Wednesday, July 31, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-14): ચાઉમાઉનો ભૂગોળપ્રેમ

ચાઉમાઉને ઈતિહાસની જેમ ભૂગોળ પણ બહુ પ્રિય. તેણે એ જમાનામાં એવા રસ્તા બનાવડાવ્યા કે લોકો જાપાન જવા નીકળતા ને પહોંચી જતા ચીન. ચીનમાં શાંઘાઈ નામનું મોટું શહેર હતું. એની 'અંગડાઈ' બહુ વખણાતી. ચીનથી ભારત આવતી સુંદરીઓ 'દિલ' ભલે 'દિલ્લી' જેવું અને જોબન સીંગાપુરનું લાવે, પણ 'અંગડાઈ તેમણે શાંઘાઈથી લઈને જ જવું પડતું. ભૂગોળના પ્રેમી અને એકવિધતાના શત્રુ હોવાને કારણે ચીનની આંતરિક ભૂગોળમાં ચાઉમાઉ સતત પરિવર્તન કરતો રહેતો. જે વિસ્તાર ઊંચાઈ પર હતો ત્યાં તે ખોદકામ શરૂ કરાવતો અને એને દરિયાઈ સપાટીની ઊંચાઈએ લાવવા પ્રયત્ન કરતો, તો જે વિસ્તાર દરિયાઈ સપાટીની ઊંચાઈ પર હોય ત્યાં આ માટીનું પુરાણ કરીને તેની ઊંચાઈ વધારવા પ્રયત્ન કરતો. સૌથી વધુ આનંદ તેને ચોમાસામાં આવતો, કેમ કે, દરેક મોસમમાં પાણી સાવ નવી જગ્યાએ ભરાતું અને અપેક્ષિત હોય ત્યાં કોરું રહેતું.

ચાઉમાઉના રાજમાં અધિકારીઓ પણ એકદમ કાબેલ અને ચાઉમાઉની પસંદને જાણનારા હતા. તેમણે ચીનનાં જૂનાં તળાવોનું સૌંદર્યીકરણ કર્યું, જેનો સીધો લાભ એ થયો કે ચોમાસામાં પાણી આ તળાવમાં નહીં, પણ તેની આસપાસ ભરાવા લાગ્યું. ચીની પ્રજા આ જોઈને બહુ રાજી થતી, કેમ કે, હવે દેડકાં, માછલી સહિત અનેક ખાદ્ય જીવો માટે તેમણે તળાવમાં ઊતરવાની જરૂર નહોતી. એ જ રીતે પહેલાં જે લોકોને માછીમારી માટે ઘરની બહાર નીકળવું પડતું એ લોકોના ઘરઆંગણે જ નાનકડું, એમની જરૂરિયાત પૂરતું તળાવ બની જતું. આને કારણે ચીનાઓ ચાઉમાઉને સલામત અંતરથી આશીર્વાદ આપતા.
ચાઉમાઉના હૈયે સતત પ્રજાનું હિત રહેતું. તેને થતું કે પોતાના રાજમાં લોકો સતત પ્રવૃત્ત રહેવા જોઈએ, એટલે કે ધંધે લાગેલા રહેવા જોઈએ.
ચીનની દિવાલ વિશ્વની અજાયબી હતી, જે સદીઓથી અસ્તિત્વમાં હતી. મૂળ તો આ દિવાલ ચીન પર આવતા શત્રુસૈન્યને રોકવા માટે બનાવાયેલી, પણ પછી શત્રુઓ રહ્યા નહીં અને દિવાલ પડી રહી. આ દીવાલ છેક ચંદ્ર પરથી દેખાતી. ચાઉમાઉને થયું કે એની પર પોતાનું પૂતળું ગોઠવાય તો એ પણ ચંદ્ર પરથી જોઈ શકાય. અને ચીનીઓ પોતાના શાસક માટે ગૌરવ લઈ શકે. જો કે, ચાઉમાઉને જોવા માટે ચીનીઓએ ચંંદ્ર સુધી જવાની જરૂર નહોતી, કે નહોતું તેમની પાસે એટલું ભાડું. ચાઉમાઉએ ઘોષણા કરી કે એક વાર પોતાનું પૂતળું તૈયાર થઈ જાય એ પછી ચીનથી ચંદ્ર વચ્ચે શટલિયાં ઊડાડવામાં આવશે. એવી પણ અપીલ કરવામાં આવી કે સૌ ચીની નાગરિકો પોતાના ઘરમાં રહેલી ચોપસ્ટીકો અને લાકડાના બાઉલ આપે તો એમાંથી ચાઉમાઉનું પૂતળું તૈયાર કરવામાં આવશે, જે ચાઉમાઉ પ્રત્યે લોકોની વફાદારીનું પણ પ્રતીક ગણાશે.
દીવાન હાઉવાઉએ વિવિધ શહેરોમાં પહોંચીને સૌને એકઠા કર્યા અને આખી યોજના એમને ગળે ઊતારી. એણે ઠેરઠેર સમિતિઓ રચી. એ સમિતિના પ્રમુખને 'ચોપસ્ટીક પ્રમુખ'નો હોદ્દો બક્ષવામાં આવ્યો. ઘેરઘેરથી બાઉલ અને ચોપસ્ટીકો ઠલવાવા લાગ્યાં. લોકોને મજા પડી ગઈ. તેમની આવક ન વધી, પણ રોજગાર મળી ગયો.
એ અરસામાં સહેજ દૂર આવેલા ભારત દેશમાંથી ચીનમાં એક પૂતળું બનાવવાનો ઓર્ડર આવેલો. એ પૂતળાની સામગ્રીમાંથી તેમણે ચાઉમાઉનું એક પૂતળું બનાવી દીધું. અને ભળતી સામગ્રીમાંથી બનાવાયેલું પૂતળું તેમણે ઓર્ડર મુજબ ભારત મોકલી દીધું. આમ, ચાઉમાઉ પણ ખુશ અને ભારતના અમલદારો પણ રાજી.
ચાઉમાઉના તૈયાર થયેલા પૂતળાને હવે ચીનની દીવાલ પર ચડાવવાની કામગીરી આવી. લોકો એનો વિચાર કરે એ પહેલાં ચાઉમાઉને લાગ્યું કે હવે બસ. બહુ થયું. કશુંક નવું વિચારવાનો સમય પાકી ગયો છે.
ચાઉમાઉનું એ પૂતળું પછી પડ્યું જ રહ્યું. ભારતમાં તેમણે મોકલેલું પૂતળું પૂજાવા લાગ્યું. એ ચાઉમાઉના રાજના ચીની શાહુકારોની વિચક્ષણ બુદ્ધિની કમાલ હતી.
ભવિષ્યમાં ચાઉમાઉ 'ચાવે ચીન' જેવા કાર્યક્રમો પ્રજા સમક્ષ મૂકવાનો હતો. તેના ભૂગોળપ્રેમ, ઈતિહાસપ્રેમની જેમ વિવિધ વિષયો માટેના પ્રેમ થકી ચાઉમાઉના રાજમાં સૌને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Tuesday, July 30, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન- 13) : ચાઉમાઉના રાજના ચીની વિદ્યાર્થીઓ

ચાઉમાઉ નાનપણથી સ્વપ્નિલ અને મહત્વાકાંક્ષી હતો. તેની મહત્વાકાંક્ષાઓ અસામાન્ય કક્ષાની, એટલે કે સામાન્ય લોકોને એ પાગલપણું લાગે એવી હતી. જેમ કે, એને પોતાને ભણવામાં ઈતિહાસ પણ આવતો, જેમાં ચીન પર કોણે કોણે આક્રમણ કર્યું, કોણે કોને હરાવ્યા વગેરે જેવી નીરસ વિગતો પાઠ્યપુસ્તકમાં આવતી. ચાઉમાઉને એ ઉંમરે પણ થતું કે ઈતિહાસમાં એક પાઠ પોતાના વિશેય હોય તો કેવું? એ પાઠમાં તેનાં પરાક્રમો આલેખાયેલાં હોય અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાંચ માર્કની ટૂંકનોંધ પૂછાતી હોય કે ચાઉમાઉના શાસનની સિદ્ધિઓ મુખ્ય વર્ણવો. આવા વિચાર વિદ્યાર્થી અવસ્થામાં બીજા કોઈને આવે ખરા? આથી જ ચાઉમાઉ બીજાઓ કરતાં વિશિષ્ટ હતો.

ચાઉમાઉનું એ સપનું પણ સાચું પડ્યું. તેનું શાસન આવ્યું એટલે ઈતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું. આ પ્રકરણમાં ચાઉમાઉના શાસનની એવી એવી સિદ્ધિઓ વર્ણવી હતી કે એમાંની મોટા ભાગની ચાઉમાઉએ પણ પહેલી વાર જાણી હતી. જેમ કે, ચાઉમાઉના શાસનકાળમાં ચીનાઓ ખુલ્લી આંખે સપનાં જોતાં હતાં. ચાઉમાઉની ધાક એવી હતી કે તે આક્રમણ કરવાનો છે એવી અફવામાત્રથી દૂર આવેલા ભારત દેશમાં ચાઈનીઝ વાનગીઓની દુકાનો ખૂલી ગઈ હતી. કોની તાકાત હતી ચાઉમાઉના સૈન્ય સામે ઝીંક ઝીલવાની? ચાઉમાઉના રાજમાં પાન્ડાની વસતિમાં વધારો થયો હતો. ચાઉમાઉએ ચીનના અર્થતંત્રને એટલું ઉપર લાવી દીધું હતું કે છેક ભારત દેશના ગુજરાત નામના પ્રાંતમાંથી લોકો ચીનમાં આવીને પંજાબી વાનગીઓની દુકાન લગાવવા માંડ્યા હતા. આવાં તો અનેક પરાક્રમો ઈતિહાસના એ પાઠમાં વર્ણવાયેલા હતા. અલબત્ત, હજી ચાઉમાઉનું શાસન ચાલુ હતું, આથી નવી વિગતો ઉમેરવા માટે દર વરસે પાઠ્યપુસ્તકો બદલવા પડતાં.
ચાઉમાઉએ એવી છાપ ઊભી કરેલી કે પોતે દિવસના ઓગણીસ કલાક કામ કરે છે, અને માત્ર સાડા ચાર કલાક જ સૂએ છે. અડધો કલાક એ અર્ધજાગ્રત અવસ્થામાં હોય છે. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ વિચારતા કે ચીનમાં દિવસ બાર કલાકનો અને બાર કલાકની રાત હોય છે, તો દિવસના ઓગણીસ કલાક કામ શી રીતે થઈ શકે? આવા ભ્રમિત વિદ્યાર્થીઓને ચીની ધર્મગુરુઓ માર્ગ દેખાડતા અને કહેતા કે ચીની પુરાણો અનુસાર ચીનમાં દિવસ ચોવીસ કલાકનો ગણાય છે. એકાદ ધર્મગુરુએ ચાઉમાઉને સલાહ આપી કે ઈતિહાસમાં આવતું ચાઉમાઉવાળું પ્રકરણ ઈતિહાસમાંથી ઉઠાવીને ચીની સાહિત્યમાં મૂકી દેવામાં આવે તો એ વધુ યોગ્ય રહે. ચાઉમાઉને સૂચનો બહુ ગમતાં અને સૂચન કરનાર એથી વધુ! તેણે એ ધર્મગુરુને ચીનની ‘ખા દે ગ્યેલી’ યુનિવર્સિટીના કુલપતિપદે ગોઠવી દીધા. આના બે ફાયદા હતા. પેલા ધર્મગુરુ હવે કદી ચાઉમાઉને સૂચન નહીં આપી શકે, અને વિદ્યાર્થીઓને અપાતાં તેમનાં સૂચનોને કોઈ સાંભળશે નહીં.
ચીની વિદ્યાર્થીઓ બહુ આળસુ હતા. તેમને ખબર હતી કે પરીક્ષા આપે કે ન આપે, પોતે તેમાં ઉત્તીર્ણ થઈ જવાના હતા. આથી તેઓ ઈતિહાસના વિષયમાં ખાસ રસ દેખાડતા નહીં. એમાંય ચાઉમાઉવાળો પ્રશ્ન તો તેઓ સાવ છોડી જ દેતા. વિદ્યાર્થીઓ જવાબવહીમાં સવાલના જવાબ લખતા થાય એ માટે ચીની શિક્ષણવિદો ખૂબ મથામણ કરતા. તેઓ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરતા, તેમને જાતભાતનાં પ્રલોભનો આપતાં. પણ ચીની વિદ્યાર્થીઓ ટસના મસ ન થતા.
ચીની શિક્ષણવિદોને શરૂમાં લાગતું કે વિદ્યાર્થીઓ પ્રશ્નપેપરની અનિશ્ચિતતા બાબતે મૂંઝાય છે. આથી તેમણે પરીક્ષાના આગલા દિવસે પ્રશ્નપેપર ચીનના અખબારોમાં પ્રકાશિત કરવામાં આવે એવી વ્યવસ્થા ગોઠવી. ચીનમાં અખબારનવીસોને પણ લીલાલહેર હતી, કેમ કે, અખબારોનો ચીનમાં ઉપયોગ નૂડલ્સના ‘ટેક અવે’ માટે થતો અને જાહેર શૌચાલયોમાં. વાંચનના આળસુ વિદ્યાર્થીઓને અખબાર શું છે એ જ ખબર નહોતી, કેમ કે, તેઓ નૂડલ્સ નહીં, પણ મુખ્યત્વે પાલક પનીર, પનીર ટિક્કા મસાલા, કાજુ કારેલા જેવી લીલી, કેસરી રંગની પંજાબી વાનગીઓના દીવાના હતા. અલબત્ત, ચીની પરંપરા અનુસાર તેઓ એમાં વાંદા, ઉંદર, ગરોળી, દેડકો વગેરે ઉમેરતા. પણ આ ટ્રેન્ડ હવે ભારતમાંય શરૂ થયેલો એમ તેમને જાણવા મળેલું. પર્યાવરણપ્રેમી હોવાથી જાહેર શૌચાલય શું છે એની આ વિદ્યાર્થીઓને જાણ નહોતી.
ચીની શિક્ષણવિદોએ લેવાઈ ગયેલી પરીક્ષા રદ કરવાનો અખતરો પણ કરી જોયો. છતાં વિદ્યાર્થીઓ ત્યાંના ત્યાં.
પ્રશ્નપત્રો, જવાબવહીઓ પર ચાઉમાઉનું મોટું ચિત્ર દોરેલું મૂકાતું હતું. વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં ‘ચાઉમાઉચાલીસા’ની એકાદી પંક્તિ ટાંકીને લખી દેતા, ‘સમ્રાટ ચાઉમાઉનો જય!’ ચીની શિક્ષણવિદોની કેબિનની દિવાલે પણ ચાઉમાઉનો ચહેરો મૂકાયેલો હતો. આથી વિદ્યાર્થીઓને અનુત્તીર્ણ કરવાનું તેમને મન ન થાય એ સ્વાભાવિક છે. ચીનમાં શાળા, મહાશાળાઓનું પરિણામ સોએ સો ટકા આવતું, કેમ કે વિદ્યાર્થીઓના ગુણપત્રક પર પણ ચાઉમાઉનું ચિત્ર રહેતું.
ચીની વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જ્વળ અને સ્પષ્ટ હતું, કેમ કે, એટલું નક્કી હતું કે ચીનમાં તેમને કશો કામધંધો મળવાનો હતો નહીં. વિદેશમાં જઈને વિપુલ તકો ખેડવા માટે આમ, ચાઉમાઉની શિક્ષણપ્રણાલિએ તેમને પ્રેર્યા.
ચાઉમાઉના રાજમાં વિદ્યાર્થીઓને, શિક્ષણવિદોને, અખબારનવીસોને અને બાકીના સૌ કોઈને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Monday, July 29, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-12): ચાઉમાઉની પાડોશી દેશો પર ધાક

