Tuesday, November 18, 2014

ઔર કારવાં બનતા ગયા. પણ એ પછી?


સિનેમાને લગતાં સંશોધનોમાં નટનટીઓનાં સરનામાં કે તેમનાં લફરાં જ શોધવાનાં હોય ને?’ સિનેમાના પ્રચંડ પ્રભાવશાળી માધ્યમને સો વરસ વીત્યા પછી આવો સવાલ વયસ્ક લોકોય તદ્દન નિર્દોષભાવે પૂછતા રહે છે. આજે વધુ ને વધુ લોકો સિનેમાનાં એક યા બીજા પાસાં વિષે પોતાના અભ્યાસના ભાગરૂપે અનેક સંશોધનો કરી રહ્યાં છે. સંશોધન માટે પાયાની જરૂરિયાત છે દસ્તાવેજીકરણની, પણ સૌથી નવાઈ પમાડે એવી હકીકત એ છે કે સિનેમાના દસ્તાવેજીકરણના જે કંઈ સન્નિષ્ઠ પ્રયત્નો થયા છે, તે તેના ચાહકો દ્વારા એકલપંડે યા સમરસિયાઓના સહયોગથી. આ રીતે કરવામાં આવેલું સૌથી મોટું કાર્ય એટલે ૧૯૩૧ થી ૧૯૮૦ સુધીની ફિલ્મોનાં ગીતોનું દાયકાવાર કુલ પાંચ ખંડમાં કરવામાં આવેલું હિન્દીે ફિલ્મ ગીતકોશનામનું સંકલન, જેનો આરંભ સાવ નાનકડા કદમથી થયેલો. 

કાનપુર વસતા એક સંગીતપ્રેમી હરમંદીરસિંઘ સચદેવે ફિલ્મસંગીત પ્રત્યેના પોતાના સાચુકલા પ્રેમ અને તેના માટે પ્રવર્તતી મૂળભૂત જાણકારીના અભાવથી દોરવાઈને ગીતો અને તેના ગાયક, સંગીતકાર, ફિલ્મ વગેરે જેવી પાયાની વિગતો એક સાદી નોટબુકમાં ટપકાવવાનો આરંભ કર્યો. ઉંમર માંડ અઢાર-ઓગણીસની, પણ નિસ્બત અને નિષ્ઠા પાકટ હતાં. નોકરી મળ્યા પછી તેમણે ૧૯૩૧થી ૧૯૭૦ સુધીની તમામ ફિલ્મોનાં ગીતોની સૂચિ સમાવતો ગ્રંથ તૈયાર કરવાનો મનસૂબો ઘડ્યો. આવું કાર્ય અગાઉ કોઈએ કર્યું ન હતું, તેથી નજર સામે કોઈ મોડેલ ન હતું. પોતાના એકલાની કે સરખેસરખી રસરુચિવાળા આઠ-દસ મિત્રોના ગજાની વાત પણ ન હતી. આ મહાકાર્ય માટે દેશભરમાં ફેલાયેલા હિન્દી  ફિલ્મસંગીતના ચાહકો-સંગ્રાહકો સાથે સંપર્કસૂત્ર ઉભું કરવાની જરૂર હતી. સીત્તેરના એ દાયકામાં રેડીયોની, ખાસ તો રેડીયો સિલોનની લોકપ્રિયતા અને તેના શ્રોતાઓની બિરાદરી દેશવિદેશમાં ફેલાયેલી હતી. નાનામોટાં અનેક નગરોમાં રેડીયો શ્રોતાસંઘો સ્થપાયેલા હતા. ૮ જૂન, ૧૯૭૧ના રોજ રેડિયો સિલોનના અતિ લોકપ્રિય કાર્યક્રમ ભૂલેબીસરે ગીતના ઉદ્ઘો૮ષક મનોહર મહાજને હરમંદીરસીંઘના કાર્યમાં સહકાર માંગતી અપીલ પ્રસારીત કરી. એ પછી ઓક્ટોબર, ૧૯૭૧માં હરમંદીરસીંઘે રેડીયો ન્યુઝના નામે એક પત્રિકા શરૂ કરી.

