Thursday, June 6, 2013

વૃક્ષપુરાણનું વરવું પાનું

- ઉત્પલ ભટ્ટ 

[અમદાવાદ રહેતા મિત્ર ઉત્પલ ભટ્ટને અવનવા અને અટપટા વિચારો આવતા રહે છે. યુનિફોર્મ પ્રોજેક્ટ માટે તે ગામડાંઓમાં જાય ત્યારે મુખ્ય કામની સાથેસાથે ભેંસભાગવતનો અધ્યાય જોતા આવે, અને કુંભાર તેમજ નિભાડાનું નિરીક્ષણ પણ કરતા આવે. આવ્યા પછી પોતાના અનુભવો એ અહીં વહેંચે છે એ વધારાનો ફાયદો છે. આ વખતે તેમણે 'વૃક્ષપુરાણ' ઉખેળ્યું છે અને ફરી એક વાર ચિંતાજનક સ્થિતિ તરફ ધ્યાન દોરીને આપણને વિચારતા કર્યા છે.]

એક હતાં મીનળદેવી...

સપનામાંય નહોતું વિચાર્યું કે મીનળદેવીનો ઉલ્લેખ અહીં આ રીતે કરવો પડશે. પણ સપનામાં ન વિચાર્યું હોય એવું જ મોટે ભાગે જીવનમાં બનતું હોય છે. મીનળદેવી કોણ? રેસિપી ક્વીન? બોલીવુડ કે ગોલીવુડની એકટ્રેસ? બ્લોગર? ફેસબૂકર? એમ હોય તો એમના બ્લોગનું સરનામું કે ફેસબુક પેજની લીન્‍ક કઈ? કયા નામે એમને ફ્રેન્‍ડ રિક્વેસ્ટ મોકલવી?
આવા સવાલો મનમાં થાય એ અગાઉ પહેલી ચોખવટ એ કરી લેવી જરૂરી છે કે નથી તેમનો કોઈ બ્લોગ, નથી એમનું ફેસબુક પરનું કોઈ પેજ. વિકીપિડીયા પર કોઈ પેજ હોય તો હોય. પણ એ હોય કે ન હોય, તેમની વાત અહીં વર્તમાન સંદર્ભે કરવાની છે.
ગોખણપટ્ટી વડે ભણેલો ઈતિહાસ યાદ હશે એમને કદાચ યાદ આવશે કે મીનળદેવી સિદ્ધરાજ જયસિંહનાં માતા હતાં. પોતાના રાજ્યમાં વિશાળ તળાવ બનાવતી વખતે માર્ગમાં એક ગરીબનું ઝૂંપડું આવતું હતું. (પૈસાદારો ત્યારે ઝૂંપડાં બનાવતાં નહોતાં.) આજની પરિભાષામાં કહીએ તો તળાવની લાઈનદોરીમાં ઝૂંપડું કપાતું હતું. તળાવનો આકાર પણ તેનાથી બગડતો હતો. પણ રાજમાતા મીનળદેવી પોતાની ન્યાયપ્રિયતા માટે પ્રખ્યાત હતાં. તેમણે ઝૂંપડું યથાવત્‍ રાખવાનો હુકમ કર્યો. પરિણામે તળાવ બન્યું ખરું, પણ ઝૂંપડાને કારણે તેનો આકાર બદલાઈ ગયો.
પોતાની ઈમેજ જાળવવા માટે શાસકોએ શું શું કરવું પડતું હોય છે!
એક મીનળદેવી હતાં કે જેમણે કોઈકનું ઝૂંપડું યથાતથ રાખીને, તળાવનો આકાર બગડવા દઈને ન્યાયપ્રિય રહેવું પસંદ કર્યું. નહીંતર એ ઝૂંપડા પર બુલડોઝર (કે હોર્સડોઝર) ફેરવતાં તેમને કોણે રોક્યાં હોત? પેલા ઝૂંપડાવાળાને અન્ય કોઈ જગાએ વૈકલ્પિક આવાસ આપીને પણ ન્યાયપ્રિયતા સિદ્ધ થઈ શકી હોત! અને તળાવ ફરતે ઊંચી દિવાલ બાંધીને તેને દરવાજા મૂકીને પછી પ્રવેશટિકિટ રાખી હોત તો લોકો એ ઝૂંપડું જોવા નાણાં ખર્ચીનેય હોંશે હોંશે આવત.
પણ તળાવનું સૌંદર્ય જાળવવાને બદલે તેમને પોતાની ન્યાયપ્રિયની છબીની કદાચ વધુ પડી હશે.
એક જમાનો હતો કે સત્તાધારીઓ જાહેર માર્ગો પર વૃક્ષો રોપાવતા અને વાવ કે કૂવાઓ બનાવડાવતા. ભૂતકાળના આ સત્તાધારીઓમાં દીર્ઘદૃષ્ટિનો સદંતર અભાવ હતો એમ કહી શકાય. મોટાં મોટાં, તોતીંગ વૃક્ષો કદાચ છાંયો વધુ આપતાં હશે, પણ એ સિવાય એનો બીજો શો ઉપયોગ? ઉલટાનાં એ કેટલી મોંઘા ભાવની જગા રોકશે અને વાહનવ્યવહારમાં ભયાનક નડતરરૂપ બનશે. ભવિષ્યમાં માર્ગ પહોળા કરતી વખતે આવાં ઝાડ કાપવાની કેટલી તકલીફ પડશે એનો એ ટૂંકી દૃષ્ટિના શાસકોએ વિચાર જ ન કર્યો.


