Saturday, June 6, 2020

એ અનામી સગર્ભા હાથણીને

3 Suspects, Says Kerala Chief Minister On Killing Of Pregnant Elephant


કેટલાંય ચોપગાં,
અમારાં સગાં

કોક મા, તો કોક માસી,
હવે તો એ પણ ગયા છે ત્રાસી,
પણ તું તો મોટી હસ્તી,
એમ કંઈ તું છો સસ્તી?
તને એટલે જ તોળી ત્રાજવે,
જીવતે લાખ
મૂએ સવા લાખ,
પણ અમે અબુધ,
પડી નહીં સુધ,
કોકે કર્યું તારું મારણ,
ત્યારે મળ્યું એ તારણ,
તારી પર પણ ખેલી શકાય રાજકારણ,
તારી તો માત્ર આડ,
પારખીએ છીએ લોકોની નાડ,
આપીને શ્રદ્ધાંજલિ તને,
મારી મોટી ધાડ,
વરસાવ્યો ફિટકાર,
ને તારી પર કર્યો ઉપકાર,
પણ અમે નથી વદ્યા હજી,
દેહિંગ પતકાઈ*માં પાડેલા સોદાની વાત,
મંજૂરી કોલસાની ખાણની,
હા, જગ્યા તમારા ચરિયાણની,
નૂમાલીગઢ*ને ફાળવી,
જમીન તમારા વિસ્તારની,
જાવ, થાય એ કરી લેજો,
ચાવવાના કે દેખાડવાના,
બધાય પાડી દઈશું,
તને ખબર ન હોય,
પણ અમે જાણીએ ને,
કે એક મૃત્યુ હોય શોક,
પણ જો એનો થાય થોક,
તો એ છે કેવળ આંકડા,
અને માણસના મૃત્યુને અમે ગણીએ અંક,
એની સરખામણીએ તમે સાવ રંક!
તમને કોણ પૂછે?
અમે જાણીએ છીએ,
કે તમને કદી ન પૂછાય,
તમને તો માત્ર પૂજાય.

*દેહિંગ પતકાઈ= આસામમાં આવેલા આ હાથી અભયારણ્યમાં કોલસાનું ખાણકામ કરવાની મંજૂરી લૉકડાઉન દરમિયાન આપવામાં આવી છે.
* નૂમાલીગઢ= અગાઉ આ રિફાઈનરીએ હાથીઓની અવરજવરના માર્ગ પર દિવાલ ચણેલી, જેને સર્વોચ્ચ અદાલતે હટાવવાનો હુકમ કરેલો. હવે લૉકડાઉન દરમિયાન રિફાઈનરીના વિસ્તરણ માટે અનેક ગણો વિસ્તાર સીધેસીધો ફાળવી દેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના અભ્યાસરિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ વિસ્તારમાં સૌથી વધુ સંખ્યા હાથીઓની છે.
(વિસ્ફોટક ભરેલું અનાનસ ખાવાથી એક સગર્ભા હાથણીનું કેરળમાં મૃત્યુ થયું. તેને પગલે સોશ્યલ નેટવર્કિંગનાં માધ્યમો પર આક્રોશ ફાટી નીકળ્યો. આ મુદ્દે રાબેતા મુજબ હિન્‍દુ-મુસ્લિમનું રાજકારણ પણ પ્રવેશ્યું. હાથણીના અપમૃત્યુની આટલી ફિકરની સાથે અન્ય હાથીઓની 'ખાતીરદારી' કેવી રીતે કરાઈ રહી છે એ સમાચારની ખાસ નોંધ લેવાઈ નથી. એ નિમિત્તે એ મૃત સગર્ભા હાથણીને ઉદ્દેશીને આ કવિતા) 

(તસવીર: નેટ પરથી) 

1 comment:

  1. આપણામાં વધી રહેલી અસંવેદનાની ભાવનાને બહુ અસરકારક્પણે વ્યક્ત કરાઈ છે.

    ReplyDelete