Saturday, August 13, 2016

જમાલ સેન: દિલ ખીંચા જા રહા હૈ હમારા (૧)


મુબારક બેગમનું અવસાન ૧૮ જુલાઈ, ૨૦૧૬ના દિવસે ૮૦ વર્ષની વયે થયું એ દિવસે તેમનાં ગાયેલાં અમુક ગીતો રેડીયો પર સાંભળવા મળ્યાં. એ પછી રજનીકુમાર પંડ્યાએ લખેલો મુબારક બેગમની તેમની મુલાકાતનો બે ભાગનો આખો લેખ વેબગુર્જરી પર મૂકવાનો થયો ત્યારે તેમાં ઉલ્લેખેલાં બધાં ગીતોની લીન્‍ક પણ મૂકવાનો વિચાર આવ્યો અને એ બહાને મુબારક બેગમનાં બધાં ગીતો ફરી એક વાર સાંભળવાનું બન્યું. પણ મુબારક બેગમનાં તમામ ગીતોમાં મને સૌથી પહેલું યાદ આવે દાયરાનું દેવતા તુમ હો મેરા સહારા. આ ગીતની જાણકારી પહેલવહેલી વાર નલિન શાહ પાસેથી મળી હતી. એ ગીત સાંભળ્યું ત્યારથી આ ગીત સાથે બે નામ મનમાં જડાઈ ગયાં હતાં. એક તો મુબારક બેગમ (અલબત્ત, સહગાયક મ.રફી પણ ખરા) અને બીજા તેના સંગીતકાર જમાલ સેન.

હિન્‍દી ફિલ્મસંગીતના ઈતિહાસકાર નલિન શાહે ૧૯૮૬- ૮૭ દરમિયાન ફિલ્મફેરમાં કેટલાક વીસરાયેલા, પણ પ્રતિભાશાળી સંગીતકારોનો પરિચય કરાવતી શ્રેણી લખી હતી. આ શ્રેણી થકી ખેમચંદ પ્રકાશ, હુસ્નલાલ ભગતરામ, ગુલામ હૈદર જેવા ધુરંધર સંગીતકારોના વાસ્તવિક પ્રદાનનો પરિચય સંગીતરસિકોને નવેસરથી થયો હતો. આ શ્રેણીમાં જ તેમણે એક લેખ જમાલ સેન વિશે લખ્યો હતો. 
(જે અહીં વાંચી શકાશે. અહીં એમાંની વિગતોનું પુનરાવર્તન નથી કરતો.) ઈન્‍ટરનેટ વિનાના જમાનામાં જમાલ સેન વિશે જાણવા મળે એ જ મોટી વાત ગણાય, પણ તેમનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો ક્યાંથી મેળવવા? હરીફરીને તેમની બે કે ત્રણ જ છબિઓ જોવા મળતી હોય ત્યાં વધુ માહિતીની આશા રાખવી અશક્ય!
જમાલ સેન 
ત્યાર પછી વિવિધભારતી પર રોજ રાત્રે દસ વાગ્યે નિયમીત પ્રસારિત થતા છાયાગીત કાર્યક્રમમાં નલિન શાહે વિશેષ છાયાગીત અંતર્ગત આ જ સંગીતકારો વિષેના અડધા અડધા કલાકના કાર્યક્રમ તૈયાર કરીને રજૂ કર્યા હતા. આ શ્રેણીમાં જમાલ સેનના કાર્યક્રમમાં તેમણે કમાલ કરી. મુબારક બેગમને તેમણે આ કાર્યક્રમમાં રજૂ કર્યાં અને જમાલ સેન વિશે મુબારક બેગમે થોડી વાત કરી. ત્યાર પછી મુબારક બેગમે દેવતા તુમ હો મેરા સહારાની બે લીટી ગાઈ અને તરત એ મૂળ ગીત રજૂ થયું. હું અને ઉર્વીશ બન્ને ત્યારે માંડ પકડાતા વિવિધભારતીને રેડિયો પર કાન દબાવીને સાંભળી રહ્યા હતા. અને મુબારક બેગમે ગણગણેલું ગીત તેમજ તરત વાગેલું મૂળ ગીત સાંભળીને રીતસર થીજી ગયા હતા. આ બન્ને અવાજ વચ્ચે ચાલીસેક વરસનો ફરક હતો, પણ એ ક્યાંય જણાતો નહોતો. અને એ વાતે જ અમને નિ:શબ્દ કરી મૂક્યા હતા. ત્યાર પછી નલિન શાહને પત્ર લખીને અમે અમારી લાગણી વ્યક્ત કરી હતી.
એ પછીના વરસોમાં જૂના ગીતસંગીતમાં વધુ ને વધુ ઊંડા ઉતરતા ગયા. સમાંતરે જીવનમાં પણ પરિવર્તન આવતું ગયું. નોકરી, લગ્ન, સંતાનો, વ્યવસાય- આ બધાની સમાંતરે પણ જૂનાં ગીતો પ્રત્યેનો ભાવ ઓસર્યો નહોતો, બલ્કે ધીમે ધીમે અમારા જીવનસાથીમાં અને ત્યાર પછી સહજપણે અમારાં સંતાનોમાં પણ તેનું આરોપણ થઈ રહ્યું હતું. તેમને કદાચ ગીતકાર-સંગીતકાર સાથે ઝાઝી લેવાદેવા ન હોય, છતાં ગીતસંગીતમાં રસ વધવા લાગ્યો હતો.
મારા દીકરા ઈશાનને છેલ્લા દોઢ-બે વરસથી અચાનક સંગીતમાં જુદા પ્રકારે રસ પડવા લાગ્યો, અને વિવિધ વાદ્યો પર તેણે હાથ અજમાવવાની શરૂઆત કરી. એ સાથે જ અમારી વચ્ચે થતી અનેકરંગી વાતોમાં વધુ એક રંગ ઉમેરાયો. ક્યારેક બહુ સમય ન હોય અને ડાઈનીંગ ટેબલ પર અમે પંદર વીસ મિનીટ માટે ભેગા થઈએ તો પણ ગીતને લગતા કોઈ ને કોઈ મુદ્દાની વાત અચૂક નીકળે અને હવે મોબાઈલમાંં ગીતો સુલભ હોવાથી તરત જ એ ગીત એને સંભળાવું એમ બનવા લાગ્યું.
મુબારક બેગમનું અવસાન થયું એ દિવસે પણ આમ જ બન્યું. તેણે હમારી યાદ આયેગી અને મુઝકો અપને ગલે લગા લો સાંભળેલાં હતાં. એ ઉપરાંત વો ન આયેંગે પલટકર’, હમ હાલે દિલ સુનાયેંગે’, બેમુરવ્વત બેવફા જેવાં ગીતો એ દિવસે તેણે પહેલી વાર સાંભળ્યા. એ બધાં ગીતો સાંભળ્યા પછી વારો આવ્યો દાયરાના દેવતા તુમ હો મેરા સહારા’નો.


