(પ્રોજેક્ટ યુનિફોર્મ અને ત્યાર પછી સેનીટરી નેપકીન
પ્રોજેક્ટનો સફળતાપૂર્વક આરંભ કરીને તેને સતત આગળ વધારતા જતા અમદાવાદના મિત્ર ઉત્પલ
ભટ્ટ ડાંગમાં એકધારું કામ કરી રહ્યા છે,જેના અહેવાલો અહીં વાંચી શકાય છે. આ પ્રવાસોની સાથેસાથે તેમની
નજર ચારેકોર ફરતી હોય છે, જેમાંથી અનેક બાબતો તેઓ અહીં વહેંચે છે. આ વખતે આવી જ એક વિશિષ્ટ મુલાકાતની
વાત.)
- ઉત્પલ ભટ્ટ
ડિસેમ્બર ૨૦૧૬ની એક સવારે,
ડાંગથી અમદાવાદ પરત ફરતાં અમારી મોટરકાર વાંસદા ટાઉનમાં પ્રવેશી અને થોડીક પૂછતાછ પછી વાંસદાના રાજમહેલ
‘દિગ્વીર નિવાસ’ના ભવ્ય પ્રવેશદ્વારની બહાર જઈને ઉભી રહી.
પ્રવેશદ્વારના વિશાળ લોખંડી દરવાજાઓને તાળું મારેલું હતું.
રાજમહેલમાં દાખલ થવાનો આ એક જ રસ્તો હતો.
પ્રવેશદ્વાર પર લખેલો ફોન નંબર જોડ્યો,
ઓળખાણ આપી અને પ્રવેશની અનુમતિ માગી.
સામે છેડેથી કહેવાયું કે ‘
રાજાસાહેબની તબિયત નાદુરસ્ત હોવાને લીધે સાંજે પાંચ પહેલાં તેઓ મુલાકાત આપતા નથી,
આગોતરો સમય લઈને મળવા આવી શકો છો.’
આવો જવાબ સાંભળીને અમે
દૂર દેખાઈ રહેલા નજરને ઠારતા ભવ્ય રાજમહેલ તરફ નજર નાખી અને વીલા મોઢે પાછા ફર્યા.
 |
વાંસદા અને ધરમપુર રાજ્યનો નકશો |
નાનકડી જણાતી
આ ઘટનાની પાછળ ઈતિહાસના અંગત તાર જોડાયેલા છે.
નાનપણથી જ
મારા જશવંતીદાદીના મોઢે વારે-
તહેવારે સાંભળેલું કે દાદીના મમ્મીના પપ્પા એટલે કે દાદીના નાના શ્રી નર્મદાશંકર જોષી વાંસદા સ્ટેટના રાજકુંવરના શિક્ષક હતા અને રાજમહેલમાં રહીને જ તેમને ભણાવતાં.
આ વાત નાનપણથી જ મગજના કોઈ એક ખૂણામાં અંકાઈ ગયેલી અને મોટા થવાની સાથે ફરજના ભાગરૂપે આવતી વિવિધ પ્રાથમિકતાઓને કારણે છેક છેવાડાના અંધારા ખૂણામાં જઈને બેઠેલી.
‘પ્રોજેક્ટ યુનિફોર્મ’ અને ‘સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટ’ ના ભાગરૂપે છેલ્લા ત્રણેક વર્ષથી ડાંગ જીલ્લામાં જવાનું શરૂ થયું અને અતિક્રમણની હદ સુધી વધી ગયું!
ડાંગની દરેક મુલાકાત વખતે જતાં-
આવતાં વાંસદા તો આવે જ.
એટલે મગજના અંધારા ખૂણામાં જઈને બેઠેલી વાંસદા સ્ટેટની વાત માનસપટ પર ઝડપથી તરવરવા લાગી.
ડાંગના રહેવાસીઓ
સાથેની વાતચીત દરમ્યાન જાણવા મળ્યું કે વાંસદામાં આજની
તારીખેય રાજમહેલ અડીખમ ઉભો છે અને રાજાસાહેબ હજુ પણ ત્યાં જ રહે છે.
આ વાત જાણીને ઈતિહાસને ફંફોળી રહેલા એન્ટેના વધુ ઊંચા થયા!
