( શિક્ષક તરીકે કનુભાઈ નટવરલાલ પંડ્યાની કારકિર્દીના આરંભ વિષે ભાગ-૧માં વાંચ્યું, જે અહીં ક્લીક કરવાથી જોઈ શકાશે. http://birenkothari.blogspot.in/2012/12/blog-post_17.html
હવે આગળ.)
કનુકાકા મહેમદાવાદમાં જ જન્મ્યા, ઉછર્યા અને અહીં જ શિક્ષકની નોકરીએ લાગ્યા. આને કારણે મહેમદાવાદના અનેક
કુટુંબો સાથે તેમનો સંપર્ક ગાઢ બન્યો. તેમની અત્યંત નિકટનું એક કુટુંબ હતું ભૂલા
પોળમાં રહેતું માણેકધર વૈદ્યનું. માણેકધર વૈદ્યના દીકરા ભાનુધર વૈદ્ય પણ ખાનદાની
વૈદું કરતા હતા. અને ભાનુધર વૈદ્યના ત્રણ દીકરાઓમાંથી બે- ડૉ. કૌશિકધર અને ડૉ.
નૈષધધર ભટ્ટ પણ અનુક્રમે વૈદ્ય તથા ડૉક્ટર બન્યા. મહેમદાવાદની પંડ્યા પોળમાં રહેતા
ચન્દ્રકાન્ત માણેકલાલ શાહ (ઓષડિયા) ના પરિવાર સાથે પણ કનુકાકાને ઘરોબો હતો.
૧૯૩૫-‘૩૬ની
આસપાસ મૂળ નડિયાદના એક વેપારી ચીમનલાલ ચુનીલાલ કોઠારી મહેમદાવાદમાં સ્થાયી થવા
આવ્યા હતા. અહીં તેમણે મકાન પણ બનાવ્યું. તેમના કુટુંબમાં પત્ની કપિલાબેન અને ચાર
સંતાનો- દીકરાઓ સુરેન્દ્ર, નિરંજન અને અનિલ તથા એક દીકરી
સુલોચના- નો સમાવેશ થતો હતો. આ પરિવારનો પણ કનુકાકા સાથે સંપર્ક થયો. નિરંજન અને
અનિલ તો શાળામાં કનુભાઈના હાથ નીચે ભણતા જ હતા. કનુભાઈ તેમને
ભણાવવા માટે ઘેર પણ આવતા. ચીમનલાલને ત્યારે વેપાર અંગે અવારનવાર મુંબઈ જવાનું બનતું. આ સમયે ઘેર પત્ની
અને ચાર બાળકો એકલાં જ હોય. આવા સંજોગોમાં કોઈક વિશ્વાસુ વ્યક્તિને ભરોસે કુટુંબ
સોંપીને જવાય તો સારું એમ તેમણે વિચાર્યું. બાળકોને ભણાવવા માટે ઘેર આવતા
નિષ્ઠાવાન શિક્ષક કનુભાઈ તરત તેમના ધ્યાનમાં આવ્યા. પોતાની ગેરહાજરીમાં રાત્રે ઘેર
સૂવા આવવા માટે ચીમનલાલે કનુભાઈને વિનંતી કરી. કનુભાઈએ જરાય આનાકાની વિના આ વિનંતી
સ્વિકારી. ૧૯૪૦નું એ વરસ હતું. કનુભાઈનું પોતાનું ઘર હતું જ. દિવસ આખો શાળામાં તે
વીતાવતા. બન્ને સમય પોતાને ઘેર જ જમતા અને રાત્રે ફક્ત સૂવા માટે તે ચીમનલાલને ઘેર
આવતા.
