Sunday, April 16, 2023

આ હરોળ ખાલી કેમ છે?


- રાહુલ રવૈલ
વકીલસિંઘજીએ આગ્રહ રાખ્યો કે અમે પંજાબ આવીએ. આથી અમે અમૃતસર ગયા, અને એરપોર્ટથી શહેર તરફ જતાં રસ્તામાં ઠેરઠેર પાટિયાં જોવા મળ્યાં- 'બૉબી લૉન્ડ્રી', 'બૉબી ટેલર', 'બૉબી બાર્બર', 'બૉબી ફલાણું', 'બૉબી ઢીકણું' અને 'બૉબી બુચર' પણ! 'બૉબી' ખરા અર્થમાં 'કલ્ટ ક્લાસિક' બની ગઈ હતી.
અમે સિનેમા હૉલ પહોંચ્યા, જેમાં 'બૉબી'નું સાતમું સપ્તાહ ચાલી રહ્યું હતું. પણ બહાર ઊભેલું ટોળું ફિલ્મના પહેલા દિવસે હોય એવડું મોટું હતું. બુકિંગ પર 'હાઉસ ફૂલ'નું પાટિયું લગાવેલું હતું.
અમે અંદર ગયા અને બુકિંગ વીન્ડો ખુલ્લી જોઈ. 'હાઉસફૂલ'નું પાટિયું હોવા છતાં બે મહિલાઓ ટિકિટ વેચી રહી હતી. મેં વકીલસિંઘજીને પૂછ્યું, 'આ બે સ્ત્રીઓ કોણ છે?'
એમણે કહ્યું, 'એક તો થિયેટરના માલિકની પત્ની છે અને બીજી એની પુત્રવધૂ છે.'
મેં કહ્યું, 'પણ ફૂલ થઈ ગયેલા શોની ટિકિટો એ શી રીતે વેચી શકે?'
એ બોલ્યા, 'કાળા બજારમાં.'
અમે અંદર પ્રવેશ્યા ત્યારે થિયેટરમાં અતિશય ભીડને લઈને ગૂંગળામણ થાય એવું વાતાવરણ હતું.
મેં કહ્યું, 'ભીડ વધુ પડતી છે. થિયેટરની કેપેસીટી કેટલી છે?'
એ કહે, 'જી, કેપેસીટી ક્યા હોતી હૈ! જિતને લોગ આ જાયે, ઉતની કેપેસીટી.'
મેં કહ્યું, 'સીટોં કા કોઈ નંબર તો હોગા?'
એમણે કહ્યું, 'અરે રાહુલસાબ. કૌન પૂછતા હૈ નંબર ક્યા હોતા હૈ?'
બપોરના ત્રણનો શો હતો અને સવા ત્રણ થઈ ગયેલા, છતાં ફિલ્મ શરૂ નહોતી થઈ. સીટો ભરાઈ ચૂકી હતી, વચ્ચેની જગ્યામાં એકસ્ટ્રા ખુરશીઓ મૂકાયેલી હતી, કેટલાક લોકો એ જગ્યામાં સાંકડમાંકડ ઊભા હતા, કેટલાક ભોંય પર ગોઠવાયા હતા, પણ આ આખા માહોલમાં વચ્ચોવચ એક હરોળ હતી જે ખાલી હતી. એમાં પીઠના ભાગે ગાદીઓ મૂકવામાં આવેલી.
મેં પૂછ્યું, 'આ હરોળ ખાલી કેમ છે? અને ફિલ્મ હજી કેમ શરૂ નથી થઈ?'
તેમણે કહ્યું, 'જો થિયેટર કા માલિક હૈ ઉસકે બચ્ચોં કે સ્કૂલ કા માસ્ટરજી ઔર ઉનકા ખાનદાન અભી તક નહીં આયા. ઉનકે લિયે યે રો ખાલી રખા હુઈ હૈ. ઉનકે આને તક ફિલ્મ શુરુ નહીં હો સકતી.'
વેલકમ ટુ પંજાબી કલ્ચર!
(રાહુલ રવૈલ દ્વારા લિખીત પુસ્તક Raj Kapoor, The Master at work ના એક અંશનો મુક્તાનુવાદ, પ્રકાશક: Bloomsbury, 2021)

Saturday, April 15, 2023

શીરો, સંત અને રાજ કપૂર

 

પોતાનો ધાર્મિક એજન્ડા ચલાવીને નાણાં બનાવતા દંભી 'સાધુસંતો'ને રાજસાહેબ ધિક્કારતા. તેમની આસ્થા કેવળ સર્વશક્તિમાનમાં હતી. એ સમયના એક સંતે (એમનું નામ હું લેવા નથી માંગતો) પોતાનું કામ નવુંસવું શરૂ કરેલું, જેઓ પછી બહુ ખ્યાતનામ બન્યા. તમામ સંતો ખ્યાતનામ બનવા માટે જનસંપર્કનો ઉપયોગ કરે છે અને નિર્દોષ લોકોને પોતાના ભક્ત બનાવવા માટે લલચાવે છે.
આ સંત દ્વારા યોજાયેલા શ્લોકગાનમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ રાજસાહેબને એક સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા મળ્યું. સ્થળ પર પહોંચતાં જ આયોજકોએ અમારું અભિવાદન કર્યું અને અમારી સુવિધા સાચવવા માટે તત્પરતા બતાવીને અમને પ્રથમ હરોળમાં બેસાડવામાં આવ્યા. રાજસાહેબે આસપાસ જોયું અને પૂછ્યું, 'કુર્સી કહાં હૈ?' બાકીના બધા ભોંય પર કે ગાદલાં પર ગોઠવાયેલા હતા, પણ રાજસાહેબને ખુરશી જોઈતી હતી અને તેમણે કહ્યું, 'દો કુર્સી લેકર આઈયે.' હું તેમની સાથે હતો એટલે મને પણ ખુરશી પર બેસવાનો લાભ મળ્યો.
ગાન ચાલી રહ્યું હતું અને તેઓ શીરાનો પ્રસાદ વહેંચાઈ રહ્યો હતો. રાજસાહેબનું ધ્યાન પડ્યું અને કહે, 'પેલો શીરો મજાનો લાગે છે.' પેલા સંત જે ઉપદેશ આપવાના હતા એના કરતાં તેમને શીરામાં વધુ રસ હતો. શીરો વહેંચનાર પોતાના સુધી આવે ત્યાં સુધી તેઓ રાહ જોઈ શકે એમ નહોતા એટલે તેમણે મને કહ્યું, 'જા અને પેલા માણસને કહે કે પહેલો અહીં પીરસે.' આથી હું પેલા માણસ પાસે ગયો અને કહ્યું, 'રાજ કપૂર તમને બોલાવે છે.' મારા શબ્દો સાંભળીને તેની આંખ ચમકી અને તરત જ તે શીરો ભરેલું એક મોટું તપેલું તેમજ બે નાના વાટકા લઈને આવી ગયો. રાજસાહેબ મહા 'ફૂડી' હતા એટલે તેમણે આખું તપેલું જ પોતાના તરફ ખસેડ્યું અને બધો શીરો ઝાપટી ગયા!
એ પછી આયોજકો તેમની પાસે આવ્યા અને તેમને ફૂલહાર પકડાવતાં કહ્યું, 'આપ જાકે બાબાજી કો યે પહના દેના.'
રાજસાહેબ ખુરશી પર બેઠા રહ્યા અને શીરાની લિજ્જત માણતા રહ્યા. આથી મેં તેમને કહ્યું, 'સર, તમારે ઊભા થઈને ત્યાં જઈ આ હાર પહેરાવવો ન જોઈએ?'
'જો, હું રાજ કપૂર છું. આ માણસને પબ્લિસિટી જોઈએ છે. એ એની મેળે ઊભો થશે, અહીં આવશે અને મને હાર પહેરાવશે.' અને ખરેખર આમ જ બન્યું. પેલા સંત ઊભા થયા, રાજ કપૂર પાસે આવ્યા અને તેમના ગળામાં ફૂલહાર પહેરાવ્યો. આમ, બેવડો લાભ થયો. પેલા દંભી સંતને તસવીર લેવાની તક મળી અને રાજસાહેબને શીરાનો લહાવો!
(રાહુલ રવૈલ દ્વારા લિખીત પુસ્તક Raj Kapoor, The Master at work ના એક અંશનો અનુવાદ, પ્રકાશક: Bloomsbury, 2021)

Friday, April 14, 2023

આ કે ફિર ના જાના રે.....

સ્વપ્રસિદ્ધિના આ ઘોર યુગમાં એવા કલાકારોની કલ્પના કરવી અશક્ય લાગે કે જેઓ ખરેખરાં પ્રતિભાશાળી અને પોતાની કારકિર્દીની ટોચે હોવા છતાં પ્રયત્નપૂર્વક પ્રસિદ્ધિથી દૂર રહ્યાં હોય. ખ્યાતનામ ભજનગાયિકા જુથિકા રોયને આ શ્રેણીમાં મૂકી શકાય. એ ઉપરાંત આવાં બીજાં ગાયિકા એટલે શમશાદ બેગમ.

