Thursday, June 22, 2017

પીછા કરો.....(૧)


આ પોસ્ટ હકીકતમાં એક મહિના અગાઉ મૂકવાની હતી. જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવનાર પ્રિય અભિનેતા રોજર મૂર 23 મે, 2017ના રોજ અવસાન પામ્યા એ તેનું નિમિત્ત હતું. પણ એમ થઈ શક્યું નહી. યોગાનુયોગે તેમની પ્રથમ માસિક પુણ્યતિથીની નજીકમાં તે મૂકાઈ રહી છે એનો પણ આનંદ છે. 
કારચેઝ જેવો શબ્દ હજી અમારા માટે અજાણ્યો હતો ત્યારે કારરેસ શબ્દ વપરાતો, જે મોટે ભાગે અંગ્રેજી ફિલ્મોમાં જોવા મળતી. ખાસ કરીને જેમ્સ બોન્ડની ફિલ્મોમાં કોઈ પણ પ્રકારનાં વાહનોની ચેઝ મુખ્ય આકર્ષણ રહેતું. હવામાં, પાણીમાં, રોડ પર, બરફ પર એમ વિવિધ સ્થળે દુશ્મનોનો પીછો કરતા કે પીછો કરતા દુશ્મનોને ચકમો આપતા બોન્ડનાં દ્રશ્યો અત્યંત રોમાંચપ્રેરક હતાં. આ સિક્વન્સમાં પરિણામ મોટે ભાગે નિશ્ચિત રહેતું અને અંતે બોન્ડનો વિજય થતોઆમ છતાં તેને જોવાની મજા હતી. બોન્ડની ફિલ્મો અમે જોતા થયા એ અરસામાં રોજર મૂર એ ભૂમિકા ભજવતા હતા. તેમણે બોન્ડના પાત્રમાં ઠીકઠીક હળવાશ ઉમેરી હતી. 
Image result for roger moore in car chase
'ફોર યોર આઈઝ ઓન્લી'ની કાર ચેઝમાં જેમ્સ બોન્ડની ભૂમિકામાં  રોજર મૂર 
એંસીના દાયકાની આ વાત છે, જ્યારે ભારતમાં મુખ્યત્વે ફીયાટ અને એમ્બેસેડર જેવી કાર રોડ પર દોડતી જોવા મળતી. આયાતી કાર બહુ બહુ તો મુંબઈમાં દેખા દેતી. મુંબઈ ગયા હોઈએ અને આવી કોઈ કાર રસ્તા પર જોવા મળે તો એ કુતૂહલ રહેતું કે તેમાં કયા ફિલ્મસ્ટાર બિરાજમાન હશે.
નાના હતા ત્યારે મોંએથી ઢ્રરરર અવાજ કાઢીને બે હાથમાં કાલ્પનિક સ્ટીયરીંગ પકડીને કાર ચલાવી હોય એ અલગ વાત હતી. પણ આ ફિલ્મો જોઈ એ સમયે અમારી પાસે સ્કૂટર પણ નહોતું. કાર વસાવવાનું સ્વપ્ન આવ્યું નહોતું. એ ઉપરાંત વિડીયો ગેમનો યુગ હજી આરંભાયો નહોતો, તેથી આપણે પોતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કારચેઝ કરી શકીએ એવા સંજોગો હતા જ નહીં. અમે રહેતા હતા એ મહેમદાવાદમાં, જ્યાં ભણ્યા એ નડીયાદમાં કે નોકરીએ લાગ્યા એ વડોદરામાં અંતર ખાસ દૂર ન હોય તો પગે ચાલી નાખવાની આદત હતી. આવામાં કારચેઝ કરવાનો વિચાર સુદ્ધાં ક્યાંથી આવે?
કાર ભગાવીને પીછો કરવાના પ્રસંગ મારે કુલ બે વખત બન્યા. એ કાર મારી નહોતી કે નહોતો હું એ કાર ચલાવતો. પણ મારા માટે એ બંને પ્રસંગો યાદગાર બની રહ્યા છે. અહીં તેની વાત કરવી છે. 