કનુકાકા |
પંદર-વીસ દિવસે ચીમનલાલ પાછા આવ્યા. તેમણે અનુભવ્યું કે આ વ્યવસ્થા સૌને
અનૂકુળ આવી ગઈ છે. ચીમનલાલના પાછા આવી ગયા પછી હવે કનુભાઈએ ત્યાં સૂવા માટે આવવાની
જરૂર રહી નહોતી. છતાં ચીમનલાલે કનુભાઈને ભારપૂર્વક કહ્યું, “કનુભાઈ, હું હોઉં
ત્યારે પણ તમે અમારે ઘેર જ સૂવા આવજો. એ સારું રહેશે.” એ સમયે આમ આગ્રહ કરનાર
ચીમનલાલ કોઠારીને કે એ આગ્રહને માન આપીને પછી તેમના ઘરમાં સૂવા આવવાનું શરૂ કરનાર
કનુભાઈ પંડ્યાને ક્યાં ખ્યાલ હતો કે કેવા મજબૂત અને આજીવન ચાલનારા સંબંધનો આ પાયો
નંખાઈ રહ્યો છે. ચીમનલાલના પરિવાર સાથે કનુભાઈનું બંધન એટલું દીર્ઘજીવી નીવડ્યું
કે આ પૃથ્વી પરથી કનુભાઈએ ૨૦૦૫ની ચોથી નવેમ્બરે નેવુ વરસની વયે વિદાય લીધી ત્યારે
જ તેમણે આ ઘરનો ઉંબરો કાયમ માટે વળોટ્યો. આ ગાળામાં તેમણે કોઠારી પરિવારની ચાર ચાર
પેઢીને પોતાની હૂંફ અને છત્રછાયા આપી. ચીમનલાલનાં ચારેય સંતાનોનાં લગ્ન તેમની
સક્રિય હાજરીમાં થયાં. વરસો પછી ચીમનલાલની ત્રીજી પેઢી એટલે કે તેમનાં સંતાનોનાં
દીકરા-દીકરીઓનાં લગ્ન વારાફરતી લેવાયાં ત્યારે પણ મુખ્ય વડીલ તરીકે કનુકાકાની જ
હાજરી રહી. ચીમનલાલની ચોથી પેઢી એટલે કે તેમનાં પૌત્ર-પૌત્રીઓના વસ્તારને પણ
કનુકાકાએ મોટો થતો જોયો. કોઠારી કુટુંબ સાથેના તેમના આ ગાઢ અનુબંધની વાત આગળ ઉપર
કરીશું. હમણાં તેમની શિક્ષક તરીકેની કારકિર્દીની વાત.
**** **** ****
બદલી થઈને મહેમદાવાદ આવતા સરકારી અમલદારો, સ્ટેશનમાસ્ટર જેવા અધિકારીઓને આગલા અધિકારી પોતાના કાર્યનો
ચાર્જ આપવાની સાથેસાથે ‘કનુભાઈ માસ્તર’
પણ ચાર્જમાં આપતા. કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટ એસ.એ.બુખારી, તારાપોરવાલા, તિરમીઝીસાહેબ, મામલતદાર ડેનિસ બોઝ, સ્ટેશન માસ્ટર રમેશભાઈ હાંસોટી, અરવિંદભાઈ બોરડ, મલ્હોત્રાસાહેબ, રતિલાલ પટેલ,
વિનોદભાઈ પટેલ જેવા અનેક અધિકારીઓ મહેમદાવાદ છોડ્યા પછી પણ કનુકાકાનો વિસ્તૃત
પરિવાર બની રહ્યા. આ સૌ અધિકારીઓનાં જે સંતાનોને કનુકાકાએ એકાદ-બે વરસ ભણાવ્યાં એ
સહુ પણ પોતે ભણ્યા-ગણ્યા, સ્થાયી થયા. તેઓ પોતાનાં સંતાનોને
લઈને કનુકાકાને મળવા આવતા.
જો કે,
ભણાવવાની પદ્ધતિ એક બાબત છે અને આચાર્ય તરીકે શિક્ષકો પાસેથી કામ લઈને પરિણામ લાવી
બતાવવું બીજી બાબત છે.
મુખ્ય શિક્ષક બન્યા પછીની તેમની એક નોંધપોથી સ્વહસ્તાક્ષરમાં |
મહેમદાવાદમાં અગાઉ ફક્ત એક જ શાળા હતી. પણ સમય જતાં તેની ત્રણ શાખાઓ થઈ, જે ‘બ્રાન્ચ કુમાર
શાળા’ તરીકે ઓળખાઈ. મુખ્ય શાળા ‘તાલુકા
શાળા’ તરીકે ઓળખાઈ, જ્યાં ચોથું ધોરણ
ભણાવાતું, જ્યારે ‘બ્રાન્ચ કુમારશાળા’માં એકથી ત્રણ ધોરણ ભણાવાતાં. ૧૯૬૦માં કનુકાકા આ ત્રણેય શાળાઓના આચાર્ય
નિમાયા. આચાર્ય થયા ત્યારથી લઈને ૧૯૭૩માં તે નિવૃત્ત થયા ત્યાં સુધીનો સમયગાળો
કનુકાકાની કારકિર્દીમાં શિખર સમો બની રહ્યો. વિપરીતતાઓ અનેક હતી. ‘….અડગ મનના
માનવીને હિમાલય નથી નડતો’ કે ‘મૈં તો
અકેલા ચલા થા જાનિબે મંઝીલ મગર..’ કે ‘એ
વીલ વીલ ફાઈન્ડ અ વે’ જેવી પંક્તિઓ વિષે તેમને ખબર હશે કે
કેમ એ પણ સવાલ છે. કનુકાકાએ એવી કોઈ પંક્તિ અનુસરી નહોતી. બલ્કે કોઈને એ પંક્તિ
રચવાની પ્રેરણા મળે એ રીતે તેમણે કામ કર્યું.
કેવી હતી આચાર્ય તરીકેની તેમની કાર્યશૈલી? વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સરકારના
શિક્ષણવિભાગ સાથે તેમણે શી રીતે કામ લીધું? અને કેવાં પરિણામ
નીપજાવ્યાં?