ઈતિહાસરસિક હોવાને નાતે ઘરમાં નર્મદાશંકર વિશે પૂછતાછ શરૂ કરી અને તેઓની ‘
રાજની નોકરી’
વિશેની પ્રાથમિક વાતો જાણવા મળી.
તેઓના સ્વર્ગવાસ પછી તેમની દીકરીઓને આજીવન વાંસદા સ્ટેટનું પેન્શન પણ ઘેર બેઠાં મળતું.
અમારું મૂળ વતન બારડોલી પાસેનું નાનકડું મોતા ગામ.
 |
વાંસદાનું રાજચિહ્ન |
 |
વાંસદાનું રાજચિહ્ન |
આટલી માહિતી મેળવીને વાંસદાના મહારાજાને મળવાની અને રાજમહેલની મુલાકાત લેવાની તાલાવેલી જાગી.
એના ભાગરૂપે ડિસેમ્બર ૨૦૧૬ની એક સવારે રાજમહેલની મુલાકાત લેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
જીવનના વિવિધ તબક્કે મળેલી નિષ્ફળતાઓમાં એકનો જ વધારો થવાથી એનો જરાય ભાર રાખ્યા વિના કરોળીયાની જેમ રાજમહેલ સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો શરૂ કર્યા!
જાન્યુઆરી ૨૦૧૭ ના એક દિવસે રાજાસાહેબના સેક્રેટરી શ્રી ભરતભાઈ સાથે વાત થઈ.
એમને ૨૫૦-
૩૦૦ વર્ષ પહેલાંની નર્મદાશંકરની વાંસદા સ્ટેટ સાથેના સંબંધની વાત સમજાવી જે તેમણે ધીરજથી સાંભળી.
મેં સ્પષ્ટ કર્યું કે અમને રાજાસાહેબને મળવાનો અને રાજમહેલ જોવાનો ખૂબ જ રસ છે.
ભરતભાઈએ કહ્યું કે રાજાસાહેબને મળવાનું લગભગ શક્ય નહિ બને પરંતુ રાજમહેલની મુલાકાત તેઓ ગોઠવી આપશે.
મેં ૨૫ જાન્યુઆરીએ બપોરે ૩:૦૦ વાગ્યાની એપોઈન્ટમેન્ટ માગી.
ચાર-પાંચ દિવસ પછી ભરતભાઈનો ફોન આવ્યો કે ૨૫ જાન્યુઆરીએ બપોરે ૩:૦૦ વાગ્યાની રાજમહેલની મુલાકાત નક્કી થઈ છે.
આ સમાચાર સાંભળીને હું રોમાંચિત થઈ ઉઠ્યો.
 |
પ્રવેશદ્વારેથી નજરે પડતો રાજમહેલ |
૨૫ જાન્યુઆરીએ વહેલી સવારે વાંસદા જવા માટે મોટરકાર હંકારી.
બપોરે મોતા ગામ અને બારડોલી ખાતે ભોજનવિરામ લીધો અને બરોબર ૩:૦૦ ના ટકોરે રાજમહેલના પ્રવેશદ્વાર પર પહોંચ્યા.
રાજાસાહેબને મળવા માટે સમયપાલન તો રાખવું જ પડે ને!
આ વખતે રાજમહેલના વિશાળ લોખંડી દરવાજા ખુલ્યા અને અમારી મોટરકાર પ્રવેશદ્વાર અને રાજમહેલની પોર્ચ વચ્ચેના લગભગ એકાદ કિ.
મી.
લાંબા રસ્તા પર ધૂળ ઉડાડતી આગળ વધી.
પોર્ચ નીચે ભરતભાઈ અમારી રાહ જ જોઈ રહ્યા હતા.
પ્રતિક્ષાનો
સુખદ અંત આવ્યો અને આખરે અમે રાજમહેલના આરસ જડેલા દાદરા ચઢ્યા.
અમારા આશ્ચર્ય વચ્ચે વાંસદા સ્ટેટના યુવરાજ શ્રી જયવિરેન્દ્રસિંહજી પણ અમને આવકારવા બહાર આવ્યા.
