આમચીનું આતિથ્ય
હુન્દર (લદાખ)થી સવારનો નાસ્તો પતાવીને અમે પેન્ગોન્ગ ત્સો (સરોવર) તરફ નીકળ્યા. ઢળતી બપોરે પહોંચ્યા અને સાંજ ત્યાં ગાળી. રાત પણ ત્યાં જ રોકાવાનું હતું, પણ તેને કિનારે મુંબઈની ચાલીની જેમ તંબૂઓની હારમાળા જોયા પછી એ વિચાર માંડી વાળ્યો. નક્કી કર્યું કે સહેજ આગળ બીજા કોઈક ગામમાં રોકાઈશું. પેન્ગોન્ગનો પ્રવાસીઓવાળો કિનારો છોડીને અમે આગળ વધતા ગયા એમ પેન્ગોન્ગ અમારી સાથે જ લંબાતું ગયું. તેમાં પાંચથી છ પ્રકારના રંગોની ઝાંય જોવા મળે છે. પ્રવાસીઓવાળો કિનારો છોડ્યા પછી પર્વતીય રસ્તા પરના વળાંકો પર અમે આવ્યા એમ જાણે કે પેન્ગોન્ગ પણ એની ખૂબસૂરતી નિખારતું જતું હોય એવું લાગતું હતું. જો કે, પેન્ગોન્ગને કિનારે વાતો બર્ફીલો પવન હાડ થિજાવી દે એવો હતો. એમાંય ઈશાન તો તેના પાણીમાં ઊભો રહીને તસવીરો લેતો હતો. તેના પગ જાણે કે બહેર મારી જતા હતા.
પેન્ગોન્ગ ત્સોમાં ઉભા રહીને તસવીરો લઈ રહેલો ઈશાન |
પેન્ગોન્ગના પાણીમાં દેખાતા અદ્ભુત રંગ |
ઠંડી સખત લાગતી હતી. ભોજન પેલા સજ્જનના રસોડામાં જ તૈયાર થવાનું હતું. ત્યાં સુધી રાહ જોવી આકરી લાગતી હતી. આખા દિવસની રઝળપાટ પછી ભૂખ એવી ભયાનક લાગતી કે ભોજન પીરસાય ત્યારે તમામ શિષ્ટાચાર બાજુએ મૂકીને સૌ એની પર તૂટી પડતાં. એ વખતે એવો વિચાર સુદ્ધાં ન આવતો કે આપણે આપણા રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ.
પરેશ એ સજ્જનના રસોડે પહોંચી ગયો. સાથે અમારો ડ્રાઈવર તાશી પણ. તેમણે શાકભાજી ફોલવામાં મદદ કરી. સાથેસાથે પેલા સજ્જન સાથે વાતો પણ ચાલુ કરી. તેઓ વાતોડિયા હતા અને હસમુખા પણ. મારી હજી બહાર નીકળવાની હિંમત નહોતી એટલે હું રૂમની બારીમાંથી પેન્ગોન્ગનો નજારો માણી રહ્યો હતો.
ભોજનનો કોલ આવ્યો. રૂમમાંથી બહાર નીકળીને રસોડા સુધી જવામાં પણ થીજી જવાશે એમ લાગતું હતું. અમે લગભગ દોડીને એ સજ્જનના ઘરમાં પ્રવેશ્યા. આગળનો ખંડ વટાવીને રસોડામાં પ્રવેશ્યા એ સાથે જ ગરમાવાનો અનુભવ થયો. એ ઓરડો એટલો હૂંફાળો હતો કે અમને થયું કે જમીને બહાર નીકળવાને બદલે અહીં જ સૂઈ જઈએ. 'જુલે!' કહીને અમે તેમનું અભિવાદન કર્યું.
પેલા સજ્જન અને એમનાં પત્નીએ મળીને મસ્ત ભોજન તૈયાર કર્યું હતું. તેમણે તપેલા, કેસરોલ વગેરેમાં બધું અમારી સામે મૂકી દીધું. અમે નીચે ગોઠવેલી ગાદી પર પલાંઠી વાળીને ગોઠવાયા. ટીપોય પર થાળીઓ અમે જાતે જ પીરસી. ગરમાગરમ શાક, મગ અને રોટલી સામે હોય પછી ઝાલ્યું રહેવાય? ભોજનના સહુએ વખાણ કર્યા એટલે પરેશે એ સજ્જનને કહ્યું, 'ભોજન સારું થયું છે એમાં અમારી પણ (શાકભાજી ફોલવાની) મહેનત ખરી.' ખરેખર, આવી ભૂખ હોય ને આવું ભોજન મળે એટલે કહેવું જ શું!