**** **** ****
તેમના હાથ નીચેની ત્રણેય શાળાઓમાં થઈને એકથી ત્રણ ધોરણના સાત સાત વર્ગ હતા, એટલે કે કુલ ૨૧ વર્ગ.
શાળાનું પોતાનું કોઈ મકાન નહોતું. એક શાખા વળાદરા વાડમાં આવેલી વળાદરા બ્રાહ્મણોની
જ્ઞાતિની વાડીમાં ચાલતી. બીજી શાખા નડિયાદી દરવાજે આવેલા હનુમાનના મંદિરમાં ચાલતી.
ત્રીજી શાખા વારાહી માતાના મંદિરમાં ચાલતી. આ તમામ જગાએ બંધ બારણાવાળાં ખંડ નહોતા.
લાંબી પરસાળ હતી, તેમાં વિદ્યાર્થીઓ બેસતા. છાપરા માટે
વપરાયેલાં જૂનાં પતરાંના કાણાઁઆંથી પડતા તડકાનાં ચાંદરણાંની તો નવાઈ નહોતી. પણ ચોમાસામાં તેમાંથી ટપકતું પાણી બહુ હેરાન કરતું. વળાદરાની વાડીમાં તો
છાપરા અને વળીઓની વચ્ચે ક્યારેક ઘો પણ દેખા દઈ દેતી. ભોંય પર લાદી તો હોય જ
ક્યાંથી? સિમેન્ટની છો કરેલી હતી, જે
શિયાળામાં અત્યંત ઠંડી થઈ જતી.
આ બધી બાહ્ય વિપરીતતાઓ હતી. તેની ફરિયાદ કરીને બેસી રહેવાનો અર્થ નહોતો. નક્કર
કામ કરવું વધુ અગત્યનું હતું. કનુકાકાથી એકલે હાથે કામ થઈ ન શકે. શિક્ષકોના સાથ
વિના કશું ન થઈ શકે. કનુકાકાએ શિક્ષકોને પોતાની 'હાથ નીચેના કર્મચારી' ગણવાને બદલે પોતાના
સમકક્ષ જ ગણ્યા. એ કહેતા- ‘અમારી શાળામાં એક આચાર્ય નથી, બલ્કે ૨૮ આચાર્યો છે.’ અને આવું કંઈ કહેવા ખાતર
નહોતું. આચાર્યના કાર્યાલયમાં આવતા શિક્ષક સામાન્યપણે ઉભા રહીને અદબભેર વાત કરે
એવી ત્યારે પરંપરા હતી. સામે ખુરશી ખાલી હોય તો પણ એ બેસે નહીં, એવી આમન્યા રાખવાનો રિવાજ. પણ કનુકાકા આગ્રહપૂર્વક,
બલ્કે દુરાગ્રહપૂર્વક શિક્ષકને બેસાડે. એ પછી જ તેની વાત સાંભળે. પોતાની આગવી
શૈલીમાં એ કહેતા, “ગુનેગાર હોય એ ઉભો રહે. તમે ગુનેગાર છો
કંઈ?” પછી ઉમેરે, “લોકો આપણને ગાળો
બોલીને આ ખુરશીમાં બેસી જાય છે. તો તમે કેમ નથી બેસતા?”
તેમનો ઈશારો ક્યારેક દારૂ પીને આવતા દેવીપૂજક બાળકોના વાલીઓ તરફ હોય.
વર્ગની વહેંચણી તે
શિક્ષકની કક્ષા પ્રમાણે કરતા. કોઈ શિક્ષકને અમુક ધોરણના વિદ્યાર્થીઓ જ ભણાવવાની
ઈચ્છા હોય તો અહમનો મુદ્દો બનાવ્યા વિના તે વર્ગ આપવામાં આવતો. પરીક્ષાના ચાર
મહિના બાકી હોય ત્યારે વિદ્યાર્થીઓની કક્ષા મુજબ તેમના ભાગ પાડી દેવામાં આવતા-
ઉત્તમ, સારા, ખરાબ અને નબળા વિદ્યાર્થીઓની જૂથવાર વહેંચણી
થઈ જતી. એ પછી નબળા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન અપાતું, સાથેસાથે હોંશિયાર વિદ્યાર્થીઓ પણ આગળ વધતા.
નબળા વિદ્યાર્થીઓને લઈને હોંશિયાર વિદ્યાર્થીઓનો વિકાસ રુંધાતો નહીં. તેમ નબળા
વિદ્યાર્થીઓ પર ધ્યાન વધુ કેન્દ્રિત થઈ શકતું.
દરેક શિક્ષકની સગવડ
સાચવવાની, પણ કામમાં કશી
બાંધછોડ નહીં. કોઈક શિક્ષકની નિર્ધારીત બાર રજાઓ વપરાઈ ગઈ હોય અને એ પછી તેને
રજાની જરૂર પડે તો પણ તે આપવામાં આવતી. ‘એકને આપું તો
બીજા માંગે’ કે ‘ખોટો દાખલો બેસે’ એવું કહીને વાત
ટાળવામાં ન આવતી. આ રીતે રજા પર જનાર શિક્ષકનો વર્ગ બીજા શિક્ષક લઈ લેતા. વાત
ઘરમેળે જ સમેટાઈ જતી.
