Saturday, October 13, 2012

મેઘાણીની 'પ્રતિમાઓ': પડદેથી પુસ્તકમાં અને હવે પુસ્તકમાંથી પડદે (૧)



( વિશેષ સહયોગ: ભરતકુમાર ઝાલા) 

ફિલ્મનું બીજ હોય છે તેની કથા એટલે કે વાર્તા. આ વાર્તા કોઈ નવલિકા યા નવલકથા હોઈ શકે, કે કેવળ ફિલ્મને ધ્યાનમાં રાખીને લખાયેલી વાર્તા પણ હોય. કેટલાંક ઉદાહરણ જોઈએ એવી ફિલ્મોનાં કે જે સાહિત્યકૃતિ પરથી બની હોય.

  • દેવદાસ/Devdas (1935, 1955, 2002, શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય લિખિત દેવદાસ નવલકથા),
  • પૃથ્વીવલ્લભ/Prithvivallabh (1924, 1943, કનૈયાલાલ મુન્‍શી લિખીત આ જ નામની નવલકથા), 
  • આનંદમઠ/Anandamath (1952, બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આ જ નામની નવલથા), 
  • સાહીબ, બીવી ઔર ગુલામ/ Sahib, Biwi aur Ghulam (1962, વિમલ મિત્ર લિખિત આ જ નામની નવલકથા), 
  • બંદિની/Bandini (1963, જરાસંધ લિખીત નવલકથા), 
  • ગાઈડ/Guide (1965, આર.કે.નારાયણનની નવલકથા ધ ગાઈડ), 
  • સરસ્વતીચંદ્ર/ Saraswatichandra (1968, ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતીચંદ્ર),
  • ઉપહાર/Uphar (1971, રવિન્દ્રનાથ ટાગોરની ટૂંકી વાર્તા સમાપ્તિ’), 
  • શતરંજ કે ખિલાડી/Shatranj ke Khiladi (1977, પ્રેમચંદની ટૂંકી વાર્તા શતરંજ કે ખિલાડી), 
  • પિંજર/Pinjar (2003, અમૃતા પ્રીતમ લિખિત નવલકથા પિંજર),
  • બ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઈસ (2004, જેન ઓસ્ટન લિખિત નવલકથા પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઈસ),
  • ધ બ્લુ અમ્બ્રેલા/The Blue Umbrella (2005, રસ્કિન બોન્‍ડની વાર્તા), 
  • ધ નેમસેક/ The Namesake (2006, ઝુમ્પા લાહિરીની નવલકથા ધ નેમસેક), 
  • હેલો/Hello (2008, ચેતન ભગત લિખિત નવલકથા વન નાઈટ એટ કોલ સેન્ટર/ One night @ call centre'),
  • વૉટ્સ યોર રાશિ/ What’s your Rashee? (2009, મધુ રાય લિખીત નવલકથા કિમ્બલ રેવન્‍સવુડ’) વગેરે... 

સાહિત્યકૃતિઓ પરથી બનેલી ફિલ્મોની આ યાદી સંપૂર્ણ ન જ હોય, પણ તેનાથી એટલો ખ્યાલ આવે છે કે ફિલ્મના આરંભકાળથી છેક વર્તમાનયુગ સુધી આ પ્રવાહ ચાલતો આવ્યો છે. હજી આ બાબતને વધુ સાદી ભાષામાં સમજાવવી હોય તો કહી શકાય કે પહેલાં પુસ્તક લખાયું, અને પછી એનો આધાર લઈને ફિલ્મ બનાવાઈ.
પણ આનાથી ઉંધું બન્યું છે ખરું? મતલબ કે એવું કદી બન્યું છે કે ફિલ્મ પહેલાં બનાવાઈ હોય, ને એની કથા પરથી પુસ્તક લખાયું હોય? ફિલ્મના આખેઆખા સંવાદોવાળું પુસ્તક બહાર પડે કે ફિલ્મનિર્માણના કિસ્સાઓને લગતું મેકીંગ ઑફ વિષેનું પુસ્તક બહાર પડે એની વાત નથી. ફિલ્મની કથાને વાર્તારૂપે આલેખી હોય એવું કોઈ પુસ્તક ખરું? (સુરતના પીઢ અભિનેતા કૃષ્ણકાન્‍ત/ Krishnakant ના જણાવ્યા મુજબ તેમની દિગ્દર્શીત કરેલી ૧૯૭૭ની ગુજરાતી ફિલ્મ કૂળવધૂની કથા ગુલશન નંદા/ Gulshan Nanda ની હતી. સામાન્ય રીતે જેમની અનેક નવલકથાઓ પરથી જાણીતી ફિલ્મો બની હતી, એવા આ લેખકે કૂળવધૂ રિલીઝ થઈ એ પછી તેને નવલકથા સ્વરૂપે લખી હતી. આ એક અપવાદ.)