ચાર પાનાં ધરાવતી એ પત્રિકાને શબ્દાર્થમાં ચોપાનીયુંકહી શકાય. આ પત્રિકાના મે-જૂન-જુલાઈ, ૧૯૭૨ના અંકમાં ગીતોના સંકલન માટે આવશ્યક માહિતી પૂરી પાડવાની અપીલ કરવામાં આવી. અનેક નામી-અનામી લોકોએ પૂરી પાડેલી માહિતી તેમજ કેટલાય ખાટામીઠા અનુભવો પછી સૌ પ્રથમ ગીતકોશના ખંડ-૩ (૧૯૫૧થી ૧૯૬૦)નું પ્રકાશન ૧૯૮૦માં થયું ત્યારે એ એક ઐતિહાસિક સીમાચિહ્ન બની રહ્યું. તેને પગલે ખંડ-૨ નું પ્રકાશન ૧૯૮૪માં, ખંડ-૪ ૧૯૮૬માં, ખંડ-૧ ૧૯૮૮માં અને ૧૯૯૧માં ખંડ-૫ પ્રકાશિત થયા. બે લીટીમાં લખાયેલા આ મહાકાર્યને સંપન્ન કરવામાં હરમંદીરસીંઘ હમરાઝેપોતાના જીવનના બે દાયકા હોમી દીધા હતા. (આ પ્રક્રિયાની વિગતે લખાયેલી રસપ્રદ વાતો વાંચવા અહીં ક્લીક કરો.) પહેલાં શ્રોતા, પછી સંપાદક, ત્યાર પછી પ્રકાશક, અને છેવટે વિક્રેતાની ભૂમિકા પણ હરમંદિરસીંઘે જ ભજવવાની આવી, જે તેમણે સફળતાપૂર્વક ભજવી. આ તમામ ગીતકોશોના પ્રકાશનને લઈને પહેલવહેલી વખત હિંદી ફિલ્મો તેમજ તેનાં ગીતો વિશે નક્કર આંકડાકીય માહિતી લોકો સમક્ષ આવી. એ સાથે જ કેટલીય દંતકથાઓ આપમેળે કપોળકલ્પના સાબિત થઈ. જેમ કે, લતા મંગેશકરે પચીસ હજાર ગીતો ગાયાં હોવાની વાયકા એ હદે પ્રચલિત બનેલી કે ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાંય તેની નોંધ લેવાઈ ચૂકી હતી. પણ ગીતકોશ થકી ખબર પડી કે ૧૯૩૧માં બોલતી ફિલ્મનો આરંભ થયો ત્યારથી ૧૯૮૦ સુધીનાં કુલ ગીતોની સંખ્યા જ ૪૫,૦૦૦ જેટલી હતી. અનેક સંશોધકો માટે આ સંકલન દીવાદાંડી સમા બની રહે એમ છે, તો સંગીતપ્રેમીઓ માટે ખરા અર્થમાં તે હમરાઝ’ (રહસ્ય વહેંચનાર) બની શકે એમ છે. અંગત રીતે ઉપરાંત ફિલ્મ સાથે સંકળાયેલી કોઈ પણ સંસ્થા કે વિભાગ માટે ગીતકોશ વસાવવા અનિવાર્ય કહી શકાય. એકે એક રેડીયો સ્ટેશનમાં કે ફિલ્મી ગીતના કાર્યક્રમો સાથે સંકળાયેલી ટી.વી.ચેનલ પાસે તે ફરજિયાતપણે હોવો જોઈએ, તો બિનઅધિકૃત માહિતીનો અધિકૃત પ્રસાર થતો અટકી શકે. આ મહાકાર્ય કરવા પાછળ હમરાઝનો હેતુ પણ એટલો જ હતો. 

'ગાગરમાં સાગર' જેવી આ પત્રિકા મંગાવવી જ રહી. 