પણ ભણાવવામાં જરાય દિલચોરી ચાલતી નહીં. ત્રણેય શાળાઓમાં કનુકાકા આચાર્ય તરીકે નિયમીત રાઉન્ડ મારતા. પણ તેમના આવવાનો કોઈ નિશ્ચિત સમય નહીં, બલ્કે તે રોજેરોજ અલગ અલગ સમયે જ શાળામાં જઈ પહોંચે. ક્યારેક તો એક જ દિવસમાં બે વાર પણ આવી ચડે. આને કારણે શિક્ષકને ગાફેલ રહેવું જરાય ન પરવડે. દરેક શિક્ષકે પોતાની નોંધપોથી કરેલા કામ મુજબ રોજેરોજ ભરવાની રહેતી. આચાર્ય તરીકે કનુકાકા શાળાની મુલાકાતે આવે ત્યારે જે તે શિક્ષકની નોંધપોથી જોવા માંગતા. તેમાં જે વિષય કે પ્રકરણ ભણાવાયાની નોંધ હોય તે અંગે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછીને ખાતરી કરી લેતા. વિદ્યાર્થીઓ પણ એ રીતે તૈયાર થયેલા કે ખોટું ચલાવી ન લે. કોઈનો ડર રાખ્યા વિના સાચું કહી દે. શિક્ષકે જોડણી ખોટી લખી હોય તો પણ વિદ્યાર્થી બેધડક કહી દેતા. આનો ફાયદો એ થતો કે પાસ થઈને ઉપલા ધોરણમાં જતા વિદ્યાર્થીઓ સજ્જ બનીને જતા. તેને કારણે પહેલા-બીજા ધોરણના સાવ નાનાં બાળકોને ભણાવવામાં જે તકલીફ પડે એ આપોઆપ ઘટી જતી. આથી શિક્ષકો પણ રાજી રહેતા.
આ શાળામાં બદલી દ્વારા
શિક્ષકોની આવનજાવન ચાલુ રહેતી. બદલી થઈને જતા શિક્ષક માટે ફંડફાળો એકઠો કરવાની કે
વિદાયસભા યોજવાની પ્રથા તેમણે શરૂ જ ન કરી. બસ, બદલી થઈને જનાર
શિક્ષકને શુભેચ્છાના પ્રતીકરૂપે નાળિયેરની સાથે સવા રૂપિયો આપી દીધો એમાં બધુંય
આવી ગયું. આ નિયમમાં તેમણે પોતાના માટે પણ અપવાદ ન રાખ્યો.
શિક્ષકોને તે સતત આગળ
ભણવા માટે પ્રોત્સાહિત કરતા. આ કારણે મુખ્યત્વે પી.ટી.સી. થયેલા તેમની શાળાના ઘણા
શિક્ષકો નોકરી ચાલુ રાખીને બી.એ; બી.એડ. કર્યા
પછી એમ.એ. અને એ પછી એમ.એડ.પણ થયા. અભ્યાસ દરમ્યાન શિક્ષકે ક્યારેક કપાતે પગારે પણ
રજા લેવી પડતી. પણ કનુકાકા પોતાના સ્રોત દ્વારા આ પગારની જોગવાઈ કરી આપતા. અભ્યાસ
કરી રહેલા શિક્ષકને ઓછી તકલીફ પડે એ માટે તેને સારા વિદ્યાર્થીઓવાળો વર્ગ અપાતો. ઉચ્ચ અભ્યાસ પછી સ્વાભાવિક ક્રમમાં આ
શિક્ષકો આગળ વધ્યા, આ શાળા છોડીને
હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિકના વર્ગો લેતા થયા, પણ કનુકાકાને
જીવનભર ન ભૂલ્યા. અને ભૂલે શી રીતે? શિક્ષકોની કેવળ
હાજરી કે રજાની જ તે અનૂકુળતા કરી આપતા હતા એવું નહોતું. એ ઉપરાંત જે તે શિક્ષકના
કૌટુંબિક સંજોગોની પણ તે જાણકારી રાખતા. તેમને માટે જરૂરી કોલેજ ફીની જોગવાઈ પણ તે
કરી આપતા. એ શી રીતે?
આચાર્ય થયા ત્યાં સુધી
કનુકાકાના હાથ નીચે ભણીને એક પેઢી પસાર થઈ ગઈ હતી. આ સૌ કોઈ ને કોઈ રીતે
કનુકાકાનું ઋણ ચૂકવવાની ચેષ્ટા કરતા. કનુકાકાની પોતાની જરૂરિયાત સાવ મર્યાદિત હતી.
