Wednesday, February 27, 2013

યે દાંડી ક્યા હૈ? (૨)


ઘણાં બધાં સ્થળનાં નામો આપણા માટે પ્લેસીસ ઑફ માઈન્‍ડ’/Places of mind જેવાં હોય છે. તેના વિષે આપણે ઘણું સાંભળ્યું હોય, અવારનવાર સાંભળ્યું હોય, એ સ્થળને આપણે ઈતિહાસના કોઈક ચોક્કસ સંદર્ભ સાથે જોડતા હોઈએ, અને ત્યાં ગયા વિના પણ આપણા મનમાં તેના વિષેની એક છબિ રચાયેલી હોય. ત્યાં જવાનું સામે ચાલીને ભાગ્યે જ બને. કોઈ પણ કારણસર ત્યાં જવાનું બને ત્યારે આપણા મનમાં રચાયેલી એ સ્થળની છબિ સાથે આપણી નજર સામેની વાસ્તવિકતાની સરખામણી થઈ જાય, જેમાં ભાગ્યે જ કશું સામ્ય હોય!

મોટે ભાગે ઈતિહાસ-ભૂગોળમાં આવતાં વિવિધ સ્થળોનાં નામ અંગે આમ બનતું હોય છે. પીંપરી, ટીટાઘર, વિશાખાપટનમ્, પેરામ્બુર, કાલીકટ વગેરે સ્થળો મારા માટે હજીય આ શ્રેણીમાં આવે છે. દરેકનાં આવાં પોતપોતાનાં સ્થળો હશે. આઉટલૂક’/Outlookનો ૮ જાન્યુઆરી, ૨૦૦૧નો વિશેષાંક આ કારણથી જ મારો પ્રિય બની રહ્યો છે, તેનું આ જ કારણ. આ અંકમાં આવાં કેટલાંક સર્વસામાન્ય પ્લેસીસ ઑફ માઈન્‍ડ (એને હૃદયધામ કહીએ તો ચાલે?) ની જાતમુલાકાતનો અહેવાલ છાપવામાં આવ્યો છે. એ અંકમાં ઉલ્લેખાયેલાં કેટલાંક સ્થળો: 
ઝૂમરીતલૈયા/Jhoomritelaiya, ઉડુપી/Udupi, પ્લાસી/Plassey, કુચીપુડી/Kuchipudi, ચેરાપુંજી/Cherapunji, ચિત્રકૂટ/Chitrakoot, નક્સલબારી/Naxalbari, પોખરણ/Pokharan, રામપુર/Rampur, મુઘલસરાઈ/Mughlsarai, ઉલ્હાસનગર/Ulhasnagar, દાંડી વગેરે...દાંડીનો અહેવાલ મનુ જોસેફે/Manu Joseph બહુ રસપ્રદ રીતે લખેલો હતો. ગુજરાતમાં જ કહેવાય, અને છતાં આપણે મુલાકાત લેવાની બાકી હોય એવું આ સ્થળ. દેખીતું ત્યાં જવાનું કોઈ કારણ નહીં. પણ એક કામ માટે નવસારી નજીકના બોદાલી અને પછી કરાડી ગામે જવાનું થયું ત્યારે અનાયાસે દાંડીની મુલાકાત લેવાના સંજોગો ઉભા થયા. દાંડીની મુલાકાત ન હોય, દાંડીની યાત્રા હોય.
**** **** ****

આ વિસ્તારમાં ગાંધીજી એકાદ મહિનો રહ્યા હતા, ફર્યા હતા અને લોકો સાથે સંવાદ સાધ્યો હતો. મટવાડ, કરાડી, દાંડીનાં નામો આ સમયગાળામાં ગાંધીજીની દિનવારીમાં અનેક વખત જોઈ શકાય છે. ૧૨ મી માર્ચ, ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમથી ૭૮ સાથીદારોને લઈને ગાંધીજીએ આ યાત્રા શરૂ કરી હતી, જેને દાંડી કૂચ તરીકે ઓળખાવાઈ હતી. આ યાત્રાનો આરંભ થયાના સમાચાર.  

મુક્તિ માટેની મહાન કૂચ (*) 
દુનિયાભરનાં પ્રચારમાધ્યમોએ આ સમાચારને પોતપોતાની રીતે ચમકાવ્યા. વિખ્યાત 'ટાઈમ' /Time ના ૩૧ માર્ચ, ૧૯૩૦ના અંકના મુખપૃષ્ઠ પર ચમકેલા 'સેન્‍ટ ગાંધી'/Saint Gandhi. (ગાંધીજીનું કદાચ આ સૌથી વાહિયાત ચિત્ર હશે. તેમના ચહેરા પર આવા દુષ્ટતાના ભાવ ક્યારેય જોવા નથી મળ્યા.) 