ગીતકોશ વિષેની માહિતી એકઠી કરવા રેડીયો ન્યુઝનામની જે પત્રિકા તેમણે શરૂ કરી હતી એ અનન્ય બની રહી છે. જાણીને આશ્ચર્ય થયા વિના રહે નહીં, પણ આ ત્રિમાસિક પત્રિકા ચચ્ચાર દાયકા પછી આજેય  નિયમીતપણે પ્રકાશિત થાય છે. ફિલ્મ સાથે સંકળાયેલાં ભલભલાં ચમકીલાં કે માહિતીપ્રદ સામયિકો લાંબાટૂંકા સમયગાળામાં મરણને શરણ થયા છે, ત્યારે લીસ્નર્સ બુલેટીનનામની આ હિન્દી પત્રિકા દેશભરના સંગીતપ્રેમીઓને ફિલ્મવિષયક સમાચારો અને માહિતી સાતત્યપૂર્ણ રીતે આપી રહેલી એકમાત્ર પત્રિકા બની રહી છે. માત્ર છથી આઠ પાનાંમાં, જે અધિકૃત, ગુણવત્તાસભર અને સઘન રીતે અનેકવિધ માહિતી પીરસવામાં આવે છે એ જોયા પછી ભલે ચવાઈ ગયેલી, પણ ગાગરમાં સાગરસિવાય બીજી કોઈ ઉપમા ન સૂઝે ! જે તે સમયે પોતાની સંશોધનયાત્રાના આલેખન તેમજ જરૂરી માહિતીના સહયોગ અંગેની જરૂરિયાતના લખાણનો તબક્કો પૂરો થયો. હવે તે આગવી અને અનોખી માહિતીપત્રિકાની ગરજ સારે છે. દરેક અંકમાં કોઈ પણ એક કલાકારના સંપૂર્ણ પ્રદાનને આવરી લેતો મુખ્ય લેખ તો ખરો જ. ક્યાંય કોઈ પણ ફિલ્મવિષયક પુસ્તક, વિશેષાંક કે સી.ડી; ડી.વી.ડી; કેલેન્ડર યા ટપાલટિકીટ જેવી અન્ય સામગ્રીનું પ્રકાશન થયું હોય, તો તેને મંગાવવા સહિતની તમામ માહિતી સમાવાઈ હોય.ભારતીય ફિલ્મ સાથે સંકળાયેલા કોઈ પણ કલાકારના થયેલા અવસાનની નોંધ તેના પ્રદાન સહિત યોગ્ય રીતે અપાય છે. આ ઉપરાંત કોઈ જૂના, દુર્લભ ગીતના પાઠ સહિતની સંપૂર્ણ વિગત ફિલ્મ-ગીતાંજલિવિભાગમાં, તેમજ સંગીત પહેલીવિભાગમાં કોઈ ગીતવિષયક સવાલ પૂછવામાં આવે છે. દર વરસના અંતે જે તે વરસે નિધન થયું હોય એવી વ્યક્તિઓની સૂચિ સિનેક્ષતિવિભાગમાં નિયમીતપણે હોય જ. મર્યાદિત જગાને કારણે સાવ દસથી પંદર વાક્યોમાં ખુદ હમરાઝદ્વારા લખાતું ફિલ્મવિષયક કોઈ પુસ્તકનું અવલોકન કોઈ પણ પુસ્તકોનાં અવલોકન લખનાર માટે પ્રેરણારૂપ બની રહે એમ છે. શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ-શિક્ષકો એકલવ્યભાવે આ પત્રિકામાંથી લેખન, સંપાદન, અધિકૃતતા, ચુસ્તતા, અભિવ્યક્તિ વગેરે જેવી અનેક બાબતો શીખી શકે એમ છે. ગીતકોશનું સંકલન ભલે હમરાઝે૧૯૮૦ સુધીનાં ગીતોનું કર્યું, પણ એ પછી દર વરસે તે જે તે વરસે સેન્સર થયેલી ફિલ્મોની યાદી પુસ્તિકારૂપે પ્રકાશિત કરી રહ્યા છે, જેમાં સુરતના સંશોધક હરીશ રઘુવંશીનો સક્રિય સહયોગ હોય છે. સરકારે કે ફિલ્મઉદ્યોગતરીકે જેને ઓળખાવાય છે, તેના કોઈ વિભાગે કરવા જેવું આ કામ આ સંગીતપ્રેમીઓ કેવળ એ હેતુથી ગાંઠના ખર્ચે કરી રહ્યા છે કે જેને કારણે દસ્તાવેજીકરણનું કામ ચાલુ રહી શકે. (આ પુસ્તિકાની વધુ વિગત વાંચવા અહીં ક્લીક કરો.) 

