Wednesday, August 13, 2014

પોળો: કુદરતનો હરિયાળો ખોળો



મોસમનો પહેલો વરસાદ પડી ચૂક્યો હોય એ પછી અમસ્તીય બધે લીલોતરી પથરાઈ ગઈ હોય છે, અને ગમે એવી સામાન્ય જગા પણ સુંદર દેખાવા લાગે છે. તો સુંદર જગા વધુ સુંદર, સ્વર્ગીય બની જાય છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલા વિજયનગરની આસપાસ આવેલાં પોળોનાં જંગલોને આ શ્રેણીમાં મૂકી શકાય.

વરસાદી મોસમ હોય, છતાં નડે એ રીતે વરસવાને બદલે માણી શકાય એ રીતે વરસાદ પડતો હોય, ક્યાંય પહોંચવાની કે કશુંય પતાવી દેવાની ઉતાવળ કે ખેવના વિના કેવળ અલગારી રખડપટ્ટીની મોજ માણવાવાળા સરખેસરખા રસરુચિવાળા મિત્રો હોય, અને એ રખડપટ્ટી માટેનું સ્થળ પોળોનાં જંગલો હોય તો ગમે એટલો સમય અહીં ઓછો પડે. પાંચ મિત્રપરિવારો સાથે અહીં ગાળેલા ગુણવત્તાસભર સમયની યાદગીરીરૂપે આ વિસ્તારની તસવીરી ઝલક આપવાનો ઉપક્રમ છે. 

ઈડર વટાવ્યા પછી ખેડબ્રહ્માને રસ્તે સૌથી પહેલાં વીરેશ્વર મહાદેવ આવે છે. આવો, દર્શન કરો, ચા-પાણી કરીને જાવ જેવી આતિથ્યભાવના ધરાવતું આ સ્થળ મુખ્ય રસ્તેથી ઘણું અંદર છે. ભોજનનો સમય હોય તો પ્રસાદ લઈને જવાનો આગ્રહ પણ અહીંના સેવકો પ્રેમપૂર્વક કરે છે. અહીં મુખ્ય મંદીરથી ઉપરના ભાગમાં નાનકડો ટ્રેક છે, ત્યાં જઈ શકાય છે. 

વીરેશ્વરમાં રાત્રિરોકાણની સુવિધા મર્યાદિત છે, પણ ત્યાંથી ખેડબ્રહ્મા નજીક છે અને ત્યાં એ સુવિધા ઉપલબ્ધ છે. શુક્રવારે સાંજે વીરેશ્વર પહોંચ્યા પછી ત્યાં ત્રણેક કલાક વીતાવીને રાત્રે ખેડબ્રહ્મા પહોંચી ગયા.

ખેડબ્રહ્માથી બીજા દિવસે સવારે રખડપટ્ટી માટે નીકળી ગયા. રસ્તે એક નદી દેખાતાં ત્યાં ઉતરવાનું નક્કી કર્યું અને નદીકિનારે સફર શરૂ કરી. 





દૂરથી સામેના કિનારે ચૂલા પર કંઈક મૂકેલું દેખાયું. નદીકિનારે ચૂલો? ત્યાં જવાનું નક્કી કર્યું. ધારણા સાચી નીકળી. તાજો મહુડો ગરમ પાણીમાં ઉકળી રહ્યો હતો. નદી ઓળંગીને સહુ સામે કાંઠે પહોંચ્યા અને આખી ગતિવિધી નિહાળી. શાળામાં ભણેલી નિસ્યંદનની પ્રક્રિયા તાજી થઈ આવી.
નીચેના દેગડામાં મહુડાં ઉકળી રહ્યાં છે. ઉપર ઉંધા પાડેલા, માટી વડે લીંપેલા પાત્રમાં થઈને તેની વરાળ પાઈપ વાટે આગળ વધે છે. 


પાઈપ નદીમાં ડૂબાડેલી છે, જેના બીજા છેડે દેગડો મૂકેલો છે. 


પિત્તળનો દેગડો નદીના પાણીમાં આખો ડૂબાડીને મૂકવામાં આવ્યો છે, જેથી મહુડાની વરાળનું ઘનીભવન તરત જ થઈ જાય અને તે પ્રવાહી બનીને દેગડામાં એકઠી થાય. નીચેની તસવીરમાં જમણી તરફ બે પથ્થરની વચ્ચે પાણીમાં ડૂબાડેલા દેગડાનો થોડો ગોળાકાર જોઈ શકાય છે. 


પોળોનાં જંગલોમાં ઠેરઠેર ૧૫મી સદીમાં બંધાયેલાં વિવિધ મંદીરોના અવશેષો આવેલાં છે. તમામ મંદીરો ખંડીત અવસ્થામાં છે, અને તેના ખંડીત થયેલા વિવિધ ભાગ મંદીરના સંકુલમાં જ પડેલા છે. નવદેરાં જૈન મંદીર, શરણેશ્વર મહાદેવ વગેરે તેમાં મુખ્ય છે.





