વાઘ વાગ વાક્
વાત વાદ યા વાદ્ય
ફેર શો પડે?
મીંચીને આંખો ઝુકાવવું શીશ,
દીન હૈયે યાચવા આશિષ,
પછી સામે હોય ગમ્મે તે,
ફેર શો પડે?
નથી વાઘ આવીને ફાડી ખાવાનો
કે નથી મળવા-ફળવાનું વાકનું વરદાન.
છતાં પ્રાર્થના છે એટલી કે,
રક્ષા કરજો વાઘની,
ને બચાવજો વાકવ્યભિચારીઓના આતંકથી.
જો કે, પ્રાર્થના ગમ્મે એટલી કરીએ,
ફેર શો પડે?
(લખ્યા તારીખ: 26-10-2019, વાઘબારસ)
****
દીપકના બે દીકરા,
કાજળ ને અજવાસ,
દીવાળીએ પ્રગટે દીપક,
અજવાસ બની રહે વ્યાપક,
આમ છતાં સમજણની આડે,
છવાતું રહે કાજળ શ્યામળ,
શુભેચ્છાઓ
દુનિયાભરની ઠલવાય,
બીઝી નેટવર્કમાં સંદેશા સલવાય,
આભાસ થતો રહે ઉજાસનો,
ને કાજળ ઘેરાતું રહે,
કાજળ એ હટવાનુંં નથી,
કાજળ એ ઘટવાનું નથી,
કાજળ એ મટવાનું નથી,
છે કારણ એટલું જ,
શ્વેત હવે કાજળનો રંગ.
(લખ્યા તારીખ, 27-10-2019, ધનતેરસ)