વૃક્ષાચ્છાદિત માર્ગ 
આશ્વાસન એ વાતનું છે કે મીનળદેવીએ કરેલી એ ભૂલને સુધારવા માટે વર્તમાન શાસકો હવે કમર કસીને મેદાને પડ્યા છે. ન્યાયપ્રિય શબ્દની વ્યાખ્યા જ તેમણે બદલાવી નાંખી છે અને એને ગાળનો દરજ્જો આપી દીધો છે, જેથી કાળક્રમે તે શબ્દકોશમાંથી નીકળી જાય. સૌંદર્યનું તેમને મન પ્રાધાન્ય છે. પોતાની ગલી, સોસાયટી, વોર્ડ, શહેર કે રાજ્ય રૂડુંરૂપાળું દેખાવું જોઈએ. અને રૂડુંરૂપાળુંની વ્યાખ્યા તેમની પોતાની હોવી જોઈએ.


કાપવાનું જ હોય તો આડેધડ કાપવું સારું 
આજકાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધારીઓને વૃક્ષો કાપવાનો 'વા' લાગુ પડ્યો છે. ઘટાદાર અને ઘેઘૂર વૃક્ષ જોયું નથી કે એને આડેધડ કાપ્યું નથી! આમેય કાપવાનું જ હોય તો વ્યવસ્થિત કાપવામાં સમય અને શક્તિ ઘણા વેડફાય. તેને બદલે આડેધડ કાપવાથી પર્યાવરણ બચે કે ન બચે, કમ સે સમય અને શક્તિ તો બચે.
આસ્ફાલ્ટના સરસ મઝાના, લીસ્સા, ગરમાગરમ રસ્તાઓની બાજુએ ઉગેલા પચીસ-પચાસ વર્ષ જૂના લીમડાના ઘટાદાર વૃક્ષોને કાપવામાં આવે છે તેનો કેટલાક નગરજનો વિરોધ કરી રહ્યા હોવાના સમાચાર પણ જાણવા મળ્યા. અમદાવાદના આ અભણ અને ભોળા પ્રજાજનોને એટલુંય ભાન નથી કે આ વૃક્ષો વિકાસની દોટમાં કેવા અવરોધરૂપ છે. આ દોડમાં સામેલ થવું હોય તો વૃક્ષો કાપવા જ પડે. માનો કે કેટરીના (વાવાઝોડું) આવે અને આવાં વૃક્ષ ઉખડીને રસ્તાની વચ્ચોવચ પડે તો કલાકો સુધી ટ્રાફિક જામ ન થઈ જાય? અને ટ્રાફિક જામ એટલે કેટલા બધા માનવકલાકોનો વ્યય. ટી.વી.ની સિરીયલો જોવા પાછળ વેડફાવા માટે નિર્માયેલા માનવકલાકો આમ સરેઆમ રસ્તા પર વેડફાઈ જાય એ શી રીતે સાંખી લેવાય?
આ અબુધ નાગરિકોને સમજાવવા મુશ્કેલ છે કે ભાઈ (કે બહેન), તમે મોબાઈલ ફોન લેટેસ્ટ મોડેલના વાપરો છો, લેપટોપ છેલ્લામાં છેલ્લું હોવાનો આગ્રહ રાખો છો, ટુ વ્હીલર કે ફોર વ્હીલર પણ અદ્યતન ગમે છે, તો પછી વૃક્ષો જૂનાં શા માટે? આવાં બેવડાં ધોરણ રાખનારી પ્રજા પછાત જ રહી જાય ને!
અરે, વૃક્ષો તો ઠીક, પેલો જૂનો એલિસબ્રિજ આખેઆખો હટાવી લેવાની વાત છે. નહીંતર ગણવા જાવ તો એમાં તો ત્રણ વારની મજૂરીનો ખર્ચ ન લાગે? એક વાર એ પુલ બનાવવાનો, બીજી વાર એને તોડવાનો, અને ત્રીજી વાર એને નવો બનાવવાનો. રંગરોગાન અને જાળવણીનો ખર્ચ તો આપણે ગણ્યો જ નથી. અને છતાંય પ્રજાની સુવિધા માટે સત્તાવાળાઓ આ જોખમ લેવા તૈયાર થતા હોય તો વૃક્ષો કાપવાનો મુદ્દો ખરેખર તો મુદ્દો જ ન ગણાવો જોઈએ.
ઘણા લોકોને બિચારાને ખબર નથી કે આવાં જૂનાં-જામેલાં વૃક્ષો કાપીને એના બદલામાં અનેક નવા રોપાઓ રોપવામાં આવે છે. સત્તાવાળાઓએ પોતે આવો દાવો કર્યો છે. કાપેલા વૃક્ષની જગાએ રોપાઓ ઉછેરવાનો કશો અર્થ નથી, કેમ કે, આ રોપોય આવતી કાલે ઝાડ બની જાય તો વળી પાછો નડતરરૂપ થાય. કાલનો વાચક આજનો કટારલેખક બની શકતો હોય, જેનો ઘોંઘાટીયો અવાજ સાંભળતાંય ત્રાસ ઉપજતો હોય એવો જણ પોતાને સર્વાધિક લોકપ્રિય વક્તા ગણી શકતો હોય, કાલનો પ્રચારક આજનો લોકપ્રિય મુખ્યમંત્રી બની શકતો હોય, તો સાવ નાનો રોપો ઝાડ કેમ ન બની શકે? આ શક્યતા નિવારવા માટે જ રોપાઓને બસ્તી સે દૂર, પરબત કે પીછે રોપવામાં આવે છે.


