Saturday, April 12, 2025

રામભક્ત હનુમાન

ભૂપેન ખખ્ખરે મુખ્યત્વે તૈલ રંગોમાં ચિત્રો કર્યાં. તેમણે જળરંગોનો ઊપયોગ પણ કર્યો છે ખરો, અને એ માધ્યમમાં બનાવાયેલાં ચિત્રો તેની માવજતને કારણે નોખાં તરી આવે છે.

1998માં બનાવેલા આ ચિત્રનું શિર્ષક ભૂપેને 'રામભક્ત હનુમાન' રાખ્યું. પહેલી નજરે જ આ ચિત્ર ભરચક રંગોને બદલે સાદગીયુક્ત જણાય છે. તેમાં અવકાશ ઘણો છે. રંગોનો ઊપયોગ આકૃતિની ધાર પર વધુ છે, અને અંદર રંગો ભરેલા નથી. આમ છતાં, આ ચિત્રમાં કશુંક એવું છે કે તેની પરથી નજર હટાવવી મુશ્કેલ લાગે છે. શું છે એ?
ચિત્રમાં રામનો રંગ ભૂરો દેખાડ્યો છે, જે તેમની દિવ્યતા સૂચવે છે. એ સિવાય તેમના માથે મુગટ છે, અને કમરે ચર્મવસ્ત્ર વીંટાળેલું છે. ગળામાં પણ કંઈક પહેરેલું છે. મુગટનો રંગ સાવ આછો છે. હનુમાનજીનો ચહેરો આમાં વાનરનો છે, એટલે કે સીધાસાદા વાનરનો. પરંપરાગત ચિત્રોમાં જોવા મળે છે એવા મુગટ અને આભૂષણધારી વાનરનો નહીં.


રામ અને હનુમાન એક રીતે મનુષ્ય અને પ્રાણીના સહઅસ્તિત્વને ઉજાગર કરે છે. અહીં રામના બન્ને હાથ અસાધારણ રીતે લાંબા છે. તેઓ 'આજાનબાહુ' (જેમના હાથ ઘૂંટણ સુધી પહોંચે એ) હતા, પણ અહીં તેમના લાંબા હાથ કંઈક જુદા હેતુથી ચીતરાયા છે. ચિત્રસંયોજનની રીતે હનુમાનના આખા શરીર ફરતે હાથ વીંટાળવો હોય અને બીજો હાથ તેમના ખભે મૂકેલો બતાવવો હોય તો એ બીજી શી રીતે શક્ય બને? ભૂપેને શરીરના પ્રમાણમાપમાં છૂટછાટ લઈને એ બતાવ્યું છે. એ જ રીતે હનુમાનજીનો એક હાથ પણ ઘણો લાંબો દેખાડ્યો છે, જેને રામે જમણે હાથે કાંડાની સહેજ ઊપરથી પકડેલો છે. ચિત્રકારને આવી છૂટછાટ સહજ હોય છે. હનુમાનજીનો બીજો હાથ પાછળના ભાગે હોવાથી આખા ચિત્રમાં વ્યક્તિ બે, અને હાથ ત્રણ દેખાય છે.
આ ઊપરાંત આખા ચિત્રમાં ભૂપેનની ખાસિયત કહી શકાય એવી બાબત એ કે રામ સીધા જ દર્શકની આંખમાં જુએ છે. તેમના સહેજ જ પહોળા થયેલા હોઠ પર આછેરું સ્મિત હોવા છતાં તેમની આંખોમાં આંખ મિલાવતાં દર્શક જાણે કે વિહ્વળ બની જાય છે- ભૂપેને ચીતરેલાં બીજાં અનેક પાત્રો સાથે પણ આમ બને છે.
(નોંધ: ભૂપેન ખખ્ખરની જીવનકથા પર કામ કરતાં કરતાં તેમનાં અનેક ચિત્રો, ચિત્રશૈલી પરિચીત બનતાં ગયાં. પુસ્તકમાં કેટલાંક ચિત્રોનો આસ્વાદ કરાવેલો છે. પણ પુસ્તક પૂરું થાય પછી એ ક્રમ પૂરો થતો નથી.)
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

No comments:

Post a Comment