુલભતાના ધોરણે મૂકી છે, છતાંય મૂળભૂત કથાને આધારે કોઈ પણ દૃશ્ય જોતાં જ આપણને એનું અનુસંધાન મળી જાય છે.
બાગબાન’ની પટકથામાં ધ્યાનથી જોઈએ તો ઘણાં ગાબડા નજરે પડે. પણ એવા કેટલાંય સંવેદનશીલ દૃશ્યો છે, જે જોતાં આપણે ભૂલી જઈએ કે આ ફિલ્મ છે. આંખો તદ્દન અનાયાસે, આપણી જાણબહાર ભીની થઈ જાય. વિસામો કે અવતારમાં પણ આવું જ થાય. 
૧૯૩૭માં આવેલી મેઈક વે ફોર ટુમોરો અને ૨૦૦૩માં આવેલી બાગબાન વચ્ચે પડદા પાછળ કેટલીય રીલ ફરી ગઈ. ફિલ્મ મેકીંગથી લઈને કથનની ટેકનીક સમૂળગી બદલાઈ ગઈ. ફિલ્મ બનાવનારાઓની જેમ જ ફિલ્મ જોનારાઓની પણ કેટલીય પેઢીઓ આ દરમ્યાન આવી ગઈ. અને એમ થાય જ ને! આ ગાળો કંઈ દસ-વીસ વરસનો નહીં, પૂરા છાસઠ વરસનો છે. અને છતાંય આ કથા દરેક સમયે, દરેક સ્થળે સહુને પોતાની લાગે છે. હજી આગામી વરસોમાં પણ આ કથાનાં નવાં સંસ્કરણ આવતાં રહેવાનાં અને સૌનાં હૈયાંને સ્પર્શતા રહેવાનાં. બાગબાન આ શ્રેણીની છેલ્લામાં છેલ્લી ફિલ્મ ભલે હોય,પણ છેલ્લી ફિલ્મ નહીં હોય એ નક્કી.

 સો વાતની એક વાત. પૂર્વ હોય કે પશ્ચિમ, હિંદુસ્તાન હોય કે પાકિસ્તાન, અમદાવાદ હોય કે હૈદરાબાદ, મૂળભૂત માનવીય સંવેદનાઓ બધેય એક સરખી જ હોય છે, તેનો પરિપ્રેક્ષ્ય ભલે જુદો હોય. આવનારા સમયમાં આ કથાવસ્તુ વધુ ને વધુ પ્રસ્તુત બનતું રહેવાનું. 
હવે જરા સરવાળો માંડી લઈએ. 
(૧) મેઇક વે ફોર ટુમોરો (૧૯૩૭/અંગ્રેજી) 
(૨) ઉન પાઉસ (૧૯૫૪/ મરાઠી) 
(૩) સ્કૂલ માસ્ટર (૧૯૫૮/કન્નડ) 
(૪) એંગલ કુડુમ્બમ પેરીસુ (૧૯૫૮/ તમિળ) 
(૫)  બડી પંતુલૂ (૧૯૫૮/ તેલુગુ) 
(૬) સ્કૂલ માસ્ટર (૧૯૫૯/ હિન્દી) 
(૭) સ્કૂલ માસ્ટર (૧૯૬૪/ મલયાલમ)
(૮) બડી પંતુલૂ (૧૯૭૨/ તેલુગુ) 
(૯) સ્કૂલ માસ્તર (૧૯૭૩/ તમિલ રીમેક) 
(૧૦) જિંદગી (૧૯૭૬/ હિન્દી) 
(૧૧) વિસામો (૧૯૭૮ / ગુજરાતી) 
(૧૨) ઇન્સાનિયત (૧૯૭૬/ ઉર્દૂ/ પાકિસ્તાની) 
(૧૩) અવતાર (૧૯૮૩/ હીન્દી) 
(૧૪) ઘરાના (૨૦૦૧/ઉર્દૂ/ પાકિસ્તાની)
(૧૫) બાગબાન (૨૦૦૩/ હીન્દી) 
આના મૂળ કથાવસ્તુ પરથી અંગ્રેજી નાટક બનેલું, એ ઉપરાંત ગુજરાતી નાટક 'વિસામો' બન્યું છે. 
આ ઉપરાંત 'સ્વર્ગ' જેવી ઘણી ફિલ્મો હશે, જેમાં મૂળ કથામાં થોડો ફેરફાર કરાયો હોય.  


(નોંધ: અહીં મૂકાયેલી તમામ તસવીરો તેમજ વિડીયો ક્લીપ્સ ઈન્ટરનેટ પરથી લીધી છે. આ વિષય પર લખવાનો પહેલવહેલો ખ્યાલ કે.કે. સાહેબ સાથે આ વિષયે વાત નીકળતાં આવેલો. તેમણે 'વિસામો'  ઉપરાંત અંગ્રેજી તેમજ મરાઠી અને હિંદી ફિલ્મો  વિષે વાત કરી હતી. એનું પગેરું અનેક ફિલ્મો સુધી દોરી ગયું. મળેલી માહિતીને અનુરૂપ દ્રશ્ય સામગ્રી નેટ પરથી મળતી ગઈ. કે.કે.સાહેબનો તેમજ પૂરક માહિતી બદલ હરીશ રઘુવંશીનો આભાર.
વિશેષ આભાર: બે મિત્રો પી. કે.શિવકુમાર, જેમણે ફિલ્મના સાચા તમિલ અને તેલુગુ ઉચ્ચાર અને અર્થ જણાવ્યા, તેમજ પ્રો. સંજય ભાવેનો, જેમણે મરાઠી નામના અર્થ જણાવ્યા.)