ચાઉમાઉએ ગાદી સંભાળ્યા પછી લોકોને મજા આવવા લાગી. તેમને એ અણસાર પણ નહોતો કે જીવન આ હદે રંગીન અને સંગીન હશે. ચાઉમાઉએ લોકોને મંત્ર આપ્યો કે જીવન એક ઉત્સવ છે, અને દરેક દિવસ ઉત્સવની જેમ જ જીવો. આમ જણાવ્યા પછી બીજા કોઈની રાહ જોવાને બદલે તે પોતે જ ઉજવણી શરૂ કરી દેતો.

ચીનના અસ્તિત્વ પહેલાંથી લોકો સવારે જાગતા હતા. ચાઉમાઉએ સૌને એ અહેસાસ કરાવ્યો કે સવારે પથારીમાંથી જાગવું એ કેવડો મોટો ઉત્સવ છે. તેને ‘પથારીત્યાગોત્સ્વ’ તરીકે ઉજવો. જાગીને ચીનાઓ વિશ્વના અન્ય તમામ લોકોની જેમ શૌચાદિ કર્મ પતાવતા. ચાઉમાઉએ તેમને સમજાવ્યું ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે પેટ સાફ આવવું કોઈ ઉત્સવથી કમ નથી. એ ક્રિયાનું નામ પડ્યું ‘શૌચોત્સવ’. શૌચોત્સવમાં પણ એકવિધતા ન લાગવી જોઈએ. જે લોકો પોતાના ઘરના નિર્ધારીત સ્થાને એ ક્રિયા કરતા તેને તેઓ ‘વિચારોત્સવ’ તરીકે ઓળખતા. જે લોકોને ઘર નહોતું એ લોકો સીમમાં જતા, અને તેને તેઓ ‘કુદરતીખાતરઉત્પાદનોત્સવ’ કહેતા અને રાષ્ટ્રના વિકાસમાં પોતે કંઈક અર્પી રહ્યા હોવાનું માનીને ‘પ્રદાનોત્સવ’ ઉજવતા.
દિવસ ઉગવાથી શરૂ થયેલાં વિવિધ નામાભિધાન રાત્રે પથારીમાં સૂએ ત્યારે ‘નિંદરોત્સવ’થી પૂર્ણ થતાં. જે લોકોને સૂવા માટે પથારી સુલભ નહોતી તેઓ ‘સારા જહાં હમારા ઉત્સવ’ ઉજવતા. આ બન્ને અંતિમો વચ્ચેના તમામ ઉત્સવ કયા સ્તરે જઈને અટક્યા હશે અને એમાંથી શું બાકાત રહ્યું હશે એનો ‘કલ્પનોત્સવ’ જાતે ઉજવી લેવો.
ચીનાઓના જીવનમાં એકવિધતાને સદંતર જાકારો હતો. ચીનમાં પાન્ડા, ગિબ્બન, ડ્રેગન જેવી પ્રજાતિનાં પ્રાણીઓ હતાં, પણ ‘પોઝીટીવ થીન્કર’, ‘મોટીવેશનલ સ્પીકર’ જેવી પ્રજાતિઓ હજી અસ્તિત્વમાં આવી નહોતી. ચાઉમાઉને દેશવિદેશમાં ફરવાનું, નવાં નવાં કપડાં પહેરવાનું બહુ ગમતું. તે વિદેશમાં જાય તો કોઈ તેનો ભાવ પૂછે કે ન પૂછે, પણ ચીનમાં પાછા આવીને ચાઉમાઉ એવો ‘પ્રચારોત્સવ’ ઉજવતો કે ચીનાઓને એમ જ લાગતું ચાઉમાઉ વિશ્વવિજય કરીને આવ્યો છે. વિદેશમાં પોતે જોયેલી, પોતાને ગમી ગયેલી બાબતોનો તે ચીનમાં અમલ કરતો, ભલે ને ચીનમાં એ અનુકૂળ હોય કે ન હોય. ચીનાઓ પોતાના રાજાના આ અભિગમને બહુ વખાણતા.
ચાઉમાઉ એક વાર ભારતની મુલાકાતે પણ આવેલો. તેણે જોયું કે સમગ્ર ભારતમાં ચીની ખોરાક ગલીએ ગલીએ ઉપલબ્ધ છે અને લોકો તેને હોંશે હોંશે ઝાપટે છે. આ જોઈને એ રાજીરાજી થઈ ગયો. ચીન પાછા ફરીને તેણે ચીનીઓને કહ્યું, ‘તમે સૌ જાણો છો કે મને યુદ્ધ કરવું ગમતું નથી. પણ મારી ધાક છેક ભારત સુધી પહોંચેલી છે.’ આ સાંભળીને સૌએ તાળીઓ પાડી. ચાઉમાઉએ કહ્યું, ‘ભારતવાળા આપણાથી એટલા બધા ફફડે છે કે તેમણે આપણા સૈન્ય માટે ખોરાકનો બંદોબસ્ત કરી દીધો છે.’ લોકોએ ફરી વધુ જોરથી તાળીઓ પાડી, કેમ કે, ચાઉમાઉના સૈન્યના સૈનિકો ચારે બાજુ ઊભા રહેલા અને હવે તેઓ આંટા મારવા લાગ્યા હતા. ચાઉમાઉએ કહ્યું, ‘આપણું સૈન્ય ભારત પર આક્રમણ કરશે તો ભૂખ્યું નહીં રહે.’ લલકારના સ્વરે તેણે જોરથી કહ્યું, ‘પણ મારા પ્યારા દેશવાસીઓ! આપણા મહાન દેશની પરંપરાને અનુસરીને હું આપણા સૈન્યને ભારત નહીં મોકલું. દુશ્મન પણ બરોબરીનો હોવો જોઈએ. શું કહો છો?’ સૌએ ‘હા..આ..આ..’નો ગગનઘોષ કર્યો. ચાઉમાઉએ કહ્યું, ‘આપણે કોઈથી ડરતા નથી, અને આપણને કોઈ ડરાવી શકતું નથી. એટલે આપણા બહાદુર સૈન્યને આપણે ખોટો શ્રમ કરાવતા નથી. તેને બદલે હું સૈન્યને આપણા જ દેશમાં પોતાની કામગીરી અસરકારક રીતે ચાલુ રાખવાનો અનુરોધ કરું છું.’ ચીનાઓ ચાઉમાઉનો શાંતિપ્રેમ તેમજ અહિંસાપ્રેમ જોઈને રાજી થઈ ગયા. તેમને થયું કે રાજા હજો તો આવા! આવો રાજા તો પાછલાં જન્મના કર્મપ્રતાપે જ મળે. ચીનાઓ ભોળા પણ હતા. તેમને હજી એ ખ્યાલ નહોતો આવ્યો કે સૈન્ય પોતાના દેશમાં જ અસરકારક કામગીરી ચાલુ શી રીતે રાખશે?
સમય જતાં રાજ્યના ઉત્સવમાં સૈન્ય પણ જોડાતું ગયું. એ પછી ધીમે ધીમે દંડોત્સવ, ઉઠબેસોત્સવ, થપાટોત્સવ, લાતોત્સવ જેવા સાવ નવિન પ્રકારના ઉત્સવો ચલણમાં આવતા ગયા. આ અગાઉ કોઈ શાસકે પ્રજાની દરકાર આ હદે કરી નહોતી. આવું ખુદ ચાઉમાઉ કહેતો એટલે એ સાચું જ હોય ને!
કાળક્રમે ચીનાઓ એમ માનતા થઈ ગયા કે ચાઉમાઉએ ગાદી સંભાળ્યા પછી જ ચીન દેશ અસ્તિત્વમાં આવ્યો છે. ચાઉમાઉએ એક નવું સૂત્ર વહેતું કર્યું, ‘ઈન મીન ને ચીન’. આમાં ‘ઈન’ એટલે ચાઉમાઉ પોતે, અને ‘મીન’ એટલે ચીનાઓ. સૂત્રનો મતલબ શો એ કોઈને ન સમજાતું. એવું તો ચાઉમાઉએ આપેલા દરેક સૂત્ર બાબતે બનતું, પણ સૌને એ બોલવાની મજા આવતી. અને ચાઉમાઉના રાજમાં ‘મજા’ જ સૌથી મહત્ત્વની હતી.
ચીનાઓ હોંશેહોંશે બોલતા, ‘ચાઉમાઉ સે હૈ હમારા કલ, ઈન્ડિયા કી ગલી મેં મિલે હક્કા નૂડલ.’
બિચારા ભારતીયો તો પોતાના શોખથી ચીની વાનગીઓને ભારતીય રૂપ આપીને ખાતા હતા. તેમને શી ખબર કે ચીનમાં એમના નામે શું ચલાવાય છે? એમને તો ચીનમાં ચાઉમાઉ નામનો કોઈ રાજા છે એ પણ ખબર નહોતી. તો એ ક્યાંથી ખબર હોય કે ચાઉમાઉના રાજમાં ચીનાઓને લીલાલહેર છે!
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Sunday, July 28, 2024

માર દિયા જાય કિ છોડ દિયા જાય?

 વરસાદી માહોલ વચ્ચે 26 જુલાઈ, 2024ને શુક્રવારના રોજ અમદાવાદના સ્ક્રેપયાર્ડ થિયેટર ખાતે સાંજના સાડા સાતે 'કહત કાર્ટૂન' કાર્યક્રમની દસમી કડી યોજાઈ.

ચોમાસાને કારણે સ્ક્રેપયાર્ડની અંદરના ખંડમાં બેઠકવ્યવસ્થાનું આયોજન હતું. ઑક્ટોબર, 2023થી આરંભાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમમાં દર વખતે એક ચોક્કસ દૃશ્યાત્મક વિષયને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્ટૂન બતાવવામાં આવે છે. આ વખતનો વિષય હતો 'The death penalty' એટલે કે દેહાંતદંડ.

'ધ ડેથ પેનલ્ટી'ની રજૂઆત

પ્રથમ તબક્કાની આ અંતિમ કડી હોવાથી અગાઉનાં નવેનવ કાર્યક્રમનાં પોસ્ટર તેમજ તેમાં દર્શાવાયેલાં કાર્ટૂનોની સંખ્યા વિશે જણાવવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે દસ કાર્યક્રમમાં મળીને કુલ 670 કાર્ટૂનો દર્શાવાયા હતા. મારા માટે અંગત ઉપલબ્ધિ એ હતી કે એ બહાને મારી નજર તળેથી આનાથી ત્રણ-ચાર ગણાં કાર્ટૂન પસાર થયાં.
દેહાંતદંડ આમ તો માનવસભ્યતાની સાથે જ ચલણમાં આવેલી સજા છે, જે સુસંસ્કૃત બનેલા માનવમાં રહેલી આદિમ વૃત્તિની સૂચક છે. કેવી કેવી ક્રૂર રીતે વિવિધ ગુનાઓ બદલ દેહાંતદંડ અપાતો હતો એની થોડી વાત કર્યા પછી મુખ્ય કાર્યક્રમ આરંભાયો.
કુલ આઠ પ્રકારની સજાઓ પર કાર્ટૂન બતાવવાનાં હતાં. આ સજાઓ કંઈ કિંવદંતી નથી, પણ વાસ્તવિક રીતે અપાતી હતી એ બાબતની ઘેરી લીટી દોરવા માટે પ્રત્યેક વિભાગના આરંભે એ સજા પામેલી કોઈ એક ખરેખરી વ્યક્તિની તસવીર કે ચિત્ર અને એ સજાનું વર્ષ મૂકવામાં આવ્યું. જેમ કે, કુહાડી વડે કરાતા શિરચ્છેદ પરનાં કાર્ટૂનોના આરંભે ઈ.સ.1746માં એ સજાનો ભોગ બનેલા સિમોન ફ્રેઝરનું ચિત્ર હતું, તો ઈલેક્ટ્રોક્યુશનની સજા વિશેનાં કાર્ટૂનના વિભાગ પહેલાં એ સજા પામેલા ટેડ બન્ટી (ઈ.સ.1989)ની તસવીર હતી.