આચાર્ય તરીકે તેમને મળતા સાઠ રૂપિયાના માસિક પગારમાં તેમનું થઈ રહેતું. સફેદ પહેરણ, સફેદ ધોતિયું, ઉપર બંડી અને
ટોપી- આ તેમનો કાયમી પોશાક. કનુકાકાની પહેરવા-ઓઢવાની જરૂરિયાત સાવ મર્યાદિત હતી.
પણ કોલેજમાં ભણતા શિક્ષકો તે જમાના મુજબ યોગ્ય વસ્ત્રો પહેરે એવો તેમનો આગ્રહ રહેતો.
પોતે એક જોડ ચપ્પલમાં બે-ત્રણ વરસ ખેંચી કાઢે, પણ કોલેજમાં
અભ્યાસ કરતા પોતાના શિક્ષકને પોતાની સાદાઈના કે કરકસરના ઉદાહરણ આપવાને બદલે નવા
બૂટ લાવવા આગ્રહપૂર્વક પૈસા આપે. એ કહેતા, “તમારે કોલેજમાં
જવાનું છે. તો એ પ્રમાણે રહેવું જરૂરી છે.”
તેમના હાથ નીચે ભણીને આગળ
વધેલા અનેક લોકો કનુકાકાને મદદ કરવા તત્પર રહેતા. કોઈક તેમને રોકડા રૂપિયા આપતું, તો કોઈક ધોતીજોટો આપતું. પણ કનુકાકા સવિનય એ
સ્વીકારવાનો ઈન્કાર કરતા. કહેતા, “મારે કશાની
જરૂર નથી. પણ જરૂર પડશે ત્યારે ચોક્કસ માંગીશ.” અને પોતાના શિક્ષકોની જરૂર માટે
કનુકાકા વિના સંકોચે માંગી લેતા. મોટે ભાગે એવું બનતું કે મદદ લેનાર શિક્ષક
ઉપકારના ભાવમાં આવી જતો. તે કનુકાકાનું અંગત કામ કરવાની તૈયારી દેખાડતો. પણ
કનુકાકા જેનું નામ! પેલાને ઉપકાર લગાડવાની તો વાત જ નહીં, જાણે કે પોતે કશું કર્યું જ નથી, એવી નિર્લેપતા અને ક્યારેય કશો ઉલ્લેખ સુદ્ધાં
નહીં. ભલું હોય તો લાગ જોઈને બીજી કોઈ વાતે એ શિક્ષકને ધધડાવી પણ નાંખે, જેથી પેલો બીકનો માર્યો પણ ‘આભાર’ બોલવાની હિંમત ન
કરે. આવી રીતે ખખડાવવા પાછળ કનુકાકાના મનમાં એમ પણ હોઈ શકે કે પેલાને આ ધમકાવેલું
વધારે યાદ રહી જાય અને એની આડમાં પોતે મદદ કરેલી એ વાત ભૂલાઈ જાય. ‘કોઈને મદદ કરવી અને એ પછી તેને એની યાદ અપાવવી
એ તો પાપ કહેવાય’ એવી તેમની સમજણ.
અલબત્ત, ‘પાપ’ શબ્દનો તેમનો
અર્થ ‘અધમ કાર્ય’ હતો, પ્રચલિત ‘પાપ-પુણ્ય’નો નહીં.
આ રીતે કનુકાકાની 'સેના'માં 'એક સેનાપતિ અને બીજા સૈનિકો' જેવો નહીં, બલ્કે 'સૌ સૈનિકો' અથવા તો 'સૌ સેનાપતિઓ' જેવી વ્યવસ્થા હતી,જે તદ્દન વ્યૂહાત્મક રીતે, નિશ્ચિત ધ્યેય રાખીને કામ કરતી. કેવું હતું તેમનું ધ્યેય? અને એ પાર પાડવા માટેની કાર્યપદ્ધતિ?