**** **** ****
અબ કી બાર, લે ચલ પાર.... 
ડિપ્લોમા ઈન કેમિકલ એન્જીનિયરીંગ પાસ કરીને હું 1984માં આઈ.પી.સી.એલ.માં એપ્રેન્ટીસ તરીકે જોડાયો. એક વર્ષની એપ્રેન્ટીસશીપ પછી મારી નોકરી પાકી થઈ. (એમ થવામાં શી મુશ્કેલી પડી તેનું વર્ણન આ પોસ્ટમાં લખ્યું છે. એપ્રેન્ટીસશીપ દરમ્યાન થોડો સમય પ્લાન્ટમાં કામ કર્યા પછી મને હાઈડ્રોકાર્બન એકાઉન્ટીંગ સેલમાં મૂકવામાં આવ્યો. આ વિભાગમાં મુખ્ય કાર્ય વિવિધ પ્રકારની ગણતરીનું હોય છે, જેના માટે એક અઠવાડિયું ફર્સ્ટ શિફ્ટમાં અને એક અઠવાડિયું જનરલ શિફ્ટમાં વારાફરતી આવવું પડતું. સવારે અમે બધી ગણતરી કરીને સ્ટેટસ રિપોર્ટ તૈયાર કરતા, જે હાથે લખવામાં આવતો. ત્યાર પછી સાડા નવે ક્લેરિકલ સ્ટાફ આવે એટલે એ રિપોર્ટ ટાઈપીંગમાં જતો.
સ્ટેનો-કમ-ટાઈપીસ્ટ એવા પી.કે. શિવકુમારની ઓફિસ અને અમારી ઓફિસ વચ્ચે એક પાર્ટીશન જ હતું અને પ્રવેશદ્વાર એક જ હતું. શિવકુમાર તમિળ હતા, પણ તે ખૂબ સારું ગુજરાતી બોલતા. તેમનો બાંધો એકવડો અને ઊંચાઈ ઓછી હોવાથી તેમની ઉમર હતી તેના કરતાં ઓછી દેખાતી. મારી સાથે મારા સીનીયર એમ.બી.રાજપૂત હતા, જે મને તાલીમ આપતા. શરૂઆતમાં સ્ટેટસ રિપોર્ટ તેઓ લખતા હતા, પણ પછી એ કામ મેં શરૂ કર્યું. મારા હાથે લખેલો રિપોર્ટ શિવકુમાર પાસે ટાઈપીંગ માટે ગયો કે તરત જ શિવકુમારે બૂમ પાડીને પૂછ્યું કે આજે રિપોર્ટ કોણે લખ્યો છે. જેણે લખ્યો એણે, પણ એના અક્ષરો બહુ જ મસ્ત છે અને સ્પેલિંગો એકદમ સાચા.
શિવકુમારને લોકો શિવા તરીકે બોલાવતા. રાજપૂત તેને શિવલો પણ કહેતા. હું હજી નવો હતો એટલે શિવકુમારજી કહીને બોલાવતો. તે મને મિસ્ટર કોઠારી કે કોઠારીજી કહીને બોલાવતા.  બહુ ઝડપથી મારી અને શિવકુમાર વચ્ચે મૈત્રી થઈ ગઈ. અમારામાં કશું સામાન્ય નહોતું. આમ છતાં, અમે ઠીક ઠીક નજીક આવ્યા. હું તેમને શિવા કહીને સંબોધતો થઈ ગયો અને તે મને બીરેન કહીને બોલાવવા લાગ્યો. યોગાનુયોગે અમે બંને એક જ વિસ્તારમાં રહેતા હતા, તેથી જનરલ શિફ્ટ હોય ત્યારે અમે બંને બસમાં સાથે બેસતા અને ઉતરીને વાતો કરતાં કરતાં ચાલતા જતાં. તેનું ઘર પહેલું આવતું, તેથી ત્યાં સુધી અમારો સાથ રહેતો અને બાય કહીને અમે છૂટા પડતા. ક્યારેક તે મને પોતાને ઘેર આવવા માટે આગ્રહ કરતો. એકાદ વખત હું ગયો પણ ખરો. તેણે કોમ્પ્લાન બનાવ્યું અને અમે બંનેએ તે પીધું. મને ત્યારે ખબર પડી કે તે એકલો જ રૂમ રાખીને રહે છે. હજી અપરિણીત છે અને તેનાં માતા તેમજ ભાઈનો પરિવાર તમિલનાડુમાં રહે છે.