1940થી 1965નો સમયગાળો તેમની કારકિર્દીનો સુવર્ણયુગ કહી શકાય. એ પછી પણ તેઓ સક્રિય રહેલાં. અનેક અદ્ભુત ગીતો પોતાની આગવી શૈલીએ ગાનાર આ ગાયિકાના અવાજની ધાર એટલી તીક્ષ્ણ છે કે એ કોઈ રમતિયાળ ગીત ગાય તો એમાં એમનો અંદાજ એકદમ નિરાળો હોય, પણ દર્દીલું ગીત ગાય તો રીતસર બરછીની જેમ એમનો અવાજ કાનની અને હૃદયની આરપાર નીકળી જાય. 1965 પછી ધીમે ધીમે તેમણે ગાવાનું ઓછું કર્યું, પણ કારકિર્દીની ટોચે હતાં ત્યારેય તેમની એકાદી તસવીર ભાગ્યે જ જોવા મળતી, અને ઇન્ટરવ્યૂ તો લગભગ નહીં. યોગ્ય સમયે ગાયનક્ષેત્રથી દૂર થઈ ગયા પછી તેમના વિશે ભાગ્યે જ કશું સાંભળવા મળતું. આમ છતાં, તેમના કંઠના ઘરેડ ચાહકોને તેમનાં ગીતો વ્યાકુળ કરી મૂકતાં. એક તબક્કો એવો આવ્યો કે તેઓ હયાત છે કે કેમ એ વિશે પણ ભાગ્યે જ કોઈ જાણતું. પ્રસારમાધ્યમોમાં ન ચમકવાને કારણે એમ મનાતું કે હવે તેઓ વિદેહ થઈ ચૂક્યાં હશે. એવે સમયે રજનીકુમાર પંડ્યા તેમને તેમના મુમ્બઈના નિવાસસ્થાને મળ્યા. એ મુલાકાતનો હૃદયંગમ અહેવાલ તેમણે 'જન્મભૂમિ- પ્રવાસી'ની પોતાની કટાર 'શબ્દવેધ'માં આલેખ્યો ત્યારે એ ગાયિકા હજી હયાત છે એની જાણ થઈ. અલબત્ત, રજનીકુમારનો એ લેખ બહુ વિષાદપ્રેરક હતો. શમશાદ બેગમના અંગત જીવનની અને વ્યક્તિગત કારુણી એમાં છલકતી હતી. હું અને ઉર્વીશ આ જ અરસામાં રજનીકુમારના સંપર્કમાં આવેલા. સાથોસાથ અમે મુમ્બઈ જઈને જૂની ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારોને મળવા જવાનું વિચારતા હતા. રજનીકુમારની એક મુલાકાત દરમિયાન તેમણે અમને પોતે લીધેલી શમશાદ બેગમની એક તસવીર ભેટ આપી. એ સાથે જ અમને થયું કે બસ, ગમે એ થાય, શમશાદ બેગમને મળવું. મળીને શું કરીશું? કશું નહીં. બસ, એમનાં દર્શન થાય તો ઘણું. અમારે એમને કશું પૂછવું નહોતું કે નહોતું કશું જાણવું. બસ, તેમના દર્શન કરીને અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવી હતી. તેમનું સરનામું અમારી પાસે હતું એટલે મુમ્બઈની એક મુલાકાત દરમિયાન સાંજના સમયે અમે કોલાબામાં આવેલા તેમના એપાર્ટમેન્ટના ફ્લેટ પર પહોંચ્યાં. ડોરબેલ વગાડ્યો. મુમ્બઈના ફ્લેટની શૈલી અનુસાર ગ્રીલની પાછળ રહેલા બારણાની ડોકાબારી સરકી અને અંદરથી એક મહિલાનો અવાજ આવ્યો, 'કૌન હૈ?' હું અને ઉર્વીશ આ સવાલનો જવાબ તરત નહોતા આપી શકતા, કેમ કે, શું કહેવું? અમે કહ્યું કે અમે શમશાદ બેગમના ચાહક છીએ અને એમને મળવા.... હજી આટલું કહીએ ત્યાં તો અંદરથી કડક અવાજમાં બોલાયું, 'યહાં કોઈ શમશાદ બેગમ નહીં રહતી. આપ જાઈએ!' અને 'ધડામ!' દઈને ડોકાબારી બંધ. કલાકાર સાથે મુલાકાત ન થઈ શકે એવું અમને અપેક્ષિત હતું, પણ 'યહાં કોઈ શમશાદ બેગમ નહીં રહતી' જેવું વાક્ય સાંભળવું અમારા માટે આકરું હતું. અમે નીચે ઉતરીને એક જગ્યાએ ઉભા રહ્યા. અમારો ગુસ્સો વ્યક્ત કર્યો, જેનો ભાવ હતો, 'ભલે ના પાડો, પણ સરખી રીતે ના નથી પડાતી?' બે-પાંચ મિનીટ પછી અમારો ગુસ્સો અને અપમાનબોધ ઓછો થયો એટલે અમે પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યું. એમાં તારણ એ નીકળ્યું કે ગુસ્સામાં જે બહેન બોલેલાં એ એમની દીકરી ઉષા હોવાં જોઈએ, કેમ કે, એમનો અવાજ પણ શમશાદ બેગમના જેવો જ લાગતો હતો. આ તારણ પછી અમે કંઈક સ્વસ્થ થયા અને એટલું તો લાગ્યું કે અમે ખોટે ઠેકાણે નહોતા આવ્યા. પછી અમે ત્યાંથી નીકળ્યા. અમે ધારી લીધું કે બસ, હવે શમશાદ બેગમને મળવાનું ભૂલી જઈએ!
પણ એમ આપણું ધારેલું ઓછું થાય છે! એ પછી વરસો વીત્યાં. ઉર્વીશ અને હું લેખનના ક્ષેત્રમાં પ્રવેશ્યા. રજનીકુમારના સ્વજન સમા બન્યા. અમારું વર્તુળ પણ વિસ્તર્યું. એવે વખતે 2010માં અમદાવાદની 'ગ્રામોફોન ક્લબ'માં શમશાદ બેગમનું આગમન નક્કી થયું. આ ગોઠવણ પણ રજનીકુમાર દ્વારા જ કરવામાં આવેલી. 'ગ્રામોફોન ક્લબ'ના મહેશભાઈ શાહ, મિલન જોશી જેવા પ્રિય સ્વજનો પોતાને ત્યાં આવતા મહેમાનો માટે કાર્યક્રમના આગલા દિવસે ભોજન યોજે છે. તેમણે અમને એમાં આમંત્રિત કર્યા. ઉર્વીશ અને હું તો બરાબર, પણ કામિની, શચિ, ઈશાન, સોનલ અને આસ્થા પણ એમાં સામેલ હતાં. જે શમશાદ બેગમને ઘેરથી અમને તગેડવામાં આવેલા એ શમશાદ બેગમ અમારી સામે જ વ્હીલચેરમાં હાજર હતાં. અમે સૌએ તેમની સાથે યાદગીરીરૂપે તસવીરો લીધી. પણ રજનીકુમારના મનમાં એ વાત સતત ખટકતી હતી કે અમે શમશાદ બેગમને મળી નહોતા શક્યા. શમશાદ બેગમની સાથે તેમના જમાઈ કર્નલ રાત્રા આવેલા. રજનીકુમારે કર્નલને વિનંતી કરીને બીજા દિવસે સવારે એમની હોટેલ પર અમારી મુલાકાત ગોઠવી આપી. આ શુભ પ્રસંગના સાક્ષી બનવા તેઓ પણ ઉપસ્થિત રહ્યા. અમે એવી ધારણા બાંધેલી કે શમશાદ બેગમને હવે ભાગ્યે જ કશું યાદ હશે. અને કદાચ યાદ હોય તો પણ એ અમને જવાબ આપે કે કેમ! આમ છતાં, અમે ગૃહકાર્ય તરીકે આઠ-દસ સવાલ એક ચબરખીમાં લખી રાખેલા. બસ, એના જવાબ મળી જાય તો ગંગા નાહ્યા!
બીજા દિવસે અમે સૌ સમયસર શમશાદ બેગમના હોટેલના ઉતારે પહોંચ્યા. કર્નલે અમને આવકાર્યા અને એક ખૂણે બેઠેલાં શમશાદ બેગમ તરફ આંગળી ચીંધી. રજનીકુમાર કર્નલ સાથે વાતોમાં રોકાયા અને તેમણે અમને બન્નેને શમશાદ બેગમને મળવાની મોકળાશ કરી આપી. સવાલ ઉર્વીશે પૂછવાના હતા, અને મારે હાથમાં સ્થિર પકડી રાખેલા કેમેરામાં એનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું હતું. કેમેરા જોઈને કર્નલ ભડક્યા અને એમણે રેકોર્ડિંગની ના પાડી, એટલે મેં એક વાર કેમેરા બંધ કર્યો અને પછી ફરી ચાલુ કર્યો.
અમારા આશ્ચર્ય વચ્ચે શમશાદ બેગમની સ્મૃતિ ટકોરાબંધ હતી. અમારા એકે એક સવાલના જવાબ તેઓ મોજથી આપતા હતા. વીસ-પચીસ મિનીટમાં આ વાર્તાલાપ પૂરો થયો અને અમે ખરા અર્થમાં 'ઘેર બેઠે ગંગા નાહ્યા'નું પુણ્ય પ્રાપ્ત કર્યું હોય એમ લાગ્યું.
શમશાદ બેગમ હવે તો હયાત નથી, પણ 14 એપ્રિલના રોજ તેમની જન્મતિથિ છે. શમશાદ બેગમની એ મુલાકાત સાથે જ રજનીકુમારની અમારા માટેની નિસ્બત પણ અભિન્ન રીતે સંકળાયેલી છે.
શમશાદ બેગમનાં ગીતોને યાદ કરવા ક્યાં કોઈ દિનવિશેષની જરૂર છે! અમારી એ મુલાકાતનો અહેવાલ ઉર્વીશના બ્લૉગ પર અહીં વાંચી શકાશે .

Thursday, April 13, 2023

વ્યાજના વ્યવસાયમાં ખૂંપેલો નિર્વ્યાજ પ્રેમનો માણસ

 13 એપ્રિલ મારા મિત્ર અજય પરીખનો જન્મદિન છે. જો કે, એનું આ નામ ઉચ્ચારવું તેને ઓળખતા સહુ કોઈને માટે જરા અસહજ છે. એનું પ્રચલિત નામ છે 'ચોકસી'. એનો પેઢીગત વ્યવસાય સોના-ચાંદીના દાગીનાના ધીરધારનો, અને એનો ગ્રાહકવર્ગ પણ મુખ્યત્વે મહેમદાવાદ તાલુકાનો ગ્રામ્ય વર્ગ. એ વર્ગ પણ ઘણોખરો વારસાગત ગ્રાહકવર્ગ. આને કારણે અમારા મિત્રવર્તુળમાં એ મોટે ભાગે મજાકનું કેન્‍દ્ર બની રહે.

અજય અને હું પાંચમા ધોરણથી લઈને બારમા ધોરણ સુધી એક જ વર્ગમાં ભણ્યા- વચ્ચે એક નવમા ધોરણના અપવાદને બાદ કરતાં. આવા અમે કુલ દસેક મિત્રો છીએ. એ પછી તેણે ડિપ્લોમા ઈન મિકેનીકલ એન્જિ. કર્યું. ત્યાર પછી પોસ્ટ ડિપ્લોમા ઈન કમ્પ્યુટર એપ્લિકેશન ભણ્યો. જો કે, એ નક્કી હતું કે તેણે મહેમદાવાદમાં રહેલો પોતાનો પેઢીગત વ્યવસાય સંભાળવાનો છે. પણ કમ્પ્યુટર જ્યારે સહુ કોઈ માટે એક અજાયબી સમાન હતું ત્યારે એ કમ્પ્યુટર લાવેલો, અને તેની પર અમુક સોફ્ટવેર વિકસાવેલા. ગણિત અને એમાંય અંકગણિત એના હાડોહાડમાં ઊતરેલું. અમે શાળામાં ભણતા ત્યારે અમારા ગણિતશિક્ષક મગનભાઈ (પટેલ) સાહેબ કોઈક અઘરા દાખલાની રકમ કે ભૂમિતીની રાઈડર પાટિયા પર લખે અને પછી કહે, "ચાલ અજય, આ ગણ." અને અજય ઊભો થાય, શાંતિથી પાટીયા નજીક જઈને દાખલો ગણવા માંડે. અમારી શાળાના આચાર્ય કાન્તિભાઈ દેસાઈ એક વખત મગનભાઈના વર્ગમાં આવ્યા અને છેલ્લી પાટલી પર ગોઠવાયા. કાન્તિભાઈ સાહેબ પોતે પણ ભૂમિતિના નિષ્ણાત અને ઘણી વાર તેઓ વર્ગ લેવા આવતા. ખાસ્સી વાર બેઠા પછી દેસાઈસાહેબે કહ્યું, "મગનભાઈ, એક રકમ લખો." મગનભાઈએ રકમ લખી. એ લખતાં લખતાં જ એ બોલ્યા, "આ તો અમારો અજય હમણાં જ ગણી બતાવશે. ચાલ, અજય!" અને ખરેખર, અજય ઊભો થયો, બોર્ડ પર લખાયેલો દાખલો ફટાફટ ગણી કાઢ્યો. એ જોઈને દેસાઈસાહેબ રાજી થઈ ગયા, અને મગનભાઈ તો રાજી હોય જ.

વરસો વીતે એમ દરેક સંબંધનો એક માર્ગ કંડારાતો જતો હોય છે. અમુક સંબંધો કાળક્રમે ક્ષીણ થાય, ઘણા સુષુપ્ત થાય, તો ઘણા મૃત બની રહે છે. અમારા તમામ મિત્રો બાબતે માર્ગ એવો બન્યો કે શાળા છોડ્યા પછી અમારો સંપર્ક સતત રહ્યો અને મૈત્રી ગાઢ બનતી રહી. એમાં પારિવારિક પરિમાણોનું પડ ઉમેરાયું. દરેક મિત્રનાં એક પછી એક લગ્ન થયાં, એમની પત્નીનું આગમન થયું અને એ પછી સંતાનજન્મ. આ દરેક તબક્કા પછી અમારી મૈત્રી ગાઢ બનતી રહી છે. હવે એના તાણાવાણા એવા ગૂંથાયા છે કે એને અલગ પાડીને જોતાંય મુશ્કેલી લાગે. અમારાં સૌનાં સંતાનો એકમેકના મિત્ર છે, અને પત્નીઓ પણ. અલબત્ત, ચોકસી એક એવી વ્યક્તિ છે કે જેને તમામ વયજૂથના લોકો એકસરખો ચાહે. અમારા વડીલો એના હેવાયા, અમારા સૌની પત્નીઓ એની સાથે સ્વતંત્ર વ્યવહાર કરે, અને અમારાં સંતાનોના પણ એ પ્રિય 'ચોકસીકાકા'. આનું રહસ્ય શું?