**** **** ****
કનુકાકાએ બનાવેલી આ યાદી પરથી તેમના વિદ્યાર્થીઓ કયા વર્ગના હતા એ ખ્યાલ આવી શકશે. |
એ સમયે જ્ઞાતિભેદ તીવ્ર હતો. ૧૯૩૫-’૩૬ થી મહેમદાવાદમાં ‘ભંગી’(તે જમાનામાં વપરાતો શબ્દ)ઓના બાળકો શાળાએ આવતા થયેલા. સાવ ઓછી શાળાઓમાં
આવી શરૂઆત થઈ હતી, જેમાં મહેમદાવાદનો પણ સમાવેશ થતો હતો. શિક્ષકો
આ બાળકોને ભણાવતા ખરા, પણ શાળાએથી ઘેર ગયા પછી તેઓ સ્નાન
કરતા અને કપડાં બદલી લેતા. ધીમે ધીમે આ ઘટતું ગયું, અને
દસ-પંદર વરસે તો સાવ નાબૂદ થઈ ગયું. અન્ય જ્ઞાતિઓનાં બાળકોની જેમ જ આ બાળકોનો
સ્વિકાર થયો. કનુકાકાની શાળામાં વિદ્યાર્થી કોઈ પણ કોમનો હોય, કશો ભેદભાવ નહોતો. હા, શ્રમજીવી, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકો પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં
આવતું. આવાં બાળકો પ્રત્યે તેમને વિશેષ સહાનુભૂતિ. તેમને માટે ચોપડીઓ કે
સ્લેટપેનની વ્યવસ્થા તો એ કરતા જ, પણ પોતાના ઓળખીતા-પાળખીતાઓ
પાસેથી તેમના માટે કપડાંય લઈ આવતા. ઘણાં બાળકો એવાં હતાં કે પોતાનાં માબાપને
મજૂરીમાં મદદ કરવા માટે તેમને જવું પડતું- ખાસ કરીને ટ્રેનના સમયે સામાન ઉંચકવા કે
લારી ખેંચવા. આવા વિદ્યાર્થીઓની સ્થિતિને ધ્યાનમાં લઈને તેમને વહેલા જવાની છૂટ
આપવામાં આવેલી. પણ પછી તેમની પર વિશેષ ધ્યાન અપાતું. શાળામાં સવારે પ્રાર્થનાના
સમય પહેલાં આવી જતા વિદ્યાર્થીઓને આંક શીખવાડવામાં આવતા. સારા અક્ષરો અને એ માટેની
કનુકાકાની પદ્ધતિ તો તેમની શાળાની ઓળખ બની ગયેલી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
વિદ્યાર્થીઓને સાવ શરૂઆતમાં ચિત્રકામ શીખવાડાતું. તેને કારણે વળાંકો પર
વિદ્યાર્થીની હથોટી બેસવા લાગતી. એ પછી તેમને અક્ષર શીખવાડવામાં આવતા. આને લઈને
મોટે ભાગે એમ બનતું કે વર્ગના લગભગ બધા બાળકોના અક્ષર એકસરખા મોટા, મરોડદાર, જેને આપણે ‘મોતીના
દાણા જેવા’ કહીએ છીએ એવા હતા. ‘અક્ષરો
મોટા અને મરોડદાર, બે શબ્દો વચ્ચે જગા’નો
મંત્ર તો કનુકાકાનો જાણે કે જીવનમંત્ર બની ગયો હતો. અમારાં બાળકોને પણ એ સાંભળવાનો
લાભ મળ્યો છે. લારી ખેંચતા, દુકાનમાં અનાજની ગુણો ઉંચકવાની
છૂટક મજૂરી કરતા, સફાઈકામ કરતા, ભીખ
માંગતા અને ગામની સીમે સાવ અલાયદી ઝૂંપડપટ્ટીની વસાહતમાં રહેતા લોકોને તેમના
બાળકોને શાળાએ મોકલવા માટે કનુકાકા સમજાવતા. ‘ભણશો તો સુખી
થશો’ એ જ એમની સમજાવટ અને એ જ એમનું સૂત્ર. આચાર્ય તરીકે
વિદ્યાર્થી અને શિક્ષક ઉપરાંત સરકારના શિક્ષણવિભાગ સાથે પણ પનારો પડવો સ્વાભાવિક
અને અનિવાર્ય હતો. ખરેખર તો ત્યારે સૌથી અઘરું અને અગત્યનું મનાતું આ કામ
કનુકાકાની શાળામાં સાવ સરળ થઈ ગયેલું.
**** **** ****
શાળામાં નિયત સમયે સરકારના
શિક્ષણવિભાગનું ઈન્સ્પેક્શન આવતું. સામાન્ય પરંપરા મુજબ તો આ નિરીક્ષકની મહેમાનગતિમાં
ધ્યાન રાખવાનું હોય, જેમાં તેમની
આવવ-જવાની સુવિધાઓ ઉપરાંત તેમને ભાવતાં ભોજન પણ જમાડવાં પડતાં. જેથી તે શાળા અંગે
કશી વિપરીત ટીપ્પણી ન લખે. પણ કનુકાકાની શાળામાં આવતા નિરીક્ષક માટે ચાના પ્યાલાથી
વધુ કશી જ મહેમાનગતિ થતી નહીં. અને અહીં નિરીક્ષકને બીજી કશી અપેક્ષા પણ રહેતી
નહીં. તેમને ખબર જ હતી કે આ શાળાઓના વિદ્યાર્થીઓ એકદમ તૈયાર છે, શિક્ષકો સજ્જ છે, તમામ બાબતોના રેકર્ડ વ્યવસ્થિત છે. આથી વિશેષ
શું જોઈએ!
