બ્લોગનું આ માધ્યમ બહુ વિશિષ્ટ છે. આમ અંગત અને આમ જાહેર. આથી જ અહીં એવી વાતોય ઘણી વાર લખવાનું મન થાય કે જે લખવાનો અવકાશ અન્ય જાહેર માધ્યમમાં ન હોય અથવા તો ઓછો હોય. જો કે, બ્લોગ પર અંગત વાત લખતાંય એટલી કાળજી રાખવી જરૂરી છે કે એને વાંચવામાં અન્યને રસ પડે. આ વખતે એવી જ એક વાત, જે છે તો બહુ સામાન્ય, પણ મઝા પડે એવી છે.
હિંદી ફિલ્મો જેમ દેશ આખાની જનતાને એકસૂત્રે જોડતી હોવાનું કહેવાય છે, એવું જ ફિલ્મસંગીત માટેય કહી શકાય. એમાંય જૂના હિંદી ફિલ્મસંગીતના પ્રેમીઓની બિરાદરી દેશભરમાં ને વિદેશમાંય એવી અને એટલી છે કે એને ખરા અર્થમાં રાષ્ટ્રીય એકતાનું પ્રતીક કહી શકાય. અલબત્ત, આ ચાહકોમાં ત્રણ પ્રકાર છે. જાણક, માણક અને મારક. (સૌજન્ય:રજનીકુમાર પંડ્યા). આ પ્રકારોના અર્થવિસ્તારની જરૂર નથી, કેમ કે નામ મુજબ એ સ્વયંસ્પષ્ટ છે. ક્યારેક કોઈક એક વ્યક્તિમાં પણ આ ત્રણ પ્રકાર જોવા મળી શકે.
આ પોસ્ટમાં વાત આવા સંગીતચાહકોની તો છે જ, પણ કેન્દ્રમાં કોઈ વ્યક્તિ નહીં, એમનો સંગીતપ્રેમ છે, જેને લઈને અલગ અલગ શહેરમાં, અલગ સંજોગો, અલગ વ્યવસાય, અલગ માનસિકતા, અરે, ઉંમરમાં પણ ઘણી અસમાનતા હોવા છતાંય સૌનું વલણ છે નિષ્ઠાવાન સંગીતપ્રેમીનું. કાર્યપદ્ધતિ પણ લગભગ સમાન જેવી.
રજનીકુમાર પંડ્યા:
ના, એ પિયાનોવાદન જાણતા નથી.
|
રજનીભાઈએ તૈયારી બતાવી. આ વિષયના પહેલા લેખ તરીકે ફિલ્મ ‘દારા’ના અદભૂત ગીત ‘દો બોલ તેરે મીઠે મીઠે’નો આસ્વાદ કરાવતું લખાણ અપલોડ કરવા માટે ઈ-મેઈલથી મોકલ્યું. સાથે ગીતના સંગીતકાર મહમદ શફીનો એકલ તેમજ અન્ય સંગીતકારો સાથે તેમનો સમૂહ ફોટો મોકલ્યો. મને થયું કે સંગીતકારની સાથે સાથે ગાયક-ગાયિકાનો પણ ફોટો મૂકીએ. નેટ પરથી હેમંતકુમાર-લતા મંગેશકરનો ફોટો તરત મળી ગયો, એટલે પોસ્ટની સાથે એ પણ મૂક્યો. હવે બાકી શું રહ્યું? ગીતકાર મધુપ શર્માનો ફોટો. એમનું નામ પ્રમાણમાં ઓછું જાણીતું. તેથી એમનો ફોટો ક્યાં મળે? પહેલાં તો મારી પાસેના આલ્બમ ઊથલાવ્યાં, પણ એમાંથી મળવાની આશા ઓછી હતી. એટલે સુરતના હરીશ રઘુવંશીને પૂછી જોયું. હરીશભાઈ પાસે પણ એમનો ફોટો હતો નહીં, એટલે એમણે કાનપુરના હરમંદીરસીંઘ ‘હમરાઝ’ તરફ આંગળી ચીંધી. પણ મને થયું હિંદી ફિલ્મોના ૧૯૩૧થી ૧૯૮૦ સુધીના ગીતોને પાંચ ભાગના ગીતકોશમાં સંપાદિત કરનાર હરમંદિરસીંઘને કંઈ આટલી અમથી વાત માટે તસ્દી અપાય? ગંગાનું