એમને મેં વિનંતી કરી કે જો પાંચ મિનિટ માટે પણ રાજાસાહેબની મુલાકાત થઈ શકતી હોય તો અમે રાજમહેલ પછીથી જોઈશું.
થોડાક ખચકાટ પછી એમણે રાજાસાહેબ સાથે મુલાકાતની હા પાડી અને અમને દીવાનખંડમાં દસેક મિનિટ રાહ જોવાનું કહ્યું.
ઊંચી છત ધરાવતા ભવ્ય દીવાનખંડમાં પ્રવેશીને અમે સોલંકી વંશના રાજપૂત મહારાજાઓના અતિભવ્ય તૈલચિત્રો નિહાળવાના શરૂ કર્યા.
 |
ભવ્ય દીવાનખંડ |
વાંસદાના રાજમહેલની મુખ્ય ઈમારત ઈ.
સ.
૧૯૧૪ માં બંધાયેલી છે.
મુખ્ય મકાનની જમણી બાજુમાં વિશાળ ભોજનખંડ અને એની બાજુમાં અતિવિશાળ
‘
દરબાર હોલ’
ઈ.
સ.
૧૯૩૫ માં બંધાયા.
 |
દરબાર હૉલની ઈમારત
 |

દરેક મકાન એકમેક સાથે એ રીતે સંકળાયેલું છે કે એક સળંગ માળખું જ લાગે.
રાજમહેલની લંબાઈ એટલી છે કે એને એક છેડેથી બીજા છેડે નિહાળવા માટે નજર ૧૮૦ ડિગ્રીએ ફેરવવી પડે.
રાજમહેલ
બ્રિટિશ કિલ્લા અને ફ્રેન્ચ સ્થાપત્ય શૈલી પ્રમાણે બાંધવામાં આવ્યો છે.
દીવાનખંડમાં વંશવેલા પ્રમાણે મહારાજાસાહેબોના તૈલચિત્રો લાગેલા છે.
વરસો પછી પણ ભોંયતળિયાની આરસની લાદીની ચમક જરાય ઝાંખી નથી પડી.
દીવાનખંડની વચ્ચોવચ જૂની ઢબના પરંતુ હજુ પણ નવા જ લાગતા સોફા અને વચ્ચે એક
ઝીણા કોતરણીકામવાળું ગોળાકાર મેજ ગોઠવાયેલું હતું.
ખંડની ચારે તરફ પૂરતા હવાઉજાસ માટે વેન્ટિલેશનવાળા વિશાળ બારણાં હતા.
પહેલાંના સમયનો વેન્ટિલેશનનો આ વિચાર મને ખૂબ જ ગમે છે પરંતુ હવે નવા બાંધકામોમાં ક્યાંય તે જોવા મળતો નથી.
નવા બાંધકામોમાં વેન્ટિલેશન નહિ મૂકવા પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજાવી શકે તેવો આજ સુધી કોઈ આર્કિટેક્ટ મળ્યો નથી!
દીવાનખંડમાં એક ઠેકાણે મસાલા ભરેલો ચિત્તો કાચની પેટીમાં ગોઠવેલો હતો જે રાજાઓના રજવાડી
શિકારના શોખની ગવાહી પૂરતો હતો.
ભવ્ય દીવાનખંડ અને તૈલચિત્રોનું નિરીક્ષણ કરતાં કરતાં જ દસ મિનિટ પસાર થઈ ગઈ.
એટલામાં
‘
રાજનું કહેણ’
આવ્યું.
‘
રાજનું કહેણ’
વાક્યપ્રયોગ પરથી એક વાત યાદ આવી કે ઈ.
સ.
૧૯૯૯ માં અમદાવાદમાં
‘
સાયન્સ સીટી’ની રચનાની
વિચારણા ચાલી રહી હતી ત્યારે ભારતના પ્રસિધ્ધ ખગોળશાસ્ત્રી ડૉ.
જે.
જે.
રાવળને મળવાનું બન્યું હતું.
મૂળ હળવદના રાવળસાહેબને ગુજરાત સરકારે ‘
ખાસ આમંત્રિત’
તરીકે ગાંધીનગર બોલાવ્યા હતા.
