Thursday, October 24, 2013

મન્નાડેની વિદાય: તુમ મિલે તો વીરાને મેં ભી આ જાયેગી બહાર


પ્રબોધચંદ્ર ડે (મન્નાડે) 

૧-૫-૧૯૧૯ (૨૦)થી ૨૪-૧૦-૨૦૧૩ 
આખરે મન્નાડે પણ ગયા. ચારેક મહિના પહેલાં જ તેમની નાદુરસ્ત તબિયતને લઈને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમના મૃત્યુની અફવા ફેલાઈ હતી. ૯૩ વર્ષની પાકટ વયે મૃત્યુ થવાથી આઘાત કદાચ ન લાગે, એમાંય જેમના મૃત્યુની અફવા ફેલાઈ હોય એ ખરેખર મૃત્યુ પામે ત્યારે એક હદે એ સમાચારને સ્વીકારવા માટે માનસિક ભૂમિકા પણ બંધાઈ ગઈ હોય. છતાં મન્નાડેના મૃત્યુ સાથે પાર્શ્વગાયનના સુવર્ણયુગના છેલ્લા સિતારાનો અસ્ત થયો છે, એ હકીકતે મનમાં વિષાદ પણ થાય છે.(હમણાં તેમનું જન્મવર્ષ ૧૯૧૯ લખાય છે, અને ૨૦૦૭માં પ્રકાશિત તેમનાં સંસ્મરણોના પુસ્તક  માં પણ આ જ વરસ છે, જ્યારે ૨૦૦૩માં મન્નાડેની ગાયનકારકિર્દીનાં ૬૦ વરસ નિમિત્તે પ્રકાશિત કરવામાં આવેલી સ્મરણિકામાં તે ૧૯૨૦ છે. સાચું કયું માનવું?) 
સક્રિય ગાયનમાંથી મન્નાડે ક્યારના નિવૃત્ત થઈ ગયા હતા, પણ તેમના ચાહકોના હૃદયમાં તે પોતાના સ્વર થકી સદાય જીવંત હતા અને છે. શાસ્ત્રીય ઢબે કેળવાયેલો બુલંદ અવાજ ધરાવતા મન્નાડેનું મૂળ નામ હતું પ્રબોધચંદ્ર ડે. પિતા પૂર્ણચંદ્ર ડે અને માતા મહામાયા ડેના આ પુત્ર સંગીતના પાઠ પોતાના કાકા કૃષ્ણચંદ્ર (કે.સી.) ડે પાસેથી શીખ્યા હતા.
મન્નાડેને પહેલવહેલા પાર્શ્વગાયનની તક મળી ફિલ્મ તમન્ના’(૧૯૪૨)ના એક યુગલ ગીતથી, જેના સંગીતકાર કે.સી.ડે હતા અને સહગાયિકા હતાં સુરૈયા. આ ગીતની એક ઝલક.


અલબત્ત, મન્નાડેની સ્વતંત્ર ગાયક તરીકેની ઓળખ ઉભી થઈ રામરાજ્ય’(૧૯૪૩)ના આ ગીતથી. ગીત લખ્યું હતું રમેશ ગુપ્તાએ.


મન્નાડેને ખરા અર્થમાં ખ્યાતિ મળી મશાલ’(૧૯૫૦)ના આ અદ્‍ભુત ગીતથી, જે લખ્યું હતું કવિ પ્રદીપે. સંગીતકાર હતા એસ.ડી.બર્મન.


