આજે મિત્ર પૈલેશ શાહનો જન્મદિવસ છે. તેના વિશે વાત કરતાં છગનનું સ્મરણ થયા વિના રહે નહીં.
વિનોદ ભટ્ટના પુસ્તક ‘વિનોદની નજરે’માં શેખાદમ આબુવાલાના પરિચયલેખના આરંભે છગનનું કાલ્પનિક પાત્ર આલેખવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીથી લઈને વિવિધ દેશના વડાપ્રધાન છગનને ઓળખે અને ‘બહુ દિવસે દેખાયા’ કહીને ખબરઅંતર પૂછે છે. છેક છેલ્લે વેટિકન સીટીમાં પોપ છગનના ખભે હાથ મૂકીને જાહેરમાં દર્શનાર્થે આવે છે ત્યારે નીચે ઉભેલા હજારો લોકો પૈકી એક જણ પૂછે છે, ‘આ છગનને ખભે કોણે હાથ મૂક્યો છે?’ વિનોદભાઈએ છગનનું પાત્ર શેખાદમમાં સાકાર થતું અનુભવ્યું હોવાનું જણાવ્યું છે. મારા જેવા અનેક માટે છગનનો પર્યાય એટલે પૈલેશ. તેના પરિચય ક્યાંથી ક્યાં વિસ્તરેલા નીકળે એ કહેવાય નહીં, અને માનો કે પરિચય ન હોય તો કેળવી દેતાં એને વાર નહીં. એનો અર્થ એવો નહીં કે પૈલેશ બોલકો, મળતાવડો અને હસમુખો છે. એ મોટે ભાગે બોલવાનું ઓછું રાખે છે, તેથી તેના દેખાવ પરથી એ કડક હોવાની છાપ ઉપસે. ભલું હોય તો પૈલેશ એને સાચી પણ ઠેરવી બતાવે. હવે તો તેણે વધારેલી દાઢી પણ કડકાઈમાં ઊમેરો કરતી હોય એમ લાગે. એ મળતાવડો પણ ખાસ નહીં, એટલે કે નવા લોકોને મળવું એને ગમે, પણ ગમે એની સાથે પરિચય કેળવવા ન માંડે, અને હસમુખો? અગાઉ જણાવ્યું એમ એ કડક હોવાની પ્રાથમિક છાપ ઉપસે.
પૈલેશ શાહ |
હવે તો તે નડિયાદ રહે છે, પણ તેનો ઉછેર ખેડામાં થયેલો, અને ખેડામાં તેનો વ્યવસાય હજી ચાલે છે એટલે એ નડિયાદથી ખેડા આવ-જા કરે છે. અમારી મિત્રમંડળી આઈ.વાય.સી. (ઈન્ટેલિજન્ટ યુથ ક્લબ)માં તેનો પ્રવેશ પ્રમાણમાં મોડો થયેલો, કેમ કે, અસલમાં તેના પપ્પા સુમનકાકા અને વિપુલ રાવલના પપ્પા હર્ષદકાકા મિત્રો હતા. આથી તેનો પહેલો પરિચય વિપુલ સાથે થયેલો. પણ તેની પ્રકૃતિને કારણે એ ધીમે ધીમે સૌનો મિત્ર બની ગયો. તેની પ્રકૃતિ ખરા અર્થમાં ‘વડનાં વાંદરા પાડે એવી’ હતી. અહેતુક તોફાન, અવળચંડાઈ, અલ્લડપણું તેની ઓળખ હતી. અમુક અંશે માથાભારેપણુંય ખરું. સાથોસાથ તે કોઈને મદદ કરવા પણ એટલો જ તત્પર રહેતો. ખેડામાં દર વરસે દિવાળી ટાણે યોજાતી દારૂખાના વડે થતી સામસામી લડાઈમાં તે સ્વયંસેવક તરીકે સેવા આપતો. ધીમે ધીમે તે જવાબદારી લઈને બીજાં અનેક સામાજિક કામો સાથે સંકળાતો ગયો, પણ તેનું તોફાનીપણું એમનું એમ રહ્યું.