એક વખત વાતવાતમાં તેણે મને જણાવ્યું કે તેનાં માતાજી આવ્યાં છે. આ જાણીને હું ચાહીને તેમણે મળવા ગયો. માતાજીને હિન્દી બિલકુલ આવડતું નહોતું. તેઓ ફક્ત તામિલ જ બોલી શકતાં. પણ શિવાનો કોઈ મિત્ર આવેલો જાણીને તેઓ રાજી થયાં. તેમણે શિવાના માધ્યમથી મને જાતજાતના સવાલો પૂછ્યા. તેઓ સતત બોલતાં હતાં તેથી હું પૂછતો, એ શું કહે છે?’ શિવો નારાજગીથી બોલ્યો, કઈ નહી. મારી ફરિયાદ કરે છે. મને નવાઈ લાગી. એટલે મેં પૂછ્યું, ફરિયાદ? શાની?’ એટલે શિવો કહે, અલ્યા, જવા દે ને! મારા લગ્નની ફરિયાદ કરે છે.
આ સાંભળીને મને હસવું આવ્યું. થોડી વારમાં મેં વિદાય લીધી ત્યારે તેમણે ઈશારાથી મને પોતાને ગામ આવવા કહ્યું. મેં પણ વિવેક ખાતર હા પાડી. ત્યારે અમારા ત્રણમાંથી કોઈને ખ્યાલ નહોતો કે આ હકીકત બનવાની છે.
**** **** ****
થોડા સમય પછી શિવાએ અમને સૌને સમાચાર આપ્યા કે તેનાં લગ્ન નક્કી થયાં છે. એક દિવસ તે એક તસવીર પણ લઈને આવ્યો, જેમાં બે છોકરીઓ ઊભી હતી. શિવાએ એક પર આંગળી મૂકીને કહ્યું, આની સાથે. અમે બધાએ તેને અભિનંદન આપ્યા અને રાજપૂતે કેટલીક મજાકો પણ કરી. દરમ્યાન મારી એપ્રેન્ટીસશીપનું એક વરસ પૂરું થયું. એ વાતને ચારેક મહિના વીત્યા. શિવાના લગ્નની તારીખ નક્કી થઈ હતી. અને તેણે એ સાથે જ કહ્યું હતું, બીરેનને અને રાજપૂતને હું મારા લગ્નમાં લઈ જવાનો છું.
હું નોકરીમાં હજી સાવ નવો હતો. મારો કન્ફર્મેશન લેટર પણ આવ્યો નહોતો. ઉપરાંત ઘરની બહાર લાંબો પ્રવાસ પણ ખાસ કર્યો નહોતો. મેં ખાસ ઉત્સાહ દેખાડ્યો નહીં. પણ ત્યાં જવાની ટિકિટ બુક કરાવવાનો સમય આવી ગયો. શિવાએ મને કહ્યું, આજે સાંજે આપણે સીધા સ્ટેશને જઈશું અને ટિકિટ રીઝર્વ કરાવી દઈશું. મારા નાં પાડવાનો સવાલ નહોતો.
અમે સ્ટેશને ગયા. મને હજી ખબર નહોતી કે ખરેખર ક્યાં જવાનું હતું. દક્ષિણ ભારતમાં જવાનું હતું એટલી ખબર હતી. દક્ષિણ ભારત એટલે મદ્રાસ એવી જાડી સમજ શિવાએ વેળાસર દૂર કરી દીધી હતી. સ્ટેશને પહોંચ્યા ત્યારે મને આખો કાર્યક્રમ સમજાયો.