પોતાની દુકાને લાક્ષણિક મુદ્રામાં અજય
(પાછળ ભત્રીજો ચિંતન) 
રહસ્ય ખુલ્લું છે, પણ એ જાણ્યા પછી એને આત્મસાત કરવું મુશ્કેલ છે. એ રહસ્ય એટલે ચોકસીની સહુ કોઈ માટેની નિ:સ્વાર્થ નિસબત. એને કારણે સૌ કોઈને એમ લાગે કે આ તો મારો જ માણસ છે. એક ઉદાહરણથી આ વાત સ્પષ્ટ કરું. પચીસ-ત્રીસ વરસ પહેલાં માહિતીના સ્રોત સાવ મર્યાદિત હતા. અખબાર પણ દરેક ઘરમાં વરસોથી એનું એ જ આવતું હોય. એવે વખતે જૂની ફિલ્મોના સંગીતકાર સજ્જાદ હુસેનનું અવસાન થયું. ચોકસીને ઘેર આવતા 'જનસત્તા'માં એના સમાચાર અને નાનકડી નોંધ આવી. ચોકસીને એ ક્ષેત્ર સાથે કશો સંબંધ નહીં, પણ એને ખબર કે આ અમારો વિષય છે. અમે મળ્યા ત્યારે એણે યાદ રાખીને અમને આ સમાચાર કહ્યા, એટલું જ નહીં, સજ્જાદની કેટલીક ફિલ્મોનાં નામ પણ કહ્યાં. સંગીતકારનું નામ અને એની ફિલ્મોનાં નામ એણે કેવળ અમને જણાવવા માટે યાદ રાખેલા. અમને ઈમ્પ્રેસ કરવા નહીં. આ એક નાનકડું ઉદાહરણ છે, પણ એની નિસબત કેવી છે એનો ખ્યાલ આવી શકશે.
એનો મિત્રપ્રેમ એવો કે ઘણી વાર આપણને એની પર ગુસ્સો આવે. આપણાથી કોઈકનું કામ ન થયું, અથવા એ કરવાનું ભૂલી ગયા તો ચોકસીને પૂછ્યાગાછ્યા વિના એના દોષનો ટોપલો એને માથે ઢોળી દેવાનો અને એને જણાવી દેવાનું કે મારાથી આમ થઈ ગયું છે, એટલે પેલો તને ફોન પર ખખડાવશે. ચોકસી હસે અને કહે કે સમજી ગયો. એ પછી એ કોઈક ત્રીજા માણસની ડાંટ વગર કારણે, મિત્ર પ્રત્યેની ફરજના ભાગરૂપે ખાય. અરે! અમુક તો મિત્ર નહીં, કેવળ પરિચીત હોય તોય આમ કરે. મહેમદાવાદના એક સજ્જન અમારા એક કૉમન મિત્રને કોઈક પ્રસંગે આમંત્રણ આપવાનું ભૂલી ગયા. નિમંત્રકને એ યાદ આવ્યું, પણ ત્યારે પ્રસંગ પતી ગયેલો. જેને નિમંત્રણ આપવાનું હતું એ ભાઈનો નિમંત્રક પર ફોન આવ્યો હશે એટલે નિમંત્રકે બારોબાર કહી દીધું, 'મેં અજયને કહેલું, પણ એ તમને કહેવાનું ભૂલી ગયેલો.' આ ફોન પત્યો કે નિમંત્રકે અજયને ફોન કર્યો અને હકીકત જણાવી. એમનો ફોન પત્યો કે થોડી વારમાં પેલા, નહીં નિમંત્રેલા ભાઈનો અજય પર ફોન આવ્યો અને કહે, 'આવું ભૂલી જવાતું હશે, ભલા માણસ! આ તો ઠીક છે, બાકી અમારા સંબંધો ખતરામાં આવી પડે ને! તમને શી ખબર કે અમારા સંબંધો કેવા છે!' અજય મનમાં તો હસીને બોલ્યો હશે, 'ભઈ, રહેવા દે ને! તમારા સંબંધો હું જાણું છું.' પણ પ્રગટપણે એણે દિલગીરી વ્યક્ત કરી લીધી.
એનું આવું વલણ ઘણી વાર અમનેય અકળાવનારું લાગે, તો અજયની પત્ની રશ્મિકા, અને એનાં સંતાનો અર્પ તેમજ જયને લાગે એમાં નવાઈ નહીં. પણ એ જ ચોકસી જ્યારે અમારા માટે સંકટ સમયની સાંકળ બની રહે ત્યારે પાછી ખુશીની લાગણી થાય. અમને ઘણી વાર એમ લાગે છે કે રશ્મિકા, અર્પ અને જયના ભાગનો ઘણો સમય અમે મિત્રો ખાઈ ગયા હોઈશું. તેઓ પણ ધીમે ધીમે અજયનું આ વલણ સમજતા અને સ્વીકારતા થયા.
આજે પણ એ તમામ મિત્રો, મિત્રપત્નીઓ અને એમનાં સંતાનો સાથે સ્વતંત્રપણે જીવંત સંપર્કમાં હોય. જન્મદિવસ અને લગ્નતિથિ યાદ રાખવા હવે સહેલાં છે, કેમ કે, એ હવે ફેસબુક જેવાં માધ્યમો યાદ અપાવે છે, છતાં અજયને આ બધી માહિતી મોઢે હોય.
ઉર્વીશ ઘણી વાર કહેતો હોય છે કે અજયે આપણા માટે એટલું બધું કર્યું છે કે હવે એ કશું ન કરે તો પણ એને એ હક છે. જો કે, અમને સૌને ખબર છે કે અમે જ્યાં અટકીશું કે અટવાઈશું, ત્યારે ચોકસી અમારી પાછળ હશે જ.
આંકડાકીય ગણતરીમાં ઉસ્તાદ, પણ મૈત્રીમાં બધી ગણતરીને બાજુએ મૂકી દેતા અમારા આ મિત્રને જન્મદિવસની અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ.

(ડાબેથી) અજય, રશ્મિકા, જય અને અર્પ 

(અજયની ગઈ વર્ષગાંઠ 13-4-22ના રોજ લખેલું) 

Wednesday, April 12, 2023

અલવિદા, દક્ષા દેસાઈ!

દક્ષાબહેન દેસાઈની આજે ત્રીજી પુણ્યતિથિ છે. ત્રણ વર્ષ પહેલાં, 12 એપ્રિલ, 2020ના રોજ તેમનું અવસાન થયું. આ નિમિત્તે તેમની સાથે ગાળેલો એક ટૂંકો, પણ સઘન સમયગાળો યાદ આવી ગયો.
દક્ષા દેસાઈ 
માણસના જન્મ અને મૃત્યુની વચ્ચે એક આખું જીવન હોય છે. આ જીવનકાળ દરમિયાન તે કોઈક એવું કાર્ય હાથ પર લે અને સંપન્ન કરે તો તે ખરા અર્થમાં અવતારકાર્ય બની રહે છે. અમદાવાદમાં જન્મેલાં દક્ષા પટેલનું લગ્ન મુંબઈના સુકેતુ સુરેન્દ્ર ચીમનલાલ દેસાઈ સાથે થયું. એ પછી બદલાતા સંજોગો અનુસાર તેઓ મુંબઈ-અમદાવાદ અને પછી અમેરિકા સ્થાયી થયાં. અમેરિકામાં દક્ષાબેને 'દીદીઝ' નામે અત્યંત સફળ રેસ્તોરાંનું સંચાલન કર્યું અને અમેરિકા આવતા ભારતીય કલાકાર વર્ગમાં ઠીક ઠીક લોકપ્રિય બની રહ્યાં. જો કે, અઢારેક વરસના તેમના અમેરિકાનિવાસ પછી સંજોગો એવા ઊભા થયા કે તેમણે ભારત આવવું પડ્યું. અમદાવાદમાં તેમણે જીવનનો વધુ એક નવો અધ્યાય શરૂ કર્યો.
દરમિયાન અમેરિકન ગુજરાતીઓમાં 'દાદાજી'ના નામે ઓળખાતા હરિકૃષ્ણ મજમુદાર અમદાવાદ ખાતે દક્ષાબેનના મહેમાન બન્યા. એ વખતે 'દાદાજી'ની મુલાકાત માટે આવતા પત્રકારોને 'દાદાજી' દક્ષાબેનની સાહસકથા જણાવતા અને એ વિશે લખવા જણાવતા. આમ, દક્ષાબેનના મનમાં પુસ્તક લખાવવાનું વિચારબીજ રોપાયું, પણ એ પોતાના વિશેનું નહીં.
હિન્દી બોલપટના પહેલા દાયકે ફિલ્મઉદ્યોગમાં જેમનો દબદબો હતો એવા ચીમનલાલ દેસાઈ દક્ષાબેનના સસરા સુરેન્દ્ર દેસાઈ (બુલબુલભાઈ)ના પિતા થાય. 1930માં મૂકપટથી શરૂઆત કરીને પછી બોલપટ ક્ષેત્રે પ્રવેશનાર ચીમનલાલ દેસાઈની ફિલ્મનિર્માણ સંસ્થા 'સાગર મુવીટોન'ની સાહસકથાઓ કુટુંબમાં દંતકથા તરીકે દક્ષાબેને સાંભળેલી. તેમને થયું કે પોતાના શ્વસુર પક્ષે આવા પ્રતાપી વડવા થઈ ગયા હોય અને છતાં તેમના વિશે દંતકથાથી વિશેષ કશી નક્કર માહિતી ઉપલબ્ધ ન હોય એ સંજોગોમાં પુસ્તક તો એમના વિશે લખાવું જોઈએ. બસ, આ વિચાર સાથે તેમણે શોધ આરંભી એવું પુસ્તક લખી આપે એવા લેખકની. પણ એ ક્યાં કોઈને જાણતા હતાં?
અનાયાસે તેમની મુલાકાત એક રેસ્તોરાંમાં શાળાજીવનના પોતાના એક સહાધ્યાયી સાથે થઈ. 'અરે! તું?તમે?' જેવા આરંભિક ઉદ્ગાર સાથે એ પરિચય તાજો થયો અને બહુ ઝડપથી પારિવારિક બન્યો. ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે પોતાના એ સહાધ્યાયી જૂના ફિલ્મસંગીતમાંં ઊંડો રસ ધરાવે છે, એટલું જ નહીં, જૂનાં ગીતોનાં કાર્યક્રમ કરતી સંસ્થા 'ગ્રામોફોન ક્લબ' સાથે પણ સક્રિય રીતે સંકળાયેલા છે. 'સાગર મુવીટોન' પુસ્તક લખવા માટે યોગ્ય 'જણ'ની શોધમાં એ મદદરૂપ થઈ શકશે એ ખ્યાલે તેમણે પોતાના એ સહાધ્યાયીને આખી વાત જણાવી અને મદદ માંગી. એ સહાધ્યાયી એટલે ચંદ્રશેખર વૈદ્ય- જેમની સાથે અમારી મિત્રતા પણ જૂનાં ફિલ્મી ગીતોને લઈને હતી અને ઉત્તરોત્તર ગાઢ બની હતી. આમ, ચંદ્રશેખરભાઈ દક્ષાબેન અને મારી વચ્ચે 'ગોરકર્મ' કરાવી આપવામાં નિમિત્ત બન્યા.
આલેખનનો સમયગાળો દોઢેક વરસનો હશે, એ દરમિયાન અમે આમોદ, ભરૂચ, સુરત, મુંબઈ, બેંગ્લોરના પ્રવાસો સાથે કર્યા. અનેક વિગતો મેળવી. એ તમામ વિગતોના પરિપાકરૂપે 'સાગર મુવીટોન' લખાયું, જે આ ફિલ્મસંસ્થા પરનું સૌ પ્રથમ અને અધિકૃત કહી શકાય એવું પુસ્તક હતું. આ પુસ્તકના વિમોચનમાં દક્ષાબેન અને સુકેતુ દેસાઈએ પોતાના એક સમયના પાડોશી આમીર ખાનને નિમંત્રણ આપ્યું. આમીર ખાને પણ જૂના સંબંધને તાજો કરીને એ નિમંત્રણ સ્વીકાર્યું, એટલું જ નહીં, પોતાની રીતે જ અનિલ કપૂર, વિધુ વિનોદ ચોપરા, વિક્ટર આચાર્ય, રાજકુમાર હીરાણી, પ્રસૂન જોશી જેવા પોતાના મિત્રોને બારોબાર નોંતર્યા અને એ સૌ ઉપસ્થિત પણ રહ્યા. પોતાના અનૌપચારિક વક્તવ્યમાં આમીર ખાને 'દક્ષા આન્ટી'ના આ પ્રયાસને બીરદાવ્યો.
દસ્તાવેજીકરણ/જીવનકથાના પુસ્તક માટે મારે એક-દોઢ વરસ જેટલા લાંબા સમયગાળા માટે જે તે વ્યક્તિ સાથે સંકળાવાનું, સતત કામ કરવાનું બનતું હોય છે. આ સમયગાળો એવો હોય કે તેમાં દલીલો થાય કે તીવ્ર મતભેદ પણ પડે. જો કે, પુસ્તકનું સમાપન થઈ જાય એ પછી 'ખાટીમીઠી' યાદોમાંથી કેવળ 'મીઠી' વાતો જ યાદ રહી જતી હોય છે, અને વ્યાવસાયિક સંબંધનું એક આજીવન પારિવારિક સંબંધમાં રૂપાંતર થતું હોય એમ બનતું હોય છે. તેમના પતિ સુકેતુભાઈ, પુત્રીઓ રાધિકા અને ઋતુજા સાથે પણ એવો જ પરિચય કેળવાયો.
દક્ષાબેનની હક દાખવવાની પ્રકૃતિને કારણે ઘણી વાર કાર્યશૈલી માટે અમારે મતભેદ થયા હશે, પણ એ પછી કશું નહીં! ફરી ફોન આવે ત્યારે એ જ પ્રેમભાવ! યોગાનુયોગ કેવો કે દક્ષાબેન વિશે મને પહેલવહેલી વાર જણાવનાર મિત્ર ચંદ્રશેખર વૈદ્યે જ દક્ષાબેનની અંતિમ વિદાયના પણ સમાચાર આપ્યા. જાણવા મળ્યું કે ટૂંકી બિમારી પછી તેમનું હોસ્પિટલમાં જ અવસાન થયું.
દેખીતી રીતે ફિલ્મક્ષેત્ર સાથે સંકળાયેલાં ન હોવા છતાં, 'સાગર મુવીટોન' પુસ્તકના આલેખન પાછળનુંં પ્રેરકબળ બની રહેનારાં દક્ષાબેનના આ પરોક્ષ પ્રદાન બદલ સિનેમાઈતિહાસના પ્રેમીઓ તેમના ઋણી રહેશે. દક્ષાબેનનું આ ખરા અર્થમાં અવતારકાર્ય બની રહ્યું છે!