આ ત્રણેય શાળાઓની ખ્યાતિ
જોતજોતાંમાં એવી પ્રસરી કે તેના ઉદાહરણો અપાવાં લાગ્યાં. ૧૯૬૪-’૬૫માં તો જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓના
આચાર્યોને લેખિત હુકમ ફરમાવ્યો કે મહેમદાવાદની ‘બ્રાન્ચ
કુમારશાળા’ દરેકે ફરજિયાત
જોઈ આવવી. નથી આ શાળાના મકાનના ઠેકાણાં, કે નથી બીજી કશી
સગવડ, અને છતાંય તે કેવું
ઉત્કૃષ્ટ કામ કરે છે એ સૌએ નજરે જોવું રહ્યું.
આ હુકમ પછી શાળાના મુલાકાતીઓ
વધવા લાગ્યા. પણ તેને લઈને ભણતરના કામમાં કશો વિક્ષેપ પડતો નહીં. જિલ્લા શિક્ષણ
સમિતિનાં સભ્ય અને નડીયાદની ‘વિઠ્ઠલ
કન્યાવિદ્યાલય’નાં આચાર્યા
કુસુમબેન પટેલ તો આ શાળાઓનું કામ જોઈને ખૂબ પ્રભાવિત થઈ ગયાં. તે પોતે
કન્યાવિદ્યાલયનાં આચાર્યા હોવાથી શિસ્તનું મહત્વ સારી પેઠે જાણતાં હતાં. અહીં
તેમણે જે વાતાવરણ જોયું, તે અંગે તેમણે
લખેલી નોંધમાં મુક્તપણે પ્રશંસા કરી.
કનુકાકાને રાજ્ય પારિતોષિક પ્રાપ્ત થયાના સમાચાર |
એક રીતે ત્રણેય શાળાઓના શિક્ષક અને કનુકાકાનો આ બૃહદ પરિવાર જ બની ગયેલો.
રમેશભાઈ વ્યાસ (નવાપરા), રમેશભાઈ સોની (નવાપરા), રમેશભાઈ મહીડા, પાઉલભાઈ પરમાર, ગિરીશભાઈ, મૂળજીભાઈ (વાંઠવાળી), ગઢવીસાહેબ, ભાનુભાઈ દરજી, ભારતીબહેન વ્યાસ, ભારતીબહેન શાહ, વીણાબહેન દરજી, વિદ્યાબેન શાહ, ઉષાબેન, દાઉદભાઈ, ફિલીપભાઈ અને બીજા ઘણા
શિક્ષક-શિક્ષિકાઓ કનુકાકા આચાર્યપદે હતા ત્યાં સુધી જ નહીં, બલ્કે તે જીવિત રહ્યા
ત્યાં સુધી સ્વજન સમા બની રહ્યાં.
મહેમદાવાદની આ શાળાઓની ઉત્કૃષ્ટ કામગીરી જોઈને જિલ્લા શિક્ષણાધિકારીએ કનુકાકાનું
નામ ગુજરાત સરકારના શિક્ષણ ખાતામાં નામાંકન માટે મોકલ્યું. કનુકાકાને મન તો બાળકો
ભણેગણે અને સ્વાશ્રયી બને એ જ મોટો પુરસ્કાર હતો. તેમનું વિશ્વ બાળકોની કેળવણી પર
જ કેન્દ્રિત હતું. શિક્ષકને ‘રાજ્ય પારિતોષિક’ જેવું કોઈ સન્માન સરકાર આપે છે એ પણ તેમને ખબર નહોતી. જિલ્લા શિક્ષણાધિકારીએ
તેમનું નામ સૂચવ્યા પછી જરૂરી વિધિ અને ફોર્મ ભર્યાં ત્યાં સુધી કનુકાકાને ખ્યાલ
નહોતો કે એ શેના માટે છે. પણ ૧૯૭૧ની ૧ ઓક્ટોબરે સાંજે રેડિયો પરથી ૭.૧૦ વાગ્યાના
પ્રાદેશિક ન્યુઝ બુલેટિનમાં સમાચાર પ્રસારિત થયા અને ઘોષણા કરવામાં આવી કે
રાજ્યભરમાંથી કુલ નવ શિક્ષકોની પસંદગી ‘રાજ્ય પારિતોષિક’ માટે કરવામાં આવી છે. આ
નવ શિક્ષકોમાં એક નામ મહેમદાવાદના કનુભાઈ નટવરલાલ પંડ્યાનું પણ હતું.
એ સમયે રેડિયોના સમાચાર સાંભળવાનો મોટા ભાગના લોકોનો નિત્યક્રમ હતો.
જોતજોતાંમાં ગામ આખામાં આ સમાચાર પ્રસરી ગયા. શિક્ષકો સૌ રાજી થઈ ગયા. સૌ ભેગા
મળીને કનુકાકાને મળવા માટે અમારે ઘેર આવ્યાં. પણ કનુકાકા ક્યાં? એ તો એમના નિત્યક્રમ
મુજબ ભાનુભાઈ વૈદ્યને ત્યાં હતા. થોડી વારે એ આવ્યા. સૌએ તેમને વારાફરતી હાથ
જોડ્યા. મમ્મીએ ગોળધાણા એક થાળીમાં તૈયાર કર્યા. સૌએ તે હોંશે હોંશે લીધા. (શુભ
પ્રસંગે ગોળધાણા વહેંચાય છે, એવી મને ત્યારે પહેલવહેલી વાર ખબર પડી.) કનુકાકાએ આવેલા તમામનો આભાર માન્યો.