'ગાર્ડ'ને ગાર્ડ કોણ કરે? ને ઝાડ 'ગાર્ડ'ની પરવા કેમ કરે? 
અમુક જગાએ કરેણ અને ચંપાના રોપા ઉગાડેલા જોવા મળે છે. આ પ્રજાતિઓ વૃક્ષ નહીં, પણ ક્ષુપમાં આવે છે. એટલે એ ભવિષ્યમાં વધે તોય વિકાસની આડે આવતી નથી.
વધુ વૃક્ષો વાવો! ક્યાં, ક્યારે એ નહીં પૂછવાનું. 
ભાવિ વૃક્ષોના રક્ષણની પણ સત્તાવાળાઓએ કેવી દૂરંદેશીપૂર્વક જોગવાઈ કરી રાખી છે! રોપાઓ રોપવામાં આવે એ અગાઉ તેના રક્ષણ માટેનાં ટ્રી ગાર્ડ ખરીદી લેવામાં આવ્યાં છે, એટલું જ નહીં, તેને યોગ્ય જગાએ ગોઠવી પણ દેવામાં આવ્યાં છે. પાણી પહેલાં પાળ બાંધવીની કહેવત જૂની થઈ. હવે તો ટ્રી રોપતાં પહેલાં ટ્રી ગાર્ડ મૂકવાં ની કહેવતનું ચલણ છે. ટ્રી ગાર્ડ થકી પ્રજામાં કળાદૃષ્ટિ પણ વિકસે એવું છૂપું અને લાંબા ગાળાનું આયોજન છે. ચિત્રવિચિત્ર રંગનાં પાંદડાં ધરાવતાં વૃક્ષોને બદલે એકસરખાં ડિઝાઈન તેમજ કદનાં નયનરમ્ય અને એકસરખાં રંગનાં ટ્રી ગાર્ડનું દૃશ્ય આંખને ઠારે એવું નથી હોતું? ખરેખર તો અસ્તવ્યસ્ત ઉગેલાં વૃક્ષો કરતાંય શિસ્તબદ્ધ ઉભેલાં ટ્રી ગાર્ડ ડાહ્યાં જણાય છે. અને ટ્રી ગાર્ડ પર 'વધુ વૃક્ષો વાવો' લખવાથી તેના માહાત્મ્યનો પણ પ્રચાર થાય છે. 
વૃક્ષની છાયામાં પાંગરતી સૃષ્ટિ (૧) 
ઘણા વાંકદેખાઓ કહે છે કે વૃક્ષારોપણ માટેના રોપા રાજ્યના વનવિભાગ દ્વારા વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે છે. મતલબ કે એમાં કશાની 'ખરીદી' કરવાની હોતી નથી. જેમાં કોઈ જ પ્રકારની 'ખરીદી' ન સંડોવાયેલી હોય તેવું કામ સરકારી શાસ્ત્રો મુજબ 'સાવ વાહિયાત' જ ગણાય ને!
