Monday, September 11, 2023

હિન્દી સાહિત્ય વિષે વાતચીત: જો ડૂબા સો પાર

"તમે અમારા વિદ્યાર્થીઓ સમક્ષ 'રાગ દરબારી' વિશે વાત કરવા આવો ને!" ગુતાલ માધ્યમિક શાળાના સન્નિષ્ઠ શિક્ષક અને મિત્ર પારસ દવે દ્વારા થોડા દિવસો અગાઉ આવું સૂચન થયું. મેં કહ્યું, "રાગ દરબારી' વિશે વાત કરવાની મને મઝા જ આવે, પણ તમારે ત્યાંના છોકરાંને હું અત્યારે એના વિશે કહેવા નથી માંગતો. કેમ કે, એમાં છેવટે સૂર નિરાશાનો છે." આમ કહીને મેં પૂછ્યું, "તમે શા માટે 'રાગ દરબારી' વિશે વાત થાય એમ ઈચ્છો છો?" પારસે કહ્યું, "મુખ્ય આશય વિદ્યાર્થીઓને હિન્દી સાહિત્યથી અવગત કરાવવાનો છે." "તો પછી એમ જ કરીએ ને!" મેં કહ્યું. આમ, આવો એક કાર્યક્રમ યોજવાનું નક્કી થયું. એ ક્યારે ગોઠવવો એ તેમણે જોવાનું હતું, પણ આ વખતે એક ફરક હતો. અત્યાર સુધી ગુતાલની આ શાળામાં મેં કાર્ટૂન વિશેના ત્રણ કાર્યક્રમ કર્યા છે. (કાર્ટૂન શી રીતે માણવા, વ્યંગ્યચિત્રોમાં ગાંધી અને કાર્ટૂન શિબિર) અહીંનો વિદ્યાર્થી સમુદાય એકદમ સજ્જ અને સંવેદનશીલ છે. ભાઈ પારસે આ તમામ વિદ્યાર્થીઓમાંથી ત્રીસેકને અલગ તારવીને એમના માટે વધુ સઘન કામ કરવાનું વિચાર્યું છે. આથી આ કાર્યક્રમ મારે એ ત્રીસ વિદ્યાર્થીઓ માટે કરવાનો હતો. અહીં મોટી નિરાંત એ કે કાર્યક્રમનું માળખું આપણે જ નક્કી કરવાનું હોય. એ શી રીતે કરવું એની ઝંઝટમાં પડવાને બદલે નક્કી કર્યું કે હિન્દી સાહિત્ય વિશે અલકમલકની વાતો કરીશું. મેં કહ્યું, "પણ મારીય એક અપેક્ષા છે. આવનાર દરેક વિદ્યાર્થી એક એક હિન્દી/ઉર્દૂ સર્જકનું નામ લખી લાવે અને કોઈ એક કૃતિનું નામ પણ. અને જે એ ન લાવી શકે એ એમ કહે કે પોતે નથી લાવ્યો.'

કાર્યક્રમ રજાના દિવસે હતો. છતાં તમામ વિદ્યાર્થીઓ આવ્યા હતા. અમે વર્તુળ બનાવીને બેસવાનું જ નક્કી કર્યું, જેથી સ્વરૂપ અનૌપચારિક અને વાતચીતનું જળવાઈ રહે, તેમજ બોલનાર, સાંભળનાર સૌ પરિઘમાં રહે અને કેન્દ્રમાં મુખ્ય વિષય જ રહે. ગુજરાતી ખંડમાં વિવિધ ગુજરાતી સર્જકોના ચિત્રો અને પંક્તિઓ જોવા મળતા હતા. તેને કારણે આ સૌની છત્રછાયામાં બેસવાની અનુભૂતિ થતી હતી.


બહેન વૈશાલીએ એના મીઠા અને હલકદાર કંઠે 'વૈષ્ણવજન તો..' ગાયું એ કાર્યક્રમનો આરંભ. તેના સ્વરની મધુરતા અને જે રીતે એ પંક્તિને છોડે છે એની નાનકડી ઝલક સાવ ટૂંકી વિડીયો ક્લીપમાં ખાસ સાંભળવા અનુરોધ.