'સાગર મુવીટોન'ના વિમોચનવેળા (ડાબેથી) બીરેન કોઠારી, 
સુકેતુ દેસાઈ, આમીર ખાન અને દક્ષા દેસાઈ 

Tuesday, April 11, 2023

રાજસાહેબ એમને મનાવી ન શક્યા

 

- રાહુલ રવૈલ
રાજસાહેબે પોતે જ મને પરીક્ષા બાબતે ફિકર ન કરવા જણાવ્યું એટલે મેં કામ ચાલુ રાખ્યું અને પ્રિલીમની તૈયારીઓ ન કરી. પરીક્ષામાં મારો ધબડકો થયો. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે મારાં માતાપિતા નારાજ થઈ ગયાં અને હું પોતે પણ નિરાશ થઈ ગયો. પછી હું સ્ટુડિયો પર ગયો અને રાજસાહેબ સમક્ષ મારી નિરાશા વ્યક્ત કરતાં કહ્યું, 'સર! મોટી સમસ્યા છે. મેં અભ્યાસ ન કર્યો અને પ્રિલીમમાં મેં ધબડકો વાળ્યો.'
મારા ચિંતાતુર ચહેરા સમક્ષ જોઈને તેમણે સહાનૂભુતિપૂર્ણ નજરે મને સાંભળ્યો અને કહ્યું, 'એની ચિંતા ન કર, બરાબર? મને તારી સાથે આવવા દે. આપણે સેન્ટ ઝેવિયર્સ (કૉલેજ) જઈશું અને પ્રિન્સીપાલને મળીશું. એમને હું મનાવી લઈશ કે એ તને આગળ જવા દે અને તું શાથી પાસ ન થઈ શક્યો એનું કારણ હું એમને જણાવીશ.'
મને બહુ રાહત લાગી, કારણ કે મને ખાત્રી હતી કે રાજસાહેબ અમારા પ્રિન્સીપાલને મનાવી લેશે. મને એ વાતે પણ ખુશી હતી કે એ મારી સાથે આવવાના હતા. આથી મેં પ્રિન્સીપાલની અપોઈન્ટમેન્ટ લઈ લીધી. જો કે, અપોઈન્ટમેન્ટની આગલી સાંજે રાજસાહેબ યુનિટના કેટલાક સભ્યો સાથે કૉટેજ ગાર્ડનમાં ડ્રીન્ક્સ લઈ રહ્યા હતા. હાથમાં 'કોક' અકડીને હું ખૂણે ઊભેલો હતો કે અચાનક જ સહુની વચ્ચે તેમણે મારા માટે બોલવાનું ચાલુ કર્યું, 'અબ મૈં કલ ક્યા કરુંગા? તુમ્હારે સાથ જાઉંગા કૉલેજ? ક્યા બોલૂંગા પ્રિન્સીપાલ કો? કિ યે બહોત હોનહાર લડકા હૈ? જો ફેઈલ હો ગયા? ફેઈલ હો ગયા ઔર હોનહાર લડકા હૈ? મેરી ઝિંદગી યહી હૈ ક્યા? ચિન્ટુ જબ ફેઈલ હો ગયા થા, કેમ્પીઅન સ્કૂલ મેં, તો મુઝે એક ટ્રૉફી ડોનેટ કરની પડી થી તાકિ ઉસકો આગે પઢને દેં. તુમ ભી ઐસે હી હો. સબ બચ્ચે ઐસે હી હૈં.'
બીજા દિવસે તેઓ મારી સાથે કૉલેજ આવ્યા અને મને યાદ છે કે એનાથી કૉલેજમાં હલચલ મચી ગયેલી. દરેકને નવાઈ લાગતી હતી કે રાજ કપૂર આ કેમ્પસમાં શું કરી રહ્યા છે? દરમિયાન અને જઈને પ્રિન્સીપાલને મળ્યા અને પ્રિન્સીપાલે કહ્યું, 'ના, દિલગીર છું. એને હું પાસ નહીં કરી શકું.' રાજસાહેબે એમને મનાવવાના અનેક પ્રયત્નો કર્યા પછી પણ તેમણે પોતાનો નિર્ણય બદલ્યો નહીં.
અમારા નિષ્ફળ પ્રયત્નનું સાટું વાળતા હોય એમ રાજસાહેબ મને લન્ચ માટે 'નાનકીંગ'માં લઈ ગયા અને મને કહ્યું, 'ભૂલી જા! સર્ટિફિકેટ મેળવીને તું શું કરવાનો? કેમ કે, મારી સાથે તું જે રીતે કામ કરે છે અને તારામાં હું જે જોઈ રહ્યો છું એનાથી મને નથી લાગતું કે તારે કોઈ ડિગ્રી કે સર્ટિફિકેટની જરૂર પડે.'
મારે આવા જ વિશ્વાસની જરૂર હતી.
(રાહુલ રવૈલ દ્વારા લિખીત પુસ્તક Raj Kapoor, The Master at work ના એક અંશનો મુક્તાનુવાદ, પ્રકાશક: Bloomsbury, 2021)

Monday, April 10, 2023

આમ મળી એલ.પી.ને 'બૉબી'

 

- રાહુલ રવૈલ

રાજસાહેબે 'બૉબી' લૉન્ચ કર્યું ત્યારે એ ફિલ્મના સંગીતકાર બાબતે તેઓ હજી વિચારી રહ્યા હતા, કેમ કે, આ પ્રકારની ફિલ્મમાં સંગીત પણ અસાધારણ જોઈએ. લક્ષ્મીજી અને પ્યારેજી આનંદ બક્ષીજી સાથે રાજસાહેબને મળવા આવ્યા અને કહ્યું, 'અમને મુકેશજીએ કહ્યું કે તમે હજી 'બૉબી'ના સંગીતકાર અને ગીતકાર નક્કી નથી કર્યા. અમે બહુ રોમાંચિત થઈ ગયા અને તમારી સાથે મુલાકાત ગોઠવી આપવા મુકેશજીને વિનંતી કરી. અમે સંગીતબદ્ધ કરેલું ગીત લઈને આવ્યા છીએ અને અમને ખાતરી છે કે એ ફિલ્મમાં ચોક્કસ બંધ બેસશે.'
રાજસાહેબે તેમને પૂછ્યું, 'તમે પાત્રો વિશે કશું જાણતા નથી તો પછી ગીત લખીને એને સંગીતબદ્ધ શી રીતે કર્યું?'
તેમણે ભોળેભાવે કહ્યું, 'સર, મુકેશજીએ અમને આખી કથા સંભળાવી અને ફિલ્મ માટે ગીત તૈયાર કરવા જણાવ્યું. રાજ કપૂર અમને ફિલ્મ માટે બોલાવે તો એમને ધ્યાનમાં રાખીને પણ અમે એક બીજું ગીત તૈયાર કરેલું છે.'
રાજસાહેબ હસ્યા અને બોલ્યા, 'તો પછી તમે 'બૉબી'વાળું નહીં, પણ તમે બીજું ગીત તૈયાર કર્યું છે એ સંભળાવો.'
એ ગીત હતું 'યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ'. બૉસે (રાજ કપૂરે) ગીત વખાણ્યું અને પછી તેમણે 'બૉબી' માટે તૈયાર કરેલું ગીત સંભળાવવા કહ્યું. એટલે એ લોકોએ 'હમતુમ એક કમરે મેં બંદ હો' ગાયું. રાજસાહેબ ઊભા થઈ ગયા અને તાળીઓ પાડી. સંગીતરચના અને શબ્દોથી તેઓ પૂરેપૂરા ભાવવશ થઈ ગયા હતા. આમ, લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ અને આનંદ બક્ષીને 'બૉબી' મળી.
કમનસીબે, ખાસ રાજસાહેબને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું ગીત 'યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ' વાપરી શકાયું નહીં, કેમ કે, 'બૉબી'માં એ માટેની કોઈ સિચ્યુએશન નહોતી. છેવટે તે મનમોહન દેસાઈ દિગ્દર્શીત અને રાજેશખન્ના-મુમતાઝ અભિનીત 'રોટી'માં લેવાયું.
(રાહુલ રવૈલ દ્વારા લિખીત પુસ્તક Raj Kapoor, The Master at work ના એક અંશનો મુક્તાનુવાદ, પ્રકાશક: Bloomsbury, 2021)
નોંધ: 'બૉબી'માં કુલ ત્રણ ગીતકાર હતા. તેનાં કુલ આઠ ગીત પૈકી પાંચ ગીતો આનંદ બક્ષીએ (મૈં શાયર તો નહીં/હમતુમ એક કમરે મેં બંદ હો/મુઝે ભી કુછ કહના હૈ/અંખિયોં કો રહને દે/એ ફંસા), બે ગીતો વિઠ્ઠલભાઈ પટેલે (ના ચાહૂં સોનાચાંદી/જૂઠ બોલે કૌઆ કાટે) અને એક ગીત રાજકવિ ઈન્દરજિતસિંઘ 'તુલસી'એ (બેશક મંદિરમસ્જિદ તોડો)લખેલું.
r

Sunday, April 9, 2023

'બૉબી' મળી ગઈ! તો ડીમ્પલનું શું?