મંદીરના વિશાળ પ્રાંગણમાં ઠેરઠેર પડેલા આ અવશેષો જોઈને જીવ બળે, પણ એ આપમેળે ખંડીત થઈને કાળક્રમે પડ્યા હોય એમ જણાય છે. અમને ત્યાં આવેલા જોઈને એક માણસ ત્યાં આવ્યો અને મંદીરના કમ્પાઉન્‍ડની બહાર મૂકેલાં વાહનો કમ્પાઉન્‍ડની અંદર મૂકવા માટે જણાવ્યું. એવી કશી જરૂર ન હતી, છતાં તેણે લથડાતી જીભે એમ કરવાનો આગ્રહ ચાલુ રાખ્યો. તે નજીક આવતાં જણાયું કે ઉપર અમે જે પીણાની બનાવટ જોઈને આવ્યા હતા તેનું એણે સેવન કરેલું છે. 
તેની વાત તો પછી સમજાઈ. વાસ્તવમાં તે અમને ઑફર કરી રહ્યો હતો કે અમારે જોઈએ એ પથ્થરનો ટુકડો તે ઊંચકીને અમારી ગાડીમાં મૂકી આપે અને બદલામાં અમારે એને ફક્ત વીસ રૂપિયા આપવાના. અમે તેને ધુત્કારી કાઢ્યો એટલે તેણે પથ્થર મૂકી આપવાની ઑફર પાછી ખેંચી લીધી અને ફક્ત વીસ રૂપિયાની માંગણી ચાલુ રાખી. 



આવા મૂલ્યવાન અવશેષો આ રીતે ઘરભેગા થતા હશે? કોને ખબર? 






આ જૈન મંદીર હવે તો આખેઆખું વડને હવાલે થઈ ગયું છે. વડ અને મંદીરના પથ્થરો એ હદે અભિન્ન થઈ ગયા છે કે એને છૂટા પાડવા મુશ્કેલ બની જાય. 





પોળોના જંગલમાં જ ગુજરાત રાજ્યના વનવિભાગે રહેવા માટે કુટિરો બનાવી છે. અગાઉથી બુકીંગ કરાવીને આ કુટિરોમાં રહીને સરકારી મહેમાનગતિ માણવી કે નહીં, એ જનારની સહનશક્તિ કરતાંય વધુ સાહસવૃત્તિ પર આધાર રાખે છે. 
આ જ માર્ગે આગળ વણજ ડેમ છે, જ્યાં છેક ઉપર સુધી જઈ શકાય છે. 




વિજયનગર પહેલાં ખોખરા ગામ આવે છે, જે ખોખરા બોર્ડર તરીકે ઓળખાય છે. અહીં ગુજરાત-રાજસ્થાન બોર્ડર આવેલી છે. વિજયનગરથી ખોખરા જવાનો રસ્તો આંખને ઠારે એવો છે. નાના નાના ડુંગરા, નાનાં ખેતરો અને આસપાસ ખજૂરીનાં તેમજ બીજાં અનેક વૃક્ષો સરસ લેન્‍ડસ્કેપ બનાવે છે. 
આ રસ્તે એક ફાંટો નદીમાં થઈને રાણા પ્રતાપની સમાધિ તરફ જાય છે. પથરાળ પટમાં વહેતી નદીમાં એકાદ કિલોમીટર ગયા પછી આ સ્થળ આવે છે. ત્યાં મહાદેવનું મંદીર છે. રાણા પ્રતાપની સમાધિ અહીં હોવાની વાયકા છે, તેથી અહીં તેમનું પૂતળું પણ મૂકેલું છે. જો કે, આ સ્થળે સૌથી અદભુત હોય તો વડના એક ઝાડમાંથી નીકળેલી અનેક વડવાઈઓ અને તેનું વિશાળ સંકુલ. 




પહેલી વાર પોળોના જંગલમાં જનારે અહીંથી દલસુખભાઈ નામના ગાઈડને અવશ્ય સાથે લેવા.
સ્થાનિક રહીશ એવા દલસુખભાઈ સમય હોય એ મુજબ નાનું કે મોટું ટ્રેકીંગ કરાવવા સાથે આવે છે, પણ સાથે સાથે જે જાણકારી આપે છે એ બહુ અદભુત, વૈજ્ઞાનિક અને અતિશયોક્તિયુક્ત ન હોઈ, સાચી હોય છે. વિવિધ વનસ્પતિઓ, પક્ષીઓની ઓળખ પણ તે કરાવતા જાય છે. તેમનો સંપર્ક +91 94297 51624 પર (સવારે વહેલા કે સાંજના સમયે) કરી શકાય. 



માંગો પહાડની ટોચ પરથી દેખાતું સામેનું દૃશ્ય 


માંગો પર્વતની સપાટ ટોચ. 


માંગો પર્વતની બીજી તરફથી નજરે પડતું નીચે આવેલું શીવમંદીર


અહીં બે મંદીર આવેલાં છે, જેમાં બીજું મંદીર સાવ ખંડીત છે. તેની સામે નાનકડી વાવ છે. 


મંદીરના તૂટેલા માળખાની બહાર હારબંધ શિલ્પો પડેલાં છે, જે કદાચ એક સમયે મંદીરની ઈમારતનો જ હિસ્સો હશે.


આ શિલ્પોમાં વિવિધ કેશકલાપ જોવા મળે છે. 









પોળોનાં જંગલોમાં કોઈ પણ મોસમમાં રખડવા જઈ શકાય, પણ ચોમાસાની વાત જ અલગ છે.

(તમામ તસવીરો: ઈશાન કોઠારી)