એ પછી વર્તુળમાં બેઠેલા વિદ્યાર્થીઓ વારાફરતી એક એક સર્જકનું નામ અને કૃતિનું નામ બોલતા ગયા. એમાં અમીર ખુસરો, તુલસીદાસ, કબીર, રહીમથી લઈને હરિવંશરાય બચ્ચન, 'નિરાલા', 'દિનકર' જેવાં નામો સાંભળીને સુખદ આશ્ચર્ય થયું.
આ રાઉન્ડ પત્યા પછી વાત શરૂ થઈ. હિન્દવી, હિન્દુસ્તાનીથી શરૂ કરીને કેવી કેવી બોલીઓ તેમાં ભળતી ગઈ, અને એને કારણે કેવું કેવું સાહિત્ય સર્જાતું ગયું એની વાત સહજપણે નીકળતી ગઈ. વિદ્યાર્થીઓ સુધી એ બરાબર પહોંચી રહી હોવાનું અનુભવાઈ રહ્યું હતું. વચ્ચે વચ્ચે પારસ પણ પોતાના વિદ્યાર્થીઓની ચકાસણી કરી રહ્યા હતા.


કૃષ્ણ ચન્દરની 'એક ગધે કી આત્મકથા'માં ગધેડો પોતાનો પરિચય આપે છે એ ફકરાનું પઠન કર્યા પછી એમાં કેવો રાજકીય વ્યંગ્ય છે એની વાત થઈ. અમીર ખુસરોની રચના પણ આવી અને બચ્ચનની 'મધુશાલા'ની અમુક પંક્તિઓ પણ. વાજિદ અલી શાહની રચના 'બાબુલ મોરા નૈહર છૂટ હી જાય'ને યાદ કરી. ભગવતીચરણ વર્માની 'ચિત્રલેખા'- તેની પરથી બનેલી બે ફિલ્મ, હરિવંશરાય બચ્ચનની ચાર ભાગની આત્મકથા, કૃષ્ણ ચન્દરની 'બોરબોન ક્લબ' જેવી કૃતિઓ ઉપરાંત હિન્દી હાસ્ય કવિતાઓના પ્રકાર વિશે વાત થઈ. હિન્દી/ઉર્દૂ શબ્દો શીખવા માટે ફિલ્મનાં ગીતોનું માધ્યમ કેવું અસરકારક છે એ પણ આવ્યું.


આવી ને આવી વાતોમાં બે કલાક ક્યાં પસાર થઈ ગયા એની સરત ન રહી. વાતના સમાપનમાં કાકા હાથરસીનો પરિચય આપ્યો અને એમના સંગ્રહમાંથી કોઈ પણ એક પાનું ખોલીને જે નીકળી એ હાસ્યકવિતાના પઠન સાથે કાર્યક્રમ પૂરો કર્યો.
વિદ્યાર્થીઓ સાથે આ રીતે સંવાદ સધાય ત્યારે ઘણું શીખવા મળે છે. આ અવસ્થાની તેમની મનોભૂમિ કશુંક ઝીલવા માટે તત્પર હોય છે. એવે વખતે તેમાં શું રોપવું એ વક્તાની જવાબદારી પણ છે અને નિસ્બત પણ. 'આ તો તમને નહીં ખબર હોય!', 'આના માટે તમે બહુ નાના છો!'ના અભિગમને બદલે તેમને યોગ્ય દિશા ચીંધવી એ મહત્ત્વની બાબત છે. આથી જ આવા સ્થાનોએ વક્તવ્યને બદલે સંવાદ વધુ અસરકારક બની રહે છે.
આપણી આભાસી વિદ્વત્તાથી સામેવાળાને આંજવાને બદલે તેમની ભૂમિકાએ જઈને સંવાદ સાધવાનો પ્રયત્ન હંમેશાં ફળદાયી બની રહે છે. આવા શિક્ષક અને આવા વિદ્યાર્થીઓ હોય ત્યારે તો ખાસ. આવી તક મળે છે એનો આનંદ છે, પારસ જેવા શિક્ષકો આવી તક ઊભી કરતા રહે છે એ બદલ તેમને ખાસ અભિનંદન.