 

- રાહુલ રવૈલ
મુખ્ય ભૂમિકા માટે અમે છોકરીની તલાશ આરંભી. પાગલ થઈ જવાય એટલા બધા સ્ક્રીન ટેસ્ટ લીધા; મને એની સંખ્યા પણ યાદ નથી. દર બીજા દિવસે રાજસાહેબ કહેતા, 'રાહુલ, કલ ઑડિશન લેના હૈ.' એકે એક છોકરીના ઑડિશન વખતે તેઓ હાજર રહેવા માંગતા હતા, કેમ કે, પોતાને ખરેખર શું જોઈએ છે એ તેઓ જ જાણતા હતા.
શ્રીમતી રાજ કપૂરનાં નિકટનાં પરિચીત મુન્ની ધવન આન્ટી એક ફેમીલી ફ્રેન્ડ ચુનીભાઈ કાપડીયા, તેમનાં પત્ની બીટ્ટીબહેન અને દીકરી ડીમ્પલને લઈને રાજ કપૂરને મળવા આવેલાં, કેમ કે, ચુનીભાઈ બૉસ (રાજકપૂર)ના જબ્બર ફેન હતા. ખરેખર તો મુન્ની આન્ટી તેમને એટલા માટે લાવેલાં કે રાજસાહેબ તેમની દીકરી ડીમ્પલને જુએ, કારણ કે તેને અભિનય કરવાની તીવ્ર ઈચ્છા હતી.
તેઓ નીકળ્યાં એટલે રાજસાહેબે મને પૂછ્યું, 'પેલી છોકરી વિશે શું માનવું છે તારું?'
મેં કહ્યું, 'દેખાવડી છે.'
તેમણે પૂછ્યું, 'તને લાગે છે કે આપણે એનું ઑડિશન લેવું જોઈએ?'
તેમની સાથે સંમત થયા વિના મારો છૂટકો ન હતો, કેમ કે, તેનું ઑડિશન લેવું જોઈએ કે નહીં એમ તેમણે પૂછ્યું એનો અર્થ જ એ હતો કે એમણે ઑડિશન લેવાનું નક્કી કરી લીધું હતું.
રાજસાહેબે તેનું ઑડિશન લીધું; ટેક્નિકલ લોકો અને ડબ્બૂસાહેબ (રણધીર કપૂર) પણ ઑડિશનમાં ઉપસ્થિત હતા. ડીમ્પલ બહુ ઉત્સાહી જણાતી હતી, છતાં, બૉસ સિવાયના અમને સહુને લાગ્યું હતું કે એ 'એબોવ એવરેજ' હતી. પણ અમે પડદા પર ઑડિશન જોયું અને અમારો સૌનો અભિપ્રાય બદલાઈ ગયો- એ કેવળ દેખાવડી હતી, પણ અભિનેત્રી તરીકે બહુ ખરાબ હતી!
રાજસાહેબે ત્રણ વાર ઑડિશન જોયું અને બોલ્યા, 'મને મારી બૉબી મળી ગઈ.'
સાવ મૂંઝાયેલી અવસ્થામાં મેં પૂછ્યું, 'ડીમ્પલનું ઑડિશન જોતી વખતે તમે શી રીતે બૉબી નામની બીજી છોકરીને ફાઈનલ કરી દીધી?'
'મને બૉબી મળી ગઈ છે, જે ફિલ્મનું ટાઈટલ રહેશે અને મુખ્ય ભૂમિકા ડીમ્પલ કાપડીયાની રહેશે.'
અમે મૂઢ બની ગયા અને તેમને મનાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યા.
'સર, મને ખાત્રી છે કે આપણને કોઈક બીજું મળી રહેશે.'
'પાપા, એ ઓકે છે, પણ એનાથી બહેતર છોકરીઓનું ઑડિશન આપણે લીધેલું છે.'
'રાજસાહબ, આપ કે કેલીબર કી એકટ્રેસ બિલકુલ નહીં હૈ.'
તેમણે શાંતિથી અમારી તમામ ફરિયાદ સાંભળી અને સીધોસાદો જવાબ આપ્યો, 'મેં એનામાં જે જોયું એ જોવાની ક્ષમતા તમારા લોકોમાં નથી. તમારા સૌમાં અને મારામાં આ જ ફરક છે.'
તેમનો વધુ વિરોધ કરવાનો કોઈ સવાલ નહોતો, કેમ કે, તેમણે નિર્ણય લઈ લીધો હતો. રાજકપૂરના સિનેમા સાથેના મારા પરિચયે મને એટલું શીખવ્યું કે આ માણસ 'જાદુગર' છે, અને એ અમને ખરેખર એ બાબતનું ભાન કરાવશે કે જે અમે ઑડિશનમાં જોયું નહીં.
(રાહુલ રવૈલ દ્વારા લિખીત પુસ્તક Raj Kapoor, The Master at work ના એક અંશનો મુક્તાનુવાદ, પ્રકાશક: Bloomsbury, 2021)

Saturday, April 8, 2023

લોકો નહીં સમજે!


- રાહુલ રવૈલ
પહલગામમાં 'બૉબી'ના શૂટિંગ દરમિયાન આવો જ એક કિસ્સો મને યાદ આવે છે, પણ એ એક પ્રતિષ્ઠિત જનરલનો છે. બાંગ્લાદેશવાળા યુદ્ધમાં આપણે વિજયી બન્યા હતા અને એ વિજય સાથે સંકળાયેલી કેટલીક મુખ્ય વ્યક્તિઓ પૈકીના એક આ જનરલ હતા. અમે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે એ જનરલ અમને મળવા આવ્યા. રાજસાહેબને મળીને અને તેમને કામ કરતા જોઈને તેઓ બહુ રાજી થયા. આથી રાજસાહેબે નરેન્દ્ર ચંચલના સ્વરમાં ગવાયેલું ગીત 'બેશક મંદિર મસ્જિદ તોડો' વગાડ્યું. ગીતના શબ્દો અંશત: હિન્દી અને અંશત: પંજાબી હતા. જનરલ પણ પંજાબી હતા એટલે ગીતને તેમણે બરાબર માણ્યું. પણ ગીત પૂરું થયું એટલે તે બોલ્યા, 'રાજ, આ પંજાબી ગીત છે. લોકો સમજશે?'
રાજસાહેબે કહ્યું, 'સર, આ સિનેમા છે અને સિનેમામાં સામાન્ય રીતે બધું સમજાઈ જાય, કેમ કે, એ ફિલ્મની સિચ્યુએશન મુજબ હોય છે. ભાષા ન જાણતા હોઈએ તો પણ દૃશ્યો વડે એનો સંદર્ભ સમજાઈ જાય.'
જનરલે કહ્યું, 'ના, નહીં. મને નથી લાગતું કે લોકો એને સમજી શકશે.'
રાજસાહેબ ધીરજ ગુમાવવા લાગ્યા. તેઓ દાંત ભીંસીને બોલ્યા, 'નહીં, સમજ જાયેંગે સબ.'
જનરલે ફરી કહ્યું, 'નહીં, મેરે ખયાલ સે નહીં સમજેંગે.'
આખરે રાજસાહેબે કહ્યું, 'ઠીક છે. હું એ વિશે વિચારીશ.'
ચર્ચાના સમાપન પછી જનરલ ઊભા થયા અને રાજસાહેબ તેમને કાર સુધી મૂકવા ગયા. તેમણે જનરલ માટે કારનો દરવાજો ખોલ્યો અને જનરલ કારમાં ગોઠવાયા. રાજસાહેબે દરવાજો વાસ્યો, ફર્યા અને બોલ્યા, 'મારે ફિલ્મ શી રીતે બનાવવી એ મને હવે એક જનરલ કહેશે? ઈડિયટ!'
પછી રાત્રે તેમણે મને બોલાવ્યો અને કહ્યું, 'ચાલ આપણે આર્મીની મેસમાં જઈએ. મારે એ જનરલને મળવું છે. એમને હું કહેવા માંગું છું કે યુદ્ધમાં મારાં અનેક બાળકોના મૃત્યુ માટે તેઓ જવાબદાર છે. એ બધાં તેમને કારણે જ મૃત્યુ પામ્યાં છે. યુદ્ધ શી રીતે લડવું એની એમને ખબર નથી અને એ મને ફિલ્મ શી રીતે બનાવવી એ કહેશે? ફિલ્મ શી રીતે બનાવવી એ મને કહેવાનો એમને શો હક છે?'
(રાહુલ રવૈલ દ્વારા લિખીત પુસ્તક Raj Kapoor, The Master at work ના એક અંશનો મુક્તાનુવાદ, પ્રકાશક: Bloomsbury, 2021)
નોંધ:
'બૉબી'નું આ ગીત રાજકવિ ઈન્દરજિતસિંઘ 'તુલસી'એ લખેલું. તેના શબ્દો આ મુજબ હતા. ગીતનું ફિલ્માંકન તેના ગાયક નરેન્દ્ર ચંચલ પર જ કરવામાં આવ્યું હતું.
बेशक मंदिर-मस्जिद ढहा दे, बुल्लेशाह ये कहता
बेशक मंदिर-मस्जिद तोड़ो,
बुल्लेशाह ये कहता
पर प्यार भरा दिल कभी न तोड़ो
इस दिल में दिलबर रहता
जिस पलड़े में तुले मुहब्बत
जिस पलड़े में तुले मुहब्बत
उसमे चांदी नहीं तौलना
तौबा मेरी ना ढोलना मैं नई बोलना
ओ नई बोलना जा
मैं नई बोलना जा
ओ मैं नई बोलना जा
ढोलना मैं नई बोलना
तौबा मेरी ना ढोलना मैं नई बोलना
आग ते इश्क़ बराबर दोनों,
पर पानी आग बुझाये
आग ते इश्क़ बराबर दोनों,
पर पानी आग बुझाये
आशिक़ के जब आंसू निकले,
और अगन लग जाये
तेरे सामने बैठ के रोना
तेरे सामने बैठ के रोना
दिल का दुखड़ा नहीं खोलना
ढोलना मैं नई बोलना
ओ नई बोलना जा
मैं नई बोलना जा
ओ मैं नई बोलना जा
ढोलना मैं नई बोलना
तौबा मेरी ना ढोलना मैं नई बोलना
मैं नई बोलना
ओ नई बोलना
मैं नई बोलना
ओ मैं नई बोलना
ओ मैं नई बोलना
ढोलना मैं नई बोलना
नई बोलना, मैं नई बोलना
नई बोलना, मैं नई बोलना
नई बोलना, मैं नई बोलना
આ ગીત અહીં જોઈ શકાશે.

Friday, April 7, 2023

સ્ટારને પણ હોઈ શકે સ્ટારનું આકર્ષણ!