અમારો પરિચય થયો એ
વખતે અમારા સૌ પર તેની આવી જ છાપ પડેલી, જે ઘણી હદે સાચી હતી. થોડો સમય તે આણંદ નોકરી કરતો અને
ટ્રેનમાં અપડાઉન કરતો. એ જ અરસામાં તેનો પરિચય વિપુલ સાથે થયો. અગાઉ જણાવ્યું એમ
તેમના પિતા મિત્રો હતા, પણ સંતાનોનો પરિચય નવેસરથી થયો.
પૈલેશની પ્રકૃતિમાં એ પછી જે પરિવર્તન આવતું ગયું એ સમયાંતરે તેની તમામ ખાસિયતોને
યોગ્ય દિશામાં ‘ચેનલાઈઝ’ કરનારું બની
રહ્યું. એમાં વિપુલનો યશ દિશાસૂચન પૂરતો ખરો, પણ પૈલેશની
ગુણગ્રાહિતા પૂરેપૂરી.
પૈલેશે ધીમે ધીમે, પણ એકનિષ્ઠા વડે વ્યાવસાયિક આવડત વિકસાવી. તેનો વ્યવસાય ખાતર અને જંતુનાશક દવાઓનો, એટલે ખેતીને લગતો અનુભવ તેણે પ્રત્યક્ષ, ખેતરોમાં જઈ જઈને પ્રાપ્ત કરવા માંડ્યો. કાદવવાળી માટી ખૂંદતાં ખૂંદતાં તે જે શીખતો ગયો એની સુયોગ્ય નોંધ કરતા જઈને તેનો અભ્યાસ કરતો ગયો. સમય વીતતાં આ ક્ષેત્રમાં તેણે એવો અનુભવ અને તેને લઈને તેના ગ્રાહકોનો જે વિશ્વાસ પ્રાપ્ત કર્યો એ તેની અસલી મૂડી બની રહ્યો. હવે તો ખેડાની આસપાસના ગામના ખેડૂતો તેમના ‘પૈલેશભાઈ’ને વૉટ્સેપ પર જ પોતાના પાકનો ફોટો મોકલે એટલે ‘પૈલેશભાઈ’ તેની બિમારીનું નિદાન કરી દે અને તેને અનુરૂપ દવા સૂચવે. ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં પણ તેની શાખ ઘણી છે, અને ક્ષેત્રીય મુલાકાત માટે તેને બોલાવવાનો આગ્રહ ઘણા લોકો રાખતા હોય છે. જો કે, આ બધી વાતો પૈલેશે કદી અમને જણાવી નથી, પણ વાતવાતમાં અમને જાણવા મળતી રહી છે. ભણતર છોડ્યા પછી, ક્ષેત્રીય અનુભવ પણ પ્રાપ્ત કર્યા પછી વ્યાવસાયિક જરૂર ઊભી થતાં તેણે ઘણા વરસોના ખાડા પછી કૃષિની કૉલેજમાં અભ્યાસ કર્યો. તેણે પોતાનું મહોરું તો એ જ, તોફાનીવાળું રાખ્યું છે. કારણ કે, મૈત્રીમાં આવી ‘બાહ્ય’ સિદ્ધિઓનું ખાસ વજૂદ નથી હોતું. આને કારણે અમારા મિત્રવર્તુળમાં પૈલેશની સામાન્ય છબિ એવી કે એ ફોનમાં ‘આવું છું’ કહે, પણ વાસ્તવમાં આવે ત્યારે સાચો. જો કે, એના કારણમાં જવાનો કોઈ ખાસ પ્રયત્ન ન કરે, અને પૂછ્યા વિના પૈલેશ જણાવે પણ નહીં. બાકી એવી પૂરેપૂરી શક્યતા કે એ કોઈક ગંભીર વ્યાવસાયિક કામમાં રોકાયેલો હોય. એ પછી તે આવે ત્યારેય જણાવે નહીં કે તેને મોડું કયા કારણે થયું. આને કારણે તેની અન્ય વાતને ગંભીરતાથી લેનારા ઓછા. એ ઘણી વાર કરે પણ એવું કે ક્યારેક કોઈ એક મુદ્દે કશી ગંભીર વાત ચાલી રહી હોય તો એને આસાનીથી એ બીજા પાટે ચડાવી દે. આને કારણે ઘડીભર અકળામણ થાય. એ જ પૈલેશનું તોફાનીપણું જીવંત રહ્યું હોવાનો પુરાવો. અલબત્ત, બધા એ બાબતે એકમત કે પૈલેશને ગમે એ કામ સોંપો તો એ થયે જ પાર હોય. કામનો પ્રકાર ભલે ને ગમે એવો હોય! પૈલેશના પોતાના સંપર્કો એટલા, એથીય આગળ કામ કરવાની તેની સજ્જતા એટલી કે તેને સામેની વ્યક્તિ અનુસાર સામ,દામ કે દંડ અજમાવતાં આવડે.