Cartoonist: Kieran Meehan


Cartoonist: Boyco Boyanov

Cartoonist: Christopher Patrick Toler

Cartoonist: Amy Hwang

દેહાંતદંડ જેવા અમાનવીય અને ક્રૂર તેમજ કરુણ વિષયમાં પણ કાર્ટૂનિસ્ટો શી રીતે રમૂજ અને વ્યંગ્ય શોધી કાઢે છે એ જાણવું રસપ્રદ બની રહ્યું. કાર્ટૂનમાં દર્શાવેલી પરિસ્થિતિ જોઈને પહેલી વાર ધ્રુજી જવાય અને પછી તેમાંનો વ્યંગ્ય જોઈને હસવું આવે એવું અનેક વખત બનતું રહ્યું.
કાર્યક્રમ પૂરો થયા પછી સવાલજવાબ પણ મઝાના રહ્યા. આખરે આ શ્રેણી કામચલાઉ ધોરણે વિરામ લઈ રહી હોવાની ઘોષણા કરીને કાર્યક્રમનું સમાપન થયું.
હવે થોડા સમય પછી કાર્ટૂનના કોઈ નવા આયામ સાથે તે આરંભાશે.

Saturday, July 27, 2024

કુલીનકાકા: કેન્‍દ્રમાંથી હવે પરિઘમાં

 નિવૃત્ત સનદી અધિકારી, વિદ્યાવ્યાસંગી, ઉ.ગુ.યુનિ.ના સ્થાપક-કુલપતિ, 'વહીવટની વાતો'ના લેખક અને અસંખ્ય સુભાષિતોનો પ્રાસાદિક ગુજરાતીમાં અનુવાદ કરનાર વિદ્યાપુરુષ કુલીનચંદ્ર યાજ્ઞિકનું આજે સવારે છના સુમારે ૯૭ વર્ષની વયે અવસાન થયું.

તેમની સાથેનો પરિચય હસિત મહેતા થકી થયેલો. નડિયાદ જવાનું થાય ત્યારે વખતોવખત તેમને મળવાનું બને. તેમને આંખે સાવ ઓછું દેખાતું હોવાથી તેમની સમક્ષ જઈને નામ બોલતાં જ તેઓ ઉષ્માપૂર્વક હાથ પકડી લે અને વાત શરૂ કરે. આવો અનુભવ મારા જેવા અનેકને થયો હશે.
હસિત મહેતાને લઈને ઉર્વીશ અને હું પણ તેમને 'કુલીનકાકા' કહીને સંબોધતા. દોઢેક વર્ષથી નડિયાદના 'ગોવર્ધનરામ સ્મૃતિમંદીર' સાથે સંકળાવાનું બન્યું, જે કુલીનકાકાના નિવાસસ્થાનની બિલકુલ પાસે. એ પછી તેમની સાથેનો પરિચય વધુ ગાઢ થતો ગયો. એનું એક કારણ એટલે 'સ્ટડી સર્કલ' યાનિ 'ગૃપ ડિસ્કશન', જેને અમારા મિત્રો 'જી.ડી.'ના ટૂંકા નામે ઓળખે છે.
એનો પરિચય આપવાથી કુલીનકાકાની દૃષ્ટિનો પરિચય મળી રહેશે. કુલીનકાકાનું નિવાસસ્થાન નાગરવાડામાં આવેલી 'અચાભાઈની ખડકી'માં. બસોએક વરસ જૂનું, અસલ નાગરી શૈલીનું મકાન. વચ્ચોવચ્ચ ચોક, જેમાં તેઓ ખુરશી નાખીને બેઠા હોય. પણ ખુરશી પર બેસી રહેવું તેમને ગમે?
2013થી તેમણે 'ગોવર્ધનરામ સ્મૃતિમંદીર'માં દર ગુરુવારે સાંજના છ વાગ્યે નિયમીતપણે આવવાનું શરૂ કર્યું. તેમની વય ત્યારે ૮૭ની આસપાસ. આશય એ જ કે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવો. અગાઉ તેઓ 'ઉ.ગુ.યુનિ.'ના કુલપતિ હતા ત્યાં તેમણે 'બુધવારિયું'નો સફળ પ્રયોગ કરેલો. તેઓ પોતે વિદ્યાર્થીઅવસ્થામાં મુમ્બઈ હતા ત્યારે એક પ્રાધ્યાપક પોતાને ઘેર વિદ્યાર્થીઓને બોલાવતા. અમદાવાદમાં 'કુમાર'નું 'બુધવારિયુંં' બહુ જાણીતું. કુલીનકાકાના મનમાં આ મોડેલ બરાબર બેસી ગયેલું. એ કોઈ પણ વારે યોજાય, તેનો મુખ્ય આશય વિદ્યાર્થીઓ સાથે જીવંત સંપર્ક રાખીને સંવાદ સાધતા રહેવાનો. આવી એક પરંપરા આરંભવી કેટલી અઘરી રહી હશે! ક્યારેક બે વિદ્યાર્થીઓ પણ આવે, તો ક્યારેક દસ-પંદર પણ આવે! વિદ્યાર્થીઓ ગમે એટલા આવે, કુલીનકાકા અચૂક ગુરુવારના સાંજના છ વાગ્યે હાજર હોય, અને જેટલા વિદ્યાર્થીઓ આવેલા હોય એમની સાથે સંવાદ સાધે. ધીમે ધીમે, ખાસ કશા પ્રચાર વિના આ પ્રવૃત્તિ પ્રસરતી ચાલી. અહીં આવતા વિદ્યાર્થીઓને કશું પણ પૂછવાની આઝાદી. વક્તવ્ય હરગીઝ નહીં, અને કોઈનું નહીં. ઉર્વીશ કોઠારીએ લખ્યું છે એમ એ એક આખા યુગનું પ્રતિનિધિત્વ કરતા હતા.

સ્મૃતિમંદીરમાં સ્ટડી સર્કલની એક બેઠક

હસિત મહેતા અને કુલીનકાકા બન્નેને એકમેક માટે અનન્ય પ્રેમ. એ બન્નેના સંવાદ સાંભળવાની મજા આવે. હસિત અવનવાં આયોજનો વિચારે, અમલી કરે, અને એમાં કુલીનકાકાની સક્રિય સંમતિ તેમજ સમર્થન હોય.
કોવિડના સમયગાળાને બાદ કરતાં આ પ્રવૃત્તિ અવિરતપણે ચાલતી રહી. વચગાળામાં તેઓ અનેક વખત ઉપરના દરવાજે દસ્તક દઈ આવ્યા, અને દરેક બિમારી પછી ફિનિક્સ પંખીની જેમ નવેસરથી બેઠા થતા.
2022ના અંતથી મારું જોડાણ 'ગોવર્ધનરામ સ્મૃતિમંદીર' સાથે થયું ત્યારે હસિતભાઈએ 'સ્ટડી સર્કલ'ની પ્રવૃત્તિને ચાલુ રાખવા અને આગળ વધારવાની વાત કરી. કારણ એ કે કુલીનકાકાની તબિયત નરમગરમ રહેવા લાગી હતી. ધીમે ધીમે આ પ્રવૃત્તિમાં હું દાખલ થયો. એ વખતે હસિત મહેતા, કુલીનકાકાના દીકરા નીરજભાઈ તેમજ પ્રો. આશિષ શાહ સંકળાયેલા જ હતા. (પ્રો. આશિષ શાહ કુલીનકાકાના કુલપતિકાળના 'બુધવારિયા'ના સભ્ય) શરૂમાં અમે સૌએ ગુરુવારના વારા બાંધ્યા, પણ ઝડપથી એ વારા ભૂલાવા લાગ્યા. અલબત્ત, કુલીનકાકા પોતે હાજર અવશ્ય રહે. તેઓ હાજર પણ રહે, અને શ્રોતા પણ બની રહે. તેઓ પોતે ગુરુવારની સાંજની રાહ જોતા હોય, ઝાંખી દૃષ્ટિ છતાં ક્યારેક ચાલતા ચાલતા 'સ્મૃતિમંદીર' આવી જાય તો ક્યારેક અમારો કોઈક સભ્ય તેમને પોતાના ટુવ્હીલર પર લઈ આવે. સૌ યુવાન સભ્યોના એ પ્રિય 'દાદા', અને કુલીનકાકા પણ સૌને નામથી બોલાવે.
આ ઉપરાંત દર મહિનાના પહેલા રવિવારે ડાહીલક્ષ્મી પુસ્તકાલયમાં યોજાતા 'ગ્રંથના પંથ'માં હાજર રહેવાતું ત્યાં સુધી કુલીનકાકા હાજર રહ્યા. પણ આ કાર્યક્રમમાં આવનાર વક્તાને તેમને મળવાનું આકર્ષણ અવશ્ય હોય. ભરૂચથી મીનલબહેન દવે આવેલાં ત્યારે, કે રતિલાલ બોરીસાગર આવ્યા ત્યારે તેમને કુલીનકાકાને મળવા લઈ જવાની અને તેમની વાતોના સાક્ષી બનવાની ભૂમિકા મારે ભાગે આવેલી. વધુમાં અન્ય કોઈ પણ મુલાકાતી 'સ્મૃતિમંદીર'ની મુલાકાતે આવે એટલે શક્ય હોય ત્યાં સુધી કુલીનકાકાને મળવાનું ગોઠવાયું જ હોય. હવે સરસ મિત્ર બની રહેલા નીતિનભાઈ પટેલ અને નવિનભાઈ પટેલ તેમજ ભરૂચથી આવેલા રણછોડભાઈ શાહ કે વડોદરાથી આવેલાં ભાનુબહેન દેસાઈ, અમદાવાદથી આવેલા પિયૂષભાઈ પંડ્યા અને સંજીવનભાઈ પાઠક સહિત સૌ કોઈ મુલાકાતીને તેઓ હોંશથી મળે, અનેક વાતો ઉખેળે. તેમની દીર્ઘ કારકિર્દી દરમિયાન અનેક લોકોના પરિચયમાં તેઓ આવેલા હોય એટલે ક્યાંંક ને ક્યાંક ઓળખાણો નીકળે જ. તેમની મુલાકાતે આવનાર ઊભા થાય એટલે નાદુરસ્તી છતાં કુલીનકાકા ઊભા થાય અને થોડું ચાલીને એમને વિદાય આપે. આ તમામ મુલાકાત દરમિયાન નીરજભાઈ હાજર જ હોય. ક્યાંક કુલીનકાકાની વાતનો તંતુ સ્મૃતિને કારણે તૂટે તો નીરજભાઈ એ તરત જ સાંધી આપે.
બેએક મહિના અગાઉ તેમની તબિયત વધુ બગડી ત્યારે સૌએ વિચાર્યું કે 'સ્ટડી સર્કલ' પહેલો અડધો-પોણો કલાક 'સ્મૃતિમંદીર'માં કરીએ અને એ પછી કલાકેક એમને ઘેર જઈને કરીએ. ગુરુવારની એ બે સાંજ બહુ યાદગાર બની ગઈ. વચ્ચોવચ્ચ ચોકમાં ખુરશી નાખીને બેઠેલા કુલીનકાકા અને તેમને વીંટળાઈ વળેલા યુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનું દૃશ્ય આંખ ઠારે એવું હતું. આ તેમની કમાણી હતી.

કુલીનકાકાને ઘેર યોજેલી 'સ્ટડીસર્કલ'ની બેઠક

'સ્ટડી સર્કલ'નો આરંભ તેમણે કર્યો એટલા પૂરતા એમ કહી શકાય કે એના કેન્દ્રમાં તેઓ હતા. હવે વિદાય સાથે તેઓ કેન્દ્રમાંથી ખસીને પરિઘમાં આવી ગયા. આજે તેમના અંતિમ સંસ્કાર પછી એક સ્થળે ભેગા થયેલા સૌ મિત્રોએ નક્કી કર્યું કે 'સ્ટડી સર્કલ'ની પ્રવૃત્તિને ચાલુ રાખવી, આગળ વધારવી એ જ એમને અપાયેલી સાચી અંજલિ હોઈ શકે.

Friday, July 26, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-11): ચાઉમાઉનું નવુંનક્કોર દળ

ચાઉમાઉ રમતગમતનો જબ્બર પ્રેમી હતો, પણ તે સમૂહ રમતોને બદલે વ્યક્તિગત રમતો પર વધુ ભાર મૂકતો. જેમ કે, ગોળાફેંક, બરછીફેંક, ફેંકંફેંંક, ડીપફેક વગેરે...