કામિની અને શચિ પણ આ રૂમમાં જ હતાં અને બીજા કામમાં વ્યસ્ત હતાં, મને ખાતરી હતી કે આ ગીત શરૂ થતાં જ એ બન્ને આવી જશે. એમ જ બન્યું. ગીત સાંભળવાની એ આઠ-દસ મિનીટ સુધી સ્તબ્ધ થઈ જવાય. જરા સ્વસ્થ થયા પછી કામિનીના મોંમાંથી સવાલ નીકળી ગયો, કોણે આ ગીત બનાવ્યું છે?’
મેં જવાબ આપવાને બદલે શૌખિયાંનું સપના બન સાજન આયે ગીત વગાડ્યું.


એ ગીત પૂરું થયું એટલે ફરી સ્તબ્ધતા! અને એ ઓસર્યા પછી એ જ સવાલ, કોણ છે આના સંગીતકાર?’
જમાલ સેન! મેં કહ્યું. અપેક્ષા મુજબ જ બીજો સવાલ આવ્યો. એ કોણ?’ એમનું નામ સાંભળવામાં આવ્યું નથી કદી.
મેં કહ્યું, એમના વિષે વધુ વાત પછી કહીશ તને. એમનાં બીજાં થોડાં ગીતો સાંભળી લઈએ.’ અમે ત્યારે થોડાં ગીતો સાંભળ્યાં. 
**** **** **** 

આપણે પણ અહીં જમાલ સેનનાં થોડાં ગીતો સાંભળીએ. આ ગીતોની પસંદગીમાં બને એટલું ગાયકોનું વૈવિધ્ય જાળવવા તેમજ તેમની દરેક ફિલ્મો પણ આવી જાય એવો પ્રયાસ કર્યો છે. અલબત્ત, તેમની ફિલ્મ 'ઋતુવિહાર' (૧૯૫૪, અનસેન્‍સર્ડ), 'આલ્હા ઉદલ' (૧૯૬૨) તેમજ ભોજપુરી ફિલ્મ 'નાગપંચમી' (૧૯૬૪)નું ગીત મળી શક્યું નથી. 