અમારા જેવા કેટલાય લોકોએ ઘટાદાર વૃક્ષોની નીચે 'કીટલી'ની ચા પીતાં પીતાં કોલેજના શ્રેષ્ઠ વર્ષો ગાળ્યા છે. રસ્તાની બાજુએ આવેલા આવા જ વૃક્ષોને છાંયે ઊભા રહીને દોસ્તારો સાથે પંચાતો કરી છે. અચાનક તૂટી પડતા વરસાદથી બચવા માટે આવા જ ઘટાદાર વૃક્ષોની નીચે સ્કૂટર પાર્ક કરીને ઊભા રહ્યા છીએ. અને આવા જ વૃક્ષોની વચાળે બેઠેલી કોયલને 'કૂ કૂ' કરતી કલાકો સુધી સાંભળી છે, અને સામા એના ચાળા પણ પાડ્યા છે! અરે, વડના ઝાડ માટે વપરાતો અંગ્રેજી શબ્દ બનયાન ટ્રી પણ વડના ઝાડ નીચે પોતાની ચીજવસ્તુઓ વેચવા બેસતા બનિયા (વાણિયા)ઓ પરથી આવ્યો છે. 

વૃક્ષની છાયામાં પાંગરતી સૃષ્ટિ (૨) 
આવી આવી અનેક બિનઉત્પાદક અને ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવી હોય અને રાષ્ટ્રની સેવામાં વધુ માનવકલાકો જોતરવા હોય તો વૃક્ષનું ઉચ્છેદન જ કરવું રહ્યું.
વૃક્ષની છાયામાં પાંગરતી સૃષ્ટિ (૩) 
જાણવા મળ્યું કે તાજેતરમાં પાલડી, જલારામ મંદિર પાસેના વૃક્ષો કપાતાં હતાં ત્યારે ત્યાંના રહેવાસીઓ એ મુદ્દે વિરોધ કરી રહ્યા હતા કે એ વૃક્ષો પર ઘણા બધા પંખીઓના માળા છે એટલે એને કાપવાનું રહેવા દો. એ ભોળા જનોને કેમ નહીં સમજાતું હોય કે આ પંખીઓનાં નામ મતદારયાદીમાં નથી. મતદારયાદીમાં નામ હોય એવા લોકોનેય કોઈ પૂછતું નથી, તો આવાં પંખીઓને કોણ પૂછે? એ તો શહેરની અસ્વચ્છતામાં વધારો કરે છે. કામધંધો કશો નહીં, ને કલબલ કર્યા કરે છે. અને છતાંય ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓની જેમ એ ગેરકાયદે માળાઓના રહીશોના મત હોય તો હજી કંઈકેય વિચાર થાય.
હમણાં જાણવા મળ્યું કે ગુજરાત યુનિવર્સિટીથી વિજય ચાર રસ્તા સુધીનો રસ્તો અ.મ્યુ.કો. દ્વારા 'મોડેલ રોડ' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત થઈ તે દિવસે ગુજરાત યુનિવર્સિટીના કોલેજીયનોમાં અદમ્ય ઉત્સાહ છવાયેલો હતો. તપાસ કરતાં એ ઉત્સાહનું કારણ જાણવા મળ્યું. એ ભોળા જીવો એમ સમજતા હતા કે આ રોડ પર હવે બધી 'મોડેલ' જ ફરતી દેખાશે! એટલે કે રોડને બદલે એ રેમ્પનું કામ આપશે. 