(તસવીર સૌજન્ય: પારસ દવે)

Sunday, September 10, 2023

અર્પણનો આનંદ

દરેક પુસ્તકના આરંભે તેમાં અર્પણનું એક પાનું હોય છે, જેમાં લેખક યા સંપાદક દ્વારા જે તે પુસ્તક કોઈને અર્પણ કરવામાં આવ્યું હોય છે. આ એક પ્રકારની ભાવનાત્મક ચેષ્ટા છે. કેમ કે, તેના માટે એક આખું પાનું ફાળવવામાં આવે છે. તેનું મહત્ત્વ કદાચ વાંચનારને મન, કે પ્રકાશકને મન એટલું ન પણ હોય એમ બને.

આ કારણે જ પુસ્તક કોને અર્પણ કરવું એ બાબતે લેખકના મનમાં કેટલીક બાબતો સ્પષ્ટ હોય છે. પુસ્તકના વિષય, તેની અંદરની સામગ્રી સાથે તે સંબંધિત હોઈ શકે, યા પોતાના જીવનમાં અગત્યની હોય એવી વ્યક્તિને પણ તે અર્પણ કરાયું હોઈ શકે. એમાંય પહેલવહેલું પુસ્તક હોય ત્યારે આ અવઢવ ઘણી બધી હોય છે.
જો કે, મારી બાબતે એમ નહોતું. અત્યાર સુધીના મેં લખેલા પુસ્તકો મને સોંપાયેલા કામ જેવા હતા, જેથી તે કોને અર્પણ કરવું એ મને કામ સોંપનારની ઈચ્છાને આધિન હતું. તેમાં અલબત્ત, મારા સૂચનો રહેતાં. 'ગુર્જરરત્ન' પુસ્તકનું મહત્ત્વ મારા માટે ભાવનાત્મક હતું. મને લેખનક્ષેત્રે લાવવામાં જેમનું મોટું પ્રદાન છે એ ગુરુ રજનીકુમાર પંડ્યા, મારી જીવનસફરનો અભિન્ન જોડીદાર ઉર્વીશ કોઠારી, જીવનસંગિની કામિની કોઠારી કે મારા મમ્મી-પપ્પાનું નામ પહેલું સૂઝે. પણ એવું ન બન્યું. આ પુસ્તક અર્પણ કરવા માટે મારા મનમાં પહેલેથી, એટલે કે પુસ્તક તૈયાર થયું નહોતું ત્યારનું એક નામ નક્કી હતું.
ડાહીબહેનને અર્પણ કરાયેલું પુસ્તક 
સૌથી નવાઈની વાત એ હતી કે તેમની સાથેનો કુલ પરિચય માંડ ચારેક વરસનો જ રહ્યો. રૂબરૂ મુલાકાત માત્ર ને માત્ર એક જ વાર થઈ. આમ છતાં, લગભગ હક્કદાવે તેમણે આ પુસ્તકના અર્પણ સંબંધે મારા મનમાં સ્થાન કાયમ કરી લીધું હતું. એ હતાં કુકેરીના ડાહીબેન પી. પરમાર. તેઓ આ પુસ્તક જોવા માટે હયાત નથી, પણ મને ખાત્રી છે કે તેઓ હોત તો પુસ્તક વાંચીને તરત ફોન આવ્યો હોત, "બીરેનભાઈ, તમને હું કેઉં...! તમે મારા વિશેનો લેખ આમાં ની મૂક્યો હોત તો ની ચાલત?"
લેખમાં લખ્યું છે એ જ દોહરાવું તો - આવા વાચકોને લેખકોની હોય, એના કરતાં વધારે ગરજ લેખકોને આવા દુર્લભ વાચકોની હોય છે. વધુ ખુશીની વાત એ છે કે ડાહીબેન સાથેનો સંબંધ તેમનાંં પરિવારજનો સુધી પણ વિસ્તર્યો છે.
(પુસ્તક ઓનલાઈન મંગાવવા માટેની લીન્ક https://www.instamojo.com/.../fbb5b436a8e74a7ae942a1b883.../
અથવા વ્હોટ્સેપ નંબર: 98252 90796/ કાર્તિક શાહ)