ત્યારે ચાલી રહેલી પ્રાસંગિક વાતચીત દરમ્યાન એમણે મને એવું કહેલું કે “
રાજનું કહેણ આવે એટલે મળવા આવવું જ પડે.
રાજનું કહેણ ઉથાપી શકાય નહિ.”
જૂની પેઢીમાં ‘
રાજ’
માટેનું માન અને ‘
રાજ’નો ડર બહુ જ સ્પષ્ટ હતા.
સાગના લાકડાનો ખાસો પહોળો દાદરો ચઢીને અમે પહેલા મજલે આવેલા એક ખંડમાં પ્રવેશ્યા જ્યાં ૯૧ વર્ષના હાલના મહારાજાસાહેબ શ્રી દિગ્વીરેન્દ્રસિંહજી ઈન્દ્રસિંહજી સદેહે હાજર હતા. ત્રણ પેઢી પહેલાંની ઓળખાણ આપીને એમને નર્મદાશંકરનું નામ આપ્યું એટલે તરત જ એમણે કહ્યું કે મેં એમને રાજમહેલમાં જોયેલા. અમારી
મુલાકાતનો મંજૂર થયેલો સમય ફક્ત પાંચ મિનિટનો જ હતો પરંતુ અમને મળીને આનંદમાં આવી ગયેલા રાજાસાહેબ સાથે “સાંભરે રે, વિસરે રે”
પ્રકારની વાતો
અડધા કલાક સુધી લંબાઈ. હાલના રાજાસાહેબે સરદાર પટેલની હાજરીમાં ઈ.સ.૧૯૪૮ માં ભારત પ્રજાસત્તાક સાથે વાંસદા સ્ટેટના જોડાણના હસ્તાક્ષર કરેલા. રાજમહેલના દરેક ખંડમાં લાદીઓની વિવિધતા અદભૂત છે. વિવિધ રંગો અને ક્વોલિટી હજુ
સુધી જેમના તેમ જળવાયેલા છે. પહેલા મજલે જવાનો દાદર ચઢતા વચ્ચે એક વિશાળ ગરૂડ પણ મસાલો ભરીને કાચની પેટીમાં મૂક્યું છે. અમે નર્મદાશંકરની ‘રાજ’માં નોકરી અને તેઓની દીકરીઓને પણ મળતા
રહેલા ‘રાજના પેન્શન’ની વાતો કરી. રાજ તરફથી મળતું એ પેન્શન ઘર ચલાવવા માટેની એકમાત્ર આવક હતી. નર્મદાશંકર મૂળે તો બેરિસ્ટર થયેલા પરંતુ નામદાર કોર્ટમાં જુઠ્ઠું ન બોલવું પડે એટલે ક્યારેય વકીલાત ન કરી અને વાંસદાના રાજકુંવરને ભણાવવાની અને તેમના ‘કંપેનિયન’ની નોકરી સ્વીકારી.
રાજાસાહેબની ગાંધીજી સાથેની મુલાકાતો, સરદાર પટેલ સાથેની મુલાકાતોની વાતો એવી ચાલી કે વચ્ચે ક્યાંય ‘ભારેખમ મૌન’
પ્રસર્યું જ નહિ. રાજાસાહેબના વાણી, વર્તન અને ગરિમા જોતાં તેમના પ્રત્યે માન થવું સાહજિક હતું. બંને પક્ષે એ વાતનો આનંદ હતો કે ભૂતકાળમાં ખોવાયેલો વરસો જૂનો એક સંબંધ
ફરીથી જીવંત થઈ રહ્યો હતો.