'મોડેલ' રોડ એટલે 'રેમ્પ' ? 
આ તો આડવાત થઈ, પણ મૂળ વાત એ છે કે બે વર્ષથી એ રોડને મોડેલ રોડ જાહેર કરવામાં આવ્યો છે. અને આ ગાળામાં રસ્તાની બંને બાજુએ એક પણ નવો રોપો વાવવામાં નથી આવ્યો. બંને બાજુએ વૃક્ષો વાવવા સિવાયના શક્ય તમામ ખોટા ખર્ચા એ મોડેલ રોડ પર કરવામાં આવ્યા છે.
એક ઝટકા ઓર દો... 
આ વૃક્ષછેદન પ્રવૃત્તિની એક ખાસિયત છે. મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે રસ્તાની બાજુએ આવેલાં વૃક્ષોમાં કપાવાનો વારો મોટા ભાગે ઘટાદાર લીમડાનો જ આવે છે. લીમડાના વૃક્ષને ઘટાદાર-ઘેઘૂર બનતાં ૧૨ થી ૧૫ વર્ષ લાગે છે. લીમડો સૌથી વધુ ઓક્સિજન હવામાં છોડે છે
અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં તે આસપાસનું તાપમાન લગભગ ૫ ડિગ્રી જેટલું ઓછું કરી દે છે. લીમડાના ઝાડ પરથી વાતા વાયરાની ઠંડક તો અનુભવી હોય એ જ જાણે.
ચૈત્ર માસમાં લીમડાના મોર અને લીલાં પાનનો રસ પીવાથી આખું વર્ષ તાવ સુધ્ધાં શરીરની આસપાસ ફરકતો નથી અને આ જ રસને નહાવાના પાણીમાં ભેળવવામાં આવે તો ઉનાળામાં થતી અળાઇઓમાંથી મુક્તિ મળે છે. લીમડાની ડાળીનું દાતણ દરરોજ કરવાથી દાંતના રોગો થતા નથી અને દાંત એકદમ સફેદ રહે છે. (આવી 'દૂધ સી સફેદી' અમે પ્રોજેક્ટ યુનિફોર્મના પ્રવાસો દરમ્યાન ગામડાના દરેક બાળના દાંત પર જોયેલી છે જેઓ રોજ લીમડાનું જ દાતણ કરે છે.) તકલીફ એ છે કે આ બધુંય તદ્દન મફતમાં મળે છે. આપણે વિકાસશીલ અને વિકાસોન્મુખ થવા જઈ રહ્યા હોઈએ તો દરેક વસ્તુની કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડે. સત્તાધીશો બિચારા જાણે છે કે કાલે ઠીને કોઈને વિચાર આવે કે લીમડામાંથી વાતા વાયરા પર વેરો નાંખી દો. તો બે છેડા માંડ ભેગા કરતા પ્રજાજનો બાપડા ક્યાં જશે? એના કરતાં લીમડા જ વાઢી નાંખો અને પ્રજાજનોને ભાવિ તકલીફમાંથી આગોતરી મુક્તિ અપાવી દો. ના રહેગા બાંસ, ના બજેગી બાંસુરી!