એક જોતાં સૌ શિક્ષકોને એમ લાગતું હતું કે આ સન્માન તેમનું ખુદનું થયું હતું.
કનુકાકાએ પણ તેનો જશ સૌના પ્રયત્નોને આપ્યો.
એ પછી ૧૯૭૨માં આ પારિતોષિક એનાયત કરવાનો સમારંભ યોજાયો. જો કે, આ બધું માર્ગમાં આવતા
એક મુકામથી વિશેષ કંઈ નહોતું. કનુકાકાએ પોતાનું કામ રાબેતા મુજબ ચાલુ જ રાખ્યું.
આમ ને આમ, તેમની નિવૃત્તિનો
સમય આવ્યો.
૧૯ ફેબ્રુઆરી, ૧૯૭૩ના રોજ તેમના
કાર્યકાળની મુદત પૂરી થતી હતી. કનુકાકાએ બહુ સાહજિકપણે આ વાત સ્વીકારી લીધેલી. ‘પછી શું કરીશું?’ એવો ભય તેમના મનમાં
પેદા થયો જ નહોતો. જો કે, નિવૃત્તિ વેળાએ શૈક્ષણિક વર્ષ અધૂરું રહી જતું હતું, એટલે તેમણે નિવૃત્તિની
મુદત છ મહિના જેટલી લંબાવવાની શરતી વિનંતી કરી, જેથી શૈક્ષણિક વરસ આખું પૂરું થઈ શકે. તેમની શરત એ હતી કે
વધારાના છ મહિનાના આ ગાળા દરમ્યાન પોતે પગાર લેશે નહીં. તેમની વિનંતી માન્ય રખાઈ.
છેવટે તેમની વિદાયનો દિવસ પણ આવી ગયો. તેમની શાળાના શિક્ષકો તેમને ભવ્ય વિદાય
આપવા ઈચ્છતા હતા. પોતાના તરફથી સ્મૃતિચિહ્નરૂપે કશીક ભેટ અને તેમના માનમાં જમણવાર.
પણ કનુકાકાએ ધરાર કશું સ્વીકારવાની ના પાડી. ન ભેટ કે ન જમણવાર. તેને બદલે એટલી
રકમ ગરીબ બાળકો પાછળ વાપરવા માટે જણાવ્યું. તેમણે ફક્ત નાળિયેર અને સવા રૂપિયો જ
સ્વીકાર્યો અને સૌ શિક્ષકોને વ્યક્તિગત રીતે મળીને વિદાય લીધી. બન્ને પક્ષે લાગણી
વ્યક્ત કરવાના શબ્દો નહોતા. શિક્ષકોની કેવળ આંખો જ વહી રહી હતી. કનુકાકાએ સૌને શુભકામનાઓ
આપીને શાળામાંથી વિદાય લીધી. શાળામાંથી તેમણે વિદાય લીધી હતી, પણ સૌના હૈયામાં તેમણે
અચળ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
૧૯૭૩માં અઠ્ઠાવન વરસની ઉંમરે આચાર્ય તરીકે નિવૃત્ત થયા પછી કનુકાકા વધુ પ્રવૃત્ત
બન્યા. નોકરીમાં તે જોડાયા ત્યારે તેમનો માસિક પગાર રૂ. ૧૫/- હતો. એ પછી તે મુખ્ય શિક્ષક
બન્યા ત્યારે પગાર વધીને રૂ.૬૦/- થયો. આચાર્ય તરીકે નિવૃત્તી વેળાએ તેમનો પગાર હતો
રૂ. ૨૮૦/-. હવે એ પગાર બંધ થવાનો હતો અને મહિને રૂ. ૧૦૧/- (૮૬રૂ. મૂળ રકમ + ૧૫રૂ. મોંઘવારી)
નું પેન્શન ચાલુ થવાનું હતું. એકલા જીવના નિભાવ માટે આટલી રકમ કદાચ પૂરતી ગણાય. પણ
કનુકાકા ક્યાં એકલા હતા? તેમનું કુટુંબ કેવડું વિશાળ! કોઈ પણ જરૂરતમંદ તેમનો કુટુંબી હતો. એ ગરીબ હોય કે
મધ્યમવર્ગી, જરૂરતમંદ હોય એ પૂરતું
હતું.
કનુકાકાના આ વિશાળ કુટુંબના વિશિષ્ટ કુટુંબીજનો વિષે તેમજ અમારા પરિવારમાં તેમની
ભૂમિકા હવે આગામી કડીઓમાં.
(ક્રમશ:)