ગાંધીજીના ચહેરા પર દુષ્ટતાના ભાવ (*) 
પછીના વરસે ૧૯૩૧માં 'ટાઈમ' દ્વારા ગાંધીજીને ૧૯૩૦ના 'મેન ઑફ ધ યર'/Man of the year ઘોષિત કરાયા ત્યારે ૫ જાન્યુઆરી, ૧૯૩૧ના અંકના મુખપૃષ્ઠ પર ગાંધીજી ફરી એક વાર નવ જ મહિનાના ટૂંકા ગાળા પછી ચમક્યા. એ પછી ત્રીજી વાર તે ૩૦ જૂન, ૧૯૪૭ના અંકના મુખપૃષ્ઠ પર દેખાયા. 

મેન ઑફ ધ યર (*) 
કુલ ૨૪૧ માઈલ (આશરે ૩૮૮ કિ.મી.)નું અંતર પગપાળા કાપીને ૨૫ દિવસ પછી ૫ એપ્રિલના દિવસે ગાંધીજી દાંડી પહોંચ્યા હતા. આ પ્રવાસનો માર્ગ અને આ સ્થળ વિષે માહિતી આપતા સ્થાનિક ગાઈડ રમણભાઈ. 
દાંડી પહોંચ્યા એ દિવસે ગાંધીજીએ લખેલો સંદેશ.

આ જંગમાં મારે જોઈએ
 વિશ્વભરની સહાનુભૂતિ (*) 

*
૬ એપ્રિલ, ૧૯૩૦ના દિવસે સવારે દરિયામાં સ્નાન કરીને સાડા આઠ વાગ્યે અહીંથી મીઠું ઉપાડીને તેમણે સવિનય કાનૂનભંગ કર્યો. આ ઘટનાને પગલે દેશમાં અનેક સ્થળોએ આ જ પ્રકારનો સત્યાગ્રહ થયો. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી અને તેમની પર અત્યાચાર ગુજારવામાં આવ્યા. ગાંધીજીની ધરપકડ કરવામાં ન આવી. દરિયાકાંઠે મીઠું ઉપાડતા ગાંધીજીની આ મુદ્રા બહુ જાણીતી છે.

ચપટીભર મીઠું (*) 

આ મુદ્રા હજી પણ જોવા મળે છે. પણ એ સેન્‍ડલ પહેરતા યુવકની હોઈ શકે. ગાંધીજીના પગલે અનાયાસે આ રીતે પણ ચાલી શકાય.દાંડીના મીઠા સત્યાગ્રહને પ્રસારમાધ્યમો ઉપરાંત કાર્ટૂનિસ્ટોએ પણ પોતાની રીતે મૂલવ્યો. સેન્‍ટ લૂઈ/St. Louis ના 'પોસ્ટ ડિસ્પેચ'/Post-Dispatch માંનું એક કાર્ટૂન, જેનું કેપ્શન છે: "The Shop that was heard 'round the world." એક વિદેશી પત્રકારે ગાંધીજીને સલાહ આપતાં કહ્યું, "માય ડિયર ગાંધી, સિંહ જેવા બ્રિટિશ શાસનના મોંમાં માથું મૂકવું આ તબક્કે જોખમી છે.'/ My dear Gandhi, it is dangerous to put your head in the lion's mouth at this juncture. જવાબમાં ગાંધીજીએ કહ્યું, "દોસ્ત, થાકેલો સિંહ ક્યાંથી મારું માથું કરડી શકવાનો છે?"/Oh, my friend, the tired lion can scarcely bite off my head. આ સંવાદને પગલે બ્રિટિશ શાસનરૂપી સિંહના પૂંછડે મીઠું ભભરાવતા ગાંધીજી અનેક કાર્ટૂનમાં બતાવાયા હતા. એમાંનું એક કેરીકેચર, જે લંડનના 'ગ્રાફિક'/Graphic માં પ્રકાશિત થયું હતું. એક ઈટાલીયન કલાકારે એ બનાવ્યું હતું. 
દાંડીનો દરિયાકિનારો વિશાળ અને સ્વચ્છ છે. પ્રમાણમાં ઓછા લોકો અહીં જોવા મળે.દાઉદી વહોરા બહેનો દાંડીના સમુદ્રતટે.