વૃક્ષની છાયામાં ઘડીક આરામ 
આ બધું જ તદ્દન મફતમાં મળે છે તેમ છતાં આપણને એની કિમત રહી નથી.
ઘટાદાર વૃક્ષોને અકાળે મારી નાંખવાની નવીનતમ ટેક્નિક અ.મ્યુ.કો.ના કોન્ટ્રાક્ટરોએ વિકસાવી છે એવી પણ અફવા છે કે એ બદલ તેમને આંતરરાષ્ટ્રિય એવોર્ડ આપવાની પણ ભલામણ થઈ છે. ટેક્નિક સાદી છે. રસ્તાને રિસરફેસ કરતી વખતે ઉગેલાં વૃક્ષોની ફરતે તેઓ ડામરને એવો સરસ રીતે પાથરી દે છે કે એ કમનસીબ વૃક્ષનાં મૂળીયાં ગૂંગળાઈ જાય છે. શ્વસનતંત્ર પર અણધારી તરાપ પડવાથી થોડા સમયમાં જ તે સાવ સૂકાઇ જાય છે. પછી એ વૃક્ષને સૂકાઈ ગયેલું' જાહેર કરી દેવામાં આવે છે અને એનું કામ તમામ કરી દેવાય છે.
અહીં એકલા અમદાવાદની વાત નથી. જ્યાં પણ વિકાસને નામે આડેધડ વૃક્ષછેદન થતું હોય એ તમામ શહેરોની વાત છે.


જય હો! 
ગઈ કાલે વિશ્વ પર્યાવરણ દિન ગયો. આપણે રેલીઓ કાઢીને, કાગળ પર ઝુંબેશો ચલાવીને અને સૂત્રો બનાવીને કંઈક કર્યાનો સંતોષ લઈને બેસી રહીશું, શહેર-રાજ્યનો વિકાસ જોઈને હરખાતા રહીશું અને દર વરસે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરતા રહીશું.

(તમામ તસવીરો: ઉત્પલ ભટ્ટ, આ બધી તસવીરો અમદાવાદની છે, અને એકાદ-બે દિવસ જૂની જ છે.) 

6 comments: 1. Over the last three years this businessman has been religiously following a
  routine as he drives to his office. Deven Sheth, one of the partners in a firm
  making ayurvedic medicine 'Kayam Churn', loads his car with water cans as he
  leaves his residence in Ambawadi for his factory in Vitthalwadi, Bhavnagar.

  He daily waters the plants that are on his way to office. A diehard environment
  lover, he keeps 20 water cans of 10 litres capacity in his car for this purpose.

  "There are about 60 trees that dot my way to my office. It is for this purpose
  that I take water from my home. I personally water these trees on the roadside.
  I repeat the exercise when I return in the afternoon to have lunch and while
  going back to the office. I love nurturing trees and I have a dream to see
  Bhavnagar become like Bangalore in near future," he told TOI.

  ReplyDelete
 2. vrukshna besanama gayan hoie evun lagyun.dukhad samachar.
  Devenbhai jevu kam panivala loko kari shake.

  ReplyDelete
 3. પરમ ગજ્જરJune 7, 2013 at 7:47 PM

  ખૂબ લાગણીસભર કટાક્ષિકા, ઉત્પલભાઈ!

  ReplyDelete
 4. મને લાગે છે કે શહેરમાં આપણે સહુ કુદરતથી એટલા દૂર થઈ ગયા છીએ કે વાત નહીં. આપણી સંસ્કૃતિ એટલે કૃષ્ણ, નદીઓ, ગાયો, ખેતરો...શહેરમાં આજે આપણે ગાયોથી ડરીને ચાલીએ, કૂતરાથી બીએ, પક્ષીઓને ભૂલી જઈએ, માટીમાં પગ ન મૂકીએ, બગીચાની કોઈ આવડત ન ધરાવીએ વગેરે વગેરે..અને તેમાં અભિમાન લઈએ. શીખવાની તો વાત ન કરવી. અમે તો મોટા માણસો છીએ,શહેરી છીએ, ઝાડ હોય તો માણીએ, બાકી વાવવાની તો શી વાત.ઉગાડવાનું અને જાળવવાનું પણ તો આવડવું જોઈએ. શહેરના માળીઓ પણ શહેરી થઈ ગયા છે. તેમને પણ આવડતું નથી કે ઝાડ કે રોપો કેમ અને ક્યાં ઉગાડવો.સહુ કુદરતથી ભાગે છે...અમે શહેરી છીએ..ગામડીયા નથી...

  ReplyDelete