નર્મદાશંકર જેઓના શિક્ષક હતા તે વાંસદાના એકવીસમા મહારાજાસાહેબ શ્રી ઈન્દ્રસિંહજી પ્રતાપસિંહજીનો રાજા તરીકેનો કાર્યકાળ ઈ.સ.૧૯૧૧ થી શરૂ થયેલો. તેમની જન્મતારીખ ૧૬ ફેબ્રુઆરી ૧૮૮૮. ડાંગ અને ધરમપુરની વચ્ચે આવેલું વાંસદા નાનકડું રજવાડું હતું જેનો મોટો ભાગ ગાઢ જંગલોથી છવાયેલો હતો. પેશ્વાઓએ વાંસદાને ખંડિયું રાજ્ય બનાવ્યું હતું અને ઈ.સ.૧૮૦૨ માં એક સંધિ હેઠળ બ્રિટિશ રાજને સુપરત કર્યું હતું. વાંસદાની આસપાસ આવેલા જૂના મંદિરો અને નહેરોના અવશેષો સમૃધ્ધ રાજ્ય હોવાની સાક્ષી પૂરે છે. વાંસદાના રાજાઓએ રાજ્યમાં છોકરાઓ માટે ૧૪ અને છોકરીઓ માટે ૧ નિશાળો શરૂ કરી હતી જેમાં આદિવાસી બાળકો માટે તદ્દન મફત શિક્ષણ હતું. રાજ્યની પ્રજા માટે એક હોસ્પિટલ અને ફરતી ‘ડિસ્પેન્સરી’ પણ હતી. વાંસદાના રાજાઓ પ્રજાવત્સલ ગણાતા. વાંસદાના ખેડૂતો મુખ્ય પાક તરીકે ચોખા, નાગલી, કોદર, કપાસ અને ઘઉંનું વાવેતર કરતાં. રાજ્યનો અલગ ધ્વજ અને રાજચિહ્ન હતું. રાજચિહ્ન નીચે લખાણ છેઃ “વંશેશ્વપિચંદ્રઃ કુમુદવિકાસકઃ”. વાંસદા સંસ્થાનની એક આનાની રેવન્યુ સ્ટેમ્પ પણ બહાર પાડવામાં આવતી હતી જેના પર મહારાજાસાહેબ શ્રી ઈન્દ્રસિંહજીનું ચિત્ર હતું.
રાજાઓની અને રાજ્યની મૂળ આવક જમીન મહેસૂલ હતી. ભારતમાં વિલિનીકરણ બાદ મહેસૂલી આવક સદંતર બંધ થઈ. ઇંદિરા ગાંધીએ સાલિયાણાં પણ બંધ કર્યા. એટલે વિશાળ મહેલો અને જમીનોના માલિક એવા રાજાઓને આજીવિકા અને નિભાવખર્ચના પ્રશ્નો નડવાના શરૂ થયા. વાંસદાનો રાજમહેલ હજુ સુધી ઘણી સારી સ્થિતિમાં જળવાયેલો છે પરંતુ અનેક ઠેકાણે મરમ્મતની, નવા રંગરોગાનની તાતી જરૂર છે. આવડા મોટા મહેલને ફક્ત રંગરોગાન
કરાવવાના જ રૂપિયા ૪૦-૫૦ લાખ થાય. મહેલના બાથરૂમો પણ એવા જ ભવ્ય છે. દિવસ દરમ્યાન કુદરતી પ્રકાશ સતત મળતો રહે એ માટે આખા રાજમહેલમાં મૂકાયેલી સીસમના લાકડાની વિશાળ બારીઓ ખાસ ધ્યાન ખેંચે છે. દિવસ દરમ્યાન તો ખરો જ, તદુપરાંત ચાંદની રાતોમાં પણ આ જ બારીઓમાંથી મહેલમાં હળવો ઉજાસ રેલાતો હશે. રાજમહેલના મુખ્ય ઝરૂખામાંથી મહારાજા અને રાણીસાહેબા જ્યારે પ્રજાને દર્શન આપતા હશે તે જોવાલાયક
દૃશ્ય હવે ફક્ત ફોટા અને તૈલચિત્રોમાં કેદ થઈ ગયું છે. ફરી મળવાના 'કોલ' સાથે અમે છૂટા પડ્યા અને ભરતભાઈએ 'ગાઈડ'
બનીને રાજમહેલ બતાવવાનો શરૂ કર્યો.