નાનપણથી ચાઉમાઉ વિવિધ કદના ગોળા ફેંકવાનો મહાવરો કરતો રહ્યો હતો. તેણે જાહેર કરેલું કે એક વાર તેણે હવામાં ઉછાળેલો ગોળો છેક ચંદ્ર સુધી પહોંચેલો અને બે દિવસ પછી નીચે પૃથ્વી પર આવ્યો ત્યારે એને જે માટી ચોંટેલી એ ચંદ્રની ધરતીની હતી. આ માટી રાજ્યની પ્રયોગશાળામાં નમૂનાર્થે સચવાયેલી હતી. ચાઉમાઉનાં વિધાન એટલે કે ગોળા એવા હતા કે સામાન્ય સંજોગોમાં એ કોઈને ગળે ન ઊતરે. આને કારણે તે સતત અસામાન્ય સંજોગોનું નિર્માણ કરતો રહેતો. આથી લોકો તેની વાત સહેલાઈથી સ્વીકારી લેતા, એટલું જ નહીં, તેનો પ્રચારપ્રસાર પણ કરતા.
ચાઉમાઉ સતત એમ કહેતો કે પોતે કંઈ રાજવંશનું સંતાન નથી. ચીનના ઉદ્ધાર માટે ચીની દેવતાઓએ એને પસંદ કરીને ધરતી પર મોકલેલો છે. હકીકતમાં ગયા જનમમાં પોતે ચીનની દીવાલ પર હક્કા નૂડલ્સ અનેચાઈનીઝ રાઈસની લારી ચલાવતો હતો. એ લારીનો રંગ ઘેરો લાલ હતો, અને એની પર મોંમાંથી આગની જ્વાળાઓ ફેંકતા ડ્રેગનનું ચિત્ર દોરેલું હતું. ચીની દેવતાવાળી વાત તો લોકો આસાનીથી સ્વિકારી શકતા, પણ ચીનની દીવાલ પર લારીવાળી વાત ગળે ઉતારવામાં લોકોને મુશ્કેલી પડતી, કેમ કે, ચીનની દીવાલ પર કદી કોઈ લારીને ઊભા રહેવાની પરવાનગી મળી નહોતી. આમ છતાં, લોકો એ બાબતે ઝાઝો પ્રતિવાદ ન કરતા.
ધીમે ધીમે ચાઉમાઉએ પહેલાં સામાજિક અને પછી ઉજવણીઓમાં રાજકીય હસ્તક્ષેપ શરૂ કર્યો. ચીનમાં કોઈ તહેવારની ઉજવણી હોય હોય કે કોઈ કુંગ ફૂ સ્કૂલનો દીક્ષાંત સમારોહ હોય ત્યારે રાજના પ્રતિનિધિઓ પહોંચી જતા. પહેલાં તો તેમને જોઈને લોકો ગભરાઇ જતા, પણ પછી એ લોકો મોટું કાર્ડ અને મોટી કેક ધરતા. કહેતા કે ખુદ સમ્રાટ ચાઉમાઉએ આ મોકલ્યું છે. એ સ્વીકારીને આભારી કરશો. અને નહીં સ્વીકારો તો...! ચીની લોકોનું વાંચન સારું હોવાથી તેઓ બાકીનું વાક્ય પોતાની રીતે મનમાં પૂર્ણ કરી દેતા અને એ સ્વીકારી લેતા. એ પછી વ્યક્તિગત સ્તરે આ પ્રવેશ્યું. કોઈના જન્મદિનની ઉજવણી હોય, સીમંતપ્રસંગ હોય કે મૃત્યુ, ચાઉમાઉના પ્રતિનિધિઓ પહોંચી જતા. ચીનીઓને લાગવા માંડ્યું કે ચાઉમાઉ પોતાનો હિતેચ્છુ છે અને પોતાના લોકોની કેવી દરકાર લે છે!
ચીનના લોકો સમજુ હતા, નમકહલાલ હતા. તેમને થયું કે ચાઉમાઉ પ્રજા માટે જે નિંસ્બત દાખવે છે એનો બદલો શી રીતે વાળી શકાય! ધીમે ધીમે લોકોનાં પ્રતિનિધિમંડળ ચાઉમાઉની મુલાકાતે આવવા લાગ્યાં અને પોતાની ઈચ્છા દર્શાવવા લાગ્યા. ચાઉમાઉ આના માટે તૈયાર હતો. કહો કે આની જ એ પ્રતીક્ષા કરી રહ્યો હતો.
તેણે એ સૌને જણાવ્યું કે સૌએ રાજ્યના સૈન્યમાં જોડાઈ જવાનું છે. આ જાણીને પહેલાં તો લોકો ખચકાયા. પણ ચાઉમાઉ તરત બોલ્યો, 'તમે ગભરાતા નહીં. તમારે કંઈ ભાલાતલવાર નથી પકડવાના, કે નથી રણમેદાને જવાનું. અરે! લોહીનું ટીપું સુદ્ધાં વહાવવાનું નથી. ટોમેટો કૅચપનું પણ નહીં. પોતાને ઘેર જ રહેવાનું છે અને તમે જે કામ કરતા હો એ જ કરવાનું છે.' ચીનીઓને નવાઈ લાગી. આ કેવું સૈન્ય! આ કેવી લડાઈ! ચાઉમાઉએ કહ્યું, 'તમે હવે હાઉવાઉ પાસે જાવ. એ તમને બાકીનું સમજાવી દેશે. એ પછી તમે કાઉકાઉ પાસે જાવ. એ તમારા સેનાપતિ. તમને આદેશ એ આપશે.'
ચીનાઓએ એ બધા તબક્કા પૂરા કર્યા અને હોંશે હોંશે, હસતા હસતા સેનામાં જોડાઈ ગયા. કશાય શસ્ત્ર વિનાની, સૈનિક વિનાની એ સેના ચીનની સૌ પ્રથમ અહિંસક સેના બની રહી. એમાં સૈનિકોએ હિંસા કરવાની નહોતી. તેમણે કેવળ અમુક પ્રચાર જ કરવાનો હતો. બાકીનું બધું લોકો સંભાળી લેવાના હતા.
ચીનમાં અશ્વદળ, પાયદળ, ઊંટદળ વગેરે હતાં. આ નવા દળને 'ટ્રોલ દળ' નામ આપવામાં આવ્યું. આગળ જતાં આ નવા દળે ચીનના તમામ સશસ્ત્ર દળોને પાછળ રાખી દે એવી સિદ્ધિઓ નોંધાવી. એ દળની પરાક્રમગાથાઓ સાંભળીને ચીનની ભાવિ પેઢીઓ ઉછરતી રહેવાની હતી અને લીલાલહેર કરવાની હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Thursday, July 25, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-10): ચાઉમાઉનો મનોરંજનપ્રેમ

ચાઉમાઉના રાજમાં મનોરંજનની કમી નહોતી. કેમ કે, ચાઉમાઉને પોતાને જ મનોરંજન ખૂબ પ્રિય હતું. આથી મનોરંજનમાં સહેજ ઓટ આવે કે તે પોતે જ મેદાનમાં ઊતરવા કમર કસતો. પ્રજા પણ આમાં પાછીપાની ન કરતી અને ચાઉમાઉની હરકતોનો ઊમળકાથી પ્રતિસાદ આપતી.

ચાઉમાઉને પશુપક્ષી ખૂબ પ્રિય હતાં. પોતાની જાત સિવાયનાં અન્ય સહુને તે આ જ શ્રેણીનાં ગણતો અને તેમને પ્રેમ કરતો. એ સમયે ચીનમાં ચિત્રકળા ખૂબ પ્રચલિત હતી. ચાઉમાઉ પોતાને ખભે જાતભાતનાં પક્ષીઓ બેસાડતો અને ચિત્રકારો હોંશે હોંશે આ અદ્ભુત ક્ષણને કાગળ કે કેનવાસ પર ચીતરતા. ખાસ કરીને લક્કડખોદ ચાઉમાઉને અતિ પ્રિય હતું. ભલભલા કઠણ લાકડાને લક્કડખોદ ચાંચ મારી મારીને કોતરી કાઢતું હોવાથી ચાઉમાઉને એ પોતાનું પ્રતીક લાગતું. એમ તો પાન્ડા પણ ચાઉમાઉને ગમતા. એનું મુખ્ય કારણ એ હતું કે પાન્ડાનો રંગ શ્વેતશ્યામ હતો. ચાઉમાઉ કોઈ પણ મુદ્દાને આ બે જ રંગે જોતો. આથી તેને પાન્ડામાં પણ પોતાનું પ્રતીક જણાતું. ગિબ્બન જાતિનો વાંદરો ચાઉમાઉને પોતીકો લાગતો, કેમ કે, તેનું મોં કાળું હતું. પોતાના હરીફોના તો ઠીક, સ્વજનોનાં મોં કાળા કરવાની પ્રવૃત્તિ ચાઉમાઉને અતિ પ્રિય હતી. આથી ગિબ્બન સાથે તે નિકટતા અનુભવતો.
તે ગિબ્બનને કેળું ખવડાવતો હોય, લક્કડખોદ સામે લાકડું ધરીને ઊભો હોય, પાન્ડાને વાંસનાં કૂણાં પાન ખવડાવતો હોય એવાં ચિત્રો ચીનમાં ખૂબ લોકપ્રિય હતાં. કેટલાક ઉત્સાહી ચાઉમાઉપ્રેમીઓ આ ચિત્રમાં ચાઉમાઉ ચીતર્યો હોય એની પર કાળા અક્ષરે ‘ચાઉમાઉ’ લખતા, જેથી બાળકો ઉપરાંત અજાણ્યાઓ પણ ચાઉમાઉને સહેલાઈથી ઓળખી શકે.
ચાઉમાઉના રાજમાં તમામ પશુપક્ષીઓના વિશેષ દિન ઉજવાતા. ચીનમાં જોવા પણ ન મળતા હોય એવા પશુપક્ષીઓના નામેય દિવસ ઊજવાતા.
ચાઉમાઉ ધીમે ધીમે આ એકવિધતાથી કંટાળ્યો. પોતે કંટાળ્યો એટલે તેને લાગ્યું કે પ્રજાને હવે કશુંક નવું આપવું જોઈએ. પણ નવું એટલે શું?
ચીનમાં અનેક શાઓલીન ટેમ્પલ આવેલાં હતાં. શાઓલીન ટેમ્પલના માસ્ટરોને ચાઉમાઉ સાથે ‘ઘર જેવા’ સંબંધો હતા, કેમ કે, ચાઉમાઉના ઉદાર અનુદાનથી શાઓલીન ટેમ્પલ ચાલતાં. એમાં સૌથી મોટું શાઓલીન ટેમ્પલ 36 ચેમ્બર ધરાવતું હતું. ચેમ્બર એટલે કોઠા અથવા તબક્કા. આ શાઓલીન ટેમ્પલ પર એક સાંજે કોઈક બે મોંગોલિયન સૈનિકોએ અચાનક હુમલો કર્યો. તેમણે દારૂગોળા ફેંક્યા. આગની જ્વાળાઓ ઉઠી.
પ્રજાને પહેલાં તો લાગ્યું કે ચાઉમાઉના રાજના સેનાપતિ કાઉકાઉનો જન્મદિન હશે અને એની ઉજવણી થઈ રહી હશે. પણ પછી ખ્યાલ આવ્યો કે ચાઉમાઉનો જન્મદિન એ દિવસે હતો ખરો, પણ આ એની ઉજવણી નહોતી. જોતજોતાંમાં ચીની સૈન્ય ધસી આવ્યું. તેમણે પેલા બન્ને મોંગોલિયન સૈનિકોને તીરથી વીંધી નાખ્યા. એ સાથે જ ચીનાઓએ ‘ચાઉમાઉની જય’ બોલાવી. પોતાનો પ્રિય રાજા આ હુમલામાં બચી ગયો એ જાણીને સૌ રાજીરાજી થઈ ગયા. એકાદ દોઢડાહ્યાએ હળવેકથી પૂછ્યું, ‘રાજા બચી જવાની વાત જ વાહિયાત છે. એ તો પોતાના મહેલમાં હતો. ટેમ્પલમાં ક્યાં હતો?’ આ દોઢડાહ્યાને લોકોએ બરાબર ઠમઠોર્યો.
આ ઘટના પછી ચાઉમાઉને મનોરંજન માટે એક નવી રમત હાથ લાગી. એ રમત તે અવારનવાર રમવા લાગ્યો. ચીનાઓ પોતાના રાજાના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતા. કેટલાક વાસ્તવદર્શી લોકો રાજાની માનસિક સ્થિતિ સુધરે એ માટે પ્રાર્થના કરતા. ચીનાઓ આવા લોકોને બહુ ધિક્કારતા અને એમને ‘મહામોંગોલ’ની ગાળ આપતા. ધીમે ધીમે આવા ‘મહામોંગોલો’ને મોંગોલિયા મોકલી દેવાની માગણી જોર પકડવા લાગી.
આમ છતાં, ચાઉમાઉના રાજમાં બાકીના લોકોને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Wednesday, July 24, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-9): ચાઉમાઉના રાજની ઉજવણીપ્રેમી પ્રજા

ચાઉમાઉના રાજમાં પ્રજા ઉત્સવપ્રેમી હતી, કેમ કે, ચાઉમાઉ પોતે ઉત્સવપ્રેમી હતો. અરીસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળવું પણ તેને મન ઉત્સવથી કમ નહોતું. ચાઉમાઉ દૃઢપણે માનતો કે રંજને હંમેશાં બિરંજમાં ફેરવી દેવો જોઈએ. આફતની જ્યાફત માણવી જોઈએ. આગમાં બાગ ખીલવવો જોઈએ. આવાં આવાં સૂત્રો તેને પોતાને બહુ ગમતાં, આથી લોકો પણ એની છૂટથી ફેંકાફેંક કરતા. જેમ કે, ‘અભાવને સ્વભાવ બનાવો....’, ‘સ્વભાવથી જ પ્રભાવ પડે છે....’, ‘પ્રભાવ નહીં, ભાવ જુઓ...’, ‘ભાવ હોય ત્યાં દાવ ન હોય...’ વગેરે.