*

દાંડીમાં તેમનો ઉતારો સૈફી વીલા’/Saifee Villa માં હતો. આ મકાન અસલમાં શેઠ સિરાજુદ્દીનની માલિકીનું હતું. ત્યાર પછી તેમની પાસેથી દાઉદી વહોરા કોમના ૫૧ મા ધર્મગુરુ ડૉ. સૈયદના તાહેર સૈફુદ્દીન સાહેબે / Dr. Syedna Taher Saifuddin ખરીદ્યું હતું. ૧૯૬૧માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દાંડીની મુલાકાત લીધી હતી. આ અવસરની સ્મૃતિને કાયમ રાખવા માટે સૈયદના સાહેબે આ મકાન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. ત્યારથી સૈફી વીલા રાષ્ટ્રીય સ્મારક બની રહ્યું છે. જો કે, વરસોવરસ સરકારનાં વિવિધ ખાતાંઓ પાસે ફરતું ફરતું હાલ તે ભારતીય પુરાત્ત્વ વિભાગ/ Archaeological Survey Of India ને હવાલે છે.
આ સ્મારકનું મૂળ પ્રવેશદ્વાર પૂર્વ તરફ છે, જે રસ્તો ગામમાંથી અહીં આવે છે. 

બહારની તરફથી દેખાતો 'સૈફી વીલા'નો આગલો ભાગ 
પ્રવેશદ્વારની જમણી તરફ ઉપરના માળે દોરી જતો દાદર છે.


'સૈફી વીલા' તરફ આવતો રસ્તો
*
 
મકાનનો પાછલો ભાગ પશ્ચિમ તરફ છે, જ્યાં અરબી સમુદ્ર /Arabian Sea છે. ગાંધીજી આવ્યા ત્યારે અરબી સમુદ્રનું પાણી બહુ નજીક હતું. હવે તે ખાસ્સું દૂર ખસ્યું છે. મુખ્ય પ્રવેશદ્વારને હવે બંધ રખાય છે અને પાછલા ભાગ તરફ મુખ્ય પ્રવેશદ્વાર બનાવાયું છે. 

દરિયાકાંઠાની સામેનો 'સૈફી વીલા'નો પાછલો ભાગ 
આ સ્મારકની અંદર ગાંધીજીની તેમજ અન્ય નેતાઓની તસવીરો મૂકાયેલી જોવા મળે છે. જો કે, અત્યારે ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા તેની મરમ્મત ચાલી રહી છે અને ભોંયતળિયું ઉખાડી નાંખવામાં આવ્યું છે. પણ અહીં ઉડીને આંખે વળગે એવું છે આ પાત્ર. કહેવાય છે કે આ પાત્રમાં ગાંધીજીએ દરિયાના પાણીને ઉકાળીને પ્રતિકાત્મક રીતે મીઠું બનાવ્યું હતું. એક વાત એવી પણ છે કે અહીં આવતા મુલાકાતીઓને આ પાત્ર દ્વારા મીઠાનું નિદર્શન આપવામાં આવતું હતું.ભોંયતળિયા પરના કુલ બે ખંડમાં તસવીરોનું પ્રદર્શન છે, જેમાંથી એક ખંડમાં આ મકાનનું મોડેલ મૂકવામાં આવ્યું છે. અહીંના ઉત્સાહી ગાઈડ રમણભાઈ સ્મારક વિષે માહિતી આપે છે. આ સ્થળના મહત્વને તે બરાબર પિછાણે છે અને ગાંધીજીના પૂતળા આગળ તે નિયમિત ફૂલ મૂકે છે.
પહેલાં ગાંધીજીનું પૂતળું સફેદ હતું, પણ હવે તેને કાળા રંગે રંગી દેવામાં આવ્યું છે. આ પૂતળાનું પ્રમાણમાપ તો બરાબર જણાય છે, છતાં તે કંઈક વિચિત્ર હોય એમ લાગે છે. કદાચ ગાંધીજીની આ મુદ્રા બરાબર નથી. આ પૂતળું ત્રણ બાજુએથી આવું દેખાય છે. 
પૂતળાની બાજુમાં એક સ્મારક પણ બનાવાયું છે. 


આ સ્મારક પરની તકતીમાં ૧૯૩૦ થી ૧૯૪૭ની વચ્ચેનો સમયગાળો કૂદાવી દેવામાં આવ્યો છે. મૂળ લખાણનું કોઈ સમજદાર માણસે 'એડીટીંગ' કરી દીધું હશે? કે કોઈ સરકારી અધિકારીને નોકરીના ભાગરૂપે આ લખવાનું આવ્યું હશે?