અમારે પહેલાં વડોદરાથી મુંબઈ પહોંચવાનું હતું. મુંબઈથી અમારે ટ્રેન પકડવાની હતી, જેમાં અમારે સેલમ ઉતરવાનું હતું. સેલમથી બસમાં મેટ્ટુર પહોંચવાનું હતું, જે શિવાનું ગામ હતું. એ મુજબ સૌથી પહેલી ટિકિટ વડોદરાથી મુંબઈની વડોદરા એક્સપ્રેસની કઢાવી. વડોદરા એક્સપ્રેસ વડોદરાથી રાત્રે સાડા દસ-અગિયારે ઉપડે છે અને સવારે સાડા પાંચ સુધીમાં મુંબઈ ઉતારી દે છે. મુંબઈથી અમારી ટ્રેનનો સમય સાડા આઠ-પોણા નવની આસપાસનો હતો, જે અમારે દાદરથી પકડવાની હતી. એનો અર્થ એ કે અમારી પાસે ત્રણેક કલાકનો સમય હતો, જે પૂરતો હતો. અને અમે વડોદરા એક્સપ્રેસમાં દાદર ઉતરી જઈએ તો તો વધુ પડતો હતો. અમારે એક ચોક્કસ સ્ટેશનનું નામ ધરાવતા ડબ્બામાં બેસવાનું હતું, કેમ કે, એ ટ્રેનમાં અમુક ડબ્બા વચ્ચેના સ્ટેશનેથી છૂટા પાડીને અન્ય કોઈ ટ્રેનમાં જોડાતા હતાં.
એ જ રીતે રિટર્ન ટિકિટ પણ કરાવવાની હતી. સ્વાભાવિક રીતે જ શિવો વધુ રોકાવાનો હતો અને મારે એકલાએ પાછા આવવાનું હતું અને મદ્રાસથી નવજીવન એક્સપ્રેસમાં બેસવાનું હતું.
બીજી બે બાબતો પણ જાણવા મળી. એક તો એ કે રાજપૂતે આવવા માટે હા પાડી હોવા છતાં સંજોગોવશાત તેમનું આવવાનું રદ થયું હતું. બીજું એ કે અમારી સાથે એક અન્ય સહપ્રવાસી જોડાવાના હતાં, જેમનું નામ ઈન્દિરા હતું. તેઓ શિવાના પાડોશી હતાં, અને જે કન્યા સાથે શિવાનું લગ્ન નક્કી થયું હતું એ તેમની સગી બહેનની દીકરી હતી. એટલે કે તેમણે જ આ સંબંધ કરાવ્યો હતો. તેમના માટેનું સંબોધન આપોઆપ ઈન્દિરા આન્ટી નક્કી થઈ ગયું હતું. હું અને શિવો સેલમ ઉતરી જઈએ ત્યાર પછી ઈન્દિરા આન્ટી એ જ ટ્રેનમાં આગળ મદ્રાસ જવાનાં હતાં.
મને ક્ષણભર લાગ્યું કે રાજપૂત નહીં આવે તો હું એકલો પડી જઈશ. પણ નાનપણમાં વાંચેલી રમણલાલ સોનીની સાહસકથાઓ યાદ આવી અને મેં આ અજાણ્યા પ્રદેશની સફર ખેડવાનું નક્કી કરી લીધું. અમારા ત્રણેની તમામ ટિકિટોનું રિઝર્વેશન મળી ગયું. જોતજોતામાં એ દિવસ પણ આવી ગયો.