ઉજવણી માટે ચાઉમાઉએ એક અલાયદો વિભાગ ખોલેલો, જેનો મુખ્ય હેતુ ઉજવણી કયા નિમિત્તે થઈ રહી છે એ જાહેર કરવાનો હતો. જો કે, આ વિભાગ પાસે બહુ કામ ન રહેતું, કેમ કે, ચીની લોકોને મન ખરું મહત્ત્વ ઉજવણીનું હતું, નિમિત્તનું નહીં. દરેક દિવસ તેમને મન ઉજવણીનો હતો અને દરેક ઉજવણીની તેમની પદ્ધતિ એક સમાન હતી. સવારે તેઓ મોડા ઉઠતા, મીન ચાઉ સૂપ બનાવતા અને દેશના ઉર્જાપ્રકલ્પમાં તેની વરાળ થકી પ્રદાન આપતા. મન થાય તો કૂંગ ફૂ કે કરાટેના બે-ચાર દાવ કરી લેતા. એ પછી તેઓ રંગબેરંગી કપડાં પહેરતાં અને બજારમાં રખડ્યા કરતા. નમતી બપોરે લોકો નાના ટોળામાં એકઠા થતા અને ફટાકડા ફોડતા. સાંજે તેઓ સૂપ ન બનાવતા, કેમ કે, સૂપની વરાળમાંથી વાદળો બનવાની પ્રક્રિયા સાંજના સમયે થતી નહીં અને તેઓ રાષ્ટ્રીય ઊર્જાપ્રકલ્પમાં પોતાનું યોગદાન આપી શકતા નહીં. આમ, કહી શકાય કે તેઓ માત્ર સવારના સમયે જ ભોજન લેતા, જે મુખ્યત્વે પીણાસ્વરૂપે હતું. આને કારણે ચીની લોકોનો શારિરીક બાંધો સુડોળ રહેતો. જૂની પેઢીના કેટલાક લોકો એને ‘દુબળો’ કહેતા, પણ એમની વાતને આમે કોઈ ગણતું નહોતું.
આ પરિસ્થિતિમાં રાજ્યના ઉજવણી વિભાગ પાસે ખાસ કામ ક્યાંથી હોય! પણ એ વિભાગ બંધ કરી ન શકાય. આથી ચાઉમાઉએ ફરમાન બહાર પાડ્યું કે આ વિભાગે હવે પ્રજા વતી વિવિધ વસ્તુઓ ફોડવાનું કામ હાથ ધરવું. ઘોષણા થતાં જ ચીની લોકોએ સવારથી આ વિભાગના કાર્યાલય પર લાઈન લગાવી. સમૃદ્ધ લોકો અખરોટ લઈને, મધ્યમવર્ગીયો નાળિયેર લઈને, તો સામાન્ય સ્થિતિવાળા ઠીકરાં લઈને ફોડાવવા માટે આવ્યા હતા. એ સૌ વિભાગીય અધિકારીઓ સાથે રકઝક કરી રહ્યા હતા. વિભાગીય અધિકારી લોકોને સમજાવતા કે ‘વિવિધ વસ્તુઓ’ ફોડવાનો અર્થ દારૂખાનાની વિવિધ વસ્તુઓ છે, જેમ કે, કોઠી, ભોંયચકરડી, રોકેટ, ફૂલઝડી, હાથચકરડી, એરોપ્લેન વગેરે..આ સાંભળીને લોકો અકળાતા અને કહેતા કે વિભાગીય અધિકારીઓ સમ્રાટના આદેશનું મનસ્વી અર્થઘટન કરી રહ્યા છે. આટલી સંકુચિત દૃષ્ટિ સમ્રાટની હોય જ નહીં.
રકઝક ચાલતી રહી. થોડા સમય પછી ‘ચાઉમાઉનો જય હો’ના સૂત્રોચ્ચાર થયા. મીન ચાઉનો ગરમાગરમ સૂપ અને નૂડલ્સ પણ આવ્યાં. એક મવાલી જેવા ચીનાએ પરંપરાને અનુસરીને સૂત્ર ઠપકાર્યું, ‘ગરમાગરમ ચર્ચા અને ગરમાગરમ સૂપ વચ્ચે મારે પસંદગી કરવાની હોય તો હું સૂપની કરું.’ ચીનમાં સૂત્રબાજોની ક્યાં કમી હતી! એક વયસ્ક ચીની મહાત્માએ કહ્યું, ‘પસંદગીમાં રાખો સંજીદગી, તો બની જશે તમારી જિંદગી’. વયસ્ક ચીની મહાત્માનો હુરિયો બોલાવાયો. કોઈકે સૂત્ર ફેંક્યું, ‘જિંદગી કાલ નહીં, આજ છે, ચીનમાં ચાઉમાઉનું રાજ છે’. એ પછી સૌ સૂપના સબડકા ભરવા લાગ્યા.
સમય થયો એટલે વિભાગીય કાર્યાલય બંધ થઈ ગયું. એકઠા થયેલા સૌ પણ પોતપોતાને ઘેર ગયા. ચાઉમાઉને આ ઘટનાનો અહેવાલ મળ્યો. ચાઉમાઉનું સુખ એ હતું કે તેને કદી લાગતું નહીં કે પોતે ખોટો નિર્ણય કર્યો છે. આથી લીધેલા નિર્ણય બાબતે હેમ્લેટીયન અવઢવની કે નિર્ણય પર ફેરવિચારની કુટેવ તેને પડી જ નહોતી. પોતાના બાળપણમાં ઘણા ચીની બૌદ્ધિકોને તેણે નિર્ણય પર ફેરવિચાર કરવાની આંટીઘૂંટીમાં અટવાઈને પીડાતા જોયા હતા. ચાઉમાઉએ વિચાર્યું કે ફોડવામાં બીજા શેનો શેનો સમાવેશ કરાવી શકાય?
આવા સમયે તે દીવાન હાઉવાઉને બોલાવતો. સલાહ તો તે કદી કોઈની લેતો નહીં, પણ દીવાનને પોતે દીવાન હોવાનો અહેસાસ રહે અને એ પ્રતિતિ પણ રહે કે આખરે રાજા ચાઉમાઉ છે એટલા માટે એને બોલાવાતો. એ રાતે બેઉ મોડે સુધી બેઠા. એટલે કે ચાઉમાઉ બેઠો અને દીવાન ઊભો રહ્યો. ફોડવાલાયક સામગ્રી ધરાવતા બીજા કયા વિભાગો છે એ વિશે વાત ચાલી. લાંબી ચર્ચા પછી મોડી રાતે હાઉવાઉએ વિદાય લીધી.
બીજા દિવસે ચાઉમાઉએ જાહેરનામું બહાર પાડ્યું. એ મુજબ ‘ઉજવણી વિભાગ’માં ‘શિક્ષણ વિભાગ’નું વિલીનીકરણ કરી દેવામાં આવ્યું હતું. હવે ‘ઉજવણી વિભાગ’ બરાબર કાર્યક્ષમ બનવા લાગ્યો. આખું વરસ દારૂખાનું ફોડવાની એકવિધતામાંથી તેને હવે મુક્તિ મળી હતી. અખરોટ, નાળિયેર કે ઠીકરાં ફોડવાની પણ તેણે જરૂર નહોતી. ચીનની શાળા, મહાશાળા, કૂંગ ફૂ શાળા, કરાટે સ્કૂલ કે અન્ય ક્યાંય પણ પરીક્ષા લેવાતી હોય એ અગાઉ તેણે પરીક્ષાનાં પેપર ફોડવાનું કામ શરૂ કર્યું. આ કાર્યક્રમ બહુ લોકપ્રિય બની રહ્યો. આને કારણે ચીનમાં શિક્ષણે તેજ ગતિ પકડી અને નિષ્ફળ ઊડ્ડયન પછી ચીની સમુદ્રમાં ખાબકતા રોકેટની ઝડપે તે ખાડામાંથી ઊતરીને પાતાળ સુધી ઊતરી આવ્યું.
ચીનની ઉત્સવઘેલી પ્રજા એનો પણ ઉત્સવ મનાવવા લાગી. ચીની ચાઉમાઉના રાજમાં લોકોને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Tuesday, July 23, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-8): ચાઉમાઉ અને ચીનના ઉદ્યમી લોકો

 પ્રાચીન કાળમાં કેટલાક ચીની રાજાઓ પ્રજાનાં દુ:ખદર્દ જાણવા માટે વેશપલટો કરીને રાત્રે નગરચર્યાએ નીકળતા. ચાઉમાઉના રાજમાં પ્રજાને લીલાલહેર હતી. આથી ચાઉમાઉએ રાત્રિચર્યાની પ્રથા બંધ કરી, પણ વેશપલટો ચાલુ રાખ્યો. હવે તો દિવસના સમયે દર દોઢ કલાકે વેશ બદલતો. અલબત્ત, તે પોતાનો દેખાવ ન બદલતો, કેવળ વેશ જ બદલતો. વસ્ત્રો કોઈ પણ પ્રકારનાં હોય, ચાઉમાઉને તે ખૂબ જચતાં, કેમ કે, તમામ પ્રકારનાં વસ્ત્રોમાં તેના ચહેરા પરના ભાવ યથાવત રહેતા.

ચાઉમાઉએ વસ્ત્રો બદલવા માટે દોઢ કલાકનો અંતરાલ કેમ રાખ્યો હશે એ સૌ ચીની લોકો માટે કુતૂહલનો વિષય હતો. ચાઉમાઉએ એ બાબતનું ધ્યાન રાખેલું કે ચીનાઓમાં કુતૂહલભાવ જળવાઈ રહે. આને કારણે ચાઉમાઉએ સ્થાપેલી ‘જૂ થી યુનિવર્સિટી’ના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની વાયકાઓ લોકોમાં રમતી મૂકતા. એવી એક વાયકા અનુસાર ચાઉમાઉ ચીની સંસ્કૃતિનો પૂજક અને રક્ષક હતો. ચીનના સમયાનુસાર દર ત્રણ કલાકનો એક પહોર થતો, અને એવા કુલ આઠ પહોરથી ચોવીસ કલાકનો એક દિવસ બનતો. રાત્રે ઊંઘમાં વસ્ત્રો બદલવાનું સપનું જોઈ શકાય, પણ હકીકતમાં વસ્ત્રો બદલી શકાય નહીં. આથી એ સમયગાળાની કસર ચાઉમાઉ પોતે જાગતો હોય એ સમયમાં કરી લેતો. આને લીધે ચીની સંસ્કૃતિને પોષણ મળતું અને વિશ્વભરમાં તેનો ડંકો વાગી જતો એમ ‘જૂ થી યુનિવર્સિટી’ના વિદ્યાર્થીઓ પ્રચારમાં જણાવતા.
ચાઉમાઉએ ગાદી સંભાળતાંવેંત ઘોષિત કરેલું કે હવે રાત્રે સૌએ નિરાંતે સૂઈ જવું, જેથી ચીની સંસ્કૃતિ વિશ્વભરમાં રાજ કરશે. વિશ્વના અન્ય દેશોની જેમ જ ચીનમાં પણ લોકો રાત્રે સૂઈ જતા. પણ એ તો નૈસર્ગિક ક્રમમાં. તેમને કોઈએ આમ કરવાનું કહ્યું નહોતું. પોતે રોજિંદા ક્રમમાં સૂઈ જવાનું હતું, નવું કશું કરવાનું ન હતું. ચીની સંસ્કૃતિ વિશ્વભરમાં રાજ કરવાથી પોતાને શો ફેર પડશે એની તેમને સૂધ નહોતી. આમ છતાં, કશું વધારાનું કરવાનું ન હોવાથી તેઓ એનું પાલન કરતા.
ચાઉમાઉએ એક વાર ગંદકીંગ નામના ચીનના એક પ્રાંતની વેશભૂષા ધારણ કરી. એકઠા થયેલા દરબાર સમક્ષ તેણે કહ્યું, ‘હું ઈચ્છું છું કે ચીન વિશ્વને દોરવણી આપે. એના માટે આપણે આપણા દેશમાં જ નવા નવા આવિષ્કાર કરો.’ લોકોએ તાળીઓ પાડી, કેમ કે, એમને એ સિવાય શું કરવું એ આવડતું નહોતું. ચાઉમાઉએ કહ્યું, ‘ચીનમાં કેટલા લોકો ગરમાગરમ મીનચાઉ સૂપ પીવે છે?’ ચીનમાં હજી ચા પીવાનું ચલણ શરૂ નહોતું થયું. અમીરગરીબ તમ્મામ લોકો મીનચાઉ સૂપ પીતા. આથી ઉપસ્થિત સૌએ હાથ ઊંચા કર્યા. ચાઉમાઉ કહે, ‘આ ગરમાગરમ સૂપની વરાળનું તમે શું કરો છો?’ સભામાં શાંતિ, કેમ કે, કોઈને સવાલ પૂછવાની કે સવાલના જવાબ આપવાની આદત નહોતી. ચાઉમાઉએ ઘેરાયેલા વાદળ જેવો અવાજ કાઢીને કહ્યું, ‘આ વરાળને આપણે એમની એમ જ વેડફી દઈએ છીએ. આ વરાળને એકઠી કરીને એનો ઉપયોગ આપણે વીજમથકોમાં કરીએ તો વીજળીનું ઉત્પાદન આપણને મફતમાં પડે કે નહીં?’ ચાઉમાઉએ આ વાક્ય પૂરું કર્યું એ સાથે જ તાળીઓનો ગડગડાટ શરૂ થયો. એ કેમે કરીને અટકવાનું નામ લેતો નહોતો.
એ જ વખતે આકાશમાં વાદળોનો ગડગડાટ થયો. વીજળીના ચમકારા થવા લાગ્યા, કેમ કે, ચોમાસાની મોસમ હતી. ચાઉમાઉએ કહ્યું, ‘જુઓ, તમારી તાળીઓના ગડગડાટથી પણ વીજળી પેદા થઈ શકે છે એનો આ પરચો! તમે જ કહો, આપણે કેટલી વરાળ વેડફી દઈએ છીએ?’ ઉપસ્થિત લોકોએ ચાઉમાઉની જય બોલાવી.
એ પછીના સમયમાં ચીનમાં ઠેરઠેર ઊંધા પોટલાં લટકતા દેખાવા લાગ્યાં. એ રીતે લોકો વરાળને એકઠી કરવાનો ઉદ્યમ કરવા લાગ્યા. પોતે વરાળ એકઠી કરી ન શકે તો લોકોને લાગતું કે પોતે રાષ્ટ્રના વિકાસમાં પૂરતું યોગદાન આપી શકતા નથી.
ચાઉમાઉએ આગળ જતાં આવાં અનેક સૂચનો કર્યાં. ચોપસ્ટીક વડે જમીન ખેડવાથી એમાં ઓર્ગેનિક તત્ત્વો ભળે છે, નેનચાકુ ફેરવવાથી પૃથ્વી પોતાની ભ્રમણકક્ષામાં ઝડપથી ફરે છે, જેને કારણે દિવસ ચોવીસ કલાકને બદલે ત્રેવીસ કલાકનો થાય છે અને સરવાળે આયુષ્ય લંબાય છે વગેરે. પણ વરાળવાળું સૂચન સૌથી વધુ વખણાયું અને અમલ પામ્યું.
પરિણામે ચીનના લોકો ઉદ્યમી બન્યા, એટલે કે તેઓ સતત ધંધે લાગેલા રહેતા. બીજા કશાનો વિચાર કરવાનો સમય તેમની પાસે રહેતો નહીં.
આથી જ સૌ કહેતા કે ચાઉમાઉના રાજમાં લીલાલહેર છે.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Monday, July 22, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-7): ચાઉમાઉ અને બૌદ્ધિકો