મારા પપ્પાની છેલ્લી બિમારી વખતે તેમને નડિયાદ
હોસ્પિટલમાં દાખલ કરેલા અને તેમને ચોક્કસ પ્રકારના ડાયપરની જરૂર પડતી. આ ડાયપર બૉક્સમાં
ખરીદીએ તો એ મોંઘા પડતા. પૈલેશ ખેડાથી આવીને રોજ સાંજે હોસ્પિટલની મુલાકાતે આવતો.
તેના ધ્યાનમાં આ બાબત આવી એટલે એ વગર કહ્યે એ પ્રકારનું મટીરીયલ લઈને આવ્યો કે
જેના ટુકડા કરીને વાપરી શકાય. પોતાનાઓનું કામ કરવા માટે કદી તે સૂચનાની રાહ ન જુએ.
મારી દીકરી શચિના લગ્ન વખતે આયોજનના પહેલવહેલા ચરણનો અમલ પૈલેશની સાથે બેસીને
કરેલી ચર્ચાથી જ શરૂ થયેલો. તેને કશું કામ સોંપ્યું એટલે એ થાય જ. એમાં ગમે એવી અડચણ
આવે તો પૈલેશ એનો ઊકેલ લાવી દે, અને કામ સોંપનારને એની ગંધ સુદ્ધાં
ન આવવા દે. કોઈ પણ પ્રસંગે પૈલેશ હાજર હોય એટલે એની નજરબહાર કશું જ ન હોય, અને એ પ્રસંગ દરમિયાન કશું કાબૂ બહારનું બને તો કોઈને કહ્યા વિના પૈલેશ પરિસ્થિતિને પોતાના હાથમાં લઈ લે અને તેનો યોગ્ય નિકાલ લાવી દે. ઘણાખરા કિસ્સામાં યજમાનને એની જાણ પણ ન થાય, અથવા તો પ્રસંગ પૂરો થયા પછી થાય.
પોતાની આવી પ્રકૃતિને
કારણે સામાજિક સેવાનાં વિવિધ કાર્યો સાથે સંકળાયેલો હોવાને લઈને તેના સંપર્કો
એટલા વિકસ્યા કે એક તબક્કે રાજકારણમાં પ્રવેશવાનું તેણે લગભગ નક્કી કરી લીધેલું.
પણ એક હિતેચ્છુએ તેને આ ક્ષેત્રની વરવી વાસ્તવિકતા સાફ શબ્દોમાં જણાવી. રાજકારણમાં પ્રવેશ કર્યો ન હોવાને કારણે
પૈલેશમાં સંવેદનશીલતા પૂરેપૂરી હતી. તેણે રાજકારણમાં પ્રવેશવાનું માંડી વાળ્યું, નહીંતર તે એક સફળ રાજકારણી હોત એની અમને ખાત્રી છે. અલબત્ત, પોતાનામાં રહેલી સેવાભાવના અને સહાયરૂપ થવાની વૃત્તિને તેણે બરકરાર રાખી. એ જ રીતે તેણે ધાર્યું હોત તો કોઈક સંપ્રદાયમાં જોડાઈ ગયો હોત, કેમ કે, તેના અંગત કહી શકાય એવા મિત્રો વિવિધ સંપ્રદાયમાં સારી એવી વગ ધરાવે છે. પણ પૈલેશે પોતાની સમજણ સ્પષ્ટ અને સ્વસ્થ રાખી. સંપ્રદાયના બાહ્યાચારમાં તેને રસ ન હતો. દોસ્તીદાવે યા અન્ય કોઈ એવા સંબંધે કોઈ સંપ્રદાય સાથે સંકળાવું જ પડે એમ હોય તો એ સમાજસેવાના કોઈ કાર્ય માટે થઈને, એટલા પૂરતો જ સંકળાયો અને હજી સંકળાય છે.