આવો સવાલ પૂછવામાં આવે એની સાથે જ દલીલ સૂઝી આવે કે ફિલ્મ પોતે જ દૃશ્યમાધ્યમ છે. લિખીત સ્વરૂપનું દૃશ્યસ્વરૂપે રૂપાંતર થાય ત્યારે એમાં એક પ્રકારનો પડકાર હોય છે. એમ પણ કહી શકાય કે લિખીત વાર્તાની રજૂઆત દૃશ્યમાધ્યમમાં થાય એટલે એક ચક્ર પૂરું થાય છે. તો પછી દૃશ્યમાધ્યમમાંથી તેને પાછું મુદ્રિત માધ્યમમાં લાવવાની શી જરૂર?
અહીં પોતાનું ફિલ્મવિષયક જ્ઞાન પ્રદર્શિત કરતા કે દિગ્દર્શક યા લેખકના મનમાંય ન હોય એવું અર્થઘટન કરી બતાવનારા જાણકાર લેખકોએ લખેલા લેખોની વાત નથી. વાત છે ફિલ્મને એક ભાવકની જેમ માણીને પોતે જે રીતે તેને માણી છે એ બાબત અનેક ભાવકો સુધી પહોંચાડવાની. આવા લખાણમાં પોતાને ફિલ્મોમાં કેટલી સમજ પડે છે એનો દેખાડો ન હોય કે ન હોય ફિલ્મવિષયક જાર્ગનનો છંટકાવ. બલ્કે ફિલ્મની કથાને બને એટલા કથાના સ્વરૂપે મૂકીને ઘડીભર વાંચનારને એ નિતાંત વાર્તા જ લાગે એ રીતે તેનું આલેખન કરાયું હોય.
ગુજરાતી ભાષામાં આવાં બે સદાબહાર પુસ્તકો છે પ્રતિમાઓ અને પલકારા’. અને તેના લેખક છે મુખ્યત્વે લોકસાહિત્યના સંશોધક અને સમર્થ કવિ તરીકે ઓળખાતા ઝવેરચંદ મેઘાણી/ Jhaverchand Meghani. એક સિવાયની બધી ફિલ્મો મેઘાણીએ માત્ર એક જ વાર જોઈ હતી, અને એ પણ થિયેટરમાં. અને છતાંય જે રીતે આ કથાઓથી તે પ્રભાવિત થયા તેને અનેક વાચકો સાથે વહેંચવાનું તેમણે નક્કી કર્યું. ગુજરાતીમાં આ પ્રકારનું બીજું કોઈ પુસ્તક હોવાનું ધ્યાનમાં નથી, અને અન્ય ભાષામાં આવો પ્રયત્ન થયો હોય તો જાણ નથી. (ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ તૈયાર કરેલી આ અદ્‍ભુત વેબસાઈટ જોવા જેવી છે. http://jhaverchandmeghani.com/)