૧૯૫૧માં રજૂ થયેલી 'શૌખિયાં' તેમની પહેલી ફિલ્મ હતી, જેમાં કુલ આઠ ગીતો હતાં. 

'શૌખિયાં' (૧૯૫૧)નું સુરૈયાએ ગાયેલું 'રાતોં કી નીંદ છીન લી'. 


'શોખિયાં'નુંં રાજકુમારીએ ગાયેલું 'પયામ-એ-ઈશ્કરા મન અજ'


'દાયરા' (૧૯૫૩)નું તલત મહેમૂદે ગાયેલું 'આંસૂ તો નહીં હૈ આંખોંં મેં'.. 


'લગી તુમ સે લગન' આશા ભોંસલેએ 'ધર્મપત્ની' (૧૯૫૩) માટે ગાયું છે. 


'રંગીલા' (૧૯૫૩)ના મ. રફીએ ગાયેલા 'સુન સુન મેરી કહાની'માં જમાલ સેને પશ્ચિમી ધૂનનો ઉપયોગ કર્યો છે.


'ધર્મપત્ની' (૧૯૫૩)નું આ ગીત 'મેરા દિલ ક્યા આપ સે મિલ ગયા હૈ' સુલોચના કદમે ગાયું છે. 


'ધર્મપત્ની' (૧૯૫૩)નું ગીત 'જિયા લહર લહર લહરાયે' મધુબાલા ઝવેરીના સ્વરમાં છે. 




'કસ્તૂરી' (૧૯૫૪) પંકજ મલ્લિકનાં ગીતોને લઈને જાણીતું છે. આ ફિલ્મનાં કુલ નવ ગીતો પૈકી ત્રણ ગીતો જમાલ સેને સંગીતબદ્ધ કર્યાં હતાં. તેમાંનું મધુબાલા ઝવેરીએ ગાયેલું એક ગીત.


'પતિત પાવન' (૧૯૫૫)નું 'ઝલક તેરી છા ગઈ', જે ગીતા દત્તે ગાયું છે. 


'પતિત પાવન'નું 'જીવન કા તુ ઉજીયારા હૈ' મુબારક બેગમ અને સુધા મલ્હોત્રાના અવાજમાં. 


'અમર શહીદ' (૧૯૬૦)નું 'ઝૂમે મેરી બેલીયા પ્રીત રે' મન્નાડે અને લતાએ ગાયું છે. 


'તુમ પે હમ કુરબાન' ગીત મ. રફી અને સુમન કલ્યાણપુરે ગાયું છે , જે 'બગદાદ' (૧૯૬૧)નું છે. 


સુમન કલ્યાણપુરે ગાયેલું 'તુમ દૂર હુએ' ફિલ્મ 'મનચલી' (૧૯૬૨)નું છે. 



તેમણે બે પ્રાદેશિક ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું, જેમાંંની 'નાગમંચમી' (૧૯૬૪) ભોજપુરી ફિલ્મ હતી, અને ઘરદ્વાર (૧૯૭૨) છત્તીસગઢી ફિલ્મ હતી. 'ઘરદ્વાર' ફિલ્મનું મ. રફીએ ગાયેલું ગીત 'હો ગોંદા ફૂલગે મોરે રાજા'. 



લતાએ ગાયેલા આ ગીત 'બીતા હુઆ એક સાવન'ની વાત બહુ રસપ્રદ છે. અસલમાં તે ૧૯૫૧ની ફિલ્મ 'શોખિયાં' માટે રેકોર્ડ કરવામાં આવ્યું હતું, પણ કોઈ કારણસર ફિલ્મમાં તેનો સમાવેશ થઈ શક્યો નહીં. ત્યાર પછી છેક ૧૯૮૦માં રજૂ થયેલી ટેલીફિલ્મ 'પહલા કદમ'માં કેદાર શર્માએ તેનો ઉપયોગ કર્યો. 