ચાઉમાઉને બૌદ્ધિકોની સોબત ગમતી. તે બુદ્ધિશાળી હોવાની સાથોસાથ અતિ વિનમ્ર પણ હતો. આ વિનમ્રતાને લઈને તે માનતો કે સમગ્ર ચીનમાં પોતાની બરોબરી કરી શકે એવો કોઈ બૌદ્ધિક છે જ નહીં. તેની આ માન્યતાને ચીનના અનેક બૌદ્ધિકોનું સમર્થન હતું, કેમ કે, આ બૌદ્ધિકો ગમે એટલી બુદ્ધિગમ્ય વાતો કરે, ચાઉમાઉના અતાર્કિક તર્ક આગળ એ ટકી શકતી નહીં. ‘ઈલલોજિકલ’ વાતને તદ્દન ‘લોજિકલ’ બનાવીને પોતાની વાત એ મૂકતો.

કેટલાક બૌદ્ધિકો ચીનમાં પાતાળે પહોંચેલા શિક્ષણના સ્તરને લઈને ચિંતિત હતા. તેમને એ અપરાધભાવ કોરી ખાતો હતો કે આ કામમાં પોતે રાજ્યને કશું પ્રદાન કરી શક્યા નહોતા. આથી તેમનું પ્રતિનિધિમંડળ એક વાર ચાઉમાઉને મળવા ગયું. તેમણે ચાઉમાઉ સમક્ષ વ્યક્ત પોતાનો અપરાધભાવ એટલે કે હૃદયનો ભાવ કર્યો.
ચાઉમાઉએ હસતાં હસતાં કહ્યું, ‘એમ તો તમારું બુદ્ધિનું સ્તર ચીનના શિક્ષણના સ્તરથી પણ ઊંડું ઊતરેલું છે. એમાંય ક્યાં તમારું પ્રદાન છે?’ એક બૌદ્ધિકને આ સાંભળીને પ્રચંડ આઘાત લાગ્યો. તેમણે હિંમત એકઠી કરીને ચાઉમાઉને પ્રિય શૈલીમાં પૂછ્યું, ‘રાજન્! આપની વાત લોજીકલ નથી લાગતી.’ ચાઉમાઉએ કહ્યું, ‘જ્યાં સત્ય હોય ત્યાં લોજિક ન હોય! જૂઠાણું હંમેશાં લોજિકલ હોય.’ ચિંતક તરીકે ખ્યાતિપ્રાપ્ત, પોતાની જાતને બૌદ્ધિક માનતા-મનાવતા એક વયોવૃદ્ધ સજ્જને તત્ક્ષણ બીજા ચિંતકને કહ્યું, ‘જોયું? હું નહોતો કહેતો કે સમ્રાટ મારા લેખ વાંચે છે. મેં મારા છેલ્લા લેખમાં આ જ વાક્ય લખેલું.’ ચાઉમાઉએ એ વડીલ તરફ કરુણાસભર હાસ્ય વેર્યું. બીજા બૌદ્ધિકે પેલા વયસ્ક ચિંતકને કહ્યું, ‘તમારી આખી મેટર સાયકોલોજિકલ છે. એમાં વધુ ન ઊતરીએ એ જ યોગ્ય છે.’ આ સાંભળીને પેલા વયસ્ક ચિંતકના એક પ્રૌઢ શિષ્યે સહેજ ઊગ્રતાથી કહ્યું, ‘શ્રીમાન, એમની વાત જરા આઈડિયોલોજિકલ છે. તેઓ સાચું કહે છે. આ વાક્ય એમના છેલ્લા લેખમાં હતું જ. કહું એની તારીખ અને પાના નંબર?’ પેલો પ્રૌઢ શિષ્ય પણ કોકનો ગુરુ હતો. જેનો એ ગુરુ હતો એવો એક યુવાન શિષ્ય ચડતું લોહી હતો, છતાં બૌદ્ધિકોના પ્રતિનિધિમંડળમાં સામેલ હતો. એણે અકળાઈને ‘સાયકોલોજિકલ’ કહેનારા પેલા બૌદ્ધિકને કહ્યું, ‘ઊભો રહે તું, બુદ્ધિના ઠળિયા! હું તારું ‘બાયોલોજિકલ’ અસ્તિત્વ જ મિટાવી દઉં.’
આવી ‘બૌદ્ધિક’ ચર્ચા સાંભળીને ચાઉમાઉ મલકાતો હતો. તેને વિચાર આવ્યો કે આ બૌદ્ધિકોની આવી ચર્ચાનો ટિકિટવાળો શો રાખવો જોઈએ. પ્રજાને સરસ વૈકલ્પિક મનોરંજન મળે અને એ બહાને પોતાને પણ થોડો ‘બ્રેક’ મળે.
તેણે પેલા ‘બાયોલોજિકલ’વાળા યુવાન બૌદ્ધિકને કહ્યું, ‘જુવાન, આમ આવ. તું તો ખાતાપીતા ઘરનો જણાય છે. આમની સોબતે ક્યાંથી ચડી ગયો?’ યુવાન બૌદ્ધિકે જણાવ્યું, ‘સમ્રાટ ચાઉમાઉ, આ અક્કલના અથાણાંની સોબતે ચડ્યો એટલે તો આપનાં દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આપનાં દર્શન થયાં એટલે મેં આપની સાથે વાત કરવાનો મોકો ઊભો કરી લીધો. આ સઘળું થયું એ આ બૌદ્ધિક બદામોના પ્રતાપે જ તો!’
ચાઉમાઉએ હસીને કહ્યું, ‘મને તારો આ ‘બાયોલોજિકલ’ વાળો ડાયલોગ બહુ ગમ્યો. બોલ, મારા માટે ભાષણો લખીશ?’
યુવાન બૌદ્ધિક હસું હસું થઈ રહ્યો. કહે, ‘સર, મારું કામ મેથડોલોજિકલ હોય છે.’
ચાઉમાઉને ગમ્મત પડી. એ કહે, ‘અને પાછું ટેક્નોલોજિકલ હોય છે.’
એ વખતે ગઝલ ચીનમાં નવીસવી પ્રવેશેલી. યુવાન બૌદ્ધિકને એમ કે રાજાએ ગઝલના મત્લાના મિસરાની પૂર્તિ કરી. એટલે એણે લલકાર્યું,
‘નથી સમાજ સાથે આ બૌદ્ધિકોને લેવાદેવા,
છતાં એમનો અભ્યાસ સોશ્યોલોજિકલ હોય છે.
ચાઉમાઉ ચોંક્યો. તેણે કહ્યું, ‘એટલે...કવિ છું? એવો લાગતો નથી.’
હજી યુવાન બૌદ્ધિકના મનમાં મિસરા જ ફૂટતા હતા. તેણે પૂર્તિ કરતાં કહ્યું, ‘સહેજ છંદદોષ છે, પણ સાંભળો, સમ્રાટ.
‘લાગું ભલે બાયોલોજિકલ, પણ જન્મ્યો નોન-બાયોલોજિકલ છું.’
ચાઉમાઉ કહે, ‘બસ, હવે બંધ કર. તને આંગળી શું આપી, તું તો બાવડે હીંચકા ખાવા લાગ્યો. ચલ ભાગ અહીંથી.’
દરમિયાન અન્ય બૌદ્ધિકો દિગ્મૂઢ બનીને આ દૃશ્ય જોઈ રહ્યા હતા. ચાઉમાઉએ તેમને ઉદ્દેશીને કહ્યું, ‘બૌદ્ધિકો છો, તો બૌદ્ધિકોની જેમ રહો. આવી નોન-બાયોલોજિકલ આઈટમને તમારી સાથે ફેરવતાં શરમ નથી આવતી?’ બૌદ્ધિકો ખરેખર તો પેલા યુવાનનું વર્તન જોઈને ડઘાઈ ગયા હતા. પોતે જેને પ્રગતિશીલ ધારતા હતા એ હકીકતમાં તો ચાઉમાઉના દર્શનનો વાંચ્છુ નીકળ્યો. તેમણે ચાઉમાઉ સમક્ષ બે હાથ જોડ્યા અને પેલાને લઈને તરત ત્યાંથી નીકળી ગયા.
થોડા સમયમાં પેલો યુવાન બૌદ્ધિક પાગલની જેમ બધે ભટકવા લાગ્યો. લોકો તેને પાગલ ગણી તેની પર હસતા, કાંકરીચાળો કરતા. યુવાન બૌદ્ધિક સહુને બે હાથ જોડીને કહેતો, ‘મારી વાત માનો, ભાઈઓ. રાજા સમક્ષ એ શબ્દ મેં જ વાપરેલો. હવે એમણે એ પોતાને નામે ચડાવી દીધો છે અને ‘પાન્ડા કી લાદ’ કાર્યક્રમમાં એનો ઊપયોગ કરી રહ્યા છે. મારી પાસે આની લોજિકલ સમજૂતી છે.’
આ સાંભળીને ચીની નાગરિકો હસતા અને કહેતા, ‘હા, ભઈ. તારી વાત લોજિકલ. તું દેખાઉં બાયોલોજિકલ, પણ જન્મ્યો નોન-બાયોલોજિકલ. ખરું હોં! સમ્રાટ ચાઉમાઉના દા’ડા ભરાશે ત્યારે એ તારા જેવા પાસે પોતાનાં ભાષણો લખાવશે. તને ખબર છે એ પોતે સાહિત્યકાર છે? આ તો કીકી તારી ધન્ય છે કે તને એમના દીદારનો મોકો મળ્યો. હવે જા હોં! નૂડલ અને મંચુરિયન ખાઈને આલા કરી જા, ભઈલુ.’
આમ, ચાઉમાઉની ઈચ્છા મુજબ ચીનના લોકોને મનોરંજન માટે એક નવો વિકલ્પ ‘બૌદ્ધિકો’રૂપે મળ્યો.
ચીની ચાઉમાઉના રાજમાં લોકોને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Sunday, July 21, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-6): ચાઉમાઉના રાજમાં શિક્ષણ

અગાઉ એક કથામાં જણાવ્યું એમ ચાઉમાઉના રાજમાં સાહિત્ય અને શિક્ષણની સ્થિતિ એકસમાન હતી. પહેલાંના શાસનકાળમાં એ ખાડે ગયેલું હતું, પણ ચાઉમાઉએ એને નવા ઊંડાણે પહોંચાડ્યું અને છેક પાતાળે ઊતાર્યું. ચાઉમાઉના રાજમાં થયેલો આ ચમત્કાર જોવા માટે દેશવિદેશથી શિક્ષણનિષ્ણાતો આવતા. તેમને એ જોઈને વિસ્મય થતું કે શાળાની આલિશાન ઈમારતો, ઈસ્ત્રીબંધ ગણવેશમાં સજ્જ શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ લીસા કાગળવાળાં રંગીન પાઠ્યપુસ્તકો હોવા છતાં શિક્ષણનું સ્તર એટલે ઊંડે સુધી પહોંચ્યું હતું કે એને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવે તો પણ એ સાતમા પાતાળમાંથી બહુ બહુ તો પાંચમા કે ચોથા પાતાળ સુધી આવી શકે. પોતાના દેશમાં આવું શી રીતે થઈ શકે એ બાબતે વિદેશી શિક્ષણનિષ્ણાતો ચીની શિક્ષણવિદો સાથે વિમર્શ કરવા આવતા.