ઝવેરચંદ મેઘાણી 
ફિલ્મોની અસર જનસામાન્ય પર બહુ વ્યાપક રીતે પડતી હોવા છતાં એને બહુ માનની નજરે જોવામાં નથી આવતું, એ હકીકત છે. પણ ખુદ મેઘાણી ફિલ્મો વિશે શું કહે છે?: “ ચિત્રપટની કલાને હાનિકારક લેખનાર વર્ગ ઘણો મોટો છે. એથીય વધુ મોટો સમૂહ ચિત્રપટનો પ્રેમી છે. સિનેમાનો વિરોધ કરવો એ વિજ્ઞાને આપેલી એક અણમોલ ભેટનો અનાદર કરવા બરોબર છે. કરોડો સ્ત્રી-પુરુષો ને બાળકોનું એ આત્મિક અન્ન છે. એમાં ઝેર ભળ્યું છે, તો ઝેરને કાઢી નાખો; એને ઉવેખો નહી.” (પલકારાની પ્રસ્તાવનામાંથી.) કોણ જાણે કેમ, આ બન્ને પુસ્તકો વિષે બહુ ઓછું લખાયું છે. અને એ રીતે લખાયેલા લેખોમાં રજનીકુમાર પંડ્યાના લેખો સૌ પહેલાં યાદ આવે છે.
ફિલ્મોને આત્મિક અન્ન ગણનાર મેઘાણીએ પ્રતિમાઓ (1934) અને પલકારા(1935) માં કુલ પંદર ફિલ્મોની કથા આપી છે. આ પોસ્ટમાં પ્રતિમાઓને યાદ કરવાનો ઈરાદો છે, પણ જરા જુદી રીતે.

પહેલાં તો મેઘાણીભાઈએ જે ફિલ્મો વિષે પ્રતિમાઓમાં લખ્યું છે એ ફિલ્મોને અમે યૂ ટ્યૂબ પર શોધી. અમુક ફિલ્મો આખી ઉપલબ્ધ છે, તો અમુકનો કેટલોક અંશ. ઉપલબ્ધ અંશ અથવા દૃશ્ય મુજબ તેને અનુરૂપ મેઘાણીએ કરેલું વર્ણન પુસ્તકમાંથી લીધું. ફિલ્મની કથાનો ખ્યાલ ન હોય કે 'પ્રતિમાઓ' ન વાંચી હોય તો પણ વાંધો નથી. આસ્વાદમાં તેનાથી જરાય વાંધો નહીં આવે. 
મેઘાણીએ પહેલાં ફિલ્મ જોઈ અને પછી તેની કથા આલેખી. અહીં આપણે પહેલાં મેઘાણીએ લખેલા વર્ણનનો હિસ્સો વાંચીશું અને ત્યાર પછી એ વર્ણનને અનુરૂપ દૃશ્ય જોઈશું.  
***

ફિલ્મ 'ડૉ.જેકીલ એન્‍ડ મિ.હાઈડ’/ Dr. Jekyll and Mr. Hyde ની કથાને આત્માનો અસુરના નામે વર્ણવવામાં આવી છે.
પ્યાલીને એણે હોઠ સુધી લીધી, વળી કંઈક સાંભર્યું. ભૂતાવળ જેવા વિદ્યુત્પ્રવાહોની કિકિયારી વચ્ચે એણે કાગળ લખ્યો. એ કાગળ પોતાના સાત વર્ષોના તલસાટની આરાધ્ય પ્રિયતમા જોગ હતો :
વહાલી......મરણની ઘડી સુધી મેં તને એક જ ચાહી છે. જો મારું મૃત્યુ નીપજે તો માનજે કે વિજ્ઞાનને એક ડગલું આગળ લઈ જવા સારુ હું હોમાયો છું. “
અને પછી એ રસાયણને પોતે એકીશ્વાસે ગટગટાવી ગયો.
એક ક્ષણમાં તો એના જઠરમાં ઝાળો ઊઠી. કાળી બળતરા એના અંગેઅંગમાં વ્યાપી ગઈ. એની નસોને જાણે કોઈ જંતરડામાં નાખીને ખેંચવા લાગ્યું. એને રૂંવે રૂંવે આગ લાગી ગઈ. શરીરની અંદર કોઈ દારુણ સંગ્રામ મંડાયો હોય તેવા ઓહ ! ઓહ ! ઓહ ! અવાજે એનું ગળું ઘૂંટાઈ રહ્યું. અંદરથી જાણે કોઈ અસુર જાઉં છું, જાઉં છું : બળું છું રે બળું છું ની ભેદક ચીસો નાખતો હતો. દેહના પુનિત મંદિરમાંથી એ અસુરને બહાર કાઢવા કોઈક સાંકળોના ફટકા લગાવતું હતું. 