પુસ્તકનો અનુક્રમ 
પુસ્તકમાંના લેખનું પહેલું પાનું 


Friday, September 8, 2023

પ્રિય કાર્ટૂનિસ્ટની વિદાય

 પ્રિય કાર્ટૂનિસ્ટ અજિત નિનાનના અવસાન બિનીત મોદી દ્વારા મળ્યા ત્યારે હળવો આંચકો અનુભવાયો. માત્ર 68 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી મૈસૂર ખાતે થયેલું તેમનું અવસાન મારા જેવા તેમના અનેક પ્રેમીઓ માટે આંચકાસમાન હશે.

નીલભ બેનરજી દ્વારા અજિતને અંજલિ 
તેમનાં કાર્ટૂનોનો પહેલવહેલો પરિચય 'ઈન્ડિયા ટુડે' દ્વારા, આશરે 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં થયો હશે. એમાં તેઓ કાર્ટૂન ઉપરાંત ઈલસ્ટ્રેશન પણ દોરતા. કદાચ રંગીન કાર્ટૂનો મેં પહેલવહેલા અજિત નિનાનનાં જ જોયાં હશે. એકદમ સફાઈદાર ચિત્ર, લસરકા નહીં, પણ સાફ રેખાઓ અને એકદમ ડિટેલ ધરાવતી પૃષ્ઠભૂમિ તેમની શૈલીની વિશેષતા કહી શકાય. તેમની બીજી વિશેષતા એ હતી કે તેમનાં કાર્ટૂનમાં કદી તેમની સહી જોવા મળતી નહીં. આને કારણે તેમનાં પૉકેટ કાર્ટૂનો લોકો આર.કે.લક્ષ્મણના નામે ફેરવતા. મારા પર આવા અનેક મેલ સ્વજનો દ્વારા મોકલાતા અને હું શક્ય એટલા તમામને જાણ કરતો કે તેમણે મને લક્ષ્મણના નામે જે કાર્ટૂન મોકલ્યાં છે એ હકીકતે અજિત નિનાનનાં છે. (હિન્‍દીમાં તેમનું નામ 'નૈનન' લખાતું.)



Just like that શિર્ષકથી તેમનાં પૉકેટ કાર્ટૂન આવતાં. 'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'માં તેમનાં પૉકેટ કાર્ટૂન તેમજ ઈલસ્ટ્રેશન છપાતાં, પણ તેઓ એમાં મુખ્ય કાર્ટૂનિસ્ટ ન બન્યા. કારણ ખબર નથી. 'Ninan's word' અને 'Like that only' ઉપરાંત 'ટાઈમ્સ'માં અજિત નિનાનની બીજી મહત્ત્વની શ્રેણી 'i-toons'ની કહી શકાય, જેમાં તેમની સાથે સુનિલ અગ્રવાલનું નામ પણ છપાતું. એમ માનું છું કે આઈડિયા સુનિલના હશે અને કાર્ટૂન અજિત બનાવતા હશે. અજિત નિનાનનાં પુસ્તકો હોવાં જોઈએ એનાથી ઘણા ઓછા છે. સુદીપ ચક્રવર્તી સાથે તેમણે સંપાદિત કરેલું 'The India Today Book of cartoons' અને જગ સુરૈયા સાથે 'Like that only' એમ બે જ પુસ્તકો તેમના નામે બોલે છે.