**** **** ****
ચોક્કસ તારીખ યાદ નથી, પણ 1986નું વર્ષ હતું. રાત્રે અમે રિક્ષામાં વડોદરા સ્ટેશને પહોંચ્યા. મારી પાસે સામાન હતો, પણ શિવા પાસે તેમજ ઈન્દિરા આન્ટી પાસેનો સામાન વધુ હતો. મેં ટ્રેનમાં ખાઈ શકાય એ માટે વડાં તેમજ બીજી એક બે ચીજો લીધી હતી, કેમ કે, મુંબઈથી ટ્રેનની મુસાફરી ઘણી લાંબી- આશરે પાંત્રીસ-છત્રીસ કલાકની- હતી. ઈન્દિરા આન્ટી સાથે શિવાએ પરિચય કરાવ્યો. તેઓ એકદમ હસમુખાં અને વાતોડીયાં હતાં. હવે પછી બે દિવસ સુધી અમે સાથે ને સાથે રહેવાનાં હતાં, તેથી બને એટલા ઝડપથી હળી જઈએ તો સારું એ કારણ હોય કે ગમે એમ, અમે ઝડપથી હળી ગયા.
વડોદરા એક્સપ્રેસમાં અમે ગોઠવાયા. નિયત સમયે ટ્રેન ઉપડી એ સાથે એક લાંબી મુસાફરીનો આરંભ થયો. હવે વહેલી પડે સવાર અને સીધું આવે દાદર- એમ માનીને અમે પોતપોતાની બર્થ પર લંબાવી.
**** **** ****
ટ્રેન ઊભી રહી હોય એમ લાગ્યું એટલે આંખ ખૂલી ગઈ. આમ છતાં એમ ને એમ પડ્યા રહ્યા. પણ ઘણી મિનીટો વીતવા છતાં ટ્રેન ચાલુ ન થઈ. આથી અમને કુતૂહલ થયું અને બેઠા થયા. ટ્રેન કોઈક સ્ટેશને નહીં, પણ વચ્ચે ઊભી રહી હતી. ટ્રેનમાંથી અનેક લોકો નીચે ઉતરેલા હતા. આનો અર્થ એ હતો કે ટ્રેન ઘણા સમયથી અહીં ઊભી રહી હશે. સવારનું અજવાળું થવા લાગ્યું હતું. અમારી પાસે ત્રણેક કલાકની અવધિ હતી, જેમાંથી એકાદ કલાક વીતવા આવ્યો હતો. આમ છતાં અમને નિરાંત હતી, કેમ કે, એક વાર ટ્રેન ઉપડે પછી વધુમાં વધુ અડધા કલાકનો સવાલ હતો. શ્રીલાલ શુકલની વાર્તા અંગદ કા પાંવ મેં ત્યારે વાંચી ન હતી. પણ આજે કહી શકું કે ટ્રેન જૈસે અંગદ કા પાંવ હો ગઈ થી. શું તકલીફ હતી, એ તકલીફ ક્યારે દૂર થશે અને ટ્રેન ક્યારે ઉપડશે એ સવાલોના જવાબ મળતા નહોતા. આમ ને આમ એક કલાકથી વધુ સમય વીત્યો. હવે અમને ચિંતા થવા લાગી. આમ છતાં મનમાં ધરપત હતી કે એક વાર ટ્રેન ઉપડે પછી બહુ વાંધો નહોતો. પણ એ સવારે અંગદનો પગ ઉખાડવાનો નહોતો. હવે અમે જરા ગંભીર બન્યા. પૂછપરછ કરતાં ખબર પડી કે ટ્રેન વસઈ સ્ટેશનની બહાર ક્યાંક ઊભેલી છે. એનો અર્થ એ કે હજી અમે મુંબઈમાં પ્રવેશ જ કર્યો હતો. હવે આ ઘડીએ ટ્રેન ઉપડે તો પણ તે અમને દાદર આવતી ટ્રેનના સમયની આસપાસ જ પહોંચાડે એવી જાડી ગણતરી અમે કરી. આ નિર્ણાયક ઘડી હતી. એવી પણ શક્યતા હતી કે અમે લોકો સામાન લઈને ટ્રેનમાંથી નીચે ઊતરીએ અને એ જ ઘડીએ ટ્રેન ચાલુ થાય. આમ થાય તો પણ સમય જાળવવો મુશ્કેલ હતો એમ અમને લાગ્યું. અમે નક્કી કરી લીધું કે સામાન લઈને ઉતરી જઈએ અને દાદર સુધીની ટેક્સી લઈ લઈએ. ત્યારે અમને ખબર નહોતી કે વસઈથી એમ દાદર સુધીની ટેક્સી મળે નહી.