હવે આ દૃશ્યને અનુરૂપ ડૉ.જેકીલ એન્‍ડ મિ.હાઈડનું દૃશ્ય. 



*** 

બીજું દૃશ્ય છે ચાર્લી ચેપ્લિનની જગપ્રસિદ્ધ ફિલ્મ સીટી લાઈટ્સ’/ City Lights નું, જેને જીવનપ્રદીપના શીર્ષકથી વર્ણવવામાં આવી છે. 
મુફલિસે હાથ સંકોડી દીધા. ફૂલવાળીએ એનો હાથ પકડીને હથેળીમાં પૈસો મૂક્યો. મૂકતાં જ , હાથનો સ્પર્શ થતા જ, ફૂલવાળીને રોમે રોમે ઝણઝણાટી ઊઠી., સ્પર્શની વાચાએ એને સાદ દીધો. ઝાલેલો હાથ એનાથી છોડી ન શકાયો. હાથ જાણે ચોંટી ગયો. એનાથી એટલું જ બોલી શકાયું :
“ તમે ? તમે જ ? પાછા આવી પહોંચ્યા ?
મુફલિસે માથું હલાવ્યું. સજળ એનાં નેત્રો હજુ તાકી જ રહ્યાં છે. એના મોંમાંથી પણ સામો આટલો જ બોલ પડ્યો :
“ તું – તું દેખતી થઈ ?
ફૂલવાળીએ માથું હલાવ્યું. ચારે જીવન - પ્રદીપોમાં આંસુનું તેલ પુરાતું હતું. હસ્તમેળાપ હજી ભાંગ્યો નહોતો. બેઉની વચ્ચે એક તાજું ગુલાબ હસતું હતું.

આ દૃશ્ય ફિલ્મનું અંતિમ દૃશ્ય હતું. જોઈએ એ દૃશ્ય.  


*** 


હવે પછીનું વર્ણન છે જનેતાનું પાપ નામની વાર્તાનું, જેની ફિલ્મ છે ધ સીન ઑફ મેડલીન ક્લોડેટ/ The sin of Madelon Claudet’. 
 ડોશી તો મૂંગી મૂંગી દાકતરનો કંઠ-રણકાર અને રોગપરિક્ષાની છટા નિહાળી રહી.
“ લાવો. તમારા હાથ જોઉં ? “ કહેતાં દાકતરે ડોશીના હાથ પોતાના હાથમાં લીધા. દાકતર તો તપાસી રહ્યા છે ડોશીના નખ : નખ ઉપરથી કંઈક રોગ પારખવા માગે છે. પણ બુઢ્ઢીને તો દાકતરના હાથનો સ્પર્શ કોઈ સ્વર્ગીય શીતળતા આપી રહ્યો છે. બુઢ્ઢીના અંગેઅંગમાં ટાઢા શેરડા પડ્યા.
“ હા, હવે જોઉં તમારી આંખો ? “ કહીને દાકતરે એ કાળાં કૂંડાળાંમાં પડેલી, ઓલવાતા બે દીવા જેવી, ઊંડા ખાડામાં ઉતરેલી વૃદ્ધ આંખોની નીચલી પાંપણો જ્યારે આંગળા વતી પહોળી કરી ત્યારે બુઢ્ઢીનાં નિસ્તેજ તારલા દાકતરના મોંને તદ્દન નજીકથી જોઈ શક્યા.
“ હા, જોઉં તમારા ફેફસા કેમ છે ? “ કહીને દાકતરે નીચા વળી બુઢ્ઢીની છાતીએ કાન માંડ્યો. ડોશીની ધીરજ તૂટી પડવાની તૈયારીમાં હતી. એના બેઉ હાથ ઊંચા થયા. પોતાના હૈયા પર પેટના બાળકના માથાની પેઠે ઢળી ગયેલું એ માથું ઝાલી લેવા જેટલા નજીક એના હાથ જઈ પહોંચ્યા. પરંતુ એને કશુંક વારતું હતું. એ સુંદર માથાના વાળને સ્પર્શ્યા પહેલાં એક જ પલે એ બેઉ જર્જરિત હાથ પાછા નીચા ઢળી ગયા.
આ વર્ણનવાળું દૃશ્ય. 