આ ગીત પછી મન્નાડેની સૂરસફરે ખરા અર્થમાં ગતિ પકડી. તેમનાં લોકપ્રિય ગીતો કેટકેટલાં યાદ કરવાં? અનિલ બિશ્વાસ, સલીલ ચૌધરી, શંકર જયકિશન, સચીન દેવ બર્મન, વસંત દેસાઈ, રોશન જેવા ધુરંધર સંગીતકારોના સંગીત નિર્દેશનમાં ગાયેલાં કેટલાં બધાં બેનમૂન ગીતો છે મન્નાડેનાં! ફક્ત તેનો ઉલ્લેખ કરીએ તોય આખી અલગ પોસ્ટ થઈ જાય. આવાં ગીતોને સલીલ દલાલે પોતાની આ બ્લોગપોસ્ટમાં યાદ કર્યાં છે. એટલે અહીં તેમની કારકિર્દીનાં કેટલાંક મહત્વનાં વૈવિધ્યપૂર્ણ ગીતો આપવાનો ઈરાદો છે.
મન્નાડેએ ૧૬ જેટલી હિ‍ન્‍દી ફિલ્મો તેમજ ૬ બંગાળી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું. સંગીતકાર તરીકેની તેમની ૧૬ ફિલ્મો આ મુજબ છે:
સતી તોરલ (૧૯૪૭), વીરાંગના (૧૯૪૭), હમ ભી ઈન્‍સાન હૈ (૧૯૪૮)- આ ત્રણેય ફિલ્મમાં હરિપ્રસન્ન દાસ સાથે, જાન પહેચાન (૧૯૫૦, ખેમચંદ પ્રકાશ સાથે), મશાલ (૧૯૫૦, સચીન દેવ બર્મન સાથે), શ્રીગણેશજન્મ (૧૯૫૧, ખેમચંદ પ્રકાશ સાથે), ચમકી (૧૯૫૨), તમાશા (૧૯૫૨, એસ.કે.પાલ અને ખેમચંદ પ્રકાશ સાથે), નૈના (૧૯૫૩, ગુલામ મહંમદ સાથે), શુક રંભા (૧૯૫૩), મહાપૂજા (૧૯૫૪, અવિનાશ વ્યાસ અને શંકરરાવ વ્યાસ સાથે), શિવકન્યા (૧૯૫૪), જય મહાદેવ (૧૯૫૫), ગૌરીપૂજા (૧૯૫૬), નાગચંપા (૧૯૫૮), અને સોનલ (૧૯૭૩). આ ઉપરાંત રીશ્તે કી દીવાર નામની તેમના સંગીતવાળી ફિલ્મ અધૂરી રહી હતી.
મન્નાડેના સંગીતનિર્દેશનવાળી છ બંગાળી ફિલ્મો આ મુજબ છે: રામધક્કા, શેશ પૃથ્યાય દેખૂં, બાબુમોશાય, પ્રેયસી, લલિતા અને કાટા ભાલો બાશા.
આ વિશિષ્ટ ગીત કોઈ ફિલ્મનું નથી. ૧૯૫૮માં ઑલ ઈન્‍ડીયા રેડીયો દ્વારા વિવિધભારતીનો આરંભ કરવામાં આવ્યો એ પ્રસંગે નરેન્‍દ્ર શર્મા લિખીત આ ગીત પહેલવહેલું પ્રસારિત કરવામાં આવ્યું હતું, જેને સ્વરબદ્ધ કર્યું હતું અનિલ બિશ્વાસે.



ગુજરાતના રાષ્ટ્રગીત જેવું આ ગીત પણ મન્નાડેએ ગાયું હતું, જે રમેશ ગુપ્તાએ લખ્યું હતું.


હરિવંશરાય બચ્ચનની ખ્યાતનામ રચના મધુશાલા મન્નાડેના કંઠમાં આપણા સુધી પહોંચી હતી. તેની એક ઝલક.


મન્નાડે દ્વારા ગવાયેલું અને સ્વરબદ્ધ કરાયેલું મધુકર રાજસ્થાની લિખીત શૃંગારરસનું આ અદ્‍ભુત બિનફિલ્મી ગીત સંગીતરસિકોના હૃદયમાં આજેય કોતરાયેલું છે.


મન્નાડેનો કંઠ એવો બુલંદ હતો કે હિન્‍દી ફિલ્મોના સરેરાશ નાયકના કુમળા ચહેરા સાથે તે ભાગ્યે જ મેળ ખાય. અલબત્ત, રાજ કપૂર માટે મુકેશ ઉપરાંત મન્નાડેએ પણ ઘણાં યાદગાર ગીતો ગાયાં. મહેમૂદ જેવા હાસ્યઅભિનેતા માટે પણ તેમણે ઘણાં ગીતો ગાયાં. જો કે, ફકીર, ગાડીવાળા, સાધુઓ વગેરે જેવાં પાત્રો પર તેમનાં ગવાયેલાં ગીતો વધુ ફિલ્માવાયાં હોય એમ લાગે. 
રાજ કપૂર માટે તેમણે ગાયેલું આ ગીત રજૂ નહીં થઈ શકેલી એક ફિલ્મ 'બહરૂપિયા'નું છે, જેનો સમાવેશ 'ફિલ્મ હી ફિલ્મ'માં કરવામાં આવ્યો હતો. 