જમાલ સેનનાં ગીતો એક સાથે સાંભળતાં ખ્યાલ આવે કે તેમના સંગીતમાં કંઈક પ્રબળ આકર્ષણ રહેલું છે. ઓરકેસ્ટ્રેશનની એમની સૂઝ ગજબની છે અને મુખ્યત્વે ભારતીય વાદ્યોનો- ખાસ તો ફ્લૂટનો ઉપયોગ તેમનાં ગીતોમાં વધુ જોવા મળે છે.
જમાલ સેન છેક ૧૨ એપ્રિલ, ૧૯૭૯ માં અવસાન પામ્યા હતા, એટલે નલિન શાહ તેમને મળ્યા હોય એ સંભાવના ઓછી હતી. જમાલ સેન જેવા સિતારા પૂરેપૂરા ચમકે એ પહેલાં જ વિલાઈ ગયા હોય એટલે એમના વિષે વધુ વાત કરી શકે એવું પણ કોણ હોય? એટલી ખબર હતી કે સંગીતકાર જોડી દિલીપ સેન-સમીર સેનની જોડીના દિલીપ સેન જમાલ સેનના પુત્ર થતા હતા. સમીર સેનના પિતા શંભુ સેન પણ જમાલ સેનના પુત્ર હતા. એ રીતે દિલીપ સેન-સમીર સેનની જોડી કાકા-ભત્રીજાની જોડી હતી.
જમાલ સેન વિષેની માહિતીરૂપે જે ગણો એ એક નલિન શાહનો લેખ જ ઉપલબ્ધ હોય, અને હવે કશું નવું મળવાની કે લખાવાની સંભાવના નહીંવત્ હોય ત્યારે એક એવી ઘટના બની કે........
**** **** ****

ચારેક વર્ષ અગાઉ અમેરિકાસ્થિત હાસ્યલેખક હરનીશ જાની વડોદરા આવ્યા હતા. તેમનું રોકાણ એક દિવસનું જ હતું અને અમને એકબીજાને મળવાની બહુ ઈચ્છા હતી. તેઓ તેમના એક મિત્ર ડૉ. યોગેશ પુરોહીતને ત્યાં ઉતર્યા હતા. અમે તેમને યોગેશભાઈને ત્યાં મળવા ગયા. એ મુલાકાત અપેક્ષા મુજબ બહુ આનંદદાયક રહી, પણ એ નિમિત્તે યોગેશભાઈ સાથે થયેલો પરિચય વધુ ગાઢ બન્યો. ભરુચની જે.પી. આર્ટ્સ એન્ડ સાયન્‍સ કૉલેજમાં અધ્યાપનકાર્ય કરાવી ચૂકેલા ડો. યોગેશભાઈ અને જી.એન.એફ.સી. લાયબ્રેરીમાં લાયબ્રેરીયન તરીકે ફરજ બજાવતાં તેમનાં પત્ની ગીતાબહેન નિવૃત્તિ પછી વડોદરામાં સ્થાયી થયા હતા. ફોન-રૂબરૂ મુલાકાતો નિયમીતપણે થતી રહી એમ અમને પરસ્પરની રુચિનો ખ્યાલ આવતો ગયો. અમારી રુચિમાં જૂનું ફિલ્મસંગીત લઘુત્તમ સાધારણ અવયવ હતું.
એક વાર તેઓ બન્ને મારે ઘેર આવ્યાં હતાં. વાતવાતમાં યોગેશભાઈએ શમા પરવાનાનું સુરૈયા-રફીએ ગાયેલું અદભુત ગીત બેકરાર હૈ કોઈ સાંભળ્યે વરસો થઈ ગયાં હોવાનું જણાવ્યું. મેં તરત જ યુ ટ્યુબ પર એ ગીત શોધીને એમને સંભળાવ્યું. તેઓ સાથેસાથે ગણગણી રહ્યા હતા.