અવતરણ કરનાર ભગીરથને એમ થોડું કહેવાય કે મારા ઘરના નળમાં પાણી લાવી આપો! એવું મનમાં થયું એટલે અરજી એમને મોકલતાં અગાઉ મેં ઈન્ટરનેટ પર થોડી તપાસ કરી. પણ ઈન્ટરનેટ પરથી ફિલ્મ વિષેની માહિતી ન મળે એના કરતાં એ મળે ત્યારે વધુ ગૂંચવાડો સર્જાય છે. વિવિધભારતીની વેબસાઈટ પરથી સફેદ વાળ અને સફેદ દાઢી ધરાવતા એક એનાઉન્સર મધુપ શર્માની ફક્ત તસવીર જ મળી, બીજી કશી માહિતી નહીં. એ સિવાય સીત્તેરના દાયકામાં ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કરતા એક મધુપ શર્માની પણ માહિતી મળી. હજી વધુ ફાંફા મારતાં હિંદી પુસ્તકો અને પ્રકાશકોને લગતી એક માહિતી મળી. અહીંથી જે માહિતી મળી એણે કંઈક કેડી ચીંધી.
(ડાબે) હરમંદીરસિંઘ 'હમરાઝ' - સાથે નૌશાદ (જમણે) |
જો કે, ‘હમરાઝે’ મેઈલની શરૂઆતમાં જ જણાવ્યું હતું કે મેં મોકલેલી વર્ડફાઈલ doc.x ફોર્મેટમાં હોવાથી એ ખોલીને વાંચી શક્યા નથી અને મારે એ doc ફોર્મેટમાં મોકલવી. એટલે કે આટલી વિગત તો એમણે મારો મેઈલ વાંચ્યા વિના જ આપી હતી. વિના વિલંબે મેં એ જૂના વર્ઝનમાં ફાઈલ મોકલી આપી. બીજે દિવસે સવારે મારા ઈનબોક્સમાં ‘હમરાઝ’નો મેઈલ આવેલો હતો, જે ખરેખર તો તેમની અને શિશિરકૃષ્ણ શર્મા વચ્ચે થયેલો મેઈલ વ્યવહાર હતો, જેની નકલ મને મોકલવામાં આવી હતી. આગલા દિવસે રાતના સવા દસના મેઈલમાં જ શિશિરકૃષ્ણે ‘હમરાઝ’ને જાણ કરી દીધી હતી કે- લેખક અને ગીતકાર મધુપ શર્મા મલાડમાં રહે છે, અને એંસી વટાવી ગયા છે. એક મિત્ર દ્વારા એમનો પત્તો મળ્યો છે અને અત્યારે વાત કરવા માટે મોડું થઈ ગયું છે. એટલે કાલે વાત. દરમ્યાન તમે મને એમને પૂછવાના પ્રશ્નોની યાદી મોકલી આપો.’ ‘હમરાઝ’ને પહેલો મેઈલ કર્યાના છ કલાકમાં જ વાત આટલે પહોંચી ગઈ હતી. ‘હમરાઝે’ શિશિરકૃષ્ણને લખેલા જવાબની,તેમને આપેલી પ્રશ્નોની ટીપની નકલ મને મોકલી હતી.
એચ.એમ.વી.ના ડમડમ ( કોલકાતા) સ્ટુડિયોની મુલાકાતે હરીશભાઈ |
આ દરમ્યાન હરીશભાઈ શું કરતા હતા? એમની પાસે મધુપ શર્માનો ફોટો હતો નહીં, એ બરાબર, પણ ‘ના’ પાડીને છૂટી જાય એ હરીશભાઈના કિસ્સામાં બને જ નહીં. આવું જ વલણ રજનીભાઈનું, જેમને હજી અણસાર પણ નહોતો કે તેમણે મૂકેલી એક પોસ્ટમાં એક ફોટો મૂકવામાંથી વાત છેક મધુપ શર્માને ફરી શોધી કાઢવા સુધી પહોંચી ગઈ છે. (મિત્રો, આ બન્ને સંગીતપ્રેમીઓના આવા વલણનો ગેરલાભ ન લેવા વિનંતી.)