પૈલેશની પત્ની
ફાલ્ગુની પણ એવી જ પ્રેમાળ. તેનાં સંતાનો આકાશ અને કવન અમારી નજર સામે જ ઉછર્યાં
છે એમ કહી શકાય. આકાશે પણ પિતાનું ક્ષેત્ર પસંદ કરીને એમાં આગવી રીતે કામ શરૂ
કર્યું છે અને એમાં તે ઘણો સફળ છે. આકાશ અને કવન પણ ખૂબ જ સ્નેહાળ. અમારાં સૌ
મિત્રોનાં સંતાનોની આપમેળે, અનાયાસે વિસ્તરેલી મૈત્રી અને આત્મીયતા આંખ ઠારે એવી છે. આકાશ અને કવન એમાં
એટલા જ સક્રિય. એ બન્ને અલબત્ત, પૈલેશની સરખામણીએ ઘણા ડાહ્યા
છે, અને ખાસ કરીને કવન ઘણી વાર તેના પપ્પાના ‘પરાક્રમ’ વિશે જાણવાની જિજ્ઞાસા અમારા થકી સંતોષવાનો
પ્રયત્ન કરતો રહે છે.
પરિવારજનો સાથે (ડાબેથી): કવન, પૈલેશ, ફાલ્ગુની અને આકાશ |
દોસ્તીનાં સમીકરણોમાં
કશા નિયમ લાગુ નથી પડતા એનું ઉદાહરણ એટલે પૈલેશ સાથેની અમારા સૌની દોસ્તી. એ ખેડાનો
વતની, અમારી સાથે તે ભણ્યો
નથી, અને તેનો અમને પરિચય પણ વિપુલ થકી થયો. છતાં એ દોસ્તી પર
સાડા ત્રણ દાયકાનો માંજો ચડતો રહ્યો છે, અને અમે જાણે કે બાળગોઠિયા
હોઈએ એમ જ લાગે છે. તેની ખાસિયત એ છે કે તેની સાથે સંપર્ક ધરાવતા સહુ કોઈને એ એટલો
જ આત્મીય જણાય છે. જેમ કે, હું તો પૈલેશ સાથે ફોનથી સીધી વાત
કરું એ સ્વાભાવિક છે, પણ કામિની કે ઈશાન યા શચિ સીધો જ તેને ફોન
કરી શકે અને તેમને એકસરખો જ પ્રતિભાવ મળે. આવું જ બીજા મિત્રોને પણ એની બાબતે! મને
ઘણી વાર થાય કે તેના મહિમાનું અમારી મંડળીમાં પૂરતું સ્થાપન થયું નથી. પૈલેશને એની જરાય અપેક્ષા નથી, કે નથી એણે કદી એવી ખેવના
રાખી. મૈત્રીની મઝા જ એ હોય છે!
એક સમયે ‘વડના વાંદરા પાડતા’ પૈલેશની
તોફાની વૃત્તિ એવી જ રહી છે, પણ હવે એમાં વયસહજ સમજણ અને અનુભવ
ભળતાં એ ધારે તો પોતે પાડેલાં ‘વડના વાંદરા’ને પાછા વડ પર ગોઠવી દે એ માર્ગે વળી છે. એણે ધારવાની વાર છે, બાકી એ આ કરી શકે એ બાબતે અમને સૌને ખાત્રી જ છે. તેના જન્મદિવસે તેને સ્વસ્થ જીવનની
દિલી શુભેચ્છાઓ.