Thursday, September 20, 2018

'સળી'નો વિરામ

હરેક આરંભનો એક અંત હોય છે અને હરેક અંત પછી એક નવો આરંભ.

કહેવાની જરૂર ખરી કે આવી ફિલસૂફી આપણને કોઈ ચીજના આરંભકાળે નહીં, બલ્કે સમાપનવેળા જ યાદ આવતી હોય છે?
3 જુલાઈ, 2015 થી ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીપાન પર શરૂ થયેલી મારી વ્યંગ્યકોલમ ‘સળી નહીં, સાવરણી’ ત્રણ વર્ષના સાતત્યપૂર્વકના પ્રકાશન પછી હવે વિરામ લે છે. ગયા ગુરુવાર 13 સપ્ટેમ્બર, 2018ના રોજ પ્રકાશિત ‘નૂડલ્સ’ વિશેનો લેખ આ યાત્રાનો અંતિમ મુકામ હતો. આ પાને રોજેરોજ આવતી અન્ય તમામ હાસ્યકટારો પણ સાથેસાથે સમેટાઈ છે. ત્રણ વર્ષની આ સફરમાં કુલ 148 લેખો પ્રકાશિત થયા. આ થઈ આંકડાકીય માહિતી.
જો કે, ખરી મઝા આ લેખોને ફેસબુક પર મૂક્યા પછી તેની નીચે બોલતી કમેન્ટોની રમઝટની હતી. કશી વ્યક્તિગત ટીપ્પણી વિના માત્ર ને માત્ર હાસ્ય અને વ્યંગ્યને કેન્દ્રમાં રાખીને કરાતી આ ટીપ્પણીઓ એવી રહેતી કે તેમાં ભાગ ન લેનાર વ્યક્તિ કોઈ પણ એક જ કમેન્ટ વાંચે તો તેણે તેની નીચેનો આખો થ્રેડ વાંચ્યા વિના ચાલે નહીં. એ તમામ મિત્રોનાં નામ સમાવવાં મુશ્કેલ છે, એટલે એ સૌને સામૂહિક ધોરણે યાદ કરી લઉં છું. મારી હાસ્યની ધાર તેજ કરતા રહેવામાં એ સૌનું મૂલ્યવાન પ્રદાન છે.
અગાઉના છૂટાછવાયા હાસ્યલેખનની સરખામણીએ આટલા સાતત્યપૂર્વક હાસ્યલેખનનો આ મારો પહેલવહેલો અનુભવ હતો. આ કૉલમના ચૂંટેલા લેખોના સંપાદનની કામગીરી પૂરી થઈ ગઈ છે. એની પર નિર્માણ પૂર્વેના સંસ્કાર કરવાના બાકી છે. આશા છે કે બહુ ઝડપથી તેનું પુસ્તક પ્રકાશિત થશે. એ સમયે અહીં તેની જાણ કરીશ.
રોજેરોજ અલગ અલગ લેખકો દ્વારા હાસ્યલેખનનો આ પ્રયોગ રસપ્રદ હતો. રાજ ગોસ્વામીના કાર્યકાળમાં ઉર્વીશ કોઠારીના આમંત્રણથી આરંભાયેલી આ યાત્રામાં કિરણ જોશી, ચેતન પગી, જ્વલંત નાયક, કાર્તિકેય ભટ્ટ, અમિત રાડીયા, પ્રો. અશ્વિનકુમાર અને દિવ્યેશ વ્યાસની વ્યંગ્યપ્રસાદી પણ પ્રાપ્ત થતી રહી.
સળીલેખનની યાત્રા અહીં ભલે અટકે, પણ સળીની યાત્રા અવિરત ચાલુ રહેવાની, કેમ કે, એ આદિકાળથી ચાલી આવે છે અને અનંતકાળ સુધી ચાલતી રહેવાની. લેખન તો એની અભિવ્યક્તિનો એક પ્રકાર માત્ર છે. ફરી કોઈ નવા મુકામે, નવા સ્વરૂપે મળીશું. ફિકર ન કરતા, સરનામું કે નામ કદાચ બદલાય, પણ સળી એવી ને એવી જ રહેશે.

'ગુજરાતમિત્ર'માં શરૂ થયેલી મારી
સૌ પ્રથમ કોલમ (2004-05)

'સંદેશ'ની અલ્પજીવી કોલમ (2005)


'દિવ્ય ભાસ્કર'માં અગાઉ પ્રકાશિત પખવાડિક કોલમ (2006)


'દિવ્ય ભાસ્કર'માં ત્રણ વર્ષ સુધી સાતત્યપૂર્વક
ચાલેલી કોલમ (2015-2018)