વિમર્શ દરમિયાન તેમને જાણવા મળ્યું કે આ પહેલાં ચીનમાં શાળાકીય શિક્ષણ પછીની સમસ્યા બહુ મોટી હતી. ગાઓ-3 શાળાનું એટલે કે ઉચ્ચતર માધ્યમિકનું અંતિમ વરસ ગણાતું અને એ પછી વિદ્યાર્થીએ પોતાના ઉચ્ચ અભ્યાસની વિદ્યાશાખા પસંદ કરવાની રહેતી. એ વિદ્યાશાખામાં પ્રવેશનાં અને ગાઓ-3ની કસોટીનાં ધોરણ એટલાં ચુસ્ત હતાં કે બહુ ઓછા વિદ્યાર્થીઓ મનપસંદ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકતા. આથી ગાઓ-3માં ઉત્તીર્ણ થયા પછી શું કરવું એ સમસ્યા સર્વવ્યાપી હતી. ચાઉમાઉએ આમાં ધરમૂળથી પરિવર્તન આણ્યું.
તેણે આ બન્ને ચુસ્ત ધોરણોને અતિ શિથિલ કરી દીધાં. ગાઓ-3માં ગમે એટલું નીચું પરિણામ આવ્યું હોય, વિદ્યાર્થી મનપસંદ વિદ્યાશાખામાં પ્રવેશ લઈ શકતો. હવે તેને ટકાવારીની ચિંતા નહોતી કરવાની. તેણે માત્ર જરૂરી ફીની વ્યવસ્થા કરવાની રહેતી. આ પરિવર્તનનું પરિણામ એ આવ્યું કે વિદ્યાર્થીઓને મનગમતી વિદ્યાશાખામાં ભણવા મળતું. તેમને ફી ચૂકવવા માટે જરૂરી નાણાં સંસ્થાઓ ઊભી થઈ અને એક નવા રોજગારની તક પેદા થઈ.
વિદ્યાર્થીઓની મુખ્ય સમસ્યા ચાર વરસ પાછી ઠેલાઈ. પહેલાં ગાઓ-3 પછી શું કરવું એ તેમની મુખ્ય સમસ્યા હતી. હવે મનપસંદ વિદ્યાશાખાના સ્નાતક થયા પછી શું કરવું એ તેમની મૂંઝવણ બની.
આનો ઊપાય પણ ચાઉમાઉએ વિચારી લીધો હતો. તેણે એક નવીન, રાજ્યાશ્રિત વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી. એનું નામ રાખવામાં આવ્યું ‘જૂ થી યુનિવર્સિટી’. આ યુનિવર્સિટીમાં આવા સ્નાતકોની ભરતી શરૂ થઈ. તેમનું કામ મુખ્યત્વે ચાઉમાઉના શાસનમાં ચીન પર કેવું સ્વર્ગ ઊતરી આવ્યું છે એ વિવિધ રીતે દર્શાવવાનું અને લોકોના મનમાં ઠસાવવાનું હતું. આનો ફાયદો એ થયો કે બેરોજગાર લોકોને પૂરતી આવક ભલે ન મળી, પણ રોજગાર મળ્યો. રોજગાર મળ્યો એટલે તેમના પેટનો ખાડો પૂરાતો ગયો. આ બધું ચાઉમાઉને કારણે શક્ય બન્યું એ બદલ તેઓ ચાઉમાઉ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા અને તેને ‘દેશનો અવતાર’ માનતા. સ્વરના ચીની ઉચ્ચારમાં ખાસ ભેદ હોતો નથી, અને સામાન્ય જનતા ઉચ્ચારશુદ્ધિ બાબતે ઉદાસીન હોય છે. આથી ગ્રામ્ય લોકો વાતવાતમાં ‘અવતાર’માંથી ‘ઓતાર’ અને પછી ‘ઓતાર’નો ઉચ્ચાર ક્યારે ‘ઊતાર’ કરવા લાગ્યા એનો કોઈને ખ્યાલ જ ન આવ્યો. હદ તો ત્યારે થઈ કે ‘જૂ થી યુનિવર્સિટી’માં પ્રવેશની એક જાહેરખબરમાં પણ આ જ શબ્દો ચાઉમાઉના ચહેરા સાથે ચીતરાયા. એ પોસ્ટરમાં જે લખેલું, એનો અર્થ કંઈક આવો થતો હતો: ‘દેશનો ઊતાર, સૌનો બેડો પાર.’
ધીમે ધીમે ચાઉમાઉએ પોતે પણ આ સૂત્ર પોતાના વક્તવ્યમાં અપનાવી લીધું. ઉપસ્થિત મેદની સમક્ષ ચાઉમાઉ આરોહ-અવરોહ સાથે મોટેથી બોલતો, ‘દેશનો ઊતા....આ...આ...ર’. અને મેદની પ્રતિઘોષ કરતી, ‘સૌનો બેડોઓઓઓ.....પા..આ..આ..ર.’
આમ, બધી વાતે ચાઉમાઉના રાજમાં લોકોને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Saturday, July 20, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-5): ચાઉમાઉના રાજમાં કાયદો અને વ્યવસ્થા

ચાઉમાઉના રાજમાં લોકોને લીલાલહેર હતી. ‘લીલાલહેર અને જમવાનાં ઘેર’ કહેવત અહીં બારે માસ પ્રસ્તુત બની રહેતી, જેનો અર્થ એ કે મહેમાન બીજાનાં થયાં અને આનંદ પોતાને ખર્ચે કરવાનો. એટલે કે લોકો પોતાના ખર્ચે આનંદ કરતા, છતાં તેમને એમ લાગતું કે પોતે રાજના મહેમાન છે. લોકો આવી લીલાલહેર કરતા હોય એ રાજમાં કાયદો અને વ્યવસ્થાની શી જરૂર?

પોલિસની જરૂર સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હોવાનું શાસ્ત્રોમાં લખેલું છે. પણ જે રાજમાં કાયદો અને વ્યવસ્થાની જ જરૂર ન હોય ત્યાં પોલિસની શી જરૂર? આમ છતાં, શાસ્ત્રોની શરમે ચાઉમાઉના રાજમાં નામની પોલિસ હતી ખરી. નામની એ પોલિસનું નામ હતું ‘મોરલ પોલિસ’. તેમનું મુખ્ય કાર્ય દારૂ, જુગાર, દેહવિક્રય, નશીલાં દ્રવ્યો, શરાબ, દાણચોરી જેવી પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું રહેતું. સતત નજર રાખતા રહેવાને કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા સહુ કોઈ સાથે તેમને નજરની ઓળખાણ હતી. ચાઉમાઉના રાજમાં કહેવાતું કે ‘ઓળખાણ તો સોનાની ખાણ છે.’ મોરલ પોલિસે આ કહેવતને શબ્દાર્થમાં ચરિતાર્થ કરી હતી, અને આ ઓળખાણને સોનાની ખાણમાં પરિવર્તિત કરી દીધી હતી. જો કે, આટલા બધા સોનાને કરવાનું શું? એટલે તેઓ ક્યારેક એનું રૂપાંતર નકદ નાણાંમાં કરી લેતા.
મોરલ પોલિસનો કોઈ ગણવેશ નહોતો. એમનું ચરિત્ર એ જ એમનો ગણવેશ હતો. મોરલ પોલિસની ભરતી કદી થતી નહીં. કેમ કે, રાજ્ય પ્રત્યેની આ એવી ફરજ હતી કે જેમાં કશું વેતન નહોતું. જે કંઈ મળતર હતું એ વેતનેતર સ્રોતથી હતું.
ઘણા સિનેમાવાળા કે પ્રકાશકો પોતાની કૃતિના પ્રચાર માટે આ મોરલ પોલિસની સહાય લેતા. ગ્રાહકના બજેટ અનુસાર સિનેમા થિયેટર પર પથરા ફેંકવા, પુસ્તકની નકલ બાળવી, કોઈ ચિત્રનો વિરોધ કરવો વગેરે કામ તેઓ વાજબી ભાવે કરી આપતા. તેની પાકી પહોંચ પણ આપતા, જેની પર વેરો વસૂલાતો અને આવકવેરાની ગણતરીમાં તેની પર વળતર મળતું.
આજે માન્યામાં ન આવે, પણ મોરલ પોલિસનું મોરલ અતિ ઉચ્ચ હતું. અનેક સિનેનિર્માતાઓ, પ્રકાશકો, લેખકો અને ઘણી વાર તો વાચકો સુદ્ધાંએ પોતાનાં નામ તેમની પ્રતીક્ષાયાદીમાં લખાવી રાખેલાં. આ પ્રતીક્ષાયાદીમાં પણ ચીની રેલવેમાં હતી એવી ‘આર.એ.સી.’ (રિઝર્વેશન અગેઈન્સ્ટ કેન્સલેશન) જેવી સુવિધા હતી. મોરલ પોલિસ દ્વારા જેવી કોઈ કૃતિના બહિષ્કારની કે પ્રતિબંધની ઘોષણા કરવામાં આવે કે ચીની લોકો એ જોવા માટે ભારે ધસારો કરી મૂકતા. ભીડ બેકાબૂ બનતી. પણ ચીની પ્રજા ભારે શિસ્તબદ્ધ હતી. બેકાબૂ ભીડને કારણે ક્યારેક હિંસા થાય તો તેઓ શિસ્ત જાળવતા. હિંસામાં કોઈ ઘાયલ થાય તો તેઓ એને અધમૂઈ અવસ્થામાં છોડી ન મૂકતા, બલકે પૂરો જ કરી દેતા. અને જો કોઈ પતી જાય તો એના જનાજાની વ્યવસ્થા પણ જનભાગીદારીમાં જ થતી.
કાળક્રમે મોરલ પોલિસમાં ભ્રષ્ટાચારનો સડો પેઠો. તેને પરિણામે અસલી પોલિસબળની રચના કરવાનો વારો આવ્યો. પણ એ બધું મોડે મોડે થયું. ભૂરું શિયાળ બોલેલું એ સંવાદ ચાઉમાઉ બોલ્યો, અને રાજ્યને પોલિસબળની સ્થાપનાની ફરજ પડી.
મોરલ પોલિસ હોય કે પોલિસ, રાજ તો છેવટે ચાઉમાઉનું હતું. અને ચાઉમાઉના રાજમાં લોકોને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Friday, July 19, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-4): ચાઉમાઉનો સાહિત્યપ્રેમ

 સાહિત્ય ચાઉમાઉની નબળાઈ હતું. અને ખુદ ચાઉમાઉ સાહિત્યકારોની નબળાઈ હતો. આને કારણે ચાઉમાઉના રાજમાં બારે માસ સાહિત્યના મેળાવડાનું વાતાવરણ રહેતું. નવોદિતો પોતાને ચાઉમાઉના દરબારમાં સ્થાન મળે એ માટે આવા મેળાવડાઓમાં ઉપસ્થિત રહેતા, તો જૂના જોગીઓ પોતાનું સ્થાન જળવાઈ રહે એ માટે. આને કારણે પ્રત્યેક કાર્યક્રમમાં ઘણી ભીડ રહેતી.

પોતાના પુસ્તકનું વિમોચન ચાઉમાઉના હસ્તે થાય એવી મોટા ભાગના સાહિત્યકારોની મંશા રહેતી. કહેવાય છે કે ચાઉમાઉના રાજમાં લોકાર્પણ પામેલાં પુસ્તકોને થપ્પીમાં હારબંધ ગોઠવવામાં આવે તો ચીનની દીવાલના બે વખત આંટા મારી શકાય. આને કારણે ચીનમાં સાહિત્યકારોના જેટલો જ આતંક સાહિત્યપ્રેમીઓનો પણ વ્યાપેલો હતો.
થૂ થૂ હાક નામના એક સાહિત્યપ્રેમીની ધાક એવી હતી કે ચાઉમાઉના રાજમાં ક્યારેક કશાની વિરુદ્ધ દેખાવ કરવા માટે લોકો એકઠા થાય કે પેલા સાહિત્યપ્રેમીને એમની પર છોડી મૂકવામાં આવતા. હાકસાહેબ દેખાવે સાવ સીધાસાદા જણાતા. તે પહેલાં દેખાવકારો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતા. જેમ કે, ‘તમે શાનો વિરોધ કરી રહ્યા છો?’ કોઈ દેખાવકાર કહે, ‘વરસાદી પાણીના નિકાલની નીતિનો.’ બસ, થઈ રહ્યું. આવો કંઈ પણ જવાબ મળે કે પેલા સાહિત્યપ્રેમી વરસવા લાગતા. ‘તમને ખબર છે કે ડિંગ હાંક નામના પ્રાચીન ચીની કવિએ વરસાદી પાણી વિશે શું લખ્યું છે? લ્યો, સાંભળો!’ આટલું પૂરતું થઈ પડતું. દેખાવકારોને વિખેરવા માટે પોલિસની જરૂર જ ન પડતી.
એમ તો, ચીનમાં સાહિત્યકાર કહી શકાય એવા એક અમલદાર પણ હતા. એમનું નામ હ વે ભાગ. તેઓ અમલદાર હતા એટલે લોકો તેમને સાહિત્યકાર ગણતા. તેમનો ઉછેર પોતાના મોસાળ મંચુરિયામાં થયેલો. આથી તેમને મંચુરિયન ભાષા સહજસાધ્ય હતી. ચીનમાં મંચુરિયન ભાષા કોઈને ખાસ સમજાતી નહીં. આ પરિસ્થિતિનો લાભ લઈને પેલા અમલદાર ચીનમાં હોય ત્યારે મંચુરિયનમાં વક્તવ્યો ઠપકારતા. કદીક તેમને મંચુરિયાથી આમંત્રણ મળે તો ત્યાં તેઓ ચીની ભાષામાં વક્તવ્ય આપવાનો આગ્રહ રાખતા. આને કારણે ભલભલા રીઢા અપરાધીઓ તેમનાથી થથરતા.
હૂ કાય છૂ નામના એક વયોવૃદ્ધ સાહિત્યકાર વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા. ચાઉમાઉના કોઈ પણ પગલાને તેઓ બ્રહ્માંડના લય સાથે સરખાવીને તેનું અર્થઘટન કરી શકતા. અલબત્ત, આવાં અર્થઘટનોથી તેઓ પોતે જ રાજી થતા, કેમ કે, બીજું કોઈ તેમનું કશું વાંચતું નહોતું.
લા જમૂ કી નામે એક સાહિત્યકારનો ગુનાહિત ઈતિહાસ હતો. એ ગુનો સામાજિક નહીં, પણ સાહિત્યક્ષેત્રનો હતો. એ સર્વવિદીત હતું કે ચાઉમાઉના રાજમાં ગુનેગારોને આકરામાં આકરી સજા થતી. એનાથી બચવા માટે મૂકીસાહેબ ચાઉમાઉની પ્રશસ્તિઓ સતત રચતા રહેતા અને એમાં જ રાચતા રહેતા.
આવા તો જાતભાતના સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓથી ચાઉમાઉનું રાજ રળિયાત હતું.
ચીનમાં અનેક બૌદ્ધ સાધુઓ પણ હતા, જેમનો પોતાનો મઠ હતો. આવા એક સાધુ હતા ન્યૂ રા ધૂપ. તેઓ સાહિત્યપ્રેમી હોવાનો દાવો કરતા. વરસે એક વાર તેઓ પોતાના મઠમાં ત્રણદિવસીય કાર્યક્રમ યોજતા, જેમાં ચીનના નાનામોટા, મધ્યમ એમ તમામ કક્ષાના સાહિત્યકારોને નોંતરવામાં આવતા. સંત ન્યૂ રા ધૂપ પોતે મોટા બાઉલમાં હક્કા નૂડલ્સ લઈને નીકળતા અને ચોપસ્ટીકે ચોપસ્ટીકે સૌ સાહિત્યકારોના મોંમાં નૂડલ મૂકતા. પોતાના ઘરમાં ઢાંકી રાખેલાં ટાઢા, અડધા ચડેલા નૂડલ્સ ખાવા ટેવાયેલા સાહિત્યકારોને આ હદની મહેમાનગતિ ફાવતી નહીં, પણ સંત ધૂપની આભા એવી હતી કે તેઓ બધું વેઠી લેતા.
એ રીતે ચીનના સાહિત્યકારોને મન બે આરાધ્ય દેવ હતા. એક તો સમ્રાટ ચાઉમાઉ પોતે, અને બીજા સંત ન્યૂ રા ધૂપ. આ બન્નેમાં અલબત્ત, ચાઉમાઉનું સ્થાન ઊપર હતું, પણ અંદરખાને સાહિત્યકારો સમજતા હતા કે ચાઉમાઉનું શાસન આજે છે ને કાલે ન પણ હોય. સંત ન્યૂ રા ધૂપનો સૂર્ય સદાકાળ તપતો રહેવાનો છે, શાસક ભલે ને બદલાય.
આવા તંદુરસ્ત અને પોષક વાતાવરણને લઈને સમસ્ત ચીનમાં સાહિત્યના સ્તરમાં ઘણો દેખીતો ફરક પડી ગયો હતો. સાહિત્યને શિક્ષણ સાથે સીધી લેવાદેવા છે. આથી શિક્ષણનું સ્તર પણ સાહિત્યની સમકક્ષ થતું ચાલ્યું હતું. અગાઉના શાસકોના રાજમાં આ બન્ને ખાડે ગયેલાં હતાં. ચાઉમાઉના શાસનમાં એમણે નવું ઊંડાણ પ્રાપ્ત કર્યું અને એ પાતાળે ઊતર્યું.
ચીની ચાઉમાઉના રાજમાં સાહિત્યકારોને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Thursday, July 18, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-3): ચાઉમાઉનો વિજ્ઞાનપ્રેમ