'ટાર્ગેટ' નામના બાળસામયિક માટે તેમણે 'ડિટેક્ટીવ મૂછવાલા' નામના પાત્રની ચિત્રપટ્ટી તૈયાર કરેલી.
(ડાબે) અજિત નિનાન અને વી.જી.નરેન્‍દ્ર, અજિતે સર્જેલું 
ડિટેક્ટીવ મૂછવાલાનું પાત્ર 

મારી દૃષ્ટિએ અજિત નિનાને ખેડેલો સૌથી મહત્ત્વનો પ્રકાર એટલે કાર્ટૂનનું ક્રમિક રૂપાંતરણ. 'poli tricks' શિર્ષક હેઠળ તેઓ 'ટાઈમ્સ'માં, 2009ની ચૂંટણીઓ દરમિયાન નિયમીતપણે આ કરતા. એક રાજનેતાના ચહેરાનું ચાર તબક્કામાં કોઈ એવી ચીજમાં તેઓ રૂપાંતર કરી દેતા કે નવાઈ લાગે. એમાં એક પણ શબ્દ લખ્યા વિના તેઓ પોતાને કહેવું છે એ જણાવી દેતા. જેમ કે, કરુણાનિધિના ચહેરાનું કાચિંડામાં રૂપાંતર, અરવિંદ કેજરીવાલના ચહેરાનું લોંકડીમાં રૂપાંતર, મુલાયમસિંહ યાદવનું સાયકલમાં રૂપાંતર, મનમોહનસિંહના ચહેરાનું દલાલ સ્ટ્રીટની ઈમારતમાં રૂપાંતર વગેરે...




તેમના કાર્ટૂનમાં શબ્દો ઘણા ઓછા રહેતા. તેઓ ચિત્ર થકી પોતાની વાત રજૂ કરવામાં પાવરધા હતા. પ્રમાણમાં નાની વયે વિદાય લીધેલા આ પ્રિય કાર્ટૂનિસ્ટને શ્રદ્ધાંજલિ.

Wednesday, September 6, 2023

શિક્ષકદિને શિક્ષકો સાથે કેળવણીના પુસ્તક વિશેની વાત

પુસ્તક વિશે વાત કરવાની હોય તો મજા આવે. એમાંય એ પુસ્તક પોતાનું લખેલું હોય તો પૂછવું જ શું? અગાઉ 13 જૂન, 2023ના રોજ ભૂજના શિક્ષણવિદ હરેશ ધોળકીયાના હસ્તે જેનું વિમોચન થયું હતું એ 'કેળવણીનો કર્મયોગ' પુસ્તક ભરુચની અ‍ૅમિટી સ્કૂલની 37 વર્ષની કેળવણીની સફરનો આલેખ છે. આ દિવસોમાં હું લદાખના પ્રવાસે હોવાથી મારા માટે 'હતો એ મારો જ અવસર ને મારી હાજરી નહોતી' જેવો ઘાટ સર્જાયેલો. પ્રવાસેથી પાછા આવ્યા પછી અ‍ૅમિટીની મુલાકાત લેવાની ઘણી ઈચ્છા હતી, પણ સમયસંજોગોનો મેળ પડતો નહોતો. અ‍ૅમિટીના રણછોડભાઈ શાહ સાથે આ ગાળામાં વાત અવારનવાર થતી રહેતી, અને તેઓ પણ આવવાનો આગ્રહ કરતા, છતાં ગોઠવાતું નહોતું. આખરે એ ગોઠવાયું. ના, એમણે એ ગોઠવ્યું. અને દિવસ પસંદ કર્યો 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષકદિનનો.

કાર્યક્રમ શો? તો મારે ત્યાં આવીને શિક્ષકો સમક્ષ મારા દ્વારા જ લખાયેલા આ પુસ્તકની સામગ્રી અને લેખનપ્રક્રિયા વિશે વાત કરવી. મોટા ભાગના શિક્ષકો અંગ્રેજી માધ્યમના હોવાથી એમાંના ઘણાએ પુસ્તક જોયું હોય ખરું, પણ વાંચી ન શકાયું હોય એ પૂરેપૂરી શક્યતા. અત્યાર સુધીના અનુભવે એટલું સમજાયું છે કે કોઈ પણ સર્જનપ્રક્રિયાની વાત યોગ્ય રીતે કહેવાય તો સૌને એમાં રસ પડતો હોય છે.
એ મુજબ સવારે ઉત્પલભાઈ સાથે ભરૂચ પહોંચી ગયો. અ‍ૅમિટીમાં જાઉં ત્યારે ત્યાંના ક્રમ અનુસાર પહેલાં સૌની સાથે હળવામળવાનું, એ પછી કોર ગૃપ (વિવિધ વિભાગના આચાર્ય/આચાર્યા) સાથે ચા-નાસ્તાનો દોર અને પછી કાર્યક્રમ તરફ.