એ ગીત પત્યું અને અચાનક એમને કશું યાદ આવ્યું હોય એમ બોલ્યા, જમાલ સેન વિષે જાણો છો?’ મેં કહ્યું, બિલકુલ. દાયરા’, શૌકીયાં’, અમર શહીદ’….’ તેમણે કહ્યું, હા. બરાબર. એ જમાલ સેન સાથે હું થોડો સમય પરિચયમાં હતો!
આ સાંભળીને ક્ષણિક સ્તબ્ધ થઈ જવાય! જમાલ સેન વિષેની માહિતી પર લગભગ પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોય ત્યાં અણધાર્યા આવા એક મિત્ર આમ જણાવે ત્યારે શી સ્થિતિ થાય! મારી પણ એવી જ હાલત થઈ. શું પૂછવું, ક્યાંથી શરૂઆત કરવી એ જ ન સમજાય, કેમ કે, ખરો આનંદ એ રોમાંચનો હતો. જો કે, યોગેશભાઈએ બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું, એક ચોક્કસ સમયગાળામાં અમે પરિચયમાં આવેલા. એ પછી અમારો સંપર્ક કપાઈ ગયેલો. મારે મન આ વાતનું બહુ મહત્ત્વ નહોતું. જમાલ સેનને હાલતાચાલતા જોયા હોય એવી વ્યક્તિ મારી સામે બેઠી હતી એ જ વાત અગત્યની હતી.
એ પછી તેમને મેં આગ્રહપૂર્વક જમાલ સેન સાથેની એ મર્યાદિત સ્મૃતિઓ લખવા જણાવ્યું. તેમણે પણ મારા અનુરોધને માન આપીને એ સ્મૃતિઓ કાગળ પર ઉતારી. ડૉ. યોગેશ પુરોહિતે લખેલો એ લેખ અહીં વાંચી શકાશે. ત્યાં સુધી આ પોસ્ટમાં મૂકેલાં તેમજ એ ફિલ્મોનાં અન્ય ગીતો સાંભળવા તેમજ લેખો વાંચવા વિનંતી. 

(પૂરક માહિતી: હરીશ રઘુવંશી, નલિન શાહ) 
(તમામ તસવીરો, ગીતો નેટ પરથી) 

7 comments:

  1. બિરેનભાઈ, તમે તો મને ન્યાલ કરી દીધો. બસ, વધુ કાંઈ કહેવા શબ્દો નથી.

    ReplyDelete
  2. જમાલ સેન સાથે સીધો જ પરિચય હોય એવી વ્યક્તિને મળનાર વ્યક્તિ સાથે આપણો પરિચય છે એ વાતે છાતી બે ત્રણ ઈંચ ફૂલી જાય જરૂર.
    અહીં ગીતોની પસંદગીમાં પણ તેમના પ્રત્યેનો લગાવ છલકી ઊઠે છે.

    અભિનંદન.... આભાર ....

    ReplyDelete
  3. જબરદસ્ત રીતે રોમાંંચિત થઇ જવાય અને એ રોમાંચ બીજો કોઇ રોમાંચના મોજાં એની પર ના ફરી કળે ત્યાં સુધી લોપાય નહિં એવો અદભુત લેખ અને એવું જ અનન્ય કૌટુંબિક વાતાવરણનું આલેખન ! અભિનંદન ,અભિનંદન હજારવાર

    ReplyDelete
  4. Dear Biren ji,

    We love you...
    you are in my opinion first in reviewing and providing us very healthy information and very interesting and classic one 'parichay' of hindi filmi songs, music directors, singers and films from very beginning of our hindi film musics. Your expression is very educative and superb with all literary values. I like to read all your articles particularly on hindi film music. I appreciate from the bottom of my heart all your works in the field...thank you so much to be in this field and justifying your due presence here....Kind Regards /GGShaikh/Bharuch Guj.

    ReplyDelete
  5. whenever I listen to this magical song , it reminds me of this Ahmed Faraz couplet :

    न जाने क्यों मेरी आँखें बरसने लगतीं हैं
    जो सच कहुं तो कुछ ऐसा उदास हुँ भी नहीं

    And while showering accolades on Jamal Sen and Mubarak begam for the song , let us not forget the great Rafi who's magic has equally made the song immortal. Perhaps we forget him for the reason that we all have come to expect the magic from him so often that we just don't think it necessary ! Otherwise , who could ignore his chanting of the words " मैं हुँ तुम्हारा " in SHLOKA style at the end of the song ! It just takes you in a trance !
    Unforgettable ! And a big salute to you and Shri Biren Kothari ! You all belong to a tribe of another world...

    ReplyDelete
  6. It happens many a time that good songs are not included in the film for which they are created and to the good fortune of music-lovers, they are incorporated in other film in future. BITA HUA SAWAN by Lata is such beautiful song not included in SHOKHIYAN and much later put in tele-film by kedar sharma.
    Great Article , from Mubarak Begum To Jamal Sen.

    ReplyDelete
  7. Excellent. Really enjoyed.thks.

    ReplyDelete