ચીની ચાઉમાઉની પ્રકૃતિમાં પ્રેમ ઠાંસીઠાંસીને ભરેલો હતો. તે સૌથી વધુ પ્રેમ પોતાની જાતને કરતો. ચાઉમાઉને વિજ્ઞાન સાથે કશી લેવાદેવા નહોતી, પણ પોતાને જેની સાથે કશી લેવાદેવા ન હોય એવી બાબત પોતાના જીવનનું અભિન્ન અંગ છે એમ દેખાડવામાં તે સફળ રહેલો. જેમ કે, ચાઉમાઉને ગરોળીની બહુ જ બીક લાગતી, પણ ચીનનાં પાઠ્યપુસ્તકમાં એવું એક પ્રકરણ હતું કે જેમાં ચાઉમાઉએ બાળપણમાં એક ડ્રેગનના બચ્ચાને હક્કા નૂડલ્સ ચૂસાડેલાં.

ચાઉમાઉ વિજ્ઞાનનો પણ પ્રેમી હતો. વિજ્ઞાનના વિવિધનિયમોને સમાજજીવનમાં અમલમાં મૂકવાનું તેને ગમતું. ક્યારેક તે ન્યૂટનના તો ક્યારેક બૉઈલના કે કદી રોબર્ટ હૂકના નિયમનો તે હવાલો આપતો. પ્રકાશના પરાવર્તનનો નિયમ તેને ખૂબ પસંદ હતો. આ કારણે પોતાના મહેલમાં તેણે ઠેરઠેર અરીસા જડાવેલા. એ અરીસામાં તે પોતાનું પરાવર્તિત પ્રતિબિંબ નિહાળ્યા કરતો. રાજ્યના વિજ્ઞાનશિક્ષકો આ જોઈને બહુ હરખાતા અને પોતાના વિદ્યાર્થીઓને ચાઉમાઉના વિજ્ઞાનપ્રેમની વાર્તાઓ કહેતા. આ કારણે ચાઉમાઉના રાજની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સાવ પાંખી રહેતી.
શાળાના નાદાન વિદ્યાર્થીઓ ઉપરાંત આખા રાજમાં આ અરીસા જ એવા હતા કે જે રાજાની શરમ ભરતા નહોતા. તેઓ રાજાની સાથોસાથ તેની આસપાસના તમામ લોકો અને વસ્તુઓનાં પ્રતિબિંબ બતાવતા. ચાઉમાઉને અરીસાની આ બાબત જરાય ગમતી નહીં, પણ એ બાબતે શું થઈ શકે?
‘નક્કી કરી લો તો નાનજિંગ જવાય’ એવી એક કહેવત ચીનમાં પ્રચલિત હતી. એ મુજબ ચાઉમાઉના કેટલાક વફાદાર વિજ્ઞાનીઓએ નક્કી કરી લીધું કે આ અરીસાનું કંઈક કરવું. એટલે કે એને એવા બનાવવા કે એમાં માત્ર ને માત્ર ચાઉમાઉની છબિ જ દેખાય.
એ હકીકત હતી કે ચીન પ્રાચીન કાળમાં વિજ્ઞાન ક્ષેત્રે બહુ આગળ હતું. પતંગ, ફાનસ, ચોપસ્ટીક જેવી શોધો ચીની વિજ્ઞાનીઓએ કરી હોવાનો દાવો હતો. એ વખતે અલાયદો વિજ્ઞાન વિભાગ નહોતો. ‘સંસ્કૃતિ અને પરંપરા મંત્રાલય’નો તે હિસ્સો હતું. કાળક્રમે સંસ્કૃતિ અને પરંપરા લુપ્ત થતાં ચાલ્યાં અને બાકી રહી ગયું વિજ્ઞાન. આથી આપોઆપ જ વિજ્ઞાનનું મહત્ત્વ વધી ગયું. ચાઉમાઉના રાજમાં વિજ્ઞાન મંત્રાલયનું મુખ્ય કાર્ય એ શોધવાનું હતું કે વિશ્વભરમાં થઈ ચૂકેલા ભૂતકાળના તમામ આવિષ્કાર સૌથી પહેલાં ચીનમાં થઈ ચૂક્યા હતા. આ કારણે વિજ્ઞાન મંત્રાલયના કાર્યાલયની બહાર સ્ટરોઈડનાં ઈન્જેક્શનોનાં પુષ્કળ ખોખાં પડેલાં જોવા મળતાં.
આટલો સશક્ત વિભાગ હોવા છતાં એ હકીકત હતી કે આ વિજ્ઞાનીઓ એવો અરીસો શોધી શક્યા નહોતા કે જે કેવળ રાજાની જ છબિ દેખાડે. ચીનમાં એવી પણ એક કહેવત હતી કે જ્યાં ન પહોંચે વિજ્ઞાની, ત્યાં પહોંચે અજ્ઞાની. સૌ જાણે છે એમ કહેવતોમાં સૈકાનું શાણપણ સમાયેલું હોય છે. એ ન્યાયે એક પ્રબુદ્ધ જેવા દેખાતા અબુધ નાગરિકે આ વિજ્ઞાનીઓને કહ્યું, ‘અલ્યા, તમે બધા મોટા વિજ્ઞાની થયા, પણ તમને એ ખબર છે કે જે દિવસે વાંસના છોડને લીલું પર્ણ ફૂટે એ દિવસે સરકાર દ્વારા રજા જાહેર થવી જોઈએ.’ વિજ્ઞાનીઓ આ વાતને સાંભળી ન સાંભળી કરીને સ્ટરોઈડના દ્રાવણમાં લાલપીળો રંગ ઉમેરતા રહ્યા. પેલા પ્રબુદ્ધ જેવા અબુધે આગળ કહ્યું, ‘પાન્ડાનું નવજાત બચ્ચું જ્યારે વાંસના કૂણા પર્ણને તોડે ત્યારે અદ્ભુત કવિતા રચાય છે.’
આમ છતાં, વિજ્ઞાનીઓ સફેદ એપ્રન પહેરીને કામ કરતા રહ્યા. પોતાની સરેઆમ અવગણના પેલા પ્રબુદ્ધ-અબુધ માટે નવાઈની ઘટના નહોતી. પણ એ અવગણના રાજા દ્વારા કરાતી હોવાથી તેઓ તેને ‘શાહી અવગણના’ તરીકે ઓળખાવતા. ચીનના બે બદામના વિજ્ઞાનીઓ પોતાની અવગણના કરે એ કેમ સાંખી લેવાય? આથી એ પ્રબુદ્ધ-અબુધે સહેજ જોરથી કહ્યું, ‘હે અભિમાની વિજ્ઞાનીઓ, તમને શું લાગે છે? હું અહીં રેડિયો પર બોલી રહ્યો છું? મારી એકે વાતમાં તમે હોંકારો કેમ નથી ભણતા!’
આ સાંભળતાં જ બે વિજ્ઞાનીઓ એકબીજા સામે જોઈને મલકાયા. આ પ્રબુદ્ધ-અબુધે અનાયાસે તેમને ‘યુરેકા’ ક્ષણની ભેટ ધરી દીધી હતી. વિજ્ઞાનીઓ ભલે બે બદામના હતા, પણ ચાઉમાઉની નિકટના વર્તુળમાં હતા. ચાઉમાઉ પોતાની નિકટના વર્તુળમાં હંમેશાં પોતાનાથી વધુ ‘ઊંચા’ લોકોને રાખતો.
બીજા દિવસે સવારે રોજિંદા ક્રમમાં બન્ને વિજ્ઞાનીઓ ચાઉમાઉ સાથે ચા પીવા ગયા. ચા તો બહાનું હતું. ખરો હેતુ તો એ બહાને ગપાટા મારવાનો એટલે કે ચર્ચા કરવાનો હતો. ચાઉમાઉ સાથે ચર્ચા કરવી એટલે એકોક્તિના શ્રોતા બની રહેવું. એ સવારે પહેલી વાર પેલા વિજ્ઞાનીઓ કશુંક બોલ્યા. તેમણે રાજાને કંઈક કહેવાનું હતું. કોઈકે કશું કહ્યું હોય એવી ઘટના ક્યારેક રાજમાં બનતી, પણ એ કહેવાયેલું ચાઉમાઉએ સાંભળ્યું હોય એવી ઘટના જવલ્લે બનતી.
કેવળ રાજાની છબિ જ દેખાય એવો અરીસો એ વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યો હતો.
એમાં નાનકડો ફરક હતો અને તે એ કે રાજાની છબિ એ અરીસામાં દેખાવાની નહીં, સંભળાવાની હતી. આમ કરીને વિજ્ઞાનીઓએ એક તીરથી બે ડ્રેગન માર્યાં હતાં. રાજાની એકોક્તિ સાંભળવાના ત્રાસમાંથી તેમણે પોતે મુક્તિ મેળવી લીધી હતી. પણ પોતાને થતા ત્રાસનું તેમણે રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું. વિજ્ઞાનીઓ અને રાજાની એ મુલાકાત પછી રાજા દરરોજ સવારે રેડિયો પર એકોક્તિ કરવા લાગ્યો. હવે સાહિત્યવિભાગ હરકતમાં આવ્યો. તેમને લાગ્યું કે આવી લલિતેકોક્તિ સાવ હવામાં વહી જાય એ ઠીક નહીં. એનું કશુંક શિર્ષક રાખવું જોઈએ. રાજ્યાશ્રિત સાહિત્યકારોનું એ જ કામ હતું. પોતાની પ્રતિષ્ઠાને અનુરૂપ તેમણે એ કાર્યક્રમનું નામ આપ્યું ‘પાન્ડા કી લાદ’.
એ પછી શિક્ષણવિભાગ સક્રિય બન્યો. તેમણે આદેશ કાઢ્યો કે દરેક શાળામાં આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને ફરજિયાત સંભળાવવામાં આવે. વિદ્યાર્થીઓની સંખ્યા શાળામાં આમેય પાંખી હતી. એ હવે શૂન્ય થઈ ગઈ. એનો અર્થ એ નહીં કે વિદ્યાર્થીઓએ ભણવાનું છોડી દીધું હતું. હવે તેઓ અફઘાનિસ્તાન, બર્મા, તાજિકિસ્તાન, કિર્ગિઝીસ્તાન જેવા દેશોની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ લઈને ત્યાં ભણવા લાગ્યા. એવું નહોતું કે આ દેશોમાં શિક્ષણનું સ્તર બહુ ઊંચું હતું કે અભ્યાસનો ખર્ચ ઓછો હતો. મુખ્ય કારણ એ હતું કે આ દેશોમાં ચીનનું રેડિયો પ્રસારણ પકડાતું નહોતું.
ચાઉમાઉના રાજમાં લોકોને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)