એ પછી મેં 'રૂદાલી'ની પટકથા અને સંવાદ લખ્યા. પહેલી વાર મને ફિલ્મ ઑફર કરવામાં આવી ત્યારે પટકથાનાં બે વર્ઝન થઈ ચૂકેલાં હતાં. મેં મૂળ કથા વાંચવાનું શરૂ કર્યું અને તેને વફાદાર રહીને પટકથા લખવાની આરંભી, જેથી ફિલ્મ લેખકની દૃષ્ટિ અનુસાર બને.
વરસો પછી આખરે મહાશ્વેતાદેવીને દિલ્હીમાં સાહિત્ય અકાદમીની એક બેઠકમાં રૂબરૂ મળવાનું થયું. યોગાનુયોગે તેનો વિષય સાહિત્ય અને સિનેમાનો હતો. મેં સ્પષ્ટપણે સમજાવ્યું કે કોઈ પણ અનુવાદિત કાર્યને મૂળ લેખક દ્વારા શક્ય હોય ત્યાં સુધી ચકાસાવવું જોઈએ, નહીંતર મૂળ કાર્યનો અર્ક ખોવાઈ જતો હોય છે. રૂપાંતરો બાબતે આ વધુ સાચું હતું. મેં મહાશ્વેતાદેવીની 'લાયલી આસમાનેર આયના' (ફિલ્મ 'સંઘર્ષ') અને 'રૂદાલી'ને પટકથામાં રૂપાંતરિત કરી હતી, અને બન્ને વખતે મારી મહત્તમ ક્ષમતા અનુસાર મૂળ કૃતિને વફાદાર રહેવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક પાત્રોનો વિલય કરીને એક બનાવી દેવું કે એકના સંવાદ બીજાને મોંએ મૂકાય એવું વારંવાર બનતું હોય છે. જરૂર પડ્યે તમામ લેખકોએ આવા નિર્ણય લેવા પડતા હોય છે. પણ 'હકો' ખરીદી લેવાથી કંઈ બધું બદલી નાખવાનો 'હક' પ્રાપ્ત થઈ જતો નથી.
દીદી, મહાશ્વેતાદેવીએ મને કહ્યું, 'લાયલી આસમાનેર આયના'ના હક બાબતે હું જુદા કારણથી અંશત: સંમત છું. હું દિલીપકુમારની જબ્બર ફેન છું. નિર્માતાએ મને જણાવ્યું કે ફિલ્મમાં દિલીપકુમાર કામ કરવાના છે, ત્યારે મેં સંમતિ આપતાં પહેલાં સહેજે વિચાર ન કર્યો. મેં લખેલા પાત્રને મારો હીરો ભજવવાનો હતો. આનાથી વધારે શું જોઈએ?' આ સાંભળીને અમે સૌ ખડખડાટ હસી પડ્યા. આવાં સન્માન્ય સાહિત્યકાર અને અનેક પુરસ્કારોના વિજેતાને સુદ્ધાંને પણ આવી મહત્ત્વાકાંક્ષાઓ હોય છે. આપણે એમ જ માનતા હોઈએ છીએ કે આ પ્રકારની વ્યક્તિઓને આપણા સૌની જેમ 'સ્ટાર્સ'નું આકર્ષણ નહીં હોય.
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)

Thursday, April 6, 2023

સુચિત્રા મેડમ નહીં, સુચિત્રા 'સર'!

 મહાબલીપુરમમાંના અમારા દિવસો સતત વાતોમાં પસાર થતા રહ્યા, જેમાં પ્રોન અને આલ્કોહોલનો સાથ હતો, તેમજ વખતોવખત એક સ્ક્રીપ્ટ બીજીથી સાવ જુદી પડતી. પરિણામે આખરમાં અમારી પાસે વાત કરવા જેવી કોઈ ઠોસ વસ્તુ ન રહી. સુચિત્રા સેન માટે વાર્તા લખવા બાબતે મારી બેચેની વધતી જતી હતી. નિરાશ થઈને હું મારે ખર્ચે દિલ્હી ઊપડ્યો. અકબર હોટેલના એક રૂમમાં મેં 'આંધી'ની સ્ક્રીપ્ટ લખી. મારા માટે ચા-નાસ્તો અને ભોજન લાવતા, અને મારા નખરા સહન કરતા હોટેલના કર્મચારી 'જે.કે.'ના નામ પરથી મેં ફિલ્મમાં સંજીવના પાત્રનું નામ પણ 'જે.કે.' રાખ્યું. અકબર હોટેલના એ રૂમમાં સુચિત્રા સેનની, સંજીવકુમારની, આર.ડી.બર્મનની 'આંધી'ની સફર આરંભાઈ. પછી અમે એ પણ ઠરાવ્યું કે કમલેશ્વરજી બન્ને વાર્તાઓને નવલકથા સ્વરૂપે લખશે.

પૂર્ણ થયેલી સ્ક્રીપ્ટ સાથે હું નિર્માતા જે.ઓમપ્રકાશને લઈને કલકત્તા ઊપડ્યો. મિસીસ (સુચિત્રા) સેનને તેમના બાલીગંજ સર્ક્યુલર રોડ ખાતેના નિવાસસ્થાને અમે મળ્યા કે તેમણે મારી સામું જોયું અને કહ્યું, 'કશી ચર્ચા નહીં, કોઈ સવાલ નહીં. હું એક પણ પ્રશ્ન નહીં પૂછું. તમે જે કહો એ સ્વીકાર્ય.' આ સાંભળીને મને અપમાનિત થવા જેવું લાગ્યું. સ્પષ્ટ હતું કે અમારી પહેલી મુલાકાત તેઓ ભૂલ્યાં નહોતાં.
પટકથા સાંભળીને તેમણે ફિલ્મ કરવાની સંમતિ આપી દીધી. મેં મલકાઈને તેમને કહ્યું, 'તમે આ ફિલ્મમાંના એકે પાત્રમાં વધઘટ કે અન્ય કોઈ ફેરફાર નહીં કરી શકો. કેમ કે, સ્ક્રીપ્ટમાં સાવ ઓછાં પાત્રો છે, અને મહિલા પાત્ર તો તમે એક જ!' મિસીસ સેનને નવાઈ લાગી, કારણ કે, અન્યોની જેમ જ તેમને પણ ખ્યાલ નહોતો આવ્યો કે ફિલ્મમાં વાસ્તવમાં એક જ મહિલા પાત્ર છે. હકીકતમાં ફિલ્મ જોયા પછી પણ ઘણાબધાએ એ નોંધ્યું નહોતું.
અમે શૂટિંગ શરૂ કર્યું કે તરત જ માથાકૂટ થઈ. તેમણે મને બધાની સામે 'સર' કહેવાનું શરૂ કર્યું. આ બાબતે તેમની સાથે વાત કરવાનું મેં નક્કી કર્યું. એ મારા કરતાં મોટાં હતાં, તો શા માટે મને 'સર' કહે? મિસીસ સેનને આમ જણાવતાં તેમણે કહ્યું, 'તમે મારા નિર્દેશક છો, અને મારે તમને 'સર' કહેવું જ જોઈએ.' મેં એમને કહ્યું કે એમ જ હોય તો હું પણ હવેથી તમને 'સર' કહીશ. એમ મારે પગલે યુનિટના તમામ સભ્યો એમને 'સર' કહીને બોલાવવા લાગ્યાં. અમારું આ સમીકરણ આજીવન જળવાયું. કાશ્મિરમાંના શૂટિંગનો કાર્યક્રમ બહુ યાદગાર રહ્યો. મારી દીકરી બોસ્કી- મેઘના ગુલઝાર ત્યારે નાની હતી અને સર તેની સાથે રમતાં. રાખીજી પણ અમારી સાથે હતાં. અમે બધાં- રાખીજી, સંજીવ, સર અને હું- અડ્ડો જમાવતાં. સંજીવ અને સર વચ્ચે ગજબનો તાલમેલ હતો.
શૂટિંગ પત્યું. અમે પહેલવહેલા રશીઝ જોયા અને આખા યુનિટ પર જાણે કે કાળો ઓછાયો ઉતરી આવ્યો. ફિલ્મ કોઈને ગમી નહીં, સરને પણ નહીં. પણ તેઓ મને મોં પર કશું કહી શકે એમ નહોતાં. આથી એટલું જ કહ્યું, 'આમ સારી બની છે. પણ મને લાગે છે કે હજી ઘણું ઉમેરાશે. સંગીત પણ આવશે.' તેમનું કહેવું હું સમજી ગયો. મેં કહ્યું, 'જુઓ, ફિલ્મ તો આ જ છે. હવે એ આનાથી જુદી કે નવી નહીં બને.' મારા કેમેરામેને મને બાજુએ બોલાવીને કહ્યું, 'આપણે સમાચારમાં જે કંઈ જોઈએ છીએ એ જ બાબત ફિલ્મમાં જોવા માટે કોઈ શું કામ જાય?' એમના મતે ફિલ્મ કોઈ વાહિયાત અખબાર કરતાં વધુ સારી નહોતી. હું એડિટિંગ ટેબલ પર પાછો ગયો અને એ પછીની ફિલ્મમાં લોકોનો રસ પુન: જાગ્રત થયો. મિસીસ સેનના તેજસ્વી અભિનય અને પડદા પર તેમની ઉપસ્થિતિ જોઈને સહુ કોઈ ચકિત થઈ ગયા.
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: 'આંધી'ની રજૂઆત પછી થોડો સમય તેના પર પ્રતિબંધ મૂકાયો એ જાણીતી વાત અહીં ટાળી છે.
આ ફિલ્મમાંના ગુલઝારે લખેલાં અને આર.ડી.બર્મને સંગીતબદ્ધ કરેલાં કુલ ચાર પૈકીનાં ત્રણ ગીતો ખૂબ જાણીતાં અને લોકપ્રિય બન્યાં. આજે પણ તેનું આકર્ષણ ઓસરી શક્યું નથી.
અહીં તેનું ચોથું, પ્રમાણમાં ઓછું જાણીતું ગીત મૂક્યું છે, જે ચૂંટણીલક્ષી છે, અને તેમાં અનેક લોકો દર્શાવાયા છે. સુચિત્ર સેનનો પરદા પરનો પ્રભાવ કેવો વરતાય છે એ આ ગીતમાં બહેતર રીતે જોઈ શકાશે.


Wednesday, April 5, 2023

અભિનેતા ઉત્તમ, વ્યક્તિ ઉત્તમ, નામ ઉત્તમ!


ઉત્તમ કુમાર સાથે ફિલ્મ બનાવવાની આકાંક્ષા બહુ વખતથી મારા મનમાં સળવળી રહી હતી. આકાંક્ષા ગુપ્ત, છતાં દૃઢ હતી. મને કદી દિલીપ કુમાર સાથે ફિલ્મ બનાવવાની ઈચ્છા થઈ નહોતી. મને થતું કે મારી એકાદ ફિલ્મમાં ઉત્તમ કુમારને હું હીરો તરીકે ચમકાવું તો કેવું!
'કિતાબ' બનાવવાનું વિચાર્યું એટલે મને કેવળ તેમનો જ વિચાર આવ્યો. તેમના સેક્રેટરીને મેં ફોન કર્યો. કુશળમંગળના સમાચારની આપ-લે પછી એ કૉલ ઉત્તમ કુમારને ટ્રાન્સફર કરવામાં આવ્યો. અને એમની સાથેની વાતચીતે જ મને પ્રભાવિત કરી દીધો. તેમણે મને સ્ક્રીપ્ટ મોકલવા કહ્યું. થોડી ક્ષણોની ચૂપકીદી પછી તેઓ બોલ્યા, 'ઓકે, હું તમારી ફિલ્મ કરીશ.' મારી ખુશીની કોઈ સીમા ન રહી. એમના જેવા નખશીખ સજ્જન મેં ઓછા જોયા છે. હીરોસહજ નખરાંનો તેમનામાં સદંતર અભાવ હતો. મારા માટે સૌથી મોટી વાત એ હતી કે તેમણે ફિલ્મ વિશે ખાસ કશું જાણ્યા વિના મારી ફિલ્મ માટે સંમતિ આપી દીધી હતી.
શૂટ દરમિયાન તેઓ એકદમ નિયમિત રહેતા. પોતાની ભૂમિકાનું તેઓ સતત રીહર્સલ કરતા રહેતા. વાત કરવાની ઈચ્છા થાય ત્યારે તેઓ એ પણ પોતાની અનોખી શૈલીમાં કરતા, છતાં કદી તેઓ કોઈનું ઘસાતું બોલતા નહીં. એક કિસ્સો જણાવું. એક દિવસ (હાસ્ય અભિનેતા નહીં, દિગ્દર્શક) આસિત સેનની વાત નીકળી. મેં એમને કહ્યું, 'ઉત્તમ કુમારજી, આસિતદાની 'દીપ જેલે જાઈ'માં તમે એકે વાર દેખાતા નથી. પેલા ગીતમાં તમે બહુ સરસ કરેલું, પણ કેમેરામાં તમારી પીઠ જ દેખાડવામાં આવેલી.' શાંતિથી, સહેજ મલકાઈને તેઓ બોલ્યા, 'મેં એ ફિલ્મમાં અભિનય સુદ્ધાં કર્યો નથી. એ દૃશ્યમાં આસિત સેન પોતે જ હતા.' તેઓ બંગાળના સુપરસ્ટાર હતા. મારી આવી વાતથી તેઓ છેડાઈ શક્યા હોત અને કહી શક્યા હોત કે મારે વિગતો બરાબર ચકાસીને વાત કરવી જોઈએ કે એ દૃશ્યમાં પોતે નહોતા.
તેમની રીતભાતમાં કંઈક વિશિષ્ટતા હતી. પડદા પર દેવતા સમો દેખાતો, જે કદી સ્પર્શી ન શકાય એવો જણાતો એ માણસ કોઈકની સાથે ગપશપ વખતે કે મજાકમસ્તી કરતી વખતે સાવ અલગ જણાતો. જાણે કે કોઈ પણ ક્ષણે એ તમને ભેટશે અને વાત કરવા લાગશે. મારે કહેવું જોઈએ કે સુચિત્રા સેનથી હું નિકટ હતો, પણ કદી તેમની સાથે કામ વિનાની ગપસપ લડાવવાનું વિચારી ન શકું. અમે મજાકમસ્તી કરતાં ખરાં, પણ એક અંતર રાખીને. જ્યારે ઉત્તમ કુમાર સાથે એવું કશું અંતર અનુભવાતું નહીં. તેમની આસપાસ ગૂંથાયેલી કથાઓ તો એ જ જાણે.
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ:
આ સાથે આપેલી 'કિતાબ' ફિલ્મની એક ઝલકમાં ઉત્તમ કુમારને જોઈ શકાશે.


