સાવનકુમાર ટાંક (કે તક કે તાક) ફિલ્મોના નિર્માતા- દિગ્દર્શક હોવા ઉપરાંત ગીતકાર પણ છે. પોતાની ફિલ્મોનાં ઘણાં ગીતો તેમણે લખ્યાં છે. તેમની મોટા ભાગની ફિલ્મોમાં સંગીતકાર ઉષા ખન્નાનું સંગીત હોય છે.
સાવનકુમારની ફિલ્મોમાં મુખ્યત્વે સામાજિક પૃષ્ઠભૂમિ હોય છે. 1978માં તેમની એક ફિલ્મ આવેલી 'સાજન બિના સુહાગન', જેમાં ઉષા ખન્નાનું સંગીત હતું. આ ફિલ્મનાં ગીતો ઠીકઠીક લોકપ્રિય થયેલાં. 'કૈસે જિત લેતે હૈ લોગ દિલ કિસી કા', 'જિજાજી જિજાજી, હોનેવાલે જિજાજી', 'મધુબન ખૂશ્બુ દેતા હૈ', 'ઓ મમ્મા, ડીયર મમ્મા' ગીતો વધુ જાણીતાં બનેલાં, અને આ ઉપરાંત બીજાં ત્રણ ગીતો હતાં. 'ઓ મમ્મા, ડીયર મમ્મા' ગીત રેડિયો પર સાંભળતા ત્યારે એમ જ હતું કે ભાણીઓ પોતાના મામાને બર્થડે વીશ કરવા ગીત ગાતી હશે. ફિલ્મ જોતાં ખબર પડી કે 'મામા' નહીં, પણ 'મમ્મા'ને માટે એ ગીત છે.
સાવનકુમારની 1980માં રજૂઆત પામેલી અન્ય એક ફિલ્મ હતી 'સાજન કી સહેલી'. આ ફિલ્મનાં પાંચેક ગીતો હતાં, પણ તેમાં સૌથી જાણીતું બનેલું 'જિસકે લિયે સબકો છોડા, ઉસી ને મેરે દિલ કો તોડા'. આ ગીત મહમ્મદ રફી અને સુલક્ષણા પંડિતે ગાયેલું. તેના ઓપનીંગમાં અને વચ્ચે વચ્ચે વાગતા એકોર્ડિયનના પીસને કારણે આ ગીત ખાસ યાદ રહી ગયું છે.
'સાજન બિના સુહાગન'ના #ટાઈટલમ્યુઝીકનો આરંભ કોરસથી થાય છે, જે 'ઓ મમ્મા, ડીયર મમ્મા, હેપ્પી બર્થડે ટુ યુ'ની ધૂન છે. 1.03 થી વાયોલિનનો સમૂહ શરૂ થાય છે, જે ઉષા ખન્નાના 'આપ તો ઐસે ન થે'ના ગીત 'તૂ ઈસ તરહ સે મેરી જિંદગી મેં શામિલ હૈ'ના ઈન્ટરલ્યુડ સાથે અમુક સામ્ય ધરાવે છે. ત્યાર પછી 1.21 થી સેક્સોફોનનો લાંબો પીસ અને ફરી ઓરકેસ્ટ્રા સાંભળવા મળે છે અને 1.48 થી શરૂ થાય છે 'મધુબન ખૂશ્બુ દેતા હૈ'ની ધૂન, જે કોઈ વાદ્ય પર નહીં, પણ કોરસ દ્વારા ગવાય છે. અને ફરી પાછો છેક સમાપન સુધી તંતુવાદ્યસમૂહ સંભળાય છે.
નીચે આપેલી આખી ફિલ્મની લીન્કમાં 2.19 સુધી ટાઈટલ મ્યુઝીક સાંભળી શકાશે.
**** **** ****
અહીં 'સાજન કી સહેલી' ફિલ્મની લીન્ક આપી છે, જેથી તેના ટાઈટલ ટ્રેકમાં વાગતાં 'સાજન બિના સુહાગન'નાં ગીતોની ધૂનોનો ખ્યાલ આવે.
આ ક્લીપમાં 2.19 સુધી ટાઈટલ મ્યુઝીક છે.