ચાર ચાર દાયકાથી પોતાના વાચકોને ફિલ્મો વિષે આ હદે અપડેટ રાખતું હોય એવું મુખ્ય ધારાનું પણ કોઈ સામાયિક નથી. અને આ બધું દસ અંકોના માત્ર બસો ત્રીસ રૂપિયા જેવા મામૂલી લવાજમમાં. હરમંદીરસીંઘ હમરાઝ' આજે ૧૮ મી નવેમ્બરે ૬૩ વર્ષ પૂરા કરી રહ્યા છે, તો લીસ્નર્સ બુલેટીનગયે મહિને ૪૩ વર્ષ પૂરાં કરી ચૂક્યું છે. તેમનો સંપર્ક +91 94154 85281 પર કે hamraaz18@yahoo.com પર કરી શકાય. આ પત્રિકાના જૂના અંકો પણ ઉપલબ્ધ છે, જે એક ઉત્તમ અને સંગ્રહણીય વાંચનની ગરજ સારે છે. ક્યારેક એમ પણ લાગે કે તેમના કામની કદર તો ઠીક, પૂરતું મૂલ્યાંકન પણ આપણે કરી શક્યા નથી. જો કે, એમાં નુકસાન આપણું જ છે, કેમ કે, તે તો એવી કશી અપેક્ષા વિના અવિરતપણે પોતાનું કાર્ય કર્યે જાય છે.

('ગુજરાત મિત્ર'ની 'ફિર દેખો યારોં' કોલમમાં ૧૩/૧૧/૨૦૧૪ના રોજ પ્રકાશિત) 

નોંધ: આ પત્રિકા ત્રિમાસિક છે, અને તેનું લવાજમ રૂ. ૧૫૦-/ દસ અંક માટેનું છે, જે સાદી પોસ્ટથી મોકલવામાં આવે છે. બંધ કવરમાં તે મંગાવવી હોય તો રૂ. ૨૩૦/- અને રજીસ્ટર્ડ પોસ્ટથી મંગાવવી હોય તો રૂ.૪૦૦/-મોકલવાના રહે. 

આ પત્રિકાના અત્યાર સુધીના તમામ ૧૬૦ અંકોની કુલ કિંમત  રૂ. ૨૫૮૦/- છે, જે બે ભાગમાં હાર્ડબાઉન્‍ડ સ્વરૂપે પ્રાપ્ય છે.

લવાજમ મોકલવાનું સરનામું:

Mrs. Satinder Kaur,
'Dreamland', H.I.G.-545,
Ratan Lal Nagar,

Kanpur-208 022 (U.P.) INDIA.

ફોનસંપર્ક: +91-512- 228 1211  અથવા +91 94154 85281
E-mail:  hamraaz18@yahoo.com

મનીઓર્ડરથી લવાજમ મોકલ્યા પછી ફોન કે ઈ-મેલ દ્વારા જાણ કરવી જરૂરી. 

1 comment:

  1. દરેક ક્ષેત્રમાં એવા સેલ્ફ્લેસ મરજીવાઓ પડ્યા જ હોય છે જેઓ વિશઃઅની ઊંડાઇઓમાં જઇને અવનવાં મોતીઓ શોધી લાવીને પોતાના જેવા સમરસિયાઓ સમક્ષ રજૂ કરવામાં આનંદ માણતા હોય છે.

    આવા "મરજીવા'ઓએ જ દરેક વિષયની કેટલીય અજાણી ખૂબીઓને દુનિયાની સમક્ષ મૂકી પણ છે અને આવનારી પેઢીઓ માટે સંકોરીને પણ રાખી છે.

    'લીસનર્સ બુલેટીન' આવો જ એક અતિ મહત્ત્વનો પ્રયોગ ફિંદી ફિલ્મ ક્ષેત્રે રહ્યો છે.

    આ લેખ આવા પ્રયોગોને આજની પેઢીને સમક્ષ લાવી મૂકવાનું બહુ મૂલ્ય કામ કરી રહેલ છે. આશા કરીએ કે આજની અને ભાવિ પેઢીઓ માટે આ મશાલને આગળ ચલાવવા માટે પણ અહીંથી પ્રેરણા મળશે.

    ReplyDelete