કૃષ્ણકાન્ત (કે.કે.) |
પાંચ દાયકાની ચરિત્ર અભિનેતા તરીકેની પ્રલંબ કારકિર્દી પછી સુરતમાં સ્થાયી થયેલા કૃષ્ણકાંત ભૂખણવાલા (કે.કે.) અમારા સૌના પ્રેમાળ વડીલ. એમની સ્મૃતિ હજીય ટકોરાબંધ છે. હરીશભાઈ સાથે એમને રોજિંદો ફોનવ્યવહાર. હરીશભાઈએ કે.કે.ને પૂછ્યું કે એમણે તરત જણાવ્યું કે ગીતકાર મધુપ શર્મા અને અભિનેતા મધુપ શર્મા બન્ને અલગ વ્યક્તિ છે અને એ બન્નેના ચહેરા એમને બરાબર યાદ છે.
આ આખો ઘટનાક્રમ ચોવીસથીય ઓછા કલાકમાં બની ગયો.
૨૫મી જુલાઈએ ‘હમરાઝ’નો વધુ એક મેઈલ આવ્યો. તેમણે ‘આખિરી અઢાઈ દિન’ પુસ્તક ખરીદી લીધું હતું, એટલું જ નહીં, તેના પાછલા જેકેટ પર છપાયેલો લેખક પરિચય સ્કેન કરીને મોકલ્યો હતો, જેમાં મધુપ શર્માનો ફોટો પણ હતો- સફેદ વાળ અને સફેદ દાઢી ધરાવતો. મતલબ કે વિવિધભારતી પરથી જે મધુપ શર્માનો ફોટો મળ્યો હતો એ જ આ ઉપન્યાસકાર.
શિશિરકૃષ્ણ શર્મા અભિનેત્રી જબીન સાથે |
મધુપ શર્મા |
ફરી યાદ કરાવું કે વાત અહીં ઉલ્લેખાયેલા કોઈ એક વ્યક્તિવિશેષની નથી. (એ પણ ક્યારેક આ બ્લોગ પર કરીશું.) શિશિર કૃષ્ણ શર્માને હું, હરીશભાઈ કે રજનીભાઈ રૂબરૂ મળ્યા નથી. અને ક્યાં અમદાવાદ, ક્યાં કાનપુર, ક્યાં મુંબઈ, ક્યાં વડોદરા અને સુરત! પણ જૂના હિંદી ફિલ્મ સંગીત પ્રત્યેનો પ્રેમ, એના માટેની શોધનવૃત્તિ અને એને અન્ય સમસુખિયાઓની બિરાદરીમાં વહેંચવાની વૃત્તિ એ હદની કે એને લઈને ક્યારેક આવી ‘કથા પાછળની કથા’ જેવી બ્લોગપોસ્ટ પણ લખવા મળી જાય.
આટલું વાંચ્યા પછી આ ગીત સાંભળવાની, તેનો આસ્વાદ વાંચવાની ઈચ્છા થઈ હોય તો ક્લીક કરો અહીં, જે લઈ જશે સીધા 'ઝબકાર' બ્લોગના એ પાના પર.
(નોંધ: ફિલ્મસંગીતના ખજાના પર સાપની જેમ બેઠેલા સંઘરાખોરોની સામે આવા સદા વહેંચવા તત્પર હોય એવા સંગીતપ્રેમી મિત્રોની આખી બિરાદરી છે. કેટકેટલાં નામ લખવાં? આથી આ પોસ્ટમાં ફક્ત આ ચોક્કસ કિસ્સામાં સામેલ હોય એટલાં નામ જ લખ્યાં છે.)