*** 

પુત્રનો ખૂનીના નામવાળી અદ્‍ભુત ફિલ્મ ધ મેન આઈ કીલ્ડ’/ The man I killed નું આરંભિક દૃશ્ય જ મળી શક્યું છે. પણ મેઘાણીનું વર્ણન વાંચ્યા પછી એ દૃશ્ય જોવાની મઝા જ ઓર છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું નામ પછી બદલીને ધ બ્રોકન લલબાઈ /The Broken Lullaby રાખવામાં આવ્યું હતું. 
નગરના દેવળમાં લશ્કરી અફસરો, સૈનિકો અને સ્વયંસેવકોનો એક જબ્બર સમુદાય પ્રાર્થના કરવા એકત્ર થયો છે. એ હતું પ્રભુમંદિર : કાર્યક્રમ હતો જગત-શાંતિની બંદગી કરવાનો : પણ એ નગર હતું મહાયુદ્ધના વિજેતાઓનું. સમુદાયનો એક એક માણસ યુદ્ધના પોશાકમાં જ સજ્જિત બની બેઠો હતો. લોખંડી ટોપથી ચમકતા માથાં : છાતી પર ખણખણતી કડીઓ ને ચકચકિત પટ્ટા : કમ્મર પર રિવોલ્વરો અને સમશેરો : પગના બૂટ ઉપર લોખંડની એડીઓ : એ મેદનીને હરકોઈ ખૂણેથી જુઓ, હથિયાર અને લશ્કરી દમામનું જ  એ પ્રદર્શન હતું. પ્રાર્થના અને હથિયાર બેઉ એક સાથે ત્યાં ગોઠવાયાં હતાં, અને સામસામી મશ્કરી કરતા હતાં. પ્રાર્થના સાચી કે મારવાની શક્તિ સાચી, એ બે વાતની ત્યાં મૂક સ્પર્ધા ચાલતી હતી.
 ટૂંકી એક બંદગી પતાવીને પ્રાર્થના વિસર્જન થઈ. અને જ્યારેએ બુલંદ પ્રાર્થનામંદિર એક છેડાથી બીજા છેડા સુધી નિ:સ્તબ્ધ જનશૂન્ય બની ગયું, ત્યારે એ બાંકડાની સેંકડો હારો માંહેલી એક હારમાં, એક ઠેકાણે, એક ચોરની માફક લપાઈ રહેલો માનવી બેઠકની નીચેથી બીતો બીતો ઊંચો થયો. એના શરીર પર સાદાં કપડાં હતાં. તેનું પણ ઠેકાણું નહોતું. એના મોં પર કોઈ ઉત્સવનો ઉલ્લાસ નહોતો. વેદનાનું ચિત્રામણ હતું. વિરાટ દેહની અંદરથી ઉઠતા ઝીણા આત્માના અવાજ જેવો દેખાતો એ વીસ-બાવીસ વર્ષનો પીડાતો જુવાન એ ખાલી મંદિરમાં હળવે પગે ચાલીને ગર્ભાગાર સુધી પહોંચ્યો. અને એને ધર્મગુરુએ અવાજ દીધો. ”    

આ વર્ણનવાળા દૃશ્યની ક્લીપ.


*** 

મેઘાણીએ કરેલું વર્ણન, અને જેનું વર્ણન કર્યું છે એ દૃશ્યનું ફિલ્માંકન જોઈને થાય કે 'હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલાં વખાણું.' 