Tuesday, April 4, 2023

એક લીટીના સંવાદ થકી સ્થાપિત થઈ જતું પાત્ર

તેની સાથે ફિલ્મ કરવાની ઈચ્છા મને સદાયની હતી. 'ખૂશ્બુ'ના નિર્માણ વખતે એક નાની ભૂમિકા માટે વિનંતી કરવા હું તેની પાસે ગયો. મારી સાથે બાસુ ભટ્ટાચાર્યને મેં લીધેલો; કેમ કે, તેઓ સારા મિત્રો હતાં. રીન્કુ (શર્મિલા ટાગોર)એ અમને સાંભળ્યા અને મહેમાન ભૂમિકા માટે સંમતિ આપી દીધી. હવે આનો બદલો ચૂકવવાનો વારો મારો હતો. મેં 'મૌસમ'ની કથા સાથે તેનો સંપર્ક કર્યો; અને તે તરત સંમત થઈ ગઈ. પહેલવહેલી વાર અમે એકમેકને ખરેખર જાણતા થયાં. મને ત્યારે જ ખબર પડી કે એ શમ્મી કપૂરની જબરી ફેન હતી. કલકત્તામાં હતી ત્યારે તે શમ્મીની ફિલ્મો જોવા માટે કૉલેજમાં ગાપચી મારતી. અને મુમ્બઈ આવ્યા પછી તેની સૌ પ્રથમ ફિલ્મ એ જ પ્રિન્સ ચાર્મિંગ સાથે કરવા મળી.

'મૌસમ'માં રીન્કુની બેવડી ભૂમિકા હતી. પહેલાં મા તરીકેની અને પછી દીકરી તરીકેની. માતા શાંત અને સૌમ્ય હતી, જ્યારે દીકરી બિન્ધાસ્ત સેક્સ વર્કર! શોટના પહેલા દિવસે તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી હતી. અચાનક અમારા સાઉન્ડ રેકોર્ડિસ્ટ ઈસાભાઈ મારી પાસે આવ્યા અને કહ્યું, 'રીન્કુને સંવાદમાં કશીક તકલીફ છે. તમે એમાંનો અમુક અંશ બદલી શકો તો સારું.' સ6વાદ આવો હતો, 'દેખિયે સાબ, આપ મુઝે જો કહેંગે કરુંગી, આપ કે સાથ રહૂંગી, મગર આપ કે દોસ્તોં કે સાથ મૈં નહીં સોઉંગી...' પોતાના ગ્રાહક સાથે એ નિખાલસપણે સોદાની શરત જણાવી રહી હતી. એ ભૂમિકા સંજીવકુમારે કરેલી. મેં રીન્કુને સમજાવવા પ્રયત્ન કર્યો કે એક લીટીના એ એક સંવાદ થકી તેનું સમગ્ર પાત્ર સ્થાપિત થઈ જાય છે. પોતાના વ્યવસાય બાબતે તે એક બિન્ધાસ્ત, પણ નિખાલસ ઓરત તરીકે રજૂ થાય છે. નહીંતર હિન્દી સિનેમાના એ જ ઘસાયેલા સંવાદ આવે, 'મૈં અપના શરીર નહીં બેચતી, મૈં સિર્ફ અપની આવાઝ બેચતી હૂં..' વગેરે વગેરે. વાસ્તવ જીવનમાં આવું થયું હોય ખરું? હું તેને આ સમજાવી રહ્યો હતો ત્યારે સંજીવ નજીકમાં જ હતો. અચાનક તેણે કહ્યું, 'રીન્કુ, આ સંવાદ તું કશા હાવભાવ વિના બોલી નાખ. એ બહુ સરળ રહેશે.' 'તમે કહો છો એમ, કોઈ હાવભાવ વિના શી રીતે બોલી શકે, હરિભાઈ!' રીન્કુ બોલી. તમે ભાગ્યે જ માની શકશો, પણ સંજીવે તરત જ એ આબેહૂબ રીતે કરી બતાવ્યું. તેણે કંઈક બીજું વિચારતાં વિચારતાં આ સંવાદ બોલવા રીન્કુને જણાવ્યું. તેની સાથે થોડા રિહર્સલ પછી રીન્કુએ પરફેક્ટ શોટ આપ્યો. અને કબૂલ્યું કે એ જ ક્ષણેથી તેણે પોતાનું પાત્ર આત્મસાત કરવા માંડ્યું હતું. આ ભૂમિકા માટે તેણે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કર્યો.
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: 'મૌસમ'માં સેક્સ વર્કર કજલીની ભૂમિકામાં શર્મિલા ટાગોરનો પ્રવેશ સંભવત: આ દૃશ્યથી થાય છે. ગુલઝારે વર્ણવેલું દૃશ્ય બીજું છે, પણ એક મિનીટની આ નાનકડી ક્લીપ બહુ સચોટ છે.


Monday, April 3, 2023

દોસ્તીમાં તને પૈસા શેના ચૂકવવાના? ચાલ, હવે ઉછીના આપ!

 આ સમય એવો હતો કે જ્યારે બાસુ (ભટ્ટાચાર્ય) બીમલદા (બીમલ રોય) સાથે કામ કરી રહ્યો હતો; અને હું જોડાયો નહોતો. એ પછી બીમલદાની સાથે મેં કારકિર્દીનો આરંભ કર્યો ત્યારે બાસુ પોતાની ફિલ્મો બનાવવામાં વ્યસ્ત થઈ ગયો હતો. બાસુની પહેલવહેલી ફિલ્મ 'ઉસકી કહાની' ઓછા બજેટની ફિલ્મ હતી. એ પછીની તેની ફિલ્મો પણ ઓછા બજેટની, અને અમારા સૌ મિત્રો દ્વારા બનાવાયેલી રહેતી. અમને કોઈને કશા કામ માટે મહેનતાણું ચૂકવવામાં નહોતું આવતું. આ બાબતને બાસુ પોતાનો જન્મસિદ્ધ હક ગણતો. એનો તર્ક એ હતો કે પોતાને ફિલ્મમાં કામ કરનાર મિત્રો અન્ય ક્યાંક કામ કરીને કમાતા હોય તો પછી એમને નાણાં ચૂકવવાની જરૂર નથી. 'આવિષ્કાર' બનાવતી વખતે બાસુએ રાજેશ ખન્નાને કહેલું, 'તારે સારી ફિલ્મની, સારા પાત્રની જરૂર છે. પૈસાની જરૂર નથી. તું સુપરસ્ટાર છે.' સંભવત: રાજેશ ખન્ના આ બાબતે સંમત થઈ ગયા હશે. નાના બજેટની ફિલ્મો બાબતે આ તર્ક સાથે હું પણ સંમતિ ધરાવતો હતો. અમે મિત્રોએ આવી અનેક ફિલ્મો અમારા પોતાના માટે બનાવી. દરેક વખતે પ્રેક્ષકોએ એ કદાચ ન સ્વીકારી, પણ એ ફિલ્મોથી અમને તૃપ્તિનો ઓડકાર આવતો.

શરૂઆતથી જ બાસુનો ઝોક અલગ પ્રકારના સિનેમા તરફનો હતો. એની ફિલ્મો ફિલ્મ ફેસ્ટિવલોમાં મોકલાતી. એક વાર અમે મોસ્કોમાં હતા અને સખત ઠંડી હતી. તેણે મને પોતાનો ઓવરકોટ આપ્યો અને કહ્યું, 'તું આ લઈ લે, અને મને તારી શાલ આપ.' બીજા દિવસે મેં બાસુને કહ્યું, 'આટલો ભારેખમ ઓવરકોટ પહેરવો મને નથી ફાવતો. જાણે કે તને આખેઆખો મારે ખભે ઊંચક્યો હોય એવું લાગે છે.' મેં એને ઓવરકોટ પાછો આપી દીધો, પણ મને મારી શાલ પરત ન મળી. વાસ્તવમાં બાસુને કદી એમ લાગ્યું જ નહોતું કે તેણે મને શાલ પાછી આપવાની છે. અમારી દોસ્તી આવી હતી.
એક સવારે તેનો ફોન આવ્યો. 'આવી જા. આપણે ભેગા જમીએ. હું રાંધવાનો છું.' બંગાળી ભોજન બાબતે અતિ આસક્ત એવો હું તરત સંમત થઈ ગયો. બાસુ એક અદ્ભુત રસોઈયો હતો. બાસુની પત્ની રીન્કીએ કદી અમારા માટે રાંધ્યું હોવાનું યાદ નથી આવતું. હું એને ઘેર પહોંચ્યો ત્યારે ખબર પડી એક મુસીબત મારા માટે ટાંપીને બેઠી હતી. બાસુ પોતાની ફિલ્મ 'ગૃહપ્રવેશ'ની અધવચ્ચે હતો. તેણે મને જણાવ્યું કે મારે એમાં 'લોગોં કે ઘર મેં રહતા હૂં' ગીત અને અન્ય એક દૃશ્યમાં એક નાનકડી ભૂમિકા કરવી પડશે. મેં તરત ઈન્કાર કરી દીધો. તેણે ધમકીના સૂરે કહ્યું, 'તો પછી તને આજે કશું ખાવા નહીં મળે.' (બંગાળી ભોજન માટેની) લાલચ અને એવા જ સ્વાદરસિયા સંજીવના દબાણ આગળ હું ઝૂકી ગયો. પરિણામે એ ગીતમાં બેઠેલા અને ચાનો ઘૂંટ ભરતા એક પાત્ર તરીકે મેં દેખા દીધી. બીજું એક દૃશ્ય પણ હતું, પણ ડબિંગ દરમિયાન એમાં મજા ન આવી.
અને અમારી દોસ્તી? એક સવારે એ મારે ઘેર રઘવાટમાં ધસી આવ્યો. ત્યારે હું જુહુ રહેતો હતો. એણે એક વાઉચર ધર્યું અને કહે, 'આમાં સહી કર. મારી ફિલ્મનાં ગીતો લખવા માટે તને પૈસા આપવા માંગું છું.' હું નવાઈ પામી ગયો. આવું કદી થયું નહોતું. વાઉચર પણ કોરું કશા લખાણ વિનાનું હતું. 'આ તો કોરું છે' મેં કહ્યું. 'હા, આ મારે ઈન્કમ ટેક્સ માટે જરૂરી છે. અને સાંભળ, બસો રૂપિયા આપ.' બસ, એણે પૈસા લીધા અને આવ્યો હતો એવો જ ચાલ્યો ગયો.
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: - ગુલઝારે પોતે જે ગીતમાં દેખા દીધી હોવાનો ઉલ્લેખ કર્યો છે એ 'ગૃહપ્રવેશ'નું ગીત અહીં જોઈ શકાશે.
- બાસુ ભટ્ટાચાર્ય અને રીન્કીના છિન્નભિન્ન દામ્પત્યજીવનની અનેક વાતો હવે સૌ જાણે છે, તેથી તેની ચર્ચા અહીં અસ્થાને છે.