પેટમાં બધું પડવા લાગ્યું એટલે ધીમે ધીમે નજર આખા રૂમમાં ફરવા લાગી. અમારી સામે એક લાંબા કબાટમાં વિવિધ ક્રોકરી સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. ચાર-પાંચ થર્મોસ પણ એમાં હતા. અહીં જોવા મળતા થર્મોસનો રંગ લાલ, લીલો, ભૂરો એમ વિશિષ્ટ હોય છે, અને તેને બહાર લાંબું હેન્ડલ હોય છે.
રસોડાનો શણગાર |
બ્રેકફાસ્ટની રાહમાં |
રૂમમાં વચ્ચોવચ્ચ ચૂલો સળગતો હતો, જેની પર કૂકર મૂકેલું હતું. તેની ચીમની બહાર હતી, આથી રૂમમાં અજબ ગરમાવો લાગતો હતો.
હવે વાતો શરૂ થઈ. એ સજ્જનનું નામ શ્વેંગ આમચી. 'આમચી' એ લદાખી વૈદક પરંપરા છે. આવા વૈદને 'આમચી' કહે છે. મેં તેમની ઉંમર પૂછતાં તેમણે 62 વર્ષ હોવાનું જણાવ્યું અને મારી વય પૂછી. મેં એ 58 હોવાનું કહ્યું એટલે તેમણે હસીને કહ્યું, 'તમારા વાળ સફેદ છે, અને મારે દાંત નથી. એ બાદ કરી દઈએ તો આપણે જુવાન લાગીએ.'
આમચી (ઈશાનને): 'કુછ નહીં હૈ. ઝીલ કા પાની(મુંહ પે) લગાઓ.' |
એમના ઉચ્ચારો સમજાતાં વાર લાગતી હતી, પણ તેમની રમૂજ બરાબર સમજાતી હતી. વાતો કરવાથી તેઓ પણ ખુલવા લાગ્યા હતા.
તેઓ આયુર્વેદના જાણકાર હતા એ જાણી કામિનીએ ઈશાનને કહ્યું, 'તારા ગાલ પરની ફોલ્લીઓ એમને બતાવ.' ઈશાને એમની સમક્ષ ગાલ ધર્યો. તેમણે નિરીક્ષણ કરીને કહ્યું, 'ચિંતા જેવું નથી.' પછી કહે, 'ઝીલ કા પાની લગાઓ.' આ સાંભળીને અમે સૌ હસી પડ્યા. સરોવરના પાણીમાં પગ મૂકતાં ઠરી જવાય એવું છે ને આ મોંએ લગાવવાનું કહે છે! ઈશાને પોતાના હાથમાં પણ કંઈક બતાવ્યું. તેમણે એ ચકાસીને ચિંતા ન કરવા જણાવ્યું.
વાતોની વચ્ચે જમવાનું પણ ચાલુ જ હતું. એ સંપન્ન થયું. હવે જમીને આ ગરમ ઓરડામાંથી બહાર પણ નીકળવાનું છે એ વાત યાદ આવતાં જ પગ પાછા પડતા હતા. છતાં મન કઠણ કરીને અમે બહાર નીકળ્યા.
મેરાકથી દેખાતો પેન્ગોન્ગનો નજારો |
બીજા દિવસે બ્રેકફાસ્ટમાં ગરમાગરમ બ્રેડટોસ્ટ અને થર્મોસ ભરીને ચા અમને પીરસવામાં આવી. એ જ રસોડામાં ભરપેટ બ્રેકફાસ્ટ કરીને અમે અમારી આગળની મુસાફરી શરૂ કરવાની તૈયારી કરી. શ્રીમતી આમચીને અમે 'જુલે!' કહીને નીકળ્યા.
શ્રી આમચી અમને બહાર વળાવવા આવ્યા. અમે સૌ વાહનમાં ગોઠવાયા એટલે તેમણે હાથ હલાવીને અમને વિદાય આપી. નિવાસ તો એક જ રાતનો, અને પરિચય એથીય ઓછો, છતાં જાણે કે કોઈ વહાલા સગાંને ત્યાંથી નછૂટકે વિદાય લઈ રહ્યાં હોઈએ એમ અમને લાગતું હતું.