('પ્રતિમાઓ'નાં બાકીનાં વર્ણન બીજા ભાગમાં)


(નોંધ: 'પ્રતિમાઓ' પુસ્તક સિવાયની તમામ તસવીરો નેટ પરથી અને ફિલ્મની ક્લીપ યૂ ટ્યૂબ પરથી લીધી છે. આ તસવીરો અને ક્લીપ ઉપલબ્ધ કરાવનાર અનામી મિત્રોનો દિલથી આભાર, કે જેના વિના આ પોસ્ટ બનાવવાનો વિચાર જ ન આવ્યો હોત. 
Hearty thanks to those known and unknown contributors who have made the content of this post available on net and You tube without which this post would not have been conceived.) 

7 comments:

  1. વાહ, અદભૂત. ટેકનોલોજીનો કેવો જોરદાર ઉપયોગ. પ્રતિમા-પલકારા વિશે આવું પણ થઇ શકે, એ વિચાર કદી આવ્યો જ ન હતો. મઝા પડી ગઇ.

    ReplyDelete
  2. Biren, you have done a yeoman service by writing about 'Pratima'. For me it was a nostalgic experience.

    ReplyDelete
  3. Chandrashekhar VaidyaOctober 14, 2012 at 11:35 PM

    વા હ. મજા આવી ગઇ!

    ReplyDelete
  4. મેઘાણીદાદાનું ‘પ્રતિમાઓ’ પુસ્તક વર્ષો પહેલાં ઉર્વીશે મને ભેટ આપ્યું હતું; જેમાં એ બરનું પુસ્તક કરવાની મને તેણે આપેલી શુભેચ્છાને લીધે સિનેમા વિષયક પુસ્તક ઉભડક નહીં કરવાની ચાનકને ઑર બળ મળ્યું હતું. આજે એ જ પુસ્તકમાં વર્ણવેલી ફિલ્મોનાં દ્રશ્યોની વિડીયો ક્લીપ્સ મૂકીને બીરેને મારા જેવા સિનેમાપ્રેમીને તો જલસો કરાવી દીધો છે. ‘કોઠારીઓ’ના કોઠાર (સંગ્રહ) દાતા ભર્યા ભર્યા રાખે!

    ReplyDelete
  5. Thank you Birenbhai for the memorable clips of the masterpieces of black and white movies.
    Particularly touching was the silent Charlie Chaplin
    movies 'City Lights.The expressions speak louder than words - as the Great Thespiana proved. The Lok Shair has done a great justice to the great movies by making their stories available to the masses, and made the movies
    more enjoyable.
    Thanks for sharing.

    ReplyDelete
  6. બિરેનકુમાર–Les Misérables is an 1862 French novel by author Victor Hugo that is widely considered one of the greatest novels of the nineteenth century .Movie "KUNDAN" કુંદન was made by Sohrab Modi with Nimmi in Hindi.
    કેપ્ટન નરેન્દ્ર કહે છે તેમ સિટી લાઈટ લાજવાબ ફિલ્મ છે. લાયનલ બેરિમોર (ડ્રુ બેરિમોરના દાદા)ની ફિલ્મ બ્રોકન લલાબાય– થોડા વખત પર જ જોવા મળી.
    બહુ સરસ આર્ટિકલ બન્યો છે.

    ReplyDelete
  7. Salil Dalal (Toronto)July 8, 2014 at 6:50 PM

    જબ્બર બીરેન...... આ બહુ મોટું/સરસ કામ થયું.... થાય છે. વર્ષો પહેલાં ઉર્વીશે ‘પ્રતિમાઓ’ મને ભેટ આપી હતી તે ફરી યાદ આવ્યું અને ટેક્નોલોજીના ઉપયોગથી આમ રિવર્સ સર્જનાત્મકતા પણ થઈ શકે એ જોઇ પ્રેરણા પણ મળે છે.
    ખુબ ખુબ આભાર.
    -સલિલ

    ReplyDelete