Sunday, April 2, 2023

હું પેલો, તમારો જોશી!


(ગ્વાલિયરના ઉસ્તાદ હાફીઝ અલી ખાન સાથેની) તાલિમ બે વરસ ચાલી. દરમિયાન પંડિતજી (ભીમસેન જોશી)ને કલકત્તાના ખ્યાતનામ ગુરુ ભીષ્મદેવ ચટ્ટોપાધ્યાય વિશે જાણ થઈ, જેઓ સંગીતના દેવતા મનાતા. આથી પંડિતજી ઉપડ્યા કલકત્તા. પણ એમની પાસેથી તાલિમ મેળવવી શી રીતે? પંડિતજીને જાણવા મળ્યું કે ભીષ્મદેવ ચટ્ટોપાધ્યાય અભિનેતા પહાડી સન્યાલને સંગીત શીખવવા માટે તેમને ત્યાં નિયમીત જાય છે. આથી પંડિતજીએ પહાડી સન્યાલને ત્યાં કામ શોધી લીધું. તેઓ ભોજન રાંધતા, ટીફીનમાં પહાડીદા માટે એ ભરી આપતા અને ફિલ્મના સેટ પર પહોંચાડતા, સાથેસાથે ખાનગી રાહે સંગીતની તાલિમ મેળવતા.
પહાડીદાને ત્યાં બેએક વરસ રહ્યા પછી ભીમસેન જોશી જલંધર ઊપડ્યા. એ સમયે વરસે એક વાર હરવલ્લવ સંગીત સમ્મેલન નામનો એક ભવ્ય કાર્યક્રમ યોજાતો. દેશભરના જાણીતા શાસ્ત્રીય સંગીતજ્ઞો તેમાં ઉપસ્થિત રહેતા. પંડિતજીએ અહીં પોતાના એક ગુરુ પ્રાપ્ત કર્યા, જે પ્રજ્ઞાચક્ષુ હતા. તેમની સાથે એમણે બે વરસ ગાળ્યાં. નજીકની એક હોટેલમાંથી તેમના બન્નેના ભોજનની વ્યવસ્થા પણ થઈ જતી. આ સમ્મેલનમાં ભીમસેન જોશીએ સવાઈ ગંધર્વને સાંભળ્યા જે પૂણે નજીકના ધારવાડના હતા. ભીમસેન જોશી આખરે સવાઈ ગંધર્વ પાસે ઠર્યા. તેઓ પોતાના ગુરુની છત્રછાયામાં ગયા અને શીખવાનું ચાલુ રાખ્યું. તેમના સ્નાન, ભોજનથી લઈને ઘરની સાફસફાઈ સુધીનાં તમામ કામ પંડિતજી કરતા. એક વાર તેમણે મને કહેલું, 'મને સતત એક વ્યક્તિની યાદ આવ્યા કરે છે. શરૂઆતમાં હું દેગડો લઈને ગુરુજીના સ્નાન માટે પાણી ભરવા જતો ત્યારે એક સ્ત્રી મને જોતી રહેતી. એ પછી જ્યારે પણ હું પાણી ભરવા જતો ત્યારે એ સ્ત્રી મને ઊભો રાખતી અને દૂધનો પ્યાલો ધરતી. વિચિત્ર ન કહેવાય?'
તાલિમ પત્યા પછી એક વાર પંડિતજી બોમ્બે ગયા. એમણે ઑલ ઈન્ડિયા રેડિયો માટે ગાયું, એચ.એમ.વી. દ્વારા તેમની રેકોર્ડ બહાર પડી. એ પછીનો ઈતિહાસ જાણીતો છે.
પંડિતજીનું વ્યક્તિત્વ અતિ વિરાટ, પણ તેઓ બાળક જેવા હતા. પોતે કેટલા વૃદ્ધ છે એ દર્શાવવા એક વાર તેમણે મને કહેલું, 'બેગમ અખ્તરને મેં ઊભાં રહીને ગાતાં સાંભળેલાં.' તેઓ શું કહેવા માંગે છે એ ન સમજાતાં મેં પૂછ્યું ત્યારે તેઓ કહે, 'શરૂઆતમાં લોકોને ઊભા રહીને ગાવાની તક મળે છે. તમે એક સ્તર સુધી પ્રગતિ કરો ત્યાર પછી જ તમે આરામથી બેસીને હાર્મોનિયમ સાથે ગાઈ શકો. એમને હું જાણતો ત્યારે તેઓ ઉભાં રહીને ગાતાં હતાં.'
ખ્યાતનામ બન્યા પછી એક વાર પંડિતજી કલકત્તામાં એક કાર્યક્રમ માટે ગયેલા. પહાડી સન્યાલ આવ્યા અને પ્રથમ હરોળમાં ગોઠવાયા. કાર્યક્રમ પૂરો થયો એટલે પંડિતજી પહાડી સન્યાલને મળ્યા અને કહ્યું, 'હું પેલો, તમારો જોશી.' આ જાણીને સન્યાલને એવો આંચકો લાગ્યો કે તેઓ કશો પ્રતિભાવ આપી શક્યા નહીં. એમના માટે ટિફિન લાવતો છોકરો હવે એક જાણીતો ગાયક બની ગયો હતો! એ દિવસના પહાડી સન્યાલના ચહેરા પરના હાવભાવ પંડિતજી કદી વીસરી શક્યા નહીં.'
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ:  ગુલઝારે 'ફિલ્મ્સ ડીવીઝન' માટે તૈયાર કરેલું પંડિત ભીમસેન જોશી પરનું એક દસ્તાવેજી ચિત્ર અહીં જોઈ શકાશે, જેની અવધિ એક કલાકની છે.

Saturday, April 1, 2023

ગુલઝારનું લખેલું પ્રથમ ગીત કયું?

સામાન્ય રીતે ગીતકાર ગુલઝાર પોતાના ઈન્‍ટરવ્યૂમાં પોતે લખેલા સૌ પ્રથમ ગીત તરીકે 'બંદિની'ના 'મોરા ગોરા અંગ લઈ લે'ને ગણાવે છે. અલબત્ત, તેમણે આ અગાઉ પણ ફિલ્મોમાં ગીતો લખેલાં છે.  ક્યાંક એમ પણ વાંચવામાં આવેલું કે અગાઉનાં ગીતોમાં પોતે માત્ર કોઈકના લખેલા ગીતને 'સરખાં' કરવાનું જ કામ કર્યું હોવાનું તેમણે કહેલું. વાસ્તવિકતા જે હોય એ, એ હકીકત છે કે 'બંદિની' પહેલાં ગુલઝારનું નામ ફિલ્મના પડદે ગીતકાર તરીકે આવી ચૂક્યું હતું. એ ગીતો આ રહ્યાં. 

1960માં રજૂઆત પામેલી 'કે પિક્ચર્સ' નિર્મિત, પ્રદીપ નય્યર નિર્દેશીત 'ચોરોં કી બારાત'નાં કુલ છ ગીતો અલગ અલગ ગીતકારોએ લખેલાં, જેમાંનું એક ગીત 'જાને ઔર અન્જાને આજ કહીં દીવાને ઘૂમને નિકલે' ગુલઝારનું હતું. ગાયક સુમન કલ્યાનપુર અને મહેન્દ્ર કપૂર. ફિલ્મમાં તેમનું નામ 'ગુલઝાર દીનવી' તરીકે હતું. સૌ જાણે છે એમ તેમનું તખલ્લુસ આ જ હતું, જે પછી ટૂંકાઈને 'ગુલઝાર' બન્યું. (મૂળ નામ સંપૂર્ણસિંઘ કાલરા). સંગીતકાર મનોહર (ખન્ના). એ જ વરસે રજૂઆત પામેલી 'ભગવતી પ્રોડક્શન્સ'ની, પ્રદીપ નય્યર નિર્દેશીત 'દિલેર હસીના'નાં કુલ છ ગીતોમાંના ત્રણ ગીતો - 'ઓ ઓ ઓ મનચલી', 'ચટકો ના મટકો ના' અને 'ચાંદની રાત જિયરા ડોલે' ગુલઝારે લખેલાં. પહેલાં બે ગીતો મહેન્દ્ર કપૂરે ગાયેલાં, અને ત્રીજું ગીત મહેન્દ્ર કપૂર- સુમન કલ્યાણપુર તેમજ સાથીઓએ. ફિલ્મમાં નામ 'ગુલઝાર દીનવી'. સંગીતકાર ઈકબાલ. એ જ વરસે રજૂઆત પામેલી 'રૂપકલા પિક્ચર્સ'ની, એસ.એમ.અબ્બાસ નિર્દેશીત 'શ્રીમાન સત્યવાદી'નાં સાત ગીતો પૈકીનાં ચાર ગીતો ગુલઝારે, બે હસરત જયપુરીએ, અને એક ગુલશન બાવરાએ લખેલાં. ગુલઝારનાં ગીતો- 'ઋત અલબેલી, મસ્ત સમા' (મુકેશ), 'ઈક બાત કહૂં વલ્લાહ' (મુકેશ, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર અને સાથી), 'ભીગી અદાઓં મેં તેરી અદાઓં મેં' (મન્નાડે, સુમન કલ્યાણપુર) અને 'ક્યૂં ઉડા જાતા હૈ આંચલ' (સુમન કલ્યાણપુર). સંગીતકાર હતા દત્તારામ. આ ગીતો ખાસ જાણીતાં નથી, પણ સંખ્યામાં જોઈએ તો ત્રણ ફિલ્મોનાં આઠેક ગીતો થાય છે. આમ, ફિલ્મો માટે દસેક ગીતો લખ્યાં પછી 'મોરા ગોરા અંગ લઈ લે' લખાયું. એ શક્યતા ખરી કે 'કાબુલીવાલા' કે 'પ્રેમપત્ર' કરતાં કદાચ 'બંદિની'નું ગીત લખાયું પહેલું હોય, અને ફિલ્મ મોડી રજૂ થવા પામી હોય. પણ આ ત્રણ ફિલ્મો બાબતે એ શક્ય નથી લાગતું.

'શ્રીમાન સત્યવાદી' ફિલ્મમાં ગીતકાર તરીકે ગુલઝારનું નામ 

'બંદિની'ની રજૂઆત 1963માં થઈ. એ અગાઉ 1961માં રજૂઆત પામેલી 'બિમલ રોય પ્રોડક્શન્સ'ની, હેમેન ગુપ્તા નિર્દેશીત 'કાબુલીવાલા'નું 'ગંગા આયે કહાં સે' ગીત એમણે લખેલું, જેને સલીલ ચૌધરીએ સંગીતબદ્ધ કરેલું. 'કાબુલીવાલા'નાં બાકીનાં ત્રણ ગીતો પ્રેમ ધવને લખેલાં. અલબત્ત, આની ધૂન એ સમયે રજૂ થયેલી, રાજન તરફદાર નિર્દેશીત બંગાળી ફિલ્મ 'ગંગા'ના ગીત 'આમાય દુબાઈલી રે'ની ધૂન હતી, જે મન્નાડેએ ગાયું હતું. આ ધૂન પણ સલીલદાની જ હતી. એ પછી 1962માં રજૂઆત પામેલી, 'બિમલ રોય પ્રોડક્શન્સ'ની, બિમલ રોય નિર્દેશીત ફિલ્મ 'પ્રેમપત્ર' 1962માં રજૂઆત પામી. એના પાંચ ગીતોમાંથી ચાર રાજેન્દ્ર કૃષ્ણે લખેલાં, અને એક ગીત 'સાવન કી રાતોં મેં ઐસા ભી હોતા હૈ' ગુલઝારે લખેલું, જેના ગાયક હતા લતા અને તલત મહમૂદ. સંગીતકાર સલીલ ચૌધરી. 'બંદિની'ની રજૂઆત 1963માં થઈ હતી.