અમે સામાન સાથે નીચે ઉતરી ગયા. પાટે પાટે ચાલતાં સ્ટેશને પહોંચ્યા. પ્લેટફોર્મનો દાદરો ચડીને સ્ટેશનની બહાર નીકળ્યા. ત્યાં સુધીમાં સહેજ સ્થૂળકાય એવાં ઈન્દિરા આન્ટી હાંફી ગયાં હતાં. સ્ટેશનની બહાર નીકળીને અમે જોયું તો એક પણ ટેક્સી નજરે પડી નહીં. બધી રીક્ષાઓ જ ઊભેલી હતી. અમે ઉતાવળે એક રીક્ષાવાળાને પૂછપરછ કરી. તેણે જણાવ્યું કે ટેક્સી તો બોરીવલીથી જ મળશે. વસઈથી બોરીવલી સુધી અમારે રીક્ષામાં જ જવું પડશે. અમારી પાસે છૂટકો નહોતો. અમે રીક્ષા કરી. તેમાં ફટાફટ સામાન ગોઠવ્યો અને રીક્ષાવાળાને તરત જ રીક્ષા ઉપાડવા કહ્યું. ચાલુ રીક્ષાએ તેને પરિસ્થિતિ સમજાવી અને શક્ય એટલી ઝડપે ભગાવવા કહ્યું. ગમે એટલી ઝડપે ભગાવે, પણ રીક્ષાની ગતિની એક મર્યાદા હોય. વસઈથી બોરીવલી ત્રીસેક કી.મી. હશે. એ રસ્તો રેલ સમાંતર નહોતો, પણ પર્વતીય હતો. જાણે કોઈ જુદા જ મહારાષ્ટ્રમાં આવી પહોંચ્યા હોઈએ એમ જ લાગે. પણ એ સુંદર સવાર અને પ્રકૃતિને માણવાની અમારી માનસિકતા નહોતી. અમારા સૌની નજર વારેવારે ઘડીયાળ પર જતી, કેમ જાણે એમ કરવાથી સમય પાછો ઠેલાવાનો ન હોય! જેમ્સ બોન્ડે ઓક્ટોપસી ફિલ્મમાં રીક્ષાની ચેઝ કરી હતી. અમારામાં ફરક એટલો હતો કે અમારી પાછળ ગુંડાઓ નહોતા પડ્યા. નહીંતર અમારી ગતિ એવી જ હતી.
Image result for rickshaw chase in octopussy
'ઓક્ટોપસી'ની રીક્ષાચેઝ 
રીક્ષાવાળાએ પણ અમારી તકલીફ સમજીને બનતો પ્રયત્ન કર્યો હતો. તેને પરિણામે જોતજોતાંમાં બોરીવલી આવી પહોંચ્યું. હવે સમય પણ ઓછો રહ્યો હતો. અને હજી અમારે અહીંથી ટેક્સી પકડીને ત્રીસેક કી.મી. કાપવાના હતા. અને આ ત્રીસ કી.મી. મુંબઈના ખરેખરા ટ્રાફિકમાં કાપવાના હતા. રીક્ષાનું ભાડું ચૂકવીને અમે તેનો આભાર માન્યો. સામાન ઉતાર્યો અને ફટાફટ એક ટેક્સી રોકી. ટેક્સીવાળાને હકીકત જણાવી. ટેક્સીવાળો મામલો પામી ગયો. તેણે ઘડીયાળમાં જોયું. પછી બોલ્યો, આઠ વાગ્યે ટ્રાફિક સિગ્નલ શરૂ થઈ જાય છે. અત્યારે સાડા સાત વાગી ગયા છે. આ અડધા કલાકમાં હું બને એટલી ઝડપ કરીને કવર કરવા ટ્રાય કરું છું. કેમ કે, ટ્રાફિક સિગ્નલ શરૂ થઈ જાય તો આપણા હાથમાં વાત રહે નહીં.