બધું મળીને કુલ ૧૮ ભાષા(બોલી)ઓમાં મન્નાડેએ આશરે ૨,૫૦૦ ગીતો ગાયાં હતાં, જેમાં હિન્‍દી (૧૩૪૨ ગીતો) અને બંગાળી (૮૯૬ ગીતો) ઉપરાંત અસમીયા (૭), ભોજપુરી (૩૪), ગુજરાતી (૯૯), કન્નડ (૪), કોંકણી (૧), માગધી (૨), મૈથિલી (૧), મલયાલમ (૨), મરાઠી (૬૧), મારવાડી (૨), નેપાળી (૩), ઉડીયા (૫), પંજાબી (૧૬), સંસ્કૃત (૨), સિંધી (૧) અને તેલુગુ (૧) નો સમાવેશ થાય છે.
૧૯૯૧માં આવેલી પ્રહારમાં બહુ લાંબા અંતરાલ પછી તેમણે ગાયું હતું. એ પછી ગુડીયા(૧૯૯૬)માં તેમણે ગાયું હતું. ઉમર’(૨૦૦૬)માં તેમણે ગાયેલું આ સમૂહગીત તેમનું છેલ્લું ગીત હોય એમ લાગે છે, જેમાં તેમના ઉપરાંત કવિતા કૃષ્ણમૂર્તિ, શબાબ સાબરી અને સોનુ નિગમનો પણ સ્વર છે.  


અનિલ બિશ્વાસ દ્વારા સંગીતબદ્ધ કરાયેલું મેહમાન (૧૯૫૩)નું આ અનન્ય ગીત મન્નાડેને જીવંત ગાતાં સાંભળી શકાશે. 

મન્નાડેને 'પદ્મભૂષણ' તેમજ 'દાદાસાહેબ ફાળકે' સન્માન પણ પ્રાપ્ત થયું હતું. ૨૦૧૨માં તેમનાં પત્ની સુલોચનાનું અવસાન થયું હતું. પરિવારમાં તેમને બે દીકરીઓ છે. છેલ્લા ઘણા વખતથી તે બેંગ્લોરમાં જ રહેતા હતા. તેમના જીવન પર બનેલી એક ફિલ્મ 'આમિ શ્રી ભજહરી મન્ના'માં તેમણે અભિનય પણ કર્યો હતો. આ ફિલ્મનું નામ તેમણે ગાયેલા એક બંગાળી ગીતની પહેલી પંક્તિના શબ્દો છે. 
હિન્‍દી ફિલ્મોના પાર્શ્વગાયનના સુવર્ણયુગના મન્નાડે છેલ્લા જીવિત પ્રતિનિધિ હતા. આ યુગના ગાયકોની ખાસિયત એ હતી કે સૌનો આગવો અવાજ અને ગાયનશૈલી હતાં અને તેઓ નાકમાં ગાતાં નહોતાં. આ ગાયકો એવા કાળમાં ગાયનક્ષેત્રે આવ્યા જ્યારે એક એકથી કાબેલ સંગીતકારો કાર્યરત હતા, જેમણે આ ગાયકોને આગવી ઓળખ આપી. તેને લઈને જ તલત મહેમૂદ, મુકેશ, કિશોરકુમાર, મહંમદ રફી, હેમંતકુમાર, મન્નાડે જેવા ગાયકો અનન્ય અને એકમેવ બની રહ્યા. તેમના દેહનું મૃત્યુ થાય તેનાથી દુ:ખ અવશ્ય થાય, પણ સંગીતપ્રેમીઓના મનમાં તેમનો સ્વર સદાય ગૂંજતો રહેવાનો. 

(માહિતીસૌજન્ય: હરીશ રઘુવંશી, સુરત) 
(તમામ ગીતો યૂ ટ્યૂબ પરથી લીધાં છે. અમુક ગીતો અપલોડ ન થઈ શકવાથી તેની લીન્‍ક મૂકી છે, જેની પરથી જે તે ગીત સાંભળી શકાશે.) 