અ‍ૅમિટીની પ્રણાલિ અનુસાર સ્વાગતનોંધ

શિક્ષકદિન હોવાથી સૌ શિક્ષકો ઉત્સાહમાં હતા. તેમણે નાનાનાના અને હળવાશથી ભરપૂર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રીનાબહેન તિવારીએ ભૂમિકા બાંધીને ઔપચારિક આરંભ કર્યા પછી શિક્ષકોના જૂથે વિવિધ કાર્યક્રમો રજૂ કરીને વાતાવરણ હળવું બનાવી દીધું.

રીનાબહેન તિવારી દ્વારા પૂર્વભૂમિકા

શિક્ષકોએ કરેલી વિવિધ રજૂઆત પૈકીની એક 
એ હળવાશ જાળવી રાખીને મારે પુસ્તક વિશે વાત કરવાની હતી. પુસ્તકની સામગ્રી વિશે, એની પ્રક્રિયા વિશે તો વાત થઈ, પણ મને સૌથી વધુ મજા એના લે-આઉટ ડિઝાઈન વિશે વાત કરવામાં આવી. એમાં કેવી ઝીણી ઝીણી બાબતો અંગે અમે માથાકૂટ કરતા અને પરિણામ મળે ત્યારે કેવો આનંદ થતો એ બધી વાતો તાજી કરી. પુસ્તકના આલેખન દરમિયાન સામગ્રી શી રીતે મળતી ગઈ, પુસ્તકનું સ્વરૂપ શી રીતે ઘડાતું ગયું, એમાં જરૂરી કાટછાંટ થતી ગઈ તેની વિગતો વિસ્તારથી જણાવી. સામે પક્ષે શ્રોતાવર્ગ એવો સંવેદનશીલ હતો કે વાત તેના પૂરા ભાવ સાથે પહોંચતી હોવાનું અનુભવાતું હતું.

પુસ્તકની સામગ્રી અને સર્જનપ્રક્રિયા વિશે વાત 

મારા વક્તવ્ય પછી રણછોડભાઈએ મારી ભૂમિકા વિશે વધુ જણાવ્યું, તો સરોજબહેન રાણા અને પ્રકાશભાઈ મહેતાએ પણ સર્જનપ્રક્રિયાની વાતમાં આપૂર્તિ કરી.

પુસ્તકપ્રક્રિયાની બાકીની વિગતો આપતા રણછોડભાઈ શાહ
પુસ્તક વિશે વધુ વાત કરી રહેલાં સરોજબહેન
પુસ્તક વિશેની કેટલીક વાત કરતા પ્રકાશભાઈ મહેતા
શાળાના સદાયના શુભેચ્છક ઋષિભાઈ દવે સમગ્ર કાર્યક્રમ દરમિયાન અને એ પછી પણ સાથે હતા. સૌએ સાથે ભોજનનો આનંદ માણ્યો. એ પછી પણ બેસીને વાતો કરી.
અ‍ૅમિટીના આત્મીય અને પોતીકા લાગતા વાતાવરણમાં, તેની જ સફર વિશે, ત્યાંના શિક્ષકો સમક્ષ અનૌપચારિક રીતે પુસ્તકની સર્જનપ્રક્રિયા વિશે વાત કરવાની તક મળી એ એક વિશેષ યાદગીરી બની રહી.

(તસવીર સૌજન્ય: Amity Educational Campus Bharuch)