આ સાંભળીને અમને ફાળ પડી. ઝડપ કરવામાં ટ્રાફિક સિગ્નલને અમે સાવ ભૂલી ગયા હતા. અમે બને એટલી ત્વરાથી ગોઠવાયા. શિવો ડ્રાઈવરની બાજુમાં ગોઠવાયો. હું અને ઈન્દિરા આન્ટી પાછલી સીટ પર બેઠાં. ડ્રાઈવરે ટેક્સી શરૂ કરી અને તરત જ ગતિ પકડી. અમે એવાં ડઘાઈ ગયેલાં હતાં કે એકબીજા સાથે કશી વાત કરવાનું જ સૂઝતું નહોતું. ટેક્સી ડ્રાઈવરનો ચહેરો યાદ નથી, પણ તે સફેદ ગણવેશધારી હતો. એકદમ સ્વસ્થતાપૂર્વક, જરાય હાંફળોફાંફળો થયા વિના તે ટેક્સી ભગાવતો હતો. તેણે કહ્યું હતું એટલે અમે વારેવારે જોઈ રહ્યા હતા કે આઠ વાગવામાં હજી કેટલી મિનીટ બાકી છે. સદનસીબે એ નેશનલ હાઈવે હતો, તેથી પૂરઝડપે ટેક્સી ભગાવી શકાતી હતી. 
પાછળ બેઠે બેઠે જેમ્સ બોન્ડની એકે ફિલ્મ યાદ નહોતી આવતી. એ વખતે એક જ વાત મનમાં આવતી હતી કે દાદરની ટ્રેન ચૂકી ગયા તો? આ કઈ નજીક જવાનું નહોતું. છેક સેલમ અને મદ્રાસ પહોંચવાનું હતું. ત્યાં જતી ટ્રેનોની સંખ્યા એટલી બધી ન હોય. કોને ખબર, આજે ચૂકી જઈએ તો સીધી કાલે જ મળે કદાચ. અને ત્યાં શિવાના લગ્નની તારીખનું શું? તેણે એ મુજબ દિવસો ગણીને કાર્યક્રમ નક્કી કર્યો હોય. વિચારોની આવી હારમાળા દરિયાની લહેરોની જેમ મનમાં આવજા કરતી હતી, પણ તેનો વિચાર કરવાનો ખાસ અર્થ નહોતો, કેમ કે, નજર તો સામેના રોડ પર જ હતી.


આખરે આઠ વાગ્યા. ત્યાં સુધીમાં અમે ખાસું અંતર કાપી લીધું હતું. આમ છતાં, હજી દાદર પહોંચવાનું બાકી હતું. ટેક્સી ડ્રાયવર એકાગ્રતાથી ટેક્સી હંકારી રહ્યો હતો. તેણે નક્કી કરી લીધું હશે કે ટ્રાફિક સિગ્નલ ન નડે તો સમયસર દાદર પહોંચાડી દેવાશે. આમ ને આમ, માહિમ અને માટુંગા વટાવ્યાં ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો કે જે થાય એ, પણ ટ્રેન મળે એ શક્યતા છે ખરી. જોતજોતાંમાં અમે દાદર સ્ટેશન આવી પહોંચ્યાં. અમે ઘડીયાળ જોયું તો ટ્રેન આવવામાં હજી દસ બાર મિનીટ બાકી હતી. ય્યેએએ, તુમને કર દિખાયા... એવું આ લખતાં અનુભવાય છે, પણ ત્યારે એવા કોઈ હોશકોશ નહોતા. ટેક્સીનું ભાડું અમે ફટાફટ ચૂકવ્યું અને ડ્રાઈવરનો ખાસ આભાર માન્યો. ટેક્સીમાંથી ઉતરીને અમે એક કુલી કરી લીધો, જેણે સામાન ઉઠાવી લીધો. દાદર ચડીને વચ્ચેના કોઈ પ્લેટફોર્મ પર અમારે જવાનું હતું. પણ ત્યાં ઉતર્યા પછી નવો પડકાર ઊભો જ હતો.