ગાંધીજીની ધરપકડ છેક ૫ મે, ૧૯૩૦ના દિવસે થઈ એ દિવસના સમાચાર.

યરવડા જેલમાં મહાત્મા (*) 

*
દાંડીમાં ખરેખર તો મીઠું પકવવામાં આવતું નથી. છતાં પાછા વળતાં એક જગાએ મીઠાના અગર હોય એમ લાગ્યું. પૂછતાં ખબર પડી કે એ માછીમારી માટે બનાવવામાં આવ્યાં છે.


મીઠાનો સત્યાગ્રહ જ શા માટે? અંગ્રેજોએ રોજબરોજના વપરાશની આ ચીજ પરના ભારે વેરા થકી થતી આવક અંગ્રેજી શાસનની વેરાની કુલ આવકના ૮.૨ % હતી. ખાનગી ધોરણે મીઠું પકવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો અને તેનો ભંગ ગુનો બનતો હતો. સાગરતટે રહેતા લોકો માટે તો આ કુદરતી સંપત્તિ હતી.
આ બહુ જાણીતા કારણ ઉપરાંત એક અન્ય કારણ પણ અહીંથી જાણવા મળ્યું. ઈન્‍ગ્લેન્‍ડથી આવતાં ઈસ્ટ ઈન્‍ડીયા કંપની/ The East India Company નાં દરિયાઈ જહાજો તેજાના તેમજ અન્ય ચીજો ખરીદવા માટે ભારત આવતાં. ભારત આવતી વખતે આ જહાજો ખાલી હોવાથી દરિયાઈ લહેરોમાં વહી જવાની સંભાવના રહે છે. આમ ન થાય એટલે તેમાં વજન માટે મીઠું ભરવામાં આવતું. ભારત આવીને આ મીઠું ખાલી કરી દેવામાં આવતું. અંગ્રેજ સરકાર આ નકામા મીઠામાંથી પણ આવક ઉભી કરવા માંગતી હતી. લોકોને આ આયાતી મીઠું ખરીદવાની ફરજ પડે એ માટે તેણે દેશી મીઠા પર આકરો વેરો ઝીંક્યો. પછીના વરસોમાં જહાજની ટેકનોલોજી બદલાઈ ગઈ છતાં આ પ્રથા તેમણે ચાલુ રાખી.


ગાંધીજીની વાત હોય અને ચક્રની વાત ન થાય એ કેમ ચાલે? ભલે એ ચક્ર યાંત્રિક કેમ ન હોય? એમાંથી  રેસા અને રસ બેય નીકળે છે અને સ્વાવલંબન તેમજ સ્વરોજગાર પણ આપે છે. અમે પણ એ 'ચક્રધારી'ને રોજગાર મેળવવામાં યથાશક્તિ સહાય કરીને તેના વ્યવસાયની ગરિમા જાળવવામાં મદદરૂપ થયા. 


ચક્રની વાત આવે તો કાંતણ શા માટે બાકી રહી જાય? કૉટન યાર્ન/Cotton yarn નહીં તો કૉટન કેન્‍ડી/ Cotton Candy સહી! (બહુ ભાવતી આ વાનગીનું 'દેશી' નામ મને જરાય પસંદ નથી.) એ પણ ખાંડનું કાંતણ જ છે ને! 


"હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી." આવું ગાંધીજીએ માતૃભાષા માટે કહ્યું હતું, પણ અંગ્રેજીના સ્પેલિંગ બાબતે તેમણે કશું કહ્યું નહીં એ સારું થયું. 
'યે દાંડી ક્યા હૈ?'નો મને મળેલો આ છે તસવીરી જવાબ.

(નોંધ: * નિશાનીવાળી તમામ તસવીરો નેટ પરથી લીધેલી છે.
ગાંધીનાં બન્ને કાર્ટૂનનું સૌજન્ય: નવજીવન પ્રકાશિત પુસ્તક 'Gandhi in cartoons'.) 

2 comments:

  1. બે જ અક્ષરનું નામ:‘દાં....ડી’
    એક સંશોધકની અદાથી અમારા ગાઈડ બની,તમે અજબગજબની યાત્રા કરાવી...!
    ખુબ ધન્યવાદ...

    ReplyDelete
  2. શું કહું, બીરેનભાઈ! બસ, ગદગદ થઈ ગયો.

    ReplyDelete