આખો મહેલ રસપૂર્વક જોઈએ તો ત્રણ
કલાક પણ ઓછા પડે તેવો વિશાળ અને ભવ્ય રાજમહેલ છે. મહેલની વિશાળતા અને ભવ્યતા જોતાં જોતાં અને તેની ફોટોગ્રાફી કરતાં અમે મહેલના છેવાડે પહોંચ્યા જ્યાં ફક્ત રાજમહેલની મહિલાઓના પ્રવેશ
માટેનો અલાયદો અને લગભગ બે માળ જેટલો ઊંચો લાકડાનો દરવાજો હતો.
 |
આ ગુંબજ નીચે બેસીને સાજિંદાઓ દરેક પહોરે
શરણાઈ-નગારાનું વાદન કરતા |
 |
મહિલાઓ માટેનો અલાયદો દરવાજો |
 |
પહેલા મજલે જવા માટેનો દાદર |
તેની બાજુમાં
બનાવેલા વાડામાં લગભગ ૩૦ જેટલા શિંગડાવાળા હરણ/
ચિતળ/spotted deer
જોવા મળ્યા, જે નિર્ભય બનીને ચરી રહ્યા હતા.
 |
નિર્ભય બનીને ચરતાં હરણાં |
રાજાસાહેબ અને યુવરાજ પાસે આ હરણના બ્રીડીંગનું લાયસન્સ છે અને નવાં બાળહરણ જન્મે તેને વિવિધ પ્રાણીસંગ્રહાલયમાં ભેટ આપે છે.
આ હરણનો ચરિયાણ વિસ્તાર પૂરો થાય એટલે કાવેરી નદીનો કિનારો શરૂ થાય.
નદીકિનારે આવેલો રાજમહેલ. કેવું રળિયામણું દૃશ્ય! ચારે તરફથી રાજમહેલને નીરખીને સાંજે છ વાગ્યે અમે બહાર નીકળ્યા તે પછી આજદિન સુધી અમે
વાંસદાના આ સંભારણાને વાગોળ્યા જ કરીએ છીએ.
અમારી મુલાકાતની યાદગીરીરૂપે રાજાસાહેબને
મેં પાડેલા વિવિધ ફોટોગ્રાફના કોલાજવર્કનું એક ‘
સંભારણું’
આપવાનું નક્કી કર્યું છે.
રાજમહેલમાં ‘
રાજ’નો ઘણો રેકોર્ડ છે જે યોગ્ય જાળવણીને અભાવે અત્યારે જીર્ણ બની રહ્યો છે.
હવે પછીની રાજમહેલની મુલાકાત વખતે નર્મદાશંકરના ફોટા,
એમને લગતા દસ્તાવેજો વગેરે શોધવાની ઈચ્છા છે.
એ માટે હાલમાં મારા પક્ષે કરવાનું
થતું સંશોધન ચાલી રહ્યું છે.
નર્મદાશંકરના વંશજોએ તેમના ફોટા,
વાંસદા સ્ટેટની નોકરીના કાગળો,
પ્રમાણપત્રો,
પત્રવ્યવહાર,
પેન્શનની વિગતો, ‘
રાજ’ના શિક્ષકની ઓળખરૂપે રાજ્ય તરફથી અપાયેલો પિત્તળનો બિલ્લો કે બીજી કોઈ પણ માહિતી કે ચીજ સાચવી નથી એટલે રાજમહેલમાં રહેલો જૂનો રેકોર્ડ જ આ બધી બાબતો પર પ્રકાશ પાડી શકે.
 |
વાંસદા રાજ્યની ટપાલટિકીટો |
રાજાસાહેબ અને રાજમહેલની મુલાકાત લઈને બહાર નીકળ્યા પછી મનમાં એક વિચાર ઝબકી ગયો કે હાલની લોકશાહી અને તેના પ્રતીકરૂપ રાજકારણીઓના હજારો કરોડના કૌભાંડો કરતાં જૂની રાજાશાહી શું ખોટી હતી? અમુક જુલમી રાજાઓને બાદ કરતાં મોટા ભાગના રાજાઓ તો પ્રજાવત્સલ જ હતા.
આમ નાનપણમાં સાંભળેલી નર્મદાશંકર જોષી વિશેની વાત પરથી આજે કેટલાંય વર્ષો પછી વાંસદાનો રાજમહેલ જોવા મળ્યો, રાજાસાહેબને મળવાનું બન્યું અને ભૂલાઈ ગયેલો એક ઐતિહાસિક સંબંધ ફરીથી જીવંત થયો.
(તમામ તસવીરો: ઉત્પલ ભટ્ટ)