8 comments:

  1. મન્નાડે નો દરેક સંગીતકાર સાથેનાં ગીતો કે દરેક મુખ્ય ગાયિકાઓ સાથેનામ ગીતો એ દરેક જેટલા લેખોના સ્વતંત્ર વિષયો છે તેવું જ ગુજરાતી ગીતોનું પણ છે.
    ખેર હવે આપણી પાસે તેમનાં આ બધાંગીતોને ઉથલાવી ઉથલાવીને માણવાનું જ રહ્યું છે.
    હિંદી ફિલ્મના સુવર્ણ યુગના પુરૂષ ગાયકોમાના છેલ્લા સિતારા પણ 'તારોમેં દેખેગી તૂ એક હસતા નયા સિતારા' બની ગયા તે અફસોસ રહ્ય અક્જ કરશે.
    તેમના આત્માને ચિરઃશાંતિ મળે તેવી પ્રાર્થના

    ReplyDelete
  2. We pray that his soul rests in peace - mankind has lost a gem that glowed though a voice and filled : "
    virane me bahaar"

    ReplyDelete
  3. અતિ ભાવસભર અને છતાં ભરપૂર વિરલ માહિતીઓવાળા આ અનન્ય લેખ બદલ હ્ર્દયપૂર્વકના અભિનંદન- ચવાઇ ગયેલી દંતકથાઓ (ભીમસેન જોશી-મુકેશની ગેરહાજરીમાં રાજકપૂરે તેમની પાસે ગવડાવ્યું વગેરે વગેરે)ફિલ્મી કોલમોના દંતજ્ઞો દોહરાવ્યા-ત્રીહરાવ્યા કરે છે ત્યારે આ આ લેખ તાજગીનો અનુભવ કરાવે છે, મેનુ સાથે જ મીઠાઇ પણ હાજર કરી દે તેવા બ્લૉગના "તથાસ્તુ"પણાનો બીરેન જેવો ઉપયોગ કોઇએ કર્યો નથી - વિશેષ માહિતી માત્ર અનુષંગીકતાના ધોરણે જ આપું કે મારી સાથેની રેકૉર્ડેડ વાતચિતમાંમન્ના ડે એ પોતાની અને મુકેશની ગાયકીનો ફરક "આ જા સનમ" ગણગણીને મને સમજાવ્યો જેને Throw of voice" કહેવાય છે જે મુકેશમાં નહોતો.-આ શબ્દનું ગુજરાતી મેં "સ્વરફંગોળ"તરીકે કર્યું, સ્વરફંગોળનો અનુભવ "આ જા સનમ"માં આ....પછી અનુભવાય અને "પ્યાર હૂઆ.ઇકરાર હૂઆ"માંવ વચ્ચે આવતી "આ હા હા ,આ હા હા "તાનમાં અનુભવાય છે, આ વાતચિત હું સમય મળ્યે બીરેનની મારફત બ્લૉગ પર સંભળાવીશ- હાલ તો બીરેનને અભિનંદનોનો વરસાદ- ર

    ReplyDelete
  4. Very detailed life and activity sketch of Manna Dey. Fitting tribute.

    ReplyDelete
  5. Meaningful and timely tribute. Good one.

    ReplyDelete
  6. બિરેનભાઈ,
    ખુબ ખુબ આભાર લીંક ફરી મોકલવા માટે .
    મને ક્યારેય મળી જ નહોતી . લેખ વાંચતા પહેલા વીચાર્યું હતું કે નાચ રે મયુરા અને નથની સે તૂટા મોતી રે નો ઉલ્લેખ થયો હોય તો સારું, નહિત તો આપણે જરૂરથી યાદ કરાવિશ. જોકે સંગીતકારો ની નામાવલી માં મદન મોહન નું નામ ન જોઇને આશ્ચર્ય થયું કે " હિન્દુસ્તાન કી કસમ " નું " હરતરફ બસ યેહી અફસાને હૈ, હમ તેરી આંખો કે દીવાને હૈ " ભૂલી ગયા કે શું ?
    ફરી ફરીને સંભાળવું ગમે તેવું ગીત, અદ્ભુત ગાયકી, કમાલ નું કમ્પોઝીશન અને કૈફીસા'બ ના શબ્દોનો કમાલ। ..વાહ ક્યા બાત હૈ ...

    ReplyDelete