અમારે જે ડબ્બામાં બેસવાનું હતું એ ક્યાં આવે છે એ શોધવું કપરું હતું. એ કોઈને પૂછી શકાય એટલો સમય રહ્યો જ નહોતો. અમે દાદર ઉતરીને પ્લેટફોર્મ પર પહોંચ્યાં કે તરત ટ્રેન આવી ગઈ. આ હદે સમયસર આવતી ટ્રેન આશ્ચર્ય અને ક્યારેક આઘાત પણ આપી શકે છે. ટ્રેન બરાબર ઊભી રહી. અમારી સામે જે ડબ્બો દેખાયો એમાં એક ટી.ટી.ઈ. નજરે પડ્યા. અમે તેમને અમારા ડબ્બા વિષે પૂછ્યું. તેમણે કહ્યું, આ જ છે. આ સાંભળીને કાન પર વિશ્વાસ પડતો નહોતો. કુલીની સહાયથી અમે સામાન ચડાવ્યો. એ ડબ્બામાં અમારી બેઠકો શોધી અને ગોઠવાયા. કુલીનો પણ આભાર માનીને તેને પૈસા ચૂકવ્યા. એટલામાં જ ટ્રેનની સીટી વાગી. હવે પછી અમારી મુસાફરી આ જ ડબ્બામાં, અને સાવ નિરાંતની હતી. એક ધક્કા સાથે ટ્રેન ઉપડી. એ સાથે જ અમે અનુભવેલી દિલધડક ચેઝ કાયમ માટે સ્મૃતિનું પાનું બનીને મગજમાં સંઘરાઈ ગઈ.
(બીજી ચેઝની વાત હવે પછી)

(નોંધ: પ્રથમ બંને તસવીરો નેટ પરથી|પેપર કોલાજ: બીરેન કોઠારી) 

6 comments:

 1. વાહ. અમે પણ તમારી સાથે સાથે જ ભાગતાં રહ્યાં. હાશ! પહોંચી ગયાં.

  ReplyDelete
 2. Your experience plunges me into my cycletour of India and had to stay in Salem...! very well described...By the by In 1977 R D
  Vaishnav chose me for IPCL Higher Secondary School but I lost the chance...

  ReplyDelete
 3. વાહ્ બીરેન તું તો યાર કોઇ નવલકથા લખી શકે એ રીતે વર્ણવી શકે છે. જમાવ દોસ્ત જમાવ...

  ReplyDelete
 4. રોજર મૂરે રોજર બીજાની લખેલી સ્ક્રીપ્ટ ઉપર 'દિલધડક' પરાક્રમો કર્યાં હશે. તમે તો મુખ્ય પાત્ર પણ પોતે અને સ્ક્રીપ્ટ પણ તમારી જ! આ બાબત સમગ્ર ઘટનાક્રમને વધુ 'દિલધડક' બનાવી દે છે.

  ReplyDelete
 5. I was unable to reach Salem, But reached Dadar was not only fantastic but unbelievable!!!!Still the heart beats are not normal !!! Nice to read only and only, but difficult to give company to Shiva and Indira aunty,in such a unknown long distance journey..

  ReplyDelete
 6. Description of Indira "Aunty" adds humor to your exciting travel tale. You did not encounter a villain like Roger Moore; instead Shivkumar's funny nicknames and his Complan drink added funny flavors. Anyone can figure out what M.B.Rajput's wedding jokes were all about. Waiting for the second chase...

  ReplyDelete